અબે આવ્યા, બાળકો રિબાયાં, લોકો અટવાયાં, નાગરિકો ભૂલાયાં, ઝાડ કપાયાં
લોકસાહિત્યમાં ચેલૈયા નામના બાળકની કથા અને ચેલૈયા કુંવરનું કરુણ હાલરડું જાણીતાં છે. ચેલૈયાના પિતા સગાળશા અને માતા સંગાવતીએ નરમાંસ ખાનારા અઘોરી સાધુ અતિથિનું માન રાખવા ચેલૈયાનું માથું વાઢીને, ખાંડણિયામાં ખાંડીને વાનગી બનાવી. આ કથા ઇશ્વરશ્રદ્ધા અને અતિથિધર્મ એવા બે સંદર્ભે જાણીતી છે.
આટલા હિંસક છેડે નહીં તો ય, મહેમાનીના આપખુદી અતિરેકની બાબતે, જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબેનાં અમદાવાદમાં થયેલાં અછોવાનાં વખતે આ લોકકથા ઘણી યાદ આવી. એક ભજનમાં આવતી ‘શેઠ સગાળશા સાધુને સેવે’ એવી પંક્તિના બીજા ચરણમાં ‘પીએમ મોદી અબેને સેવે’ એમ સહજ રીતે જોડી શકાય તેમ હતું. અમદાવાદ શહેર જાણે, માતપિતાની માગણી ખાતર પોતાની જાતને સમર્પિત કરી દેતા આજ્ઞાંકિત ચેલૈયાકુંવર જેવું થઈ ગયું હતું.
અમદાવાદ અત્યારની દુનિયાના એક સહુથી મોટા લોકશાહી દેશનું શહેર નહીં પણ સામંતશાહી મધ્યયુગની નગરી લાગતું હતું. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલૉજિની સિદ્ધિ સમી બુલેટ ટ્રેનના ઉદ્દઘાટકની મહેમાની જૂનવાણી રાજાશાહી માનસથી થઈ. લોકશાહી દેશમાં રહેતા જ ન હોઈએ એવું લાગતું હતું. કૂચ-કવાયતો અને રોડ-શો થકી છાકો પાડી દેનારા મુસોલિની-હિટલરનાં વર્ષો કેવાં હશે, તે વધુ એક વખત ધારી શકાય તેમ હતું. મહેનત કરીને રોજીરોટી કમાવાનો પાયાનો અધિકાર પણ કેટલીક જગ્યાએ છિનવાઈ ગયો હતો. મહેમાનો-સાહેબો માટે ઠાઠ અને લારીગલ્લા-પાથરણાં-ઠેલાવાળા માટે ઠેંગો. અરધા જેવા શહેરમાં હરવા-ફરવા પર તબક્કાવાર કાપ. મુલાકાત અને તે પહેલાંના ગ્રાન્ડ રિહર્સલમાં રસ્તા બંધ હોવાને કારણે લોકો નોકરીધંધે જઈ ન શક્યા અથવા મહામુસિબતે પહોંચી શક્યા, એવા કિસ્સા જાણવા મળે. ગાંધી આશ્રમ કે વસ્ત્રાપુર તળાવ પાસે રહેતા લોકોને તો ઘણા સમય માટે હાઉસ અૅરેસ્ટ અનુભવવી પડી હતી.
સામાન્ય નાગરિકની કિંમત એટલે સુધી નહોતી કે દરદી સાથેની એમ્બ્યુલન્સને પોલીસોએ અટકાવ્યાના બે બનાવ નોંધાયા. સુરક્ષાકર્મીઓને બાર-બાર કલાક સુધી ખાધા-પીધા વિના ખડે પગે રહેવું પડ્યું. આ બધી હાડમારીની સામે શહેર આખાની સજાવટ હતી. રિવરફ્રન્ટના વારંવાર થતાં સાજશણગારના સંદર્ભમાં એક તેજસ્વી પત્રકારે નદી હવે આપણા માટે લોકમાતા છે કે નગરવધૂ એવો સવાલ પૂછ્યો હતો. આબેની મુલાકાતમાં તો જાણે આખી કર્ણાવતી નગરીને જ શણગાર સજેલી નવવધૂમાં ફેરવવામાં આવી એમ લખવા-બોલવામાં આવ્યું, જે પણ નારીગૌરવની રીતે બહુ ઉચિત ન હતું.
સજાવટ-સ્વચ્છતાથી કેટલા ય લોકો ખુશ થઈ ગયા. આ ખુશી ગરીબના ઘરે મહેમાન આવે ત્યારે તેના બાળકોને મજા આવે તે પ્રકારની હતી. આમ ગરીબના ઘરમાં દૂધ-ઘી, શીરો-પૂરી ન મળતાં હોય, પણ પરોણો આવે એટલે એ મળે. એ જ રીતે આમ શહેરમાં કચરાના ઢગ, કાદવ-કીચડ, ખાડા, ભૂવા, મળમૂત્ર, અંધારું વગેરે હોય છે. પણ પછી વિદેશી મહેમાનને લીધે આપણને ચોખ્ખા ચોક, લીસા રસ્તા, લાઇટોની રોનક અને વિકાસનો આભાસ મળે છે.
અલબત્ત, અબેની મુલાકાતની પૂર્વસંધ્યાએ શહેરના બે દરદીઓને સ્વાઇન ફ્લુ ભરખી ગયો. તેના ચાર દિવસ પહેલા સ્વાઇન ફ્લુના સિત્તેર નવા કેસ નોંધાયા હતા અને પાંચનાં મોત થયાં હતાં. નવ દિવસમાં મેલેરિયા, ડેન્ગ્યુના હજારથી વધુ કેસ નોંધાયા. લાલ દરવાજા, ભદ્ર, વસ્ત્રાપુર તળાવ જેવા ધમધમતા વિસ્તારો અને કેટલા ય રસ્તાઓ જાણે અનિચ્છનીય બનાવો બન્યા હોય તે રીતે સૂના પડી ગયા. કેટલાક વિસ્તારોમાં, ભલે ટૂંકા ગાળા માટે પણ, રમખાણો અને કર્ફ્યુમાં હોય તેવું પોલીસ રાજ હતું. બધી અકળામણ સોશ્યલ મીડિયામાં ઠલવાતી હતી. ઘાતકી સત્તાવાળાઓએ અબેની મુલાકાતના માર્ગ પરનાં કેટલાં ય ઝાડનું કારણ વિના નિકંદન કાઢી નાખ્યું. સિદ્દી સૈયદની જાળી આગળનાં લીમડાનાં ત્રણ આદરપાત્ર ઝાડની પણ મહેમાનનવાઝીના નશામાં કતલ કરવામાં આવી. વક્રતા એ છે કે આ મહેમાન વૃક્ષોની મહત્તા જાણનાર દેશના હતાં. અકી અબેએ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું : ‘અમે જાપાનમાં સિત્તેર ટકા વિસ્તાર જંગલો માટે અનામત રાખ્યો છે. અમારે ત્યાં વિપુલ પ્રમાણમાં જંગલો હોવા છતાં અમે લાકડાં કાપવાની જગ્યાએ આયાત કરીએ છીએ.’
વિમાનમથકથી સાબરમતી આશ્રમ સુધીના સાતેક કિલોમીટરનો રોડ શો લાંબા અંતરના એક રેકૉર્ડ રચવાના અભરખા સાથે ગોઠવાયો હતો. તેના સેંકડો નાનકી કન્યાઓને અને કિશોરોને, કલાકારો અને કસબીઓને કલાકો સુધી ગરમી સહન કરવી પડી હતી. સરકારે શાળાઓ પર દબાણ કર્યું, શાળાઓએ વાલીઓ પર. વાલીઓ પાસેથી તેમનાં બાળકો રોડ શોમાં ભાગ લે તેમાં તેમને વાંધો નથી અને શાળાની કોઈ જવાબદારી નથી એ મતલબના ‘નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ’ લખવવામાં આવ્યા. ક્યાંક કલાકો લગી ચપ્પલ પહેર્યાં વિના રિહર્સલ કરવાનાં હતાં, તો કેટલીક જગ્યાએ બાળકોને પાણીની બોટલ રાખવાની પણ છૂટ ન હતી. નળિયેર અને ઘડા પકડવાનું કામ છોકરીઓને ભાગે જ હતું. રોડ શોમાં અનેક પ્રકારનાં લોકનૃત્ય હતાં, તેની પાછળ મહેનત અને દેશપ્રેમની લાગણી હતી. અનેક રાજ્યોમાંથી આવેલાં જૂથો માટે કદાચ વ્યાવસાયિક ધોરણે મહેનતાણું ય હશે. આપણાં ત્રણેક હજાર બાળકોને શું મળ્યું હશે એ તપાસનો વિષય રહે છે. રોડ શો દેશનાં ગૌરવ અને આતિથ્યની પરંપરાના નામે કરવા-કરાવવામાં આવ્યો હોય.
ખરેખર તો મહેમાનને આવકરના નામે આપણા લોકનું અપમાન હતું. રોડ શોમાં રજૂઆત કરનારને એમના સ્ટેજ પાસેથી મહેમાન જે પળવારમાં પસાર થાય તે પળભરમાં તેમને ખુશ કરવા માટે દિવસો સુધી રિબાવવામાં આવ્યા હતા. લોન પર બુલેટ ટ્રેન વેચવા માટે આવેલા મહેમાનની એક નજરના જાણે આપણને મોહતાજ બનાવવામાં આવ્યા હતા. કોઈ પણ સ્વમાની દેશ પોતાના નાગરિકોની લગન અને લાગણીનો આ રીતે ઉપયોગ કરે નહીં.
ખલિલ જિબ્રાનની એક કવિતા છે : ‘પિટી ધ નેશન’. તેને મકરન્દ દવેએ ‘એ દેશની ખાજો દયા’ નામે ગુજરાતીમાં લાવ્યા છે. તેમાંની એક કડી જાણે રોડ શોના ભૂંગળ, શરણાઈ, રાવણહથ્થા, ઢોલના આવાજો વચ્ચેથી સંભળાઈ રહી હતી :
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
આ બીજાને ફરી સત્કારવા નરેન્દ્ર મોદી દોડ્યા. પહેલાં તેમણે બરાબર બે વર્ષ પહેલાં ચીનના પ્રમુખ જિન પિંગનું આવું આતિથ્ય કર્યું હતું. ગાંધી આશ્રમ, રિવર ફ્રન્ટ, મિજબાનીઓ, અટવાયેલું અરધું શહેર. પરિણામ ? ચીને સતત ઊભા કરેલા સત્તાકાંક્ષી અવરોધો અને તેને માથે ડોકલામ. ડિસેમ્બર 2015માં નવાઝ શરીફ સાથે ભાઈબંધી, અને પછી થોડાક સમયે થયા પઠાણકોટ તેમ જ ઉરીના આતંકવાદી હુમલા. અલબત બરાક ઓબામા સાથેની મુલાકાત ઠીક સફળ થઈ. અબે સાથેની મુલાકાત ચીનના વિસ્તારવાદ સામે પરસ્પર સાથની દૃષ્ટિએ મહત્ત્વની છે.
પણ વિકાસ બુલેટ ટ્રેનમાં બેસીને આગળ વધશે કે કેમ તેની અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરી શકે. પણ એમ લાગે છે કે કદાચ ડિસેમ્બર 2017ની ચૂંટણી માટે થઈને બેસે પણ ખરો. એનું કંઈ કહેવાય નહીં. એ ગાંડો થયો છે.
+++++++
19 સપ્ટેમ્બર 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 22 સપ્ટેમ્બર 2017