શુક્રવાર(૧૨ મે)ની મોડી સાંજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વિધિવત્ નિયુક્તિના સમાચાર જાણ્યા ન જાણ્યા અને એક મિત્રની વધામણી-ટિપ્પણી આવી પડી : ચાલો, એટલું સારું થયું કે એક સનદી અધિકારીને બદલે કોઈક લેખક તો ગાદીએ બેઠા! મારે તહેદિલ કબૂલ કરવું જોઈએ કે મને આવો વિચાર આવ્યો નહોતો. તે સાથે, એ પણ કબૂલી લઉં કે આવો વિચાર નહીં આવ્યા બદલ હું મુદ્દલ ક્ષમાપ્રાર્થી નથી. ભાઈ, કારણ સીધુંસાદું એ છે કે ઉમાશંકર-દર્શક પરંપરામાં આપણે અકાદમીની સ્વાયત્તતા હાંસલ કરી, અન્યત્ર નહીં એવું લેખકીય મતદાર મંડળ (ઇલેક્ટોરલ કૉલેજ) શક્ય બનાવ્યું, પ્રમુખપદને નિયુક્તિના કુંડાળાની બહાર કાઢી ચૂંટણીના ચાચર ચોકમાં આણ્યું … આ બધું કર્યુંકારવ્યું જાણે ન કર્યું થયું અને પેરેશુટ પ્રમુખની નિતાન્ત સરકારી ચાલ, ચહેરો ને ચરિત્ર પ્રગટ થયાં – તે પ્રશ્ન, એટલે કે સ્વાયત્તતાનો પ્રશ્ન, છત્રી પ્રમુખ નહીં પણ ચૂંટાયેલ પ્રમુખનો પ્રશ્ન તાજેતરનાં વરસોમાં મારા મનમાં પ્રધાન રહ્યો છે. અહીંથી કહેવાનું બન્યું છે કે સિતાંશુ યશશ્ચંદ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, કોઈ પણ આમ નિયુક્ત થઈને આવ્યા હોત તો પણ ‘નિરીક્ષક’ તંત્રીનો પ્રતિભાવ આથી જુદો ન હોત.
અકાદમીનું સમગ્ર ગૃહ રચાય, લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિત – અને તે સાથે પ્રમુખની ચૂંટણીનો પથ પ્રશસ્ત બને એ પ્રક્રિયા ૨૦૦૩થી સ્થગિત થઈ તે પછી અહીંથી યથાપ્રસંગ એ વિશે ફરિયાદ, અફસોસ અને વિરોધની લાગણી પ્રગટ થતી રહી છે. ૨૦૧૫ના એપ્રિલ-મેમાં ભાગ્યેશ જહા સહસા આરૂઢ થયા તે પૂર્વેથી (રિપીટ, તે પૂર્વેથી) તંત્રીએ અકાદમીના કાર્યક્રમોથી અળગા રહેવાનું વલણ લીધેલું છે. પછીથી, ટોપીવાળા, પ્રવીણ પંડ્યા વગેરેએ પણ એવું જ વલણ લીધું તે ય ભાગ્યેશ જહાની નિયુક્તિપૂર્વ ઘટના છે. પછી તો, સ્વાયત્તતા આંદોલન છેડાયું, સાહિત્ય પરિષદ આદિએ બિનસ્વાયત્ત ઉર્ફે સરકારી અકાદમીથી કિનારો કર્યો એ તાજેતરનો ઇતિહાસ છે. આપણે એમનાં પ્રગટ મંથન નથી જાણતાં, પણ ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈએ અકાદમીની વરિષ્ઠ સલાહકાર સમિતિ પરથી ખસી જવું પસંદ કર્યું એ પણ આ ઇતિહાસનો જ એક હિસ્સો છે.
