ડૉક્ટર વિનાયક સેન, કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા, કબીર કલા મંચના કલાકારો પછી હવે સાઈબાબા
નેવુ ટકા વિકલાંગતાને કારણે પૈડાંવાળી ખુરશી પર જીવતા દિલ્હી યુનિવર્સિટીની અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાને પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાની કોર્ટે બુધવારે જનમટીપની સજા ફટકારી. છત્તીસગઢમાં સરકારે અપનાવેલી જનવિરોધી નીતિઓ સામે અવાજ ઊઠાવનાર આ અધ્યાપક પર રાષ્ટ્રવિરોધી માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમની સાથે આ સજા પામનાર બીજા ચાર જણ છે – જનવાદી કલાકાર અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રા, કર્મશીલ પત્રકાર પ્રશાન્ત રાહી, સ્થાનિક આદિવાસી ખેડૂતો મહેશ તિર્કી અને પાંડુ નરોટે. છત્તીસગઢના આદિવાસી મજૂર વિજય તિર્કીને દસ વર્ષની સખ્ત મજૂરીની સજા ફરમાવવામાં આવી છે.
આ બધાને મુખ્યત્વે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુ.એ.પી.એ.) હેઠળ સજા કરવામાં આવી છે. આ જ કાનૂન હેઠળ નક્ષલવાદીઓ સાથે સંડોવણીના આરોપસર 2007ના મે મહિનામાં છત્તીસગઢના રાયપુરમાં ડૉક્ટર વિનાયક સેનની ધરપકડ કરવામાં આવી હતી. વિનાયક સેન બે દાયકાથી દુર્ગમ વિસ્તારમાં આદિવાસીઓના તબીબ હતા. પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના કર્મશીલ તરીકે તે લોકજાગૃતિનાં કામ અને સરકારની આદિવાસીઓ અંગેની નીતિની તપાસમાં સામેલ હતા. દેશ અને દુનિયામાં સન્માનિત વિનાયક પર પર રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને સ્થાનિક અદાલતે ડિસેમ્બર 2010માં આજીવન કેદની સજા ફટકારી હતી, જે વડી અદાલતે ચાલુ રાખી હતી. તેમને 2011ના એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા હતા. મુંબઈના કર્મશીલ તેમ જ કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા પણ યાદ આવે. તેમની પર સુરક્ષાદળોએ માઓવાદી આગેવાન હોવાને લગતા અગિયાર આરોપ યુ.એ.પી.એ. હેઠળ કર્યા હતા. તેમણે પણ સાઈબાબાની જેમ નાગપુર જેઈલની ભયંકર અંડા સેલમાં પાંચ વર્ષ વીતાવ્યાં હતા. મુંબઈની વડી અદાલતે 2014ના ફેબ્રુઆરીમાં અરુણને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા. યુ.એ.પી.એ. હેઠળ કબીર કલા મંચના શીતલ સાઠે અને સચિન માળી સહિતનાં કલાકારો પર રાજ્યના જુલમ અને અદાલતના જામીનની અલગ દાસ્તાન છે.
પચાસ વર્ષના અધ્યાપક સાઈબાબા પરના સિતમનું મૂળ મનમોહન સિંગની સરકાર વખતે ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ના નામે માઓવાદીઓની સામે 2009 જે જંગ છેડ્યો તેના તેમણે કરેલા વિરોધમાં છે. બીજા ઘણા કર્મશીલોની જેમ સાઈબાબા પણ માને છે ઑપરેશન ગ્રીન હન્ટ અને સાલવા જુડુમની નીતિ કૉર્પોરેટ કંપનીઓને જમીન આપવાનો ઇન્કાર કરનાર આદિવાસીઓને ખતમ કરવાનો પેંતરો છે. એટલે આ પ્રોફેસરે અનેક શહેરોમાં ઑપરેશન ગ્રીન હન્ટના વિરોધ માટેના કાર્યક્રમો યોજવામાં મદદ કરી. તેના પછી તેમની તાવણી શરૂ થઈ.
બારમી સપ્ટેમ્બર 2013ના દિવસે પચાસેક હથિયારધારી પોલીસે તેમના ઘર પર છાપો માર્યો. તેમની પાસે ગડચિરોલી જિલ્લાના અહેરી ગામમાં થયેલી ચોરીની તપાસ માટેનું વોરન્ટ હતું. પોલીસે લૅપ ટૉપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ્ઝ લઈ લીધાં. પાસ વર્ડ લઈને બધું વાંચ્યું. નવ જાન્યુઆરીએ 2014ના રોજ પોલીસે તેમના ઘરે જ તેમની કલાકો સુધી પૂછપરછ કરી. અંતે નવમી મે 2014એ રસ્તામાંથી અપહરણ કરવામાં આવે તે રીતે, અથવા કોઈ આતંકવાદીને ચીલઝડપે ઝભે કરવામાં આવે તેમ, સાઈબાબાની ધરપકડ કરી. તેમની ઉપર માઓવાદીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો. એ જ રાત્રે તેમને વિમાનમાં નાગપુર અને ત્યાંથી પછી સેંકડો પોલીસોની ફોજ સાથે રોડ માર્ગે આહેરી લઈને પાછા નાગપુરની જેલના ભયંકર અંડા સેલમાં નાખવામાં આવ્યા. આ બધા ગાળામાં વ્હીલચેરને પુષ્કળ નુકસાન થયું. વ્હીલચેર વિના તેમને લઈ જવામાં આવતા અને આધાર વિના હલચલન કરવામાં તેમની કરોડરજ્જુને ભારે ઇજા પહોંચી.
લોકની વાત લઈને ભણવા-ભણાવવામાં ડૂબેલા રહેતા અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક સાઈબાબા 2014ના મે મહિનાથી કથળતી તબિયત સાથે નાગપુરની જેલમાં સબડ્યા. તેમને ખતરનાક ગુનેગારો માટેની હવા-ઉજાસ વિનાના અંડા સેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે કોઈ ન હતું. તેમને ચોપગા થઈને ઘસડાતા ઘસડાતા ટૉઇલેટ માટે જવું પડતું. તેમની કરોડરજ્જુ ખલાસ થવા લાગી હતી. જમણો હાથ તો ક્યારનો ય નકામો થઈ ચૂક્યો છે. અપંગ કેદીઓ માટેની જોગવાઈનો લાભ તેમને આપવાનો જેલના સત્તાવાળાએ ઇન્કાર કર્યો હતો. જેલ ડૉક્ટરે ઍન્જિઓપ્લાસ્ટીની જરૂરિયાત જણાવી હતી. તેમનાં મૂત્રાશય અને પિત્તાશયમાં પથરીઓ થઈ. સ્થાનિક અદાલતે તેમની જામીન અરજી ત્રણ વખત નામંજૂર કર્યા પછી ત્રીસ જુલાઈ 2015ના રોજ મુંબઈની વડી અદાલતે તેમને જામીન આપ્યા. અદાલતે જણાવ્યું કે આવી હાલતમાં સાઈબાબાને જામીન નકારવામાં અદાલત એમના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. જેલમાં તેમણે ગાલિબ અને ફૈજ પહેલી વાર તેમ જ માર્ક્સ અને લેનિન ફરીથી વાંચ્યા.
સાઈબાબા આંધ્રના અમલપુર જિલ્લાના નાના ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલા અને સફાઈકામદારોના વિસ્તારમાં ઉછરેલા છે. નાનકડી જમીન પણ તેમના સંપૂર્ણ અભણ પિતાએ દેવા હેઠળ વેચી દેવી પડી હતી. તેમના ઘરે વીજળી ન હતી. સાઈબાબાએ પાંચ વર્ષની ઉંમરે પોલિયોને કારણે પગ ગુમાવ્યા. વ્હીલચેર તો તે પચીસ વર્ષની ઉંમરે દિલ્હી પહોંચ્યા પછી વસાવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તે ગામની શાળામાં શિષ્યવૃત્તિઓ પર ભણ્યા. પૂર્વ ગોદાવરી જિલ્લાની કૉલેજમાં તે વિદ્યાર્થી સંગઠનમાં પણ જોડાયા. હૈદરાબાદમાં એમ.એ.ના અભ્યાસ માટેની ફી તેમનાં પત્નીએ ચૂકવી. વસંથા દસમા ધોરણથી તેમનાં પ્રેમિકા હતાં.
કૉલેજનાં બધાં વર્ષોમાં તેમણે ગદર, જન નાટ્યમંડળી અને સામાજિક નિસબત ધરાવતા લેખકો-બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ ચાલતા ઑલ ઇન્ડિયા પિપલ્સ રેઝિસ્ટન્સ ફોરમની કામગીરી પણ હાથ ધરી. કેટલાક સમય પછી તેના મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને પત્ની વસંથા અને દીકરી મંજિરાને હૈદરાબાદમાં મૂકીને દિલ્હી ગયા. પાટનગરમાં તેમની પ્રવૃત્તિ ઘણી વિસ્તરી. વૈશ્વિકરણ, નવસામ્રાજ્યવાદ, જાતિવાદ સામેની લડતોમાં તે જોડાતા રહ્યા. ઝારખંડ, આસામ, મણિપુર અને કાશ્મીરમાં માનવધિકારોના પ્રશ્ને રચાતી નાગરિક તપાસ સમિતિઓ સાથે પણ તે સંકળાતા રહ્યા. અભ્યાસ તરફ પણ ધ્યાન આપીને તે 2003માં રામ લાલ આનંદ કૉલેજમાં અધ્યાપક બન્યા. સાઈબાબા ક્યારે ય વર્ગ પડતો ન મૂકતા, તે ક્યારે ય મોડા ન પડતા. સાઈબાબા સાહિત્યને સોશ્યો-પૉલિટિકલ દૃષ્ટિબિંદુથી જુએ છે. તેમણે સાહિત્યમાં વંચિતો તરફની વિમુખતા વિશે લખ્યું છે. કબીર અને જનવાદી તમિલ કવિઓ પર તેમણે કામ કર્યું છે.
દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક તરીકે તે વિદ્યાર્થી-વિરોધી શૈક્ષણિક સુધારા તેમ જ આપખુદશાહી સામે લડતા રહ્યા છે. અપંગ અધ્યાપક માટેની જોગવાઈના હેઠળ યુનિવર્સિટી પરિસરમાં મળેલું ઘર છોડવા માટે દબાણ પણ આવતું રહ્યું છે. અદાલત તેમને ગુનેગાર ઠેરવે તે પહેલાં કૉલેજે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કૉલેજમાં તેમની પર હુમલા પણ થયા હતા. અલબત્ત અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંગઠનો તેમની સાથે પણ રહ્યા છે. તેમને છોડાવવા માટેની સમિતિ પણ રચાઈ છે. સાઈબાબાના ભાઈ ઉપરાંત તેમની પાછળ અડીખમ ઊભાં રહેનારાં પત્ની વસંથાએ ચૂકાદા પછી કહ્યું: ‘ઈસ ફાસિસ્ટ ગવર્નમેન્ટ ને હમારે સાથ ઐસા કિયા કી હમારી આંખમેં આંસુ નહીં આ રહે હૈ, આગ આ રહી હૈ.’
09 માર્ચ 2017
++++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 માર્ચ 2017
![]()

