Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક વાચન

કુમારપાળ દેસાઈ|Opinion - Opinion|28 April 2018

૨૩થી ૨૬ જાન્યુઆરી સુધી સ્વિટ્ઝર્લેન્ડના દાઓસમાં યોજયેલી વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં વિશ્વના અગ્રણી રાજપુરુષો, ઉધોગપતિઓ અને અન્ય ક્ષેત્રોની પ્રસિદ્ધ હસ્તીઓ સામેલ થઈ. આ વર્ષે આ મહાસંમેલનનો મુખ્ય વિષય હતો ‘ક્રિએટિવ અ શેયર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ’. આ સંમેલનમાં નિયમિત રૂપે ઉપસ્થિત રહેનારા બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગે આવનારા લોકોને નીચે દર્શાવેલાં પુસ્તકો વાંચવાની ખાસ ભલામણ કરી.

બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ બંને એક બાબતમાં સંમત હતા કે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી બૌદ્ધિક સ્ટીવેન પિંકરનું ૮૨૨ પૃષ્ઠનું દળદાર પુસ્તક ‘The Better Angels of Our Nature : Why Violence Has Declined’ સહુએ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સ્ટીવેન પિંકરે વિશ્વમાં લાંબા ગાળે અને ટૂંકા સમયમાં કઈ રીતે હિંસા ઘટતી રહી છે, તે દાખલા-દલીલ સહિત સમજાવ્યું છે. આ પુસ્તકમાં સમયે સમયે અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કેવી હિંસા થતી હતી, એની વિગતે આંકડાઓ સહિત પુષ્કળ માહિતી આપી છે. બાળકો પ્રત્યેના વલણથી માંડીને યુદ્ધ સુધીની જુદી જુદી બાબતોમાં હિંસા કઈ રીતે ઓછી થતી જાય છે એનો ખ્યાલ આપ્યો છે. એમ પણ દર્શાવ્યું છે કે કોમ્યુિનકેશનનાં ઝડપી સાધનો વધવાને કારણે આપણે વિશ્વમાં ઘટતી જતી હિંસા વિષે સભાન નથી. વળી સંવેદના, આત્મસંયમ, નિતિવિષયક જાગૃતિ અને તર્ક – એ ચાર માનવીય ધ્યેયોને કારણે આપણે ધીરે ધીરે હિંસાથી દૂર જઈ રહ્યા છીએ.

બન્યું એવું કે કેનેડામાં જન્મેલા અમેરિકાના આ મનોચિકિત્સક, ભાષાશાસ્ત્રી અને વિજ્ઞાનલેખક સ્ટીવેન પિંકરના આ પુસ્તક વિશે બિલ ગેટ્સે જયારે ટ્વિટ કર્યું કે એમને માટે આ પુસ્તક સૌથી વધુ પ્રેરણાદાયી બન્યું છે, ત્યારે એ પુસ્તક રાતોરાત એમેઝોનના બેસ્ટ સેલરની સૂચિમાં સ્થાન પામ્યું હતું.

ભારતીય મૂળના અમેરિકન તબીબ અને ઓન્કોલોજિસ્ત સિદ્ધાર્થ મુખરજીની ‘The Gene : An Intimate History’ વાંચવાની પણ તેઓ સિફારસ કરે છે. આમ તો આ પુસ્તક જનસામાન્યને માટે લખાયેલું છે, પરંતુ એમાં પ્રયોજાયેલી નવી નવી ટેકનિક સહુને પ્રભાવિત કરે તેવી છે.

અર્થશાસ્ત્ર અને સમાજવિજ્ઞાનનાં ગંભીર પુસ્તકોમાં માર્ક ઝુકરબર્ગ ચીની લેખક લુ સીકિસનની સાયન્સ ફિક્શન પર આધારિત નવલકથા ‘ધ થ્રી બોડી પ્રોબ્લેમ’ને એક હળવા વાચન તરીકે પસંદ કરે છે.

વિદેશમાં પુસ્તકોનો આજે ય પહેલાંના જેવો જ મહિમા છે. બિલ ગેટ્સ માટે એમ કહેવાય છે કે તેઓ રોજ રાત્રે નિયમિત રીતે એક કલાક પુસ્તક વાંચે છે અને એક અઠવાડિયામાં એક આખું પુસ્તક પૂરું કરી દે છે, તો બીજી બાજુ ઝુકરબર્ગે ૨૦૧૫માં નવા વર્ષે સંકલ્પ લીધો હતો કે પોતે દર મહિને બે પુસ્તકો અવશ્ય વાંચશે.

આ સંદર્ભમાં ભારતની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બદલાતા સમય પ્રમાણે વાચકોની પલટાતી વૃત્તિ-રુચિ સાથે વિષય-પરિવર્તન કરીને પુસ્તકો વાચક સાથે મેળ બેસાડવા પ્રયત્ન કરે છે. એક સમય નવલકથા, નવલિકાસંગ્રહ અને કવિતાનો હતો. હવે ધીરે ધીરે એમાં પલટો આવીને જીવનોપયોગી વિષયો કે પછી ધાર્મિક, આધ્યાત્મિક, આરોગ્યલક્ષી કે વેપારમાં તેમ જ કોઈ પણ વ્યવસાયમાં સફળતાની સીડી બતાવતાં પુસ્તકોનો મહિમા વધી રહ્યો છે. રુચિ પ્રમાણે વિષય બદલાય એ તો સમજી શકાય, પરંતુ અત્યારે જે રીતે પુસ્તકવાચનની ટેવ ઘટતી જાય છે, એ ચિંતાજનક બાબત છે. આપણાં પુસ્તકાલયો પ્રાચીન ઈમારત કે બિસ્માર હવેલી જેવાં બનવા લાગ્યાં છે. પુસ્તકોના વિક્રેતાઓની દુકાનો અને બજાર સમેટાઈ રહ્યાં છે. માત્ર સંપન્ન વર્ગ અંગ્રેજી પુસ્તકોની ખરીદી કરતો હોવાથી એનું વેચાણ થોડું જળવાઈ રહ્યું છે. ગુજરાતીમાં નવલકથાની ૫૦૦ પ્રતો છપાય છે અને હિંદીમાં ૧૦૦૦ અથવા વધુમાં વધુ ૨૦૦૦ છપાય છે.

હવે કરીએ સાક્ષરતા ધરાવતા યુવાનોની વાત. ભારતમાં ૧૩થી ૩૫ વર્ષની ઉંમરના યુવાનોની સંખ્યા આશરે ૪૭ કરોડ છે. એમાંથી ૩૪ કરોડ યુવાનો સાક્ષર છે, પરંતુ એમની સાક્ષરતા અને એમના પુસ્તકપ્રેમ વચ્ચે ઘણી મોટી ખાઈ જોવા મળે છે. ૨૦૦૯માં નેશનલ બુક ટ્રસ્ટે કેટલા લોકો પુસ્તકો વાંચે છે તે જાણવા માટે નેશનલ બુક રીડરશિપ સર્વે કર્યો હતો. ૨૦૭ જિલ્લાના ૧૯૯ શહેરો અને ૪૩૨ ગામડાંઓના ૭૫૩ વોર્ડમાં કરવામાં આવેલા આ સર્વેમાં ૩૮,૫૭૫ યુવાનોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. એમાં સાક્ષરતા ધરાવતા અને પુસ્તક-વાચનનો શોખ ધરાવતા મધ્ય ભારતમાં ૧૨% ટકા, ઉત્તર ભારતમાં 13%, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ૩૨% તેમ જ દક્ષિણ ભારતમાં ૨૪% જેટલા યુવાનો જોવા મળ્યા. યુવાનોને આ શોખ એમના પરિવારજનો, નિશાળ કે શિક્ષકો પાસેથી પ્રાપ્ત થયો હતો, જો કે એમાં ૧૨% યુવાનો તો ભેટ આપવા માટે પુસ્તક-ખરીદી કરતા હતા.

આવી ચિંતાપ્રેરક પરિસ્થિતિનું પહેલું કારણ એ છે કે વાંચવાની ટેવ છૂટી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ટેલિવિઝન મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે તમે વાંચેલા છેલ્લા પુસ્તક વિશે જરા વાત કરો, ત્યારે અમેરિકાના પ્રમુખે કહ્યું કે તેઓ પુસ્તક પર ઉપર-ઉપરથી નજર નાખી લે છે, એના થોડાક પેરેગ્રાફ વાંચી લે છે. બાકી આખું પુસ્તક વાંચતા નથી અને કહ્યું કે તે માટે એમની પાસે પૂરતો સમય પણ નથી.

આજની યુવાન પેઢીને પણ પુસ્તક વાંચવા માટે સમય નથી અને એનું કારણ એ છે કે એનો મોટા ભાગનો સમય મોબાઈલ પર જતો હોય છે. માતા-પિતા બાળકોને મોંઘો સ્માર્ટ ફોન ખરીદીને આપે છે, પરંતુ કોઈ પુસ્તક ખરીદીને આપતાં નથી. વળી કેટલાક યુવાનો બેકાર હોવાથી ટાઇમ-પાસ કરવાના રસ્તા ખોળતા હોય છે. ચા કે પાનની દુકાનો પર કે પછી બાગમાં યુવાનોની ભીડ જોવા મળે છે, જે માત્ર ગામગપાટા મારતી હોય છે. ભાગ્યે જ કોઈ એવો યુવાન તમને જોવા મળશે કે જેના હાથમાં પુસ્તક કે સામયિક હોય અથવા તો કોઈ શાંત સ્થળે કે બગીચામાં બેસીને વાચન કરતો હોય.

