સર્વોચ્ચ અદાલતે સોમવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં કહ્યું છે કે જો અદાલતના કામકાજનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે તો અદાલતને તેની સામે વાંધો નથી. સર્વોચ્ચ અદાલતના સિનિયર ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંહે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને માગણી કરી હતી કે નાગરિકો માહિતીનો અધિકાર ધરાવે છે એટલે બંધારણીય અને બીજા રાષ્ટ્રીય હિતના કેસોમાં અદાલતોમાં શું બની રહ્યું છે, એની લોકોને માહિતી મળવી જોઈએ. અરજી કરનારાં ઇન્દિરા જયસિંહે ભારતના સમગ્ર નાગરિકજનોને સ્પર્શે એવા બંધારણીય અને રાષ્ટ્રીય મહત્ત્વના કેસોમાં લાઈવ ટેલિકાસ્ટિંગની માગણી કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે હજુ આગળ વધીને દેશની તમામ અદાલતોમાં તમામ કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવે, તો તેની સામે સર્વોચ્ચ અદાલતને વાંધો નથી એમ કહ્યું છે. જગતના અનેક દેશોમાં અદાલતખંડોમાંની કારવાઈનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે છે.
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે તો આ બાબતે ખૂબ ઉત્સાહ બતાવ્યો છે અને કેન્દ્ર સરકારે પણ તેમાં સંમતિ આપી છે. કેન્દ્ર સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે લોકસભા અને રાજ્યસભાની માફક અદાલતો માટેની એક અલાયદી ચેનલ હોઈ શકે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું કે જો એમ બનશે તો વાદી કે પ્રતિવાદીને પોતાના ખટલામાં શું ચાલી રહ્યું છે, વકીલ કેવી દલીલ કરી રહ્યો છે, સામેના પક્ષે શું દલીલો કરી છે કે વાંધા ઉઠાવ્યા છે એની ઘરે બેઠા જાણ થઈ શકે. કોઈ માણસ કેરળમાં રહેતો હોય અને મહત્ત્વનો કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો હોય તો વાદી કે પ્રતિવાદીએ પોતાના ખર્ચે એક દિવસ માટે લાંબો પ્રવાસ કરવો પડે છે. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહ્યું હતું કે આનાથી ન્યાયતંત્રની પારદર્શકતામાં વધારો થશે અને તેની શ્રદ્ધેયતામાં વધારો થશે.
સર્વોચ્ચ અદાલતે લાઈવ ટેલિકાસ્ટિંગ માટેની તૈયારી બતાવી એ પછીથી ત્રણેય જજો, એટર્ની જનરલ અને અરજદાર વચ્ચે લાઈવ ટેલિકાસ્ટિંગના ફાયદા બતાવવાની હોડ શરૂ થઈ હતી. ન્યાયતંત્ર લોકોના દરવાજે પહોંચશે, કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીઓને અને તેમ જ વકીલોને શીખવા મળશે, વકીલોની અદાલતમાં વર્તણૂક સુધરશે, તારીખ માગવાની મનોવૃત્તિ પર અંકુશ આવશે, વગેરે વગેરે. આપણે ત્યાં વાદી-પ્રતિવાદી એક ભૂમિકાએ આવે અને એમાં અદાલત સંમતિ આપે પછી તો પૂછવું જ શું! અદાલત ખંડમાં વાતાવરણ એવું હતું કે સ્વર્ગ બસ બાથમાં લઈ લો એટલું ઢૂંકડુ હોય.
અદાલતોની કારવાઈનું જીવંત પ્રસારણ થવું જ જોઈએ એમાં કોઈ શંકા નથી, પરંતુ યોજના વ્યવહારુ હોવી જોઈએ અને એના પહેલાં અન્ય પ્રાથમિકતાઓ મોઢું ફાડીને ઊભી છે એનું શું? બે વરસ પહેલાં એ સમયના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે વડા પ્રધાનની હાજરીમાં અક્ષરસઃ રડતાં રડતાં કહ્યું હતું કે અદાલતો પર ખૂબ બોજો છે, હવે દેશનું ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે, લોકો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે, ત્યારે મહેરબાની કરીને તેને ઉગારો. શા માટે મુખ્ય ન્યાયમૂર્તિએ ડુસકાં ભરતાં ભરતાં વડા પ્રધાનને વિનંતી કરી હતી? કારણ કે વધુ અદાલતો સ્થાપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની, જજોની સંખ્યા વધારવાની, જજોની નિમણૂક કરવાની જવાબદારી અને અધિકાર બન્ને સરકારના છે. મુખ્ય ન્યાયમૂર્તિ રડવા સિવાય બીજું કાંઈ કરી શકે એમ નથી. બરાબર બે વરસ પહેલાં ૧૧મી જુલાઈએ બનેલી એ ઘટનાનો વીડિયો યુ ટ્યુબ પર જોઈ લો. વડા પ્રધાને ન્યાયતંત્ર પરના સંકટની નોંધ પણ નહોતી લીધી, ઈલાજ તો દૂરની વાત છે. સરકાર(પછી એ કોઈ પણ પક્ષની હોય)ને રસ જ નથી કે ન્યાયતંત્ર મજબૂત બને. જો ન્યાયતંત્ર મજબૂત બને તો જેલના દરવાજા તેમના માટે ખૂલી જાય.
