Opinion Magazine
Number of visits: 9504187
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શેરલોક હોમ્સ : થોડી હકીકત, થોડી કલ્પના

વિશાલ શાહ|Opinion - Opinion|25 October 2018

શેરલોક હોમ્સ. આશરે ૧૩૧ વર્ષ પહેલાં, અંગ્રેજી સાહિત્યકાર આર્થર કોનાન ડોયલે સર્જેલા આ પાત્ર પરથી ડિસેમ્બરમાં વધુ એક ફિલ્મ આવી રહી છે, 'હોમ્સ એન્ડ વૉટ્સન'. રજેરજની વિગતોની નોંધ રાખતા પશ્ચિમી દેશો પાસે પણ ચોક્કસ જવાબ નથી કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ડિટેક્ટિવ કથાઓનું કેટલીવાર એડપ્શન થયું? આવી ગણતરી શક્ય પણ નથી કારણ કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ૨૫૦થી પણ વધારે ફિલ્મ આવી ગઈ, અને ૧૦૦થી પણ વધુ અભિનેતા આ મહાન પાત્રને રૂપેરી પડદે જીવંત કરી ચૂક્યા છે. ફિલ્મોની જેમ વિશ્વના અનેક દેશોમાંટેલિવિઝન સિરીઝ, ઓપેરા, નાટકો, રેડિયો, પેરોડી, મ્યુિઝકલ્સ, કાર્ટૂન,  કોમિક્સ,  ક્વિઝ, ગેમ્સથી માંડીને પુસ્તકોમાં આજે ય શેરલોક હોમ્સ છવાયેલા છે. આ રીતે જુદા જુદા સ્વરૂપે થયેલા એડપ્શનનો આંકડો ૨૫ હજારથી પણ વધુ થવા જાય છે.

શેરલોક હોમ્સ આર્થર કોનાન ડોયલના ક્રિએટિવ દિમાગમાં જન્મેલું કોઈ કાલ્પનિક પાત્ર હતું કે પછી હકીકતમાં એવો કોઈ માણસ હતો? ડોયલે કેવા સંજોગોમાં આ મહાન પાત્રનું સર્જન કર્યું હતું? સવા સદીથી પણ વધુ સમય પહેલાં ડોયલને આ પાત્ર રચવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે?

આજે આવા અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.

***

વર્ષ ૧૮૭૭. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ. અનેક વિદ્યાર્થીઓ મેડિકલના બોરિંગ લેક્ચરથી કંટાળે, પરંતુ એક પ્રોફેસર તેમાં અપવાદ. નામ એમનું જોસેફ બેલ. મેડિસિનનું જ્ઞાન આપતી વખતે પણ તેઓ જાતભાતના વિષયો પર ઊર્જાસભર, મનોરંજક અને રસપ્રદ લેક્ચર આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી છલકાવી દેતા. કોઈ દરદી મળવા આવે ત્યારે પ્રો. બેલ ફક્ત અવલોકન કરીને તેના ચરિત્રથી માંડીને વ્યવસાય સુધીની બાબતોનું સચોટ અનુમાન કરી લેતા. જેમ કે, એકવાર એક દરદી તેમને મળવા આવ્યો. પ્રો. બેલે તેના પર ડૉક્ટર નહીં પણ જાસૂસની અદાથી નજર નાંખી અને કહ્યું: ''વેલ, માય મેન. આર્મીમાં સર્વિસ કરતા હતા? આર્મીમાંથી છૂટા થયાને તમને બહુ લાંબો સમય નહીં થયો હોય, બરાબરને? હાઈલેન્ડ રેજિમેન્ટમાં હતા? નોન-કમિશન્ડ ઓફિસર? તમારી ડયૂટી બાર્બાડોસમાં હતી ને?'

આર્થર કોનાન ડોયલ અને ડૉ. જોસેફ બેલ

આશ્ચર્યની વાત એ હતી કે, પેલા દરદીએ પ્રો. બેલના આ બધા જ સવાલોનો 'હા'માં જવાબ આપ્યો. ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જોયેલા આ દૃશ્યની આર્થર કોનાન ડોયલ પર ઘેરી અસર થઈ હતી. એ વખતે તેઓ પણ એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી હતા. તેમણે પ્રો. બેલને જબરદસ્ત કુતૂહલથી પૂછ્યું પણ ખરું. તમે આ દરદીની બધી જ બાબતોનું આવું સચોટ અનુમાન કેવી રીતે કર્યું? આ વાતનો પ્રો. બેલે યુવાન ડોયલને આપેલો જવાબ ખરેખર રસપ્રદ હતો.

તેમણે કહ્યું કે, ''યૂ સી, જેન્ટલમેન, એ દરદી એક આદરણીય અને અદબવાળો માણસ હતો, પરંતુ મને મળવા આવ્યો ત્યારે તેણે પોતાની હેટ નહોતી કાઢી. તેને આર્મીમાંથી છૂટા થયાને લાંબો સમય થયો હોત તો તેને સિવિલિયન સામે પેશ થતાં આવડી ગયું હોત અને તેણે મને મળતી વખતે હેટ ઉતારી હોત! એટલે મેં અનુમાન કર્યું કે, તેને આર્મીમાંથી છૂટા થયાને હજુ બહુ સમય નથી થયો. તે થોડો અકડુ હતો એટલે મેં ધાર્યું કે, તે સ્કોટિશ હશે. તે મારી જોડે હાથીપગાની ફરિયાદ લઈને આવ્યો હતો. અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં એ રોગનો વાયરસ ફેલાયો છે. વેસ્ટ ઈન્ડિઝ બહુ મોટો પ્રદેશ છે, પરંતુ અત્યારે સ્કોટલેન્ડની હાઈલેન્ડ રેજિમેન્ટ બાર્બાડોસમાં છે. એટલે મેં ધાર્યું કે, તે છેલ્લે બાર્બાડોસમાં ફરજ બજાવતો હશે! અને આ રોગના કારણે મેં પહેલી નજરે ધારી લીધું હતું કે, તે અત્યારે આર્મીમાં નથી.

આર્થર કોનાન ડોયલે આત્મકથા 'મેમરીઝ એન્ડ એડવેન્ચર્સ'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. પ્રો. બેલ સ્કોટલેન્ડની જાણીતી હસ્તી હતા. લંડનના કુખ્યાત અને આજ દિન સુધી નહીં ઓળખાયેલા સિરિયલ કિલર 'જેક ધ રિપર'(મીડિયાએ આપેલું નામ)ને પકડવા સ્કોટલેન્ડ યાર્ડ ડૉ. બેલની મદદ લીધી હતી. આવા ડૉ. બેલ સાથે ડોયલની દોસ્તી જામી ગઈ. મેડિકલ કોલેજમાં એડમિશન લીધાના બીજાં જ વર્ષે, ૧૮૭૮માં, નવું નવું શીખવાનો ઉત્સાહ ધરાવતા ડોયલ પ્રો. બેલના આસિસ્ટન્ટ બની ગયા. ડોયલનું કામ પણ રસપ્રદ હતું, જે બાદમાં શેરલોક હોમ્સની વાર્તાઓ લખવામાં પણ મદદરૂપ થવાનું હતું. કોઈ પણ દરદીને પ્રો. બેલ પાસે મોકલતા પહેલાં ડોયલે તેમની પૂછપરછ કરીને એક બેઝિક નોટ લખવાની રહેતી, જેથી પ્રો. બેલનો સમય ના બગડે. આ કામ કરતાં કરતાં ડોયલ પ્રો. બેલના 'ડૉ. જ્હોન વૉટ્સન' બની ગયા. શેરલોકની વાર્તાઓમાં ડૉ. વૉટ્સન એક મહત્ત્વનું પાત્ર છે, જે શેરલોકને ગુનાનાં મૂળ સુધી પહોંચવામાં ફોરેન્સિક મદદ કરે છે.

વર્ષ ૧૮૯૩માં ‘શેરલોક હોમ્સ’ નાટકમાં શેરલોકનું પાત્ર ભજવનારા (ડાબે) ચાર્લ્સ બ્રુકફિલ્ડ અને વિવિધ નાટકોમાં શેરલોકને એક હજારથી પણ વધુ વાર તેમ જ શેરલોક આધારિત મૂંગી ફિલ્મમાં શેરલોકનું પાત્ર ભજવીને મહાન થઈ ગયેલા વિલિયમ જિલેટ

ડોયલે ડૉ. બેલના ક્લાર્ક તરીકે દસેક વર્ષ સુધી કામ કર્યું અને ૧૮૮૭માં પહેલી નવલકથા લખી, 'એ સ્ટડી ઈન સ્કારલેટ'. એ નવલકથામાં તેમણે ડૉ. બેલના વ્યક્તિત્વમાં કલ્પનાના રંગ ઊમેરીને એક મહાન પાત્રનું સર્જન કર્યું, ડિટેક્ટિવ શેરલોક હોમ્સ. આ નામ પણ ડોયલે રસપ્રદ રીતે શોધ્યું હતું. ડોયલે પ્રિય સંગીતકાર આલફ્રેડ શેરલોક અને એ વખતના જાણીતા ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સનું નામ ભેગું કરીને પોતાના ડિટેક્ટિવને 'શેરલોક હોમ્સ' નામ આપ્યું હતું. એક ભેજાબાજ લેખક તરીકે ડોયલ સારી રીતે જાણતા હતા કે, ગુનેગાર સુધી પહોંચવા શેરલોક સાથે બીજું એક રસપ્રદ પાત્ર હશે તો જ વાચકોનો રસ જળવાઈ રહેશે. આ વિચારમાંથી જન્મ થયો, ડૉ. જ્હોન વૉટ્સનનો. ડૉ. વૉટ્સન સજ્જન છે. તરંગી છે. શેરલોકના ખાસ મિત્ર છે. ક્યારેક તેમને શેરલોકના આસિસ્ટન્ટ  તરીકે પણ દર્શાવાય છે, પરંતુ એક ખાસ વાત. કોઈ પણ ગુનાનું એનાલિસિસ કરીને તેના મૂળ સુધી પહોંચવાની ડૉ. વૉટ્સનની આવડત શેરલોક હોમ્સથી ઓછી છે કારણ કે, ડોયલનો હીરો શેરલોક હોમ્સ છે.

ડોયલે પોતાની પહેલી નવલકથાને થ્રીલર બનાવવા જાતભાતના અખતરા કર્યા હતા. જેમ કે, ગુનાની તપાસ કરવા માટે શેરલોક એક મહત્ત્વનું સાધન વાપરતો, મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પહેલાં વાચકોએ મેગ્નિફાઇંગ ગ્લાસનો આવો ઉપયોગ જોયો ન હતો. જો કે, 'એ સ્ટડી ઈન સ્કારલેટ' નિષ્ફળ રહી. પહેલી જ નવલકથા 'ડિટેક્ટિવ થ્રીલર' લખીને નિષ્ફળ જનારા ડોયલે ૧૮૮૯માં હિસ્ટોરિકલ ફિક્શન જોનર પર હાથ અજમાવ્યો અને 'મિકાહ ક્લાર્ક' નામની નવલકથા લખી. એ જ વર્ષે તેમણે હોરર એડવેન્ચર જોનરમાં પણ ઘૂસ મારી અને 'ધ મિસ્ટરી ઓફ ક્લુમ્બર' લખી. આ ત્રણેય જોનરમાં સફળતા ના મળતા ડોયલે શેરલોક હોમ્સ અને ડૉ. જ્હોન વૉટ્સનને ચમકાવતી પહેલી નવલકથાની સિક્વલ લખી, 'ધ સાઈન ઓફ ફોર'. એ પણ નિષ્ફળ.

ત્યાર પછી ડોયલે ઘણાં બધા મેગેઝિનોમાં ટૂંકી વાર્તાઓ લખી, જે થોડે ઘણે અંશે સફળ રહી. આ દરમિયાન માર્ચ ૧૮૯૧માં ડોયલે એ વખતના જાણીતા 'સ્ટ્રેન્ડ' મેગેઝિનમાં શેરલોક હોમ્સને ચમકાવતી 'ધ વોઈઝ ઓફ સાયન્સ' નામની ટૂંકી વાર્તા લખી, જેમાં લોકોને રસ પડ્યો. એટલે 'સ્ટ્રેન્ડ'ના તંત્રીએ ડોયલને બીજી એક વાર્તા લખવાની ઓફર કરી અને જુલાઈ ૧૮૯૧માં તેમણે 'એ સ્કેન્ડલ ઈન બોહેમિયા' નામની ટૂંકી વાર્તા લખી. આ વાર્તા સુપરહીટ રહી. એ પછી ડોયલે જીવનમાં ક્યારે ય પાછું વળી જોયું નહીં અને શેરલોક હોમ્સે તો આજ દિન સુધી. ડોયલે અનેકવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે, 'એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. જોસેફ બેલ સાથેની યાદોમાં સાહિત્યિક કલ્પનાનું મિશ્રણ કરીને મેં શેરલોક હોમ્સનું પાત્ર ગૂંથ્યું હતું …' એવી જ રીતે, એક ડૉ. બેલને લખેલા એક પત્રમાં ડોયલ વિના સંકોચે લખે છે કે, 'શેરલોક હોમ્સ ખુદ તમે છો અને એ માટે હું તમારો ઋણી છું … '

પ્રો. હેનરી લિટલજ્હોન

ડોયલના 'શેરલોક હોમ્સ'માં ડૉ. જોસેફ બેલનું વ્યક્તિત્વ સૌથી વધારે ઝીલાયું એ વાત ખરી, પરંતુ આ પાત્રમાં બીજી પણ એક વ્યક્તિની છાંટ હતી. નામ એમનું, પ્રો. હેનરી લિટલજ્હોન. એ પણ ડૉ. બેલની જેમ સ્કોટિશ હતા અને એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર હતા. એ દિવસોમાં ભયાવહ અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુના કેસોમાં પોલીસ પ્રો. લિટલજ્હોનની મદદ લેતી. તેમણે ફિંગરપ્રિન્ટ અને તસવીરી પુરાવાના આધારે જટિલ કેસ ક્રેક કરવાની પદ્ધતિઓ વિકસાવી હતી. પ્રો. લિટલજ્હોને સ્કોટલેન્ડના બહુચર્ચિત આર્ડલમોન્ટ મર્ડર કેસમાં પોલીસને ખૂબ મદદ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, આલ્ફ્રેડ જ્હોન મોન્સોન નામના એક પ્રોફેસર અને તેમનો વીસ વર્ષીય વિદ્યાર્થી સેસિલ હેમબરો દસમી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ એક હન્ટિંગ ટ્રીપ પર ગયા. આ દરમિયાન સ્કોટલેન્ડના આર્ડલમોન્ટ હાઉસ નજીક સેસિલને માથામાં ગોળી વાગી અને તેનું મૃત્યુ થઈ ગયું. મામલો અદાલતમાં ગયો. આરોપી હતા, પ્રોફેસર મોન્સોન. તેમના વકીલોએ કહ્યું કે, ગોળી તો અકસ્માતે વાગી હતી. જો કે, મૃતકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી. પોલીસ પર સત્ય બહાર લાવવાનું દબાણ હતું. છેવટે પોલીસે પ્રો. લિટલજ્હોનની મદદ લીધી. તેમણે સેસિલની માથામાં ગોળી ઘૂસવાની દિશા, ઘસરકા, ખોપડીને થયેલું નુકસાન, બળેલી ચામડી અને તેમાંથી આવતી ગંધ વગેરે ચકાસીને કહ્યું કે, આ હત્યા છે. અદાલતે સંતોષ ખાતર બીજા પણ એક નિષ્ણાતને બોલાવ્યા. એ હતા, ખુદ ડૉ. જોસેફ બેલ. તેમણે પણ પ્રો. લિટલજ્હોન સાથે સંમતિ દર્શાવી. જો કે, પોલીસ પુરાવા ભેગા ના કરી શકી અને પ્રો. મોન્સોન નિર્દોશ છૂટી ગયા, પરંતુ આ ઘટનાનો આધાર લઈને ડોયલે ડિસેમ્બર ૧૮૯૩માં 'ધ ફાઈનલ પ્રોબ્લેમ' વાર્તા લખી, જે ખૂબ લોકપ્રિય થઈ.

એ વાર્તામાં આર્થર કોનાન ડોયલે પ્રો. લિટલજ્હોનમાંથી પ્રેરણા લઈને શેરલોક હોમ્સને ચમકાવ્યો હતો. ડોયલે પોતાના સમયના અનેક સનસનીખેજ ગુનાઇત કૃત્યો, અદાલતી કાર્યવાહી, ફોરેન્સિક નિષ્ણાતો અને કાબેલ પોલીસ અધિકારીઓમાં કલ્પનાના રંગ ઉમેરીને શેરલોક હોમ્સ કેન્દ્રિત ૫૬ ટૂંકી વાર્તા અને ચાર નવલકથા લખી. ડોયલે ૧૯૨૭ સુધી ડિટેક્ટિવ-થ્રીલર સાહિત્યનું સર્જન કર્યું અને ૧૯૩૦માં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું, પરંતુ શેરલોક હોમ્સ જીવશે ત્યાં સુધી ડોયલ પણ જીવતા રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

———-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/10/blog-post_23.html

Loading

25 October 2018 admin
← કૂલિંગ પીરિયડ અને વોર્મઅપ પીરિયડ
આ દિવસોને આપણે હસવાના, બે ઘડી મોજ કરવાના અને થાક ઉતારવાના દિવસો તરીકે જોવા જોઈએ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved