વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે
મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.
પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.
૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.
આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?
આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.
સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.
પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017