Opinion Magazine
Number of visits: 9452509
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેકન્ડ ચોઈસ પણ નહીં!

નયના પટેલ|Opinion - Short Stories|2 June 2017

હોટેલના બારથી લિફ્ટ માત્ર ૧૫/૨૦ યાર્ડને અંતરે જ હતી, પણ જૂઈને ત્યાં પહોંચતાં જોજનો ચાલી હોય તેવું લાગ્યું. કુશળ એનો હાથ પકડી ઉપર લઈ જાય એવી એની વાસ્તવિક ઈચ્છાને પાછળ છોડી તો પણ મનમાં એક તાર પર લટકતાં કરોળિયાની જેમ ઈચ્છતી રહી કે હમણાં કુશળ કહેશે, ‘વેઈટ, જૂઈ, આઈ’મ કમીંગ’. પણ લિફ્ટ ઉપર જવા લાગી, ત્યારે પેલી એક તાર પર લટકી રહેલી ઇચ્છાની તૂટી જવાની વેદના વળ ખાઈને સ્થિર થઈ ગઈ.

એ કાંઈ કરોળિયો નથી કે ફરી ફરી જાળાં બાંધ્યા કરે! એના મનના એક ખૂણે અત્યાર સુધી તૂટેલી, કચડાયેલી ઇચ્છાઓનાં જાળાંનાં ઢગલા થઈ ગયા છે. એ ઢગલાઓ ઉપર જ બેસીને સૂનમૂન જિંદગી એ જીવતી હતી, તેમાં ….. એક ક્ષણ એને થયું કે કુશળ સાથેનાં લગ્ન અને આ રિશેપ્શન બધું સ્વપ્નું તો નહીં હોયને?

પણ ના, એ સ્વપ્નું નથી એની ખાતરી થઈ, જ્યારે એ હોટેલની લિફ્ટમાંથી એના હનીમૂન સ્યુટવાળા માળે -હનીમૂન સ્યુટના બારણા પાસે આવી અટકી ત્યારે.

કુશળ એને ઊંચકીને અંદર લઈ જશે, એ કોડભાર્યા વિચારને ઠપકારી ‘ડોન્ટ ડિસ્ટર્બ’ના બોર્ડ સાથે ટિંગાડવાનો પ્રયત્ન કરતી કરતી એ રૂમમાં પ્રવેશી. પણ ના, એ વિચાર તો પાંપણને ટેરવે જઈને બેઠો. એને થયું કે આવા બધા વિચારોને પણ જો કહી શકી હોત, ‘ડોન્ટ ડિસ્ટર્બ મી!’ તો આ કમભાગી આંખોને થોડો આરામ તો મળતે!

બારણું ખોલતાં જ રૂમની લાઈટો ઝબકી અને અંધકાર એની બાજુમાંથી પસાર થઈ બહાર ભાગ્યો. તેંત્રીસ તેંત્રીસ વર્ષોથી એને અંધકારને પચાવવાની આદત પડી ગઈ છે. મમના પેટનો અંધકાર વિસ્તરી વિસ્તરીને કાયમ એની સાથે જ રહ્યો છે. પ્રકાશ તો ક્યારેક ડોકિયું કરવા જ આવે. અને કુશળે જ્યારે લગ્ન કરવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે એ બેબાકળી થઈ ગઈ હતી. અંધકાર ઝૂંટવાય જવાનો ડર હતો કે પ્રકાશની ક્ષણિકતાથી ડરતી હતી! આખરે અંધકાર અને પ્રકાશથી પર, વર્ષોથી ધરબી રાખેલા સ્ત્રી સહજ અરમાનો જીતી ગયા કે નિર્દય વિધાતા જીતી ગઈ, કોને ખબર?

અચાનક એની નજર રૂમમાં રાખેલા ફુલ સાઈઝના અરીસા પર પડી. વેડીંગ ગાઉનમાં સજ્જ જૂઈને એ જોઈ રહી. એ હંમેશાં અરીસામાં જોવાનું ટાળે પણ આજે વેડીંગ રિશેપ્શન પહેલાં તૈયાર કરવા માટે આવેલી પેલી છોકરીએ મેઈકપ કર્યા પછી અરીસામાં જોવા એને મજબૂર કરી. એણે ડરતાં ડરતાં ફુલ સાઈઝ અરીસામાં જોયું અને કદાચ પહેલીવાર એની નજર ચામડી પર ન પડતાં એના ફિગર પર પડી અને ઑફ વાઈટ કલરના વેડીંગ ગાઉનમાં એ ફિગરને એ જોતી જ રહી ગઈ – ‘આ … આ હું છું?’ અને એ નિર્જીવ પ્રશ્ન પણ હસી ઉઠ્યો! ‘યસ, આ હું જ છું!’ એના આશ્ચર્યની પૂરતી કરી પેલી મેઈકપ કરતી છોકરીએ, ‘યુ આર સો બ્યટીફુલ, જૂઈ’, પણ જૂઈને લાગ્યું કે એ છોકરીએ વાક્ય અધૂરું છોડ્યું છે.

ત્યાં તો એના નાનકડા પર્સમાં રાખેલો મોબાઈલ રણક્યો. કુશળે રિશેપ્શન દરમ્યાન જૂઈને સાચવવા આપ્યો હતો તે મોબાઈલની રીંગ વાગતી હતી. શું કરું? લઉં કે નહીં?ની વિમાસણ બહુ ટકી નહીં. કારણ મોબાઈલ પણ એના મનની જેમ ધ્રૂજાતો હતો. એણે નામ ઉપર નજર નાંખી, ‘મીનાઆન્ટી’ – એણે જીભ કચડી, સાસુજી’નો ફોન હતો!

આખરે ફોન લીધો, ‘હાય મમ ……. એ તો હું જૂઈ છું.’ મીનાબહેને થોડી ઔપચારિક વાતો કરી, ‘રિશેપ્શન કેવું રહ્યું, પૂછ્યું.’ જૂઈ આ ઘડીએ કોઈની સાથે વાત કરવાનાં મૂડમાં નહોતી એટલે ‘થોભો મમ, કુશળને આપું, એ નીચે એના ફ્રેંડ સાથે બેઠો છે’ કહી જલદી જલદી લિફ્ટ પાસે પહોંચી, લિફ્ટને આવતાં વાર લાગશે વિચારી, દાદર તરફ દોડી, પછી જલદી જલદી નીચે બાર પાસે પહોંચી.

દૂરથી જ ‘કુશળ, મમનો ફોન’ બોલવા જાય ત્યાં તો સૂરજે કુશળને પૂછેલા પ્રશ્ને થીજવી દીધી.

‘ઓ.કે. કૂશ, સીન્સ, તેં જૂઈ સાથે લગ્ન કરવાની હા પાડી છે, ત્યારથી એ ક્વેશ્ચન મારા મનમાં છે….’’

‘એ જ ને કે શી ઈઝ સો બ્લેક – લાઈક આફ્રિકન પીપલ, એન્ડ હાઉ કમ આઈ એગ્રી તુ મેરી હર?’

જૂઈ લિફ્ટ પાસે રાખેલા પ્લાન્ટની પાછળ અનાયાસે જ જતી રહી અને એના કાનમાં પ્રાણ લાવીને સાંભળવા તત્પર થઈ ગઈ. સામે છેડે ફોન ચાલુ છે તે પણ ભૂલી ગઈ.

‘યુ નો (know) સમહાઉ આઈ ઓલવેઈઝ લાઈક ડાર્કનેસ’ કુશળ બોલીને થોડું અટક્યો.

ભાગ્યે જ એણે એના પોતાનાં વખાણ કોઈને મોઢે સાંભળ્યા છે. હંમેશાં જે સાંભળ્યું છે તે વાતોએ એને અંદરથી એટલી બધી ખોતરી કાઢી છે કે એ સડેલો અને જખ્મોથી ભરેલો ખાડો કોઈ કાળે ભરાય એવો નથી રહ્યો. મમ-ડેડના વાક્યોએ મલમ લગાડવાનું કામ કર્યું છે, પણ તો ય એની પાછળ સત્ય પર ઢાંક-પીછોડો કરતાં હોય એવો જ એને ભાસ થયો છે.

એના શરીરને સજ્જડ ચોંટીને રહેલી ‘કાળી’ ચામડી એણે થોડી જ પસંદ કરી હતી? એને સારું લગાડવા કે પોતાના મનને મનાવવા મમ અને ડેડ એ રંગને ‘શ્યામ’ કે ‘ઝાંખો’ કહે એથી શો ફેર પડવાનો હતો?

મમની સરખામણીમાં ઘઉંવર્ણા રંગથી ય ડાર્ક કહેવાય એવો પતિ કેમ એણે પસંદ કર્યો હતો? એને ઘણીવાર એ સવાલ મમને પૂછવાનું મન થતું, અને એ ચૂપ રહેતી કારણ મમ અને ડેડના શાંત રોજીંદા વ્યવહારની નીચે કોઈ ખદબદતાં લાવારસનો પડઘો એણે સાંભળ્યો છે, એટલું જ નહીં મમના મનનો વિષાદ એણે ગર્ભમાં હતી, ત્યારે પણ કદાચ અનુભવ્યો હતો. અને એટલે જ ઘણીવાર મમની અકથ્ય લાગણીને એ અનુભવી શકતી હતી. માત્ર એને એ બન્નેનાં લગ્નની મજબૂરીનાં કારણની જાણ નહોતી. વગર વાંકે જિંદગીને જીરવી લેતાં ડેડને જોઈને અનહદ કરુણા અનુભવતી જૂઈને એ મજ્બૂરીનું કારણ જાણવું હતું તો પણ ક્યારે ય હિંમત કરી શકી નહોતી.

એ જન્મી, ભણીને મોટી થઈ યુનાઇટેડ કિંગ્ડમમાં પણ એશિયન લોકોની ડાર્ક રંગ તરફની નેગેટિવ ફીલિંગ્સને એ પહેલાં તો સમજી જ શકી નહોતી. કાળા કૃષ્ણ ભગવાનને પૂજતા સમાજનો દંભ એને અકળાવે છે. જાણતા-અજાણતા આ સમાજે કરેલી ટીકાઓએ એના નાજૂક મનને ઉઝરડી નાંખ્યું છે. પરંતુ એ ઉઝરડામાંથી લોહી ઝરે છે, જ્યારે ચામડીને ‘ફૅર’ કરવાના ઉપાયો એના નજીકના લોકો સૂચવ્યા જ કરે! ઈંડિયાથી મોટાબા અને બીજાં મમનાં સગાંઓ ‘ગોરાં’ થવા માટેની આયુર્વેદિક દવાઓ મોકલે!

અત્યાર સુધીમાં માત્ર ગેરીએ એને એક સ્ત્રી તરીકે સન્માની હતી પણ એ આફ્રોકેરેબિયન છે અને એની અને આપણી સંસ્કૃિત જુદી છે કહી એને ત્યાં જ અટકાવી દીધી – અને એ અટકી ય ગઈ! ત્યારે ઉંમર ૧૭-૧૮ વર્ષની. કાયમ મમનો છેડો પકડીને ચાલતી જૂઈ – અટકી ગઈ! પણ થોડી વધારે મેચ્યોર થઈ ત્યારે એશિયન લોકોને પોતાનાં બાળકોને ‘ધોળિયા’ સાથે ખુશી ખુશી પરણાવતાં જોયાં. એ દંભી સમાજને એ મનથી ધિક્કારવા માંડી. એને હવે ખ્યાલ આવ્યો કે જુદી સંસ્કૃિત તો બહાનું હતું, પરંતુ ‘દીકરીએ ‘કાળિયા’ સાથે લગ્ન કર્યા?’ની શરમ હતી એ તો! ધોળિયા સાથે લગ્ન કરતે તો મમ-ડેડ કદાચ ખુશ થતે!

