Opinion Magazine
Number of visits: 9446979
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ

નિલય ભાવસાર ‘સફરી’, નિલય ભાવસાર ‘સફરી’|Gandhiana|20 June 2017

સૌપ્રથમ મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સાબરમતીના તટે કોચરબ ગામમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં મરકી ફેલાતાં અત્યારનો સાબરમતી આશ્રમ છે તે સ્થાપ્યો અને તેનું નામ રાખ્યું સત્યાગ્રહાશ્રમ.

આ અર્વાચીન કાળનો રાજકીય આશ્રમ હતો. તેથી તેમાં પર્ણકુટીઓને બદલે ઈંટચૂનાનાં સાદા મકાનો બંધાયા. આશ્રમ એટલે અહીં સામુદાયિક ધાર્મિક જીવન એવો અર્થ છે. તે વખતે આશ્રમમાં પૂર્વમાં સાબરમતી નદી, પશ્ચિમમાં રસોડાની પાછળ થઈને ચંદ્રભાગાને મળતું વાંઘું, ઉત્તરમાં ઈમામ મંઝિલ અને ગોશાળા તથા દક્ષિણે શાળનો ડેલો અને છાત્રાલય. નંદિની, મીરાંકુટિર, હદયકુંજ, મગનનિવાસ, ગોશાળા – આટલાં મકાનો તો નદી તટે જ હતાં. શાળાનાં મકાનોમાં શિક્ષકનિવાસની બે ચાલીઓ, છાત્રાલય, રસોડું અને વ્યાયામશાળા એટલાં જ મકાનો હતાં. શાળના ડેલાની ઉત્તરે નાનકડો પણ સુંદર બગીચો હતો. હદયકુંજથી સડક વચ્ચે ખેતર હતું. મગનનિવાસની તથા ગોશાળાની પશ્ચિમે કપાસનાં, મૂળાનાં, ટામેટાનાં ખેતરો હતાં. આશ્રમની દક્ષિણે જૂના વાડજ પાસે બે માઈલના ખાંભાની પશ્ચિમે બે ખેતરવા દૂર ‘પારસીનો બંગલો’ કરીને એક મકાન હતું. તે કાટખૂણે ચણાયેલું હતું. આ બંગલાની ચારે ય બાજુ ખેતરો આવેલા. ફળિયામાં એક કૂવો હતો. આશ્રમમાં જગ્યા ન હોવાથી નવાં દાખલ થયેલાં કુટુંબો અહીં રહેવા માટે આવતા હતાં. વર્ષ ૧૯૨૦ દરમિયાન આશ્રમની વસતિ માત્ર પોણોસો માણસોની હતી. જે વધીને દસકા પછી દાંડીકૂચ વેળાએ ત્રણસો માણસોની થઇ હતી. જ્યારે સમગ્ર આશ્રમ માટે એક રસોડું કરવામાં આવ્યું ત્યારે નાસ્તામાં આશ્રમમાં જ બનાવેલી પાઉં-રોટીના બે કટકા અને એક વાટકો ઘીમાં શેક્યા વગરની ઘઉંના લોટની રાબ મળતી કે જેમાં ગોળ નાખવામાં આવતો હતો.

તે દિવસોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય શાળા એક આશ્રમમાં જ હતી અને તેનાં પાઠ્યપુસ્તકો રચાયાં ન હતાં. તેથી સરકારી શાળાનાં પાઠ્યપુસ્તકો જ ચાલતાં. કારણ કે આશ્રમની શાળા સ્વતંત્ર, રાષ્ટ્રીય અને પ્રયોગલક્ષી શાળા હતી. શાળાનો સમય સવારના સાડાસાતથી સાડાદસ અને બપોરે સમય સાડાબારથી સાડાચારનો હતો. આશ્રમની શાળામાં આખો વખત ભણતર, ઉનાળામાં સવારે વણાટકામ અને બપોરે ભણતર, તથા ચોમાસામાં ખેતીકામ તથા બપોરે ભણતર એવો ઉદ્યોગમિશ્રિત અભ્યાસક્રમ ગોઠવાયો. આશ્રમની શાળાનાં આરંભના વર્ષોમાં દર બુધવારે સવારે શિક્ષકો વિદ્યાર્થીઓને આજુબાજુનાં સ્થળો જોવા લઇ જતાં. પંડિત નારાયણ મોરેશ્વર ખરે સત્યાગ્રહાશ્રમના સંગીતના શિક્ષક હતા. તેઓ સંગીતની સતત સાધના કરતા હતા અને સંગીત સિવાયના જગતના અન્ય વિષયોની તેમને પરવા ન હતી. પંડિત ખરે પ્રભાતની ચાર વાગ્યાની અને સંધ્યાકાળની સાડાછ કે સાત વાગ્યાની ઉપાસનાનો આરંભ કરતા. પંડિતજીનાં ભજનો મુખ્યત્વે હિંદી અને ગૌણત્વે ગુજરાતી, મરાઠી અને ક્યારેક બંગાળીમાં હોય. તે દરમિયાન ‘આશ્રમસમાચાર’ નામે એક સાપ્તાહિક પત્ર સાઈકલોસ્ટાઇલ ઉપર છપાઈને નીકળતું હતું. તેના તંત્રી મગનભાઈ દેસાઈ હતા. આશ્રમના વિદ્યાર્થી મંડળે ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત દ્વૈમાસિક કાઢ્યું હતું. વરસની છયે ઋતુમાંની દરેક ઋતુની પૂર્ણિમાએ ‘મધપૂડો’ પ્રકટ થતો અને સંધ્યાકાળની પ્રાર્થના પછી ફાનસના પ્રકાશમાં તેનું જાહેર વાચન થતું.

મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપવા માટે અમદાવાદ શહેર પર જ પસંદગી કેમ ઉતારી?

આ અંગે આત્મકથામાં મહાત્મા ગાંધી જણાવે છે કે અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઇ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી. અને અમદાવાદમાં વસવાનો છેવટે નિશ્ચય કર્યો.

સાબરમતી આશ્રમ વિશેની તારીખ આધારિત વિગતો:

• ૧૧ ડિસેમ્બર, ૧૯૧૬ને સોમવારના રોજ સાબરમતી આશ્રમની જમીનનો સૌથી પહેલો ટુકડો ખરીદવાના બાનાખત માટે સ્ટેમ્પ ખરીદ્યો.

• ૯ ફેબ્રુઆરી, ૧૯૧૭ના રોજ મુંબઈ ખાતે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયાના મકાનમાં, અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનાં મકાનો બાંધવા અંગે ચર્ચા કરવામાં આવી.

• ૩૧ મે, ૧૯૧૭ના દિવસે સાબરમતી આશ્રમ માટે જમીનનું બાનાખત થયું અને ૨ જૂને સાબરમતી આશ્રમ માટેની જમીન ખરીદવાનો પાકો દસ્તાવેજ થયો કે જે ૧૩ જૂનના રોજ રજીસ્ટર કરવામાં આવ્યો.

• તારીખ ૧૭ જૂન, ૧૯૧૭ને રવિવારના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના થઇ અને તે સમયે મહાત્મા ગાંધી બિહારના મોતીહારી અને પટણામાં કાર્યરત હતા.

• ૫ માર્ચ, ૧૯૩૦ના રોજ સાંજની પ્રાર્થના પછી દાંડી-કૂચ વિશે જાહેરાત કરી.

• ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે આશ્રમની એક માંદી છોકરીની ખબર કાઢી. દાંડી-કૂચ શરૂ; નીકળ્યા સવારે સાડા છ વાગ્યે; પગપાળા; ૭૮ સાથીઓ સાથે; વ્રત લીધું ‘સ્વરાજ ન મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પાછો નહિ આવું’.

• ૩૧ મે, ૧૯૩૩ના સમયગાળા દરમિયાન એક માણસે, કાગળ લખી, સાબરમતી આશ્રમનું નામ ‘હરિજન આશ્રમ’ રાખવા સૂચવ્યું.

