દર્શકો કંટાળીને NDTV તરફ વળી રહ્યા છે એ તેમની ચિંતા છે. અમિત શાહે નવી ગુગલી ફેંકીને નવો વિષય આપી દીધો છે. હવે ગોદમાં બેઠેલા ઍન્કરો ગળાં ફાડીને ઇન્ડિયા વૉન્ટ્સ ટુ નોનો મારો ચલાવશે. સાઇબર સેલ, ટ્રોલ અને વૅટ્સઍપના હૅન્ડલરો મેદાનમાં આવી જશે
BJPના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે મહાત્મા ગાંધી ચતુર બનિયા હતા અને કૉન્ગ્રેસ તેમના માટે આઝાદી મેળવવા માટેનું સાધનમાત્ર હતું. તેમણે અંગ્રેજી વાક્યપ્રયોગ સ્પેશ્યલ પર્પઝ વેહિકલ (SPV)નો ઉપયોગ કર્યો હતો. આ આજકાલ ધંધામાં વપરાતી પરિભાષા છે. આજે રાજકારણ પણ ધંધો અને મૅનેજમેન્ટનો વિષય બની ગયું છે એટલે અમિત શાહને આવી પરિભાષા સૂઝે એમાં કોઈ આશ્ચર્ય નથી. એમાં આ દેશમાં નવું રાજકારણ દાખલ કરવામાં BJP અગ્રેસર છે. SPV એ તાત્કાલિક ઉદ્દેશ માટે રચવામાં આવતી કંપની હોય છે. ઉદ્દેશ બર આવી જાય એ પછી એ કંપનીનો ખપ રહેતો નથી. અનેક પ્રકારની શેલ કંપનીઓ પણ વિદેશમાં પૈસા પાર્ક કરવા માટે કે કાળાંનાં ધોળાં કરવા માટે રચવામાં આવે છે. કામ પતી ગયા પછી એને ભૂલી જવામાં આવે છે. આ આજના યુગનું બિઝનેસ-કલ્ચર છે.
ઉદાહરણ આપવું હોય તો ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીનું આપી શકાય. ૨૦૧૦ની ૨૩ મેએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે નવેસરથી સમજૂતી થઈ હતી કે બન્ને ભાઈઓ એકબીજાની હરીફાઈ કરવી પડે એવા ધંધામાં પ્રવેશ કરી શકે છે. વિભાજન વખતે સમજૂતી એવી હતી કે બન્ને ભાઈઓ હરીફાઈ અને કડવાશ ટાળવા એવા ધંધામાં નહીં પ્રવેશે જ્યાં બેમાંથી કોઈ એક ભાઈ ઑલરેડી હોય. રિલાયન્સ ઇન્ફો અનિલ અંબાણીની છે એટલે જૂની સમજૂતી મુજબ મુકેશ અંબાણી ટેલિકમ્યુિનકેશનના ધંધામાં ન પ્રવેશી શકે. ૨૩ મેએ જૂની સમજૂતી ખતમ કરવામાં આવી હતી અને એ દ્વારા મુકેશ અંબાણી માટે ટેલિકૉમ-પ્રવેશ ખૂલી ગયો હતો.
૨૦૧૦ની ૨૪ મેએ (માર્ક ધ ડેટ. બીજા જ દિવસે) ટેલિકમ્યુિનકેશન વિભાગે ૪-Gના ઑક્શન માટે બિડ મગાવવા સાઇટ ઓપન કરી હતી. એમાં એક દાવેદાર કોઈ મહેન્દ્ર નાહટાની ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિસ પણ હતી જેનો વાર્ષિક ધંધો ૧૮ લાખ રૂપિયાનો હતો અને કંપની પાસે માત્ર એક સબસ્ક્રાઇબર હતો. આ કંપની ભૂતકાળમાં ડિફૉલ્ટર સાબિત થઈ છે અને ૪-G માટે કંપનીએ બિડ કરી ત્યારે કાનૂની રીતે ફરજિયાત હોવાથી આ વિગતો આપી પણ હતી. ૧૧ જૂને ટેન્ડર ઓપન થાય છે અને તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે વરસે માત્ર ૧૮ લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીને ૧૨,૮૪૭.૭૭ કરોડ રૂપિયાનું લાઇસન્સ અલૉટ થયું હતું. વાર્ષિક ટર્નઓવર કરતાં ૭૧,૦૦૦ ગણી મોટી રકમનું લાઇસન્સ. ૪-Gનું લાઇસન્સ મળ્યા પછી એ જ દિવસે થોડા કલાકોમાં ઇન્ફોટેલ બ્રૉડબૅન્ડ સર્વિસિસ રિલાયન્સે ખરીદી લીધી હતી.
આ સોદામાં ઇન્ફોટેલ SPV હતી અથવા કહો કે શેલ કંપની હતી. જ્યારે પાછલે બારણેથી રિલાયન્સને ૪-Gનું લાઇસન્સ આપવામાં આવ્યું ત્યારે UPAની સરકાર હતી અને અત્યારના ટેલિકમ્યુિનકેશન ખાતાના પ્રધાન અને જાણીતા વકીલ રવિશંકર પ્રસાદ રિલાયન્સના વકીલોની પૅનલમાં હતા અને તેમને દર મહિને પૈસા મળતા હતા. અત્યારે તેમનો વકીલપુત્ર રિલાયન્સના લીગલ સેલની પૅનલમાં છે અને પગાર મેળવે છે.. શા માટે UPAકાલીન કૌભાંડોના કેસ દાખલ નથી કરાતા અને કરાય છે તો કેમ નથી ચાલતા એનો જવાબ મળી ગયો હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં બીજાં સો ઉદાહરણ આપી શકાય એમ છે. અમિત શાહની જીભ પર SPVની જ ભાષા આવે એમાં કોઈ આશ્ચર્ય નથી.
ગાંધીજી ચતુર બનિયા જરૂર હતા, પણ નીચ બનિયા નહોતા. બીજું, કૉન્ગ્રેસની સ્થાપના ગાંધીજી ૧૬ વરસના હતા ત્યારે થઈ હતી એટલે કૉન્ગ્રેસની સ્થાપનામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. જો કે આ લેખ અમિત શાહ પાસેથી ઇતિહાસનું જ્ઞાન પામવા માટે કે એને પડકારવા માટે નથી લખવામાં આવ્યો. આ લેખ ચેતવણી આપવા માટે લખવામાં આવ્યો છે. અમિત શાહનો ઉદ્દેશ ખેડૂતોના આંદોલનથી ધ્યાન અન્યત્ર દોરવાનો છે. કેટલા દિવસ ઑક્યુપાઇડ ન્યુઝરૂમ સૈનિકોનું સન્માન, પાકિસ્તાનની બેશરમી, કાશ્મીરીઓનો દેશદ્રોહની ચર્ચા કરતા રહે? દર્શકો કંટાળીને NDTV તરફ વળી રહ્યા છે એ તેમની ચિંતા છે. અમિત શાહે નવી ગુગલી ફેંકીને નવો વિષય આપી દીધો છે. હવે ગોદમાં બેઠેલા ઍન્કરો ગળાં ફાડીને ઇન્ડિયા વૉન્ટ્સ ટુ નોનો મારો ચલાવશે. સાઇબર સેલ, ટ્રોલ અને વૉટ્સઍપના હૅન્ડલરો મેદાનમાં આવી જશે.
ઑક્યુપાઇડ ન્યુઝરૂમમાં વિરોધ પક્ષોના પ્રવક્તાઓ એટલા માટે જાય છે કે તેઓ જમીન પર લોકોની વચ્ચે જઈને કામ કરવા જેટલી ક્ષમતા અને નિસ્બત ધરાવતા નથી. તેઓ તેમના અસ્તિત્વનો પુરાવો આપવા માટે હડકાયા ઍન્કરો પાસે અપમાનિત થવા જાય છે. ભુલાઈ જવાય એના કરતાં ભલે અપમાનિત થઈને, પણ હયાતી નોંધાવતા રહેવું જોઈએ. સિવિલ સોસાયટીના કેટલાક સભ્યો ઑક્યુપાઇડ ન્યુઝરૂમમાં પૈસા માટે જાય છે. પસંદ કરેલા લોકોને ખાસ મોકલવામાં આવે છે. જો કોઈ મહાનુભાવ વીલું મોઢું કરીને ગેંગેફેંફે કરવા જેટલે નીચે ઊતરવા તૈયાર હોય તો તેને સૌથી વધુ રૂપિયા આપવામાં આવે છે.
આ કૉલમમાં અઠવાડિયા પહેલાં મેં ટીવીજગતના પહેલા હડકાયા પત્રકાર રૉજર આઇલ્સ વિશે લખ્યું હતું. તેમણે ૧૯૯૫માં અમેરિકામાં ફોક્સ ચૅનલની સ્થાપના વખતે ચૅનલના માલિક રુપર્ટ મર્ડોકને કહ્યું હતું કે ‘કેન્દ્રની ડાબે શાલીન, વિવેકી અને મૂલ્યો માટે સરોકાર ધરાવનારી ચૅનલોની ભીડ છે. જમણે જગ્યા સાવ ખાલી છે. જો આબરૂ અને અંતરાત્માને નેવે મૂકવા તૈયાર હો તો લાભ જ લાભ છે.’ એ પછી તો આઇલ્સનું સક્સેસ મૉડલ જગતઆખામાં અપનાવવામાં આવ્યું હતું. ભારતમાં પણ એ મૉડલ અપનાવવામાં આવ્યું અને આજે તેમની હાલત જોઈને હસવું કે રડવું એવી સ્થિતિ પેદા થઈ છે. આજે બધી જ ચૅનલો કેન્દ્રની જમણે હડકાયું પત્રકારત્વ કરવા લાગી છે અને તેમની વચ્ચે ગળાકાપ હરીફાઈ છે. બીજી બાજુ કેન્દ્રની ડાબે એકલી NDTV બચી છે જે એના ઓછા પણ લૉયલ વ્યુઅર સાથે સુરક્ષિત છે. ૧૯૯૫માં જમણે જગ્યા ખાલી હતી, અત્યારે ડાબે ખાલી છે અને એનો લાભ NDTVને મળી રહ્યો છે. ગોદમાં બેસનારાઓ અને ગોદમાં બેસાડનારાઓ આ પણ સાંખી શકતા નથી. ઉપરથી ધીરે-ધીરે કંટાળેલા લોકોની આંખ ઊઘડી રહી છે.
ગુગલીઓ ફેંકીને દિવસો કાઢવા કરતાં સમસ્યાઓનો ઉકેલ શોધવામાં વધારે ફાયદો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2017
કાર્ટૂન સૌજન્ય : ઇ.પી. ઉન્ની, “ઇન્ડિયન એક્સપ્રેસ”, 12 જૂન 2017