જવાહરલાલ નેહરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત એમ ખુદ વડા પ્રધાને સંસદમાં કહ્યું હતું.
શું ફરક પડ્યો હોત તો કહે આખેઆખું કાશ્મીર ભારતના કબજામાં હોત વગેરે. જમ્મુ અને કાશ્મીરની નીતિમાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચે બહુ મોટા મતભેદ હોવાનાં કોઈ પ્રમાણ મળ્યાં નથી એમ વડા પ્રધાન પોતે કોઈ પ્રમાણ રજૂ નથી કરી શક્યા, પરંતુ ચીનના પ્રશ્ને નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ હતા એ ઉઘાડું સત્ય છે.
સરદાર પટેલે જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે ચીન પર ભરોસો મૂકવા જેવું નથી. તિબેટ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ તરીકે જળવાઈ રહે અને ચીન ભારતના સીમાડાથી દૂર રહે એ માટે ભારતે પ્રયત્ન કરવો જોઈએ. સરદારથી ઊલટું નેહરુ ચીન પર ભરોસો કરવામાં અને ચીનને સહયોગ કરવામાં માનતા હતા. રહી વાત તિબેટની તો નેહરુ તિબેટની રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃિતક સ્વાયત્તતા જળવાઈ રહે એ શરતે તિબેટ પરના ચીનના દાવાને માન્ય રાખતા હતા. આખરે તિબેટના ૧૪મા દલાઈ લામાની માગણી પણ આટલી જ હતી અને આજે પણ એ જ છે. તિબેટ જ જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની માગણી ન કરતું હોય, સાચી સ્વાયત્તતાથી સમાધાની હોય તો ભારત તિબેટને બફર સ્ટેટ કઈ રીતે બનાવી શકે એ સવાલ હતો. બીજું, તિબેટ ત્યારે એક સ્વતંત્ર દેશ બની શકે અને બને તો ટકી શકે એવી કોઈ લાયકાત ધરાવતું નહોતું. પ્રમાણ જોઈતું હોય તો ઑસ્ટિૃયન પવર્ત ખેડુ હેનરિક હેરર[Heinrich Harrer]નું ‘સેવન યર્સ ઇન તિબેટ’ નામનું પુસ્તક વાંચી જાઓ. આપણા મહેન્દ્ર મેઘાણીએ એનો ગુજરાતીમાં બહુ સરસ અનુવાદ કર્યો છે. મહેન્દ્રભાઈ જે કરે એ ઉત્તમ જ હોય. હેરરના વૃત્તાંત પર આધારિત એ જ નામની ફિલ્મ પણ બની છે.
જવાહરલાલ નેહરુ ચીન પરત્વે દિલસોજી ધરાવતા હોવા છતાં અને ચીનને વણમાગી મદદ કરતા હોવા છતાં તિબેટની ન્યાયી માગણી તરફ તેમણે ક્યારે ય આંખ આડા કાન કર્યા નહોતા. ચીનના સર્વેસર્વા માઓ ઝેદોંગને તેમણે આંખમાં આંખ પરોવીને કહ્યું હતું કે તિબેટની માગણી યોગ્ય છે અને ચીને માન્ય રાખવી જોઈએ. ભારતે તિબેટના મામલામાં દખલ ન કરવી જોઈએ એવા ચીનના સૂચનને નેહરુએ ઠુકરાવી દીધું હતું. નેહરુએ દલાઈ લામાને સલાહ આપી હતી કે તેમણે ચીન સામે અહિંસક સંઘર્ષ કરતા પણ રહેવું જોઈએ અને ચીનના નેતાઓ સાથે સંવાદ પણ કરતા રહેવું જોઈએ. ૧૯૫૪માં દલાઈ લામા (ઉંમર વર્ષ ૨૧) માઓ અને ચાઉ એન લાઈ સાથે આંખમાં આંખ પરોવીને વાતચીત કરવા ચીન ગયા હતા. ચીન દલાઈ લામાને પાછા આવવા દેશે કે નહીં એ વિશે અંદેશો હતો, પરંતુ ૫૬ ઇંચની છાતી ધરાવતા ૨૧ વરસના બિનઅનુભવી યુવાનમાં ચીન જવાનું અને ચીનના નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરવાનું જિગર હતું.
૧૯૫૬માં દલાઈ લામા પહેલી વાર ભારત આવ્યા હતા. તેમણે નેહરુને ચીનમાં થયેલી વાતચીત અને એ પછીની ઘટનાઓનો વૃત્તાંત આપતાં કહ્યું હતું કે હવે તિબેટમાં રહીને તિબેટની સ્વાયત્તતા માટે લડવું મુશ્કેલ લાગે છે માટે તેઓ ભારતમાં રહી જાય તો કેમ? નેહરુએ તેમને તિબેટ જઈને હજી વધુ પ્રયાસ કરવાની સલાહ આપી હતી. પોતાની ભૂમિમાં રહીને લડવાથી જે ફાયદો થશે એ બહાર રહીને નથી થવાનો. તેમણે ચીનને પણ સલાહ આપી હતી કે એણે તિબેટનો પ્રશ્ન તિબેટને સ્વાયત્તતા આપીને ઉકેલવો જોઈએ. નેહરુની સલાહને અનુસરીને દલાઈ લામા તિબેટ પાછા ફર્યા હતા. જાનનું જોખમ હતું અને કદાચ આખી જિંદગી ચીની જેલમાં રહેવું પડે એવી પૂરી શક્યતા હતી અને એ છતાં દલાઈ લામા પાછા ફર્યા હતા. ૨૩ વરસના યુવાનમાં આધ્યાત્મિક બળ હતું અને આધ્યાત્મિક બળ ધરાવનારાઓની છાતી માપવા માટે ગજ ટૂંકો પડતો હોય છે. ગાંધીજી આનું ઉદાહરણ છે.
૨૧ વરસની વયે દલાઈ લામા ચીનમાં જઈને ચીની નેતાઓ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરી આવ્યા. ૨૩ વરસની ઉંમરે ભારતમાંની સુરક્ષા છોડીને દલાઈ લામા તિબેટમાં રહીને ચીનાઓ સામે લડવા પાછા ચીન જાય છે. ૨૬ વરસની ઉંમરે તેમને સમજાઈ જાય છે કે તિબેટમાં રહેવાથી સફળતા તો મળે ત્યારે, પરંતુ તેઓ જ્યાં સુધી તિબેટમાં છે ત્યાં સુધી દલાઈ લામાને ભગવાનની જેમ પૂજતી ભોળી તિબેટન પ્રજાને ચીનાઓ સતાવશે. દલાઈ લામાને કેદ કરવામાં આવે અને તિબેટીઓનો મોટો નરસંહાર થાય એ પહેલાં તિબેટ છોડીને નાસી જવું જોઈએ. ૧૯૫૯ની ૧૭ માર્ચે દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવી ગયા હતા.
આ વખતે બીકણ નેહરુએ તેમને તિબેટ પાછા જતા રહેવાની સલાહ નહોતી આપી. તેમણે નહોતું કહ્યું કે તમારા કારણે અમારા ચીન સાથેના સંબંધો વણસશે. ઊલટું તેમણે વિશ્વદેશોને સલાહ આપી હતી કે તેમણે તિબેટીઓને તેમની લડાઈમાં ટેકો આપવો જોઈએ. તેમણે ચીનની નિંદા કરી હતી અને દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો હતો. દલાઈ લામાએ ભારતમાં રીતસર રાજધાની સ્થાપી હતી, રીતસર સરકારની સ્થાપના કરી હતી અને સંસદની રચના કરી હતી. આ બધું નેહરુ કરી શક્યા હતા, કારણ કે તેઓ બીકણ હતા. ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ તિબેટ અને દલાઈ લામાને આપવામાં આવેલો આશ્રય હતું એ જાણીતી વાત છે. એ યુદ્ધમાં ભારતની નાલેશી થઈ એ જુદી વાત છે.
ભારતનું દુર્ભાગ્ય કે ૧૯૪૭માં સરદાર પટેલને વડા પ્રધાન બનાવવામાં ન આવ્યા અને ત્યારથી એક પછી એક ડરપોક લોકોની સરકાર દિલ્હીમાં આવતી રહી. અટલ બિહારી વાજપેયીનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેઓ પણ દલાઈ લામાના પક્ષે ઊભા રહ્યા હતા. કોઈએ તિબેટના પ્રશ્ને ચીનની ખુલ્લી ટીકા કરી હતી, કોઈએ મભમ ટીકા કરી હતી. કોઈએ ચૂપ રહીને દલાઈ લામાને મદદ કરી હતી. દરેકે દલાઈ લામાને વિદેશ જવા દઈને તિબેટનો પ્રચાર કરવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારતનું વિદેશમંત્રાલય દલાઈ લામાની સરકારને મદદ કરતું રહે એવી વ્યવસ્થા કરી આપી હતી. દરેકે બિચારાએ પોતાના ગજા મુજબ તિબેટને ટેકો આપ્યો હતો. હવે ગજું જ જ્યાં નાનું હોય ત્યાં વધારે તો શું થઈ શકે?
આપણે કેટલા નસીબદાર કે ૨૦૧૪માં ભારતમાં પહેલી વાર શૂરવીરોની સરકાર આવી. હવે પહેલી વાર આશા બંધાઈ કે ચાલો, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર મુક્ત થશે. સિયાચીનનો પ્રદેશ ભારતને પાછો મળશે. દલાઈ લામા તિબેટીઓ સાથે તિબેટ પાછા ફરશે. ચીન અને પાકિસ્તાનના શાસકો અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એમ કહી નાગદમનમાંની નાગણોની જેમ પગમાં પડશે. કેવાં-કેવાં સોણલાં હતાં અને આપણી નસોમાં લોહી કેવું ઘુઘવાટા મારતું હતું.
એની વચ્ચે ચીને ભુતાનમાં ડોકલામમાં કબજો જમાવ્યો, આપણા વડા પ્રધાન દસ મહિનાથી ચૂપ છે. પાકિસ્તાનની સરહદે રોજ અથડામણો થાય છે, વડા પ્રધાન ચૂપ છે. ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર છે જેમાં વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન વતી લશ્કરી વડો નિવેદનો કરે છે. કદાચ શૂરવીરોના આવાં સ્વાભાવલક્ષણો હશે. આપણને આનો અનુભવ નથી, કારણ કે આપણે સાત દાયકા ડરપોક શાસકોનું જ રાજ જોયું છે.
દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવ્યા અને ભારતમાં આરઝી હકૂમત સ્થાપી એને ૬૦ વરસ થઈ રહ્યાં છે. તિબેટી સરકારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં દલાઈ લામા, લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ ભાગ લેવાના હતા. ભારતમાંના ૬૦ વરસના વસવાટ નિમિત્તે બીજા એક કાર્યક્રમનું આયોજન ભારતમાં રહેતા તિબેટીઓએ ભારતનો આભાર માનવા કર્યું હતું. ભારતમાં આશ્રય આપવા માટે ‘થૅન્ક યુ ઇન્ડિયા’ નામના એ કાર્યક્રમમાં પણ મહાનુભાવો હાજર રહેવાના હતા.
આ કાર્યક્રમ યોજાય એ પહેલાં ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે ચીન જઈ આવ્યા. ચીને દલાઈ લામાના અને તિબેટીઓના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો. વિજય ગોખલેએ સરકારને સલાહ આપી કે ચીનની નારાજગીને ધ્યાનમાં રાખીને દલાઈ લામાનો અને તિબેટીઓનો કાર્યક્રમ દિલ્હીમાં નહીં યોજવા દેવો જોઈએ. ભારત સરકારે દલાઈ લામાને જણાવી દીધું છે કે તેઓ દિલ્હીમાં કાર્યક્રમ નહીં યોજી શકે. થૅન્ક યુ ઇન્ડિયા પણ દિલ્હીમાં નહીં કહેવાય. હવે ધરમશાલામાં યોજાનારા કાર્યક્રમમાં ભારત સરકારના પ્રધાનો, પ્રતિનિધિઓ અને BJPના નેતાઓ સુધ્ધાં હાજરી નહીં આપે. ચીન નારાજ છે અને ડોકલામમાં છાતી પર બેઠું છે એટલે ચીનાઓને રાજી રાખવા જરૂરી છે.
ભારતની તિબેટનીતિ સ્પષ્ટ છે અને એ ચીનને અનેક વાર જણાવી દેવામાં આવી છે. ભૂતકાળમાં ચીનના દલાઈ લામા વિશેના વાંધાઓને ભારત સરકારે ફગાવી દીધા છે. ડોળા ફાડ્યા વિના અને આંખમાં આંખ પરોવ્યા વિના ભારતે વિવેકપૂર્વક ચીનને જણાવી દીધું છે કે જ્યાં સુધી તિબેટનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી દલાઈ લામા અને તિબેટીઓ ભારતના મહેમાન તરીકે ભારતમાં રહેશે. તિબેટીઓની સ્વાયત્તતા માટેની લડાઈ છે જેને ભારતનો ટેકો છે માટે તિબેટીઓ ભારતમાં સ્વાયત્તતા ભોગવી શકે છે. એટલું તો કબૂલ કરવું પડશે કે ૨૦૧૪ પહેલાંના વડા પ્રધાનો ૫૬ ઇંચની છાતી વિનાના ડરપોક હોવા છતાં કોઈએ તિબેટનો અને દલાઈ લામાનો હાથ નહોતો છોડ્યો. આવું આ પહેલી વાર બની રહ્યું છે.
જિગર જીભ પર નથી હોતું છાતીમાં હોય છે.
સૌજન્ય : ’ કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 માર્ચ 2018