• ૨૪ નવેમ્બર, ૧૯૩૩ના રોજ વિખેરેલો સાબરમતી આશ્રમ આ અરસામાં હરિજન આશ્રમના નામથી ઓળખાતો થયો.

સાબરમતી આશ્રમની ઝાંખી:

આત્મકથામાં મહાત્મા ગાંધીએ નોંધ્યું છે તે પ્રમાણે પૂજાભાઈ હીરાચંદે આશ્રમને સારુ જોઈતી જમીન તરત શોધી લાવવાનું બીડું ઝડપ્યું. કોચરબની ઉત્તર દક્ષિણનો ભાગ હું તેમની સાથે ફર્યો. પછી ઉત્તર તરફ ત્રણ ચાર માઈલ દૂર ટુકડો મળે તો શોધી લાવવાનું મેં તેમને સૂચવ્યું. હાલ જ્યાં આશ્રમ છે તે જમીન તેઓ શોધી લાવ્યા. તે જેલની નજદીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. આઠેક દિવસમાં જ જમીનનો સોદો કર્યો. જમીન ઉપર એકે મકાન નહોતું; એક પણ ઝાડ નહોતું. નદીનો કિનારો અને એકાંત તેને સારુ મોટી ભલામણ હતી. અમે તંબૂમાં રહેવાનો નિશ્ચય કર્યો. રસોડાને સારુ એક પતરાનું કામચલાઉ છાપરું બાંધવાનું ને ધીમે ધીમે સ્થાયી મકાન બાંધવાનો આરંભ કરવાનું ધાર્યું. 

કેવો હતો તે સમયે સાબરમતી આશ્રમ:

આશ્રમના યાદગાર પ્રસંગો:

(૧) એકવાર પૂનમની રાત્રે આશ્રમમાં ચોર ઘૂસી આવ્યા હતાં. સવારે ઊઠીને કેટલાંકે જોયું તો કાકાસાહેબ કાલેલકરના રસોડાની બારીના ચોકઠા નીચેની બે પાંચ ઇંટો ગિરમિટ લગાવીને ચોરોએ કાઢી લીધી હતી અને અંદર પેસવા માટે બાકોરું પાડ્યું હતું. આશ્રમનો વિસ્તાર અડધા ગામડાં જેવડો હતો. તેના મોટા માસ્ટરનો પગાર પણ મોટો હશે એમ માની ચોરોએ કાકાસાહેબના ઘર ઉપર પસંદગી ઉતારી. જેમાં કાકાસાહેબના નાના પુત્ર બાળ માટે કાકીએ થોડી લાડુડીઓ બનાવેલી હતી તે તથા થોડાં વાસણો ચોરોને મળ્યાં હતાં.

(૨) ગાંધીજી યરોડા જેલમાં હતા ત્યારે વર્ષ ૧૯૨૨થી ૧૯૨૪ વચ્ચે કોઈ ખાદી વિદ્યાલયનો વિદ્યાર્થી રસોડાનું પાછલું બારણું બંધ કરવાનું ભૂલી ગયો. ચોરો તે જ રાત્રે ત્યાં આવ્યા અને ધક્કો મારતાં બારણું ઉઘડી ગયું. રસોડાનાં મોટાં મોટાં તપેલાં, થાળ વગેરે વાસણો તેઓ ઉપાડી ગયા. વર્ષ ૧૯૨૯માં પણ એક વાર આમ જ બનેલું પણ ત્યારે તો ગાંધીજી આશ્રમમાં હતા. તેમણે પેલા ભૂલકણા ભાઈને આશ્રમ છોડાવી દીધો.

