અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હવે અમેરિકા ખેરાત નહીં કરે. તમે ગરીબ છો તો અમે શું તવંગર છીએ? તમારો દેશ જો વિકાસશીલ છે તો અમેરિકા પણ વિકાસશીલ છે. ભીખમગાઓએ ગરીબ, પછાત, વિકાસશીલ જેવી પરિભાષાઓ વિકસાવી છે અને અમેરિકાને વિકસિત કહીને ચણાને ઝાડવે ચડાવે છે. હવે આવું બધું નહીં ચાલે. ઘરના છોકરા ઘંટી ચાલે અને ઉપાધ્યાયને આટો એ દિવસો ગયા. વિકસિત દેશ તરીકે અમેરિકા હવે પછી વિકાશશીલ દેશોને કોઈ પ્રકારની સબસિડી નહીં આપે. કોણે કહ્યું અમેરિકા વિકસિત દેશ છે? અમેરિકા વિકસિત છે જ નહીં, બીજા દેશો જેવો જ વિકસી રહેલો દેશ છે.
તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેપારયુદ્ધ છેડ્યું છે તો એનાં કારણો છે. ચીન ડૉલર સામે યુઆનનું યોગ્ય મૂલ્ય ઠરાવતું નથી અને એ રીતે અમેરિકન માર્કેટમાં તેમનો માલ ઠાલવે છે. આ રીતે ચીન દર વરસે વેપારમાં અમેરિકા સામે ૩૭૫ અબજ ડૉલરની સરસાઈ ધરાવે છે. જો ચીન પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા ચીનના માલ પર મોટા પ્રમાણમાં કસ્ટમ ડ્યુટી લાદશે. વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) એક ભૂંડી અને અન્યાયી સંસ્થા છે. ચીન આજે બાપ બનીને બેઠું છે તો એ વિશ્વ વ્યાપાર સંગઠનના કારણે. કાં તો બધા જ સરખા અને કાં અમે પણ ગરીબ, પછાત, વિકાસશીલ કે જે કહેવું હોય તે કહો, પણ અમેરિકા હવે ખેરાત કરવાનું નથી.
પટેલો, મરાઠાઓ કે જાટોની દલીલની અહીં યાદ આવવી જોઈએ. અમે પણ પછાત અને ગરીબ છીએ. અમને પણ સામાજિક અન્યાય થઈ રહ્યો છે. અમારા છોકરાંવ બિચારા સર્ટિફિકેટ હાથમાં લઈને ભટકી રહ્યા છે અને તેમને નોકરી નથી મળતી. કાં તો બધા જ સરખા અને કાં અમે પણ ગરીબ, પછાત અને બે પાંદડે થવા સંઘર્ષ કરનારા. કાં તો અનામતની પ્રથા સમૂળગી નાબૂદ કરો અને કાં અમને પણ લાભ આપો.
હજુ થોભો, બ્રાહ્મણો પણ પરશુરામ સેના બનાવી રહ્યા છે અને તેઓ પણ કહે છે કે હમ ભી પછાત.
આ દિમાગનું પછાતપણું આવ્યું ક્યાંથી? પછાતપણું ખરું પણ દિમાગનું. પોતાના સ્વાર્થને બાજુએ મૂકીને બીજા માટે વિચારવાની અને કાંઈક કરી છૂટવાની વૃત્તિ જ બચી નથી. આખા દેશમાં મિડ ડે મીલમાં ભ્રષ્ટાચાર છે. આનો અર્થ એ થયો કે ગરીબ બાળકોને આપવામાં આવતાં અન્નના કોળિયાને પણ વચ્ચેથી ઝૂંટવી લેતા શરમ નથી આવતી. આવી વિકૃત મનોવૃત્તિ વિકસી શેના કારણે?
હદ તો એ વાતની છે કે દુનિયાના જે તે દેશોમાં બહુમતી પ્રજા બહુમતીમાં હોવા છતાં ભયભીત છે. ભારતમાં હિંદુઓ ભયભીત છે, મુસ્લિમ દેશોમાં મુસલમાનો ભયભીત છે, મ્યાનમારમાં બૌદ્ધો ભયભીત છે, અમેરિકામાં બહુમતી ખ્રિસ્તીઓ ભયભીત છે. બહુમતી પ્રજા પોતાના જ દેશમાં, પોતાની જ સરકાર હોવા છતાં, નજીક નજીક સાથે વસતા હોવા છતાં, પોતાની પોલીસ અને પોતાનું લશ્કર હોવા છતાં ભય અનુભવે? કોણ ડરાવે છે? ડરનું ગૌરવ (કમાન્ડોઝ વચ્ચે ઘેરાયેલો નેતા પોતાને મોટો નેતા સમજીને પોરસાય), ડરનું રાજકારણ અને ડરનું તર્કશાસ્ત્ર આજકાલ આખા જગતમાં જોવા મળી રહ્યું છે. એક તો દિમાગનું સ્વાર્થજ્ન્ય પછાતપણું અને ઉપરથી કાલ્પનિક ભય. માનસિક વિકૃતિ અર્થાત્ બીમારી આજે આખા જગતને પીડી રહી છે. આપણે આપણા બાળકને ઘોડિયામાંથી જ ભયની બીમારી આપી રહ્યા છીએ અને એ પણ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે.
આ અધોગતિનાં મૂળ શેમાં છે? મારી સમજ મુજબ આનાં ત્રણ મુખ્ય કારણ છે. સોશ્યલ મીડિયાનો પ્રાદુર્ભાવ એ આનુષંગિક કારણ છે, મુખ્ય કારણ ત્રણ છે.
પહેલું કારણ છે : ઘમંડ, મનસ્વીપણું અને આવકજાવકના છેડા મેળવવાની ચિંતા કર્યા વિના વૈભવી જીવન જીવવાની મનોવૃત્તિ. અમેરિકા આ મનોવૃત્તિનું શિકાર બની ગયું છે. રિચર્ડ નિકસન જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેમણે સોનાના જથ્થા સાથે ચલણી નોટના પ્રમાણનું ધોરણ ફગાવી દીધું હતું. એ પછીથી જ્યારે મોટા ખોરડાના મોભી તરીકે જીવવા માટે પૈસા જોઈએ ત્યારે નોટ છાપી લેવાની. સ્વચ્છ અર્થતંત્ર(ક્લીન ઇકોનોમી)ના નામે પ્રદૂષણ અને બીજી ગંદકી પેદા કરનાર ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનારા ઉદ્યોગોને અમેરિકાની બહાર જવા દેવામાં આવ્યા હતા. જરૂર શું છે? આ સર્વશક્તિમાન અમેરિકા છે, જે જોઈએ એની આયતા કરી લેશું? પૈસાની ક્યાં તંગી છે. ટૂંકમાં અમેરિકાએ અર્થતંત્રના પરંપરાગત, સ્વાભાવિક, ટકાઉ (ટાઈમ ટેસ્ટેડ) ઢાંચાને ફગાવી દઈને કૃત્રિમ ઢાંચો અપનાવ્યો હતો. અમેરિકા આજે તેની કિંમત ચૂકવી રહ્યું છે.
આ તો થઈ અમેરિકાએ અપનાવેલા ખોટા આર્થિક ઢાંચાની વાત. અમેરિકાનું રાજકારણ પણ સિદ્ધાંતનિષ્ઠા વિનાનું સ્વાર્થમંડિત. અમેરિકા દુનિયાના સૌથી સમૃદ્ધ લોકતંત્ર તરીકે પોરસાય છે, પરંતુ તેણે આખા જગતમાં પોષ્યા છે સરમુખત્યારોને. મુસ્લિમ દેશોના શેખો, મુલ્લાઓ અને તાનાશાહો એમ ત્રણેય અમેરિકાના ભાગીદાર. જ્યાં જેવી જરૂરિયાત. સેક્યુલર લોકતંત્રની માંગણી કરનારાઓને ક્યારે ય અમેરિકાની મદદ નથી મળી. ઇઝરાયલની ઉઘાડી નાગાઈને અમેરિકાએ છાવરી છે. યુનોની અવગણના કરી છે અને મન ફાવે ત્યારે પરાયા દેશો પર આક્રમણ કર્યા છે. આવક કરતાં ખર્ચા વધુ અને ઉપરથી ઢોંગ. હવે જ્યારે આર્થિક ગતિરોધ પેદા થયો છે, ત્યારે અમેરિકાને સમજાઈ રહ્યું છે કે રોજગારી શું છે અને રળતર શું છે? જે દેશો અમેરિકાની ગોદમાં બેઠા હતા એ હવે ચીનની ગોદમાં ભરાઈ રહ્યા છે. પાડોશમાં પાકિસ્તાન આનું ઉદાહરણ છે.
બીજું કારણ છે ચીનની નાગાઈ. મુક્ત અર્થતંત્ર અને બંધિયાર રાજ્યતંત્ર એવો ચીનનો વિસંગત ઢાંચો છે. ચીન પોતાના ચલણ યુઆનને અને ફેકટરીઓમાં કામ કરતા કામદારોના વેતનને દબાવી રાખે છે. આ રીતે સસ્તા ભાવે ઉત્પાદન કરીને જગતભરમાં ચીનીઓ પોતાનો માલ ઠાલવે છે. ચીનમાં કામદારોને સંગઠિત થવાનો અધિકાર નથી એટલે તેઓ શોષણ સામે અવાજ પણ નથી ઊઠાવી શકતા. આખું જગત ચીન માટે ડંપિંગ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ચીન મારું મારા બાપનું અને તારામાં મારો ભાગની નીતિ અપનાવી રહ્યું છે. જેની જરૂર હોય તેના પર દાવો કરવાનો તે ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય સમુદ્ર પર પણ ચીન દાવો કરી રહ્યું છે. ઓક્ટોપસની જેમ ચીન ચારે બાજુએ વિસ્તરી રહ્યું છે.
ચીનનો કહેવાતો વિકાસ જોઇને દુનિયાભરમાં લોકોને એમ લાગવા માંડ્યું છે કે જો નાગાઈ કરવાથી લાભ મળતો હોય તો સભ્યતાનો શું આપણે ઠેકો લીધો છે? આપણે મર્યાદા પુરુષોત્તમ બની રહ્યા અને ચીની આખલો ખેતર ચરી ગયો. મૂલ્યોથી બે પાંદડે થવાતું નથી એ તો જેવા સાથે તેવાની જ નીતિ અપનાવવી જોઈએ. લોકતંત્રના નામે અમને સરકાર ચૂંટવાનો અને બદલવાનો અધિકાર જોઈએ છે અને એટલું મર્યાદિત લોકતંત્ર પૂરતું છે, બાકી જેનો આત્મા ધબકતો હોય એવા સાચા લોકતંત્રની જરૂર નથી. મૂલ્યોના મંજીરા વગાડવાથી પેટ નથી ભરાતું. ચીન જુઓ ક્યાંનું ક્યાં નીકળી ગયું.
બીજું અમેરિકા ઘર આંગણે ગમે એટલું લોકતાંત્રિક હોય, જગત સાથેના વહેવારમાં ક્યાં કોઈ મર્યાદા પાળી છે. અમરિકા ઢોંગી અને નાગું છે અને ચીન ઢોંગ કર્યા વિના સાવ નાગું છે. એટલે તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લાગવા માંડ્યું છે કે અમેરિકાએ પણ ચીનનું મોડેલ અપનાવવું જોઈએ. ઢોંગ કર્યા વિનાની ઉઘાડી નાગાઈ. અમે તો આવા છીએ, જાવ થાય એ કરી લો.
ત્રીજું કારણ મુસ્લિમ દેશોમાં મૂળભૂતવાદ અને ત્રાસવાદ છે. તેઓ આધુનિક મૂલ્યવ્યવસ્થાને અને રાજ્યવ્યવસ્થાને નકારે છે અને બીજા પર લાદે છે. આખા જગતે ઇસ્લામની સંપૂર્ણતાનો સ્વીકાર કરવો જોઈએ એવો તેમનો આગ્રહ છે. આવો આગ્રહ હોય એની સામે કોઈ વાંધો નથી, પરંતુ એ આગ્રહે ત્રાસવાદી સ્વરૂપ ધારણ કર્યું છે. અપેક્ષા હતી કે સેક્યુલર મુસલમાનો આની સામે અવાજ ઊઠાવશે, પરંતુ જેટલા પ્રમાણમાં અવાજ ઊઠવો જોઈતો હતો એટલા પ્રમાણમાં અવાજ ઊઠ્યો નહીં. જગતભરના પ્રગતિશીલ ઉદારમતવાદીઓએ પણ ખાસ કોઈ ઊહાપોહ નહીં કર્યો. તેનો ઇઝરાયલની નીચતા, અમેરિકાની કૂટનીતિ અને તેલનાં રાજકારણ સામેની પ્રતિક્રિયા તરીકે ખપાવીને ત્રાસવાદનો બચાવ કરવામાં આવ્યો.
આ ત્રણ પરિબળોએ જગત આખામાં લોકોની અંદર પ્રતિક્રિયા પેદા કરી છે. દુનિયાનો એક શક્તિશાળી દેશ ઢોંગી અને બેશરમ છે. બીજો શક્તિશાળી દેશ સારા દેખાવાનો ઢોંગ પણ કર્યા વિના ખુલ્લંખુલ્લા બેશરમ છે. મુસ્લિમ દેશોમાં ધર્મનું વિકૃત સ્વરૂપ નજરે પડી રહ્યું છે અને સભ્યતાના કહેવાતા પ્રવક્તાઓ ચૂપ છે. તો શું આપણે સભ્યતાનો ઠેકો લીધો છે? જો બધા કપડાં ઉતારી નાખતા હોય તો આપણે પણ ઉતારી નાખવા જોઈએ. હવે જ્યારે આર્થિક મોરચે ગતિરોધ પેદા થયો છે ત્યારે સ્વાર્થવૃત્તિ અને ભયવૃત્તિ વધી રહી છે.
લોકમાનસમાં આ જે પ્રતિક્રિયા છે તેને સોશ્યલ મીડિયા વાચા આપે છે. પ્રતિક્રિયાને ઘનીભૂત (કોન્સોલિડેટ) કરે છે અને બ્રોડકાસ્ટ કરે છે. આનો ચેપ રાજકીય પક્ષોને પણ લાગ્યો છે. રાજકીય પક્ષોમાં સોશ્યલ મીડિયાની ભાષામાં બોલનાર નેતાઓ લોકપ્રિય થઈ જાય છે અને તે બીજા ઠાવકા નેતાઓને હડસેલીને આગળ નીકળી જાય છે. આજે જગતમાં અસંસ્કારી અને બેવકૂફ શાસકો ચૂંટાઈ આવે છે, એનું કારણ ઉપર બતાવ્યા એ ત્રણ કારણોએ પેદા કરેલી પ્રતિક્રિયા છે જેને સોશ્યલ મીડિયા ઘનીભૂત કરીને બ્રોડકાસ્ટ કરે છે.
આ વસમો યુગ કેટલો લાંબો હશે એ તો ભગવાન જ કહી શકે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 સપ્ટેમ્બર 2018