દેશમાં કેટલાંક હિન્દુ સંગઠનો કોઈ ને કોઈ મુદ્દે હિંસા ફેલાવવાનું કામ કરે છે. જેમ કે ગૌહત્યા, ગૌમાંસ વગેરે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આવાં સંગઠનોને વધુ બળ મળ્યું છે.
ઉત્તરપ્રદેશમાં દાદરીમાં મોહમ્મદ દાખલાક તથા હજારીબાગમાં પણ બે લોકોની ગાયના નામે હત્યા કરવામાં આવી અને હમણાં પહેલી એપ્રિલના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહ રોડ, અલવર પાસે દિવસના ભાગમાં તથાકથિત ગૌરક્ષકના એક જૂથે હરિયાણા રાજ્યના નૂહ જિલ્લાના જસવંતપુરા ગામના પહલુખાન અને તેમના પરિવારના લોકોની અમાનવીય રીતે પિટાઈ કરી. તેમાં પહલુખાનનું ત્રણ તારીખે મૃત્યુ થયું છે, એક દીકરાની આંખ અને કાનમાં વધારે ઈજા થઈ છે અને ગામના બીજા એક ભાઈની સ્થિતિ ઘણી નાજુક છે.
પહલુખાન અને ગામના બીજા લોકો જયપુરમાં દર અઠવાડિયે ભરાતા સરકારી પશુમેળામાં ગયા હતા. તેમાંથી તેમણે પાંચ ગાય અને છ વાછરડી ખરીદી હતી. ગાયો ખરીદવા માટે પાસેના ગામના શાહુકાર પાસેથી વ્યાજે નાણાં લાવેલા. તેમાંથી ગાયો ખરીદી હતી. ગાય ખરીદી તેની રસીદ પણ હોય છે. તે પણ તેમની પાસે હતી. ઉનાળામાં ભેંસનું દૂધ ઓછું થઈ જાય છે અને રમઝાન મહિનો હવે શરૂ થવાનો હતો. રમઝાન મહિનામાં દૂધની અછત વધારે હોય છે, તેથી નવી ગાયો ખરીદવા ગયા હતા. એટલે આ મામલો કાયદેસર ગાયની ખરીદી અને પશુપાલન સાથે જોડાયેલો હતો પણ બની બેઠેલા ગૌરક્ષકો પહેલાં પૈસા લૂંટી લેતા હોય છે અને પછી હિંસા શરૂ કરે છે. આ કિસ્સામાં પણ તેવું જ કર્યું. ગાયો ભગાડી ગયા. બેમાંથી જે ગાડીનો ડ્રાઇવર હિન્દુ હતો, તેને જવા દીધો.
આ પ્રસંગને ૨૦ દિવસ થયા હોવા છતાં પરિવારને તેમનાં ગાય, પૈસા અને બીજો જે સામાન લૂંટી ગયા છે તે પાછો મળ્યો નથી. બધાની સારવાર પણ ખાનગી હૉસ્પિટલમાં જ થયેલી. તેનો ખર્ચ પણ વધારે છે.
સરકાર તરફથી હજી સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી કે નથી પહલુખાનના પરિવારને કોઈ જાતનું સંરક્ષણ કે મદદ મળ્યાં. અમે ‘સર્વસેવા સંઘ’ તરફથી જોધપુરનાં આશાબહેન બોથરા સાથે અલવર ગયાં. ત્યાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો.
આઝાદીની લડાઈ વખતે તે લોકો મુશ્કેલીમાં પાકિસ્તાન ના ગયા, તે બધાને અલવર-રાજસ્થાન અને હરિયાણાનાં કેટલાંક ગામોમાં વસાવ્યા. તે વિસ્તારને મેવાત કહેવાય છે અને ત્યાંના મુસ્લિમોને મેવુ કહે છે. બધા ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા છે. ભણતરનું પ્રમાણ નહીંવત્ છે. અહીંથી આઝાદીની લડાઈમાં ૪૫૦ લોકો શહીદ થયા હતા.
પહલુખાનના ઘરે શોકનું વાતાવરણ હતું. તેમનાં મા અંગૂરી- બેગમ અને તેમનાં પત્ની ખૂબ દુઃખી હતાં. તેમની દીકરીઓ, દીકરાઓ પણ ભયમાં છે. તેમના પૈસા પણ ગયા અને માણસ પણ જાય ત્યારે કેવું વીતે? અમે ગામના બીજા ભાઈ અસલમ સુલતાનને મળ્યા. તેમની સ્થિતિ પણ ઘણી દયનીય છે. આવે સમયે તેમને થોડા સહારાની જરૂર હોય છે. થોડો વખત તેમની સાથે રહેવાથી પણ તેઓને સારું લાગતું હોય છે.
પીડિતોને ન્યાય અપાવવા માટે ભૂમિ-અધિકાર આંદોલન અને કિસાન સંઘર્ષસમિતિ, એન.એ.પી.એમ. તરફથી તા. ૧૯મીએ દિલ્હીમાં દેખાવોનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં પણ ભાગ લીધો.
અલવરથી નૂહ, પહલુખાનના ગામ જતાં-જતાં રસ્તામાં જે ગામો આવતાં હતાં, તે ગામોમાં બધી વસતિ મુસ્લિમોની. કોઈ ગામમાં જઈને લોકોને મળવાની ઇચ્છા થઈ. ડ્રાઇવરને કહ્યું, પણ તે તો માને જ નહીં. મેવુના ઘરે જવાય જ નહીં. અમે અલવરથી નીકળતાં હતાં, ત્યારે આશાદીદીના એક સગાએ કહ્યું, તમે બે બહેનો એકલી જ જાઓ છો? મેવાત બહુ ખતરનાક છે, કેવી રીતે જશો? પણ અમને વાંધો નહોતો. આખરે એક ગામમાં રોકાયાં. સૌથી પહેલું જે ઘર હતું ત્યાં બહેન કપડાં ધોતી હતી. અમને જોયાં એટલે આવ્યાં ને પૂછ્યું. અમે તો સાવ અજાણ. બે હિન્દુ બહેનો. કોઈ કારણ વગર મુસ્લિમ પરિવારના ઘરના આંગણે ઊભાં રહ્યાં. તરત ખાટલો પાથર્યો. અલકમલકની વાતો થઈ. આડોશપડોશનાં બીજાં બહેનો ભેગાં થયાં. પછી તો ભાઈઓ પણ ભેગા થયા. પહલુખાનની વાત થઈ. ૩૫ કિલોમીટર દૂર પહલુખાનનું ઘર, છતાં કોઈને આ હત્યાની વાતની ખબર નહીં. છાપાં આવે નહીં, ટી.વી. હોય તો સમાચાર સાંભળે નહીં. જો કે, અમારા જવાથી તેઓને ખૂબ સારું લાગ્યું. કેટલીયે વાર બેઠાં, અમને પણ ઊઠવાનું મન ન થાય અને તેઓને પણ અમને જવા દેવા નહોતાં. પછી તો જમીને જ જવાનું એવો આગ્રહ. આખરે અમે ઊભાં થયાં. એક બહેનને તો થાય કે ઘરમાંથી શું આપું? હાથબનાવટની કેટલીયે વસ્તુ લઈ આવ્યાં, ઘણી ના છતાં તેમનું માન જાળવવા એક રિબિન લીધી. થોડા જ સમયમાં કેટલો પ્રેમ મળ્યો! અમે તો અભિભૂત થઈ ગયાં. આવો આપણો દેશ. ના પરિચય, ના ધર્મ આડે આવ્યો.
પાછા વળતા ડ્રાઇવરને પૂછ્યું કે, બોલો, કંઈ થયું? હવે તે પણ અમારી વાત સાથે સહમત થયો. દૂરથી સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરતાં નજીક જઈએ તો સાચો પરિચય થાય. પ્રેમ જ પ્રેમ. આ વિશ્વાસ આપણે પાછો સંપાદિત કરવાનો છે.
E-mail : gujaratloksamiti@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 07