અકાદમી પ્રકરણને સમજવામાં આપણાં માધ્યમો, અક્ષરકર્મીઓ અને એકંદર જાહેર મત બેત્રણ ભળતાસળતા ખયાલોમાં અટવાયેલાં ને ગોથાં ખાતાં માલૂમ પડે છે. એક તો, કેટલીકવાર આ પ્રશ્નને એની પૂંઠેના વિશ્વદર્શનથી ચાતરીને કેવળ અને કેવળ બે અધિકારીઓ (ભાગ્યેશ જહા અને હર્ષ બ્રહ્મભટ્ટ) વચ્ચેના મામલા તરીકે ચીતરવામાં આવે છે. ભાઈ, હર્ષ બ્રહ્મભટ્ટ ૨૦૧૫માં (કે હવે ૨૦૧૭માં) આમ ગાદીએ બેઠા હોત તો પણ આ જ કહેવાનું રહેત. જો કે, જરા જુદી રીતે, આ પ્રશ્નને બે અધિકારીઓ વચ્ચેના વલણભેદની રીતે જોવાનો વ્યાયામ કરવા જેવો છે. કારણ, જે એક વિગત તરફ ખાસ ધ્યાન ખેંચાયું નથી તે એ છે કે ૨૦૧૧માં હર્ષ બ્રહ્મભટ્ટને અકાદમીના અધ્યક્ષપદે મૂકતી ફાઈલ તૈયાર જેવી હતી. પણ હર્ષ બ્રહ્મભટ્ટે દર્શક હસ્તક સ્વાયત્ત થયેલી અકાદમીના નિયમોનો લિહાજ કરી પેરેશુટ પ્રમુખ થવાની ના પાડી હતી. જાહેર જીવનના રદીફ-કાફિયાની એટલી એમની સમજ પાકી! જરી અવાંતર પણ આ ઉલ્લેખ વિગતદુરસ્તી માટે કર્યો. જે મુદ્દો હતો અને છે તે સ્વાયત્તતાનો છે, અને એને બે સનદી અધિકારીઓની વ્યક્તિગત સત્તાસ્પર્ધાના ખાનામાં ખતવીને એનું ક્ષુદ્રીકરણ (ટ્રિવિયલાઈઝેશન) કરવામાં સમજહ્રાસ છે.
આવું જ બીજું ગરબડગોથું આ પ્રકરણને ‘અકાદમી અને પરિષદ સામસામે’ એવા શીર્ષક તળે ઓળખાવવા રૂપે થતું રહે છે. તમે સ્વાયત્તતાની સાથે છો કે સામે છો એ આજની તારીખે જળથાળ રેખા છે. પરિષદના કોઈ હોદ્દેદારોએ અકાદમીને પસંદગી આપી, અકાદમીના કોઈ હોદ્દેદારોએ પરિષદને પસંદગી આપી, આ તે સૌનો પોતપોતાનો વિવેક સૂચવે છે. એની પ્રધાન ચાલના તત્ત્વતઃ સંસ્થા ‘અ’ કે સંસ્થા ‘બ’ની તરફેણવિરોધ નથી. છેવટનો નિકષ તમે સ્વાયત્તતાને મુદ્દે ક્યાં ઊભા છો તે છે. આ અફરાતફરીમાં સરકાર જે રીતનું વલણ અને રસ દાખવે છે તે સરકારપદારથ સાથે કામ પાડવામાં નાગરિક વિવેકની કાયમી જરૂરત શી વાતે છે તે વાનું ઘૂંટી આપે છે.
એક બે સદ્ભાવસલાહ બાબતે પણ ફોડ પાડીને બોલવાપણું છે. એક તો, સિનર્જીની ભલામણ વ્યાસપીઠ પરથી કરવામાં આવે છે. બહુ સારો દાખલો ન લાગે પણ બકરું બચાડું નીચે પાણી પીતું હોય અને ઉપર બેઠે પાણી પીતું વરુ એને તું પાણી અભડાવે છે એવી સૂફિયાણી ધાક જમાવતું હોય ત્યારે એ બેને સિનર્જીની સલાહ આપવાનો અર્થ નિર્દોષ બકરાએ ધરાર ધણીપો કરતા વરુને તાબે થવું એવો તો અભિપ્રેત ન જ હોય. એ સંજોગોમાં સિનર્જી સલાહકારોએ સરકારને સાફ કહેવું રહે, સિવાય કે પાંચ વરસની મુદત પૂર્વે અકાદમીની વરિષ્ઠ સલાહકાર સમિતિથી છેડો ફાડતી અખબારી મુલાકાતમાં વિનોદ ભટ્ટે જે છાપ આપી છે તે પ્રમાણે સલાહકારી સન્મૈત્રી જે તે સંસ્થા અને સવિશેષ તો મૂલ્ય પરત્વે નિરપેક્ષ અને હોદ્દાસીન વ્યક્તિસાપેક્ષ હોય.
