Opinion Magazine
Number of visits: 9446899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સયાજીરાવ ગાયકવાડનો વારસો

મકરન્દ મહેતા|Opinion - Opinion|24 March 2018

સયાજીરાવ ગાયકવાડ(૧૮૬૩-૧૯૩૯)ની ૧૭૫મી જન્મજયંતી તા.૧૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ઊજવાઈ. સયાજીરાવ માત્ર વડોદરા રાજ્યના મહારાજા ન હતા, તેઓ સાંસ્થાનિક ભારતના એક મોટા ગજાના ભારતીય નેતા હતા. તેમણે સંગીત, સાહિત્ય, ચિત્રકલા, પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત અને મહાદેવ ગોવિંદ રાનડેની જેમ તેઓ મોટા ગજાના આર્થિક રાષ્ટ્રવાદી હતા, એટલું જ નહીં પણ એમણેે પરંપરાગત ગૃહઉદ્યોગો તથા નવી ટેક્‌નોલૉજીને આધારે આધુનિક ઉદ્યોગો વિકસાવીને પરાધીન ભારતને સ્વનિર્ભર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા. તેમનો આર્થિક રાષ્ટ્રવાદ તેમની શૈક્ષણિક અને સામાજિક નીતિઓ વગર સમજી શકાય તેમ નથી. ૧૯૦૨માં સયાજીરાવે કૉંગ્રેસના અધિવેશનની સાથે અમદાવાદમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શનમાં કહ્યું હતું : “જો આર્થિક રાષ્ટ્રવાદનો ઉદ્દેશ વિકાસનો હોય, તો છેવટે આ વિકાસ કોને માટે છે? વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જ જોઈએ.”

શૈશવકાળના અનુભવો : સવાલ એ છે કે અત્યંત ધનવાન અને સત્તાધારી રાજા હોવા છતાં તેઓ ગરીબો અને વંચિતોની વહારે કેમ ધાયા હતા. ખરી વાત એ છે કે ૧૮૭૫માં રાજા તરીકે પસંદ થયા તે પહેલાં સયાજીરાવે ‘ગોપાલરાવ ગાયકવાડ’ તરીકે બાળપણમાં કવળાણા ગામ(જિ. નાસિક)માં ખેતી કરી હતી અને મરાઠા, મહાર અને કણબી બાળકો સાથે રમતો રમ્યા હતા. વળી, તેમના પિતા કાશીરામ અને કાકાઓ જ્યોતિરાવ ફુલેના બહુજનસમાજ આંદોલનના સંપર્કમાં હતા. બહુજનસમાજ આંદોલન ઊંચ-નીચના ભેદભાવ ઉપર રયાયેલા વર્ણ અને શાંતિવ્યવસ્થા સામેનો ‘કલ્ચરલ રિવોલ્ટ’ હતો. માત્ર ૧૨મે વર્ષે જ્યારે ગોપાળરાવ સયાજીરાવમાં પલટાયા, ત્યારે હરીફ મરાઠા સરદારોએ ગાદી પ્રાપ્ત કરવા તેમને મહાર અસ્પૃશ્ય તરીકે જાહેર કરેલા. બાળકના મનને શું થયું હશે! છેવટ સુધી સયાજીરાવે ખેડૂતો, આદિવાસીઓ અને દલિતો સાથેની આઈડેન્ટિટી ચાલુ રાખી હતી. તેની ભીતરમાં સયાજીરાવના બાળપણના મનોવૈજ્ઞાનિક અને ઇમોશનલ ડિસ્ટર્બન્સમાં સૂક્ષ્મ કણો છુપાયા હતા. અત્રે યાદ રહે કે જે સમયે બાબાસાહેબ આંબેડકરને કોઈ ઓળખતું પણ ન હતું. તે સમયે તેમને વધુ અભ્યાસ માટે ૧૯૧૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ મોકલનાર સયાજીરાવ જ હતા. જગાને અભાવે અહીં સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.

