દેશના 70 ટકા શહેરી અને 6૫ ટકા ગ્રામીણ (મોંઘી સારવાર ધરાવતાં) ખાનગી દવાખાના પર જ નિર્ભર છે
રાષ્ટ્રીય ગ્રાહક પંચે તાજેતરમાં મચ્છર કરડવાથી થયેલી બીમારીને કારણે થતા મોતને દુર્ઘટના ગણતો ચુકાદો આપ્યો. આ ચુકાદાથી વીમા કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ગુજરાત સરકાર 2022 સુધીમાં રાજ્યને મેલેરિયામુક્ત કરવા દૃઢનિશ્ચયી છે. સરકાર મેલેરિયાપીડિત નાગરિકની ત્વરિત સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી રહી છે. મચ્છરજન્ય બીમારીના આ તાજા દાખલા દેશમાં અને રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કેવી સ્થિતિ છે તેનાં દ્યોતક છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દોઢ દાયકાની પ્રતીક્ષા પછી જે નવી આરોગ્ય નીતિ જાહેર કરી, તે સ્વાગતાર્હ છે.
નવી આરોગ્ય નીતિ દેશના તમામ નાગરિકોને શિક્ષણ, અન્ન અને માહિતીના અધિકાર જેવો કોઈ આરોગ્યનો અધિકાર તો નથી આપતી, પણ ગરીબો-વંચિતોને સસ્તી અને યોગ્ય તબીબી સારવારની ખાતરી જરૂર આપે છે. આઝાદીના સિત્તેર વરસે સરકારને લોકોના આરોગ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પાયાની જરૂરિયાત લાગી છે તે સાચી દિશાની નીતિ છે. 2025 સુધીમાં સરકાર જી.ડી.પી.નો 2.5 ટકા હિસ્સો આરોગ્ય માટે ખર્ચવાનું પણ વચન આપે છે. આ નીતિમાં સરકારે કેટલાક રોગોને ચોક્કસ સમયમર્યાદામાં નાબૂદ કરવાનું કે તેમાં મોટો ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. બીમારી પછીની સારવારને બદલે સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિક પણ સરકારની પ્રાથમિકતા છે.
દેશના બંધારણ મુજબ આરોગ્ય સંયુક્ત યાદીનો વિષય છે. એટલે કેન્દ્રની આરોગ્ય નીતિનો સ્વીકાર અને અમલ રાજ્ય પર આધારિત છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારની આરોગ્યની સ્થિતિ પ્રવર્તે છે તે ચિંતાજનક છે. ડૉક્ટરોની અછત છે તો ખાનગી સારવાર એટલી મોંઘી છે કે તે સામાન્ય માણસને પરવડે તેવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નો એક અહેવાલ ભારતમાં એક લાખની વસ્તીએ 80 ડૉક્ટરો છે તેમ જણાવે છે. ગામડાઓમાં લોકોની સારવાર કરતા કહેવાતા ડોકટરોમાંથી ત્રીસ ટકા તો યોગ્ય તબીબી ડિગ્રી વિનાના હોવાનું પણ તેમાં જણાવાયું છે.
ગરીબી અને ગંદકી લોકોને થતા રોગોના મૂળમાં છે. તેમાં ડૉક્ટરો અને દવાખાનાંનો અભાવ ઉમેરાતાં પરેશાની વધે છે. દસ હજારની વસ્તી દીઠ દવાખાનામાં માંડ નવ પથારીની સગવડ આપણે ધરાવીએ છીએ. ગરીબ માણસને ખાનગી દવાખાનાની મોંઘી સારવાર પોસાતી નથી અને સરકારી દવાખાનામાં સગવડ નથી. જો ગરીબ કે મધ્યમવર્ગના લોકોને ખાનગી દવાખાને સારવાર કરાવવી પડે તો તેની આર્થિક સ્થિતિ વધારે નાજુક બને છે. જો કે તેનો તે સિવાય છૂટકો નથી, કેમ કે દેશના 70 ટકા શહેરી અને 65 ટકા ગ્રામીણ લોકો ખાનગી દવાખાના પર જ નિર્ભર છે. નવી આરોગ્ય નીતિમાં સૌને માટે સ્વાસ્થ્ય કેટલું અઘરું છે તે આ હકીકત પરથી સમજાય છે.
કલ્યાણરાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે જાહેર આરોગ્ય સાવ જ ઉપેક્ષિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આરોગ્ય પાછળ નજીવો ખર્ચ કરે છે. જી.ડી.પી.ના છ ટકા જાહેર આરોગ્ય માટે ખર્ચવાના વૈશ્વિક માપદંડથી આપણે ઘણા પાછળ છીએ. હાલમાં ભારત તેના જી.ડી.પી.નો માત્ર 1.04 ટકા જ ખર્ચ આરોગ્ય માટે કરે છે. બ્રાઝિલ જી.ડી.પી.ના 3.8 ટકા, રશિયા 3.7 ટકા અને ચીન 3.1 ટકા ખર્ચ કરે છે. અમેરિકાની ઓબામા હેલ્થ કેર યોજના કે બ્રિટનની 80 ટકા વસ્તીને આવરી લેતી જાહેર આરોગ્ય સેવાઓ અપવાદ છે પણ બાકીના વિશ્વમાં સ્થિતિ સંતોષજનક નથી. હવે ભારત સરકાર 2022 સુધીમાં જી.ડી.પી.ના 2.5 ટકા સુધી પહોંચવા જણાવે છે ખરી, પણ તે ઘણું અપૂરતું છે.
સ્વસ્થ નાગરિકની પાયાની શરત સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા છે. આ બાબતમાં ભારત સાવ જ તળિયે છે. ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનો તાજો અહેવાલ નોંધે છે કે દેશમાં દર એક હજારે 41 બાળકો જન્મતાં જ મૃત્યુ પામે છે. ઉત્તર પ્રદેશમાં તેનો દર હજારે 64, છતીસગઢમાં 54, મધ્ય પ્રદેશમાં 51 અને બિહાર-આસામમાં 48 છે. પાંચ વરસની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ દેશમાં 35.7 ટકા છે. પણ દેશનાં ઘણાં રાજ્યો આ રાષ્ટ્રીય સરેરાશથી વધુ ઊંચો દર ધરાવે છે. બિહારમાં 48.3 ટકા, યુ.પી. 46.3 ટકા, ઝારખંડ 45.2 ટકા, મેઘાલય 43.8 ટકા અને મધ્ય પ્રદેશ 42 ટકા કુપોષિત બાળકો ધરાવે છે. 2025 સુધીમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધારીને 70 વરસ કરવાનું લક્ષ નવી આરોગ્ય નીતિનું છે, પણ તેના માટે મોટો પડકાર શિશુ મૃત્યુ દર ઘટાડવાનો છે.
2030 સુધીમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓની સારવાર માટે ભારતમાં 41 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે તેવો અંદાજ WHOનો છે. તેના પરથી આરોગ્યની ઉપેક્ષા સરકાર અને સમાજને કેટલી મોંઘી પડી શકે છે તે જણાય છે. રાજકીય ઈચ્છાશક્તિ જો જાહેર આરોગ્યના તંત્રને દૃઢ બનાવવાની નહીં હોય તો તે દેશના અર્થતંત્રને ખોરવી શકે તેમ છે તે સત્ય નીતિનિર્ધારકોએ સમજી લેવાની જરૂર છે. સમયબદ્ધ આયોજન અને પૂરતાં સંસાધનો લગાવીને ડૉક્ટરો અને દવાખાનાની અછત પૂરી કરવાની છે. આ દિશામાં દિલ્હીની આમઆદમી પાર્ટીની રાજ્ય સરકારના મોહલ્લા ક્લિનિકની યોજના ધ્યાનપાત્ર છે. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 107 મોહલ્લા ક્લિનિક શરૂ કરી દીધાં છે. તે 1000 મોહલ્લા ક્લિનિક બાંધવા માગે છે, પરંતુ સૌથી મોટો અંતરાય જમીનનો છે.
હવે સરકારી શાળામાં આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દિલ્હી સરકારને બાંધવા મંજૂરી મળી છે. આ દવાખાનાંમાં તમામ પ્રકારની સારવાર અને તબીબી તપાસ મફત કરવામાં આવે છે. મોટી અને અદ્યતન સાધન સુવિધાથી સજ્જ હોસ્પિટલોની સાથે લોકોની રોજબરોજની જરૂરિયાત માટે ઘરની નજીકના આવાં મહોલ્લા ક્લિનિક ખૂબ જરૂરી છે. એક જમાનામાં તબીબી વ્યવસાય એ સેવાનું ક્ષેત્ર હતો. આજે તે ધંધો બની ગયું છે. સેવાવૃત્તિ અલોપ થઈ ગઈ છે. તબીબી સારવાર એટલી મોંઘી છે કે માંદા પડવું હવે આર્થિક પાયમાલી તરફ લઈ જનારી બાબત બની ગઈ છે.
હૃદયરોગ સંબંધી બીમારીમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઈ જાય ત્યારે ડોકટરો જે સ્ટેન્ટ મૂકે છે તેના ભાવ હૃદય બંધ પડી જાય તેટલા લેવાય છે. આ વરસના ફેબ્રુઆરી મહિનામાં તમામ પાસાં વિચારીને કેન્દ્ર સરકારે રૂપિયા સિત્તેર હજારથી બે લાખે અપાતા સ્ટેન્ટનો ભાવ રૂપિયા ત્રીસ હજાર ઠરાવ્યો, તો તેનો ભારે વિરોધ થયો. તેમાં ન ફાવ્યા તો કૃત્રિમ અછત ઊભી કરી. આ એક જ ઉદાહરણ તબીબી ક્ષેત્રની પડતી અને સ્થિતિ દર્શાવે છે. તબીબી ક્ષેત્રમાં જે ધંધાદારી દલાલોનું ચલણ છે અને ડૉક્ટરો એ જ રસ્તે પ્રવૃત્તિ કરે છે તેના કારણે જેનેરિક દવાઓનો સરકારનો પ્રયાસ સફળ થતો નથી. હવે ખુદ સરકારે દવાઓની દુકાનો શરૂ કરવી પડી છે. નવી આરોગ્ય નીતિ પંદર વરસ પછી આવી છે. તેની ઘણી બાબતો આવકારદાયક છે, તો કેટલીક ટીકાપાત્ર પણ છે. જોકે ખરો સવાલ તેના અમલનો છે.
સૌજન્ય : ‘એક્સ-રે’, “દિવ્ય ભાસ્કર”, 06 અૅપ્રિલ 2017