આ પુસ્તક એવા બધા સાધારણ આદિવાસીઓ માટે છે કે જેમની સહનશક્તિની ભાગ્યે જ કલ્પના થઈ શકે. આ પુસ્તક એટલા માટે પણ લખાયું છે કે ન્યાય ન મળતો હોય તો ય સત્ય તો ચોપડે ચઢવું જ જોઈએ.
દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયનાં કર્મશીલ અધ્યાપક નંદિની સુંદરનું ‘ધ બર્નિંગ ફોરેસ્ટ’ છત્તીસગઢમાંના નક્સલવાદ વિશેનું, આપણા સમયનું, એક મહત્ત્વનું અને હૃદયસ્પર્શી પુસ્તક છે. 2016માં પ્રસિદ્ધ થયેલાં આ પુસ્તકનું પેટા મથાળું છે : ‘ઇન્ડિયાઝ વૉર ઇન બસ્તર’. તેમાં લેખકે પ્રતીતિજનક રીતે બતાવી આપ્યું છે કે સત્તા-સંપત્તિની પાછળ પડેલા શાસકો અને હિંસક માર્ગે સત્તા અને સમાનતા લાવવા માગતા નક્સલવાદીઓની ભીષણ લડાઈની વચ્ચે છત્તીસગઢના બસ્તર પ્રદેશના આદિવાસીઓનાં જીવનનો કેવો નાશ થયો છે.
નોબલ પુરસ્કાર સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન ‘ધ બર્નિન્ગ ફૉરેસ્ટ’ને ‘બહુ વંચાવું જોઈએ એવું ખૂબ અગત્યનું પુસ્તક’ ગણાવે છે. સવા ચારસો પાનાંનાં આ અંગ્રેજી પુસ્તકનો દોઢસો પાનાંમાં ગુજરાતીમાં સાર આપતું પુસ્તક ગયા શનિવારે ‘યજ્ઞ’ પ્રકાશને લેખકની ઉપસ્થિતિમાં લોકાર્પિત કર્યું. તેનું નામ છે : ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીઓની કરુણ દાસ્તાન’. તેના લેખક રજની દવે સર્વોદય વિચારને વરેલા ‘ભૂમિપુત્ર’ પખવાડિકના એક પ્રહરી સંપાદક છે અને આ પુસ્તક તેમનું ગુજરાતના નાગરિક સમાજ માટેનું મહત્ત્વનું પ્રદાન છે. ગુજરાત વિકાસના ઉજાસથી અંજાઈ રહ્યું હોય ત્યારે વાચકોને બસ્તરના વિનાશનો અંધકાર આ પુસ્તક બતાવી આપે છે.
દેશના કુલ આદિવાસીઓમાંથી સાડા સાત ટકા આદિવાસીઓની વસ્તી ધરાવતું છત્તીસગઢ રાજ્ય જંગલ અને ખનિજોથી ખૂબ સમૃદ્ધ છે. આ સંપત્તિની સરકાર અને કૉર્પોરેટ સેક્ટરની મિલીભગતથી લૂંટ ચાલતી રહી છે. તેમાં વિકાસના નામે આદિવાસીઓનાં જંગલો અને જમીનો છિનવાતાં તે વધુ ને વધુ કંગાલ બનતા જાય છે. વળી વંચિતોનાં સાચાં કલ્યાણ માટેની રાજકીય ઇચ્છાશક્તિને અભાવે સરકારો પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો અહીં પહોંચાડી શકી નથી. સામે જંગલ-જમીન છિનવવા માટે સુરક્ષાદળોનો ઉપયોગ વધતો રહ્યો છે. આવા સંજોગોમાં, અલગ સરકાર થકી ન્યાય અપાવવાનો દાવો કરનાર માઓવાદી જુથો આદિવાસીઓને દંડ-ભેદ દ્વારા પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે.
આ સદીની શરૂઆતથી દસ રાજ્યોમાં ફેલાતાં રહેલા માઓવાદની સહુથી વધુ પકડ છત્તીસગઢમાં છે. સમાનતાના વિવાદાસ્પદ વિચારો અને હથિયારોથી સજ્જ માઓવાદીઓને પોલીસ જેર કરી શકતી નથી. એટલે તે દરેક આદિવાસીને નક્ષલવાદી કે તેના સમર્થક ગણીને તેની પર અત્યાચાર કરે છે. આમ એક તરફ પોલીસ અને બીજી તરફ નક્ષલવાદીઓ એવી બે એક સરખી હિંસક તાકાતો વચ્ચે છત્તીસગઢનાં આદિવાસી સ્ત્રી-પુરુષો પિસાતાં રહ્યાં છે. તેમાં સરકારે 2006માં સાલ્વા જુડુમ નામનું સશસ્ત્ર નાગરિક દળ ઊભું કરીને આદિવાસીઓને હિંસાચાર માટે પરસ્પરની સામે મૂક્યા. યાદવી જેવા ખતરનાક માહોલ તરફ લઈ જનાર આ દળોની સામે કર્મશીલોએ તર્કબદ્ધ રજૂઆતો કરી. એટલે પાંચ વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના આદેશથી રાજ્યને સાલ્વા જુડમ વિખેરી નાખવાની ફરજ પડી. પણ સાલ્વા જુડુમની જ્ગ્યાએ બીજાં રક્ષક દળો આવ્યાં. સુરક્ષાકર્મીઓ દ્વારા કથિત નક્ષલવાદીઓનાં એન્કાઉન્ટર્સ, ગામડાંમાંથી તેમને પકડવા માટે કોમ્બિન્ગના નામે લૂંટ અને બળાત્કારના કિસ્સાઓ એકંદરે ચાલુ રહ્યા. આખાં ગામડાં બાળી નાખવાનો સિલસિલો ચાલ્યો. સાલ્વા જુડુમ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરનાર કર્મશીલોમાં નંદિની એક હતાં. તેમની સાથે ઇતિહાસકાર રામચન્દ્ર ગુહા, કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ ઇ.એ.એસ. શર્મા, આદિવાસી કાર્યકર કર્તમ જોડા અને સમાજસુધારક અગ્નિવેશ હતા.
નંદિનીએ આ પુસ્તકમાં 2006થી લઈને એક દાયકા સુધીના બસ્તરની વીતકકથાનું આલેખન કર્યું છે. તેના માટે તેમણે છત્તીસગઢમાં પુષ્કળ જોખમકારક ફીલ્ડ વર્ક કર્યું છે. જંગલમાં રઝળતા, સાલવા જુડમમાં રિબાતા, જુલમ સામે ટકી રહેવા મથતાં સેંકડો આદિવાસીઓને તે અનેક જગ્યાએ મોટી સંખ્યામાં મળ્યાં છે. માઓવાદીઓની સાથે ચર્ચાઓ કરી છે. રાજકીય પક્ષો, સરકારી અમલદારો, સુરક્ષાકર્મીઓ અને તેમના વડાઓની મુલાકાતો લીધી છે. ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજકારણના પાસાંનો ઍકેડેમિક અભ્યાસ પણ મોટા પ્રમાણમાં કર્યો છે. તેમને પોલીસે ખૂનના ગુનામાં સંડોવવાની કોશિશ પણ કરી છે.
પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : ‘ધ લૅન્ડસ્કેપ ઑફ રેસિસ્ટન્સ’, ‘સિવિલ વૉર’ અને ‘ઇન્સ્ટિટ્યૂશન્સ ઑન ટ્રાયલ’. પહેલાં ભાગમાં આદિવાસીઓનાં શોષણ અને તેના પ્રતિકારની છણાવટ છે. બીજામાં સશસ્ત્ર પ્રતિસંઘર્ષ અને તેમાં આદિવાસીઓની થતી અવદશાનું વર્ણન છે. ત્રીજા ભાગમાં બસ્તરની યાદવીને ભારત જેવા લોકશાહી દેશના જુદા જુદા ઘટકો કેવી રીતે પ્રતિભાવ આપે છે તેની તપાસ છે. આમાં લેખક સનદી સેવાતંત્ર, રાજકીય પક્ષો, માનવધિકાર સંગઠનો, કર્મશીલો, મીડિયા અને ન્યાયતંત્રને આવરી લે છે. પુસ્તકમાં ભાવનાઓ અને વિચાર બંનેનો સમન્વય છે. લેખિકા સતત ભરપૂર વિગતવાર માહિતી આપે છે, તર્કપૂર્ણ દલીલો મૂકે છે અને વચ્ચે આદિવાસીઓ પરના અત્યાચારના વાચક હચમચી જાય તેવા બનાવો સનસનાટી વિના વર્ણવે છે. તેમની અભિવ્યક્તિને લાગણી અને સાહિત્યનો સહજ સ્પર્શ પણ છે.
આ પુસ્તક શા માટે ? સુંદર જણાવે છે : આ પુસ્તક સરકાર માઓવાદી ચળવળને કાયદા અને વ્યવસ્થાની સમસ્યા તરીકે કચડી નાખવાનાં સરકારનાં લશ્કરવાદી દૃષ્ટિકોણનો વિરોધ કરે છે. બીજી બાજુ, ક્રાન્તિ થવાની જ છે એવી નિશ્ચિતતામાં રાચનાર માઓવાદીઓ અને તેમના ટેકેદારોનો પણ અહીં વિરોધ છે. આ પુસ્તક એવા સહુ લોકો માટે છે જે ભારત સરકારની ન્યાય તરફની બેપરવાઈ અને ઉદ્દંડતાને તિરસ્કારતા હોય, માઓવાદીઓની ન્યોછાવરીની કદર કરતા હોય પણ તેમણે અપનાવેલા રાહને નામંજૂર કરતા હોય. આ પુસ્તક એવા સૌ સાધારણ આદિવાસીઓ માટે છે કે જેમનાં સહનશક્તિ અને ધીરજની ભાગ્યે જ કલ્પના થઈ શકે. આ એ આદિવાસીઓ છે કે જેમના માટે જીવવું એ પણ અતિમાનવીય બળ માગી લે છે. આ પુસ્તક એટલા માટે પણ લખાયું છે કે ન્યાય ન મળતો હોય તો ય સત્ય તો ચોપડે ચઢવું જ જોઈએ. અંતે નંદિની લખે છે : ‘આ પુસ્તક મેં મારા પોતાના માટે લખ્યું છે – એ એક કેથાર્સિસ છે, લોકો અને તેમની આખી ય જીવનરીતિનો નાશ થતો મજબૂરીથી જોવો પડે તેની સામે આક્રોશ ઠાલવવાનો આ મારો રસ્તો છે.’
રજનીભાઈએ આ આક્રોશને પોતાની રીતે મૂક્યો છે. તેમણે મૂળ પુસ્તકની રજૂઆત કરવા ઉપરાંત તેનાં પ્રકાશન બાદ હમણાં સુધીમાં છત્તીસઢના માઓવાદી સંઘર્ષના નોંધપાત્ર બનાવો પણ પ્રકરણોમાં ઊમેર્યાં છે. આ પુસ્તકનાં પ્રકરણ ‘ભૂમિપુત્ર’ના અંકોમાં માર્ચ 2017 થી આ વર્ષના મે મહિના દરમિયાન પ્રકટ થતાં રહ્યાં છે. આ ઢબે વીતેલાં વર્ષોમાં આ પાક્ષિકમાં દસેક નિવડેલાં અંગ્રેજી પુસ્તકો રજૂઆત પામીને પછી ‘યજ્ઞ પ્રકાશન’ થકી પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયાં છે. એરિક ફ્રોમ, ફ્રિટજૉપ કાપ્રા, શુમૅકર, ટૉફ્લર, અમર્ત્ય સેનનાં એક-એક પુસ્તકો અને કાન્તિભાઈ શાહ સહજ યાદ આવે. એ જ પરંપરામાં રજનીભાઈ અત્યારે રવીશ કુમારના ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકને ગુજરાતીમાં લાવી રહ્યા છે. નંદિની સુંદરનું પુસ્તક અને તેની ગુજરાતી રજૂઆત છત્તીસગઢના માઓવાદી સંઘર્ષ પરનાં અસ્વસ્થકારી માહિતીકોશ અને કરુણાકોશની ગરજ સારે છે. તેનાં લોકાર્પણમાં ચંદુભાઈ મહેરિયાએ કહ્યું હતું તેમ ‘બિહારનાં પીડિત આદિવાસીઓને માથે એક સમયે જયપ્રકાશનાં પત્ની પ્રભાદેવીનો માયાળુ હાથ હતો, તેવો અત્યારે બસ્તરના આદિવાસીઓને માથે સોની સોરી અને નંદિની સુંદરનો છે.’
*********
4 ઑક્ટોબર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 05 અૉક્ટોબર 2018