દલિત ઉત્કર્ષ-પ્રવૃત્તિ : સ્ત્રી-કેળવણી અને દલિતો તથા આદિવાસીઓનાં શિક્ષણને ઉત્તેજન આપવા સયાજીરાવે ૧૮૯૨માં અમરેલી તાલુકાને પસંદ કરીને મુક્ત અને ફરજિયાત શિક્ષણનો ધારો પસાર કર્યો. અસ્પૃશ્ય બાળકોનો જ્યારે સવર્ણ બાળકો અને તેમના વાલીઓએ વિરોધ કર્યો, ત્યારે સયાજીરાવે કાયદા મુજબ તેમને કડક સજા કરી. તેની ધારી અસર થઈ. અમરેલીનો પ્રયોગ સફળ થતાં મહારાજાએ ૧૯૦૭માં આ કાયદો સમગ્ર રાજ્યને લાગુ પાડ્યો. નોટ, પેન્સિલ, સ્લેટ, પેન, ભણવાનું મફત. જે વિદ્યાર્થી નિયમિત હાજરી પુરાવે, તેને પ્રોત્સાહન-ઇનામ મળે અને જે ગેરહાજર રહે તેને દંડ થાય.

સયાજીરાવે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો પસાર કરીને રાજ્યમાં ઠેરઠેર અંત્યજ શાળાઓ શરૂ કરી. જ્યારે લોકોએ ‘હોહા’ કરી મૂકી, ત્યારે રાજાએ સત્તા તથા પ્રગતિશીલ કાયદાનો ઉપયોગ કરીને જાહેર કર્યું “હું એક પ્રગતિશીલ રાજા છું અને માનવ-સમાનતામાં માનું છું. તેથી મેં કાયદો પસાર કરીને મારાં સૌ પ્રજાજનોને શૈક્ષણિક તકો પૂરી પાડી છે. જો તમે વિરોધ કરશો, તો હું તમને પહેલાં કરતાં પણ વધારે આકરી સજા કરીશ.” જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં ‘ઉનાકાંડ’ ક્યાં હોય?! મહારાજા આર્થિક રાષ્ટ્રવાદી હતા, કલ્ચરલ નેશનાલિસ્ટ કદી પણ નહીં! ૧૯૦૩માં તેઓ મુંબઈના ડિપ્રેસ્ડ કલાસીસ મિશનના પ્રમુખ અને પ્રખર સમાજસુધારક વિઠ્ઠલ રામજી શિંદેને વડોદરા બોલાવી લાવ્યા. ૧૯૦૭માં લાહોર ગયા અને મહાન આર્યસમાજ નેતા આત્મારામ અમૃતસરીને વડોદરા બોલાવી લાવ્યા. તેમના દલિત શિષ્ય નાગજીભાઈ આર્યએ પોતાના અનુભવો ટાંકતાં લખ્યું છે કે એક પ્રસંગે જ્યારે અંત્યજ વિદ્યાર્થીઓ આત્મારામ સાથે ડમણિયા અને ગાડામાં બેસીને વડોદરાથી ડભોઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમને સવર્ણ હિંદુઓએ અટકાવ્યા કે તમે અસ્પૃશ્ય હોવા છતાં સારાં કપડાં પહેરીને બળદગાડામાં કેમ જાવ છો. તેમાંથી બખેડો થતાં તાલીમ પામેલા અસ્પૃશ્યોએ લાઠી અને દંડાઓનો પ્રયોગ કરીને કેટલાક દુશ્મનોનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં! આવું સંઘબળ જોઈને તેઓ ભાગી ગયા. આમ છતાં તે સમયે આજની જેમ આપણો મોટા ભાગનો સવર્ણ સમાજ એવો તો જડ હતો કે મહારાજાને નાકે દમ આવ્યો હતો. તા. ૧૬-૯-૧૯૦૯ના રોજ પૂનામાં યોજાયેલા ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશનના મેળાવડામાં સયાજીરાવે ભાષણમાં કહ્યું હતું :

“તમને જણાવતાં મને આનંદ થાય છે કે આજે મારા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલે છે અને તેમાં દસ હજાર કરતાં વધારે છોકરા-છોકરીઓ ભણે છે. આ ઉપરાંત મેં ચાર વસ્તીગૃહો કાઢ્યાં છે. પણ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, હજુ પણ ઘણાં હિંદુ શિક્ષકો એવા તો જડ છે કે તેમને દોઢો પગાર વધારે આપવા છતાં તેઓ મારી ઑફર સ્વીકારતા નથી. તેથી હું બાળકોને ભણાવવા ખ્રિસ્તી, મુસલમાન, પારસી અને યહૂદી શિક્ષકોની નિમણૂક કરું છું.”