તેમાં ઓછું હોય તેમ ૧૫ /૧૬ વર્ષે ગાલ પર ખીલ – પીમ્પલ્સે હૂમલો કર્યો, કેટલા ય ઉપચારો કર્યા પણ પેલા મન પર પડેલા જખ્મોની જેમ એ ય તેમની નિશાનીઓ છોડતાં ગયા. મનમાં પડેલા અને મોઢા પર ઠરી ગયેલા ખાડાઓ ક્યારે ય ભરાયા નહીં! એના મનમાં ઇન્ફીરિયર કોંમ્પ્લેક્ષ-લઘુતાગ્રંથિ ધીમે ધીમે દ્રઢ થતાં થતાં ગઠ્ઠો બની ગયો. વાળ ઓળવા માટે અરીસામાં જોવું પડે એટલું જ બાકી હંમેશાં પોતાનું પ્રતિબિંબ જોવાની એને બીક જ લાગે.

જૂઈ ગ્રેજુએટ થઈ ગઈ, એની બધી ફ્રેંન્ડસ ધીમે ધીમે પરણી ગઈ અને એ એના મનમાં જ કોકડું વળીને પડી રહી. બહાર શાંત દેખાતી જૂઈએ અધમૂઆ થઈ ગયેલા મનને સંભાળવાની જગ્યાએ મરવા દીધું.

મમ અને ડેડે જેની સાથે લગ્ન કરવા હોય તેની સાથે લગ્ન કરવાની છૂટ મોડી મોડી પણ આપી! પણ હવે શું? ગેરીને ક્યાં શોધે?

એને મેરેજ મેટ્રોમોનીમાં જોઈંટ થવા કહ્યું પછી થોડી એ માટે ધકેલી પણ એ જાણે જિંદગી બોજની જેમ વેંઢારતી હોય તેમ ચુપચાપ જીવતી હતી. પહેલાં એકાક્ષરી અને પછી જાણે એની વેદનાને પ્રતિબિંબિત કરતી હોય તેમ સાવ જ મૂંગી બની ગઈ.

૩૩ વર્ષની દીકરીને આમ જીવતી જોઈને મમ-ડેડે સીધા આડકતરા કાંઈ કેટલા ય પ્રયાસો કર્યા પણ સરવાળે માત્ર ‘નો, મમ, ડેડ, આઈ એમ ફાઈન એઝ ઈટીઝ. જસ્ટ ડોન્ટ ફોર્સ મી’ કહી એ લોકોને ય શાંત કરી નાંખ્યાં.

ત્યાં તો સાથે જૉબ કરતા જૈમિને એને એક દિવસ એને એની વાઈફની બર્થડે પાર્ટીમાં આમંત્રી. સામાન્ય રીતે પાર્ટીઓમાં જવાનું ટાળતી જૂઈને જૈમિનની વાઈફે પણ આગ્રહ કરી બોલાવી અને એ ક મને ગઈ – કે નસીબે એને મોકલી – ખબર નહીં!

ત્યાં એને જૈમિને એના એક સગા ‘કુશળ’ સાથે પરિચય કરાવ્યો. એઝ યુઝવલ જૂઈએ ઔપચારિક રીતે ‘હાય, હેલો’ કર્યું. ઓપોઝીટ સેક્સ તરફની એની ‘લાગણી’ કહો કે ‘કેમેસ્ટ્રી’ સાવ જ ‘નમ’ થઈ ગઈ છે.

સૌ હાથમાં પ્લેઈટ લઈ ખાવાનાનો આનંદ લેતાં હતાં. એ ગૂમસૂમ એક ચેરમાં બેસી રહી હતી ત્યાં તો કુશળે આવી એને ‘કેમ કાંઇ જમતાં નથી?’ પૂછ્યું અને એના હાથમાં ખાલી પ્લેટ પકડાવી દીધી અને સહજતાથી એને પોતાની સાથે જમવાની ક્યુમાં જોડાવા લઈ ગયો.