જે સમજવાનું છે તે એ છે કે એક પા સરકાર કને કાર્યસૂચિ સમેત અને અન્યથા સ્પોઈલ્સ ને પેટ્રોનેજનો અજસ્ર રવૈયો છે તો બીજી પા લોકશાહીમાં સરકાર સાથે અક્ષરકર્મી સહિત નાગરિક માત્રે પનારો પાડવાનો રહે છે. આ પનારો સ્પોઈલ્સ, પેટ્રોનેજ પરત્વે પૂંછડીપટપટ ન હોય પણ હક-અને-ધોરણ-સરનો હોય તે વાસ્તે સ્વાયત્ત સંસ્થાઓ એ મનુષ્યજાતિએ વિકસાવેલી એક લોકશાહી વ્યવસ્થા છે. એમાં હજુ દુરસ્તી કરી શકીએ, પણ પાછા જવાનો તો સવાલ જ ન હોય.
‘નિરીક્ષક’ તંત્રીએ વિપુલ કલ્યાણીના વ્યક્તિગત પત્રમાંથી ક્યુ લઈ અહીંથી એક જાહેર સૂચન વહેતું કર્યું હતું કે નારાયણ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે હોવા જોઈએ. યથાક્રમ, લોકશાહી પ્રક્રિયા પ્રમાણે એ શક્ય બન્યું એથી ગુજરાતના જાહેર વિમર્શમાં છેલ્લા દાયકાઓમાં ‘નિરીક્ષક’ જે ઘૂંટતું રહ્યું છે તેવા બે મુદ્દા પરિષદની અધ્યક્ષીય વ્યાસપીઠ પરથી અધિકૃતપણે આવ્યા એનો આનંદ છે. એક તો, ૨૦૦૨ના મહાપાતક વિષયક દાયિત્વની વાત. અને બીજું, અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો. આ બીજા મુદ્દામાં તો કમાલની વાત એ બની આવી કે નારાયણભાઈએ પ્રમુખીય વક્તવ્યમાં પરિબદ્ધ ન રહેતાં સમગ્ર ગૃહ સમક્ષ એટલે કે, કારોબારી અને મધ્યસ્થ સમિતિથી પણ આગળ (‘લીગલ સોવરેન’ને અતિક્રમીને ‘પોલિટિકલ સોવરેન’ સમક્ષ) જવું પસંદ કર્યું. ખુલ્લા અધિવેશનમાં સામાન્ય સભા અને ‘ડેલીગેટ્સ સેશન’નો એ રોમહર્ષક રસ્તો હતો જે હજુ એવા બીજા ચાલનારાચલાવનારાની આશાઅપેક્ષા જગવે છે. ધીરુભાઈ પરીખ ને ચંદ્રકાન્ત ટોપીવાળાની ટટ્ટાર ભૂમિકા અને નેવું નાબાદ નિરંજન ભગતનો નીરમનેજો જોતાં એ અસ્થાને પણ નથી.
હમણાં અકાદમીમાં લેખકીય ઇલેક્ટોરલ કૉલેજની જિકર કરી. ૨૦૦૩માં એમણે મતદાન કર્યું હતું. પણ ધરાર ધણીપાની માનસિકતાએ ગૃહ રચાવા જ ન દીધું. હવે પેરેશુટ પ્રમુખ પદ્ધતિ આ ઇલેક્ટોરલ કૉલેજને ગ્રસી રહી છે. સરકારી સરપાવથી રાજી થતા લેખકો, આ દુર્દૈવ વાસ્તવ સમયે કેમ રાજી રહી શકતા હશે? ન જાને. દરમ્યાન, ભાનુપ્રસાદ પુરાણીએ ઇલેક્ટોરલ કૉલેજના સાથીઓ જોગ જે ધા નાખી છે એમાં ‘નિરીક્ષક’ પણ પોતાની અનુમોદના અંબોળે છે એ ઉમેરવાનું ન હોય. ખાસ તો, ભાગ્યેશ જહાની મુુદત પૂરી થયા પછી રાજ્ય સરકારે દોષદુરસ્તીની તક સભાનપણે ગુમાવી છે એ સંજોગોમાં આવા એકાધિક વિરોધઉપક્રમો હાથ ધરવાં રહેશે.
૧૩ મે, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017, પૃ. 01-02