સયાજીરાવે ધીમે-ધીમે શિક્ષિત અંત્યજોને રાજ્યની નોકરીમાં લીધા. વૉટરવર્ક્સ, કેળવણી, બાગબગીચા, મિસ્ત્રીકામ, ઇલેક્ટ્રિશિયન, સુધરાઈ અને પોલીસખાતામાં આ રીતે દલિતો નોકરિયાત બન્યા. આપણે અગાઉ જોયું તે મુજબ ડૉ. આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે મહારાજાએ વિદેશ મોકલ્યા હતા. ઈ.સ. ૧૯૩૬ના એક અહેવાલ મુજબ :

“હાલ વડોદરાની રાજ્યનાં ૨૪,૧૯૭ અંત્યજ બાળકો પ્રાથમિક શાળામાં અને ૨૦૩૪ વિદ્યાર્થીઓ માધ્યમિક અંગ્રેજી હાઈસ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યાં છે. સરકાર તેમને મફત શિક્ષણ આપવા ઉપરાંત મફત પેન, પેન્સિલ, સ્લેટ અને પાઠ્યપુસ્તકો આપે છે. વડોદરા કૉલેજમાં હાલ ૨૮ અંત્યજો ભણી રહ્યા છે. વડોદરા, પાટણ, અમરેલી, સોનગઢ, વ્યારા અને મહુવાનાં વસતિગૃહોમાં અંત્યજ વિદ્યાર્થીઓ મફત ભણે છે. તેમનું ખાવાપીવાનું પણ સરકાર પૂરું પાડે છે.”

મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે કહેવાયું છે કે ‘The Maharaja had the might of an autocrat, but the mind of a democrat.’ તેઓ સાચા અર્થમાં દલિતોના મિત્ર અને ઉદ્ધારક હતા. મહારાજાનો આ વારસો ખરેખર પ્રેરણાદાય છે.

સયાજીરાવ ગાયકવાડ અને આદિવાસીઓ : દલિતોની જેમ મહારાજા આદિવાસીઓના પણ ઉદ્ધારક હતા. તેઓ તેમના રાજ્યનાં તમામ તાલુકાઓ અને ગામોમાં ફરીને પ્રજાની પરિસ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ કરતા. તે મુજબ તેમણે ઈ.સ. ૧૮૮૪માં નવસારી પ્રાંતમાં માંગરોળ, કામરેજ, સોનગઢ, વ્યારા, મહુવા, પલસાણા, નવસારી અને ગણદેવી એમ તમામ ૮ તાલુકાઓની મુલાકાત લીધી. તેમણે તંબુઓ બાંધીને ચૌધરી, ડામોર, ગામીત, કાથુડિયા, ઘોડિયા, કુકણા, વસાવા અને દૂબળા જેવા અત્યંત ગરીબ, નિરક્ષર અને પછાત આદિવાસીઓની મુલાકાત લીધી અને તેમની સાથે વાર્તાલાપો કર્યા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે પ્રાંતના સૂબા ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ સાથે યોજના ઘડી અને ૧૮૮૬માં સોનગઢ અને વ્યારામાં આદિવાસીઓની શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. તેને બીજે વર્ષે અન્ય તાલુકાઓમાં શાળાઓ અને હૉસ્ટેલોની સ્થાપના કરી. હિંદુ શિક્ષકો તેમને ભણાવવા તૈયાર ન હોવાથી મુસલમાન શિક્ષકોને નોકરી આપી. મહારાજાએ ફતેહખાન પઠાણ નામના બાહોશ કેળવણીકારને આદિવાસી શાળાઓ અને છાત્રાલયોના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવ્યા. વડોદરામાં દલિતોની શાળાઓ અને હૉસ્ટેલોના સુપ્રિન્ટેન્ડન્ટ આર્યસમાજી નેતા આત્મારામ અમૃતસરી અને આદિવાસીઓના સુપ્રિન્ટેન્ડેન્ટ ફતેહખાન પઠાણ ! બંને મિલિટન્ટ હોવાથી લાઠીરૂપી ‘લાલિયો લઠ્ઠ’ રાખતા અને વિદ્યાર્થીઓને પકડાવી તે તેમને તાલીમ આપતા અને તેમનાં બાવડાં મજબૂત બનાવતાં. જ્યાં તમામ વિનંતિઓ અને દલિતો નિષ્ફળ જાય. ત્યાં આજે પણ ‘લાલિયો લઠ્ઠ’ જ કામમાં આવે છે! મહારાજા કલ્ચરલ નેશનાલિસ્ટ નહોતા! તેમણે આદિવાસીઓ અને દલિતોનાં બાવડાં મજબૂત બનાવ્યાં હતાં. આ પણ આજે સમજી જવા જેવી વાત છે! સયાજીરાવ સ્વમાની રાજા હતા અને રૈયતને સ્વમાની બનાવવાના પ્રયાસો કરતા હતા. અહીં વિખ્યાત અમેરિકન સાહિત્યકાર વોલ્ટ વ્હીટમેનનું (૧૮૧૯-૧૮૯૨) ‘Song of Myself’ યાદ આવે છે, કારણ કે તે સયાજીરાવનાં માનવીય મૂલ્યો તેમ જ તેમની સમાનતાની ભાવનાને વ્યક્ત કરે છે.

