મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બને એમ લાગતું નથી
‘નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ’ના ‘ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’ વિષયક તારણો તાજેતરમાં જાહેર થયાં છે. આ સર્વેમાં આંતરજ્ઞાતિય લગ્નોમાં દેશમાં પાંચમા ક્રમે રહેલા ગુજરાતની બે હકીક્તો : રાજ્યમાં – ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોમાં કન્યાઓની અછતને કારણે ઘણા પાટીદાર યુવાનોને નાતની કન્યા મળતી નથી. આવા યુવાનો ગરીબ આદિવાસી કન્યાઓને પરણે છે. અહેવાલો મુજબ, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામના ઈશ્વરભાઈ પટેલે આદિવાસી કન્યા નામે તારાબહેન સાથે લગ્ન કર્યું હતું. બંને પતિપત્ની ખેતીકામ કરતાં અને ખેતરમાં ઘર બનાવી રહેતાં હતાં. ઈશ્વરભાઈનાં ભાભી, નણદોઈ અને બીજા બે લોકોએ આ દંપતી સાથે ઝઘડામાં તારાબહેનને જાતિવિષયક અપશબ્દો કહ્યા, મારવાનો પ્રયત્ન કર્યો અને ઘર છોડી જવા કહ્યું. એટલે તારાબહેને તેમની સામે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારા હેઠળ પોલીસ ફરિયાદ કરી! વરસ 2011ના આ બનાવ થકી, મજબૂરીવશ થયેલાં આંતરજ્ઞાતિય લગ્નની પરિણતી એવા, નોખી આભડછેટ અને અનોખા અત્યાચારનો ગુજરાતને પરિચય થાય છે.
હવે તાજેતરનો બીજો બનાવ. ઓછું ભણેલા કે બીજા પણ પાટીદાર યુવાનોને કન્યાભ્રૂણ હત્યાને કારણે નાતની કન્યા મળતી નથી. તેથી ચિંતિત સમાજ અગ્રણીઓએ આંતરરાજ્ય લગ્નોને સ્વીકૃતિ આપી. આ વરસના એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના સહયોગી અમદાવાદમાં ગુજરાતના 24 પાટીદાર યુવાનોનો ઓરિસ્સાની યુવતીઓ સાથે લગ્નોત્સવ યોજાયો હતો.
આઝાદી પૂર્વે રાજકીય આઝાદીના આંદોલન સાથે જ સમાજસુધારાણાનું પણ આંદોલન ચાલતું હતું. આભડછેટનો મુદ્દો દેશના સામાજિક-રાજકીય એજન્ડા પર મૂકાયો હતો. ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરના આ દિશાના સંનિષ્ઠ પ્રયાસો છતાં આઝાદીના સાત દાયકે ભારતી હિંદુ સમાજ હજુ પણ જ્ઞાતિભેદમાં જકડાયેલો છે. પ્રેમ અને લગ્નની બાબતમાં જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ પરગણાને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ઈન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વેનું તારણ સ્પષ્ટ જણાવે છે કે ભારતમાં માંડ પાંચ ટકા લગ્નો જ જ્ઞાતિબહાર થાય છે. આંતરજ્ઞાતિય લગ્નોમાં ઉત્તરપૂર્વનાં ટચુકડા, ખ્રિસ્તી બહુમતી ધરાવતાં રાજ્યો જ મોખરે છે. દેશમાં સૌથી વધુ આંતરજ્ઞાતિય લગ્નો (55 ટકા) મિઝોરમમાં થાય છે. તે પછીના ક્રમે મેઘાલય, સિક્કિમ, જમ્મુકશ્મીર અને ગુજરાત છે. ગુજરાતમાં વરસે 13 ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. જાતિભેદ અને સામંતવાદમાં જકડાયેલાં ઉત્તર ભારતનાં રાજ્યો આ બાબતમાં સૌથી પાછળ છે. મધ્ય પ્રદેશ 1 ટકા સાથે સૌથી તળિયે છે, તો હિમાચલ અને છત્તીસગઢ 2 ટકા આંતરજ્ઞાતિય લગ્નો સાથે તળિયેથી સહેજ ઉપર છે.
જાણીતાં વિદુષી, સમાજવિજ્ઞાની ગેલ ઓમવેટ દેશમાં આંતરજ્ઞાતિય લગ્નોની વાસ્તવિકતા પોતાના ગામના ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. મહારાષ્ટ્રમાં પૂનાથી આશરે 150 કિલોમીટરના અંતરે આવેલા પંદરેક હજારની વસ્તીના કાસેગાંવમાં તે રહે છે. આ ગામ વિકસિત અને દેખાવે શહેરી ગામ છે. દેશનાં અન્ય ગામોની તુલનાએ પ્રગતિશીલ પરંપરાઓ ધરાવતા આ ગામમાં છેલ્લાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો થયાનું ગેલ ઓમવેટ ખાતરીપૂર્વક જણાવે છે. 30 પૈકીનાં 20 દંપતી ગામમાં જ રહે છે. આ હકીકત સંદર્ભે ગેલ ઓમવેટ નોંધે છે, ’50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો, ટકાવારીની દૃષ્ટિએ એક ટકાનો દસમો ભાગ થાય. 15,000ની વસ્તીના ગામમાં 50 વરસમાં 30 આંતરજ્ઞાતિય લગ્નો એટલે 0.00133 ટકા થાય.’
આવી જ સ્થિતિ દેશના લગભગ બધા જ ગામોની હશે તેમ સ્વીકારીએ તો નગરો-મહાનગરોની સ્થિતિ બહુ હરખાવા જેવી નથી. અંગ્રેજી અખબારોની લગ્નવિષયક જાહેરખબરો પર નજર કરતાં જણાઈ આવે છે કે સૌને લગ્ન માટે પોતાની જ જ્ઞાતિની કન્યા કે મુરતિયો જોઈએ છે. લગ્નની આ જાહેરાતોમાં જ્ઞાતિબાધ ન હોય તેવી લગ્ન પસંદગી કરનારા ભાગ્યે જ હોય છે.
લગ્ન તો ઠીક, જ્ઞાતિબહાર પ્રેમ કરવાની પણ બંધી છે. જો કોઈ યુવક-યુવતી રાજીખુશીથી પરસ્પર પ્રત્યેના પ્રેમને કારણે જ્ઞાતિને બાજુએ હડસેલી પ્રેમ કરે કે લગ્ન કરે, તો તેનો અંજામ ક્રૂર હત્યામાં આવતો હોવાનું અવારનવાર જોવા મળે છે. હરિયાણા અને રાજસ્થાનમાં ઓનર કિલિંગ થતા હોય છે. વળી જો આંતરજ્ઞાતિય લગ્નોમાં એક પાત્ર દલિત હોય તો આવા દંપતીનું જીવવું દુષ્કર બની જાય છે.
ડૉ. આંબેડકરે 1936માં લાહોરના ‘જાતપાત તોડક મંડળ’ના અધિવેશન માટે તૈયાર કરેલ નિબંધ ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’(જાતિ નિર્મૂલ્ન)માં જ્ઞાતિપ્રથા નાબૂદીના જે ઉપાયો ચીંધ્યા તેમાં આંતરજ્ઞાતિય લગ્નોને સૌથી વધુ મહત્ત્વના માન્યાં હતાં. ડો. આંબેડકરે કહ્યું હતું, ‘મને ખાતરી થઈ ચૂકી છે કે આંતરજ્ઞાતિય લગ્નો જ જ્ઞાતિના નિકંદનનો સાચો ઉપાય છે. એકલું લોહીનું મિશ્રણ જ સગાંસ્વજન હોવાની લાગણીસર્જી શકે છે અને જ્યાં સુધી આ સગપણની ભાવના, સગાં હોવાની ભાવના સર્વોપરી નહિ બને ત્યાં સુધી જ્ઞાતિએ સર્જેલી અલગતાની ભાવના, પરાયા હોવાની ભાવના નાશ પામશે નહીં.’ ગાંધીજી અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક માનતા હતા. તેઓ આભડછેટ નાબૂદી માટે આંતરજ્ઞાતિય લગ્નોને ખૂબ મહત્ત્વ આપતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં જ લગ્નોમાં હાજર રહેતા હતા, જેમાં એક પાત્ર કહેવાતા અસ્પૃશ્ય સમાજનું હોય.
દેશમાં આજે જે પાંચેક ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે, તેમાં લગ્ન પછી પુરુષની જ્ઞાતિ જ સ્ત્રી અને બાળકોને મળે છે. જો બેમાંથી એક પાત્ર ઉપલી જ્ઞાતિનું હોય અને બળુકું હોય તો બાળકોને ઉપલી જ્ઞાતિ મળે છે. પરંતુ તેનાથી જ્ઞાતિ તૂટતી નથી. આંતરજ્ઞાતિય લગ્નો, તેને કારણે મિશ્ર લોહી અને સરવાળે જ્ઞાતિનો ખાતમો હાલના આંતરજ્ઞાતિય લગ્નોથી શક્ય બનતાં નથી.
હવે નાતજાત જેવું ક્યાં કશું રહ્યું છે — એમ સામાન્ય લોકો કહેતા હોય છે. જાણીતા વિદ્વાન આંદ્રે બેતાઈ તો એ હદે લખે છે કે, ‘ભારતમાં જ્ઞાતિ હવે સમાપ્ત થઈ ગઈ છે. તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તે હવે કેવળ આપણા વિચારોમાં ટકી છે. ચૂંટણી દરમિયાન મીડિયાવાળા જ તેનું સ્મરણ કરાવે છે, એટલું જ.’ ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નોનું નહિવત્ પ્રમાણ જ્ઞાતિ સમાપ્ત થઈ ગયાનું કહેનારને પડકારે છે. જ્ઞાતિને ધોરણે અનામત માગતા ગુજરાતના પાટીદારો લગ્ન માટે કન્યા ન મળે તો ગુજરાતની કોઈ ગરીબ કે અનામત જ્ઞાતિની કન્યાને બદલે સુદૂર ઓરિસ્સાની જ્ઞાતિ કન્યા શોધી પરણે છે, ત્યારે ભારતમાં જ્ઞાતિ કેટલી જડબેસલાક રીતે પ્રવર્તે છે અને તેનું ભૌતિક અસ્તિત્વ હાજરાહાજૂર છે તે જણાઈ આવે છે. એટલું જ નહીં અત્યારે તો ગાંધી-આંબેડકરનું આંતરજ્ઞાતિય લગ્નોનું સ્વપ્ન જાણે કે દૂરનું અને ક્યારે ય પૂરું ન થનારું લાગે છે.
સૌજન્ય : ‘અવાસ્તવિક અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 01 જૂન 2017