અત્યારે દેશમાં સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો અને નીચલી અદાલતો મળીને અદાલતોની કુલ સંખ્યા ૧૬,૪૩૮ છે અને જરૂરિયાત મુખ્ય ન્યાયમૂર્તિ ટી.સેસ. ઠાકુરે રડતાં રડતાં વડા પ્રધાનને કહ્યું હતું એમ ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ જજોની અર્થાત્ અદાલતોની છે. એક તો જરૂરિયાત કરતાં ચોથા ભાગની અદાલતો છે અને તેમાં સરેરાશ ત્રીસ ટકા જગ્યાઓ ખાલી છે, જે જાણીબૂજીને ભરવામાં આવતી નથી. મારું એક સૂચન છે: દેશના ન્યાયતંત્રની અવસ્થા વિષે સર્વોચ્ચ અદાલતમાં મુક્ત સુનાવણી કરવામાં આવે અને તેનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે. પછી જો જો કોણ કેટલા પાણીમાં છે. ન્યાયતંત્રને લકવાગ્રસ્ત રાખવામાં એકલા શાસકોને જ રસ છે એવું નથી, નામીચા વકીલોને અને નામીચા વકીલોને વરસે દા’ડે પચાસ લાખ કે કરોડ કરોડ રૂપિયા પહોંચાડી દેતા ઉદ્યોગપતિઓને પણ રસ છે. નામીચા વકીલોને પેનલ પર રાખવાના કે જેથી જાહેરહિતની લડાઈ લડનારાઓની તેઓ બ્રીફ ન લે. વરસે દા’ડે કરોડ રૂપિયા તેમના માટે કૂતરાને રોટલો નીરવા જેવું છે.
સોમવારે સર્વોચ્ચ અદાલતમાં એકબીજાને ટાપશી પૂરતી ધાણી ફૂટતી હતી ત્યારે તેમને આ વરવી વાસ્તવિકતા યાદ નહોતી? દેશનો મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન સામે હાથ જોડીને રડતો હોય અને વડો પ્રધાન એની નોંધ પણ ન લે એ દ્રશ્ય ભૂલી કેમ શકાય? ઘણીવાર તો એમ થાય કે આ બધું પ્રજાને ગેલમાં રાખવાનાં સહિયારાં કાવતરાં છે જે રીતે બુલેટ ટ્રેન છે. લોકલ ટ્રેન એક વરસાદ ઝીલી નથી શકતી, ત્યાં બુલેટ ટ્રેનનાં સપનાં બતાવવામાં આવે છે.
સોમનાથ ચેટરજી જ્યારે લોકસભાના સ્પીકર હતા, ત્યારે તેમણે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે એવી દરખાસ્ત મૂકી હતી. લોકતંત્ર લોકોને ઓટલે પહોંચે એવું કહેવામાં આવ્યું હતું. પારદર્શકતા એ બીજી દલીલ હતી. લોકો જોતા હશે તો સંસદસભ્યો સખણા રહેશે અને સંસદના કામકાજની ગુણવત્તામાં સુધારો થશે એ ત્રીજી દલીલ હતી. આજે દસ વરસે પરિણામ તમારી સામે છે. સંસદનું લાઈવ ટેલિકાસ્ટિંગ નહોતું થતું ત્યારે સંસદ જેટલી ચાલતી હતી એના કરતાં આજ ઓછી ચાલે છે. બેશરમ લોકો પાસેથી શરમની અપેક્ષા રાખવી એ બેવકૂફી છે. જેટલા બેશરમ રાજકારણીઓ છે એટલા જ બેશરમ વકીલો અને નીચલી અદાલતોમાં જજો છે. રૂપિયા મળતા હોય તો આબરૂ ગઈ ભાડમાં. કેટલીક ટી.વી. ચેનલો પર બેશરમ તમાશા રોજેરોજ લાઇવ ચાલે છે તો એમાં કોઈને શરમાતો જોયો?
મુખ્ય પ્રશ્ન છે ન્યાયતંત્રને ઉગારી લેવાની જે અત્યારે મરણપથારીએ છે. હા, મરણપથારીએ પડેલા મરતા માણસનું જીવંત પ્રસારણ કરવું હોય તો વાત જુદી છે. જીવંત પ્રસારણ સામે કોઈ વાંધો ન હોય શકે, પરંતુ એ પહેલાં ન્યાયતંત્રના જીવનની તો બાંયધરી આપવામાં આવે? અહીં એક દ્રશ્યની કલ્પના કરું છુ જે વાસ્તવ બનવાનું છે. ધારી લો કે તમારો કોઈ કેસ અદાલતમાં પડ્યો છે. સુનાવણીની આજની તારીખ છે અને બોર્ડ પર કેસ ૧૨ વાગે મુકવામાં આવ્યો છે. તમે ટીવી ચેનલ સામે બેઠા છો, પણ તમારા કેસનો વારો આવે એ પહેલા લંચ બ્રેક આવે છે. લંચ પછી તમે પાછા તમારા કેસમાં શું થાય એ જોવા ટી.વી. ચેનલ સામે બેસી જશો. સાંજ સુધી તમે બેસી રહેશો પણ કેસમાં સુનાવણી નહીં થાય અને છેવટે જજ સાંજે પાંચ વાગે નહીં સાંભળી શકાયેલા કેસોને બીજી તારીખ આપશે. તમે સમય વેડફ્યો કે ઘરને આંગણે આવેલા ન્યાયતંત્ર માટે ગર્વ અનુભવ્યો?
રાષ્ટ્રીય હિતની પ્રાથમિકતાઓ લોકોને કેમ નથી સમજાતી એ જ મને નથી સમજાતું!
સૌજન્ય : 'કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 જુલાઈ 2018