“I Celebrate myself, and Sing myself,
And what I assume, you shall assume,
For every atom belonging to me.
As good belongs also to you.”

સયાજીરાવે આદિવાસી સમાજ અને અન્ય ખેડૂતોના લાભ માટે સહકારી મંડળીઓ સ્થાપી, કૃષિવિષયક પ્રદર્શનો યોજ્યાં અને ખેતીનાં ઓજારો પૂરાં પાડ્યાં. તેમણે રેશમનો ઉદ્યોગ શીખવા અમરસિંહ ચૌધરી નામના આદિવાસી યુવાનને બુરહાનપુર મોકલ્યા. બે વર્ષની તાલીમ બાદ ૧૯૦૫માં અમરસિંહ પાછા ફરતાં સયાજીરાવે સોનગઢમાં રેશમનો ઉદ્યોગ શરૂ કરીને કિસનસિંહ અને દેવજી ભગતસિંહ જેવા આદિવાસીઓને તાલીમ આપી.

સયાજીરાવ ખૂબ પ્રૅક્ટિકલ માણસ હતા. જે જમાનામાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ અને ભોળાનાથ સારાભાઈ જેવા પ્રખર સમાજ સુધારકો પણ દલિતો અને આદિવાસીઓ સુધી નહીં પહોંચેલા, તે જમાનામાં આદિવાસી લોકોની સમસ્યાઓને સમજીને તેમના ઉત્થાન માટેની પૉલિસી ઘડવા માટે સયાજીરાવે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને ૧૮૮૯માં નવસારી પ્રાંતના તાલુકાઓ અને ગામડાંઓમાં મોકલ્યા. પ્રેમાનંદ પટેલ સેંકડો આદિવાસીઓને મળ્યા અને તેમનાં રીતરિવાજો, રહેણીકરણી, ખાનપાન, કહેવતો, દારૂતાડી સહિતનાં જન્મ-લગ્ન અને મરણનાં રીતરિવાજો, ઉખાણાં અને રમતગમતોની માહિતી પ્રાપ્ત કરી. આદિવાસીઓનાં લોકગીતો ભેગાં કર્યાં. તેને આધારે તેમણે રાજ્ય તરફથી ૧૯૦૧માં ‘નવસારી પ્રાંતના કાળીપરજ’ નામનો દળદાર અને સમૃદ્ધ ગ્રંથ પ્રકાશિત કર્યો. આદિવાસીઓનો ઇતિહાસ તથા તેમની સોશિયોલૉજિકલ માહિતીની આજે પણ તે ખાણ છે. બ્રિટિશ રેકડ્‌ર્સમાં તો આદિવાસીઓને ‘ગુનેગારોની ટોળી’ તરીકે વર્ણવવામાં આવ્યા છે, પણ આદિવાસીઓનાં લોકગીતો તેનાથી તદ્દન ભિન્ન તરી આવે છે. તેમાંથી આદિવાસીઓનાં દર્દો ઉપરાંત તેમનાં ‘સેલ્ફ-એસર્શન’ પણ પ્રગટ થાય છે. આદિવાસીઓએ તીરકામઠાંઓનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરનાર પારસી દારૂતાડીવાળાઓને તથા હિંદુ શરાફો તથા જમીનદારોને ઢીલા પાડ્યા હતા. ઉપર્યુક્ત ગ્રંથમાંથી માત્ર એક લોકગીત રજૂ કરીશું. તે આદિવાસી સમાજની લાઇફ-સાઇકલ (જીવનચક્ર) ઉપર અદ્‌ભુત પ્રકાશ નાખે છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો ચોથો ભાગ ૧૯૦૧માં પ્રસિદ્ધ થયો હતો અને ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ ગ્રંથ પણ એ જ સાલમાં પ્રસિદ્ધ થયો હતો. બંને ગ્રંથોની વિભાવના ઘણી ભિન્ન છે. એ તો સારું થયું કે એક સમયનાં ગરીબ બાળખેડૂતોમાં પ્રેમાનંદ પટેલને ફિલ્ડ-વર્ક માટે મોકલ્યા હતા.