વધારે સમય ન ગુમાવતાં બીજે દિવસે જૈમિને એને સીધું જ ‘કુશળ’ કેવો લાગ્યો પૂછ્યું ત્યારે એક ક્ષણ તો એ મૂઢની જેમ જૈમિનને તાકી રહી! ઉદ્ધત લાગે એવી રીતે એનાથી પૂછાઇ ગયું, ‘વોટ?’ પછી કળ વળી હોય તેમ કહ્યું, ‘લુક, જૈમિન, આઈ એમ નોટ ઈન્ટ્રેસ્ટેડ ઇન એની વન, ઓ.કે!’

‘જો જૂઈ, તું મને અને મારી વાઈફને ખૂબ ગમે છે.’

જૂઈ તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે એણે વાત આગળ વધારી, ‘તને બધી સાચી વાત જ કહીશ,’ કહી અટકીને જૂઈ સામે જોયું. તટસ્થતા ધારણ કરેલાં મોઢા પર આવેલી આંખે દગો દીધો અને એક પ્રશ્નાર્થ આવીને ત્યાં બેસી ગયું.

‘ઓ.કે. હી ઇઝ અ વિડોઅર.’

કોઈ રસ ન બતાવતી જૂઈથી બોલવું નહોતું તો ય બોલાઈ ગયું, અને ફરી એ જ એક્સેપ્રેશન દર્શાવાઈ ગયું, ‘વોટ?’

‘તું સાંભળ તો ખરી!’

મોઢા પર કોઈ ભાવ ન લાવતી જૂઈના મોઢા પર પણ ‘ઉપહાસ’ જેવું કંઈ આવ્યું.

‘કુશળનું ફેમિલિ અમેરિકા રહે છે. એનાં લગ્ન પછી બે વર્ષમાં જ એક ગોઝારી ઘટના બની અને એની પત્ની ‘રીના’ કાર અકસ્માતમાં મૃત્યુ પામી. કોઈ બાળક નથી. કુશળ મા-બાપનો સૌથી નાનો દીકરો છે. સગપણમાં એ મારો દૂરનો સાળો થાય. તારાથી બે વર્ષ નાનો છે પણ તને કોઈ વાંધો ન હોય તો …. ’

‘જો, જૈમિન, મને ખબર નથી કે તેં મને આ બધું શા માટે કહ્યું. પણ મારે લગ્ન જ નથી કરવાં, એન્ડ ઓફ ધ સ્ટોરી’

‘પણ કેમ?’

અરે, આવો પ્રશ્ન તો મમ-ડેડે પણ નથી પૂછ્યો અને આમ જુઓ તો એટલું દેખીતું કારણ છે છતાં ય મને કારણ પૂછે છે? મનમાં ને મનમાં જૂઈને એવો તો ગુસ્સો ચઢ્યોને!

‘એનો જવાબ હું તને શા માટે આપું?’ એક ધારદાર જવાબે એક સેકંડ માટે જૈમિનને મૂંગો કરી દીધો, પણ હાર સ્વીકારવાની તૈયારી ન હોય તેમ એણે સામે પૂછ્યું, ‘કેમ નહીં?’

હવે મુંઝાવાનો વારો આવ્યો જૂઈનો. પોતાના દેખાવ માટે વધુ પડતી સભાન અને ‘અપમાન થશે’ના ભયથી છળી ઊઠતી જૂઈ પાસે કોઈ નક્કર જવાબ ન મળ્યો.

એક દિવસ ગોઠવાય ગયો, અને જૂઈ મળી કુશળને.

કુશળ તરફથી બધું સાંભળ્યા પછી કોઈ દિવસ સ્પષ્ટ ન્હોતું વિચાર્યું તે વાત ખબર નહીં ક્યાંથી અચાનક નિશ્ચિત બની, જૂઈના મોઢેથી નીકળી, ‘આઈ નેવર લાઈક ટુ બી અ સેકન્ડ ચોઈસ, નેવર!’

થોડીવાર શૂન્યમાં તાકીને જોઈ રહેલા કુશળે જે કહ્યું તેનાથી સાચ્ચે જ જૂઈ પ્રભાવિત થઈ, ‘આઈ નો (know), તમારી જગ્યાએ હું હોઉં તો મને પણ ન ગમે, પણ …..’

થોડું અટકીને બોલ્યો, ‘રીના મારી ફર્સ્ટ ચોઈસ હતી જ નહીં, માત્ર જુવાનીનાં શારીરિક આકર્ષણ સિવાય કાંઇ નહોતું, અને સાચું કહું, એનો ખ્યાલ તો અમે હનીમૂન પરથી પાછા આવ્યાં ત્યારથી આવી ગયો હતો – અમને બન્નેને.’

પોતે કુશળની ફર્સ્ટ ચોઈસ છે એમ તો એણે ક્યારે ય કીધું નહોતું, તો ય લાગણી ભૂખ્યું મન ‘સ્વીકાર’ થયાના ઉન્માદમાં ‘હા’ કહી બેઠું કે એને નસીબ કહેવાય?-ખબર નથી!

બસ, બન્ને તરફથી ચોખવટ થઈ ગઈ હતી અને સૌનાં આશ્ચર્ય વચ્ચે લગ્નની ‘હા’ થઈ ગઈ અને માત્ર રજિસ્ટર મેરેજ કરવાનો જ કુશળનો આગ્રહ હતો. એટલે રજિસ્ટર મેરેજ પછી આજે વેડીંગ રિશેપ્શન આપી, જૂઈના મમ-ડેડે સંતોષ માની લીધો. કુશળનાં પેરન્ટ્સ અમેરિકાથી નાદુરસ્ત તબિયતને લીધે આવી શક્યા નહોતાં.

વીજળીના ઝબકારની જેમ બધી વાત ઝબકીને જતી રહી, અને જૂઈને કાને બન્ને ફ્રેંડ્સની વાતચીત પડી.

જૂઈનું હૃદય એટલા જોરથી ધબકવા લાગ્યું. એને થયું કે એ ધબકારાં કુશળ અને સૂરજને પણ સંભળાતા હશે. અને અનાયાસે જ એણે છાતી પર જોરથી હાથ દાબી દીધો.

કેમ કુશળ કાંઈ બોલતો નથી? જૂઈને ત્યારે થયું કે ‘અરે, આ સવાલ તો મારે કુશળને પૂછવો જોઈતો હતો!’ અડધી મિનિટમાં તો એના મન – પ્રાણમાં ઘમાસાણ મચી ઊઠ્યું.

આસ્તેથી શેમ્પેઈનની ચૂસ્કી લઈ એ બોલ્યો, ‘લુક, સૂરજ, ઈન અ ડાર્ક રૂમ શી ઇઝ યોર બ્રીટ રોબર્ટસન ઓર શી ઇઝ યોર નીકોલા પેલ્ઝ અને એ જ તારી કટરીના કેફ – યુ સી ડિપેન્ડસ ઓન યોર ઈમેજિનેશન્સ!’

જૂઈને થયું કે એ બેભાન થઈ જશે.

સૂરજને પણ શું બોલવું તે ન સૂઝ્યું.

તો ……. તો એ ફર્સ્ટ ચોઈસ તો નહીં જ સેકન્ડ ચોઈસ પણ નહોતી? અરે એ કોઈની ચોઈસ જ ક્યાં હતી એ તો હતું માત્ર એક સ્ત્રી શરીર જે અંધારામાં જ…. !!!!!!

એના હાથમાંથી ફોન પડ્યો એના અવાજથી કુશળ અને સૂરજે પાછળ જોયું. ફોન ઉપાડવા પણ રોકાયા વગર જૂઈ પાસે જ પેસેંજરની રાહ જોતી લિફ્ટ ઊભી હતી તેમાં જતી રહી, રૂમમાં ગઈ, નાનકડી ઍટેચી લઈ કોરિડોરમાં આવી .. એ જાણે બેભાન અવસ્થામાં જ હોય તેમ એ દાદર તરફ દોડી. સામેથી બેબાકળા થઈ દોડતા આવતા કુશળે એને બાવડેથી પકડી હલબલાવી નાંખી, ‘ વોટ આર યુ ડુઈંગ જૂઈ, લીસન, જૂઈ, જસ્ટ વન મિનિટ, જૂઈ લીસન ……….’

હવે સાંભળવાનું શું બાકી હતું? જે સાંભળવાની કલ્પના સુધ્ધાં નહોતી તે સાંભળ્યું એટલું જ બચવા માટે પૂરતું હતું!

એક વખત ડેડે એને ટપારી હતી, ’બેટા, તને નથી લાગતું કે તું વધારે પડતી સેન્સીટિવ છે?’

તો શું એણે આવો માથાવાઢ ઉપાલંભ પચાવી લેવાનો – સ્વમાનના ભોગે?

એક સેકંડ માટે એને મમે આપેલી શીખામણ યાદ આવી, ‘દીકરા, જીવનમાં સાથની જરુર યુવાનીમાં નહીં, ઓલ્ડ એઈજમાં જ વધારે હોય છે. અને એ મેળવવાના બદલામાં ખૂબ મોટો ભોગ આપવો પડે છે.’….. પછી જરા અટકી કહ્યું હતું, ‘સ્ત્રીઓએ તો ખાસ ..’ હમણાં એ વાત એને સમજાઈ.

જરા ય નહીં, ક્યારે ય નહીં! ૩૩ વર્ષ સુધી એકલી જીવી અને આયુષ્યનાં બાકીનાં વર્ષો પણ એમ જ જીવી લેવાશે, પણ આવું અપમાન આવો ઘોર ઉપાલંભ કેમ કરીને સહન થાય?

‘લીસન … લીસન’નો અવાજ, કોરીડોરમાં તમાશો જોતી આંખો અને માંડ માંડ આંખોમાં આંજેલાં સ્વપ્નો બધું જ … બધું જ પાછળ રહી ગયું. કાર સ્ટાર્ટ કરી, અને કાર પણ ઘોડાગાડીને જોતરેલા ઘોડાની જેમ અને એના મનની જેમ જાણીતે રસ્તે દોડવા લાગી. પણ કુશળને ગમતી ‘ડાર્કનેસે’ એનો પીછો નહીં મૂક્યો, એની કારમાં પણ આવીને ભરાઈ બેઠી અને એ ‘ડાર્કનેસ’ કદાચ આખું જીવન એના ડાર્ક કોમ્પલેક્ષનમાં (કાળો!) ડાઘો બનીને રહેશે .. આવી પરિસ્થિતિમાં પણ એનાથી ખીન્ન સ્મિત થઈ ગયું! કાળી ચામડી પર કાળો ડાઘ કોઈને પણ દેખાશે નહીં, માત્ર એણે જ જોયા કરવાનો હવે આખ્ખે આખ્ખી જિંદગી!

ઓચિંતુ બારણું ખુલવાનાં અવાજથી જાગી ગયેલાં જૂઈનાં મમ-ડેડ ગભરાઈને નીચે આવ્યાં અને જોયું તો જૂઈ કરમાઈ ગયેલી વેલની જેમ સોફામાં ફસડાઈ પડી હતી.

29, Lindisfarne Road, Syston, Leicester LE7 1QJ U.K

e.mail : ninapatel47@hotmail.com

Loading

2 June 2017 admin
← વર્તમાન પરિસ્થિતિમાં સાહિત્યની સંસ્થાઓ પ્રતિ
નોટબંધીની સત્તાવાર ફળશ્રુતિ; ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved