Opinion Magazine
Number of visits: 9446885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટિશ રાજમાં ‘મેડિકલ’ના પ્રયોગો

વિશાલ શાહ|Opinion - Opinion|15 March 2017

સૌરમંડળના શુક્ર ગ્રહ પર ૫.૫ અંશ ઉત્તર અને ૨૮૮.૮ અંશ પૂર્વ દિશામાં 34.3 કિલોમીટરનો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઇ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થાએ વિશ્વની અનેક મહિલા હસ્તીઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને જે તે મહિલાનું નામ આપ્યું છે.

આનંદીબાઇ જોશીએ ૧૩૧ વર્ષ પહેલાં એમ.ડી.ની ડિગ્રી લઇને ભારતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એવી જ સફળતા મેળવનારાં બીજાં સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ ૧૨૮ વર્ષ પહેલાં મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આ બંને મહિલાઓને યાદ કરીએ જેમણે અત્યંત રૂઢિચુસ્ત સમાજની ઉપરવટ જઈને મેડિકલની ડિગ્રી મેળવી હતી.

પહેલાં આનંદીબાઇની વાત. આનંદીબાઇએ એક સદીથી પણ વધુ પહેલાં અનેક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ફક્ત ૨૧ વર્ષની વયે ડૉક્ટર ઇન મેડિસિન(એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ૩૧મી માર્ચ, ૧૮૬૫ના રોજ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં આનંદીબાઇનો પરિવાર કલ્યાણમાં સ્થાયી થયો હતો. એક સમયે તેમના પિતા મોટા જમીનદાર હતા, પરંતુ આનંદીબાઇના જન્મ પહેલાં તેમણે બધી જ સંપત્તિ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેમના પરિવારે નવ વર્ષની વયે જ આનંદીબાઇને ગોપાલરાવ જોશી નામના એક વિધુર સાથે પરણાવી દીધાં. એ વખતે મોટી ઉંમરના પુરુષ સાથે નાની છોકરીઓના લગ્ન સામાન્ય બાબત ગણાતી. આનંદીબાઇનું મૂળ નામ યમુના હતું, 'આનંદીબાઇ' નામ તેમને પતિ તરફથી મળ્યું હતું.

ડૉ. આનંદીબાઇ જોશી

જો કે, ગોપાલરાવ કંઇક અંશે વિરોધાભાસી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા. નવ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવા છતાં તે સુધારાવાદી માનસિકતા ધરાવતો. તેના પર જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો જબરદસ્ત પ્રભાવ હતો. દેશમુખ બાળ લગ્નો, દહેજપ્રથા અને બહુપત્નીત્વના જબરદસ્ત વિરોધી હતા. બ્રિટિશ રાજે વર્ષ ૧૮૬૭માં ગોપાલ હરિ દેશમુખની બદલી અમદાવાદના ન્યાયાધીશ તરીકે કરી હતી. રતલામ સ્ટેટના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી. બ્રિિટશ રાજે દેશમુખને 'રાવ બહાદુર' અને 'જસ્ટિસ ઓફ પીસ' જેવા સન્માનો આપ્યા હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની શાખા શરૂ કરનારા પણ દેશમુખ જ હતા. તેઓ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. દેશમુખે સમાજ સુધારા માટે વિવિધ મરાઠી પત્રોમાં ૧૦૮ જેટલા ક્રાંતિકારી લેખો લખ્યા હતા.

આ પ્રકારના ગુરુનો પ્રભાવ ધરાવતા ગોપાલરાવ આનંદીબાઇને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપતા. એક મરાઠી બ્રાહ્મણ પરિવારનું ફરજંદ હોવાના કારણે ગોપાલરાવ સંસ્કૃતના વિદ્વાન હતા અને અંગ્રેજી પણ શીખી રહ્યા હતા. ગોપાલરાવે જોયું કે, આનંદીબાઇને પણ અંગ્રેજી શીખવામાં રસ છે, જેથી તેમણે પત્નીને અંગ્રેજીનો અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. આ દરમિયાન ફક્ત ૧૪ વર્ષની વયે આનંદીબાઇ માતા બન્યાં, પરંતુ સારવારના અભાવે દસેક દિવસમાં જ તેમના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાથી આનંદીબાઇ ખળભળી ઊઠ્યાં અને તેમનામાં આધુનિક ઔષધશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવાનાં બીજ રોપાયાં. ગોપાલરાવે પણ આનંદીબાઇની ઇચ્છાને માન આપીને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું.

વર્ષ ૧૮૮૦માં ગોપાલરાવે અમેરિકાના જાણીતા મિશનરી રોયલ વિલ્ડર સાથે પત્રવ્યવહાર કરીને આનંદીબાઇ માટે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસની સંભાવનાઓ વિશે પૂછપરછ કરી. વિલ્ડરે આનંદીબાઇને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તમામ સુવિધા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે, રૂઢિચુસ્ત મરાઠી બ્રાહ્મણ દંપતીએ ધર્મ પરિવર્તનની વાત એક જ ઝાટકે ફગાવી દીધી. એ સમયે મિશનરીઓના પત્રવ્યવહારો ધાર્મિક સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા. ગોપાલરાવ અને વિલ્ડરનો પત્રવ્યવહાર પણ 'પ્રિન્સ્ટન્સ મિશનરી રિવ્યૂ'માં પ્રકાશિત થયો, જે ન્યૂ જર્સીમાં રહેતી થિયોડિસિયા કાર્પેન્ટર નામની ઉચ્ચ વર્ગની મહિલાએ વાંચ્યા. ભારતના એક રૂઢિચુસ્ત પરિવારનો પુરુષ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા આતુર છે, એ વાતથી જ થિયોડિસિયા પ્રભાવિત થઈ ગયાં. થિયોડેસિયાએ જોશી દંપતીને અમેરિકામાં રહેવા-જમવાની સુવિધા આપવાની તૈયારી બતાવી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઇના બેચમેટ જાપાનના કેઇ ઓકામી અને સીરિયાના તાબેટ ઇસ્લામબૂલી

જો કે, એ વખતે પતિ સાથે કોલકાતામાં રહેતાં આનંદીબાઇની તબિયત ખૂબ જ ખરાબ રહેતી. આનંદીબાઇને સતત માથાનો દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને તાવની ફરિયાદ રહેતી. એ વખતે પણ થિયોડિસિયાએ જ તેમને અમેરિકાથી દવાઓ મોકલીને સાજા થવામાં મદદ કરી હતી. આ દરમિયાન જોશી દંપતીએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરવા અરજી કરી. અહીં આનંદીબાઇને પ્રવેશ મળી ગયો અને તેમણે કોલકાતાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી કરી. આ વાત મરાઠી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા રૂઢિચુસ્ત મરાઠા આગેવાનોએ જોશી દંપતીનો જોરદાર વિરોધ થયો. આ સ્થિતિ થાળે પાડવા આનંદીબાઇએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હૉલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. તેમણે ભારતમાં મહિલા મેડિકલ કૉલેજ ખોલવાના પોતાના લક્ષ્યની પણ વાત કરી.

આ પ્રવચને ધારી અસર કરી અને આખા ભારતમાંથી આનંદીબાઇને આર્થિક મદદ મળી. એ વખતના વાઇસરોયે પણ આનંદીબાઇને પ્રેમથી રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. આખરે જૂન ૧૮૮૩માં આનંદીબાઇ અમેરિકા પહોંચ્યાં, જ્યાં થિયોડિસિયાએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે, અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પહેલી મહિલા પણ આનંદીબાઇ જ હતાં. અમેરિકામાં હવામાન અને ડાયટ ધરમૂળથી બદલાઇ જવાથી આનંદીબાઇને શરૂઆતમાં ઘણી શારીરિક તકલીફો પડી. તેઓ ટી.બી.નો પણ ભોગ બન્યાં. આ બધી જ મુશ્કેલીઓમાંથી નીકળીને ૧૧મી માર્ચ, ૧૮૮૬ના રોજ તેમણે એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. આનંદીબાઇએ 'ઓબ્સ્ટેટ્રિક્સ અમોન્ગ આર્યન હિંદુઝ' વિષયમાં થિસીસ રજૂ કર્યો હતો. આનંદીબાઇએ મેડિકલની ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

વર્ષ ૧૮૮૬માં આનંદીબાઇ ડૉક્ટર બનીને પરત ફર્યાં ત્યારે ભારતમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. કોલ્હાપુર સ્ટેટના રાજાએ આનંદીબાઇની નિમણૂક આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વૉર્ડના ફિઝિશિયન ઇનચાર્જ તરીકે કરી. આ હોસ્પિટલ આજે છત્રપતિ શાહુ મહારાજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને છત્રપતિ પ્રમિલાતાઇ રાજે હોસ્પિટલ તરીકે ઓળખાય છે. જો કે, આનંદીબાઇનું ફક્ત ૨૧ વર્ષની વયે ૨૬મી ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ મૃત્યુ થયું અને મરાઠા સમાજ શોકાતુર થઇ ગયો. આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી હતી, જે આજે ય થિયોડિસિયા કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઇની સમાધિમાં સચવાયેલી છે.

કાર્પેન્ટર પરિવારના કબ્રસ્તાનમાં આનંદીબાઇની સમાધિ

વર્ષ ૧૮૮૮માં કેરોલિન હેલી ડૉલ નામનાં નારીવાદી લેખિકાએ આનંદીબાઇનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું ત્યારે તેમનાં જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. એ પછી દૂરદર્શને પણ 'આનંદી ગોપાલ' નામે એક હિન્દી સિરિયલનું પ્રસારણ કર્યું હતું. શ્રીકૃષ્ણા જોશીએ આનંદીબાઇના જીવનમાં કલ્પનાના રંગો ઉમેરીને એક 'આનંદી ગોપાલ' નામે એક મરાઠી નવલખા લખી છે, જેનો આશા દામલેએ અંગ્રેજી અનુવાદ કર્યો છે. આ નવલકથા પરથી નાટક પણ ભજવાઇ ચૂક્યું છે. મરાઠી લેખિકા અંજલિ કીર્તનેએ આનંદીબાઇનાં જીવન પર ઊંડું સંશોધન કરીને 'ડૉ. આનંદીબાઇ જોશી: કાલ આની કતૃત્વ' નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.

આવાં જ બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ પણ રૂઢિચુસ્તતા જેવી મુશ્કેલીઓમાંથી હેમખેમ પસાર થઇને ગુજરાતનાં પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું છે. પારસી પરિવારમાં જન્મેલાં મોતીબાઇનો જન્મ ૧૮૬૭માં બોમ્બેના પ્રગતિશીલ પારસી પરિવારમાં થયો હતો. મોતીબાઇને પણ આનંદીબાઇની જેમ પરિવારજનોની સંપૂર્ણ મદદ મળી હતી. આ પારસી પરિવારે મોતીબાઇને મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવવા પ્રવેશ અપાવ્યો ત્યારે તત્કાલીન શ્રેષ્ઠીઓના ભવાં તંગ થઇ ગયા હતા. જો કે, ૧૮૮૯માં મોતીબાઇએ મેડિકલમાં સ્નાતકની ડિગ્રી લીધી. બાદમાં તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો. એ વખતે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે કાળુપુરમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ બંધાવી હતી. મોતીબાઇનો આત્મવિશ્વાસ જોઇને તેમણે આ હોસ્પિટલનો બધો જ કારભાર મોતીબાઇને સોંપી દીધો. અહીં મોતીબાઇએ સળંગ ચાળીસ વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે આક્રમક રીતે કામ કર્યું. મોતીબાઇ ગુજરાતનાં પહેલાં મહિલા તબીબ જ નહીં, પણ એક ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતાં.

અમદાવાદમાં મોતીબાઇ કાપડિયા હૉલનું ભૂમિપૂજન કરતી વખતે અન્ય મહિલા આગેવાનો સાથે  (ડાબેથી બીજા) મોતીબાઇ અને અને  (ઇનસેટ તસવીર) અમદાવાદના કાલુપુરની વિક્ટોરિયા હોસ્પિટલમાં તેમનું પૂતળું 

વર્ષ ૧૮૯૪માં વિક્ટોરિયા હોસ્પિટલમાં એક દલિત મહિલા સારવાર કરાવવા આવી. મોતીબાઇ તરત જ તેની સારવારની તૈયારી કરવા લાગ્યાં, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા અને સમગ્ર સ્ટાફ તેમની વિરુદ્ધ થઈ ગયો. આ બધાએ ભેગા થઇને મોતીબાઇને ગાળો પણ ભાંડી અને શ્રાપ પણ આપ્યા. મોતીબાઇની સમજાવટ પછીયે આ લોકો ટસના મસ ના થયા તો તેમણે બધાની ઉપરવટ જઇને પણ એ દલિત મહિલાની સારવાર કરી. આજથી એક સદીથી પણ વધુ સમય પહેલાં એ એક ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી કેટલીક મહિલાઓ વિક્ટોરિયા હોસ્પિટલની નોકરી છોડીને જતી રહી, પરંતુ એ વખતે બીજી કોઈ મહિલા હોસ્પિટલ નહીં હોવાથી તેઓ ફરી મોતીબાઇ સાથે જોડાઇ ગઇ. એ જમાનામાં મોતીબાઇએ સમાજ સુધારાના આશયથી ગુજરાત લેડીઝ ક્લબની પણ સ્થાપના કરી હતી, જેથી મહિલાઓ ત્યાં ભેગી થઇને વૈચારિક આદાનપ્રદાન કરી શકે. મોતીબાઇના સામાજિક પ્રદાનની નોંધ લઇ બ્રિટિશ રાજે તેમને 'કૈસર એ હિંદ'થી નવાજ્યા હતા. મોતીબાઇએ લોકોના આરોગ્યની ચિંતા કરતાં કરતાં વર્ષ ૧૯૩૦માં આ દુનિયાને અલવિદા કહી.

આજની યુવતીઓ તો આર્મી, એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે, જે થોડાં વર્ષો પહેલાં ફક્ત પુરુષોનો ઇજારો ગણાતો. એક સમયે ભારતમાં અનેક પ્રતિભાશાળી સ્ત્રીઓ ફક્ત જાતિગત ભેદભાવના કારણે ઈચ્છે એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી ન શકતી. દાયકાઓ પહેલાં આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપનારી તે મજ દેશના વૈચારિક નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારી આ બંને મહિલાઓને ઇતિહાસ હંમેશાં યાદ રાખશે.

નોંધ : તસ્વીરો વિકિમીડિયા કોમન્સમાંથી લીધી છે.

———-

e.mail : vishnubharatiya@gmail.com

http://vishnubharatiya.blogspot.co.uk/2017/03/blog-post_14.html

Loading

15 March 2017 admin
← રાજકારણનું તાંડવનૃત્ય જોઈ લીધા પછી થોડું રાજ્યચિંતન
મૃગજળ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved