Opinion Magazine
Number of visits: 9449344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરણાં અને શકોરાં, કામ અને કીર્તન, લોકો અને લાગણી થકી બદલાવ લાવનાર સમાજ સુધારક ગાડગે બાબા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 February 2017

લોકસેવાનાં દશવ્રત કરનાર  કર્મયોગી ગાડગે બાબાની આજે મહાશિવરાત્રીએ જન્મતિથિ છે

સંત તુકડોજી મહારાજ સાથે સંત ગાડગેજી મહારાજ

અમદાવાદના બાપુનગરમાં સંત ગાડગે બાબા ચોક છે. આ ગાડગે બાબા (1876-1956) એટલે મહારાષ્ટ્રના અજીબો-ગરીબ સમાજસુધારક સંત. ગામડાંમાં ફરતા રહેલા આ ફકીરે અરધી સદીથી વધુ વર્ષો દિવસે હાથમાં ઝાડુ લઈને જાહેર જગ્યાઓની સફાઈ કરી. રાત્રે તેમણે બિલકુલ લોકોની ભાષામાં કીર્તન કરીને તેમના દિલોદિમાગની  સફાઈ કરી. હજારોની મેદનીને ભગવાન મૂર્તિમાં નહીં પણ બધામાં છે, અને ભક્તિ કર્મકાંડમાં નહીં પણ દીનદુખિયાની સેવામાં છે એમ સોંસરા તર્કથી શીખવ્યું. દારુના વ્યસન અને પશુબલિની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની સમજ આપી. પોતાની દિવસરાત મહેનત દ્વારા તેમણે જનતાને શ્રમયજ્ઞ અને લોકફાળા માટે પ્રેરી. તેનાથી અનેક યાત્રાધામોમાં ગરીબો માટેની ધર્મશાળાઓ ઊભી કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં અસ્પૃશ્યો માટેની પહેલી જંગી ધર્મશાળા ઊભી કરી. ભૂખ્યાં માટે સદાવ્રતો, ઘરડાં અને ઘરવિહોણાં માટે આશ્રયસ્થાનો, પછાત ગણાતી કોમોનાં બાળકો માટે શાળાઓ તેમ જ છાત્રાલયો પણ ઊભાં કર્યાં. પ્રાણીઓ માટેની ઊંડી કરુણાને કારણે ગાડગે બાબાએ મરઘાં-બોકડા-પાડાનો ભોગ ધરાવવાની બદી સામે ઝુંબેશ ચલાવી, જેમાં તેમને જીવસટોસટના વિરોધનો સામનો કરવાના કિસ્સા બન્યા. ઢોરને કસાઈવાડે જતાં અટકાવવાં ગાડગે બાબાએ પાંજરાપોળો શરૂ કરાવી.

ગાડગેબાબાએ કઠોર ગરીબીનાં જે વ્રત પાળ્યાં તેનો જોટો નથી – માગીને લીધેલો અરધો રોટલો હાથમાં લઈને એક ખૂણામાં ભોંય પર બેસીને ખાવાનો, ચીંથરાંનાં કપડાં અને ગાભાંનાં જૂતાં પહેરવાનાં, માથે માટલાના ઠીકરાની ટોપી મૂકવાની, ફાટેલાં પાથરણાં પર સૂવાનું, ઝાડ નીચે કે ઝૂંપડામાં રહેવાનું, કલાકો સુધી અંગમહેનતનું કામ કર્યા વિના રોટલો માગવાનો નહીં, પોતાની મિલકત તરીકે ફક્ત માટીનું એક શકોરું રાખવાનું.

શકોરા માટેનો મરાઠી શબ્દ ‘ગાડગં’ તેના પરથી બન્યા ગાડગે બાબા. આમ તો તેમની અટક જાનોરકર, નામ ડેબૂ, જન્મ 23 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીએ પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના અમરાવતી જિલ્લાના શેણગાવમાં.પરિવાર ગરીબ ધોબીનો. દેબૂ આઠેક વર્ષનો હતો ત્યારે કંગાળ પિતા ઝિંગરાજીનું મૃત્યુ થયું. તેનું કારણ એ જમાનામાં ઘણા કિસ્સામાં જોવા મળતું – અંધશ્રદ્ધામાં સબડતા ગામડાંનાં લોકોને ધાર્મિક કુરૂઢિને નિમિત્તે દારૂની લાગેલી લત. પણ મરતી વખતે તેણે પત્નીને કુરિવાજ અને બંધાણથી બાળકને દૂર રાખવા તાકીદ કરેલી. દેબૂ તેના મોસાળના દાપુર ગામમાં મામાને ત્યાં ઊછર્યો. આશ્રિત તરીકે તેનાં મા સખુબાઈ સાથે એણે પુષ્કળ પરિશ્રમ કર્યા. ખેતર અને પશુધનનાં તમામ કામોમાં ભારે આવડત મેળવી. ભજન અને કીર્તનની કળા કેળવી. મામાને છેતરનાર શાહુકાર સાથે બાથ ભીડી. પણ પરિવારે નમતું જોખ્યું. તેનાથી આવેલી હતાશા અને મનની એક ચૈતસિક અવસ્થાના સંયોજને તેમને ઘરબાર છોડવા પ્રેર્યા. તે નાના, મા, મામા, પત્ની, બે દીકરી, એક દીકરાને છોડીને ચાલ્યા ગયા.

બાર વર્ષ દૂર સુધી રઝળપાટ કર્યો. ખાવાનું માગે, સામે કામ કરે. બગીચો સાફ કરે, જમીન સરખી કરે, ખડ-નિંદામણ કાઢે, લાકડાં ફાડે, બાવળિયા કાપે. અરધો જ રોટલો ખાય, પૈસા પાછા આપી દે. સવાલોના ગાંડા-ઘેલા જવાબ આપે. દિવસે ગામલોક મારઝૂડ કરે, પાગલમાં ખપાવે. પણ મોડી સાંજે મંદિરનું આંગણું સાફ કરીને મીઠા અવાજે ભજન ગાવાં લાગે, પછી કીર્તન શરૂ કરે. તેમાં કબીર આવે, જ્ઞાનેશ્વર આવે, ખાસ તો તુકારામ એમની જીભે રમે. તેમની બાનીમાં ચાબખાં હોય ને ચિની હોય, કટાક્ષ હોય ને કરુણા હોય.  લોક સાંભળતું જ રહે. મોડી રાત સુધી કીર્તન ચાલે. સવારે શોધે તો બાબા નીકળી ગયા હોય. રેલવેમાં જાજરૂ પાસે બેસીને ખુદાબક્ષ હોય. ટિકીટ ચેકરે કરેલું અપમાન સહન કરી લે, ઊતારી મૂકે તો ઊતરી જાય. એ ગામમાં રોકાણ, સફાઈ, મજૂરી,પાગલપન, કીર્તન.

જાતમહેનતથી મોટા પાયે શરૂ કરેલું લોકહિતનું પહેલું કામ તે વતનના વિસ્તારમાં આવેલ ઋણમોચન મુકામે પૂર્ણા નદી પર ઘાટ બાંધવાનું. ડેબૂજી ત્રિકમ-પાવડો-તગારું મેળવીને કામ કરવા લાગ્યા. સવારે કામ, રાત્રે કીર્તન. લોકો જોડાયા, દાન પણ આવતું ગયું. પછીનાં બધાં વર્ષોમાં તો મહારાષ્ટ્રભરમાં કામ ચાલ્યું. લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં. પણ બાબા અકિંચન જ રહ્યા. તેમના કુટુંબના કોઈ પણ સભ્યને તેમણે પોતાનાં અંગત કે જાહેર કામમાં કોઈ રીતે સ્થાન આપ્યું નથી. ઘરના તારણહાર ડેબૂનો ગાડગેબાબા બન્યા પછી ઘરના માણસો સાથેનો વ્યવહાર નિષ્ઠુર હતો તે મોટી વક્રતા ગણાય. 

ગાડગે બાબાના ધસમસતા કાર્યધોધમાં કરુણા, જાતમહેનત, નિસ્વાર્થવૃત્તિ, પ્રામાણિકતા, સમયપાલન, સુઘડતા, કરકસર જેવી બાબતો બહુ જરૂરી હતી. પૂરેપૂરા અભણ હોવા છતાં હિસાબ-કિતાબ, મોજણી-માપણી, ખોદકામ-બાંધકામ જેવાં અનેક કૌશલ તેમની પાસે હતાં. કલાકો સુધી મજૂરી કરવાની અને માઇલો ચાલવાની તાકાત લગભગ અંત સુધી ટકી. બાબા બહુ અસરકારક પત્રો લખાવતા. મદદનીશોને તે આકરી કસોટીથી પસંદ કરતા. અનુયાયીઓને પગે લાગવા દેતા નહીં, ફૂલહાર-પૂજાવિધિથી પર રહેતા. ‘હું કોઈનો ગુરુ નહીં, કોઈ મારો શિષ્ય નહીં’ એ તેમનું જાણીતું વાક્ય છે. જો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર એમને ગુરુ જેવું માન આપતા. બાબાસાહેબે ધર્મપરિવર્તન કરતાં પહેલાં એમની સલાહ લીધી હતી. તે પૂર્વે કાયદા મંત્રી એવા આંબેડકર ખૂબ માંદા પડેલા ગાડગે બાબાને ચૌદ જુલાઈ 1949 ના દિવસે મુંબઈના દાદરમાં  મળ્યા અને પંઢરપુરની ધર્મશાળાનો કાર્યભાર સોંપ્યો. એ વખતે બાબાએ આંબેડકરને કહ્યું, ‘આપ શીદને મળવા આવ્યા ? આપનો સમય બહુ કિમતી છે. તમારો હોદ્દો કેટલો મોટો છે.’ આંબેડકરે ભાવુક થઈને કહ્યું હતું : ‘બાબા અમારો અધિકાર બે દિવસનો. કાલે ખુરશી પરથી ઊતરીએ એટલે કોણ પૂછે ? આપનો અધિકાર અજરામર છે.’

પંઢરપુર ધર્મશાળાનું કામ ચાલી રહ્યું હતું તે 1920 ના અરસામાં ગાડગે બાબાને મળેલા ભિક્ષુ અખંડાનંદે તેમના કામથી પ્રભાવિત થઈને વીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. બાબા તેમના ચાહક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બાળાસાહેબ ખેરના આગ્રહથી ફૈજપુર કૉન્ગ્રેસ અધિવેશનમાં ગયા હતા અને ત્યાં સભાના પરિસરની સફાઈનું કામ માગ્યું હોવાની નોંધ મળે છે.

ગાડગે બાબા પરનાં બારેક મરાઠી પુસ્તકોમાં સહુથી પહેલું ચરિત્ર બાળ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે પાસેથી મળે છે. ગુજરાતીમાં સર્વોદય કાર્યકર્તા ગોકુળભાઈ ભટ્ટનું ‘દિવ્યાત્મા ગાડગે મહારાજ’ (નવજીવન,1982) વાંચવા મળે છે. આઠમી નવેમ્બર 1956ના રોજ તેમણે મુંબઈના વાંદ્રામાં કરેલું છેલ્લું કીર્તન યુટ્યુબ પર છે. ગાડગે બાબા પર બનેલી એક ફિલ્મનું નામ છે ‘ડેબૂ’ (2010). શ્વેતશ્યામ ફિલ્મનું નામ બાબાએ લોકપ્રિય બનાવેલાં ભજન પરથી રાખવામાં આવ્યું છે – ‘દેવકીનંદન ગોપાલા’ (1977). તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રીરામ લાગુએ લખ્યું છે: ‘સમાજવાદી વિચારસરણી ધરાવતા આ લોકસેવકનું જીવનચરિત્ર આજના ઐયાશીવાદી અને આત્મકેન્દ્રી બની રહેલા સમાજ માટે જરૂરી લાગે છે.’

ગાડગેબાબાના દશવ્રત હતાં : ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ઉઘાડાને વસ્ત્ર, અભણને ભણતર, બેઘરને ઘર, રોગીને ઓસડ, બેરોજગારને રોજગાર, પશુપક્ષીને અભય, ગરીબ છોકરા-છોકરીનાં લગ્ન, હતાશને હિમ્મત.

સ્વચ્છ ભારત અભિયાનના આડંબર અને ગંદા ગૉડમેનો પાછળના ગાંડપણના જમાનામાં સાવરણાં અને શકોરાંની સનદ લઈને આવેલા ગાડગેબાબા આ દેશના સફાઈકામના આદર્શ  હોઈ શકે.

22 ફેબ્રુઆરી 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 ફેબ્રુઆરી 2017

Loading

25 February 2017 admin
← નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં
દમાદમ મસ્ત કલંદર : સૂફી ધમાલ પર સલાફીની સનક →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved