નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલ્કે દેખીતા છે
મન ખિન્ન થઈ જાય છે ત્યારે કંઈ લખવાનું મન નથી થતું, પરંતુ એની વચ્ચે ભારતના નાગરિકનો અંતરાત્મા જાગે છે અને અવાજ ઊઘડે છે ત્યારે ખૂબ રાહતનો અનુભવ થાય છે. બુધવારે સવારે મને મુંબઈના એક પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો ફોન આવ્યો કે મારે તમને મળવું છે. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે તેમણે કહ્યું કે ‘હું આખી જિંદગી કૉન્ગ્રેસનો વિરોધી રહ્યો છું કારણ કે કૉન્ગ્રેસે અવ્યવહારુ અને ઢોંગી સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. હું આખી જિંદગી મુસલમાનોનો વિરોધી રહ્યો છું કારણ કે મુસલમાનો ધર્મની આગળ કંઈ જોઈ શકતા નથી, જોવા માગતા નથી અને આધુનિકતાનો સ્વીકાર કરતા નથી. એને કારણે હું મોદીભક્ત બન્યો હતો; પરંતુ ડોકલામ, ડીમૉનેટાઈઝેશન, ગૌરક્ષકો દ્વારા કરાતી હત્યા તેમ જ સતામણીઓ, વડા પ્રધાનનાં જુઠ્ઠાણાંઓ, સાઇબર સેલ દ્વારા કરવામાં આવતા કુપ્રચાર અને ચારિત્ર્યહનન અને હવે ગૌરી લંકેશ જેવા સ્વતંત્ર અવાજોની કરવામાં આવતી હત્યાઓ જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે નરેન્દ્ર મોદીનો એજન્ડા દેશનો વિકાસ નથી પરંતુ દેશના આત્માને વિદીર્ણ કરવાનો છે.’
જવાહરલાલ નેહરુ સામેનો અણગમો એની જગ્યાએ છે, પરંતુ નેહરુએ લોકશાહી અને આધુનિક રાજ્યનું જતન કર્યું હતું. તમારા પર કોઈ નજર નહોતું રાખતું અને કોઈ ચારિત્ર્યહનન નહોતું કરતું. નેહરુએ પ્રજાકીય વિભાજનો પેદા નહોતાં કર્યાં અને એવાં વિભાજનો પેદા ન થાય એ માટે સર્વસમાવેશક મધ્યમમાર્ગ અપનાવ્યો હતો. એને કારણે દેશની અખંડતા જળવાઈ રહી છે.
તેમણે મને કહ્યું હતું કે હું આ લખું અને તેમનું નામ આપીને લખું. મેં તેમને કહ્યું હતું કે જાહેરમાં પ્રગટ થઈને બોલવાની જવાબદારી તમારી છે એટલે હું તમે કહેલી વિગતો લખીશ, નામ નહીં. વિગતો એટલા માટે કે એમાં અત્યાર સુધી ઢબૂરાયેલો અંતરાત્મા જાગૃત થતો જોવા મળે છે. આવા બીજા કરોડો નાગરિકો હશે જેઓ ગૂંગળામણ કે અકળામણ અનુભવતા હશે અને છેતરાયા હોવાનો ભાવ અનુભવતા હશે. તમે ગમે તેના રાજકીય સમર્થક હો, અસત્યના અને હિંસાના સમર્થક કઈ રીતે હોઈ શકો? હજારો વર્ષની તપશ્ચર્યા પછી સામાજિક પોત રચાયું છે, રચાઈ રહ્યું છે અને સભ્ય સમાજની રચના થઈ છે એને નજર સામે ઉતરડાતાં કઈ રીતે જોઈ શકાય? સભ્યતાનું આ જે પોત રચાયું છે એ હજી તો નાજુક છે એટલે એનું જતન કરવાનું હોય, ચીરવાનું ન હોય.
ગૌરી લંકેશની હત્યાના ખબર મળ્યા પછી મનમાં જે ખિન્નતા હતી એમાં મુંબઈના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિત્રના જાગેલા અંતરાત્માને જોઈને રાહત મળી. ચાલો દેશ ઊગરી તો જશે, કારણ કે ભારતની સામાન્ય પ્રજા એકંદરે વિવેકી છે. એક હદ કરતાં વધારે અસત્ય અને હિંસા ભારતની પ્રજા સ્વીકારી શકતી નથી, પરંતુ એની વચ્ચે સોશ્યલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાને ઉચિત ઠરાવનારા અને રાજીપો વ્યક્ત કરનારા મેસેજિસ ઠલવાવાના શરૂ થયા. હત્યાનો બચાવ અને બચાવ તો ઠીક, રાજીપો? આ કઈ પ્રકારની માનસિક વિકૃતિ? આનો શું અર્થ કરવો? શું ભારતીય લોકમાનસ ભયંકર પ્રમાણમાં ઝેરીલું બની ગયું છે કે પછી કુપ્રચાર દ્વારા એને ઝેરીલું બનાવવામાં આવી રહ્યું છે?
આવા અનેક સવાલો મનમાં ઘોળાઈ રહ્યા છે, પરંતુ એ પહેલાં ખરેખર મનમાં ઝેર લઈને જીવનારા લોકોને તેમ જ હત્યામાં રાજીપો અનુભવનારા લોકોને એક સનાતન સત્ય જણાવી દેવું જોઈએ. શારીરિક હત્યા કરવાથી વિચાર મરતો નથી એ સનાતન સત્ય છે. સૉક્રેટિસથી લઈને ગૌરી લંકેશ સહિત અનેક લોકોને બોલતા રોકવા માટે હત્યા કરવામાં આવી છે, પરંતુ આપણી સામેનું સત્ય એ છે કે જેમની હત્યાઓ કરવામાં આવી એ બધા જ વિચાર દ્વારા હયાત છે અને જેમણે હત્યા કરી તેમને કાં તો કોઈ ઓળખતું નથી અથવા ઇતિહાસમાં વિલન તરીકે કુખ્યાત છે. વિચાર ક્યારે ય મરતો નથી એ ગાંઠે બાંધી રાખવા જેવું સત્ય છે. જો વિચારમાં દમ હશે તો કોઈના બાપની તાકાત નથી કે તેને કોઈ મારી શકે, પછી તમે ગમે એટલી શારીરિક હત્યાઓ કરો. બીજું સનાતન સત્ય એ છે કે જે કોઈ અમર વિચાર છે એના તમે વારસદાર પણ છો અને લાભાર્થી પણ છો. જેમ કે જંગલમાં વસતા માનવીએ નાગરિક સમાજ રચ્યો અને કાયદાનું રાજ સ્થાપ્યું એ પહેલાં એ માત્ર વિચાર હતો. એ વિચારે ધીરે-ધીરે સાકાર સ્વરૂપ ધારણ કર્યું જેના તમે લાભાર્થી છો. વિચાર જ જૂની ઇમારતને તોડે છે અને નવી ઇમારત બાંધે છે અને વિચારવિરોધીઓ કાટમાળ નીચે દફનાઈ જાય છે. અસત્ય અને હત્યાઓનો લૂલો બચાવ કરનારાઓ માટે અને રાજીપો વ્યક્ત કરનારાઓ માટે આટલું સત્ય પૂરતું છે.
હવે ભારતની સભ્યતા અને સંસ્કૃિતને જાળવી રાખવાની જેમના પર જવાબદારી છે એ વડા પ્રધાનની વાત. ૧૫ ઑગસ્ટે આઝાદીના પવિત્ર દિવસે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસા ચલાવી લેવામાં નહીં આવે. આ બાંયધરી હતી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો? નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલકે દેખીતા છે. વડા પ્રધાને દેશની સમગ્ર જનતાને બાંયધરી આપી હતી કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે હિન્દુ કોમવાદીઓને તેમ જ અસામાજિક તત્ત્વોને ચતવણી આપી હતી કે તેઓ સખણા રહે, કાયદાનું રાજ સર્વોચ્ચ છે. તેમણે સંકલ્પ પોતાની જાત સાથે કર્યો હતો કે તેઓ દેશના વડા પ્રધાન છે અને કોઈ ધર્મવિશેષના અનુયાયીઓના વડા પ્રધાન નથી. તેમણે બંધારણને અનુસરીને રાજ કરવાનું છે, કોઈ સંઘની વિચારધારાને અનુસરીને રાજ કરવાનું નથી.
પવિત્ર દિવસે અને ઐતિહાસિક સ્થાને આપવામાં આવેલાં વચન, ચેતવણી અને સંકલ્પ ત્રણેય ખોટાં? જેમને ચેતવણી આપવામાં આવી હતી એ તો તેમના જ પરિવારના માણસો છે. કાં તો તેઓ ૫૬ ઇંચની છાતી ધરાવતા તેમના પોતાના વડા પ્રધાનને ગાંઠતા નથી અથવા ચેતવણી દેખાવ પૂરતી ખોટી હતી. જો એમ હોય તો એનો અર્થ એટલો જ થાય કે વચન પણ ખોટું હતું અને જાત સાથેનો સંકલ્પ પણ ખોટો હતો. જો કે આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આપણને એવા વડા પ્રધાન મળ્યા છે જે ટ્રોલ્સ(જૂઠો પ્રચાર કરનારાઓ અને ચારિત્ર્યહનન કરનારા ભાડૂતી મારાઓ)ને ફૉલો કરે છે. ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામના પુસ્તકમાં સ્વાતિ ચતુર્વેદીએ પુરાવાઓ અને પિક્ચર્સ સાથે સાબિત કરી આપ્યું છે કે ભારતના વડા પ્રધાન જુઠ્ઠાણાંઓની ફૅક્ટરી ચલાવનારાઓનાં ટ્વિટર અકાઉન્ટ ફૉલો કરે છે.
આવી સ્થિતિમાં ગૌરી લંકેશ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં દેશનું બંધારણ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં સેક્યુલર ઇન્ડિયા સુરક્ષિત નથી. વિચારો તમારો માનવધર્મ તમને શું કહે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 સપ્ટેમ્બર 2017