ગુજરાતી સાહિત્યના અધ્યાપક, કવિ, વિવેચક, સંપાદક, આસ્વાદક અને પ્રેમાળ માણસ વિનોદ અધ્વર્યુનું ચોવીસમી નવેમ્બરના ગુરુવારની સાંજે નેવ્યાસી વર્ષની વયે અમદાવાદના તેમના નિવાસ્થાને અવસાન થયું. ચોવીસ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ડાકોરમાં જન્મેલા વિનોદભાઈ મુંબઈની વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. અને ભારતીય વિદ્યા ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ.થયા. તેઓ ૧૯૫૭થી બાર વર્ષ અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. ત્યારબાદ તે ખેડા જિલ્લાના બાલાસિનોર (અત્યારે મહિસાગર જિલ્લામાં) ગામની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અઢાર વર્ષ આચાર્ય રહ્યા અને ૧૯૮૭માં નિવૃત્ત થયા. બાલાસિનોર જેવા કસબામાં તેમણે અનેક સાહિત્ય પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.
સાહિત્યના ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત વિનોદભાઈ નાટકના મર્મજ્ઞ હતા. ‘નાટ્યાનુભૂતિ’ નાટ્યવિવેચન પરના તેમના લેખોનો સંચય છે. આ જ ક્ષેત્રના દીર્ઘલેખોના સંગ્રહ ‘રંગલોક’માં ગુજરાતી નાટક, તેનું ગદ્ય, ગુજરાતીમાં શૅક્સપિયર અને એકાંકી નાટ્યસ્વરૂપ પરના અભ્યાસો છે. ગુજરાતી એકાંકીના ત્રણ સંચયોનું સંપાદન પણ તેમણે કર્યું છે. ખાસ નોંધવું જોઈએ કે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી રેડિયો અને રંગમંચ પર રજૂ થયેલા અલગ અલગ નાટકો તેમ જ તેની ગુજરાતી ટેલિફિલ્મમાં એ ત્રણેયમાં નાટ્યાલેખ(સ્ક્રિપ્ટ) ઉપરાંત અનેક પાસાંમાં વિનોદભાઈએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ‘યજ્ઞશેષ’ના સોળ અભ્યાસલેખોમાં આનંદશંકર, ગોવર્ધનરામ, કાન્ત, બળવંતરાય, દર્શક અને રવીન્દ્રનાથ પરની સમીક્ષાનો સમાવેશ થાય છે. અહીં છેલ્લો લેખ ‘સાહિત્યકૃતિઓનાં માધ્યમાંતરો’ એવો છે. આ લેખમાં તેમણે ગોવર્ધનરામની મહાનવલ પરના પોતાના માધ્યમાંતરના કર્તૃત્વ વિશે એક શબ્દ સુદ્ધા લખ્યો નથી. પોતાની જ કૉલમમાં પોતાની જ કૃતિઓનો આસ્વાદ કરાવવાના ને એવાં બધાંના જમાનામાં આ વાત ધ્યાનમાં લેવા જેવી છે. ગોવર્ધનરામની જેમ મુનશી તેમના બીજા આરાધ્ય હતા. મુનશી પરનું એમનું અભ્યાસ-પુસ્તક (મોનોગ્રાફ) કેન્દ્રીય સાહિત્ય અકાદેમીએ ‘ભારતીય સાહિત્યના નિર્માતા’ શ્રેણી હેઠળ બહાર પાડ્યું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ તે ‘નન્દિતા’ (૧૯૬૧). પ્રયોગશીલતા, અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એ આ સંચયની રચનાઓના મુખ્ય લક્ષણો છે એમ પ્રસાદ બ્રહ્મભટ્ટ નોંધે છે. તેમાંથી ‘રાજગરો’ ગીતરચના પાઠ્યપુસ્તકમાં આવવાને કારણે જાણીતી છે. ‘માણેકડું’ અને ‘મુસાફરો’ રચનાઓ કવિએ ખુદ, ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘સર્જક અને સર્જન’ શ્રેણી હેઠળ તેમની પર બનાવેલી દસ્તાવેજી ફિલ્મમાં વાંચી છે. ‘ભોગાવો’ કવિતા તેમના મુખે રસિકોએ ઘણી વાર સાંભળી છે. એ કવિતા હમણાં તેમને શ્રદ્ધાંજલિ તરીકે, જાણીતા નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ફેસબુક પર ટાંકી છે. આ રચનાની જેમ વિનોદભાઈની બીજી ઘણી રચનાઓ અને તેમના કેટલાક વિવેચન લેખો પુસ્તક તરીકે આવ્યા નથી.
વિનોદભાઈના રુચિવૈવિધ્યનો અંદાજ તેમની સાથેની વાતોની જેમ તેમના સમૃદ્ધ વ્યક્તિગત ગ્રંથસંગ્રહમાં પણ મળતો. તેમાં નાટક, સિનેમા, ચિત્ર, શિલ્પ, સંગીત જેવી કલાઓનાં ગુજરાતી તેમ જ અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ હતો. વિનોદભાઈ વાંસળી સરસ વગાડતા, જૂની રંગભૂમિનાં ગીતો ગાતાં. ‘વિનોદભાઈ અદ્દલ અશોક કુમાર લાગે છે’ એમ રઘુવીર ચૌધરીએ ‘તિલક કરે રઘુવીર’ના બીજા ભાગમાં કુલીનચંદ્ર યાજ્ઞિકના શબ્દચિત્રમાં નોંધ્યું છે. વાતોના રસિયા વિનોદભાઈ બોલે ત્યારે તેમના ચહેરા પર અને અવાજમાં હેત વરતાતું. બાલાસિનોરના તેમના રળિયામણા આચાર્ય નિવાસે કે સૅટેલાઈટ વિસ્તારના તેમના ઘરે તેમની પાસેથી સાંભળેલાં કાવ્યશાસ્ત્રવિનોદ કે અતીતરાગી ગોષ્ઠી મને યાદ આવે છે. વિલ્સનના દિવસોને તે બહુ સંભારતા. ત્યાં તેમને કુલીનચંદ્ર યાજ્ઞિક અને ઇન્દ્રવદન કોઠારી જેવા મિત્રો તેમ જ પત્ની સુરંગી મળ્યાં. હમણાં બ્યાંશી-ત્ર્યાંશીની ઉંમરે તેમની દીકરી નંદિતા તેમને વિલ્સનમાં લઈ ગઈ ત્યારે તે કૉલેજની ઇમારતના બધા માળ ચઢીને તેમાં ફર્યા, કેટલાક વર્ગોમાં પણ બેઠા.
વિનોદભાઈની લાંબી-લાંબી વાતોમાં મુનશી, અનંતરાય, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, નિરંજન (ભગત) જેવાં નામ, અનેક અધિવેશનો-જ્ઞાનસત્રોનાં સંભારણાં,નાટકોના અનુભવો ઉજાગર થતાં. ફરિયાદ કે કડવાશ તેમના મોંઢે સાંભળી નથી. ગુજરાતી લેખનના મારા શરૂઆતના મહિનાઓમાં મને જેમનાં માર્ગદર્શન-પ્રોત્સાહન મળ્યાં તેમાંથી એક તે વિનોદભાઈ. તેમણે બોંતેર વર્ષની વયે કચ્છના ભૂકંપ પીડિતોને સહાય પહોંચાડવા માટે તેમની કૉલોનીમાં યુવાસહજ પહેલ કરી હતી. એંશીમા વર્ષ સુધી તો તે ટુ-વ્હીલર ચલાવતા. છેલ્લા દિવસ સુધી તે પુસ્તકો, છાપાં, સાહિત્યિક સામયિકો અને વિચારપત્રો વાંચતાં રહ્યાં. જીવન માટેની તેમની મુગ્ધતા અને તેમનો ઉત્સાહ છેક સુધી ટક્યાં હતાં. સાહિત્યની દુનિયાને નજીકથી જોયા પછી પણ તેમણે સાક્ષર તરીકેની શાલીનતા અને માણસ તરીકેની સાલસતા જાળવી રાખી હતી.
૨૭ નવેમ્બર ૨૦૧૬
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 13