આદિવાસીઓની દારુણ લાઇફ-સાઇકલ :

“ઝાડ વગરની ડુંગરી કેવી ?
ચીમડી (ઢોરને ખાવા માટેનો છોડ) ઊગે તેવી.
તે ચીમડી પણ કેવી છે? ગાય ખાય તેવી.
તે ગાય પણ કેવી છે? દૂધ આપે તેવી.
તે દૂધ પણ કેવું છે? દહીં થાય તેવું છે.
તે દહીં પણ કેવું છે? છાશ થાય તેવું છે.
તે છાશ પણ કેવી છે? માખણ થાય તેવી છે.
તે માખણ પણ કેવું છે? ઘી તાવે તેવું છે.
તે ઘી પણ કેવું છે? વાણિયો લઈ જાય તેવું છે.
તે વાણિયો પણ કેવો છે? પૈસા આપે એવો છે.
તે પૈસા પણ કેવા છે? સોની લે તેવા છે.
તે સોની પણ કેવો છે? કાનની વાળી ઘડે તેવો છે.
તે વાળી પણ કેવી છે! જુવાનડી પહેરે તેવી છે.
તે જુવાનડી કેવી છે? તે છોકરાં થાય તેવી છે.
તે છોકરાં પણ કેવા છે? બાપ કહે તેવા છે.
તે બાપ પણ કેવો છે? કમાણી કરે તેવો છે.
તે કમાણી પણ કેવી છે? વાણીમાં લઈ જાય તેવી છે.

આ એક સીધુંસાદું લોકગીત તે સમયના આદિવાસી તથા બાહ્યસમાજ વચ્ચેના આંતરસંબંધો ઉપર વેધક પ્રકાશ નાંખે છે.

છેવટે માત્ર એટલું જ ઉમેરવાનું રહે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક એવા દૃષ્ટા હતા જેમણે સમાજપરિવર્તન અને આર્થિક વિકાસના સિદ્ધાંતો અને આદર્શોને તેમની પોતાની રીતે તથા તેમની પોતાની મર્યાદામાં રહીને ચરિતાર્થ કરી બતાવ્યા હતા. તેમના જન્મને પોણા બસો વર્ષ થઈ ગયાં છે અને મૃત્યુને પણ એંશી વર્ષ થયાં છે. તેઓ આજની પબ્લિક મૅમરીમાંથી તદ્દન વિસ્મૃત થઈ ગયા છે. આમ છતાં તેમને યાદ કરવા જેવા છે. તેમનામાંથી જે કાંઈક તો પામી શકાય તેવી આ વાત છે. એક પ્રસંગે તેણે કહ્યું હતું : “There is nothing I love so much as a good fight !”

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 08-09

Loading

24 March 2018 admin
← સ્વેચ્છામૃત્યુનો વિવાદઃ જીવન સંકેલવાનો હક અને કાયદો
આપણો જનમોજનમનો સંગ →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved