છેલ્લા કેટલાક વખતથી, જુદી જુદી પુસ્તિકાઓ, ફેઇસ બુક પર ચોંટાડતાં લખાણો, ભારતમાં જોયેલ ટી.વી.પરના કાર્યક્રમો તેમ જ સમાચારો તથા કેટલાક દસ્તાવેજી કાર્યક્રમો જોવાને પરિણામે, એક ખાસ્સું લાંબુ કહી શકાય તેવું આ લખાણ તૈયાર થયું છે. આની પાછળ ઠીક ઠીક વાંચન, મનન અને માહિતી એકઠી કરવાનું બન્યું તેથી મને તો ફાયદો જ થયો છે. વાચકને ક્વચિત થાય.
− આશા બૂચ
-1-
મોગલ સામ્રાજ્યની ભારતને દેણગી
આજ કાલ ઘણા લોકો પાસે એવું સાંભળવા મળે છે કે ભારતમાં હાલમાં પ્રવર્તતી કોમી અશાંતિના મૂળ મોગલ શાસનના કાળથી રોપાયાં, હિન્દુ સમાજના ઘણા કુરિવાજો ત્યારથી શરૂ થયા અને ભારતીય સંસ્કૃિતનું અધઃ:પતન મુસ્લિમોને હાથે થયું. એટલે સહેજે સવાલ થાય કે મોગલો ભારત આવ્યા ન હોત તો? તો ભારતનો રાજકીય અને કોમી ઇતિહાસ કદાચ જુદો હોત કે શું?
ઇતિહાસનાં દરેક પાનામાં લખાયેલા એકે એક શબ્દનું અર્થઘટન ભારતભૂમિ પર આક્રમણ કરીને સ્થાયી થયેલ મોગલ રાજવંશની વિરુદ્ધ કે તરફેણમાં ઘટાવી ન શકાય. એક તટસ્થ દ્રષ્ટિકોણથી સિંચાયેલ વિશ્લેષણ જ ઇતિહાસની ઘટાનાઓ વિષે સાચી સમજણ પૂરી પડી શકે; જેની અત્યારે તાતી જરૂર છે. અહીં થોડી હકીકત પર આધારિત રૂપરેખા આપીને આ ઐતિહાસિક ઘટનાને સમજવાની કોશિશ કરીએ.
આ મુદ્દાને લઈને બે વિચાર પ્રવાહ પ્રચલિત છે. એક પ્રવાહ મુસ્લિમ પ્રજા, ઇસ્લામ ધર્મ અને ભારતના ભાગલાને હાલની કોમી તંગદિલી માટે જવાબદાર ગણાવે છે, અને જ્યાં સુધી ‘એ લોકો’ એટલે કે પાકિસ્તાનની સરકાર અને ભારતમાં વસતા મુસ્લિમો નહીં સમજે ત્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે તેમ કહી પગ વાળીને બેસી ગયા છે. જયારે બીજો પ્રવાહ મુસ્લિમોને ગુનેગાર અને ઇસ્લામને હલકો પાડવાવાળાઓને ખોટા ઠેરવવાની પેરવીમાં મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ અને ક્યારેક તો તેમના પક્ષપાતી થઈને તેમનો બચાવ કરતા જોવા મળે છે. આ બન્ને વલણ કોઈ તટસ્થ અને વ્યવહારુ દ્રષ્ટિ ન કેળવી શકે માટે આપણે બંને કોમનો ઇતિહાસ અને સમયાંતરે તેમના દ્વારા થયેલ સત્કૃત્યો કે દુષ્કૃત્યોની વાત વસ્તુલક્ષિપણાને ધ્યાનમાં લઈને કરીએ.
મોગલોનું આગમન:
ભારતમાં શિક્ષણ મેળવેલ નાગરિકો માટે શાળા-મહાશાળાઓમાં પાઠ્યપુસ્તકો દ્વારા મળેલ માહિતી અને અન્ય સાહિત્યિક સ્રોત મારફત મળેલ મંતવ્યો તેમનાં જ્ઞાનનો મૂલાધાર બની રહે એ ન્યાયે ઇતિહાસના વર્ગોમાં ભણાવાયેલ વિગતોને યાદ કરીને જોઈએ તો મૂળે પર્શિયાનો મુસ્લિમ ચાટગાઈ તુર્કો મોંગોલ વંશ તે મોગલ વંશ તરીકે ઓળખાયો જેનું સામ્રાજ્ય તેના ચડતીના કાળમાં હાલના ભારતથી અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું. બાબર હતો તૈમુરનો વંશજ, જેનો માતૃપક્ષ જેંગીઝખાનના વારસો હતા. તે મધ્ય એશિયામાંથી તડીપાર થયો એટલે ભારત તરફ સફળતા શોધવા આવ્યો. અફઘાનિસ્તાનથી ખૈબર ઘાટ થઈને બાબર પાણીપત આવ્યો. ઈ.સ. 1526માં દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને પાણીપતના જંગમાં હરાવ્યાથી મોગલ વંશના પગરણ ભારતમાં થયેલ ગણી શકાય. પણ માત્ર લડાઈથી વિજયી બનેલ એ રાજાને મળેલ ખજાનો તેનું શાસન પચાવી ન શક્યું. બાબરના પુત્ર હુમાયુંને તેના વિરોધીઓએ પર્શિયા તગેડી મુક્યો અને ત્યારે એ રાજવંશનો ભારત પરનો અંકુશ નબળો પડેલો. પછી તો ઈ.સ. 1556માં તેનો પુત્ર અકબર ગાદીએ આવ્યો અને ત્યારથી મોગલ સામ્રાજ્યનો વિધિસર આરંભ થયો કહી શકાય. અકબર અને જહાંગીરના શાસનકાળમાં ભારત વર્ષમાં આર્થિક પ્રગતિ ટોચ પર પહોંચી, ધાર્મિક સંવાદિતાના સૂરો રેલાયા તથા કળા અને સ્થાપત્યમાં બેનમૂન વિકાસ સધાયો જેની ચિરકાલીન અસર રહી જવા પામી. તે સમયના ખુદ મુસ્લિમ રાજાઓને સ્થાનિક ધર્મ અને સંસ્કૃિતમાં ગહેરી દિલચસ્પી હતી. અકબરે રાજપૂત રાજાઓ સાથે રાજકીય જોડાણો કરેલાં, પોતે હિન્દુ રાજકુમારી જોધાબાઈને પરણ્યો એ સર્વ હકીકતો જાણીતી છે. અકબરે રાજનીતિ ઉપરાંત મુત્સદીગીરી અપનાવી. ગોદાવરી નદીથી ઉત્તર સુધીનો તમામ ભાગ કબજે કર્યો, યુરોપ સાથે વેપારી કરારો કર્યા અને સ્થિર છતાં મજબૂત અર્થ વ્યવસ્થા ઊભી કરી. તેણે જ તો દરેક પ્રજાજનને પોતાના ધર્મના પાલનની છૂટ આપી. ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે નિયમિત વાર્તાલાપો કરવાની પ્રથાના મંડાણ કરેલાં જેને પરિણામે તેણે ‘દિને ઇલાહી’ ધર્મની સ્થાપના કરવાની પ્રેરણા મળી, જે સર્વ ધર્મ સમાવેશી હોવાને કારણે મહદ અંશે માનવ ધર્મ સાથે સમાનતા ધરાવે છે. અકબરે એ નવા ધર્મ દ્વારા રાજકીય અને સાંસ્કૃિતક મતભેદો હલ કરવા કોશિશ કરેલી.
મોગલોનું રાજ્ય વહીવટ અને અન્ય ક્ષેત્રોમાં પ્રદાન:
એ થઈ મોગલ સામ્રાજ્યના શ્રીગણેશની વાત, હવે જોઈએ તેમની વહીવટી નીતિ. મોગલ સામ્રાજ્યે સ્થાનિક સામાજિક જીવનમાં દખલગીરી ન કરી પણ નવી વહીવટી પદ્ધતિઓ અમલમાં મૂકીને રાજ્ય અને સમાજ જીવન વચ્ચે સંતુલન જાળવ્યું. કહોને કે પોતાના પ્રજાજનોને સંતુષ્ટ રાખ્યા, એટલું જ નહીં, મુલકના શાસનમાં બધી કોમના લોકોને સામેલ કર્યા અને એ રીતે એક વ્યવસ્થિત, સુદ્રઢ અને કેન્દ્રીય શાસન આપ્યું. એ કાળ દરમ્યાન જ મરાઠા, રાજપૂત, પશ્તુન, જાટ અને શીખ પ્રજાને લશ્કરી ફૌજ અને વહીવટી વ્યવસ્થામાં સ્થાન મળ્યું જે તે પહેલાં કદી નહોતું બન્યું. રાજકીય ક્ષેત્રે જોઈએ તો એક એવું કેન્દ્રીય સરકારી માળખું ઊભું થયેલ કે જેના હેઠળ ઘણા નાનાં નાનાં રાજ્યો સંગઠિત થયેલાં. આરબ અને ટર્કીશ દેશો સાથે વ્યાપારી સંબંધો બંધાયા હોવાને કારણે નવા રસ્તાઓ અને વહાણવટાના માર્ગો ખુલ્યા.
મોગલ સ્થાપત્ય અને કલા, ખાન-પાન અને ભાષા:
મોગલોની અન્ય ક્ષેત્રની દેણગી પર પણ નજર નાખીએ. શાહજહાં(ઈ.સ. 1628-1685)નો કાળ ભારતનો સ્થાપત્ય માટેનો સુવર્ણ યુગ ગણાય છે, જેણે આગ્રાનો તાજ મહેલ, મોતી મસ્જિદ, દિલ્હી અને આગ્રાના લાલ કિલ્લા, જામા મસ્જિદ, લાહોર કિલ્લા વગેરે જેવા અપ્રતિમ સ્થાપત્યના નમૂનાઓ પૂરા પાડયા. વળી હુમાયુંની કબર, ફત્તેહપુર સિક્રી અને દિલ્હી-આગ્રાના લાલ કિલ્લા ઉપરાંત લાહોર, જયપુર, શૈખપુરા, કાબુલ અને ઢાકા વગેરે સ્થળોએ અદ્દભુત સ્થાપત્યના નમૂનાઓ બંધાવ્યા જે આજના યુગના ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં આવેલા છે. ત્યાર બાદ રાજપૂત અને સીખ શાસન દરમ્યાન બંધાયેલ મહેલો અને ઇમારતો પર પણ મોગલ સ્થાપત્યની અસર જોવા મળે છે. ભારતની કલા-સંસ્કૃિત સાથે પર્શિયન કલા-સંસ્કૃિતનો સમન્વય કર્યો જેના ફળસ્વરૂપ સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય ક્ષેત્રે એક અનોખી વૈવિધ્ય ભરી સાંસ્કૃિતક ભાત ઉપસી આવી. તે સમયે પ્રચલિત થયેલ મોગલાઈ ખાણું આજે પણ મૂળ ભારતીય પ્રજા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે, એટલું જ નહીં પણ વિદેશોમાં પણ લોકપ્રિય બન્યું છે. મોગલ સલ્તનતની સહુથી મોટી અસર ભારતીય ભાષાઓ પર પડી. તેમની વહીવટી ભાષા પર્શિયન હતી, જેનું કાળક્રમે ઉર્દૂએ સ્થાન લીધું અને આજે ભારતની અનેક પ્રાંતીય ભાષાઓ પર અરેબિક અને ટર્કીશ ભાષાઓની અસર જણાય છે.
મોગલ સમયની ચિત્રકળા પર અજંતાની શૈલીની અસર દેખાય છે તો વળી રાજપૂત અને પહાડી શૈલીમાં મોગલ કલાની છાપ વર્તાય. એમ તો ઝવેરાત, કાપડ ઉદ્યોગ અને કાચનાં વાસણો બનાવવાં પર મોગલોની અસર કેમ ભુલાય? તે ઉપરાંત રમત-ગમત વગેરેમાં પણ મોગલોનું સરાહનીય પ્રદાન અવગણી શકાય નહીં.
એવું જ એક બીજું ઉદાહરણ સંગીત ક્ષેત્રનું લઈએ. મોટા ભાગના મુસ્લિમ સંગીતકારો મૂળે હિન્દુ હતા. હાલમાં ‘નવનીત સમર્પણ’ માસિકમાં સ્વ. ઉસ્તાદ અલાઉદ્દીનખાંનું આત્મકથન આ હકીકતને ખૂબ સહજ રીતે ચિત્રિત કરી બતાવે છે. આથી જ તો તેમણે સરસ્વતી અને ગણેશ વંદના કરવી, ગુરુ-શિષ્ય પરંપરાને અનુસરવી અને રામ તથા કૃષ્ણની ભક્તિ વ્યક્ત કરતી ઘરાના પદ્ધતિ ચાલુ રાખી હતી. તે સમયના રાજાઓ ઉત્તમોત્તમ ગાયક-વાદકોને આશરો આપતા. મોગલ સંગીત રસિયાઓએ સંસ્કૃતમાં રચાયેલ કેટલાંક સંગીત શાસ્ત્રોનો પર્શિયનમાં અનુવાદ કરેલા, તો પર્શિયન સંગીત, કાવ્ય પદ્ધતિ અને લલિત કલાઓ ભારતીય પ્રજાએ આત્મસાત કરી લીધેલ. આમ શા માટે બન્યું હશે? આમ તો ભારતીય નાટ્યશાસ્ત્ર એટલું પુરાણું અને વિકસિત હતું અને ચિત્ર, સંગીત અને સ્થાપત્ય પર એવી ઘેરી અસર કરનારું હતું કે અન્ય કલા પ્રકારની અસર ઓછી થાય. હવે નોંધવાની બાબત તો એ છે કે ઇસ્લામમાં તો સંગીત-નૃત્ય શીખીને અન્ય સામે રજૂ કરવું બાધ્ય છે એટલે મુસ્લિમ રાજ્યકર્તા માત્ર શાસ્ત્રીય કલાને તેના મૂળ સ્વરૂપમાં સાચવી રાખવા સિવાય કશું કરી ન શક્યા. મુસ્લિમ સંગીત પ્રેમીઓમાંના કેટલાક પોતે એ કળા શીખ્યા, કેટલાકે ઉત્તમ કલાકારોને પોતાને ત્યાં આશ્રય આપ્યો અને એટલે જ કદાચ ભારતીય શાસ્ત્રીય સંગીત સદીઓ સુધી નભ્યું અને વિકસ્યું. સ્વ. બિસ્મિલ્લાખાને એક મુલાકાતમાં કહેલું કે જો મુસ્લિમો માટે આ રીતે સંગીતની સાધના કરીને જાહેરમાં પ્રદર્શિત કરવી ધર્મમાં બાધ્ય ગણાતી તો પણ આટલી મોટી સંખ્યામાં આટલી ઉચ્ચ કક્ષાના કલાકારો પેદા થયા, તો જો એવો બાધ ઇસ્લામ તરફથી ન હોત તો શું થાત? જો કે નૃત્ય કલા નાચનારીઓના કોઠા અને મંદિરની દેવદાસીઓ પૂરતું મર્યાદિત થઇ ગયું. રાજકીય અને ધાર્મિક મર્યાદાઓ સંગીતકારો અને કલાપ્રેમીઓને સાંકડી દ્રષ્ટિમાં પરોવીને બે કોમને વિભાજીત કરતા વાડાઓમાં બાંધી ન શકી એટલે શાસ્ત્રીય સંગીત અને નૃત્ય હિન્દુ અને મુસ્લિમ બંને કોમની દેણ છે એમ કહી શકાય.
આમ ભારતીય પ્રજાજીવનના અનેકવિધ પાસાંઓ પર નોંધપાત્ર પ્રદાન અને અસર કરનાર મોગલ સામ્રાજ્યનો ઔરંગઝેબના શાસન દરમ્યાન ભૌગોલિક વિસ્તાર ખૂબ વધ્યો. અંતે શિવાજી ભોસલેના સૈન્યનાં પુનરુત્થાનથી મોગલ શાસનની પડતી શરૂ થઈ. ઔરંગઝેબનું રાજ્ય 102 મિલિયન ચોરસ માઈલના વિસ્તારમાં વસતી 150 મિલિયન પ્રજા પર પથરાયેલું હતું જે તે સમયે દુનિયાની ¼ વસતી હતી. એ સામ્રાજ્યની કુલ ઘરેલુ ઉત્પાદનની આવક એ કાળે 90 બિલિયન ડોલરથી પણ વધુ હતી. આવી સમૃદ્ધિનો તાગ આજના માપે માપવો મુશ્કેલ છે.
મોગલ સામ્રાજ્યનું અર્થકારણ:
મોગલ સલ્તનત સમયના આર્થિક લાભ ગણાવીએ તો કહી શકાય કે તે કાળે રસ્તાઓની જાળ એવી ગૂંથાઈ કે ઉદ્યોગ-વેપાર વિકસ્યા અને સમાન ચલણી નાણાંને લીધે સમૃદ્ધિ વધી. જો કે એમ તો સુવર્ણ કાળમાં પણ કેટલા ય રાજવંશોના અમલ દરમ્યાન એક ચલણી નાણું હોવાને પ્રતાપે જીવનના દરેક ક્ષેત્રે વિકાસ અને પ્રગતિનો પ્રલંબ સમય આવેલો. મોગલ સમયના હસ્તોદ્યોગની ઉપજ અને રોકડીયા પાક આખી દુનિયામાં વેચાતા. વહાણ બાંધકામનો ઉદ્યોગ તત્કાલીન યુરોપની સરખામણી કરી શકે તેવો વિકસ્યો. દરિયાઈ રસ્તે કાપડ અને સ્ટીલનો વેપાર થતો. ટૂંકમાં મોગલોએ ઈ.સ. 1590માં બંગાળ પર વિજય મેળવ્યો ત્યારથી માંડીને ઈ.સ. 1757માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તા હાથ કરી ત્યાં સુધી મોગલ સામ્રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું.
*
-2-
મોગલ સામ્રાજ્ય-સિક્કાની બીજી બાજુ
મોગલ શાસન પ્રત્યે આમ જનતાની લાગણી:
પહેલા લેખમાં જોયું તેમ મોગલોનું ભારતના રાજકારણ, સાહિત્ય, સ્થાપત્ય, કલા, ખાન-પાન, વહીવટ અને અર્થકારણમાં મહત્ત્વનું પ્રદાન હતું તે નિર્વિવાદ છે; આમ છતાં સામાન્ય ભારતીય નાગરિકના મતે મોગલો ક્રૂર, દમનકારી અને ધાર્મિક ઝનૂની હોવાને કારણે કાફીરોની હત્યા કરનાર પ્રજા હતી. પરંતુ રાજકીય હેતુસર ભૂમિ વિસ્તાર માટે લડાઈઓ કરવા સિવાય ઉપરોક્ત માન્યતાને પુષ્ટ કરે તેવા ઐતિહાસિક પુરાવાઓ નથી મળતા. ખરું જુઓ તો અકબર સહિતના મોટા ભાગના મોગલ શહેનશાહો ભારતમાં જ જન્મેલા, છતાં મુસ્લિમ હોવાને કારણે બહારના ગણાયા. તેની સામે એવી દલીલ કરી શકાય કે તો પછી વેદો હાલના અફઘાનિસ્તાનમાં રચાયેલા, તો એને સાંપ્રત ભારત નિવાસી હિન્દુ લોકોએ પોતાના ધર્મગ્રંથ કેમ માન્યા? જમણેરી હિન્દુત્વવાદી મત ધરાવતી શાળાઓમાં ભણાવાતા ઇતિહાસ મુજબ બાબર અણગમતો હતો કેમ કે તેણે આક્રમણ કર્યું, હુમાયું નબળો અને બિનઅસરકારક હતો. તેઓના માટે એક અકબર જ ઉદાર મત ધરાવતો ઉત્તમ રાજા હતો. જહાંગીરને પણ સારો રાજા માનવામાં આવતો. શાહજહાં રાજય શાસન માટે નહીં પણ એક કલાકાર-કલારસિક તરીકે વધુ ખ્યાતિ પામ્યો. ઔરંગઝેબ સહુથી વધુ દુષ્ટ અને ક્રૂર રાજા તરીકે કુખ્યાતિ પામ્યો. કદાચ એની દેણગી રૂપે આજે પણ ભારતની હિન્દુ-મુસ્લિમ પ્રજા ઝઘડે છે. મોગલો આવ્યા તે પહેલાં પણ દિલ્હી સલ્તનત મુસ્લિમ રાજાઓના હાથમાં હતી એ કેટલાને ખબર છે? મોગલ રાજ્યનાં મૂળિયાં જમાવતાં પાંચસો વર્ષ થયાં (ઈ.સ.712-ઈ.સ. 1206) અને તેનું પતન થતાં દોઢસો વર્ષ (ઈ.સ. 1707-ઈ.સ.1857) થયાં. હા, 13મીથી 17મી સદીના પાંચસો વર્ષ મોટા ભાગનું ભારત મોગલોના શાસન તળે હતું, પણ આખો દેશ ક્યારે ય એ સામ્રાજ્યના તાબામાં નહોતો. અને છતાં એ પાંચસો વર્ષમાં રાજકારણ અને સંસ્કૃિત પર એ પ્રજાની અસર પડી. સાતમી સદીથી શરૂ થયેલ સાંસ્કૃિતક આદાન-પ્રદાનની પ્રક્રિયા 12મી સદીમાં વધુ મજબૂત બની. અને છતાં હજારેક વર્ષ સુધી સાથે રહ્યા હોવા છતાં હિન્દુ-મુસ્લિમ પ્રજા પોતપોતાની અલગ જિંદગી જીવ્યા, જાણે કે એકબીજા સાથે ઘનિષ્ઠ નાતે જોડાયા નહીં. આમ કેમ થયું?
હિન્દુ – મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય માટેના સંભવિત પરિબળો:
ઇસ્લામના ઉદ્દભવથી માંડીને અત્યાર સુધી ઘટેલી ઘટનાઓનું નિરીક્ષણ કરતાં એવું તારણ નીકળી શકે કે ઇસ્લામ ધર્મ સારી ય માનવ જાતને ઇસ્લામમાં શ્રદ્ધા ધરાવનાર મુસ્લિમ અને એમાં શ્રદ્ધા ન ધરાવનાર કાફિરમાં વિભાજીત કરે છે, અને એ બે વચ્ચે સમાન અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ન હોઈ શકે એમ માને છે. કાફિરો માટે મુસ્લિમ પ્રજા સાથે જીવવાનો વિકલ્પ માત્ર ધર્મ પરિવર્તન, ગુલામી કે મૃત્યુ જ હોઈ શકે. ભૂતકાળમાં કુરાને શરીફ અને હદીસ હાથમાં લઈને સારાય ભારતને ઇસ્લામનો અંચળો ઓઢાડવા મુસ્લિમોએ અનેક આક્રમણો કરેલાં તેમાં રાજકીય સફળતા મળી એમ કહી શકાય પણ ધર્મ પરિવર્તન કરાવી પૂરેપૂરા દેશને પોતાના કબજા હેઠળ લાવવામાં ફાવ્યા નહીં। ભારત ન તો ઈરાન કે લીબિયાની માફક મુસ્લિમ દેશ બની ગયો કે ન તો અન્ય ક્રિશ્ચિયન દેશોની માફક એ ધર્મને કે તેના અનુયાયીઓને ફગાવી દઈને દુષ્મની વહોરી લીધી જેથી ભારત ભૂમિ પર મુસ્લિમો કાયમ માટે રહ્યા છતાં હિંદુઓ પોતાનો ધર્મ અને સંસ્કૃતી જાળવી શક્યા। કદાચ આથી જ તો ભારતમાં મુસ્લિમ શાસન, તે દરમ્યાન આમ પ્રજાએ સાધેલી સિદ્ધિઓ અને નિષ્ફળતા, એ શાસનના ફાયદાઓ અને તે દરમ્યાન ઘટેલી દુર્ઘટનાઓ, એક તરફથી ધાર્મિક ઝનૂનનો જુવાળ તો બીજી તરફથી ધર્મ નિર્પેક્ષતાના પ્રસાર વગેરે વિષે અભ્યાસ કરવાની આ દેશમાં પૂરેપૂરી તક છે.
મોગલ સામ્રાજ્યનું ઇસ્લામિક રાજ્ય તરીકે મૂલ્યાંકન કરવા બેસીએ તો ઇસ્લામ ધર્મને પણ જાણવો-માપવો પડે કેમકે તે સમયનું રાજ્ય ધર્મ દ્વારા સંચાલિત હતું, તેથી ધર્મ અને રાજ્યને એકબીજાથી જુદા પાડવા મુશ્કેલ છે. આથી જ તો મોગલ સામ્રાજ્યનું વિશ્લેષણ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. એક બાજુ હિન્દુ પ્રજાને મુસ્લિમ કોમ પ્રત્યે ભારોભાર કડવાહટ છે તો બીજી બાજુ બંને કોમને સમાન સંસ્કૃતીનો અહેસાસ પણ છે. હિન્દૂ-મુસ્લિમ ગંગા-જમની તહઝીબ, બંને સંસ્કૃતી વચ્ચે થયેલું આદાન-પ્રદાન અને સહિયારો વારસો એટલો તો ઊંડો અને ઘેરો છે કે તેનાં બધાં પાસાંને આવરી લઈને મોગલ સામ્રાજ્યની દેણગી વિષે વિવરણ કરવું અશક્ય છે. વળી મૂળે તો મુસ્લિમ પ્રજા અન્ય દેશોમાંથી આવીને સ્થાયી થયેલ એટલે અને ઘણા મૂળે હિન્દુ એવા લોકોએ ધર્મ પરિવર્તન કરેલું તેથી મૂળ વતનીઓ અને વિજેતા પ્રજાજનો વચ્ચેની પરસ્પરની સાંસ્કૃતીક અસરો ખૂબ મિશ્રિત રહી હતી.
સહુ જાણે છે કે ઇસ્લામ બૂત પરસ્ત નથી. આરબ, તુર્ક અને મોગલ રાજાઓ ભારત ભૂમિ પર આક્રમણ કરીને પ્રવેશ્યા ત્યારથી માંડીને આજ સુધી મંદિરોને મસ્જિદ, ઇદગાહ, દરગાહ, સરાઇ, મઝાર, મદ્રેસા કે મકતાબામાં ફેરવી નાખ્યા. આમ તોડફોડ કરી તેને બદલે ગામમાં એ પૂજા સ્થાનોની બાજુમાં અથવા અન્યત્ર એ જ ઇમારતો બંધાવી હોત તો બે કોમ વચ્ચે વૈમનસ્ય ઓછું થાત. આ રીતે ધર્મના પવિત્ર સ્થળોનો ધ્વંસ કરવાથી દેશના મૂળ વતનીઓ અને હિન્દુ કોમના લોકો માટે એક સહુથી વધુ દુઃખ આપનાર ઘટના બની રહી. વધારામાં માત્ર લડાઈ કરીને અન્ય રાજ્ય પર કબજો લેવાના સમયે જ નહીં શાંતિના ગાળામાં પણ મંદિરો ભાંગ્યા, તો એવું વર્તન કઈ રીતે ન્યાયી ઠેરવી શકાય? શું અલ્લાહે આવો વિનાશ કરવા આદેશ આપેલો? આ વિષે મુસ્લિમ લોકો કોને પૂછવા જાય? તેમના રાજવંશના ધુરંધરો ફિરોજશાહ તઘલખ, સિકંદર લોધી, શાહજહાં, ઔરંગઝેબ અને ટીપુ સુલતાન બધા એ વિધ્વંસમાં ભાગીદાર હતા. મુસ્લિમોની મસ્જિદ-દરગાહો અન્ય ધર્મી લોકોએ તોડી હોત તો એમની લાગણીઓ દુભાઈ હોત કે નહીં? ઇસ્લામ એ શાંતિનો પૈગામ આપનારો ધર્મ છે એમ તેના અનુયાયીઓ કહે છે તો તેમણે હવે એ હકીકત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો અમલ કરીને સારા ય વિશ્વ સમક્ષ સાબિત કરવાનો સમય આવી ગયો છે. અન્ય ધર્મો પણ મૂર્તિપૂજામાં નથી માનતા, તો શું તેઓએ મૂર્તિપૂજકોનો વિનાશ કર્યો છે? મુસ્લિમો દ્વારા અન્ય ધર્મના પૂજા સ્થાનોનો વિનાશ થયો એ બહુ ખોટું થયું છે. મોહંમદ પયગંબરના સમયથી શરૂ થયેલ આવી વિધ્વંસક પ્રવૃત્તિ આજ સાતસો વર્ષ પછી પણ ચાલુ રહી છે. જે કોઈ કોમ, દેશ કે ખુદ પોતાના જ ધર્મના વાડાઓ સાથે તેમને સંઘર્ષ થાય તે પ્રજાના ધાર્મિક અને સાંસ્કૃિતક ધરોહર સમાં જ્ઞાન સભર પુસ્તકો, પુરાતત્વના નમૂનાઓ, ઇમારતો બધું જ ધ્વસ્ત કરી દેવાનો તેમનો રવૈયો રહ્યો છે. અન્યના સાંસ્કૃિતક વારસાને કે જે વિધ્વંસ કરનારાઓએ બનાવ્યો ન હોય તેનો નાશ કરવાનો તેમને શો અધિકાર હોઈ શકે? કયો ધર્મ બીજા ધર્મના અનુયાયીઓ કે તેની ધાર્મિક કે સાંસ્કૃિતક સંપદાનો નાશ કરવાનું શીખવે છે? તો ધર્મને નામે આવું દુષ્કૃત્ય કરી જ કેમ શકાય?
ભારતમાં પ્રસરેલ હિન્દુ-મુસ્લિમ તંગદિલી માટે એક બીજું પરિબળ પણ ધ્યાનમાં લેવું રહ્યું. માની લો કે મૂર્તિ પૂજા અને કર્મકાંડ વ્યક્તિને ઈશ્વરની સાચી ઓળખ ન આપી શકે એમ કેટલાક લોકો માનતા હોય તો એવા શ્રદ્ધાળુ લોકોને તેમાંથી બહાર લાવવા હોય તો તેમના પ્રત્યે પ્રેમ, કરુણા અને સમજાવટનો રસ્તો જ એ કામ પૂરું પડી શકે, નહીં કે હથોડા, બંદૂક કે ગન. હિન્દુ મંદિરોમાંની મૂર્તિઓ સાથે તેમની શ્રદ્ધાને પણ ખંડિત કરવાથી ખુદ મુસ્લિમો પ્રત્યે નફરત વધી જે હજુ આજે પણ મૌજુદ છે. મોગલ સામ્રાજ્ય દરમ્યાન બંધાયેલ તમામ જગ વિખ્યાત ઇમારતો હિંદુઓને પણ ગૌરવ અપાવે, પણ તેની પાછળ થયેલ મંદિરોનો ધ્વંસ અને એ બાંધનાર મજૂરો પર થયેલ અત્યાચારની કથા જોડાયેલ ન હોત તો હિન્દુ માનસને આટલું ઊંડું દુઃખ ન પહોંચ્યું હોત. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના સ્થાને જ બાબરી મસ્જિદ બંધાયેલ તેવો વિવાદ જાગ્યો અને હિન્દુઓએ તેનો બદલો લેવા બાબરી મસ્જિદ તોડી પાડી ત્યારે મુસ્લિમ કોમ કેવી દુઃખી થયેલી? જો કે મારી નમ્ર માન્યતા છે કે અયોધ્યામાં એ સ્થળે રામ મંદિર ખરેખર બંધાયેલું કે નહીં તેના પુરાતત્વીય સાબિતી અથવા લેખિત પુરાવા ન મળે ત્યાં સુધી બાબરી મસ્જિદ બંધાઈ તેનો વિરોધ જ અસ્થાને ગણાય. અને જો મસ્જિદ બંધાઈ જ ગઈ હોય તો તેને ખંડિત કરવાનું કૃત્ય હિન્દુ પ્રજાને પણ મુસ્લિમો જેવી જ ઝનૂની પૂરવાર કરે છે. ખેર, એ દુર્ઘટના પરથી મુસ્લિમોએ વિચારવું રહ્યું કે બાબરી મસ્જિદના ધ્વંસ કરતાં અનેકગણો વિનાશ અન્ય ધર્મના પવિત્ર સ્થળોનો ધ્વંસ તેમને હાથે થયેલો તો હિન્દુ ધર્મના લોકોને તેથી કેટલો આઘાત લાગ્યો હશે? આથી જ સંભવ છે કે મોગલ સ્થાપત્યો માટે આજે પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે મિશ્ર લાગણી પ્રવર્તે છે.
કોઈ પણ દેશમાં વસતા બે કે તેથી વધુ ધર્મો વચ્ચે સુમેળ ન સધાય અને શાંતિ પૂર્ણ સહઅસ્તિત્વ ન સ્થપાય તો સમજવું કે બંને પક્ષે સહિષ્ણુતા અને સામંજસ્યનો અભાવ છે. ઇસ્લામના પક્ષે હિન્દુઓનું ધર્મ પરિવર્તન અને તબલીઘ એ બીજું અપકૃત્ય ગણાવી શકાય. મુહમ્મદ બિન કાસીમ ઈ.સ. 712માં સિંધ આવેલો. તેણે અને મુહમ્મદ ગઝનવી તથા બીજા અનેક રાજાઓએ ભારતની સામાન્ય પ્રજાને અનિચ્છાએ ધર્મ પરિવર્તન તરફ ધકેલી. માત્ર યુદ્ધ સમયે નહીં પણ શાંતિના કાળમાં પણ ધર્મ પરિવર્તનનો દૌર ચાલુ રહેતો. કાશ્મીરથી મૈસુર, ગુજરાતથી બંગાળ જિહાદના નામે ફરજિયાત ધર્મ પરિવર્તન વણથંભ્યું પ્રસરતું રહ્યું. આ ઘાવ હિન્દુ માનસમાંથી ક્યારે ય નહીં રૂઝાય. સવાલ એ થાય કે તેની પાછળ એ પ્રજાનો શો ઉદ્દેશ્ય હતો? ઇસ્લામના પ્રચાર માટે જો તેમની આ જદ્દોજહદ હતી તો પ્રશ્ન પૂછી શકાય કે પાક પરવર દિગારે એ કાર્ય શાંતિમય માર્ગે કરવાનું ફરમાન નહોતું આપ્યું? કુરાનમાં લખેલું હોય તે પ્રમાણે જ કરાય? લખ્યા બારુ કશું ન કરાય? જો એ માનવ અધિકાર વિરુદ્ધ હોય તો પણ?
એક વાત સ્પષ્ટ પણે સમજાય એવી છે કે ઇસ્લામ ધર્માન્તરમાં માનનારો ધર્મ છે એટલે વિજેતા રાજાઓ, રાજકર્તાઓ, ધનિકો, મૌલવીઓ, વેપારીઓ અને સૈનિકો પણ એક યા બીજી રીતે ધર્મના પ્રચારાર્થે ઝઝૂમ્યા. આમ છતાં જે લોકોએ સ્વેચ્છાએ કે અનિચ્છાએ ધર્મ પરિવર્તન કરેલું તેઓ કયાંયના ન રહ્યા. પરિવર્તન કરેલ મુસ્લિમોને પોતાના જૂના ધર્મ અને સંસ્કૃિત માટે અનુરાગ હતો તેથી પોતાની જીવન રીત બદલી નહીં છતાં મૂળ હિન્દુઓએ તેમને ન સ્વીકાર્યા કે ન તો તેઓ ઇસ્લામિક જગતમાં પૂરતા માન સાથે મુસ્લિમ કોમના સભ્ય ગણાયા. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ કે જેમણે ઇસ્લામ સ્વીકારેલો તેઓ પોતાને મળતા લાભ જતા ન કરવા ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરવાના બનાવો બન્યા, જ્યારે નીચલી જ્ઞાતિના પરિવર્તન કરી ગયેલા મુસ્લિમો પોતાના જ ગામમાં જુદા વિસ્તારમાં રહ્યા. ઇસ્લામ જાણે કે હિન્દુ ભારતનું એક અંગ બની રહ્યું. ભારતમાં વસતા મુસ્લિમો પોતાના બાપ દાદાઓની રહેણીકરણી, પોશાક, ખાન-પાન અને તહેવારોની ઉજવણીને અનુસરે અને તેમની કલા-સંસ્કૃિતને જીવંત રાખે તેવું હજુ આજે પણ જોવા મળે છે એનાથી સ્પષ્ટ થાય છે કે ધર્મ બદલી શકાય, પણ સંસ્કૃિત ન બદલે. સંસ્કૃિતનાં મૂળ, તેને માટેનો લગાવ અને જીવન સાથેની તેની સાંઠ ગાંઠ ઘણી જ મજબૂત હોય છે.
*
-3-
ભારતમાં મુસ્લિમોનું ભાવિ:
હવે આજે એકવીસમી સદીમાં મુસ્લિમોની પરિસ્થિતિ સારા ય વિશ્વમાં બદલાઈ છે. અત્યારે ભારતીય મુસ્લિમ પ્રજા પણ વધુ રૂઢિગત ઇસ્લામ તરફ વળી છે અથવા તેમને એમ કરવાની ફરજ પડી છે. દરેક ધર્મને જે તે દેશના સ્થાનિક સમાજ, પર્યાવરણ અને પરંપરાની અસર થકી જ છે હોય અને ઇસ્લામ પણ તેમાંથી બાકાત નથી. પૂર્વ યુરોપના ક્રિશ્ચિયન લોકો ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન સામે ચાલીને ઇસ્લામના અનુયાયી બની ગયેલા પણ એમણે જીવન પદ્ધતિ તો યુરોપિયન જ રાખી. ભારતમાં ભારતીય જીવન પદ્ધતિ પ્રમાણે જીવનારને પૂરા ધાર્મિક મુસ્લિમ માનવાનો ઇન્કાર કરી દેવાયો. જો એ બાબતને વિવાદાસ્પદ ન બનાવી હોત તો ધાર્મિક મેલજોલ સ્થાપવામાં મદદ થઈ હોત કે જે ભારતની તો પરંપરા છે. વર્તમાન યુગમાં ભારતના ઉચ્ચ વર્ગના શિક્ષિત મુસ્લિમો બીજાને ‘પક્કા મુસલમાન’ બનવા પ્રોત્સાહિત કરે છે. આ પ્રક્રિયાને તબલીઘ કહે છે. તબલીઘની ચળવળ પાછળ અર્ધ પરિવર્તન કરેલા પોતાના મૂળ ધર્મ તરફ ફરી ન આકર્ષાય એ ભયની સાથે એમને અરેબિક છાપ ઇસ્લામ તરફ ઘસડી જવાનો મક્કમ નિર્ધાર પણ કામ કરે છે. હવે હાલમાં અરબ દેશોમાં ધાર્મિક કટ્ટરવાદ પ્રસર્યો છે એટલે ભારતીય મુસ્લિમોની યાત્રા ક્યાં અટકશે એ સમજાય તેવું છે.
આ હકીકતના સંદર્ભે તબલીઘ અને ગુજરાતના મુસ્લિમોની વાત કરીએ. ગુજરાતનો મોલીસ્લામ શબ્દ મૌલા-એ-સાલિમ પરથી આવ્યો, જેનો અર્થ છે જેના પર ઇસ્લામની મહોર છે તેવા. અત્યારે એ લોકોને હિન્દુ જીવન રીત છોડીને પક્કા મુસ્લિમ બનાવવાની ચળવળ ચાલે છે. જ્યાં સુધી સાંસ્કૃિતક મેલ-જોલ હતો ત્યાં સુધી વિભિન્ન ધર્મો વચ્ચે પણ સહઅસ્તિત્વ શક્ય હતું; હવે સંસ્કૃિતને નામે અલગ થવાની પેરવી થઈ રહી છે, એટલે એક જ ધર્મમાં ય એખલાસ ટકાવવો અને સહઅસ્તિત્વ જાળવી રાખવું મુશ્કેલ બનવા લાગ્યું છે. 18મી/19મી સદીના તબલીઘી શાહ મુહમ્મદ રામઝાનને ભાન થયું કે ધર્મ પરિવર્તન કરી-કરાવી શકાય પણ સંસ્કૃિતનું પરિવર્તન અસંભવ છે. આજે ‘મુસ્લિમો તેમને ઘેર પાકિસ્તાન પાછા ચાલ્યા જાય’નો શોર બકોર કરનારા આ હકીકત સમજી શકે તેવા ક્યાં છે? મહમ્મુદ ગઝનીના આક્રમણ અને ધર્મ પરિવર્તન બાદ એક હજાર વર્ષે પણ ભારતીય મુસ્લિમ કેમ હિન્દુની જેમ રહેતા એ તે સમજી ન શક્યો, એથી તેણે બધા ભારતીય મુસ્લિમોને ઇસ્લામના સામાજિક રીત રિવાજો અને સાંસ્કૃિતક નિયમો પાળવાની અરજ કરી; કહોને કે એ એક રીતે શારિયા લૉ તરફની જ કૂચ હતી. હજુ આજે પણ આવા લોકો તબલીઘી માટે સક્રિય છે. અને તેથી જ તો હિન્દુ અને મુસ્લિમ બંને કોમે પોતપોતાના ધર્મનો સાચો મર્મ સમજીને પરસ્પરને સમજાવવાનો સમય પાકી ગયો છે.
આજે નવેસરથી કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી જગન્નાથપુરી ઇસ્લામની ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલે છે, જે સમાજમાં તણાવ પેદા કરે છે. 1989માં લેહમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સંભાળી લડાખના બુદ્ધિસ્ટ લોકોને આઘાત લાગેલો. સદીઓથી બુદ્ધિસ્ટ અને મુસ્લિમ લોકો સુલેહથી રહેતા આવ્યા હતા, અંદરોઅંદર લગ્ન પણ થતાં. તેમાં પદ્ધતિસર બુદ્ધિસ્ટ પ્રજાને ઇસ્લામ અંગીકાર કરવાની ફરજ પાડવાથી એ મુલકની કોમી શાંતિ જોખમાઈ. તો સવાલ એ થાય કે ઇસ્લામને અનુસરનારાઓ શા માટે ધર્મ પરિવર્તન કરાવે છે? પોતાના ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો કરવા? તેથી શો ફાયદો થાય? આજે જેટલા મુસ્લિમો દુનિયા આખીમાં છે તેનાથી શું તેઓ ઉત્તમ કાર્યો પાર ન પાડી શકે?
ધર્મ પરિવર્તન અને શોષણના જુદા જુદા તબક્કાઓ હોય છે. પહેલાં જાહેરમાં અથવા ભેદી કે ગુપ્ત માર્ગે બિન મુસ્લિમને મુસ્લિમ બનાવાતા હોય છે અને ત્યાર બાદ તેવાઓને ખરા મુસ્લિમથી ઉતરતા અને નીચા માનવામાં આવે છે. ધર્મ પરિવર્તન કરેલાઓની આર્થિક સ્થિતિ સુધારવાના કોઈ પ્રયાસ જ ન થાય. હવે એમાંના મોટા ભાગના હિંદુઓ તો નીચલા વર્ગ/જ્ઞાતિના હતા તેથી તેઓ તો ધર્મ પરિવર્તન બાદ પણ એની એ જ સ્થિતિમાં રહ્યા. ઇસ્લામનો મૂળ હેતુ જ ધર્મ પરિવર્તન દ્વારા અને અમર્યાદ જનસંખ્યાના ખ્યાલને પોષીને ઇસ્લામના અનુયાયીઓની સંખ્યા વધારવાનો છે એવી એક માન્યતા કેટલાક હિંદુઓમાં પ્રચલિત છે. અધૂરામાં પૂરું મુસ્લિમ આગેવાનો સામાન્ય પ્રજામાં તેમના બાપ દાદાના સમાજ, સંસ્કૃિત, ધર્મ અને ખુદ એ ભૂમિ માટે પણ અભાવ-પરાયાપણાની લાગણી ઉશ્કેરે છે. તો ભારતની સહુથી મોટી સંખ્યાની લઘુમતી શાંતિથી એ ધરતી પર શી રીતે જીવી શકશે?
જે તે દેશમાં વસતા મુસ્લિમો પોતાના પ્રશ્નો તે તે દેશના નિયમો અને કાયદાઓને અનુસરીને સુલઝાવતા હતા ત્યારે અમન ચેન બંને પક્ષે રહેતું હતું, પણ જ્યારે સ્થાનિક પરિસ્થિતિનો તોડ લાવવા અન્ય ઇસ્લામિક દેશો પ્રત્યે આંખ મંડાય અને આખા ખલકની મદદ માંગે એટલે તેમની વફાદારી માદરે વતનને બદલે અન્ય દેશ માટે કામ કરતી થાય. આમ થવાથી પોતાના જ દેશબાંધવો પ્રત્યે મુસ્લિમ પ્રજા આક્રમક અને હિંસક બને અને તે દેશના અન્ય નાગરિકો માટે અળખામણા બની બેસે છે અને આ સ્થિતિ માત્ર ભારતમાં જ બને છે એવું નથી, પણ જે જે દેશમાં મુસ્લિમો વસે છે ત્યાં પેદા થઈ છે. ભારત માટે તો કદાચ મોગલ સામ્રાજ્યની આ સહુથી મોટી દેણગી છે તેમ હાલની પરિસ્થિતિમાં પ્રવર્તતી અશાંતિ જોતાં સામાન્ય જન માનવા લાગે એ શક્ય છે.
દુનિયા આખીમાં મુસ્લિમો ધાર્મિક કટ્ટરવાદી વલણ માટે વગોવાઈ રહ્યા છે. આ મનોવલણને કારણે મૂર્તિભંજક, ધર્માન્તર કરનારા, તબલીઘ અને વધુને વધુ સંખ્યામાં લોકોને મુસ્લિમ બનાવી દેવા જેવા અંતિમવાદી વિચારો અને આચારો કેટલાક મુસ્લિમોના આચરણમાં પ્રતીત થાય છે. જ્યારે કોઈ પણ સમૂહ તેના રૂઢિચુસ્ત માળખા તરફ પાછો વળે તેને કોઈ સંસ્કૃિતનું મૂલ્ય નથી રહેતું એટલું જ નહીં તેને અન્યની સંસ્કૃિતનાં ચિન્હોનો નાશ કરીને પોતાનો ધર્મ બીજા પર ઠોકી બેસાડવામાં જ રસ રહે છે. ઇસ્લામના ઉદ્ભવના સમયથી જ જે રીતે ધર્મ પરિવર્તન કરાયાં, અન્ય ધર્મીઓના ધર્મસ્થળો અને કલાધામો, ગ્રન્થો અને શિલ્પ સ્થાપત્યનો નાશ કરવામાં આવ્યો અને ધર્મને નામે જે હિંસા આચરવામાં આવી રહી છે તેને કારણે ઇસ્લામ ધર્મ પ્રત્યે તે ખરેખર શન્તિ પ્રિય ધર્મ છે કે નહીં તેવી દહેશત ઊઠી રહી છે.
આ ફન્ડામેન્ટાલિઝમ શબ્દનો અર્થ જરા તપાસીએ. ઓક્સફર્ડ શબ્દકોશ મુજબ fundmentalism = inerrancy of scripture (પોતાના ધર્મના પવિત્ર ગ્રન્થમાં પ્રબોધેલ આદેશોનું શબ્દશ: પાલન) એટલે કે પારંપરિક અને જૂનવાણી વિચારો અને માન્યતાઓ સાચવવા આધુનિકતાનો વિરોધ કરવો એવો અર્થ કેટલાક મુસ્લિમોએ કર્યો. આ ફન્ડામેન્ટાલિઝમ શબ્દ હિન્દુ અને મુસ્લિમ બંને કોમના મનોવલણો માટે ય વપરાય છે. ફન્ડામેન્ટલ એટલે આમ તો પાયાનું, મૂળભૂત, કે પ્રાથમિક. ખરેખર તો હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો ઝનૂની હોઈ શકે પણ ફન્ડામેન્ટલિસ્ટ તો મુસ્લિમ કે ક્રિશ્ચિયન ધર્મના લોક જ હોઈ શકે તેવી આપણી માન્યતા છે. મુસ્લિમ પ્રજાની દ્રઢ માન્યતા છે કે અલ્લાહ એ જ એક ઈશ્વર છે અને મોહમ્મદ તેનો પયગંબર છે. આ માન્યતાથી કોઈ ચ્યુત ન થઈ શકે. કુરાનનો દરેક શબ્દ અલ્લાહ દ્વારા મોહંમદને કહેવાયેલો છે તેથી તેમાંનો એક પણ શબ્દ બદલાવી કે સુધારી ન શકાય, ખુદ પયગંબર પણ ન કરી શક્યા. આથી જ તો કાયદાઓના કોઈ સ્થાનીય રૂપને તેઓ નથી અનુસરતા કે જે કાલ અને સ્થળ સંબંધિત હોય છે. જયારે હિન્દુ ધર્મમાં દરેક બાબતો માટે પ્રશ્ન પૂછી શકવાની ગુંજાઈશ છે, દરેક પ્રકારની ધાર્મિક માન્યતાઓ, વિચારધારાઓ અને વિવિધ આચાર-વિચારોનું સહઅસ્તિત્વ માન્ય છે. મુસ્લિમ દેશમાં રહો તો ઇસ્લામિક કાયદો સર્વોપરી હોય એટલે બિનમુસ્લિમોને કોઈ નાગરિકતા ન મળે સિવાય કે તેઓ એ ધર્મ પાળે. એ દેશમાં તમે જઝિયા વેરો ભરો તો જિંદગી સલામત રહે. આવું બંધિયારપણું જ તે ધર્મને અન્ય ધર્મોથી અલગ પાડે છે.
જાણીતા ઇતિહાસવિદ ઝિયાઉદ્દીન બરાની, ઈબ્ન બતૂત અને વિદ્યાપતિએ મુસ્લિમોના હિંદુઓ પ્રત્યેના અપમાનજનક વલણ અને વર્તનની નોંધ ઇતિહાસને પાને નોંધી છે. એક સમય એવો હતો કે હિન્દુ ધર્મ ઇસ્લામ જેવો જ સારો છે તેમ કહેનારને મોતની સજા થતી. આજે હવે ઇસ્લામ ધર્મ હિન્દુ ધર્મ જેવો જ ઉમદા છે તેમ કહેનારને જીવનું જોખમ રહે ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં હાલમાં મુસ્લિમ વિરોધી લાગણી બળવત્તર બનતી જાય છે. જો એમ જ થાય તો હિન્દુ અને મુસલમાનમાંથી સંકુચિત માનસ ધરાવનાર પ્રજા તરીકે કોણ ચડિયાતું ગણાય?
*
-4-
મોગલ સામ્રાજ્યનો અંત – વિભાગીકરણનો પ્રારંભ
મોગલ સામ્રાજ્યની પડતી:
મોગલોની ભારત પરના શાસનકાળમાં વિકસેલી તાકાત અને વિસ્તારનો વ્યાપ નકારી શકાય તેમ નથી, તો આવા ખમતીધર શાસનની પડતી શાથી થઈ એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે. વહીવટી અને આર્થિક વ્યવસ્થામાં પેઠેલી નબળાઈને કારણે એ સામ્રાજ્યમાં આંતરિક ભંગાણ પડ્યું. શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ અકબરની માફક ઉદારમત ધરાવતો હતો, સર્વધર્મ સમાવેશી નીતિમાં માનનારો હતો. એ ઈ.સ. 1656માં મોગલ શાસનનો કારભારી બન્યો. પરંતુ તેનો મોટો ભાઈ ઔરંગઝેબ કે જે ઇસ્લામની જૂનવાણી વિચારધારા સાથે સંકળાયેલ હતો. સત્તાલાલચુ હોવાને કારણે ઔરંઝેબે 1659માં દારા શિકોહને હરાવી, તેનો શિરચ્છેદ કરી, પિતા શાહજહાંને કારાગારમાં કેદ કરી પોતે સત્તા પર આવ્યો. તેના સમયમાં લગભગ આખું દક્ષિણ એશિયા ગળી ગયો અને સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો પણ તેના પોતાના ધર્મ વિશેના રૂઢિવાદી વિચારો અને અન્ય ધર્મ પ્રત્યેના અસહિષ્ણુ વલણને પરિણામે મોગલ સામ્રાજ્યની સ્થિરતા જોખમાઈ. આથી જ તો 1707માં જયારે ઔરંગઝેબ મૃત્યુ પામ્યો ત્યારે ઘણા બળવા થયા. આવા આંતરિક વિખવાદને પરિણામે 18મી સદીની મધ્યમાં મરાઠાએ પંજાબથી બંગાળ સુધીનાં રાજ્યો પોતાના તાબામાં કબજે કરી લીધાં. બંગાળ, અવધ અને હૈદરાબાદના નવાબો તથા નિઝામે પોતાને મોગલ સામ્રાજ્યથી સ્વતંત્ર જાહેર કર્યા. નાદિર શાહના સૈન્યથી કરનાલની લડાઈમાં પરાસ્ત થયેલ મોગલ સલ્તનત ભાંગ્યું. છેવટ બહાદુર શાહ બીજા પાસે માત્ર શાહજહાંબાદ રહ્યું. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની મોગલ સલ્તનતના અવશેષોનો કબ્જો લઇ બેઠું. આ હકીકત પરથી દુનિયાના કોઈ પણ શાસકોએ એ વાતની નોંધ લેવી રહી કે પોતાના શાસનને મજબૂત રીતે ટકાવી રાખવા અર્થ વ્યવસ્થા સબળ હોવી જોઈએ, પક્ષ અને સરકારી તંત્રમાં એકમતી હોવી જોઈએ અને સહુથી મોટી વાત એ કે એકહથ્થુ સત્તા હોય, તાનાશાહી હોય કે લોકશાહી હોય, તેઓ જો કોઈ પણ ધાર્મિક અને તેમાં ય ધર્મના જુનવાણી વિચારો તરફ ઢળે તો તેમનું એ વલણ જે તે શાસકની પડતીનું કારણ બની રહેવા સંભવ છે.
ભારતના ભાગલા:
મુસ્લિમ રાજાઓના આગમન, શાસન, પ્રગતિ અને પડતીની વાતો જોઈ, હવે થોડા નિકટના ભૂતકાળ પર નજર કરીએ. મોગલ સામ્રાજ્યનો મૃત્યુઘંટ 19મી સદીમાં વાગ્યો. ભારતીય મુસ્લિમોને અહેસાસ થયો કે એ લોકોએ હિંદુઓને સમાન ગણી તેમણે મુકેલી શરતો માન્ય રાખીને જ આ દેશમાં રહેવું પડશે એટલું જ નહીં પણ હિંદુઓ બહુમતી સંખ્યક હશે એટલે તેમના આધિપત્ય હેઠળ રહેવું પડે જે તેમને માન્ય નહોતું. અંગ્રેજો બહુ અલ્પ સંખ્યામાં ભારત આવેલા જેથી તેમના શાસનમાંથી છુટકારો મળ્યો ત્યારે તેમની હાલત આ મુસ્લિમ લોકો કરતાં સાવ અલગ હતી. 18મી સદીમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ મોગલ શાસન કર્તાઓને વાસ્તવિક પરિસ્થિતિનો ખરો ખ્યાલ આવ્યો કે તેમના શાસનનું ખરું તંત્ર તો હિન્દુઓના હાથમાં હતું, કેમ કે એ લોકો શક્તિશાળી અને ઉદ્યમી હતા અને મુસ્લિમોની દશા દયાજનક હતી. આથી ભાગલા પડયા પછી ખરો ધન વૈભવ હિન્દુઓના ભાગે આવ્યો જ્યારે મુસ્લિમોને ભાગે મુખ્યત્વે ગરીબી આવી. મુસ્લિમોની પરિસ્થિતિ એવી ગંભીર થઈ ગયેલી કે મરાઠાઓના આધિપત્યને ખાળવા અફઘાન રાજા અહમદ શાહ અબદાલીએ સૂફી વિદ્વાન શાહ વાલિઉલ્લાહને મુસ્લિમોની મદદે આવવા અરજ કરેલી કેમ કે તેમને ડર હતો કે મુસ્લિમો ઇસ્લામના ઉસૂલો ભૂલી જશે અને તેમને બિન મુસ્લીમોથી જુદા નહીં તારવી શકાય.
19મી સદીમાં અલીગઢ ઇસ્લામિક સ્કૂલ ઓફ પોલિટિક્સના નવાબ વીકર ઉલ મુલ્કે કહેલું, “આપણે ભારતની વસતીનો પાંચમો ભાગ છીએ. જો બ્રિટિશરો ભારત છોડી જાય તો આપણે હિન્દુઓના રાજમાં રહેવું પડે જ્યાં આપણી જિંદગી, માલ મિલકત, સ્વમાન અને ધર્મ જોખમમાં આવી પડશે.” આવી દહેશત ફેલાવવાથી બંને કોમ વચ્ચે ભાગલા પાડવાનું સરળ બન્યું જેનું પરિણામ દેશના વિભાજનમાં આવ્યું અને મોટે પાયે સ્થળાંતર તેમ જ કત્લેઆમ થઈ. સ્વતંત્રતા મળ્યા બાદ મુસ્લિમોનો આ ભય સાચો ન ઠરે એ માટે ભારતીય સરકાર, પ્રજા અને સામાજિક તેમ જ આર્થિક વ્યવસ્થા તંત્રે કયા પગલાં લીધાં એ વિચારવું રહ્યું. લિયાકત અલીખાને લોર્ડ વેવેલ પાસે ભૂમિનો બટવારો કરવાની માંગણી કરી તેની સાથે સત્તાના પણ ભાગલા થયા. જે મુસ્લિમ પ્રજા અફઘાન રાજા અને બ્રિટિશ શાસન હેઠળ હિંદુઓ સાથે રહી તે સ્વતંત્રતા બાદ હિંદુઓ બહુમતી સંખ્યક હોવાને કારણે અખંડ ભારતમાં રહીને પોતાનો વિકાસ સાધવા તૈયાર નહોતી. બંને કોમ વચ્ચે અવિશ્વાસનાં બીજ એક વટવૃક્ષ બની જડ ઘાલી બેઠાં.
મહમ્મદઅલી જીન્હા માનતા કે જે દિવસે પહેલા હિન્દુને મુસલમાન બનાવાયો તે દિવસથી પાકિસ્તાનના બીજ રોપાઈ ચુક્યા હતા. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો આ પરિસ્થિતિ માટે મોહંમદ બિન કાસીમે સિંધ કબજે કરેલું તે ઘટનાને જવાબદાર ગણાવે છે. મોગલ શાસન દરમ્યાન મુસ્લિમોનો પગદંડો વધુ જામ્યો પણ બ્રિટિશ રાજ્યે બે અલગ દેશ રચવાની બંને કોમની ઈચ્છાને સાકાર કરી. જંબુ દ્વીપના નામ સાથે જે દેશ અસ્તિત્વમાં આવેલો તે ભારત ઈ.સ. 1947 સુધી ક્યારે ય ધર્મના પાયા પર ભૌગોલિક રીતે વિભાજીત નહોતો થયો. સ્વતંત્રતાની એ ઐતિહાસિક પળે માત્ર દેશના ભૌગોલિક ભાગલા જ ન થયા પણ કદી હલ ન થઈ શકે એવી વિભાજન તરફી લોકોની ચળવળ હંમેશ માટે ઊભી થઈ જેથી ભારતની એકતા અને પ્રતિભાને કાયમનું જોખમ રહ્યું.
કોમી રમખાણો:
ભારતમાં હિન્દુ-મુસ્લિમ કોમી રમખાણો એ કંઈ નવીન પરિસ્થિતિ નથી, આમ છતાં સ્વતંત્રતા પછી તેનો રંગ વધુ લાલ બન્યો ભાસે છે. આમ તો મુસ્લિમો ભારત ભૂમિ પર આવ્યા ત્યારથી કોમી તંગદિલી અને નાના મોટા સંઘર્ષ તો થયા કરતા. એમ તો બધા આક્રમણ કરનારાઓ હારેલી પ્રજાનું શોષણ કરે અને તેમનું દમન કરે. કોઈ પણ રાજા રાજ્ય વિસ્તાર કરે એટલે હિંસા થાય જ. પણ સહુથી વધુ ભયાનક હિંસક ઘટનાઓ ભારતના વિભાજન સમયે બની. એક હકીકત સમજવી રહી કે મુસ્લિમ શાસન દરમ્યાન ભારતમાં કોમી રમખાણો થયાનું ઇતિહાસને પાને નોંધાયું નથી. તેનાં બે કારણ હોઈ શકે, એક તો મુસ્લિમ તાકાતનો જવાબ હિંદુઓ એમના શાસન દરમ્યાન ન આપી શકત અને બીજું એવા રમખાણો બીજી રાજકીય ચળવળોથી અલગ પાડવા મુશ્કેલ હતા. મુસ્લિમ શાસન દરમ્યાન એમનું આધિપત્ય રહે અને હિંદુઓ દબાયેલા રહે તે સ્વાભાવિક છે. જ્યારે બિનમુસ્લિમો સાથે લડાઈ ન ચાલતી હોય ત્યારે શિયા-સુન્ની એક બીજાને કાફીર કહીને અંદરોઅંદર લડતા કેમ્ કે આક્રમક અને હિંસક માનસ લડયા વિના શાંત રહે જ નહીં. જો કે હિન્દુ સમાજ જ્ઞાતિના પાયા પર વિભાજીત છે એટલે સવર્ણો અને અન્ય નિમ્ન ગણાતી જ્ઞાતિઓ તેમ જ આદિવાસીઓ વચ્ચે હજુ સુધી આંતરિક સંઘર્ષ ચાલ્યા કરે છે તે આપણે ક્યાં નથી જાણતા? મુસ્લિમો વિષે વિચાર કરીએ તો આજે પણ ઈરાન, ઇરાક, સીરિયા અને આરબ સ્પ્રિંગને નામે કુખ્યાત થયેલ સંઘર્ષો કંઈ બે ધર્મો વચ્ચે નથી ઊભા થયા, કિન્તુ એક જ ધર્મની બે વિચારધારાઓ અને આંધળી માન્યતાઓ વચ્ચે ખેલાય છે જેથી કરીને એક જ ધર્મના લોકો વધુ જાન ગુમાવે છે, વિસ્થાપિત થાય છે. આ આંતરકલહ પોતાને ખાતર અને વિશ્વ શાંતિ ખાતર ટાળવો જ રહ્યો. શિયા-સુન્ની વચ્ચે મહોરરમ ટાણે ટંટો થાય અને થોડા કપાઈ મરે, તો પછી રામનવમી કે દશેરા અને મહોરરમ એક સાથે આવે અને મંદિર કે મસ્જિદ પાસેથી પસાર થતા સરઘસમાં તણખો પડે અને રમખાણ થાય તેમાં શી નવાઈ? અહીં જ ઇસ્લામના અનુયાયીઓએ આત્મખોજ કરીને હવે કઈ દિશામાં આગળ વધવું એ વિચારવું રહે જેથી તેમની દશા વિશ્વ ફલક પર સુધરે. તેવું જ હિન્દુ પ્રજાએ મુસ્લિમો સાથે આવા માહોલમાં સંઘર્ષની શક્યતા કેમ નિવારવી તે માટે કાયમી ધોરણે સમજૂતી ભર્યો નિવેડો લાવવો જ રહ્યો.
શાહજહાંના શાસન દરમ્યાન હિંદુઓ મુસ્લિમોના શરણે હતા, પણ ઔરંગઝેબના જમાનાથી તેની રાજકીય નીતિને કારણે પરસ્પર માટેનો વિશ્વાસ ઘટ્યો અને રમખાણો થવા લાગ્યાં. આજે ઇસ્લામ વધુ રૂઢિચુસ્ત થતો જાય છે અને તેના જવાબ રૂપે હિંદુઓ પણ એ જ રસ્તે જાય છે અને હિંસા આચરીને પ્રશ્નોના હલ લાવવા માંગે છે. ઈ.સ.1669માં હિન્દુઓએ જે મસ્જિદ ભાંગી તેના પ્રતિશોધ તરીકે મુસ્લિમોએ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર ધ્વસ્ત કરેલું, તેમાં અને બાબરી મસ્જિદની ઘટનામાં શો ફર્ક? એ 500 વર્ષના ગાળામાં આપણે શું શીખ્યા? એકબીજાના અપકૃત્યોનો બદલો લેવો એ જ ને? ભૂતકાળમાં ઇસ્લામી શાસન દરમ્યાન હિન્દુઓના ધર્મ સ્થાનો, તેમના પવિત્ર ગ્રંથો અને કલાધામો તો શું તેમની સ્ત્રીઓ સુધ્ધાં પર આક્રમણો થયાં ત્યારે કોઈ પોલીસ તંત્ર કે ન્યાયતંત્ર સાથ ન આપતું. તેથી હિંદુઓ કાયદો હાથમાં લઈને ગુનાઓ કરનારને સજા કરતા અને તેમાં કોમી શાન્તિ ડહોળાતી. આમ અન્યના ધર્મ અને સંસ્કૃિતને હાનિ પહોંચાડવાથી મુસ્લિમોના હાથમાં શું આવ્યું? આવી હાલતમાં રમખાણો ચાલ્યા જ કરે. ન સમાજ સમજે, ન રાજ્ય કંઈ કરે. આજે સમય આવ્યો છે કે આ વિષચક્ર તોડવા ભારત-પાકિસ્તાન જરા થોભીને વિચારે. બંને દેશોને આંતરિક શાંતિ અને સરહદની સલામતી જોઈએ છે? તો એ માટે શું કરવું પ્રજાના હિતમાં છે તે ચર્ચવું અનિવાર્ય બન્યું છે. જુઓને, દરેક મોટા રમખાણોને અંતે એક તપાસ સમિતિ નીમાય જેના અહેવાલો કાં તો છપાય નહીં અને જો છપાય તો પણ એ ભલામણોનો અમલ ભાગ્યે જ થાય. એમ કરતાં વર્ષો પસાર થાય, ત્યાં બીજાં રમખાણો ફાટી નીકળવનો સમય આવી જાય. 1970 પછી ભારતમાં કોમી રમખાણો વધ્યા છે, તો તેમાંના કયા ચુકાદા ભોગ બનેલાઓ કે અત્યાચાર કરનારાઓને જાણવા મળ્યા? અરે, ખુદ 2002ના ગોધરા હત્યાકાંડ સમયના ગુજરાત રાજ્યના સત્તાધારીઓ અને પોલીસ તંત્રનો જ એ તોફાનો પાછળ દોરી સંચાર હોવા છતાં તેમના પર કાયદાકીય કાર્યવાહી ન થાય એટલું જ નહીં, ટૂંક સમયમાં એ રાજ્યના નેતા જ પૂરા દેશની ધુરા સંભાળે એવું તો ભારતમાં જ બને. એ માટે આપણે ‘મેરા ભારત મહાન’ કહીશું કે? જ્યાં વાડ ઊઠીને ચીભડાં ગળે ત્યાં કોણ કોને દંડે?
ભારત પોતાને ધર્મ નિરપેક્ષ દેશ તરીકે ઓળખે છે અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર પોતાને સર્વ ધર્મ સમાવેશી સમાવાય તંત્ર તરીકે ઓળખાવે છે તે છતાં એ જ દેશમાં કોમી દાવાનળમાં ચિનગારી ચાંપનારનું નામ ન દેવાય કે ન્યાય તંત્ર તેને સજા પણ ન કરે તેવી લોકશાહીની જય બોલાવી શકાય? એક તરફ રમખાણો પછીની તપાસ સમિતિના અહેવાલો ધૂળ ખાતા હોય તેવે સમયે ગુનેગારો મત મેળવવા મેદાને પડે. આવી પરિસ્થિતિ માટે સદીઓ પહેલાં ભારત ભૂમિ પર આવીને રાજ્ય કરી ગયેલ પ્રજાને કેમ દોષિત ઠરાવી શકીએ? હા, દેશના ભાગલા પાડવામાં કોમી તંગદિલીએ ભાગ જરૂર ભજવેલો પણ પછી 70 વર્ષના શાસન દરમ્યાન ભારતની સરકારોએ દેશની વિવિધ કોમ વચ્ચે ઐક્ય સ્થાપવા અને પડોશી દેશો સાથે સમાધાન કરી સુલેહભર્યા સંબંધો વિકસાવવા કંઈ ન કર્યું. બ્રિટિશ રાજની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ, મુસ્લિમ લીગની ધર્મ આધારિત રાજ્ય સ્થાપવાની માંગણી તથા હિન્દુ મહાસભાની હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી ઐક્ય નહીં જળવાય તેવી માન્યતાઓ જેવા વિવિધ પરિબળોને પરિણામે અખંડ ભારતનું વિભાજન થયું એ એક ઐતિહાસિક બીના છે. તત્કાલીન ભારતીય નેતાઓએ વિભાજન સ્વેચ્છાએ સ્વીકારેલું કે નહીં તે એક વાત છે, પણ એમણે સ્વતંત્રતા પછીના સાતસાત દાયકાઓ દરમ્યાન બે રાષ્ટ્રોના અલગ અલગ અસ્તિત્વ, તેનાં સારાં માઠાં પરિણામો અને વિભાજનની તમામ અસરોનો ક્યાસ કાઢવો જોઈતો હતો તે ન બન્યું. કેનેડા સ્થિત વિચારક અને કર્મશીલ તારીક ફતાહ કહે છે જે ભૂમિ પર અફઘાન લોક રહે તેને અફઘાનિસ્તાન કહેવાય, ચીની પ્રજાનો દેશ ચીન કહેવાય, પણ કોઈ દેશને પાકિસ્તાન કઈ રીતે કહેવાય? પાક એટલે પવિત્ર, તો કોઈ પણ પ્રજા પવિત્ર કે અપવિત્ર હોઈ શકે, તેના નામનો દેશ શી રીતે બને? પાકિસ્તાનની રચના કરવાની માંગણી જ ધર્મ આધારિત હતી. એ દેશે કોઈ દિવસ પોતાને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે નથી ઓળખાવ્યો એટલે તેના સ્વતંત્ર થવાની સાથે ભારતે બંને દેશ વચ્ચે અને પોતાના દેશમાં વસતી મુસ્લિમ પ્રજાના નાગરિક તરીકેના સ્થાન વિષે કડક અને ચાંપતા પગલાં લેવા જોઈતા હતાં એમ અત્યારે સમજાય તો ય ઘણું.
પાકિસ્તાન તેના ઉદ્ભવના સમયે જ ઇસ્લામિક રાજ્ય જાહેર થયું. જ્યારે ભારતે તો ધર્મ નિરપેક્ષતાનું પ્રણ લીધેલું. આમ છતાં કોમી સંવાદિતા સ્થાપવામાં જોઈએ તેટલી સફળતા નથી મેળવી શક્યું. બન્યું એવું કે દેશને વધુ વિભાજીત અને અશાંત બનતું બચાવવા કોંગ્રેસની નીતિ મુસ્લિમ લઘુમતીને સંતુષ્ટ રાખવા તેમને વધુ લાભો આપતા રહેવાની રહી પણ એથી કરીને હિન્દુ-મુસ્લિમ ઐક્ય વધારવા, જાળવવા કોઈ ચોક્કસ પગલાં ન લેવાયા. લઘુમતી કોમને માત્ર ખુશ રાખવાની મથામણમાં તેમની રૂઢિવાદી યુગજૂની માનસિકતા તરફની ગતિ સમજવામાં અને તે દિશામાં ભારતીય મુસ્લિમો ન આકર્ષાય એ માટે પ્રયત્નો કરવામાં નિષ્ફ્ળ ગયા. સ્વતંત્ર થયા ત્યારથી દરેક લઘુમતીના નાગરિકો આ દેશના અવિભાજ્ય અંગ હતા અને રહેશે એ હકીકત સમજી, તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ અને રોજગારીની તકો માટે પૂરા હૃદયથી પ્રયાસ કર્યા હોત તો તેમની જનસંખ્યા અંકુશમાં રહી હોત અને આ દેશના નાગરિક હોવાનું ગૌરવ અનુભવે જેથી તેમને દેશહિત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું કારણ ન મળ્યું હોત.
નહેરુના શાસનકાળ દરમ્યાન ભારતીય પ્રજાનો રાષ્ટ્રપ્રેમ એ હિન્દુ કોમવાદ છે એવી ગેરસમજ પ્રસરેલી. આથી ભારત હિન્દુ રાષ્ટ્ર ન બને તે માટે તેઓ દ્રઢ રહ્યા. જેમ હિન્દુ પ્રજાની વ્યક્તિગત ધાર્મિક વિચારોની ઊંચાઈને સામૂહિક-સામાજિક એકતાની ક્ષિતિજોમાં ફેલાવવી જરૂરી હતી તેમ મુસ્લિમ – ખાસ કરીને ભારતમાં વસતી મુસ્લિમ પ્રજાને અન્ય ધર્મો, સંસ્કૃિત અને જીવન પદ્ધતિ માટે વધુ સહિષ્ણુ અને માદરે વતન માટે પૂર્ણ વફાદાર બને તેવી રીતે કેળવવાની જરૂર હતી. આમ બન્યું હોત તો મુસ્લિમોની દ્રષ્ટિ આપણા કરતાં જુદી છે પણ એથી ભારતનું ભાવિ નહીં જોખમાય એવો ખોટો ભ્રમ રાજકારણીઓ કે પ્રજામાં ન બંધાયો હોત. સ્વતંત્રતા મળ્યા બાદ બહુમતી હિન્દુ પ્રજા પોતાના સંખ્યાબળને કારણે અન્ય લઘુમતીઓની હસ્તી, તેમની સ્થિતિ, જરૂરિયાતો, વધતી જતી જનસંખ્યા અને તેમની માંગણીઓ વિષે બેખબર, લાપરવાહ અને કઇંક અંશે નિશ્ચિન્ત રહ્યા. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાષ્ટ્રીય શક્તિને ધાર્મિક રંગે રંગીને વધુ બળવત્તર બનાવાઈ રહી છે. 1950-’51માં નેહરુનું કહેવું હતું કે આમ હિન્દુ પ્રજાની હિન્દુધર્મ વિષેની સમજ આજના યુગના સંદર્ભમાં તાલ મેળવે તેવી નથી જે આજે 70 વર્ષે પણ એ જ સ્થિતિમાં છે અને એથી જ તો એમણે કહેલું કે પોતાના ધર્મ વિષેની આવી સમજનાં મૂળ ઊંડે જશે તો દેશ ક્ષત વિક્ષત થઈ જશે જે આજે તેવું બનવાનાં એંધાણ દેખાય છે. આ જ છે કમનસીબ ભારતનું.
સરકાર અને પ્રજાના ભ્રામક ખ્યાલો:
સમય જતાં આપણે જોયું કે કેન્દ્રીય સરકારના ન માત્ર મુસ્લિમ પણ દેશના દરેક પ્રકારના લઘુમતી સમૂહોને સમાન તક આપવાના નેક પ્રયત્ન અને સંતુષ્ટ રાખવાના પ્રયાસના પરિણામે ઊભી કરેલી અનામતની વ્યવસ્થા ભસ્માસુરની માફક હિન્દુ કોમની શાંતિ જ નષ્ટ કરવા બેઠો છે. સાત સાત દાયકા વિત્યા પણ ધર્મ, જ્ઞાતિ અને જાતિ ભેદની સભાનતા ઓગળી નથી એ આવી વ્યવસ્થાને કારણે. ભારત કોઈ ટાપુ નથી, તેની ત્રણ દિશાએ અનેક પડોશી દેશો વસે છે એ વાત ઈ.સ. 1947 અને તે પહેલાંથી આપણે જાણતાં હતાં. તો પડોશી દેશો સાથે રાજકીય સંબંધો જાળવવા, સરહદની સીમા રેખાઓ સ્પષ્ટ દોરવી અને સરહદની સલામતી જાળવવાના કરાર કરવા તેને પાળવા-પળાવવા અને તેનો પોતે ખસૂસ ભંગ ન કરવો એટલું જ નહીં પણ પડોશી દેશ આપણા દેશનો ભૂ ભાગ ખૂંચવી લેવા આક્રમણ કરે તો બને તો શાંતિપૂર્ણ વાટાઘાટ અને લવાદી પદ્ધતિથી ઉકેલ લાવવાની વિદેશ નીતિ અપનાવી હોત તો પડોશી દેશો વચ્ચે શાન્તિ ભર્યા સંબંધ રહેત. એ જ રીતે દેશના નાગરિકોની જરૂરિયાતો, માંગણીઓ અને મહત્ત્વાકાંક્ષાઓને સમજીને એ પૂરી કરવાની તક પૂરી પાડવા વિકાસને સાચો અગ્રતાક્રમ આપ્યો હોત અને કોમી એખલાસ વધે તેવાં પાયાનાં કામ હાથ ધર્યાં હોત તો આજે ભારતીય મુસ્લિમ પ્રજાને તેની પૂર્વે અને પશ્ચિમે બે theocratic દેશો – પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી આવતા રૂઢિવાદી વિચારોનું આકર્ષણ ન રહેત.
આપણે એમ માનીએ છીએ કે કોઈ હિન્દુ કટ્ટરવાદી ન હોઈ શકે કેમ કે એના સામાજિક કે ધાર્મિક નિયમો અથવા ધારાધોરણોમાં એવું કોઈ મૂળભૂત તત્ત્વ નથી કે તેને હિંસક વર્તન કરવાની ફરજ પાડે. પણ એ કબૂલ કરવું રહ્યું કે કોઈ પણ હિન્દુ ઝનૂની થઈ શકે અને તે પણ બીજા કોઈ પણ કરતાં વધુ પ્રમાણમાં. બન્યું છે એવું કે પોતે જેને ચાહે છે તે ભારત દેશનું ખંડન વારંવાર થયું તેથી એ થોડો ઝનૂની બન્યો છે એમ સામાન્ય માણસ માનવા પ્રેરાય તે સમજાય તેવું છે. ભારતમાં જાતીય, ધાર્મિક અને સામાજિક લઘુમતીઓ હજારો વર્ષથી એકમેકની જોડાજોડ વસતી આવી છે પણ મોટે ભાગે બધા ભારતીય સંસ્કૃિત અને પરંપરાને અનુસર્યા અને દેશની અખંડિતતાની લક્ષ્મણ રેખામાં રહ્યા. આજે જ્યારે દેશની એકતા, સંવાદિતા, એખલાસ, અસ્મિતા, લઘુમતીના અધિકારો, વિભાગીય જૂથબંધી, ફન્ડામેન્ટાલિઝમ કે ધર્મનિરપેક્ષતાની વાત કરીએ છીએ ત્યારે માત્ર મુસ્લિમ પ્રજાને અનુલક્ષીને વિચારીએ છીએ. આમ કેમ થતું હશે? એની પાછળ હિંદુઓ કે જેઓ જબરી બહુમતીમાં છે તેમનો એક ખાસ સમૂહ પ્રત્યેનો અણગમો અને વિરોધની લાગણી તો નથી કામ કરતીને એ આ બહુમતી સમાજે તપાસવાનું છે. સામે પક્ષે ભારતમાં અને અન્ય દેશોમાં પણ મુસ્લિમ લોકો અને ઇસ્લામ ધર્મ પ્રત્યે આવો નકારાત્મક અભિગમ અને નફતરની ભાવના પેદા થઇ રહી છે એમાં ઇસ્લામના અનુયાયીઓની ધાર્મિક માન્યતાઓ અને વલણ-વર્તન કારણભૂત છે કે શું એ ખુદ મુસ્લિમ કોમે શોધી કાઢવું રહ્યું. એ પ્રજાનો ભારતના મુખ્ય પ્રવાહમાં સ્વીકૃત થવાનો, તેમની સાથે હળીમળીને સંપથી રહેવાનો પ્રશ્ન હજુ ઊભો છે તેમાં બન્ને કોમે પોતપોતાની અંદર ઝાંકીને તેમની વચ્ચેના વૈમનસ્યના કારણો શોધવાના છે.
*
-5-
સ્વતંત્રતા બાદ ભારતમાં કોમી એખલાસ
રાષ્ટ્રીય એકીકરણ:
આજે દુનિયાના મોટા ભાગના દેશોમાં જાતીય, ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય ધરાવતા લોકો વસે છે. મોટા ભાગના દેશો રાષ્ટ્રીય એકીકરણની વાત નથી કરતા કેમ કે તેમને એ મિથ્યા ખ્યાલ લાગે છે. આજે હવે રાજકીય કોમના સભ્ય તરીકે બધા ધર્મ કે સંસ્કૃિતના સભ્યો જે તે દેશના નાગરિક ગણાય અને જે તે દેશની ભૌગોલિક સીમામાં રહે તેથી એ દેશની સરકારને અને ત્યાંના કાયદાને વફાદાર રહે તેવી અપેક્ષા રહે. તો સવાલ એ છે કે ભારતે શા માટે રાષ્ટ્રીય એકતાને મુદ્દો બનાવવો? ભારત હજારો વર્ષથી અદ્ભુત વૈવિધ્ય વચ્ચે એકતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. આ ઐક્ય રાજકીય નહીં પણ સાંસ્કૃિતક સ્રોતમાંથી આવે છે. આજના કોમી ભાવનાઓને ભડકાવનારા નારાઓ રાજકીય હેતુ પ્રેરિત છે. નહીં તો ભાષા,આબોહવા, ખોરાક-પોશાકમાં આટલી વિવધતા હોવા છતાં મોટાભાગની રીત રસમો અને તહેવારોના મૂળ તેના ધર્મ અને સંસ્કૃિતમાં કેમ જોવા મળે છે? દેવ-દેવીનાં નામ જુદાં, પૂજવાની રીત અલગ, પણ શ્રદ્ધા અને ઉજવણીનો ઉત્સાહ લગભગ દરેક સમૂહોમાં સરખો હોય છે. ઇન્ડોનેશિયાના મુસ્લિમ રામાયણ ભજવે પણ ભારતના મુસ્લિમો તેનાથી દૂર રહે તે કદાચ ભારતની રાજકીય અલગતાવાદી નીતિને પરિણામે હોય. સરકાર National Integration કાઉન્સિલ નીમે તેમાં કઈ ન વળે, માત્ર લોકોની ઈચ્છા જ રાષ્ટ્રીય ઐક્ય સંભવ બનાવશે.
બધા દેશોમાં લઘુમતી કોમનું અસ્તિત્વ હોય જ છે, પણ માત્ર ભારતમાં માઇનોરિટી કમિશન રચાયું. તે શું એમ સૂચવે છે કે માત્ર ભારતમાં જ લઘુમતીનો પ્રશ્ન છે? કે સરકાર એમ સાબિત કરવા માંગે છે કે અમે લઘુમતિઓનું અસ્તિત્વ સ્વીકારીએ છીએ અને એમના હિતની જાળવણી માટે આ વ્યવસ્થા કરી છે? જો બીજું વિધાન સાચું હોય તો આજે હિન્દુ કોમને એ વ્યવસ્થા પ્રત્યે આટલો અણગમો શા કારણે હોય? અને કદાચ મુસ્લિમ પ્રજા એવો દાવો કરી શકે કે સરકારી વહીવટના અત્યાર સુધીના અમલમાં એ હેતુ સિદ્ધ થયેલો જણાતો નથી. ઉલટાનું લઘુમતી કોમ-ખાસ કરીને સૌથી મોટી સંખ્યાની લઘુમતી ધરાવનાર મુસ્લિમ કોમને પોતાની માંગણીઓ વિરોધને આધારે રજૂ કરવાની આથી સુગમતા મળી છે. આટલાં વર્ષો દરમ્યાન કાયદાઓ અને નિયમો એવા હોવા જોઈતા હતા અને તેનો અમલ એટલો પ્રામાણિકપણે થયો હોવો જોઈતો હતો કે બહુમતીના ભલામાં લઘુમતીનું હિત જળવાઈ જાય અને આ માઇનોરિટી કમિશન તથા અનામતની જોગવાઈ એ બધું જ કાળબાહ્ય થઈને ખરી પડ્યું હોત. તેને જ ધર્મ નિરપેક્ષ અને સમાજવાદી સમાજરચનાવાળું શાસન કહી શકાય.
અન્ય વિકસિત દેશોની માફક ભારતમાં પણ દરેક ધર્મના લોકોને પોતાની ધાર્મિક ક્રિયાઓ કરવાની અને રીત રિવાજો અનુસરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પણ તેમાં અન્ય નાગરિક, સંગઠનો કે રાજકીય સત્તા હસ્તક્ષેપ ન કરી શકે. એનો અર્થ એવો નથી કે ધર્મ નિરપેક્ષતા કોઈ એક કોમ માટે ખાસ અધિકારોની માગ કરવાનું, અનામતને નામે રોજગારી તથા આવાસ વગેરેમાં વધુ ભાગ મેળવવાનું એક હથિયાર છે. આજે પશ્ચિમના દેશોમાં પણ અન્ય લઘુમતીના સભ્યો સ્થાનિક પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે, પણ ત્યાં પણ મુસ્લિમ પ્રજા પોતાના મસ્જિદ બાંધવાના, પાંચ વખત નમાઝ પઢવાના, હલાલ માંસ પીરસવાના, અમુક જ પોશાક પહેરવાના વગેરે અનેક અધિકારોની જોરશોરથી માગણી કરે છે અને એ મેળવીને જ રહે છે, જેના વિષે ભારતમાં અને ભારત બહારના દેશોમાં વસતા હિંદુઓને ભારે મોટો રંજ રહે છે. મોટા ભાગની સરકારો એ કોમના મત મેળવવા એમના અધિકારોની રક્ષા કરવા તેમની આ માંગોને પોષતી રહેતી હોય છે. જો કે આવા ખાસ અધિકારો મેળવવાથી જ પોતાના ધર્મ, સંસ્કૃિત અને રિવાજો ટકી રહે, નહીં તો હિન્દુઓની માફક પોતાની અસ્મિતા ગુમાવી બેસવા વારો આવે એ એક વ્યાજબી દલીલ છે ખરી. આવા ખાસ અધિકારોની માંગણી શાંતિપૂર્ણ માર્ગે અને સરકાર તથા સમાજની સમજુતીથી થાય તો કશું વાંધા જનક નથી. એક ભારત જ એક માત્ર એવો દેશ છે જ્યાં રોજગાર ક્ષેત્રે અનામતની જોગવાઈ છે. ખરું જોતાં ભારતની આ નીતિથી ભારતીય મુસ્લિમોને ઘણો ફાયદો થયો છે. તેઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશ સહિતના અન્ય ઇસ્લામિક દેશોના નાગરિકો કરતાં અભ્યાસ, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં વધુ માનવ અધિકારો ભોગવીને પ્રમાણમાં વધુ સ્વતંત્ર જીવન જીવી શકે છે, વધુ વિકાસ પામીને પ્રગતિ કરી શકે છે. આ હકીકત વિષે તેઓ સજાગ હોય અને તે માટે ભારતના નાગરિક હોવાનું સદ્ભાગ્ય ગાંઠે બાંધે તો દેશ પ્રત્યેની વફાદારીમાં ઉણપ ન આવે.
ભારતીય બંધારણના સિવિલ કોડના આટલા બધા ફાયદાઓનો લાભ ઉઠાવ્યો હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય મુસ્લિમોને ભય પેઠો છે કે રાષ્ટ્રીય એકીકરણ, લઘુમતિવાદ અને ધર્મ નિરપેક્ષતાને નામે એ લોકોનો ધર્મ અને સંસ્કૃિતની ઓળખ છીનવાઈ જઇ રહી છે એટલે તેઓ શરીયા લૉનો આશ્રય લેવા તરફ ધકેલાયા છે. તેની પાછળ બે પરિબળ કામ કરતા હોવાની શક્યતા છે. એક તો સરકાર અને અન્ય સામાજિક સંગઠનોએ તેમના અધિકારોની રક્ષા માત્ર એ કોમને ખુશ રાખવા માટે કરી પણ તેમને ખરેખર આ દેશના અવિભાજ્ય અંગ તરીકે સમાન નાગરિક તરીકે સમાવ્યા નથી અને બીજું, સારાયે વિશ્વમાં આજે ઇસ્લામ પોતાના ધર્મને ભયમાં મુકાતો જુએ છે જેની અસર ભારતીય મુસ્લિમો પર પણ પડી હોય તેવો સંભવ છે. તેઓ ભૂલી જાય છે કે અન્યત્ર ચાલતી હિંસક પ્રવૃત્તિઓમાં જોડાયેલા મોટા ભાગના લોકો ઇસ્લામિક દેશોમાં રહે છે જેમને ભારતમાં મળે છે તેવી મુક્તિ અને ઉદારમતવાદી જીવનનો અનુભવ ઓછો હોય છે. વળી આમ અલગ કાયદાઓ પાળીને એક ધરતી પર રહેવાથી અન્ય કોમથી અલગ પડી જવાથી કઈ બહુમતી લોકોથી તેઓ ઊંચેરા ન બની જાય, ઉલટાના જે તે દેશના બીજા નંબરના નાગરિક બની જવાય. જો કોઈ પણ દેશના નાગરિકો માટે ઘડાયેલા હોય તે સમાન કાયદાઓ પાળીએ તો તે દેશના સમાન અધિકારો પણ મળે.
સ્વતંત્રતા બાદ ભારતની બંધારણ સમિતિના સભ્ય અમૃત કૌર અને મહંમદ ચાગલાએ ચેતવણી આપેલી કે બંધારણ સમિતિનો મૂળ હેતુ લઘુમતી કોમને જુદી ગણવાનું અનિષ્ટ દૂર કરવા માટેના માર્ગ અને સાધનો બતાવવાનું છે. જો અનામત અને વિશેષ અધિકારો લાંબા સમય સુધી અપાતા રહેશે તો જુદી જુદી કોમ અને સમૂહો વચ્ચે અલગતા અને અંતર વધતા રહેશે. લઘુમતીની વ્યાખ્યાનો વિસ્તાર, તેમનો હોદ્દો અને અધિકારોની બુંગી ફૂંક્યા કરવાથી ચૂંટણી સમયે મુસ્લિમોનો મત મેળવવા સિવાય કોઈ ફાયદો ન થાય, ઉલટાનું રાષ્ટ્રીય સંવાદિતા અને ઐક્યને લૂણો લાગે એ હકીકત ભલભલા રાજકારણીઓ કે સામાજિક કાર્યકરો સમજી ન શક્યા.
લઘુમતિવાદનું રાજકારણ:
હાલમાં ભારતમાં હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે પ્રવર્તતા તનાવ માટે ભૂતકાળમાંથી ઇતિહાસને ખોદી કાઢીને ઇસ્લામિક શાસનને દોષિત ઠરાવવાની નીતિ જવાબદાર શકાય. એવી જ રીતે નહેરુ અને ગાંધીની સરદારી નીચે કોંગ્રેસે મુસ્લિમોને શાંત રાખવા થાબડ ભાણા કર્યા એ વલણને જવાબદાર ગણશું કે સાંપ્રત નેતાઓના આર.એસ.એસ. રંગે રંગાયેલ હાથની કરામત ગણશું એ સવાલ છે.
એક માન્યતા છે કે હિન્દુ-મુસ્લિમ વચ્ચેના મતભેદ અને વિખવાદો લોકોની નજરમાં લાવવા બ્રિટિશ સરકારે ઐતિહાસિક હકીકતોને મારી મચડીને ભારતનો ઇતિહાસ ફરી વખત લખ્યો. અખંડ ભારત દેશ પર રાજ્ય કરવા બ્રિટિશરોને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવી જરૂરી લાગી તેથી તેમ કર્યું હોય તે સ્વાભાવિક છે પણ આજની ભારત સરકારને એવું શા સારુ કરવું પડ્યું છે? મુસ્લિમોએ ભારતીય સાંસ્કૃિતક સ્થાનો અને ધર્મ સ્થાનોના કરેલ વિનાશ અને ધર્મ પરિવર્તનની સાબિતિઓ તેમ જ તેમના સકારાત્મક પ્રદાનના પુરાવાઓ જીવતા જાગતા પડયા છે તો પછી સ્વાતંત્ર્ય પછી ધર્મ નિરપેક્ષતાના ઓઠા હેઠળ તટસ્થ અને સર્વસમાવેશી નીતિઓને બદલે લઘુમતિવાદ કેમ ઊભો કર્યો એ સમજવું મુશ્કેલ છે. એનાથી તો બહુમતી અને લઘુમતી બન્ને કોમને અન્યાય થયો. લઘુમતી કોમ દેશને વફાદાર ન રહી અને બહુમતી કોમ જાતીય ભેદભાવના વલણ ધરાવનારી છે એવું સાબિત થયું.
ભારતમાં રહીને તેના બંધારણના નિયમો, કાયદાઓ અને સમાન મૂલ્યોને ખુશીથી અનુસરનાર ક્રિશ્ચિયન, જુઇશ, પારસી વગેરે લઘુમતી કોમની માફક મુસ્લિમ લોકો પણ આ દેશના નાગરિક તરીકે, નહીં કે લઘુમતી મુસ્લિમ તરીકે રહે તો પોતાના દેશના વિકાસમાં જબ્બર ફાળો આપી શકે. તેમ કરવામાં તેમનો ધર્મ જરા પણ જોખમાય નહીં, ઉલટાનો વધુ આદર અને રક્ષણ પામશે. એક વાર મુસ્લિમ કોમ આ કીમિયો અજમાવી તો જુએ.
બંને કોમ માટે આંતર પરીક્ષણનો સમય:
ઇસ્લામ ધર્મને આ દુનિયામાં માનભેર ટકવું હશે, ઈજ્જત મેળવવી હશે, પોતાના પરથી સંકુચિત અને આક્રમક ધર્મનો ધબ્બો ધોવો હશે તો ઇસ્લામિક દેશોમાં અન્ય ધર્મના લોકોને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપીને તેમના ધર્મસ્થાનો બાંધવાની છૂટ આપવી જોઈશે, તેઓ પોતાના ખોરાક-પોશાક, રહેણી-કરણી પ્રમાણે જીવે તેમાં એ દેશોની સરકારોને એતરાજ ન હોવો જોઈએ. એ જ ઇસ્લામિક દેશોમાં રમઝાન દરમ્યાન હોટેલ કે રેસ્ટોરન્ટ અને બીજા જાહેર સ્થળોએ ખોરાક-પાણીની વ્યવસ્થા પૂરી પાડવી એ સરકારનું કર્તવ્ય થઈ પડે છે. ભારતમાં પર્યુષણ દરમ્યાન જૈન લોકો અને શિવ તથા વૈષ્ણવ પંથી લોકો પોતપોતાના તહેવારો દરમ્યાન અન્યોને બધી સેવાઓ પૂરી પડે છે તેમની પાસેથી મુસ્લિમ લોકો ધાર્મિક અનુષ્ઠાનનું અનુસરણ પોતાની જાહેર સેવાઓ પૂરી પાડવાની ફરજને આડે ન આવે તે વાત શીખી શકે. ઇસ્લામિક દેશોની અન્ય ધર્મીઓ પ્રત્યેની વર્તણૂકની સારી-માઠી અસર ભારતમાંના મુસ્લિમો પર પણ પડે છે એની નોંધ લેવી ઘટે.
ઇસ્લામિક દેશોમાં જન્મેલા અને રહેતા મુસ્લિમો બહુ પત્નીત્વનું અનુસરણ, સંતતિ નિયમનનો અસ્વીકાર અને બીજા અનેક કાયદાઓ વાળી શારિયત વ્યવસ્થા હેઠળ જીવવા માગે છે. જો અન્ય દેશોમાં રહેતા મુસ્લિમો પણ આ જ શારિયા કાયદાને અનુસરવા ચાહે તો તેઓ જે તે દેશના અન્ય નાગરિકોની માફક સમાન અધિકારો શી રીતે ભોગવી શકે? જો ભારત ખરેખર પોતાના દેશની લઘુમતિઓનું હિત ચાહતું હોય તો ખાસ કરીને હિન્દુ બહુમતી સંખ્યાને ધર્મ નિરપેક્ષતા અને કટ્ટરવાદ વચ્ચેનો ભેદ સમજાવવાની કોશિશ કરવી જોઈએ. સામે પક્ષે મુસ્લિમ પ્રજા પણ પોતે જે દેશમાં જન્મ્યા, ઉછર્યા અને જેની મુક્ત હવામાં વિકસ્યા અને પાંગર્યા તેનાં મૂલ્યો જાળવતાં જ પોતાના ધર્મનું પાલન કરી શકશે એમ સમજે તે તેમને માટે હિતાવહ છે. બીજા દેશોમાંથી આશરે 1500 વર્ષ પહેલાં ભારત આવેલ મુસ્લિમ આક્રમકો જેવો વર્તાવ આજે ભારતમાં રહીને કરવો કોઈને પણ માટે ફાયદાકારક નથી, એનો ખ્યાલ તેમને અપાવવો જરૂરી છે. આ બધું જ શાંતિમય માર્ગે થશે તો જ અસરકારક બનશે. હિંસા અને પ્રતિહિંસાથી ન તો કદી સંઘર્ષોનો અંત આવ્યો છે, ન કદી શાંતિ સ્થપાઈ છે.
દુનિયાના કોઈ પણ દેશમાં અમન ચૈનથી રહેવું અને રહેવા દેવું હોય તો મુસ્લિમ પ્રજા તેમની કોમના થઈ બેઠેલા આગેવાનોથી દોરવાઈને પોતાના સાંકડા સ્વહિતને ધ્યાનમાં લઈને હિંસક બનવાને બદલે ઇસ્લામના ઉસૂલોને સાચા સંદર્ભમાં સમજીને ચાલે તે સહુને માટે હિતાવહ થઈ પડશે. ભૂતકાળમાં સામ્રાજ્ય વિસ્તાર અને ધર્મના ફેલાવા માટે આચરેલ હિંસક હુમલાઓ અને આજના યુગમાં થતી અવિચારી હિંસાઓ માટે તેનો ભોગ બનેલી પ્રજાઓની હાલતનો વિચાર કરી તે માર્ગને છાંડવાનો નિર્ણય કરે તો તેઓ માનવ જાતને આતંકી કર્મથી પીડવાના દુષ્કર્મમાંથી મુક્તિ મેળવશે. ભારતની જ વાત કરીએ તો ધર્મ પરિવર્તન પહેલાં ભારતીય મુસ્લિમોના પરદાદા ભારતીય સમાજ અને રાજકારણના અંતર્ગત ભાગ હતા. જો ઇસ્લામ ધર્મનો અંગીકાર તેમને પોતાના જ ગામના પાડોશીઓથી અલગ કરીને જુદા પાડી દેતા હોય તો એ ધર્મના મૂળ સંદેશને સમજીને સ્વીકારવો પણ તેનું અન્ય ધર્મો વિરોધી વલણ વિવેકથી બાજુ પર રાખવું એમાં જ તેમનું અને અન્યોનું હિત છે. ભારતીય સમાજ સાથે હળીમળીને રહેવું એ કોઈના પર ઉપકાર કરવાની વાત નથી પરંતુ મુસ્લિમ પ્રજાની પોતાના જ દેશ અને પ્રજા પ્રત્યે ફરજ પણ છે.
આજે રાષ્ટ્રીય ભાવના સામે કોમવાદ મેદાને પડ્યો છે. ભારતીય હિન્દુ પ્રજા કહે છે, મુસ્લિમો કોમવાદી છે અને તેઓ ભારત દેશને વફાદાર નથી. એમની સાન ઠેકાણે લાવવા તેઓ હિન્દુત્વવાદી કોમી ભાવનાને ભડકાવે છે. તેમાં કોણ ઉત્તમ સાબિત થશે? હિન્દુ ધર્મના અનુયાયીઓ મુસ્લિમ ધર્મના અનુયાયીઓ જેવી સ્થિતિમાં ન મુકાઈ જાય તે જોવાનું છે. અન્ય ધર્મીઓ તરફથી કોઈ પ્રકારનો આતંક, હિંસા અને અસહિષ્ણુતા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવા મક્કમ રહેવું વ્યાજબી છે, પણ તે એમની જેમ ધર્મ કે કોમના આધારે નહીં. ધર્મમાંથી વિચારશક્તિની બાદબાકી = ઝનૂન એ સમીકરણ હિન્દુ – મુસ્લિમ બંને કોમના લોકોએ સમજવું રહ્યું.
માત્ર ભારત જ નહીં પણ સારાયે વિશ્વમાં જાતીય તનાવ ઓછો થયો ત્યાં હવે કોમી તનાવે ભરડો લીધો છે. આજે તો ભારત સહીત મોટા ભાગના દેશોને દુશ્મનો વધ્યા અને દોસ્તો ઘટ્યા છે એટલે જ તો ભારતે 2004-08ની સરખામણીમાં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન શસ્ત્રોની આયાતમાં 111% વધારો કર્યો છે. તેની સામે શિક્ષણ અને સ્વાસ્થ્યનાં બજેટમાં કેટલો વધારો કર્યો એ પૂછવાની હિંમત પણ નથી થતી. આપણા વડાપ્રધાન જયારે ઝડપી આર્થિક વિકાસ, ઊંચો આર્થિક વિકાસદર વગેરે અંગે સર્વત્ર વાયદાઓ કરી રહ્યા છે, ત્યારે કટ્ટર હિન્દુવાદી સંસ્થાઓ અને વ્યક્તિઓ ધર્મપરિવર્તનના કામને વેગ આપી ધન્યતા અનુભવી રહ્યા છે. તેઓ એમ માને છે કે કટ્ટર ઇસ્લામી ચળવળ અને આતંકવાદની સામે ભારત હિંદુ રાષ્ટ્ર તરીકે ઊભો થાય તો તેના દ્વારા ઇસ્લામી આતંકવાદનો જવાબ વાળી શકાય. પથ્થરનો જવાબ પથ્થરથી આપીને કેટલાં માથાં ફૂટ્યાં? હજુ પથ્થરમારો બંધ નથી થયો.
એક વાત સ્પષ્ટ છે કે જો મુસ્લિમ પ્રજા ઇસ્લામિક સ્ટેટને અનુસરે કે હિંદુઓ જમણેરી સંકુચિત વિચારધારા વાળા લોકોને પગલે ચાલે તો આવતી સેંકડો પેઢીઓ સુધી હિન્દુ-મુસ્લિમ વચ્ચે એખલાસ સ્થાપવાનું શક્ય ન બને. ઘણા લોકોને મન બ્રિટિશ રાજ કરતાં મોગલ સામ્રાજ્ય માટે વધુ આદર છે કેમ કે બ્રિટિશર્સ ભારતમાં ક્યારે ય રહેવા માગતા નહોતા તેથી ભારતની તમામ સંપદા ઘસડીને ઇંગ્લેન્ડ લઈ ગયા અને જે ન લઈ જઈ શક્યા તે જ પડ્યું રહ્યું. એ ગાળામાં શાસક અને શાસિત પ્રજા વચ્ચે ધર્મ, ભાષા, ખાનપાન કે સંસ્કૃિતનું આદાન પ્રદાન ન થયું. આજે આપણે પશ્ચિમના દેશોનું અનુકરણ કરીએ છીએ તે તો આપણા ગુલામી માનસનું પરિણામ છે. તો કેટલાક લોકોને માટે મોગલ સામ્રાજ્ય ભારતમાં કોમી વેરઝેરનાં બી વાવીને વધુ વિનાશક અસર છોડી ગયું તેથી એ સામ્રાજ્ય અને ઇસ્લામના અનુયાયીઓ પ્રત્યે કાયમી અલગાવ અને નફરતની લાગણી વ્યાજબી ગણાતી થઈ ગઈ. એ સમજી લઈએ કે મોગલ કાળના હિન્દુ રાજાઓ કરતાં મોગલ રાજાઓ કોઈ બાબતમાં જુદા નહોતા, ઉલટાના મોગલો વધુ સારા વહીવટકર્તા અને સહિષ્ણુ હતા. એમ તો મોગલોના વિરોધી એવા મરાઠા મોગલો કરતાં વધુ ક્રૂર, સત્તાપ્રેમી અને સામ્રાજ્ય વિસ્તારમાં માનનારા હતા તેમ ઇતિહાસ બોલે છે. એવી જ રીતે શીખ રાજાઓની સત્તાલાલસા જાણીતી છે. વળી ખુદ મોગલોએ સામ્રાજ્ય વિસ્તારની મહત્ત્વાકાંક્ષામાં હિન્દુ રાજાઓની જેમ જ મુસ્લિમ રાજાઓને પણ પરાસ્ત કરેલા. ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો અકબરે ગુજરાતના મુસ્લિમ સુલતાન પર વિજય મેળવ્યાની નિશાની રૂપે બંધાવેલ જેમાં એને હિન્દુ રાજપૂત મિત્રો અને જનરલની મદદ મળેલી એ યાદ રાખવું ઘટે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવી ચડાઈઓ પાછળ ધર્મ કરતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા અને સત્તા ભોગવવાની લાલસા વધુ ભાગ ભજવતી, એટલું સમજીએ તો ઇસ્લામ ધર્મ પ્રત્યે કે મુસ્લિમ પ્રજા પ્રત્યે નાહકનો અણગમો ન થાય.
ભારતના આંતરિક અને સરહદના પ્રશ્નો બે ધર્મો અને કોમ વચ્ચેના વૈમનસ્યને કારણે સુલઝાવી શકાતા નથી. આખર ધર્મ છે શું? What is a religion? It is basically ‘I am right, you are wrong and you will burn in the hell for not believing I’m right.
તો છેવટ બુલ્લે શાહે એક અમૂલ્ય શીખ આપી તે ટાંકીને નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અને દુનિયાના અન્ય દેશોમાં શાંતિ અને અમન બરકરાર રહે તેવી દિલી દુવાઓ સાથે વિરમું.
બેશક મંદિર-મસ્જીદ તોડો, બુલ્લે શાહ યહ કહતા; પર કિસીકા દિલ ન તોડો, ઉસમેં ખુદા હૈ રહતા.
e.mail : 71abuch@gmail.com