ગત દિવસોથી હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગના અધ્યાપક એકલા હાથે એક લડાઈ લડી રહ્યા છે. તેઓ શૈક્ષણિક દુનિયાની સરહદ પર એક એવા યુદ્ધનો ભોગ બન્યા છે જેમાં હુમલો કરનાર લોકો રાષ્ટ્રવાદના ઝંડા સાથે ફરી રહ્યા છે; અને તે લોકોનો પડકાર ઝીલનાર આ અધ્યાપકો પાસે માત્ર બુદ્ધિ, વિવેક અને આલોચનાની ભાષા છે, પણ બહારની દુનિયામાં તેની પ્રશંસા કરનાર અથવા ખરીદદાર કોઈ નથી.
૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગે મહાશ્વેતાદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસર પર મહાશ્વેતાદેવીની નવલકથા ‘હજાર ચૌરાસી કી મા’ આધારિત એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સાથે મહાશ્વેતાદેવીની પ્રખ્યાત વાર્તા ‘દ્રૌપદી’ પર આધારિત એક નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ અવસર પર હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નાટ્યગૃહ પ્રેક્ષકોથી ભરેલું હતું અને આ પ્રેક્ષકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે કેટલાક અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ‘દ્રૌપદી’ને ખૂબ પ્રશંસા મળી હતી અને ત્યાં હાજર અધિકારીઓએ પણ અંગ્રેજી વિભાગના અધ્યાપકોની ખૂબ પ્રશંસા કરી હતી. પણ, જે દિવસે આ નાટકનું મંચન થયું તેના બીજા દિવસની સવારે ઘટના કાંઈક અલગ જ હતી. પ્રેક્ષકોમાં હાજર કોઈએ આ નાટકનું રેકૉર્ડિંગ કર્યું હતું અને તેને વિશ્વવિદ્યાલયની બહાર લોકોમાં પ્રસારિત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્રશાખા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે’ એવો આરોપ લગાવ્યો કે આ ‘દ્રૌપદી’ નાટકનું મંચન ભારતીય સેનાના જવાનોને અપમાનિત કરવાના હેતુથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને અહીં એ નોંધવું જોઈએ કે આ નાટકનું મંચન થયું તેના લગભગ ત્રણ દિવસ અગાઉ કાશ્મીરમાં ઊરી ઘટનામાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા હતા. હિંદી છાપાંઓએ પણ તેમના સ્વભાવ અનુસાર વિશ્વવિદ્યાલય વિરુદ્ધ આંદોલનની વહેતી ગંગામાં પોતાના હાથ ધોવાનું શરૂ કરી દીધું અને જે નાટકનો આટલો વિરોધ થઇ રહ્યો છે, તે અંગે કશું જાણવાનો પણ પ્રયત્ન કર્યો નહિ.
‘દ્રૌપદી’ એ એક આદિવાસી સ્ત્રીની વાર્તા છે, જેમાં તે સ્ત્રી – સુરક્ષાદળના હુમલાનો શિકાર થાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે એને એ વાતનો ખ્યાલ આવે છે કે તેની પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે પોતાના નગ્ન શરીરને ઢાંકવાની ના પાડી દે છે, અને એ પ્રકારની શારીરિક ઈજાઓ સહિતની નગ્ન અવસ્થામાં સુરક્ષાદળના અધિકારીને પડકારે છે. હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આ વાર્તાને નાટ્યમાં રૂપાંતરિત કરવામાં આવી અને તેની સાથે ત્યાંના અધ્યાપકોએ આ નાટકમાં એક ઉપસંહાર જોડ્યો જેમાં આજના ભારતમાં જે પ્રકારે આદિવાસી અને અન્ય સમુદાયો પર રાજકીય દમનનીતિમાં આર્મ્ડ ફૉર્સિસ સ્પેિશયલ પાવર ઍક્ટ (આફ્સ્પા) જેવા કાયદાની આડમાં જે પ્રકારના જુલમ ગુજારવામાં આવે છે, તેની વાત કરવામાં આવી. ન્યાયમૂર્તિ વર્મા સમિતિ અને ઉચ્ચતમ ન્યાયાલયના અહેવાલ થકી એ વાત દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી કે કેવી રીતે ભારતીય સુરક્ષા દળના કેટલાક સભ્યો યૌનહિંસાના ગુનામાં સંડોવાયેલા છે અને આ પરિસ્થિતિમાં દર્શકોને પોતાની કેવી ભૂમિકા હોઈ શકે તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એવો આરોપ લગાવ્યો કે આપણા દેશમાં એક તરફ સરહદ પર જવાનો શહીદ થઈ રહ્યા છે અને બીજી તરફ વિશ્વવિદ્યાલયમાં આરામ ફરમાવતા લોકો આ રીતે આપણા જવાનોનાં ચરિત્રને ખરાબ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલય હરિયાણાના મહેન્દ્રગઢ નામના વિસ્તારમાં શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. પણ, અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદે નક્કી કર્યું કે તેઓ આ મુદ્દા પર શહેરમાં આંદોલન કરશે અને શહેર તથા આસપાસનાં ગામડાંના લોકોને પણ આ વિશ્વવિદ્યાલયનો વિરોધ કરવાનું કહેશે. ત્યાં કુલપતિનું પૂતળું સળગાવવામાં આવ્યું છે, શિક્ષકો પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવા અને સાથે તેમને વિશ્વવિદ્યાલયમાંથી પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યાં લગભગ દરરોજ વિશ્વવિદ્યાલયના દરવાજા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
વિશ્વવિદ્યાલયમાં આ નાટકનું મંચન કરવામાં આવ્યું તેના વળતા દિવસે જ કાર્યક્રમ સાથે જોડાયેલા એક ડૉક્ટર સ્નેહસ્તા પાસે વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ આ નાટકમાં ભારતીય સેનાની છબી ખરાબ રીતે પ્રદર્શિત કરવાના આરોપ અંગે સફાઈ માગી હતી, ત્યારે તેઓએ કુલ છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી કે જે આ આખી ઘટનાની તપાસ કરશે અને ત્યાર બાદ તે અંગેનો એક રિપોર્ટ રજૂ કરશે. હવે વિશ્વવિદ્યાલય પર દબાણ કરવા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ સમિતિ યોગ્ય નથી, કારણ કે તેના સભ્યો કુલપતિના અંગત લોકો છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે તે જિલ્લાના શાસનકર્તા પણ પોતાની તરફથી આ ઘટના અંગે તપાસની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, આ પૂર્વે પોલીસે કહ્યું હતું કે સૌ પ્રથમ તેઓ વિશ્વવિદ્યાલયની તપાસ સમિતિના રિપોર્ટની રાહ જોશે.
પરંતુ, મુખ્ય સવાલ એ છે કે આ વિશ્વવિદ્યાલયના વહીવટકર્તાઓએ તેમના અધ્યાપકોને કેમ આ રીતે ખુલ્લા (અરક્ષિત) મૂકી દીધા છે અને અધ્યાપક તરફથી કેમ કશું ખૂલીને કહેતા નથી? કારણ કે તે લોકો પણ નાટકના મંચન સમયે ત્યાં હાજર હતા અને નાટકની પ્રશંસા પણ કરી હતી. તો પછી સવાલ એ છે કે શું વિશ્વવિદ્યાલયના શાસકોનો વિચાર હવે બદલાઈ ગયો છે? અથવા તેઓનું હવે કોઈ મહત્ત્વ જ નથી? હવે સવાલ એ પણ છે કે શું વિશ્વવિદ્યાલયમાં થતી પ્રવૃત્તિ અંગે દરેક લોકોને વિચાર પ્રગટ કરવાનો હક હોવો જોઈએ? અથવા એવા લોકોને બોલવાનો અધિકાર હોવો જોઈએ કે જેઓ નથી જાણતા કે શૈક્ષણિક પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને સાથે વિશ્વવિદ્યાલયમાં રચાતી પ્રવૃત્તિઓને તેઓ યોગ્ય રીતે સમજતા પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો શું બહારના સમાજને વિશ્વવિદ્યાલયમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોવો જોઈએ? પણ, રવીન્દ્રનાથ ટાગોર ઇચ્છતા હતા કે વિશ્વવિદ્યાલય અને સમાજની વચ્ચે કોઈ દીવાલ હોવી જોઈએ નહિ, પણ શું વિશ્વવિદ્યાલયની કોઈ સરહદ પણ ના હોઈ શકે?
લગભગ દસ વર્ષ અગાઉ વડોદરાના સયાજીરાવ વિશ્વવિદ્યાલયના કળા સાથે જોડાયેલા એક વિભાગમાં પરીક્ષાના ભાગ રૂપે યોજાયેલા એક પ્રદર્શન પર વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક સભ્યોએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને નિલંબિત કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ પહેલાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બહારના લોકોનો વાંધો પ્રગટ થતાં એ. કે. રામાનુજનના લેખને તેઓની પાઠ્યસૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. દસ વર્ષ પહેલાં રાજ્યસભામાં હોબાળો થવાને પગલે શાળાનાં પુસ્તકોમાંથી અવતારસિંહ પાશ, પ્રેમચંદ, હુસૈન, પાંડેય બેચન શર્મા ‘ઉગ્ર’, ધૂમિલ જેવા લેખકોના પાઠોને પણ બદલી નાખવામાં આવ્યા હતા.
આ વર્ષની શરૂઆતમાં આપણે જોયું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કુલપતિએ પૂર્વસેનાનાયકની સલાહ લીધી હતી કે યુનિવર્સિટી કેવી રીતે ચલાવવી જોઈએ. શું સમગ્ર દેશમાં આમ થશે? આપણા માટે આ ગર્વની વાત છે કે હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અંગ્રેજીના શિક્ષક પોતાના નિર્ણય અંગે કોઈ પ્રકારની શરમ નથી અનુભવી રહ્યા. ડૉક્ટર સ્નેહસ્તાએ પોતાના જવાબમાં એવો પણ સવાલ કર્યો કે શું રાજ્ય સમક્ષ પ્રશ્નો કરવા એ બૌદ્ધિકોની ફરજ નથી? પણ, તેઓ પર જોખમ છે. એક અધ્યાપક વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ નક્સલી છે, કારણ કે તેઓએ કેટલાંક વર્ષો છત્તીસગઢમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે આ ભોળા રાજ્યમાં કમ્યુિનઝમનો પ્રચાર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જેને તેઓ નિષ્ફળ બનાવશે. શું આદેશમાં કમ્યુિનઝમમાં વિશ્વાસ રાખવો એ ગુનો છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હીથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આ દેશનો અધ્યાપક-સમુદાય ચૂપ કેમ બેઠો છે? હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અન્ય અધ્યાપક પણ કેમ ચૂપ બેઠા છે? શું આ અંતિમ હુમલો છે? હરિયાણા અને પંજાબમાં ભગતસિંહ અને અવતારસિંહ પાશનું નામ લેનારા લોકો પણ કેમ આ અધ્યાપકોની સાથે નથી? શું ખરાબ લોકોના પક્ષમાં સંગઠન સરળ છે અને વિવેકી લોકોએ એકલા જ સંઘર્ષ કરવો પડે છે? છતાં પણ આ દેશ મહાન થવા માટેનાં સ્વપ્ન જોઈ શકે છે?
(લેખક એન.ડી.ટી.વી. હિંદીના કૉલમિસ્ટ અને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.)
[અનુ. : નિલય ભાવસાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 19 અને 17