Opinion Magazine
Number of visits: 9482986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રોફેસર આર.એલ. રાવલ : થોડું અંગત, ઝાઝું વિષયગત

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|18 April 2017

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર રવિકાન્ત એલ. રાવલનું તાજેતરમાં અવસાન થયું. રાવલસાહેબ તરીકે તેમની ઓળખ. તેમનું નામ સાવ અજાણ્યું તો નહીં પણ એમના વ્યવસાયી સંબંધો ઘણાં મર્યાદિત, સાથે નક્કર પણ ખરા.

સને ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં હું દાખલ થયો, ત્યારે વિભાગ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતો હતો. અમારો પ્રથમ વર્ગ ૧૨ જુલાઈએ ૧૨ વાગ્યે અને ૧૨ નંબરના વર્ગખંડમાં શરૂ થયો. પ્રથમ તાસમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઓળખવિધિ થઈ. એક અધ્યાપક સિવાય, અમે તેમના પરિચયનો આગ્રહ રાખ્યો. તેઓ બોલ્યા હું આર. એલ. રાવલ’ (ડૉક્ટર-પ્રોફેસર-વિભાગીય અધ્યક્ષ જેવાં પૂંછડાંઓ વગર) આ પ્રોફેસર આર. એલ. રાવલનો પ્રથમ પરિચય અને દર્શન. પછી તો તેમની નિવૃત્તિ પહેલાંનાં બે વર્ષનો ઇતિહાસજ્ઞાનલાભ મળતો રહ્યો. રાવલસાહેબ આંતરરાષ્ટ્રીય સંબંધો, યુરોપીય રાજનીતિ, ગુજરાતમાં સામાજિક પરિવર્તન અને સમાજસુધારાના ઇતિહાસના નિષ્ણાત. નાની ચબરખીમાં થોડા મુદ્દાઓને આધારે એક-બે કલાક સુધી આ બધાં વિષયો પર ચર્ચા કરે. ઉનાળાનો દાહાડો હોય, વર્ગબહાર ધોમધખતો હોય તે સ્થિતિમાં રાવલસાહેબના જ્ઞાનવિસ્ફોટ સામે બહુ ઓછા વિદ્યાર્થીઓ ઝીંક ઝીલી શકતા. કેટલાક વિદ્યાર્થીઓ સાહેબ બૉર્ડ પર કંઈક લખવા રહે તેટલા સમયમાં તો પાછલા બારણેથી અલોપ થઈ જતા, તો કેટલાક વામકુક્ષીમાં સરી પડતા. તેમના તરફ ધ્યાન જતાં રાવલસાહેબ કહેતાં ‘મોં પર પાણી છાંટવું હોય, તો છાંટતાં આવો.’ અધ્યાપક બન્યા પછી એમની રજૂઆતશૈલી વિશે હું મજાકમાં કહેતો કે ‘સાહેબ, તમને સાંભળવાની બહુ મજા આવે છે પણ તમે સમજાતા નથી.’ ‘હું  તમને સમજાવી તો શકું છું ને?’ આ વાક્ય તેમનું તકિયાકલામ હતું.

આર્નોલ્ડ ટૉયન્બી(ઇતિહાસના અભ્યાસના રચયિતા)નો રાવલસાહેબ પર ગાઢ પ્રભાવ. મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ૭૦ના દાયકામાં ટૉયન્બીનું વ્યાખ્યાન યોજાયેલું, તે સાંભળવા ઠેઠ મુંબઈ ગયેલાં. પાછા કહે પણ ખરાં કે એ ઉંમરે ભાષણમાં સમજાય તો શું પણ ટૉયન્બીને જોયાનો આનંદ ! ટૉયન્બીનો ફોટૉ પર્સમાં રાખતા હોવાનું પણ તેઓ કહેતા.

રાવલસાહેબને ઓળખતા સહુ કોઈ એકીઅવાજે કહેશે, ‘રાવલસાહેબ એટલે ધીરગંભીર, પ્રામાણિક, કાર્યદક્ષ. ટૂંકમાં, એક સારા માણસ માટે જેટલાં વિશેષણો વાપરીએ, તેટલાંના રાવલસાહેબ પણ હક્કદાર. જાહેરમાં અંતર્મુખી, ઓછાબોલા લાગતા આર.એલ. રાવલ તેમના અંતરંગ વર્તુળમાં વસંતની જેમ ખીલતા. સેન્સ ઑફ હ્યુમર પણ ઉચ્ચ દરજ્જાની. એનો એક નમૂનો : ૧૯૯૨-૧૯૯૩માં રાવલસાહેબ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ, એ દિવસોમાં શિષ્યવૃત્તિવાંચ્છુ વિદ્યાર્થીઓએ તેના આવક અને જાતિના દસ્તાવેજોની ચકાસણી માટે વિભાગીય વડાને મળવું પડે. એ દિવસોમાં લક્‌ઝરી ગણાય તેવા ૮૦૦ રૂપિયાના મોંઘાદાટ બૂટ પહેરેલો એક વિદ્યાર્થી વાર્ષિક ૮૦૦૦ રૂપિયાની આવકના દાખલા સાથે રાવલસાહેબને ચકાસણી અર્થે મળ્યો. તેના બૂટ સામે જોઈ રાવલસાહેબ મરક મરક હસતાં બોલ્યા, ‘ભાઈ, રોજ ચા-પાણી તો કરો છો ને?’

એ સમયે અધ્યાપકો સાથે બેસી મોજથી ટી-ક્લબમાં જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા કરી શકતા. એક વિભાગમાં બધા અધ્યાપકો એકસરખી વિચારસરણીવાળા ન હોય, ઇતિહાસ વિભાગમાં પણ એવો વિરોધાભાસ ખરો! પણ રાવલસાહેબ એટલે, ખરા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’.

રાવલ સાહેબ કાયમ ટાપટીપ, ભપકાદાર કાર્યક્રમો, વ્યક્તિગત માન-સન્માનોથી જોજનો દૂર રહ્યાં.

૧૯૯૩માં સાહેબ સેવાનિવૃત્ત થયા. અમે વિદ્યાર્થીઓએ તેમના વિદાયમાનનું વિચારેલું, પણ તે તો ગાંઠે જ શાના? છેવટે અમને રાજી રાખવા છેલ્લા દિવસે એક નાનકડો બૂકે સ્વીકારી તરત જ સન્માન કરનાર વિદ્યાર્થીને બૂકે પરત કરી ચાલતી પકડી. તેમના જવા સાથે મને ઇતિહાસ વિભાગમાંથી નમ્રતા, પ્રામાણિકતા, કાર્યદક્ષતાનો મોટો હિસ્સો જતો હોય તેવું લાગેલું. ૧૯૬૯માં ઇતિહાસ વિભાગમાં જોડાયેલા રાવલસાહેબ ૨૪ વર્ષ સુધી (૧૯૬૯-૧૯૯૩) કાર્યરત રહ્યા હતા.

હવે તેમની વિદ્યાકીય-સંશોધન તરફની પ્રતિબદ્ધતાની વાત. તેમણે ઝાઝું લખ્યું નથી, પણ જેટલું લખ્યું એ નક્કર અને સુદૃઢ. ‘Socio religious Reform Movements in Gujarat during the Nineteenth Century (Sess Publication, Delhi, 1984)’ અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ (ગુજરાત યુનિવર્સિટી, ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૭૩) અને વીસથી વધુ નહીં તેટલા લેખો Indian Historical Quarterly સામીપ્ય, વિદ્યાપીઠ, અર્થાત્‌, પથિક વગેરે સામયિકોમાં તેમણે લખ્યા છે. અંગ્રેજી પુસ્તક તેમના પીએચ.ડી. શોધનિબંધનું સંવર્ધિત સ્વરૂપ છે. જ્યારે ગુજરાતના ઇતિહાસકારો (?) શિલ્પ, સ્થાપત્ય, મંદિરોના ગવાક્ષ અને મસ્જિદોની મિનારા તથા રાજા-રજવાડાંઓના ઇતિહાસલેખનમાં મસ્ત હતા, ત્યારે તેમણે આ નવતર સંશોધનક્ષેત્રમાં યોગદાન આપેલું. પણ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી ગુજરાતના ઇતિહાસલેખનમાં તેની વિશેષ નોંધ લેવાઈ નથી. આ લખનારની દૃષ્ટિએ અખિલ ભારત સ્તરના સામાજિક ઇતિહાસલેખનમાં સ્થાન પામે તે બરનુું આ પુસ્તક છે (કોઈ પ્રકાશક કે સંસ્થાએ તેના બહોળા વાચન હેતુસર તેના ગુજરાતી અનુવાદનું બીડું ઝડપવા જેવું છે.) તો આંતરરાષ્ટ્રીય સંબંધો ભાગ-૧ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને ખાસ્સું ખપમાં લાગ્યું છે. ઉપરાંત ૧૯મા સૈકામાં સમાજપરિવર્તન અને ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે સ્તરીય લેખો લખ્યા છે. આ બધાં એક થીમ પર હોવાથી સ્વતંત્ર પુસ્તક થાય તેટલાં છે. છેલ્લે ‘પથિક’ સામયિકમાં ‘સ્થળકાળના પિંજરમાંથી’ શીર્ષક તળે પોતાના ઇતિહાસ સંશોધનની કેફિયત પણ આપેલી. આવું નક્કર અને દિશાસૂચક લેખન એમનું રહ્યું.

નિવૃત્તિ પછી તેઓ સેમિનારો વગેરેમાં જવાનું પણ ટાળતા. તેમના ઇતિહાસદર્શન અને આજના ઇતિહાસવાળાની જમાત વચ્ચે રહેલી ઊંડી ખાઈ તેના માટે જવાબદાર હોઈ શકે ! તેમનાં શોધપત્રો, વ્યાખ્યાનોમાં એક વાત અવશ્ય કહેતા કે ‘વ્યક્તિનો ‘સ્વ’ સાથેનો સંબંધ, વ્યક્તિનો ‘સમાજ’ સાથેનો સંબંધ, અને વ્યક્તિનો ‘પ્રકૃતિ’ સાથેનો સંબંધ અને આ પારસ્પરિક સંબંધો અને સમય અને સ્થાન પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસનું નિર્માણ થાય છે. તેઓ ઇતિહાસને સમાજવિજ્ઞાન અને એથી વધુ માનવવિદ્યાના  સંદર્ભે જોઈ-તપાસી બોલી અને લખી શકતા. અને એ સંદર્ભમાં તેઓ ગુજરાતના ઇતિહાસના અધ્યાપકોમાં બિનહરીફ હતા. આપણે તેમને ‘ફિલોસૉફર હિસ્ટોરિયન’ની કક્ષામાં મૂકી શકીએ. રાવલસાહેબ દુર્બોધ પણ ખાસ્સા, અક્ષયકુમાર દેસાઈની હરીફાઈમાં ઊતરે એવા, પણ એનું કારણ ઉપર કહ્યું તે.

શુદ્ધ ઇતિહાસ(?)ના સેમિનારોમાં જતાં કતરાતા રાવલસાહેબ આંતરશાસ્ત્રીય પરિસંવાદો, વ્યાખ્યાનોમાં અચૂક હાજર રહે. બસમાં અથડાતા-કુટાતા સાહિત્ય પરિષદ, એલ.ડી. ઇન્ડોલૉજી, વિશ્વકોષભવન, ગુજરાત વિદ્યાસભા, એએમએમાં આવે. મને એમની ચાલવાની સ્ટાઇલ પણ બેહદ પસંદ હતી. અનુસ્નાતક કક્ષાની કૉલેજ, હૉસ્ટેલ આગળ રાવલસાહેબને ચાલતા જોયાં છે. એકધારું ખાસ્સું નીચું જોઈ ચાલ્યા પછી થોડીક જ વાર માટે માથું ઊંચું કરે, રાવલસાહેબને ખરા અર્થમાં ઓળખનારા એકીઅવાજે કહેશે, તેમણે કાયમ નીચી મૂંડીએ જ કામ કર્યું છે. અત્યારે આ લખી રહ્યો છું, ત્યારે દૃષ્ટિસમક્ષ રસ્તે ચાલતાં રાવલસાહેબ તરવરે છે, થાય છે કે બોલાવું ….

E-mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2017; પૃ. 14-15

Loading

18 April 2017 admin
← ચંપારણ એક સદી પછી – સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા
The Saffron Beacon →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved