શબ્દોના ઐતિહાસિક, રાજકીય, સામાજિક પાસાં રસપ્રદ હોય છે …
હમણાં શાળા-કૉલેજોમાં ઉનાળાની રજાઓ પડી. નિવૃત્ત થઈ રહેલાં શિક્ષકો-અધ્યાપકોના વિદાય સમારંભ થયા. અધ્યાપકોના વિદાય સમારંભમાં કહેવામાં આવતું હોય છે કે તેમણે સંસ્થાને ‘દીર્ઘકાળ સેવા આપી છે’. આ ‘સેવા’ તેમણે દર વર્ષે આઠેક અઠવાડિયાનાં વેકેશન, રવિવાર અને અન્ય રજાઓ ભોગવીને કરી હોય છે. તેમાં દરેક વર્ષે અને દર દસ વર્ષે તેમને પગાર વધારો મળ્યો છે. છતાં તેમણે કરેલી નોકરીને ‘સેવા’ ગણીને બિરદાવવામાં આવે છે. સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓએ પણ વર્ષો સુધી પૂરા પગાર અને તમામ લાભ સાથે કરેલી નોકરીની બાબતે પણ ‘સેવા’ શબ્દ વપરાય છે. આ બધાએ કરેલી નોકરીની નિષ્ઠાની સામે સવાલ કર્યા વિના પણ એમ પૂછવાનું થાય કે એને ‘સેવા’ કહેવાય ખરી ?
જો એ સેવા હોય તો વધારે જોખમ-જવાબદારી-જિગર અને ઓછાં પગાર-સગવડ-રજાઓ સાથે ફરજ બજાવનારા લશ્કરના સૈનિકો જે કરે છે એને શું કહેવાય ? એને આપણે ફરજ કહીએ છીએ. ખરેખર તો આપણા જવાનોને અને મોટાભાગના શ્રમજીવીઓને તેમના કામના પ્રમાણમાં જે નજીવું વળતર મળે છે તેને જોતાં તેઓ ‘સેવા’ આપી રહ્યા છે એમ જ કહેવું પડે. વળી સમાજ પાસેથી વ્યાજબી વેતન લઈને કરવામાં આવતું કામ એ સેવા હોય તો રવિશંકર મહારાજે જે કર્યું તેને શું કહેવાય ? અરે હા, પોતાના નામ પહેલાં એક નહીં, બે વખત શ્રી લગાડતા તેમ જ યમુનાનો પટ ગંદો કરતા ધનાઢ્ય ગૉડમૅનના જમાનામાં આ રવિશંકર શબ્દ પણ ગુજરાતમાં સાચવીને વાપરવો પડે એમ છે.
બીજો એક ધ્યાનથી વાપરવા જેવો, ખરેખર તો ટાળવા જેવો શબ્દ છે ‘પ્રજા’. દુનિયામાંથી રાજાશાહી શાસનવ્યવસ્થાનો એકંદરે અંત થયો છે. પ્રજા શબ્દ રાજાશાહી સૂચવે છે. લોકશાહી અર્થાત્ ‘ડેમૉક્રસી’ શબ્દમાં ‘ડેમોસ’ એવા ગ્રીક શબ્દનો અર્થ સર્વસામાન્ય લોકો એવો થાય છે. ભારતના બંધારણના આમુખમાં લોકતંત્ર શબ્દ છે. આ ‘લોક’ મહત્ત્વનું છે. તે અ-લૌકિક કે દૈવીની વિરુદ્ધનું એટલે કે માનવીય છે. લોકવિદ્યા, લોકકલા, લોકસાહિત્ય, લોકસંગીત જેવા શબ્દોમાં ‘લોક’ છે, પ્રજા નહીં. જનતા શબ્દમાં પણ જન સમાયેલાં છે. એટલે ભારતના એક સમર્પિત સંગઠનનું નામ ‘જનઆંદોલનોં કા રાષ્ટ્રીય સમન્વય’ એવું છે. જયપ્રકાશ નારાયણની ચળવળ પ્રજાઆંદોલન નહીં પણ જનઆંદોલન કે લોકઆંદોલન કહેવાય છે. આ ‘લોક’નો એકડો આપણા શાસનતંત્ર તેમ જ જાહેરજીવનમાંથી ભૂંસાતો જાય છે.
ખરેખર તો આપણે ભૂંસવાની જરૂર છે સ્ત્રીઓ વિશે આપણે ત્યાં વપરાતાં શબ્દો, રૂઢ પ્રયોગો અને કહેવતો. ‘સતી’ શબ્દ સ્ત્રીની મહત્તા માટે વપરાય છે. પણ તે આપણા દેશમાં લોકજીભે ચઢ્યો છે તે પતિ પાછળ પત્ની ચિતા પર ચઢે તે બદીને કારણે. આ જોરજુલમથી જ થતું અને પછી તેને મહાનતાનાં લોહિયાળ વાઘાં પહેરાવવામાં આવતાં. ક્યાંક સ્ત્રી સ્વેચ્છાએ સતી થયાની વિવાદાસ્પદ આધાર સાથેની નોંધ હોય તેમાં પણ સ્ત્રીના મનનું સામાજિક અભિસંધાન (સોશ્યલ કન્ડિશનિન્ગ) હોય. ‘સતો’ શબ્દ કે વિભાવના નથી એ જ હકીકત સતીના રિવાજની ક્રૂર પુરુષકેન્દ્રિતા બતાવે છે. સતી શબ્દ ભાષામાંથી નીકળી જાય તે બેહતર છે.
વૈધવ્ય અને તેની સાથે સંકળાયેલા શબ્દો આપણે ત્યાં ઘણી વખત વપરાય છે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યા પછીનું ડહાપણ’, ‘બોડીને ત્યાં વળી કાંસકી કેવી?’, ‘છાતી પીટતી વિધવાઓ જેવો કકળાટ’ જેવાં રૂઢ પ્રયોગો સમાજના એક હિસ્સાએ વિધવા સ્ત્રીની જિંદગી દોજખ બનાવી હતી તે જમાનાના છે. હવે આપણે ખુદને સુધરેલા સમાજના ગણાવતા હોઈએ તો એ સ્ત્રીઓ માટેનાં અપમાનજનક એક્સપ્રેશન્સને વિદાય આપવી જોઈએ. બાઈઓ, બૈરું, બૈરાં, બાયડી, બૈરાંની-બુદ્ધિ-પગની-પાનીએ, દીકરી-ને-ગાય-દોરે-ત્યાં-જાય એવી તુચ્છકારવાળી ભાષા આપણે જ્યારે વાપરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી માતા કે બહેનો પણ સ્ત્રી જ છે. તદુપરાંત ‘અબળા’ અને ‘પુરુષ સમોવડી’ પ્રયોગો બિલકુલ છોડી ન દઈ શકાય ? ‘ભગીરથ પ્રયાસ’, ’પ્રથમ પુરુષ એકવચન’ અને ‘પુરુષાર્થ’ જેવા પ્રયોગોના વિકલ્પો વિચારી શકાય ? વળી ‘વેશ્યા’ અને ‘કુંટણખાના’ને બદલે સેક્સ વર્કર અને બ્રૉદેલ કેમ ન વાપરી શકીએ ? અંગ્રેજી કે સંસ્કૃત ભાષા શબ્દોથી સૂચવાતી અણગમતી બાબતોને સોજ્જી અથવા સોફિસ્ટિકેટેડ રૂપે રજૂ કરે છે એવું આપણે માનીએ છીએ. જાજરુ-મૂતરડી-સંડાસના શબ્દોને બદલે ટૉયલેટ કે વૉશરૂમ, શૌચાલય કે સ્વચ્છતાગૃહ શબ્દો વાપરીએ છીએ. સંસ્કૃત અને અંગ્રેજી બંને સત્તાધારીઓની ભાષા રહી હતી. એક બ્રાહ્મણોની અને બીજી બ્રિટિશરોની. આ બંને વર્ગોની આપણા સમાજમાનસ પરનાં સીધાં કે આડકતરાં, સભાન કે અભાન આધિપત્યને પરિણામે જે તે ભાષાના રોજબરોજ બોલાતા શબ્દોની જગ્યાએ સંસ્કૃત કે અંગ્રેજી શબ્દોનો સહારો લઈએ છીએ. અહીં મૂળ ધારણા એવી છે કે આ બંને ભાષા સંસ્કારિતાની નિર્દેશક છે.
શબ્દોને તથાકથિત સંસ્કારિતાનો રંગ આપવા આપણે ક્યારેક પ્રશિષ્ટ ભાષા સંસ્કૃતનો સહારો લઈએ છીએ. જેમ કે, અંધ માટે પ્રજ્ઞાચક્ષુ, કે શરીર વેચીને જીવનારી સ્ત્રી માટે રૂપજીવિની, અને બહુ જ વિવાદાસ્પદ રીતે અપંગ માટે દિવ્યાંગ. અંગ્રેજી ભાષા યુરોપની પ્રશિષ્ટ ભાષા લૅટિનનો સહારો નથી લેતી, પણ તે આવકાર્ય વિકલ્પો અંગ્રેજીમાં જ આપે છે. જેમ કે, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા માણસ માટે અર્થપૂર્ણ શબ્દ છે ‘ચૅલેન્જ્ડ’. એમાં ભાવ એ છે કે વિકલાંગતાને કારણે જિંદગી એક પડકાર હોવાનો, તેમાં દિવ્યતા-ફિવ્યતા જેવું અષ્ટમ-પષ્ટમ કશું નથી. એટલે ‘બ્લાઇન્ડ’ ને બદલે ‘વિઝ્યુઅલિ ચૅલેન્જ્ડ’, રિટાર્ડેડને બદલે ‘મેન્ટલિ ચૅલેન્જ્ડ’ શબ્દો વાપરવા જેવા છે. એકંદર અપંગ માટે અંગ્રેજીમાં બીજા બે હકારાત્મક શબ્દો છે ‘ડિફરન્ટલિ એબલ્ડ’ અથવા ‘સ્પેશ્યલી એબલ્ડ’ ! ‘ત્રીજા/ચોથા વર્ગના કર્મચારી’, ‘પટાવાળા’, ‘નોકર’, ‘રામા’ જેવા શબ્દોને બદલે ‘સેવકો’, ‘મદદ કરનાર’ જેવા શબ્દો ન આવે ?
‘સપોર્ટ સ્ટાફ’ એવો શબ્દ છે. કચરો વાળનારા માટે સફાઈ કર્મચારીથી લઈને સફાઈકર્મી, સ્વચ્છતાસેવક કે આરોગ્યદૂત ચલણમાં ન મૂકી શકીએ ? પત્ની કે ઘર સંભાળનાર સ્ત્રી માટે આપણે ત્યાં ગૃહિણી અને અંગ્રેજીમાં ‘હોમમેકર’ શબ્દ છે. અંગ્રેજી ભાષામાં જેન્ડર-ન્યુટ્રલ એટલે કે લિંગ નિરપેક્ષ શબ્દોના ઉપયોગનો પ્રયત્ન કરવામાં આવે છે. એની પાછળ ખ્યાલ એમ છે કે એવા શબ્દો ટાળવા જોઈએ કે જે જરૂર ન હોય ત્યાં પણ સ્ત્રી-પુરુષોનો ભેદ પાડે, સ્ત્રીને બીબાંઢાળ બંધનકર્તા ભૂમિકામાં બતાવે કે કોઈ પ્રવૃત્તિ/હોદ્દો માત્ર પુરુષને જે સિદ્ધ હોય એવા માનસ પર આધારિત હોય. એટલે ‘પોએટેસ’ને બદલે પોએટ છે, અને ઍક્ટ્રેસને બદલે ઍક્ટર. ચેરમાં હંમેશાં મૅન જ શા માટે હોય ? એટલા માટે ચેરપર્સન , અને રમતગમત કંઈ પુરુષોનો ઇજારો નથી એટલે સ્પોર્ટસપર્સન. જો કે આપણે ત્યાં પ્રતિભા પાટીલ દેશના સર્વોચ્ચ સ્થાને હતાં ત્યારે ય તેમના માટે લગભગ બધે રાષ્ટ્રપતિ શબ્દ જ ચાલુ રહ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ શબ્દ હોવા છતાં !
03 મે 2017
+++++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની “નવગુજરાત સમય” માંહેની સાપ્તાહિક કટાર, 12 મે 2017