સબરીમાલાના ચુકાદા-વિરોધી માનસ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય.
કેરળનાં સબરીમાલા મંદિરમાં દસથી પચાસ વર્ષની રજસ્વલા સ્ત્રીઓ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ગેરકાયદેસર ઠરાવીને સર્વોચ્ચ અદાલતે ફરી એક વાર આધુનિક દુનિયામાં હોવું જ જોઈએ તેવું પ્રગતિશીલ પગલું ભર્યું છે. પણ તેનો રસ્તા પર વિરોધ કરીને સ્ત્રી-પુરુષોનો એક વર્ગ તેમ જ દેશ પર શાસન કરનાર ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) ધર્મ અને પરંપરાનાં નામે પછાત સ્ત્રીવિરોધી પુરુષસત્તાક માનસનું પ્રદર્શન કરી રહ્યાં છે. આ લોકો એ જ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય. ભા.જ.પ. દ્વારા કરવામાં આવેલા વિરોધને ટેકો આપીને કૉન્ગ્રેસ ફરીથી તથાકથિત સૉફ્ટ હિન્દુત્વ અપનાવી રહી છે. ધર્મસત્તાની શેહ સ્વીકારીને તે શાહબાનોના કિસ્સામાં દેશનાં સેક્યુલરિઝમને કાયમી નુકસાન કરી ચૂકી છે. કેરળની ડાબેરી રાજ્ય સરકાર સક્રિય બનવામાં અક્ષમ્ય વિલંબ કરીને નિષ્ફળ સાબિત થઈ રહી છે. આમ આદમી પાર્ટી, દલિત પક્ષો અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોએ ભાગ્યે જ પ્રતિભાવ આપ્યો છે. રાજકીય પક્ષો સામાજિક સુધારાની પડખે ન રહે તે ચિંતાજનક બાબત છે. નાગરિક સમાજ કહેતાં નારીવાદી કે માનવાઅધિકાર સંગઠનો સબરીમાલાના કિસ્સામાં લગભગ ચૂપ છે. તાજેતરમાં ‘અર્બન નક્સલ’ ગણાતાં કર્મશીલોની ધરપકડ, કથૂઆ કે નિર્ભયા અત્યાચાર, શનિશિંગણાપુર મંદિર કે હાજી અલી દરગાહમાં પ્રવેશ પ્રતિબંધનાં વિરોધમાં દેખાવ કરનારની જાગૃતિ સબરીમાલામાં ગેરહાજર જણાય છે.
આ બધાંની વચ્ચે કેરળની સ્ત્રીઓ સીધી રીતે, અને પરોક્ષ રૂપે એકંદર ભારતીય સ્ત્રી ગૌરવહનન વેઠી રહી છે. સબરીમાલાના ઝાડીવાળા ટેકરિયાળા વિસ્તારમાં વરુઓ સસલાં પર કે સુરક્ષાદળો ખૂંખાર આતંકવાદીઓ પર નજર રાખે તેમ, નરોનાં ટોળાં સ્ત્રીઓ પર જાપ્તો રાખી રહ્યાં છે. મલયાલમ અભિનેતા કોલ્લમ તુલસીએ તો ભા.જ.પે. કોલ્લમ ખાતે યોજેલી એક જાહેર સભામાં એમ કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતી સ્ત્રીઓના બે ટુકડા કરીને એક ટુકડો કેરળના મુખ્યમંત્રીની કચેરીમાં અને બીજો દિલ્હી મોકલવોજોઈએ. ચૂકાદા-વિરોધીઓનો બદઇરાદો મંદિરમાં જવા ધારતી સ્ત્રીઓને અટકાવવાનો છે. આ નારીવિરોધી નરો, દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓને આપેલો અધિકાર પ્રત્યક્ષમાં બનાવવાનું વિચારી રહેલી સ્ત્રીઓને પરંપરા અને અવૈજ્ઞાનિકતાના હથિયારોથી અટકાવી રહ્યા છે. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી હોય તેવા જમાનામાં પણ, માસિક ધર્મ નામની પ્રજનન સાથે સંકળાયેલી હોવાથી ઉમદા, શારિરીક રીતે પીડાકારક અને માનસિક રીતે બહુ જ સંકુલ એવી કુદરતી દૈહિક પ્રક્રિયાને અપવિત્રતા તેમ જ આભડછેટનો મામલો બનાવીને તેની પર બેહૂદો જાહેર વિવાદ કરવો એ કોઈપણ સભ્ય સમાજ માટે બહુ જ શરમજનક બાબત ગણાય.
ચુકાદાનો વિરોધ કરનાર સંગઠનો કેરળની ડાબેરી સરકારને ગાંઠી રહ્યાં નથી. એક મહિલા પત્રકાર અને એક કર્મશીલને છેક મંદિરના દરવાજે પોલીસ રક્ષણ હેઠળ લઈ જઈને દર્શન વિના પાછી લાવવી પડી છે. ચુકાદા પર રિવ્યૂ પીટિશન નહીં કરવામાં સરકાર મક્કમ રહી છે. પણ મંદિરનો વહીવટ કરનાર ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં સરકારે જ ઑર્ડિનન્સથી નિમેલા માર્ક્સિસ્ટ પ્રમુખ એ. પદ્મકુમાર તો એક તબક્કે રિવ્યૂ પીટિશન માટે તૈયાર પણ થયા હતા. આ પહેલાં પણ એક વાર સી.પી.આઇ.(એમ.)એ સબરીમાલા પ્રતિબંધ અંગે ઢીલું વલણ અપનાવ્યું હતું, અને વિરોધને પગલે વળી પાછી કડક ભૂમિકા લીધી હતી.
સરકારને ચુકાદાની તારીખ અને મંદિરપ્રવેશના સમયગાળાની ઠીક આગોતરી જાણ હતી, છતાં કાયદો અને વ્યવસ્થા અંગે ઢીલી રહી છે. સરકાર ધારે તો સખત વિરોધ સામે કડક હાથે પગલાં લઈને કાયદાનું કે બંધારણનું પાલન કરાવી શકે છે. લાલુ પ્રસાદે ઑક્ટોબર 1990માં રામરથયાત્રા કાઢવા માટે અડવાણીની બિહારમાં અને મુલાયમ સિંગ યાદવે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ના હજારો કાર્યકર્તાઓની ધરપકડો કરી હતી. ઉત્તર પ્રદેશની સરકારે ઑગસ્ટ 2013 માં સૂચિત ‘ચોર્યાસી કોશી પરકમ્મા યાત્રા’ પહેલાં અયોધ્યામાંથી ધરપકડ કરી હતી. મહુવા આંદોલનના ભાગ રૂપે ડૉ. કનુભાઈ કલસરિયાએ ફેબ્રુઆરી 2013માં અમદાવાદથી ગાંધીનગર તરફ યોજેલી વિરોધ-રેલીને સરકારે સાબરમતી આશ્રમ આગળ જ આગેવાનોને અટકાયતમાં લઈને રોકી લીધી હતી. આનંદીબહેન પટેલે અનામતને અનુમતિ આપી ન હતી, તાજેતરમાં હાર્દિક પટેલને સરકારે જાહેર જગ્યાએ ઉપવાસ કરવા દીધા ન હતા. ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થવા ન દેવું એ તો સરકારની વરસોથી તાસીર રહી છે. લોકોની માગણી સાચી હોય અને ખુદ ખોટી હોય ત્યારે પણ સરકાર તંત્રને કામે લગાડીને વિરોધને ડામી શકતી હોય છે. કેરળમાં તો સરકારે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત રીતે માનવતાવાદી ચુકાદાનું પાલન કરાવવાનું છે. આ કામ અત્યાચાર-હિંસાચાર વિના થાય એ રીતે કરવાની કોશિશ એની કસોટી છે. જો આ ધ્યેયની નજીક પણ એ ન પહોંચે તો સ્ટેટ કહેતાં રાજ્યસત્તા શા કામની એવો સવાલ ઊભો થાય છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓ પરનો પ્રતિબંધ ખરેખર પ્રાચીન છે કે કેમ એ અંગે પણ અભ્યાસીઓમાં અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે. વળી, કેરાલાની સ્ત્રીઓ માટે આ પહેલવહેલી લડત નથી. પછાત ગણાતા વર્ગની સ્ત્રીઓ શરીરના ઉપરના હિસ્સામાં વસ્ત્ર પહેરવાની મનાઈના વિરોધમાં 1813થી પચાસેક વર્ષ સંઘર્ષ ચાલ્યો હતો !
સબરીમાલા ચુકાદાની સામે પડવામાં ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સ્ત્રીવિરોધી પ્રતિગામી શીલ ફરીથી એક વાર ખુલ્લી પડી ગયું છે. ટ્રિપલ તલાકના મુદ્દે આ બંનેએ મુસ્લિમ મહિલાઓના તારણહાર તરીકે પોતાની છાપ ઉપસાવી હતી. તેણે ટ્રિપલ તલાક વખતે મુસ્લિમ સ્ત્રીઓને બંધારણે બક્ષેલો મૂળભૂત અધિકાર મુસ્લિમ ધર્મની પરંપરાઓ કરતાં સર્વોપરી ગણાવ્યો હતો. એ જ રીતે તેણે સબરીમાલામાં પણ હિંદુ સ્ત્રીઓના મંદિરપ્રવેશના મૂળભૂત અધિકારને ધાર્મિક રૂઢિઓ કરતાં સર્વોપરી ગણવો જોઈએ. જો ભા.જ.પ. આ ન સ્વીકારતો હોય તો એમ ફલિત થાય છે કે તે જેન્ડરની બાબતમાં મુસ્લિમ અને હિન્દુ સ્ત્રીઓ માટે એક સરખો કાયદો હોવાનું સ્વીકારતો નથી.
આ મુદ્દો કરીને જાણીતા વિશ્લેષક સ્વામિનાથન ઐયર સંઘના વડા મોહન ભાગવતને કહે છે કે આ સંજોગોમાં જાતિય સતામણીમાં કાયદા માત્ર એમ.જે. અકબરને જ લાગુ પડવા જોઈએ અને આર.કે. પચૌરીને નહીં, એ અંગે તેમણે સ્પષ્ટતા કરવી ઘટે. તાજેતરમાં ઉન્નાઓ અને કથૂઆ અત્યાચારના કિસ્સામાં સત્તાધારી ભા.જ.પ. હવસખોરોનો અને તેમના બચાવકારોનો ટેકેદાર રહ્યો છે. ગુજરાતમાં નાલિયાકાંડમાં પણ ભા.જ.પ.ના સભ્યો વિવાદાસ્પદ થઈ ચૂક્યા છે.
અસોસિએશન ઑફ ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એ.ડી.આર.) અને ઇલેક્શન વૉચ અભ્યાસજૂથોએ એપ્રિલમાં બહાર પાડેલાં જાણીતાં સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓ સંબંધિત ગુનાઓના આરોપીઓમાં સહુથી વધુ સંખ્યા ભા.જ.પ.ના ધારાસભ્યો અને સાંસદોની છે, તેના પછી અન્ય પક્ષો પણ છે. એમ.જે. અકબરના કેસમાં પક્ષે કોઈ ઠોસ ભૂમિકા લીધી નથી. હવે આ પક્ષ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ આપવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સામે પડ્યો છે. એને એ પરંપરા અને ધર્મરક્ષાનાં વાઘાં પહેરાવી રહ્યો છે. તામિલનાડુના જલ્લિકુટ્ટુના વિવાદમાં લોકોની જીત થઈ હતી, પણ એમાં વેઠવાનું પ્રાણીઓને હતું.
સબરીમાલાના કિસ્સામાં લોકમત સર્વોચ્ચ અદાલતના ચુકાદા કરતાં વધુ પ્રબળ બને તો આ દેશમાં પુરુષોનો એક વર્ગ મહિલાઓ ફરજિયાત ખૂણો પાળે એવી ફરીથી અપેક્ષા રાખતો થાય તેવા દિવસો દૂર નથી.
******
25 ઑક્ટોબર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 ઑક્ટોબર 2018