એક સમયે એમ કહેવાતું કે અખબારોએ જુદા જુદા વિષયની રોજેરોજ પૂર્તિઓ આપીને સામયિકોને ભીંસમાં લીધાં છે અને વાચકને પુસ્તકોથી અળગા કર્યા છે. પણ હવે આજે તો એવી સ્થિતિ આવી છે કે અખબારોનું વાચન પણ ઓછું થવા લાગ્યું છે અને ભારતીય ભાષાનાં અખબારોની ગ્રાહકસંખ્યા કાં તો સ્થગિત થઈ ગઈ છે અથવા તો ઘટી રહી છે.

પુસ્તક વાંચવાની આદત છૂટી જવાનું બીજું એક કારણ એ પણ છે કે માહિતી મેળવવા માટે આજના યુવાન પાસે ઘણા નવા અને ઝડપી સ્ત્રોત છે. એમની પાસે સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર છે; ઈન્ટરનેટ, ગૂગલ તથા બીજા સર્ચ બ્રાઉઝર છે. પળવારમાં માહિતી હાથવગી થતી હોય છે. પરિણામે હવે માહિતી, આંકડા કે કોઈ વિષય પરના લેખો મેળવવા માટે પુસ્તકોની જરૂર રહી નથી.

એક ત્રીજું કારણ એ પણ આપવામાં આવે છે કે પુસ્તકો ઘણાં મોંઘાં હોય છે. આપણે ત્યાં આવી ફરિયાદ વિશેષ જોવા મળે છે. આ મોંઘવારીના સમયમાં વ્યક્તિ હોટલમાં ભોજન કરવા જાય ત્યારે બે-ત્રણ હજારનું બિલ દિલના સહેજે થડકારા વિના ચૂકવતો હોય છે, પરંતુ ૨૦૦-૩૦૦ રૂપિયાનું પુસ્તક ખરીદતાં એના હાથ અચકાતા હોય છે. આવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. ભોજન તો થોડા સમયમાં પૂર્ણ થઈ જાય, પણ એક સારું પુસ્તક જીવનભરનો સાથી બની રહે છે. પુસ્તકની મોંઘી કિંમતનો દુષ્પ્રચાર હોય કે પછી તો Buy two, get one free-ની આપણી ગ્રાહકવૃત્તિ હોય, પણ પહેલાં પુસ્તકમાં કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તેનો વિચાર કરતા હતા અને હવે તો બસો રૂપિયામાં પાંચસો રૂપિયાનાં પુસ્તકો – એ રીતનું ડિસ્કાઉન્ટ સેલ પણ ચાલે છે.

જુદાં જુદાં શહેરોમાં લિટરેચર ફેસ્ટિવલ થાય છે અને તેમાં યુવાનો મોટી સંખ્યામાં આવતા હોય છે. એ જોઈને આપણને એમ લાગે કે ભારતના યુવાનોનો પુસ્તક અને સાહિત્ય તરફનો લગાવ વધી રહ્યો છે, પરંતુ ભારતીય ભાષાઓનાં પુસ્તકોની પ્રમાણમાં ઓછી ખરીદી થાય છે. વિશેષ તો મહાનગરના ઉચ્ચ મધ્યમ વર્ગના અંગ્રેજી જાણતા યુવાનો પુસ્તક-ખરીદી કરતા હોય છે, આથી જ ચેતન ભગત જેવા લેખકોનાં પુસ્તકોની લાખો પ્રતો વેચાતી હોય છે જ્યારે ભારતીય ભાષાનાં પુસ્તકોની દશા કૃષ્ણના વૈભવ આગળ સુદામા જેવી હોય છે.

આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સાર્વજનિક પુસ્તકાલયોની જે ઉપેક્ષા કરવામાં આવી છે તે રોકવી-નિવારવી જોઈએ. પુસ્તકાલય બૌદ્ધિકતા, રચનાત્મક લેખન, સાંસ્કૃિતક પુનર્જાગરણ અને યુવાપેઢીના વૈચારિક જગતનું નિર્માણકેન્દ્ર બનવું જોઈએ. નવસારીનું સયાજી વૈભવ પુસ્તકાલય આ ક્ષેત્રમાં નોધપાત્ર કાર્ય કરે છે. વળી કેટલા બધા સર્જકો અને સંશોધકોને આ પુસ્તકાલયોએ અથવા તો ગ્રંથપાલોએ જરૂરી વિષય-સામગ્રી આપીને ન્યાલ કર્યા છે ! આજે સૌથી દુ:ખદ બાબત તો એ છે કે પુસ્તકાલયોને મળતી સરકારી સહાય સાવ ઓછી થઈ ગઈ છે અને બીજી બાજુ સામાજિક પ્રોત્સાહન અટકી ગયું છે. પુસ્તકાલયની પાસે પુસ્તકખરીદી માટે બહુ ઓછી રકમ હોય છે. આને પરિણામે જે પુસ્તકો હોય છે તે ઘણાં જૂનાં, જર્જરિત હોય છે. આથી લાયબ્રેરીના વિષાદગ્રસ્ત સ્ટાફને વેતન ચૂકવવાથી વધુ ખર્ચ એ કરી શકતી નથી. સ્કૂલની લાયબ્રેરીમાં પુસ્તકો છે, પણ વિધાર્થીઓને પુસ્તકમાં રસ જગાવે એવા ગ્રંથપાલ કે શિક્ષકો જોવા મળતા નથી. મોટે ભાગે પુસ્તકાલયોમાં જુદી જુદી સરકારી પરીક્ષાઓમાં ઉપયોગી એવાં પુસ્તકો મહત્ત્વનું સ્થાન જમાવવા લાગ્યાં છે. મહારાષ્ટ્ર અને તમિળનાડુની રાજ્ય સરકારે જિલ્લા-તાલુકાના જાહેર ગ્રંથાલયોનો કાયદો બનાવીને એના સંચાલનની જવાબદારી પોતે લીધી છે અને તેને પરિણામે પુસ્તકાલયો વિકસી રહ્યાં છે.

આપણે ત્યાં ‘વાંચે ગુજરાત’ દ્વારા પુસ્તકવાંચનનો મહિમા કરવામાં આવ્યો. પુસ્તકોના વાચન અંગે એક નવી ઘટના તુર્કસ્તાનમાં બની છે. તુર્કસ્તાનના અંકારા શહેરમાં કચરો ઉઠાવનારા કામદારોએ ૪,૭૫૦ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી શરૂ કરી અને બીજાં ૧,૫૦૦ પુસ્તકો કબાટમાં ગોઠવાવાની રાહ જોઈ રહ્યા છે. કચરાને એકઠો કરવાની સાથોસાથ આ લોકો રહેઠાણોમાંથી પુસ્તકો મેળવે છે. આવાં વાંચી લીધેલાં કે ઉપયોગમાં નહીં લેવાતાં પુસ્તકોમાંથી કચરો ઉઠાવનારા કામદારોએ લાયબ્રેરી ઊભી કરી છે. પહેલાં તો આ કામદારોને પોતાના માટે અને એમનાં કુટુંબીજનો માટે આ લાયબ્રેરીમાંથી ૧૫ દિવસ માટે પુસ્તકો વાંચવા મળતાં હતાં, પણ હવે એ જાહેર લાયબ્રેરી બની છે. આમાંનાં પુસ્તકોને સત્તર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. આમાં રોમેન્ટિક નવલકથાઓ પણ મળે અને અર્થશાસ્ત્રનું પાઠ્યપુસ્તક પણ મળે. આ લાયબ્રેરી પાસે ચાર્લ્સ ડિકન્સ, જે. કે. રોવલિંગ જેવા વિખ્યાત વિદેશી સર્જકો અને તુર્કી લેખકોનાં પુસ્તકો પણ છે. અહીં કચરો વીણનારા કામદારો ચોવીસ કલાકમાં ગમે ત્યારે વાંચવા માટે આવી શકે છે. કેટલાક પોતાને માટે અને પોતાની વૃદ્ધ માતા માટે પણ અહીંથી પુસ્તકો લઈ જાય છે; એટલું જ નહીં, પણ તુર્કસ્તાનનાં બીજાં શહેરોમાંથી લોકો ટપાલખર્ચ આપીને પણ અહીંથી પુસ્તકો મંગાવે છે. હવે આ કામદારો એક મોબાઈલ લાયબ્રેરી તૈયાર કરી રહ્યા છે, જેનાથી અંકારા શહેરની જુદી જુદી સ્કૂલોના વિધાર્થીઓને લાભ મળશે. આપણે ત્યાં આજે વાચનની ઘટતી જતી ટેવ અંગે જાગૃત બનીને સમાજના તમામ સ્તરના લોકોએ પ્રયત્ન કરવાની જરૂર છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 03-06 

Loading

28 April 2018 admin
← સજન મારી પ્રીતડી …
કૂણાં પાન →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved