જમ્મુ અને કાશ્મીર વિશેની ચર્ચામાં ત્યાંની પ્રજાનું દિલ કઈ રીતે જીતવું અને કઈ રીતે જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવું એની વાત કરવાની જગ્યાએ આર્ટિકલ ૩૭૦ વિશે વધુ વાત થાય છે.
કેમ જાણે બંધારણનો આર્ટિકલ ૩૭૦ એકમાત્ર વિલન હોય. કોમવાદી રાજકારણ કરનારાઓને બે ચીજની જરૂર પડે છે : એક, દેશનો દુશ્મન જેનો કાયમ ડર બતાવી શકાય અને બીજી જરૂર પડે છે મુદ્દાઓના સરળીકરણની. આર્ટિકલ ૩૭૦ને વિલન તરીકે રજૂ કરવામાં આવે છે એ પેચીદા પ્રશ્નનું સરળીકરણ કરવામાં આવે છે.
આર્ટિકલ ૩૭૦ એ વિલન નથી, પરંતુ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડી રાખનારી નાભિનાળ છે. બાળકના જન્મ પછી નાભિનાળ કાપી નાખવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ એવી બની કે જમ્મુ અને કાશ્મીરમાં એ કાપી નથી શકાઈ. જો ૧૯૫૦ના દાયકામાં ભારતીય જનસંઘે કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હોત અને કાશ્મીરની ખીણ સામે જમ્મુમાં આંદોલન ન કર્યું હોત તો કદાચ આ નાભિનાળ કાપી શકાઈ હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમ જ ભારતીય જનસંઘ કાશ્મીરની ખીણમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અને એ સાથે જ ખીણ અને જમ્મુ વચ્ચે તિરાડ પાડવાની પ્રવૃત્તિ કરતા હતા એ વિશે શેખ અબદુલ્લાએ તીવ્ર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે જવાહરલાલ નેહરુને લખ્યું હતું કે તમે વડા પ્રધાન છો ત્યારે આવી હાલત છે તો તમે જ્યારે વડા પ્રધાન નહીં હો ત્યારે અમારી શું હાલત થશે? આનું પરિણામ એ આવ્યું કે જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા હંગામી સ્વરૂપના આર્ટિકલ ૩૭૦ને સંપૂર્ણ વિલીનીકરણમાં રૂપાંતરિત કર્યા વિના વિખેરી નાખવામાં આવી. જો કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતી શકાયો હોત તો કદાચ જમ્મુ અને કાશ્મીર ભારતનું સંપૂર્ણપણે વિલીન થયેલું રાજ્ય બની શક્યું હોત જેમ અન્ય રિયાસતોની બાબતમાં બન્યું હતું.
આમ જાણીબૂજીને આર્ટિકલ ૩૭૦ને વિલન તરીકે રજૂ કરવામાં આવે છે અને એને ખતમ કરવા માત્રથી જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બની જશે એવું સરળીકરણ કરવામાં આવે છે. વાસ્તવિકતા આનાથી જુદી છે.
ભારતના બંધારણના મુસદ્દાને ૧૯૪૯ની ૨૬ નવેમ્બરે માન્યતા આપવામાં આવી એના મહિના પહેલાં ૧૭ ઑક્ટોબરે બંધારણસભામાં બંધારણના ૨૧મા પ્રકરણમાં આર્ટિકલ ૩૭૦ આમેજ કરવામાં આવ્યો હતો. બંધારણનું ૨૧મું પ્રકરણ ત્યારે સંજોગવશાત કરવી પડેલી હંગામી જોગવાઈઓનું પ્રકરણ છે. એનું નામ જ સૂચવે છે : ટેમ્પરરી, ટ્રાન્ઝિશનલ એન્ડ સ્પેશ્યલ પ્રોવિઝન. આ પ્રકરણમાં આર્ટિકલ ૩૬૯થી લઈને ૩૯૨ સુધીના એટલે કે ૨૪ આર્ટિકલ્સ છે. આપણે હિન્દુત્વવાદી દેશપ્રેમી મિત્રોને પૂછવું જોઈએ કે આમાંથી કેટલા આર્ટિકલ્સને રદ કરવામાં આવ્યા છે કે કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું છે? જરા યાદી બનવી જુઓ.
ખેર આર્ટિકલ ૩૭૦ ખાસ સંજોગોમાં બંધારણમાં આમેજ કરવામાં આવ્યો હતો જે જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્તતા આપે છે. સ્વાયત્તતા એ અર્થમાં કે વિભાજન અધૂરું છે. દરેક રિયાસતને એની સાથેની પહેલી સંધિમાં સ્વાયત્તતા આપવામાં આવી હતી. સંરક્ષણ, વિદેશવ્યવહાર અને સંદેશવ્યવહારનો હવાલો ભારત સરકારે લઈ લીધો હતો અને બાકી બાબતે સંપૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી રિયાસતોને સ્વાયત્તતા આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના રાજવી સાથે પણ આવી જોડાણની પહેલી સંધિ કરવામાં આવી હતી, પરંતુ વિલીનીકરણની આગળની પ્રક્રિયા ઘોંચમાં પડી એટલે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતાને આર્ટિકલ ૩૭૦ દ્વારા બંધારણીય સ્વરૂપ આપવું પડ્યું હતું. આ તરફેણ નહોતી, પરંતુ ભારતની મજબૂરી હતી.
૧૭ ઑક્ટોબરે બંધારણસભામાં આર્ટિકલ ૩૭૦નો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો ત્યારે મૌલાના હસરત મોહાનીએ સવાલ કર્યો હતો કે આવો ભેદભાવ શા માટે? જમ્મુ અને કાશ્મીરને ઝૂકતું માપ શા માટે આપવામાં આવી રહ્યું છે? (સવાલ કરનારો મુસલમાન હતો એની દેશભક્તો નોંધ લે.) તેમને જવાબ આપતાં બંધારણની મુસદ્દો ઘડનારી કમિટીના સભ્ય ગોપાલસ્વામી આયંગરે કહ્યું હતું કે આ તરફેણ નથી, દેશની જરૂરિયાત છે. એ પછી તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ થાળે પડશે ત્યારે અન્ય રિયાસતોમાં બન્યું હતું એમ જમ્મુ અને કાશ્મીરની પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારી જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા સંપૂર્ણ વિલીનીકરણને માન્યતા આપશે અને એ સાથે હંગામી જોગવાઈનો અંત આવશે.
બીજી વાસ્તવિકતા. આર્ટિકલ ૩૭૦માંની જોગવાઈઓ વિશે ભારત સરકાર અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન શેખ અબદુલ્લા વચ્ચે મતભેદ હતા. વડા પ્રધાન નેહરુ ત્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા અને જોગવાઈઓ વિશેના મતભેદોનો ઉકેલ આવતો નહોતો. એ સમયે શેખ અબદુલ્લાને સંતોષ થાય એ રીતે આર્ટિકલ ૩૭૦ની જોગવાઈઓને આખરી સ્વરૂપ સરદાર પટેલે આપ્યું હતું. આમ સરદાર પટેલ આર્ટિકલ ૩૭૦ના વિરોધી હતા એવો જે પ્રચાર કરવામાં આવે છે એ જુઠ્ઠાણું છે.
ત્રીજી વાસ્તવિકતા. આર્ટિકલ ૩૭૦ હેઠળ ૧૯૪૯માં જમ્મુ અને કાશ્મીરને જે સ્વાયત્તતા આપવામાં આવી હતી અને આજે જમ્મુ અને કાશ્મીર વ્યવહારમાં જે સ્વાયત્તતા ભોગવે છે એમાં જમીન-આસમાનનો ફરક છે. ૯૦:૧૦નો ફરક છે. ભારત સરકારે રાષ્ટ્રપતિના આદેશો બહાર પાડીને ધીરે-ધીરે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા પાતળી પાડી દીધી છે. પહેલો આદેશ ૧૯૫૦માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પછી તરત બહાર પડ્યો હતો અને પછી શ્રેણીબદ્ધ આદેશો બહાર પાડીને સ્વાયત્તતાને લગભગ ખતમ કરી નાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં સંપત્તિ ખરીદીને કાયમી વસવાટ કરવાના અધિકારને છોડીને બીજો એવો કોઈ કાયદો કે બંધારણીય જોગવાઈ નથી જે જમ્મુ અને કાશ્મીરને લાગુ ન પડતી હોય. જમ્મુ અને કાશ્મીરના મૂળ વતની ન હોય એવા લોકો જમ્મુ અને કાશ્મીરમાં સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી ધરાવતા.
એવું પણ નથી કે જમ્મુ અને કાશ્મીર આવી વિશેષ જોગવાઈ ધરાવનારું ભારતનું એકમાત્ર રાજ્ય છે. બંધારણ એના આર્ટિકલ ૩૭૧, ૩૭૧ (અ) થી લઈને ૩૭૧ (આઈ) દ્વારા બીજાં રાજ્યોને પણ આવી જોગવાઈ આપે છે. આગળ કહ્યું એમ આ બધી જોગવાઈઓ બંધારણના પ્રકરણ ૨૧માંની છે, એટલે કે હંગામી છે; પરંતુ આજે ૬૭ વરસ પછી પણ કાયમ છે. તો આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીર એટલી જ સ્વાયત્તતા ભોગવે છે જેટલી ભારતનાં આદિવાસીબહુલ રાજ્યો ભોગવે છે.
હા, એક ફરક છે અને એ છે ચોથી વાસ્તવિકતા. ભારત સરકાર બીજાં રાજ્યોને આપેલી મર્યાદિત સ્વાયત્તતાની હંગામી જોગવાઈઓ ઇચ્છે ત્યારે પાછી લઈ શકે છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરને આપેલી સ્વાયત્તતા સત્તાવાર રીતે પાછી ખેંચી શકે એમ નથી. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા સંપૂર્ણ વિલીનીકરણનો ઠરાવ ન કરે ત્યાં સુધી આર્ટિકલ ૩૭૦ જાળવી રાખવો પડે એમ છે અને જમ્મુ કાશ્મીરની બંધારણસભા ૧૯૫૭માં વિખેરી નાખવામાં આવી હતી. આમ આર્ટિકલ ૩૭૦ ભારતની જરૂરિયાત છે, જમ્મુ અને કાશ્મીરની નથી. હિન્દુત્વવાદીઓ જાણી જોઈને ઊલટો પ્રચાર કરે છે. હા, કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરીને આગળ જતાં જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાની રચના કરીને જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થઈ શકે છે, પરંતુ એ માટે હમણાં કહ્યું એમ પ્રજાનું દિલ જીતવું પડે. એ ક્યારે થશે કે થશે કે કેમ એ તો ઈશ્વર જાણે.
એટલે તો જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીની સરકારે આર્ટિકલ ૩૭૦નો અંત લાવવાની જગ્યાએ એમાંની જોગવાઈઓને રાષ્ટ્રપતિ દ્વારા આદેશો બહાર પડાવી-પડાવીને નિરસ્ત કરવાની રમત રમી હતી. દેશની એકતા અને અખંડતામાં આર્ટિકલ નડે છે કે આર્ટિકલમાંની જોગવાઈઓ? જોગવાઈઓ બુઠ્ઠી કરી નાખ્યા પછી આર્ટિકલ ક્યાં આડો આવે છે? વીંછીની અળ કાપી નાખ્યા પછી વીંછી ક્યાં ડંખવાનો છે, ભલેને જીવતો રહે.
અને છેલ્લે પાંચમી વાસ્તવિકતા. આઝાદી પછીનો ભારતનો જમ્મુ અને કાશ્મીર સાથેનો સંબંધ છેતરપિંડીનો સંબંધ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 નવેમ્બર 2017