(૩) એક વાર કાચું અનાજ ખાવાનો પ્રયોગ થયો. આશ્રમમાં મદ્રાસના એક અન્નશાસ્ત્રી આવ્યા. તેઓ અનાજને પદ્ધતિસર પલાળીને ખાવા માટે આપતા હતા. આશ્રમના ઘણાં લોકો એ પ્રયોગમાં જોડાયા. પછીથી એ પ્રયોગ છોડી દેવામાં આવ્યો. એક દિવસ સાંજે બાપુજી પોતાની કુટિરના આંગણામાં ખુલ્લામાં ખાટલામાં સૂતા હતા. બા માથામાં તેલ ઘસતાં હતાં. સામે પેલા મદ્રાસી સજ્જન ઊભા હતા. મદ્રાસી સજ્જને કહ્યું કે બાપુ દૂધ કાંઈ મનુષ્યનો ખોરાક નથી. માતાનું દૂધ એ જ મનુષ્યનો સ્વાભાવિક ખોરાક છે. આપ બકરીનું દૂધ લો છો એ પણ બરાબર નથી. પશુનું દૂધ પીવાથી પશુના ગુણ આવે છે. બાપુ ખડખડાટ હસી પડ્યા અને સૂવા માટે પગ લંબાવતા અને ચાદર ઓઢતાં બોલ્યા કે હા, તમે ખરું કહો છો! જુઓ બકરીનું દૂધ પીવાને લીધે મને શીંગડા ઊગવા લાગ્યાં છે. હવે તમે લોકો ભાગો નહિ તો શીંગડા મારીશ. મદ્રાસીભાઈ પણ આ કટાક્ષનો આનંદ માણતા ત્યાંથી ચાલતા થયા.

(૪) ૧ ઓકટોબર, ૧૯૧૮ના દિવસે મધરાત્રે મહાત્મા ગાંધીની તબિયત બહુ બગડી, હદય ઉપર અસર થઇ અને ધબકારા અનિયમિત જણાયા; અંતકાળ નજીક આવ્યો છે એમ માની બધાં આશ્રમવાસીઓને બોલાવ્યાં, પુત્ર હરિલાલ તથા દેવદાસને પણ તાર કરીને બોલાવવામાં આવ્યા.

(૫) ૮ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ મહાવિદ્યાલયમાં વર્ગ લેવા માટે ગાંધીજી આશ્રમથી વિદ્યાપીઠ સાઇકલ પર ગયા હતા કારણ કે એમને મોડું થયું હતું.

(૬) સપ્ટેમ્બર, ૧૯૨૮ના છેલ્લાં અઠવાડિયા દરમિયાન આશ્રમમાંના એક અત્યંત બીમાર અને દુઃખથી પિડાતા વાછડાને, બીજો કોઈ ઉપાય નહિ રહેવાથી, ઝેરની પિચકારી દેવડાવી ગાંધીજીએ એના જીવનનો અંત આણ્યો; અને આ અંગે તા. ૩૦મીના ‘નવજીવન’માં લેખ લખ્યો. એમના આ કૃત્ય અને લેખે ખૂબ ઊહાપોહ જગાવ્યો.

(૭) આશ્રમમાં સાંજની પ્રાર્થના પછી બાપુ આશ્રમવાસી રાવજીભાઈ પટેલ સાથે વાતો કરતા હતા. રાવજીભાઈને બાપુની ચાદર પર કાળા લીટા જેવું જણાયું. ધ્યાનપૂર્વક જોતાં ખબર પડી કે એક મોટો કાળો સાપ પાછળથી આવીને બાપુના ખભા સુધી ચડી ગયો છે અને આગળ જવાને આમતેમ જુએ છે. રાવજીભાઈએ વિચાર કર્યો કે જો મોટેથી બોલીશ તો બા વગેરે સૌ ગભરાઈ જશે અને ધમાલ થશે અને સાપ પણ ગભરાઈ જશે. તેમણે બાપુને કહ્યું કે એક સાપ આપની પીઠ પર છે. આપ બિલકુલ સ્થિર બેસી રહેજો. બાપુએ કહ્યું ‘હું સ્થિર બેસી રહીશ, પણ તમે શું કરવા માગો છો. રાવજીભાઈ ચાદર ઉપાડીને દૂર લઇ ગયા અને સાપને દૂર ફેંકી દીધો.

આશ્રમના અતિથિઓ:

દાક્તર પ્રાણજીવનદાસ મહેતા, લાલા લજપતરાય, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર, કવયિત્રી સરલાદેવી ચૌધરાણી, રીચાર્ડ ગ્રેગ (ગાંધીજીના સંદેશને અમેરિકામાં ફેલાવનાર), અંગ્રેજ રેજીનાલ્ડ રેનાલ્ડ, સી.એફ. એન્ડ્રુઝ, પરાગજી ખંડુભાઈ દેસાઈ (દક્ષિણ આફ્રિકાના સાથી), યાકુબ હુસેન (મુસલમાન નેતા), ખુશાલચંદ ગાંધી, રળિયાતબહેન (ગાંધીજીના વિધવા બહેન), ગિજુભાઈ બધેકા, આનંદશંકર ધ્રુવ, વગેરે …

આશ્રમનાં એકાદશ વ્રતો :

સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, શરીરશ્રમ. સર્વધર્મસમભાવ, સ્વદેશી, નમ્રતા, વ્રતનિશ્ચય, આશ્રમવ્યવહાર, આત્મચિંતન.

કોચરબ આશ્રમ વિશે થોડું:

વર્ષ ૧૯૧૫માં હિન્દુસ્તાન પરત ફર્યા બાદ ગાંધીજી ૩ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આશ્રમ માટે જમીન જોવા ગયા હતા અને તેઓએ ૪ માર્ચ, ૧૯૧૫ના રોજ નક્કી કર્યું કે આશ્રમ તો અમદાવાદમાં જ સ્થાપવો રહ્યો. ત્યાર બાદ ગાંધીજી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા કે જ્યાં બાદમાં કોચરબ આશ્રમ સ્થાપવામાં આવ્યો હતો. ૨૫ મે, ૧૯૧૫ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી.

સાબરમતી આશ્રમનાં સ્મારકો:

હૃદયકુંજ: આ ગાંધીજીનું નિવાસસ્થાન અને આશ્રમનું હૃદયસ્થાન હતું. તેથી જ કાકા કાલેલકરે તેનું નામ ‘હૃદયકુંજ’ પાડેલું. આ ઘરમાં બાપુનો બેઠક ખંડ છે. તે વખતને અનુરૂપ સાદડી, ગાદી, ચરખો અને લખવાના ઢાળિયા જેવી વસ્તુઓની મૂળ પ્રમાણે ગોઠવણી કરેલી છે. બેઠક ખંડ ઉપરાંત બા-બાપુનું રસોડું, કસ્તૂરબાનો ખંડ, મહેમાન ખંડ પણ છે. આ ઉપરાંત તેમની રોજિંદા વપરાશની થાળી, વાટકા, વલોણી, પાવડી જેવી ચીજોની પ્રતિકૃતિઓ મૂકેલ છે.

ઉપાસના મંદિર: ગાંધીજી સૌ આશ્રમસાથીઓ સાથે અહીં બેસીને સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. રોજ સવારે સૌ આશ્રમવાસીઓ આ ઉપાસના ભૂમિમાં પ્રાર્થના પછી પોતાની દિનચર્યા શરૂ કરતાં હતાં.

વિનોબા કુટિર અને મીરાં કુટિર: વિનોબા ભાવે વર્ષ ૧૯૧૮થી ૧૯૨૧ દરમિયાન આ કુટિરમાં રોકાયા હતા. બ્રિટિશ નૌકાદળના કપ્તાનનાં પુત્રી કુમારી મેડેલિન સ્લેડ આજીવન ગાંધીજીના અનુયાયી રહ્યાં હતાં. તેઓ વર્ષ ૧૯૨૫થી ૧૯૩૩ સુધી અહીં રહ્યાં હતાં. તેમની તપસ્યા જોઇને ગાંધીજીએ એમને મીરાંનું નામ આપ્યું હતું.

મગન નિવાસ: આ ગાંધીજીના ભત્રીજા મગનલાલ ગાંધીનું નિવાસસ્થાન હતું. તેઓએ આશ્રમના કુશળ સંચાલક તરીકેની જવાબદારી નિભાવી હતી અને તેથી જ તેમને ગાંધીજી ‘આશ્રમનો પ્રાણ’ કહેતા હતા. તેમણે ચરખાની વિવિધ ડીઝાઇનો વિકસાવી હતી.

નંદિની: આ આશ્રમનું અતિથિગૃહ હતું. તે સમયમાં અહીં દેશ-વિદેશના મહાનુભાવોએ આશરો લીધો હતો. એ તમામ મહાનુભાવો આશ્રમના નિયમોનું પાલન કરીને અહીં રહેતાં હતાં.

ઉદ્યોગ મંદિર: ૧૯૧૮માં આશ્રમમાં સૌથી પહેલું આ મકાન બંધાયું ત્યારે અમદાવાદની કાપડની મિલોની હડતાળ વખતે મજૂરોએ તેના પાયામાં કામ કર્યું હતું. હૃદયકુંજ બંધાતા પહેલાં આ મકાનના ખૂણાના ખંડમાં ગાંધીજી પોતે રહ્યા હતા. વળી ખાદી ઉદ્યોગની બધી પ્રક્રિયાની તાલીમ લેવા અહીં દેશભરમાંથી સેવકો આવતા અને તાલીમ મેળવતા હતા.

સંગ્રહાલય અને પ્રદર્શન ગેલેરી:

સાબરમતી આશ્રમમાં આવેલી આ ઈમારતનું ઉદ્‌ઘાટન ૧૦ મે, ૧૯૬૩ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હસ્તક કરવામાં આવ્યું હતું અને તેની ડીઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાએ તૈયાર કરી હતી. જેમાં મુખ્ય ત્રણ ગેલેરી આવેલી છે.

‘ગાંધીજી અમદાવાદમાં’ પ્રદર્શન ગેલેરી: આ ગેલેરીમાં વર્ષ ૧૯૧૫થી ૧૯૩૦ સુધી ગાંધીજી અમદાવાદમાં રહ્યા તે દરમિયાનની મુખ્ય ઘટનાઓની ઝાંખી કરાવવામાં આવી છે. આ પ્રદર્શનમાં બે આશ્રમ, મજૂર મહાજન, નવજીવન પ્રેસ અને ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી માંડીને ઐતિહાસિક દાંડી-કૂચના આરંભ વગેરે પ્રસંગોની માહિતી મૂળ ફોટોગ્રાફ્સ, ચિત્રો અને આલેખનો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.   

ગાંધી તૈલચિત્ર પ્રદર્શની: અહીં ગાંધીજીના આઠ પૂર્ણ કદનાં તૈલચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીજી પ્રાર્થનામય, રેંટિયો કાંતતા, ઉપવાસ પર બેઠેલા જેવી વિવિધ મુદ્રાઓનો તેમ જ અન્ય ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘મારું જીવન એ જ મારી વાણી’ પ્રદર્શન ગેલેરી: આ પ્રદર્શન ગેલેરીમાં ગાંધીજીના જીવનના સીમાચિહ્નરૂપ જે પ્રસંગોએ ભારતનો ઇતિહાસ બદલ્યો તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

ગાંધી આશ્રમ પ્રવૃત્તિઓ અને અન્ય વિભાગો / પ્રોજેક્ટ્સ

ગ્રંથાલય: સાબરમતી આશ્રમ સ્થિત ગ્રંથાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાના મળીને આશરે ૬૦,૦૦૦ જેટલાં પુસ્તકો છે. હાલ આ ગ્રંથાલયનાં પુસ્તકોના અને અન્ય ગ્રંથાલયના રેકોર્ડ્ઝને ડિજિટલાઈઝ કરીને આધુનિક બનાવવામાં આવ્યું છે જેના થકી ઓનલાઈન પુસ્તકો અંગેની જાણકારી મેળવી શકાય છે.

આર્કાઇવ્ઝ અને સંશોધન કેન્દ્ર: ગાંધી સ્મારક સંગ્રહાલયના આર્કાઇવ્ઝ વિભાગમાં ગાંધીજીએ લખેલાં લખાણો, હસ્તપ્રતો તથા તેની ફોટોસ્ટેટની નકલો ઉપલબ્ધ છે. આ તમામ હસ્તપ્રતોની માહિતીને વિગતવાર ૩૧ જેટલાં રજીસ્ટરમાં નોંધવામાં આવેલ છે. આજે પણ ઘણી વ્યક્તિઓ તરફથી ગાંધીજી સંબંધિત જૂનાં લખાણો અને હસ્તપ્રતો આશ્રમને સંગ્રહ અને સંશોધન માટે ભેટમાં મળતાં રહે છે. આ બધી સામગ્રીની સૂચિઓ, વર્ગીકરણ તથા ટૂંકી નોંધ તૈયાર કરવામાં આવી છે. આ સામગ્રીનો ઉપયોગ દેશ-વિદેશના સંશોધકો, લેખકો તથા અભ્યાસીઓ કરે છે.

ગાંધી હેરિટેજ પોર્ટલ: આ વેબ પોર્ટલ પર ગાંધીજી લિખિત પત્રો, લખાણો, પ્રવચનો, પુસ્તકો, પત્રિકાઓ તથા તેને આનુષંગિક સાહિત્ય, રોજનીશીઓ, લેખો, છાપાઓ વગેરે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. કોઈ પણ પુસ્તક કે માહિતી આ વેબ પોર્ટલ પર મૂકતાં પહેલાં તેની ચકાસણી કરવામાં આવે છે, મૂળ આવૃત્તિઓનું ઇન-હાઉસ સ્કેિનંગ, પાનેપાનાની ફીઝીકલ-ડિજિટલ ચકાસણી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં આશરે ત્રણ લાખ કરતાં વધારે પાનાંને ડિજિટલાઈઝ કરીને ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

સાહિત્ય વેચાણ કેન્દ્ર: સાબરમતી આશ્રમનું વેચાણ કેન્દ્ર ગાંધી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટેનું મહત્ત્વનું સ્થાન છે. આ કેન્દ્રમાં પુસ્તકો, ફોટો, ચરખા, સી.ડી., પોસ્ટકાર્ડ અને અન્ય વેચાણ માટેની ગાંધીજી સંલગ્ન ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. આ સાથે હાલમાં શરૂ કરવામાં આવેલ ખાદી વેચાણ કેન્દ્રમાં પણ વિવિધ પ્રકારના ખાદીનાં વસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દર વર્ષે દેશ-વિદેશમાંથી આશરે સાત લાખ કરતાં પણ વધારે પર્યટકો સાબરમતી આશ્રમની મુલાકાત લે છે અને ડિસેમ્બર તથા મે મહિનાના સમયગાળામાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. હાલમાં સાબરમતી આશ્રમના ટ્રસ્ટી ચેરમેન ઇલાબહેન ભટ્ટ છે અને ડાયરેક્ટર તરીકે ત્રિદીપ સુહૃદ ફરજ બજાવે છે. સાબરમતી આશ્રમના ડાયરેક્ટર ત્રિદીપ સુહૃદના નેતૃત્વ હેઠળ છેલ્લાં થોડાં વર્ષોમાં ગાંધી વિચારને વેગવંતું બનાવવા અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે કે જેમાં મહાત્મા ગાંધી સંલગ્ન રીસર્ચ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્સ, રાષ્ટ્રીય કક્ષાની આર્કાઇવ્ઝની સ્થાપના, દેશ-વિદેશના પર્યટકોને અનુરૂપ આશ્રમનું આધુનિક સ્વરૂપ તેમ જ તેના સમારકામનું કાર્ય, સાબરમતી આશ્રમ વ્યાખ્યાન શ્રેણી અને ફેલોશિપ પ્રોગ્રામ, ગાંધી વિચાર અને સાહિત્યને વિવિધ માધ્યમ થકી મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ વગેરેનો સમાવેશ થાય છે.

વર્ષ ૧૯૧૭થી ૧૯૩૦ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં કુલ ૧૫૨૦ દિવસ જેટલું રોકાયા હતા. જેની વર્ષ પ્રમાણેની માહિતી આ પ્રમાણે છે.

1917     35

1918     168

1919     90

1920     94

1921     89

1922     30

1924     108

1925     65

1926     327

1927     11

1928     307

1929     128

1930     68

(* સન ૧૯૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન મહાત્મા ગાંધીએ જેલવાસ ભોગવ્યો હતો માટે ઉપર વર્ષ ૧૯૨૩નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.)

સાબરમતી આશ્રમ ‘સત્યાગ્રહાશ્રમ’ કેમ કહેવાયો?

ગાંધીજી માનતા હતા કે વ્યક્તિગત ગુણવિકાસ અને સામાજિક પરિવર્તન સાધવા માટે સત્યાગ્રહ આવશ્યક છે. આથી એમણે આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. એમના મનમાં આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને એવી પણ કલ્પના હતી. એમણે લખ્યું ‘મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી … છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું … મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.

ગાંધીજીની દ્રષ્ટિએ આશ્રમ એટલે શું? અથવા આશ્રમનું મહત્ત્વ

આવું આશ્રમ, મને લાગે છે કે, મારા સ્વભાવમાં જ હતું, એમ વર્તમાનની દ્રષ્ટિએ ભૂતકાળને જોતાં મને ભાસે છે. જ્યારથી હું નોખું ઘર વસાવતો થયો ત્યારથી જ મારું ઘર ઉપરની વ્યાખ્યાની બે શરત પ્રમાણે આશ્રમ જેવું થઇ ગયું હતું, કેમ કે ગૃહસ્થાશ્રમ ભોગને સારું નહિ પણ ધર્મને સારું ચાલ્યો એમ કહેવાય. વળી તેમાં કુટુંબીજન ઉપરાંત બીજા કોઈ ને કોઈ મિત્રો હોય જ. અને તે કાં તો ધાર્મિક સંબંધને લીધે આવ્યા હોય અથવા તેમના આવ્યા પછી તે સંબંધને ધાર્મિક બનાવવાનો મેં પ્રયત્ન કર્યો હોય.

મહાત્મા ગાંધીએ સૌપ્રથમ આશ્રમ જીવનની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમિયાન ફિનિક્સ વસાહત / આશ્રમની સ્થાપના સાથે કરી હતી અને ત્યારબાદ ફિનિક્સની જ સામુદાયિક જીવનની કલ્પનામાંથી અસ્તિત્વમાં આવેલી દક્ષિણ આફ્રિકાની બીજી સંસ્થા તે ટોલ્સટોય ફાર્મ / વાડી હતી.

વર્ષ ૧૯૧૫માં હિન્દુસ્તાન પરત ફર્યા બાદ ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કોચરબ આશ્રમ અને ત્યારબાદ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. દાંડી-કૂચ બાદ ગાંધીજીએ સેગાંવ / સેવાગ્રામમાં રહેવાનું નક્કી કર્યું અને આ આશ્રમ ‘સેવાગ્રામ આશ્રમ’ તરીકે પ્રસિદ્ધ થયો. ભારતમાં ગાંધીજી દ્વારા સ્થાપિત થયેલો આ અંતિમ આશ્રમ હતો. 

સંદર્ભ સૂચિ :

ભટ્ટ, તનસુખ – આશ્રમના આંગણામાં

ગાંધીજી – સત્યના પ્રયોગો

ગાંધીજી – સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ

દલાલ, ચંદુભાઈ – ગાંધીજીની દિનવારી

ઉપાધ્યાય, હરિભાઉ – બાપુના આશ્રમમાં [સંસ્મરણો]

કાલેલકર, કાકાસાહેબ – બાપુની ઝાંખી

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

20 June 2017 admin
← જોડણીવિષયક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત છે ફુલસ્ટૉપ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved