આગામી બુધવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મક્કમ પ્રતિકાર કરનાર કેટલીક વીરાંગનાઓની ગાથા
દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહરે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી – ‘હું દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું અને હું એ.બી.વી.પી.થી ડરતી નથી’. અસહિષ્ણુતા અને કોમવાદથી ડહોળાયેલા દેશના અત્યારના માહોલમાં, સ્ત્રીઓ માટે વધુ જોખમી દિલ્હી જેવા શહેરમાં, પિતા વિનાની વીસ વર્ષની છોકરી આવી હિંમત દાખવે તે બિરદાવવાની બાબત છે. ‘મારા પિતાની હત્યા પાકિસ્તાને નહીં યુદ્ધે કરી છે’ એવું અનેક પોસ્ટ દ્વારા સમજપૂર્વક કહેવું એ ગુરમહેરનો રાષ્ટ્રદ્રોહ ગણાયો. પાકિસ્તાનના નવાઝ શરીફ સાથેની દોસ્તી રાખવી એ નરેન્દ્ર મોદીની રાજદ્વારી મુત્સદ્દેગીરી ગણાઈ. વિદ્યાર્થિનીના વિરોધીઓના બેવડાં અને બોદાં ધોરણો અહીં ખુલ્લાં પડે છે. ગુરમેહરને ઠીક ટેકો મળ્યો છતાં જાતીય સતામણીને કારણે તેને પીછેહઠ કરવી પડી એ હકીકત રહે જ છે.
પાછી નહીં પડનારી છે તે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની વિદ્યાર્થી નેત્રી શેહલા રશીદ. ગુરમેહરે એ.બી.વી.પી.નો જે વિરોધ કર્યો તેના કારણ સાથે શેહલા સંકળાયેલી છે. દિલ્હીની રામજસ કૉલેજમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારને એ.બી.વી.પી.એ અટકાવ્યો એટલે ગુલમેહરે આ સંગઠનનો વિરોધ શરૂ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)નો વાંધો સેમિનારમાં બે વ્યક્તિઓને બોલાવવા સામે હતો – ઉમર ખાલિદ અને શેહલા. બીજા દિવસે પરિષદના વિરોધમાં કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ કાઢેલી રેલી પર પરિષદે હુમલો કર્યો જેમાં શેહલા પર પથ્થર મારવામાં આવ્યો અને તેનો ફોન આંચકી લેવામાં આવ્યો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી સમાજશાસ્ત્રમાં લૉ અને ગવર્નન્સમાં એમ.ફિલ. કરી રહેલી શેહલા ખૂબ શક્તિશાળી યુવતી છે. ગયા વર્ષે રાજદ્રોહના આરોપ હેઠળ કન્હૈયા કુમાર, અનિર્બન અને ઉમરની થયેલી ધરપકડની સામે ચાલેલી ચળવળને તેણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તે પહેલાં ‘ઑક્યુપાય યુ.જી.સી.’ નામના બે મહિના ચાલેલાં વિદ્યાર્થી આંદોલનમાં પણ શેહલાનો મહત્ત્વનો ફાળો હતો. તેનાં ખૂબ પ્રભાવશાળી ભાષણો, મુલાકાતો અને લેખોમાં યુનિવર્સિટીઓની ખતમ થઈ ગયેલી સ્વાયત્તતા, શિક્ષણના વેપારીકરણ તેમ જ ભગવાકરણનો જોરદાર વિરોધ હોય છે. માનવ અધિકાર અને જુવેનાઈલ અન્ડરટ્રાયલ્સના જસ્ટીસ માટે તેણે તેના વતન કાશ્મીરમાં કામ કર્યું છે.
કાશ્મીરની ઝાઇરા વાસીમે આમીર ખાનના ‘દંગલ’માં કુસ્તીબાજ ગીતા ફોગટનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. તેને લઈને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તેને કાશ્મીરી જનતા માટેની રોલ મૉડેલ ગણાવી. તેનાથી ઉશ્કેરાયેલા અલગતાવાદીઓએ ઝાઇરા પર સોશ્યલ મીડિયામાં ખૂબ ત્રાસ ગુજાર્યો. તેને એવી પોસ્ટ મૂકવી પડી કે એને રોલ મૉડેલ ગણવામાં આવી તેને કારણે જેમની લાગણી ઘવાઈ તેમની એ માફી માગે છે અને એની આવી પ્રશંસામાં ખરેખર મોટા માણસોનું અપમાન છે. જો કે આમીરખાને ટેકો આપ્યા પછી એણે એ પોસ્ટ ઊતારી લીધી. કેન્દ્રના રમતગમતમંત્રી વિજય ગોયલે મોટાભા બનીને એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે હિજબ પહેરેલી સ્ત્રી તેમ જ પાંજરામાં કેદ સ્ત્રીવાળું એક ચિત્ર મૂક્યું અને કહ્યું, ‘આ ચિત્રની વાત ઝાઇરા વસીમને મળતી આવે છે. પિંજરા તોડકર હમારી બેટિયાં આગે બઢને લગી હૈ. મોર પાવર ટુ અવર ડૉટર્સ.’ ઝાઇરાએ જવાબ ફટકાર્યો, ‘સર, યોગ્ય આદર સાથે તમને જણાવું છું કે મારે આમાં અસંમતિ બતાવવી જ પડે. આવા અયોગ્ય વર્ણન સાથે મને ન જોડવા વિનંતી છે. હિજાબ પહેરેલી સ્ત્રીઓ ખૂબસૂરત અને આઝાદ હોય છે. વળી, આ ચિત્ર જે વાત કહે છે તે મારી બાબતમાં કોઈ પણ રીતે પ્રસ્તુત નથી.’ હિજાબ અંગેની ઝાઇરાની માન્યતા સાથે અસંમતી હોય તો પણ મંત્રીશ્રીને તેણે આપેલા સાફ જવાબમાં તેનો નવા જમાનાની ઔરત તરીકેનો મિજાજ દેખાય છે.
આવો જ મિજાજ ગયા વર્ષે આઈ.એ.એસ.માં પહેલા ક્રમે આવનાર દલિત પરિવારની ટીના ડાબીનો છે. ટીના અને બીજા ક્રમે આવનાર કાશ્મીરનો યુવક અથાર આમીર પ્રેમમાં પડ્યા, તેમણે એ જાહેર પણ કર્યું. આને ‘લવ જિહદ’ કહેનારા હિન્દુ મહાસભા જેવી માન્યતા ધરાવનાર સહુને ટીનાએ કહ્યું છે : ‘મારી નાત એક ધર્મના ન હોય તેવા વ્યક્તિની સાથે પ્રેમમાં પડીને જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એવી વાત થઈ રહી છે … પણ મારે કોઈને કંઈ સાબિત કરી બતાવવાનું નથી.’
ક્રિટિકલી વિચારનારી યુવા વિદ્યાર્થિની એક આખા દમનકારી કાયદાને કેવી રીતે દૂર કરાવી શકે તેનો દાખલો એટલે દિલ્હીની શ્રેયા સિંઘલ. દિલ્હી યુનિવર્સિટીની કાનૂન વિદ્યાશાખાની પચીસ વર્ષની વિદ્યાર્થિની શ્રેયાએ ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજિ ઍક્ટની કલમ 66એ વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખીને એ કલમને 26 માર્ચ 2015 ના રોજ રદ કરી. ઇંગ્લેન્ડની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી ખગોળભૌતિકની પદવી મેળવી ચૂકેલી શ્રેયાએ કહ્યું, ‘ મેં આ કલમને એ કારણસર પડકારી કે એના થકી મુક્ત ભાષા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો.’
કલાના માધ્યમથી અન્યાય અને અત્યાચાર, શોષણ અને દમન, વંચિતતા અને વર્ણવ્યવસ્થા સામે અવાજ ઊઠાનારા મુંબઈ-પુનાના ‘કબીર કલા મંચ’ના સહુ યુવા કલાકારોમાં મુખ્ય છે શીતલ સાઠે. તેમણે અને તેમના સાથીદારોએ જાગૃતિ અને વિરોધનાં ગીતો માટે મહારાષ્ટ્ર સરકારે જે જુલમ કર્યા છે તે અલગ લેખનો વિષય છે. જલંધરની ઓગણીસ વર્ષની ગુરકંવલ ભાટી ઉર્ફે ગિન્ની માહી તેની મંડળી સાથે રવીદાસ અને ડૉ. બાબાહેબ આંબેડકરના સંદેશ પહોંચાડતાં ગીતો ગાવાં માટે ખૂબ જાણીતી છે.
મોરબીની એક સિરામિક ફૅક્ટરિમાંના 111 બાળ મજૂરોને ગયા વર્ષે માર્ચ મહિનામાં છોડાવનાર કૉલેજ વિદ્યાર્થિની ઝરણા જોશીને યાદ કરવી જ પડે. બાવીસ વર્ષની ઝરણાએ બાળકોને છોડાવવા માટે ખુદ ફૅક્ટરિમાં બે મહિના નોકરી કરીને સ્ટિંગ કર્યું હતું. ત્રણ મહિના પછી ઝરણા પર હુમલો પણ થયો હતો. પુરુષો દ્વારા અત્યંત પાશવી અત્યાચાર પછી મોત સામે દેખાતું હતું ત્યારે પણ ‘મારે જીવવું છે’ એવો સ્પિરિટ રાખનાર જ્યોતિ સિંગ અર્થાત નિર્ભયાને કેમ ભૂલાય ? તેના મા-બાપ અને તેમને ટેકો આપનારા લાખો દેશવાસીઓના ન્યાય માટેના સંઘર્ષને કારણે બળાત્કાર વિરોધી કાયદો વધુ કડક અને પીડિતા તરફી બન્યો છે.
નિર્ભયા ઘટનાને પછી દેશભરમાં ચાલેલાં વલોણાને કારણે બળાત્કાર પીડિતા તરફ જોવાનો સમાજ, શાસકો, ન્યાયતંત્ર અને માધ્યમોનો નજરિયો કંઈક બદલાયો છે. બળાત્કાર વેઠ્યા પછી તૂટી ગયા વિના અપરાધીને સજા માટે લડનાર વીરાંગનાઓ, સર્વાઈવર્સ મહિલાઓને સો સો સલામું આપવી રહી. પારુલ યુનિવર્સિટીના નરાધમ સામે ફરિયાદ કરનાર સર્વાઇવર વિદ્યાર્થિનીની જિગર યાદ જ હોય. પણ કમનસીબે બીજી એક સર્વાઈવરની પણ વાત કરવાની થાય તે નાલિયાકાંડની. આ વાસનાકાંડની ગૂંચવણો હશે. તે છતાં ઓગણીસ વર્ષની આ યુવતીને બુધવારે આવનાર મહિલા દિન નિમિત્તે ધન્યવાદ આપવા જોઈએ. ખાસ તો એટલા માટે નાલિયાની આ નીડર બહેને જેની સામે અવાજ ઊઠાવ્યો હોવાનું બહાર આવ્યું છે તેમાંનાં કેટલાક, ‘બેટી બચાઓ’ના નારા આપ્યા કરનાર સત્તાધારી ભારતીય જનતા પક્ષની સાથે સંકળાયેલા છે.
2 માર્ચ 2017
+++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 માર્ચ 2017