Opinion Magazine
Number of visits: 9484383
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્રકારત્વનો સીધો સંબંધ સંતુલિત અભિગમ સાથે છે

રાજદીપ સરદેસાઈ|Opinion - Opinion|7 September 2016

થોડા દિવસ અગાઉ એક વેબસાઇટના પત્રકારે મને ફોન કર્યો. તેઓ ટીવી અને સોશિયલ મીડિયા પર અર્નબ ગોસ્વામી અને બરખા દત્ત વચ્ચે ચાલી રહેલી ‘લડાઈ’ પર મારી પ્રતિક્રિયા જાણવા ઇચ્છતા હતા. સામાન્ય રીતે જ્યારે હું કોઈ મુદ્દા પર સ્પષ્ટ અભિપ્રાય ધરાવું છું, ત્યારે ચર્ચામાં કૂદી પડું છું અને વિચારો વ્યક્ત કરું છું. મારું માનવું છે કે આપણી ચારે તરફ અનૈતિકતા વધારે પ્રમાણમાં પ્રવર્તે છે અને આ સ્થિતિમાં મૌન રહેવું નૈતિક રીતે અનુચિત છે. તેમ છતાં અર્નબ-બરખાના મુદ્દે મેં ચુપકીદી સેવી લીધી. મેં નક્કી કર્યું કે આ મુદ્દે હું એક પણ શબ્દ નહીં બોલું અને બળતામાં ઘી નહીં હોમું. બરખા અને અર્નબ મારા ભૂતપૂર્વ સાથીદારો હોવાની અસર આ માટે જવાબદાર હોઈ શકે. હું બંનેનાં કામનું સન્માન કરું છું. વળી ટિ્વટર જેવા સતત ઝેર ઓકતાં પ્લૅટફૉર્મ પર મને ભૂતકાળમાં માઠો અનુભવ થયેલો છે. સોશિયલ મીડિયા એવો મંચ છે, જ્યાં મહોરાં ધારણ કરીને જાહેર ક્ષેત્રના લોકોને નિશાન બનાવવા સતત પ્રયાસ થાય છે. કદાચ આ અનુભવની અસર હેઠળ પણ મેં અર્નબ-બરખાના મુદ્દે ચૂપ રહેવાનું મુનાસિબ સમજ્યું હોય તેવું બની શકે છે. સાચું કહું તો, હું મારી આસપાસ વધારે વૈમનસ્યપૂર્ણ અને દ્વૈષપૂર્ણ વાતાવરણ ઇચ્છતો નથી.

જો કે વધુ વિચાર કરતાં મને લાગે છે કે, આ મુદ્દે મારી ચુપકીદી પાછળ એ સવારે અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાનું પ્રભાવશાળી અને પ્રેરક ભાષણ વધારે જવાબદાર હતું. તમે મિશેલના એ ભાષણને ડેમોક્રેટિક પક્ષના સંમેલનમાં આપવામાં આવેલું શ્રેષ્ઠ ભાષણ કહી શકો. મિશેલે આ ભાષણમાં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની છાવણી દ્વારા ચલાવવામાં આવતા વૈમનસ્યપૂર્ણ અને દ્વેષપૂર્ણ વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે એક પણ વખત રિપબ્લિકન પાર્ટીનું નામ લીધા વિના પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી હતી. તેમના ભાષણની સૌથી મહત્ત્વપૂર્ણ વાત અહીં મૂકું છુંઃ આપણે દરરોજ ટેલિવિઝન પર જાહેર હસ્તીઓ દ્વારા દ્વૈષપૂર્ણ અને વૈમનસ્ય ફેલાવે તેવી ભાષા સાંભળીએ છીએ. ખરેખર તે આપણા દેશના ખરા જુસ્સા, આપણા દેશના આત્માનું પ્રતિનિધિત્વ કરતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ બદમાશ કે ગલીના ગુંડા જેવી ભાષાનો ઉપયોગ કરે છે કે તેના જેવું કામ કરે છે, ત્યારે જ આપણી કસોટી થાય છે. આપણી નૈતિક અધોગતિ થવી ન જોઈએ અને આપણે તેમના સ્તરે પહોંચવાનું નથી. આપણો આદર્શ આ છે, આપણો સિદ્ધાંત આ છે : જ્યારે તેઓ નીતિનિયમો નેવે મૂકે છે, આપણને નૈતિક અધોગતિઓ તરફ દોરી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે આપણે આપણું ચારિત્ર્ય વધારે ઊજળું કરવાનું છે, આપણે નૈતિકતાના વધારે સારા માપદંડો સ્થાપિત કરવાના છે.” મિશેલ વાત અમેરિકાની કરતાં હતાં, પણ મને તો તેમનો સંદેશ અમેરિકાની જેમ ભારત માટે પણ પ્રસ્તુત હોય તેવું લાગ્યું.

જ્યારે હું મારું પુસ્તક, 2014 : The Election that Changed India લખતો હતો, ત્યારે મને અવારનવાર પૂછવામાં આવ્યું હતું કે, પુસ્તકનું શીર્ષક અતિશયોક્તિપૂર્ણ નથી લાગતું? પુસ્તક પ્રકાશિત થયાને બે વર્ષ થઈ ગયાં છે અને આપણને ધીમે-ધીમે જવાબ મળી રહ્યો છે. ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામોથી આપણા જીવનમાં બહુ મોટો ફેરફાર થયો નથી – ભ્રષ્ટાચાર હજુ પ્રવર્તે છે, ગંગામૈયા હજુ પ્રદૂષિત છે, ખેડૂતો આત્મહત્યા કરી જ રહ્યા છે, આપણે વીજકાપનો સામનો કરવો જ પડે છે, શાકભાજીના ભાવમાં વધારો સહન કરવા સિવાય છૂટકો નથી, ચોમાસામાં રસ્તાઓ પર હજુ પણ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. દેશનો કૉમનમેન હજુ પણ અચ્છે દિનની રાહ જુએ છે, પણ ૨૦૧૪ની ચૂંટણીનાં પરિણામોએ એક ફેરફાર જરૂર કર્યો છે. તેમાં વિજેતાપક્ષ વધુ ને વધુ મજબૂત થયો છે અને હજુ વધારે થઈ શકે છે. એટલે જ આપણને એકાએક ગૌરક્ષક સેનાના સૈનિકો જોવા મળ્યા છે, જેઓ માને છે કે તેઓ હિંસક દાદાગીરી કરી શકે છે. લવજેહાદીઓનાં ટોળાં ફરી રહ્યાં છે, જેઓ આંતરધર્મી લગ્નો સામે યુદ્ધ છેડી શકે, તેવું માને છે. ઘરવાપસી અભિયાને વેગ પકડ્યો છે. અરે, આપણી સંસદમાં એવા સાંસદો પણ છે, જેઓ ગોડસેનાં ગુણગાન ગાય છે. વળી, આપણા દેશમાં બીજી બાજુ પાગલોની જમાત પણ છે. તેઓ ઇસ્લામના નામે નિર્દોષ નાગરિકો સામે આતંક ફેલાવી રહ્યા છે, જુનવાણી, અમાનવીય અને અપ્રસ્તુત કાયદાઓ સુધારવાનો ઇનકાર કરતાં મૌલવીઓ છે, ફતવાનું રાજકારણ રમતાં ઇમામો છે. ઝનૂની તત્ત્વો અગાઉ હતાં અને હંમેશાં રહેવાનાં. તેઓ માનવ સભ્યતા માટે કાયમી ખતરો છે. પણ નફરત અને સત્તા વચ્ચેની સાંઠગાંઠ વિનાશકારક છે. તે ઝનૂની અને અંધ રાષ્ટ્રવાદના ઉદયનો સંકેત છે, ધર્માંધતા અને કટ્ટરતાને કાયદેસરતા તરફ દોરી જાય છે.

આ સ્થિતિ દેશમાં ધ્રુવીકરણ પેદા કરે છે, પણ સૌથી વધુ ખતરનાક બાબત એ છે કે ધ્રુવીકરણ હવે શેરીઓમાંથી ટીવી ચૅનલોના સ્ટુડિયોમાં પહોંચી ગયું છે. સત્તારૂઢ સરકારના સૈનિકો કે ચાકર બની ગયેલા મીડિયાના પ્રતિનિધિઓ ધ્રુવીકરણને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે. દેશની ભોળી જનતાની જેમ તેઓ મીડિયાના પ્રતિનિધિઓને વિભાજિત કરી રહ્યા છે. તેઓ ફેંસલો સંભળાવે છેઃ તમે તમારા રિપોર્ટિંગને આધારે દેશભક્ત હોઈ શકો અથવા દંભી ઉદારવાદી, તમે રાષ્ટ્રવાદી હોઈ શકો અથવા રાષ્ટ્રવાદ વિરોધી. જો તમે એ.એફ.એસ.પી.એ. જેવા અતિ કઠોર કાયદા હેઠળ જીવીને પાયમાલ થઈ ગયેલી કાશ્મીરી યુવાનોની બે પેઢીની પીડા વિશે વાત કરશો, તો તમે રાષ્ટ્રવિરોધી છો, તમે દંભી ઉદારવાદી છો. પણ જો તમે પોતાના જ દેશમાં શરણાર્થી બનીને જીવતા કાશ્મીરી પંડિતોની વ્યથા વિશે બૂમબરાડા પાડશો, તો તમે રાષ્ટ્રવાદી છો, દેશભક્ત છો. વળી, જો તમે આ બંને પીડિત સમુદાયોની વાત રજૂ કરશો, તો તમે અડૂકિયાદડૂકિયા છો. અમારામાંથી કેટલાક આવી ટીકાનો ભોગ બનેલા છે. જો તમે કાશ્મીરમાં પત્થરમારાનો સામનો કરતાં આપણા સૈનિકોનું રિપોર્ટિંગ કરશો, તો તમે દેશભક્ત છો. પણ જો તમે કાશ્મીર ઘાટી કે આદિવાસી વિસ્તારમાં માનવાધિકારના ઉલ્લંઘનની વાત કરશો, તો તમે રાષ્ટ્રવિરોધી છો.

અહીં હું મારો અભિપ્રાય જણાવું છું : હકીકતમાં પત્રકારત્વનો સીધો સંબંધ સંતુલિત અભિગમ સાથે છે. તેમાં ટી.આર.પી. માટે પાયાવિહોણા બૂમબરાડા કરતાં વિવેકસર સત્યને ઉજાગર કરવાની ઝંખના વધારે હોય છે, સનસનાટી ફેલાવવાને બદલે સમજણ વધારવાનો આશય વધારે હોય છે, દર્શકોને ભડકાવવાને બદલે સુમાહિતગાર અને જાગૃત કરવાનો પ્રયાસ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે. હું ટી.આર.પી. વધારવા માટે ઇરાદાપૂર્વક બફાટ કરવા ઇચ્છતો નથી અને ટેબ્લોઇડ જર્નલિઝમનો પોસ્ટરબૉય બનવા માંગતો નથી, જે સતત જમણેરી વિચારધારાનું પ્યાદું બનીને પોતાના ચુકાદા આપે છે અને પોતાનાથી વિપરીત અભિપ્રાય ધરાવતા લોકોને ધમકાવે છે. હું એવા પત્રકાર તરીકે કામ કરવા ઇચ્છું છું, જે બૂમબરાડા પાડવાને બદલે સ્થિતિસંજોગોને વધુ ઊંડાણપૂર્વક સમજે છે, અવ્યવસ્થા ઊભી કરવાને બદલે જટિલતાને સમજે છે, હકીકતો સાથે ચેડાં કરવાને બદલે સંવાદ સાધવા ઇચ્છે છે. હું કોઈનો પક્ષ લેવા ઇચ્છતો નથી, પણ મારો મત વ્યક્ત કરીશ. વળી, મારો મત કે અભિપ્રાય કાયદાના શાસન અને વ્યક્તિગત સ્વતંત્રતા પર આધારિત હશે. આપણને આપણા દેશ પર ગર્વ હોવો જોઈએ, પણ સાથે-સાથે સરકારને પ્રશ્ર પૂછવાનો આપણો અધિકાર પણ જાળવવો જોઈએ. જો મારો આ મત મને પ્રવર્તમાન સ્થિતિસંજોગોમાં એકલોઅટૂલો પાડી દે કે રાષ્ટ્રવાદનો ઝંડો લઈને ફરતાં કહેવાતાં કટ્ટર લોકોની નજરમાં રાષ્ટ્રવિરોધી બનાવી દે, તો પણ મને કોઈ વાંધો નથી.

મિશેલ ઓબામાની જેમ હું પણ વધુ ઉદાર, દ્વેષમુક્ત, વિવિધતામાં એકતામાં વધારે માનતા ભારતની આશા રાખું છું. આ કારણે જ આપણે પત્રકારોએ સારી-નરસી બાબતોનું રીપોર્ટિંગ કરવું જોઈએ. આપણે કાશ્મીરમાં હિંસાનું રિપોર્ટિંગ કરવું જોઈએ, તો કર્ફ્યુ હોવા છતાં પડોશમાં રહેતાં પંડિતના અંતિમ સંસ્કારમાં મદદ કરતાં કાશ્મીરી મુસ્લિમો વિશે પણ દેશની જનતાને માહિતગાર કરવી જોઈએ. આપણે મૃત ગાયની ચામડી ઉતારવા બદલ અત્યાચારનો ભોગ બનેલા દલિતનું રિપોર્ટિંગ કરીએ, તો દલિતો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કલેક્ટરની ઑફિસ સામે ગાયનું શબ ફેંકવાનું સાહસ કરનાર દલિતો વિશે જણાવવું જોઈએ.

આ બ્લૉગ સેલિબ્રિટી એન્કર અને આપણા અહંકારની વાત કરવા માટે નથી : આપણે ટીવીના પડદા પર ચર્ચા કરીએ છીએ, બૂમબરાડા પાડીએ છીએ, પણ તે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધ વિના કામ કરતા સેંકડો રીપોર્ટર્સની આકરી મહેનતનું ફળ છે. આપણે સ્ટુડિયોમાં જે ડંફાશ મારીએ છીએ. તેમાં તેમનું સાહસ અને સમાચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા જવાબદાર છે. યાદ રાખો : જે લોકો ટીવી-સ્ટુડિયો અને સોશિયલ મીડિયામાં બેસીને બૂમબરાડા પાડે છે, તેઓ આપણને ટુકડાઓમાં વિભાજિત કરે છે. હકીકતમાં મોટા ભાગના ભારતીયો મૌન ધારણ કરીને આપણને એકતાંતણે રાખે છે. આ માટે આપણે ખરેખર ઈશ્વરનો આભાર માનવો જોઈએ!

મારો બ્લૉગ વાંચીને શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતાં મારા મિત્રએ મને આ અભિપ્રાય આપ્યોઃ વાત અર્નબ-બરખાની તુતુમૈંમૈંની નથી, વાત ટી.આર.પી.ની નથી કે વાત પત્રકારત્વમાં નૈતિક મૂલ્યોના અધઃપતનની નથી. સવાલ છે એક એન્કરનો, જે જુઠ્ઠાણાં ચલાવે છે. ચોક્કસ, નિશાન ઊંચું હોવું જોઈએ – નૈતિક અધઃપતન ન થવું જોઈએ. જે વ્યક્તિ ગેરમાર્ગે દોરે છે, તેની ઉપેક્ષા કરો અને મુદ્દાને ટાળો.

તેમને મારી પ્રતિક્રિયા આ છે : હું બળતામાં ઘી હોમવા ઇચ્છતો નથી, પણ દૃઢતાપૂર્વક સત્ય કહેવા ઇચ્છું છું. અને સત્ય એ છે કે અર્નબ મારો સાથીદાર હતો. શિષ્ટાચાર અને સભ્યતા મને વધુ કશું કહેવાની છૂટ આપતી નથી, પણ હું કહીશ કે મીડિયાના કેટલાક પ્રતિનિધિઓ સામે કેસ ચલાવવાની અને તેમને સજા કરાવવાની વાત કરીને અર્નબે ભારતીય મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવા સરકારને પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મને આશા છે કે અંધકાર વચ્ચે આશાનું કિરણ ફૂટશે અને તેમાંથી સારી સમજ પેદા થશે. ભારત અને ભારતીય મીડિયા કોઈ વ્યક્તિના દ્વેષપૂર્ણ અભિમાનથી વધારે મોટું છે.

(જાણીતા પત્રકાર-એન્કર અર્નબ ગોસ્વામીએ ‘ટાઇમ્સ નાઉ’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીધેલી મુલાકાત પછી એન.ડી.ટી.વી.નાં પત્રકાર-એન્કર બરખા દત્ત અને અર્નબ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી લદાઈ મુદ્દે પોતાના બ્લૉગ – Breaking Views – પર રાજદીપ સરદેસાઈએ Why I will not speak on the ARNAB-BARKHA WAR હેઠળ વ્યક્ત કરેલા વિચારો.)        

અનુવાદક : કેયૂર કોટક

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 15-16

Loading

7 September 2016 admin
← સ્વતંત્રતા એટલે…
પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની ‘સ્ટોરી’ →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved