હૈયાને દરબાર
કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની … ગીતની પંક્તિઓ પૂરી થાય છે અને અમારી યાદોની સફર શરૂ થાય છે.
છ-સાત મહિના પહેલાં અમદાવાદની મુલાકાત વખતે સ્વભાવે, દેખાવે અને કંઠે ખૂબ સુંદર એક વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હતું. ગુજરાત કોલેજ પાસેના એમના ઍપાર્ટમેન્ટમાં સાંજે સાડાપાંચે ડોર બેલ વગાડતાં જ એ સૂરમલિકા સદેહે પ્રત્યક્ષ થાય છે. એમને જોતાં જ હું ૪૦ વર્ષ પહેલાંની યાદોમાં ખોવાઈ જાઉં છું. કોલેજકાળની શરૂઆતનાં વર્ષો. અમારી એચ.કે. આર્ટ્સ કોલેજ સાંસ્કૃિતક રીતે અગ્રેસર ગણાય. એટલે શહેરમાં યોજાતા કાર્યક્રમોની ખબર પડવા માંડી હતી. એ દરમિયાન જ સાંભળ્યું કે કોઈક શ્રુતિ વૃંદનો કાર્યક્રમ યોજાયો છે. સંગીતમાં પહેલેથી જ ખૂબ રસ હોવાને લીધે કુતૂહલવશ એ કાર્યક્રમ સાંભળવા ગઈ અને જે આનંદ પડ્યો એ કેટલાં ય વર્ષો સુધી બરકરાર રહ્યો હતો. પછી તો શ્રુતિ વૃંદના પ્રોગ્રામ જ્યાં થાય ત્યાં અમે પહોંચી જઈએ. એમાં એક યુગલ આંખે ઊડીને વળગે એવું અનોખું હતું. એ યુગલ એટલે સંગીતજ્ઞ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ. રાસબિહારી દેસાઇનો ધીર-ગંભીર, ઘેઘૂર અવાજ તથા વિભા દેસાઈની ઊંચી-પાતળી કાયા, ગૌર વર્ણ, સુંદર ચહેરો અને લલાટે શોભતો મોટો ચાંદલો એ અમારું એમના પ્રત્યેનું પ્રથમ દૃષ્ટિનું આકર્ષણ. વિભાબહેનનો કામણગારો કંઠ એ વખતે તો સ્પર્શી જ ગયો હતો, પરંતુ આજે પણ એમના અવાજની મીઠાશ, તાજગી અને વૈભવ જરા ય ઓછાં નથી થયાં. આ વિભા દેસાઇ સાથે સંગીત સત્સંગ કરવા હું પહોંચી ગઈ હતી. પછી તો સ્મૃિતઓ ધોધમાર વરસી. એકાદ કલાકની ગોષ્ઠિ પછી જતાં જતાં એમણે કવિ માધવ રામાનુજનું અમર ભટ્ટે સ્વરબદ્ધ કરેલું એક અદ્ભુત ગીત કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની … સંભળાવ્યું ત્યારે માની શકાતું નહોતું કે આટલો તાજગીપૂર્ણ અવાજ અને રેન્જ ઉંમરના આ પડાવે વિભાબહેને કેવી રીતે જાળવી રાખ્યો હશે!
‘એજ ઈઝ જસ્ટ અ નંબર’ એ ઉક્તિ વિભાબહેનને ચોક્કસ લાગુ પડી શકે એવાં વાઈબ્રન્ટ છે વિભા બહેન. વિભા દેસાઈનાં કેટલાં ય ગીતો ખૂબ લોકપ્રિય થયાં છે પરંતુ, આજે એમના કંઠે ગવાયેલાં એક મધુર ગીત, માડી તારા મંદિરિયે ઘંટારવ થાય …ની વાત કરવી છે. નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ખરો ગરબો એ જ કે જેમાં નારીના ભાવ અને ભાવનાનું સંવેદન હોય, શબ્દ, સૂર અને લયનું સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય. આજની ડિસ્કો અથવા હાઈટેક નવરાત્રિમાં આ વ્યાખ્યા બહુ બંધબેસે નહીં, તો ય ગરબા મહોત્સવનું મહત્ત્વ ગુજરાતીઓમાંથી ક્યારે ય ઓછું થવાનું નહીં. ચાચરના ચોકમાં માતાજીની છબી સાથે ગરબાની રમઝટ જામે અને ગુજરાતીઓનું હૈયું હેલે ચડવા લાગે.
ગરબો એટલે કે ગર્ભદીપ એ ગુર્જર સંસ્કૃિતનું મંગલમય પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું કહી શકાય. તેઓ કહે છે કે ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે, સહેજ આગળ વધીને કહીએ તો ગરબાને થોડું ઘણું નૃત્ય સાથે ય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ. અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્ય રચના તો વર્તુળ ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત-સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.
અવિનાશભાઈએ પારંપરિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃિતની ખુશ્બૂ બરકરાર રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં. એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે. એ ગરબા છે, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, હવે મંદિરનાં બારણાં ઉઘાડો તેમ જ માડી તારા મંદિરિયે ઘંટારવ થાય. આ ત્રણ ગરબા મારા ‘પર્સનલ ફેવરિટ’ લિસ્ટમાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે કારણ કે, માડી તારું કંકુ ખર્યું … આશા ભોંસલેએ અદ્ભુત ગાયું છે. નાગરોનું તો એ રાષ્ટ્રગીત કહેવાય. સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે. નાગરોના કંઠમાં તો ભારોભાર મીઠાશ હોય જ છે પરંતુ, તમે નોંધ્યું છે કે એમની ગાવાની શૈલી, પ્રસ્તુિત પણ અલગ હોય છે? શુદ્ધ ઉચ્ચારો, હલકદાર અવાજ, અનુસ્વાર સ્પષ્ટ સંભળાય એવી ગાયકી અને ‘શ’ અક્ષરને વધારે રૂપાળો બનાવી જુદો જ રણકો સર્જવો એ નાગરાણીઓની આગવી સ્ટાઈલ છે. વિભાબહેન સહિત સ્વનામ ધન્ય ગાયિકાઓ તથા સામાન્ય ગૃહિણીઓના કંઠે માડી તારું કંકુ .. સ્તુિત સાચે જ મહોરી ઊઠે છે.
મંદિર સર્જાયું ને ઘંટારવ જાગ્યો
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો …!
શું સુંદર અભિવ્યક્તિ છે! આ માત્ર ભક્તિરચના જ નથી પરંતુ મંત્રમુગ્ધ કરી દેતી અજરા-અમર કૃતિ છે. ગીતનો ઉઘાડ થતાં જ એનો ભાવ-પ્રભાવ આપણને મોહી લે છે. "આ ગીત અમે ઓછામાં ઓછું ૫૦૦ વાર ગાયું હશે. હું અને રાસભાઈ લગભગ દરેક કાર્યક્રમનો આરંભ આ જ ગીતથી કરતાં. બીજું ગીત લઈએ તો તરત જ કંકુ ખર્યું … ફરમાઈશ આવે. આપણો મનુષ્યનો જેમ ઔરા હોય છે એમ ગીતનો પણ એક ઔરા હોય છે. આ ગીતમાં ચુંબકત્વ છે. માડી તારા મંદિરિયે ભલે મારા અવાજમાં રેકોર્ડ થયું છે પણ અમે સૌથી વધુ માડી તારું કંકુ ખર્યું … ગીત ગાયું છે. એમ કહે છે વિભા દેસાઈ.
એવો જ બીજો સુંદર ગરબો, હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત … પુરુષોત્તમ ઉપાધ્યાયના બુલંદ કંઠે સાંભળવો એ અપ્રતિમ લહાવો છે. યોગાનુયોગે આ ત્રણેય સર્વોત્તમ ગરબા અવિનાશ વ્યાસે રચ્યાં છે. અવિનાશ વ્યાસ અંબા માના પરમ ભક્ત હતા. દર વર્ષે અંબાજી જવાનો તેમનો ક્રમ હતો. માતાજીની મૂર્તિ સામે ગીત રચે, ગાતા જાય અને રડતા જાય. માડી તારા મંદિરિયે ગીત વિશેનો ૧૯૭૭નો એક પ્રસંગ વર્ણવતાં વિભા દેસાઈ કહે છે, "શ્રુતિ વૃંદની એલ.પી. ‘શ્રવણમાધુરી’નું મુંબઈમાં રેકોર્ડિંગ હતું. સુપ્રસિદ્ધ સંગીતકાર હૃદયનાથ મંગેશકરના સહયોગમાં રેકોર્ડિંગ યોજાયું હતું. લીડ રાસબિહારી દેસાઈ કરવાના હતા. એવામાં હૃદયનાથજીને શું સૂઝયું કે એમણે રાસભાઈને કહ્યું કે આ છોકરી પાસે આ ગીત ગવડાવો. મારે એને સાંભળવી છે. હું તો અવાક્ થઈ ગઈ. અમારે તો કોરસમાં ગાવાનું હતું એટલે મેં સોલો ગીત તરીકે તૈયારી કરી જ નહોતી. રેકોર્ડિંગ પૂરું થયાં પછી બધાં આ ગીત સાંભળવાં બેઠાં. શ્રોતાઓમાં પૂજ્ય ભાઇ એટલે કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, ગૌરાંગ વ્યાસ પણ હતા. અવિનાશભાઈ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા. ગીતમાં સમગ્રપણે ખોવાઈ ગયા, વિહ્વળ થઈ ગયા. એ જ અજંપાની અકળામણ. આંખો વધુ લાલ અને એ જ અસલ મૂર્તિ જે અંબાજીના ગર્ભદ્વારની અંદર માતાજીના ગોખ-યંત્ર સમક્ષ અમે જોઈ હતી. એમને સ્વસ્થ થતાં જરા વાર લાગી પણ પછી બોલ્યા, "આવું મનેે અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલી જ વાર થયું. છેવટે ગીત મારા જ અવાજમાં રેકોર્ડ થયું. આ ઘટના હું જીવનમાં ક્યારે ય ભૂલી શકું નહીં.
વિભા વૈષ્ણવ જે લગ્ન પછી વિભા દેસાઇ બન્યાં અને એડિશનલ ઈન્કમટેકસ ઓફિસર તરીકે નિવૃત્ત થયાં એમને માતા-પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો હતો. પિતા આગ્રા ઘરાનાના ગાયક હતા. શરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી એમણે મેળવી હતી. જીવનમાં સંગીતની શરૂઆત કયારે અને કેવી રીતે થઈ એ વિશે જણાવતાં વિભાબહેન કહે છે, "જીવનમાં સંગીતનાં તાણાવાણા વણાવાની ઘટના એટલી સૂક્ષ્મ છે કે એ ક્યાં, ક્યારે અને કઈ રીતે ઘટી એ વર્ણવવું મુશ્કેલ છે. સંગીત મને પિતા પાસેથી વારસાગત મળ્યું. સંગીતનું વાતાવરણ ઘરમાં જ અને સ્કૂલ-કોલેજના કાર્યક્રમો તથા યુવા મહોત્સવોમાં હું ગાતી હતી. આકાશવાણી પર ચાન્સ મળ્યો ત્યારે તો ખૂબ ખુશ થઈ ગઈ હતી, પરંતુ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈ પાસેથી. મારો અવાજ મોટો અને ખુલ્લો. ફેંકીને ગાવાની ટેવ. પણ અવાજને અપ્લાય કેવી રીતે કરવો, ગીતના શબ્દો સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો એ બધી સમજણ મને એમની પાસેથી મળી. વારસામાં મળેલા સૂરના પ્રવાહને રાસભાઈના સાયુજ્યે વેગ-પ્રવેગ મળ્યો. શ્રુતિ વૃંદમાં કોરસમાં ગાવાને લીધે અહમ્ ઓગાળીને માત્ર સૂરમાં એકાકાર થઈ જવાની સઘન તાલીમ મળી. મારો અવાજ બુલંદ હોવાથી વૃંદ ગાનમાં મારે તો હંમેશાં બીજી હરોળમાં જ બેસવાનું કે ઊભા રહેવાનું આવતું. રાસભાઈની પત્ની છું એટલે મને આગળ ઊભા રહેવા મળે એવું કંઈ નહીં. આ એક પ્રકારની તાલીમ જ હતી.
સંગીતમાં અમે કેવાં એકાકાર થઈ જતાં એનો એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૭૩માં હું અને રાસભાઈ પ્રકૃતિના સાંનિધ્યમાં સંગીત માણવા નૈનીતાલ ગયા હતાં. સરકારી ગેસ્ટ હાઉસમાં ઊતર્યાં હતાં અને પ્રકૃતિને માણ્યાં પછી સંગીતમાં ખોવાઈ જતાં. ત્યાંથી અમારે શ્રી ‘કૃષ્ણ પ્રેમ’ના આશ્રમમાં જવાનું થયું. અમારી આ યાત્રામાં અમે કૃષ્ણ પ્રેમ(કહેવાય છે કે જેઓ તેમના પૂર્વ જન્મમાં રોનાલ્ડ નામના બ્રિટિશ પાઈલટ હતા)નું દિલીપકુમાર રોય લિખિત પુસ્તક સાથે રાખેલું. પ્રવાસમાં અમે એનું સતત વાંચન કરતાં. આથી કૃષ્ણ પ્રેમના એ આશ્રમનું દૃશ્ય અને વાતાવરણ અમારા માનસપટ ઉપર અંકાયેલા હતાં. ખૂબ પવિત્ર, આધ્યાત્મિક વાતાવરણ હતું. એ રાત્રે અમે બન્નેએ, પ્રેમ ભરા મન વૃંદાવન, જીવન જમુના જલ ધારા … તથા અન્ય ભક્તિ રચનાઓ ગાઇ અને ગાતાં ગાતાં જ એવી તલ્લીનતા અનુભવાઈ કે જાણે હિમાલયમાં પરમ તત્ત્વની ઉપસ્થિતિ અમારી નજર સમક્ષ જ તાદૃશ્ય થઈ ગઈ હતી. ઈશ્વર સાથે જાણે જોડાઈ ગયાં હતાં.
૧૯૬૦ની આસપાસ ‘રંગમંડળ’ નાટ્ય સંસ્થાના ‘ભોલા માસ્ટર’ નાટકમાં પહેલી વખત જાહેરમાં વિભાબહેને ગીત ગાયું; ત્યારથી જાહેરમાં ગાવાની કારકિર્દીની શરૂઆત કરી. કોલેજકાળ દરમિયાન રસિકલાલ ભોજક અને રાજકુમાર રાજપ્રિય દ્વારા નિર્દેશિત, સંગીત, નૃત્ય નાટિકાઓમાં ભાગ લીધો. ૧૯૬૧માં ‘આકાશવાણી’ દ્વારા આયોજિત સુગમ સંગીતની અખિલ ભારતીય સ્પર્ધામાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હાથે બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. ૧૯૬૧થી આકાશવાણી-દૂરદર્શનના સુગમ સંગીતનાં માન્ય કલાકાર બની ગયાં હતાં. રાસબિહારી દેસાઈ સાથે પ્રેમલગ્ન પછી ‘શ્રુતિ’ સંગીત સંસ્થાના સક્રિય સભ્ય તરીકે કાર્યરત રહ્યાં. ગુજરાતી ચલચિત્ર ‘કાશીનો દીકરો’માં એેમણે ગાયેલા ગીત ‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી’ ને સર્વોત્તમ ગીતનું પારિતોષિક મળ્યું હતું. આવાં સૂર સમર્પિત વિભા દેસાઇના ઘુઘરિયાળી ઘંટડી સમાન કંઠે માતાજીનો આ ભક્તિસભર ગરબો સાંભળજો અને ગાજો. ખૂબ મજા આવશે.
—————————–
માડી તારા મંદિરિયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય
માડી તારા મંદિરિયે ઘંટારવ થાય
હે જગદંબા મા તારે ચરણે અમે કંકુ બિછાવ્યા
પગલાં પાડો મા અમે તારા ગરબા કોરાવ્યા
હો .. માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય
જ્યાં જ્યાં ઘંટારવ ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
હો .. માડી તારી રગરગમાં ઘંટારવ થાય …
જાગો મા, જાગો મા,
જગભરમાં ઘંટારવ થાય
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
ચમ્મર ઢોળાય
હો … માડી ઘેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય … માડી તારા મંદિરિયે.
• ગીત : અવિનાશ વ્યાસ. • સંગીત : ગૌરાંગ વ્યાસ • ગાયક કલાકાર : વિભા દેસાઇ અને વૃંદ
https://www.youtube.com/watch?v=lwXQDFhrBYQ
———————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 અૉક્ટોબર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=440556