Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા એટલે…

પેરુમલ મુરુગન|Opinion - Literature|6 September 2016

પ્રશ્ન : તમારા લખાણોને નિશાન બનાવ્યા પછી તમે અરજી કરવા ઇચ્છતાં નહોતા. હવે મદ્રાસ હાઈ કોર્ટે નમક્કલ જિલ્લા વહીવટીતંત્રે તમારા પુસ્તક માથોરુભાગન પર મૂકેલા પ્રતિબંધને ગેરકાયેદસર ગણાવતો આદેશ આપ્યો છે. તમને કેવી અનુભૂતિ થાય છે?

મુરુગન : હાઈ કોર્ટના આદેશે એક લેખક તરીકે મારી જવાબદારી વધારી દીધી છે. એટલે કે આ ઓર્ડર મને લખવા માટે, ફરી લખવું જોઈએ એવી પ્રેરણા આપે છે. કોર્ટના આદેશ અને તેમાં રહેલા ન્યાયિક મૂલ્ય પર જનતાને ચર્ચા કરવા દો. સાચું કહું તો એક વ્યક્તિ તરીકે મેં જે વેઠ્યું છે તેમાંથી હજુ બહાર આવી રહ્યો છું. હું ધીમે ધીમે ફરી લખવાનું શરૂ કરવા વિચારી રહ્યો છું.

પ્રશ્ન : એક લેખક ૧૯ મહિના સુધી પોતાની કલમને વિરામ આપી શકે? તમે તમારા વિચારોને વ્યક્ત ન કરી શકવા બદલ ગૂંગણામણ નહોતા અનુભવતા?

મુરુગન : હું કશું વિચારી જ શકતો નહોતો, હું સંવેદનશૂન્ય થઈ ગયો હતો. મારા લખાણ પર વિવાદ થયાના ત્રણ મહિના પછી સૌ પ્રથમ ફેબ્રુઆરી, ૨૦૧૫માં મને કશું લખવાની વિનંતી કરવામાં આવી હતી. એ દિવસે મેં કવિતા લખી હતી અને ત્યારથી અત્યાર સુધી ૨૦૦ કવિતાઓ લખી છે. કોર્ટના આદેશ પછી કવિતાસંગ્રહ સ્વરૂપે મેં તેને પ્રકાશિત કરવાની સંમતિ આપી નહોતી ત્યાં સુધી મારી એ અભિવ્યક્તિઓના એકમાત્ર હું જ સાક્ષી હતો.

પ્રશ્ન : તમે તમારો વિરોધ કરતાં જૂથો સામે ન લડવા “લેખકના મૃત્યુ”ની જાહેરાત કરી હતી. તેના કારણે અનેક વાચકોએ તમારી ટીકા કરી હતી …

મુરુગન : હા, ઘણા લોકો ઇચ્છતાં હતાં કે હું નિવેદનો આપીને અને વિરોધ કરીને સામી લડત આપું. વિદ્યાર્થીઓએ મારા માટે વિરોધ પ્રદર્શનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મને ગંભીર ધમકીઓ મળી હતી, ત્યારે વકીલોએ મને પોલીસ ફરિયાદ કરવાની કે કોર્ટમાં અરજી દાખલ કરવાની સલાહ આપી હતી. પણ મને ખબર જ નહોતી કે મારો દુશ્મન કોણ છે, મારો વિરોધ કોણ કરી રહ્યું છે. એટલે હું ચહેરા વિનાના અજ્ઞાત દુશ્મન સામે લડવા નહોતો ઇચ્છતો. જો સરકારની ભૂમિકાનો વિચાર કરવામાં આવે, તો હું કહીશ કે તે અન્ય કિસ્સાઓમાં જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાને પ્રાથમિકતા આપે છે, તે રીતે મારા કિસ્સામાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રાથમિકતા આપવાની જરૂર હતી. હું જ્ઞાતિ-સામુદાયિક જૂથોને ગુનેગાર માનતો નહોતો, કારણ કે તેઓ ઈશ્વર અને શ્રદ્ધાના મુદ્દે ખરેખર કેટલાં ગંભીર છે કે સમજદાર છે તેના વિશે મને શંકા છે. જ્યારે મારા વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું આયોજન કર્યું હતું, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે, તેમણે મારા સાહિત્યનો વિરોધ કરવા જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ જ ભાષાનો ઉપયોગ આપણે કરવો જોઈએ? એક બૌદ્ધ સાધુએ તેઓ તેમનું વારંવાર અપમાન કરનાર વ્યક્તિઓને કોઈ પ્રતિક્રિયા શા માટે આપતા નથી એ સમજાવ્યું હતું.

પ્રશ્ન : તમે સાહિત્ય સમારંભો કે જાહેર કાર્યક્રમોનાં આમંત્રણોનો અસ્વીકાર કરવા માટે પણ જાણીતા છો. તમે અંતર્મુખી છો કે જાણીજોઈને તમે પબ્લિસિટી મેળવવા ઇચ્છતા નથી?

મુરુગન :  હું લેખક છું. હું મારા લખાણો મારફતે મારી ફરજ અદા કરું છું. લોકો મારી પાસે એવી અપેક્ષા શા માટે રાખે છે કે હું રાજકારણીની જેમ સ્ટેજ પર ભાષણ આપું? ઘણા લોકો મને તાજેતરમાં થયેલા વિવાદ વિશે મને બોલવા સતત દબાણ કરી રહ્યાં છે. અરે, મારે કોઈ પણ પેપર રજૂ કરવાની તૈયારી માટે ઓછામાં ઓછા બે મહિનાની જરૂર છે. જો હું સાહિત્ય સમારંભોના આમંત્રણો સ્વીકારું, ખાસ કરીને કેરળમાં, તો હું વધારે કશું લખી શકીશ નહીં અને આખો વર્ષ જાહેર સભાઓમાં હાજરી આપવી પડશે. અત્યારે તો હું ઘણી બાબતો વિશે વિચારી રહ્યો છું. મારા મનમાં કવિતાઓ જ આવે છે, કદાચ મારું મન મારા ઘા ભરવા માટે કવિતાઓને જન્મ આપતું હશે. જેમ આપણા શરીરમાં ઝેરી પદાર્થો દૂર થવા ગૂમડાં થાય છે, તેમ મારા જખમોને ભરવા મન કવિતાઓનું સર્જન કરતું હશે.

પ્રશ્ન : કોંગુ પ્રદેશમાં એક જ્ઞાતિની સંસ્થાએ તમારો વિરોધ કર્યો હતો. આ પ્રદેશ શક્તિશાળી ઓબીસી-ગૌંડેર જ્ઞાતિની વસતિ માટે જાણીતો છે. તમારી નજરે જ્ઞાતિ એટલે શું?

મુરુગન : હકીકતમાં તેને હજુ સુધી હું સમજી શક્યો નથી. મારા માટે રહસ્ય છે. જ્યારે મારાં પુસ્તકનો વિરોધ થયો હતો, ત્યારે તેની પાછળ કોણ હતું તેનો મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. કોઈને જવાબદાર ઠેરવી શકાય તેવું નહોતું. મારા પુસ્તક પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો, સરકારે કે પછી જ્ઞાતિવાદી પરિબળોએ એની મને ખબર નથી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે ગૌંડેર મહિલાઓની છબીને ખરડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તમારા સાહિત્યને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં તમે વર્ણન કર્યું હતું કે એક પત્નીને તેનો પરિવાર મંદિરની ધાર્મિક વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. આ વિધિ મુજબ મહિલા અજાણ્યાં પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધીને બાળક મેળવે છે. અમને તિરુશેન્ગોડેના સામાજિક ઇતિહાસમાં મહિલાઓ અને તેમની ભૂમિકાઓ વિશે જણાવો.

મુરુગન :  કોંગુ વિસ્તારમાં સમૃદ્ધિ લાવનાર મહિલાઓ છે. તિરુશેન્ગોડે કે નમક્કલ, સેંકડો ટ્રક ઓપરેટર્સ કે ડ્રાઇવર્સ કે રિગ ઓપરેટર્સ ધરાવે છે, પણ હકીકત એ છે કે એ કુટુંબની મહિલાઓએ જ જમીનને ફળદ્રુપ રાખવામાં મદદ કરી હતી, ખાસ કરીને તેમના પતિ મહિનાઓ સુધી કામકાજ માટે બહાર ગયા હોય છે. મહિલાઓ જ બાળકોનું લાલનપાલન કરતી હોય, ખેતીવાડી કરે અને ઘરની સંભાળ લે. સાયકલની શોધ થઈ ત્યારથી અમારા વિસ્તારમાં મહિલાઓ તેનો સારો એવો ઉપયોગ કરતી હતી. અમારા વિસ્તારમાં ૧૯૮૦ના દાયકામાં મહિલાઓ ટીવીએસ-૫૦ (ટૂ-સીટર મોપેડ) ફેરવતી હતી. ૧૯૯૦ના દાયકામાં રિગ વ્યવસાયનો ઉદય થયો હતો અને તેની સાથે અમારા સામાજિક માળખામાં પરિવર્તનોની શરૂઆત. એ સમયે પરંપરાગત કુટુંબોના પુરુષોએ ઔપચારિક શિક્ષણ વિશે વિચારવાની શરૂઆત કરી હતી. પણ મહિલાઓએ ઔપચારિક શિક્ષણ લઈ લીધું હતું, તેમાંથી ઘણી મહિલાઓએ તો પ્રાથમિક શિક્ષણ પણ લીધું હતું અને થોડી મહિલાઓ કૉલેજ પણ જતી હતી. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે દરેક મહિલા પોતાની બચત ધરાવતી હતી. જ્યારે ગોંડેર પુરુષોએ રિગ વ્યવસાય માટે ઉત્તર ભારત તરફ પ્રયાણ કરવાની શરૂઆત કરી હતી, ત્યારે મહિલાઓ જ ખેતીવાડીનું ધ્યાન રાખતી હતી. તિરુશેન્ગોડેના પરિવર્તનની ગાથા અમારી મહિલાઓ સાથે જોડાયેલી છે.

પ્રશ્ન : જ્યારે તમારા વતન નમક્કલમાં લોકો તમારો વિરોધ કરતાં હતાં ત્યારે થયેલા દુઃખ વિશે જણાવી શકો?

મુરુગન : એ વખતની મારી મનોદશા વર્ણવી શકું, ન એવો હું છટાદાર વકતા છું કે ન એવો વિચારક છું. તમને મારી તમામ પીડા કે વેદનાની અનુભૂતિ મારી કવિતામાં થઈ શકે છે. (તેમણે આ ગાળામાં પ્રથમ કવિતા આયિરામાયિરામ લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કેઃ “હું ઝેરથી મરી ગયેલા ઉંદરના શરીરમાં પ્રવેશી રહ્યો છું. જાણે હું દુઃસ્વપ્ન જોતો હોય, તેમ અંદરથી ડર સાથે, એક આંચકા સાથે જાગી ગયો છું. આસપાસના વાતાવરણના ડરથી તે દોટ મૂકે છે અને વેગથી વહેતી નદીને સમાતંર એક છિદ્ર જુએ છે. જ્યારે તે ગંદકીમાંથી બહાર નીકળે છે, ત્યારે સૂર્યના કિરણો અને મંદ હવાની લહેરનો સ્પર્શ થતાં તે ધ્રુજી ઊઠે છે. ત્યાં હજારો દર છે અને હવે હું આવા શોધી ન શકાય તેવા દરમાં છુપાઈ ગયો છું?”)

પ્રશ્ન : નીરુ વિલાયાટ્ટુમાં તમે લખ્યું હતું કેઃ “તેના હાથ નરમ પડી ગયા હતા અને તેની પકડ ઢીલી પડી ગઈ હતી. તે ખુલ્લાં મોં અને ફેલાયેલા અંગો સાથે દેડકાની જેમ પોતાની પીઠ પર પડ્યો હતો.” તમે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર સાથે સંબંધ ધરાવો છો. એ વિવરણ તમારી વાર્તાઓમાં પાણી માટેની પ્યાસ સૂચવે છે?

મુરુગન : અમારા વિસ્તારમાં તળાવો કે નદીઓ કે સરોવરો મોટી સંખ્યામાં નથી. કદાચ એટલે મને કૂવાઓ પ્રત્યે વધુ લગાવ છે. મારા બાળપણમાં કૂવાઓ જ પાણીનો સ્ત્રોત હોવાથી મારા લખાણમાં તેનું વર્ણન આવી જાય છે. એ દેડકાની જેમ હું પણ કૂવાઓમાં મારા અંગો ફેલાવીને પડ્યો રહેતો હતો. શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વખત મારી પીઠને બહુ ઇજા થઈ હતી. અત્યારે પણ મને પીઠનો દુઃખાવો હોવાથી હું લાંબો સમય બેસી શકતો નથી એટલે મારે સૂતાં સૂતાં જ વાંચવું પડે છે.

પ્રશ્ન :  તો દુષ્કાળગ્રસ્ત જમીનમાં પાણી હંમેશાં પરિવર્તનનું વાહક બની રહે છે …

મુરુગન :  હા, મારા બાળપણના દિવસો દરમિયાન અમારે દરરોજ ઘણું દૂરના કૂવાઓમાંથી પાણી ભરીને લાવવું પડતું હતું. અમે મોટા ભાગે સાઇકલની બંને બાજુએ બે ઘડા બાંધીને પાણી લાવતા હતા. તે દિવસોમાં પાણી લાવવા માટેની કાવેરી કે મતર યોજનાઓએ આકાર લીધો નહોતો. ૧૯૮૦ના દાયકામાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો હતો. આ નપાણિયા વિસ્તારો સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે. મને તેની પાછળ રહેલાં વિજ્ઞાનની ખબર નથી, પણ માન્યતાઓ ખરેખર કામ કરે છે એ મેં જોયું છે. કેટલાંક લોકો કૂવા ખોદવા માટે જગ્યાઓ શોધવા હાથમાં નાળિયેર પકડતાં હતાં. પછી જ્યાં સુધી નાળિયેર ગોળ ફરવાનું શરૂ ન કરે ત્યાં સુધી ધીમે ધીમે ચાલતા હતા. જ્યાં નાળિયેર ગોળ ફર્યું હોય ત્યાં નિશાની કરતાં હતાં. પછી અમે ત્યાં મોટો કૂવો ખોદતા હતા … કૂવાઓ કે પાણીની તંગી તમામ પરિવર્તનોના પાયામાં રહેલી છે. મેં આ જ વાત ૧૯૯૧માં યેરુવેયિલમાં રજૂ કરી હતી. મેં આ વાર્તામાં ગામમાં શહેરીકરણના સંઘર્ષ અને પડકારો વિશે ચર્ચા કરી હતી.

પ્રશ્ન : તમારી નવલકથામાં તમે તિરુશેન્ગોડેના અર્ધનારેશ્વર મંદિરના દેવનું અપમાન કર્યું એવો આરોપ તમારા પર મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે તમને તથા તમારી નવલકથાને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તમે ઈશ્વરમાં કેટલી આસ્થા ધરાવો છો?

મુરુગન : મારા પિતા પેરુમલનું અવસાન ૨૦ વર્ષની ભરયુવાન વયે થયું હતું. તેઓ મુરુગન (પલાણી મુરુગન મંદિરના મુખ્ય દેવ)ના પરમ ભક્ત હતા. તેઓ મને કહેતા હતા કે, મારો જન્મ મુરુગનના આશીર્વાદથી થયો છે. તેઓ મારી માતા ગર્ભવતી થયા એ અગાઉ તેમની પલાણી મંદિરની મુલાકાતો યાદ કરતાં હતાં. હું નાસ્તિક નથી. અત્તુરમાં અરિગ્નાર અન્ના ગર્વનમેન્ટ આટ્ર્સ કોલેજમાં જોડાયા અગાઉ હું વાડેસેન્ની પર્વતમાળામાં સ્થિતિ મુરુગન કોઇલના મંદિરના દર્શનાર્થે જતો હતો. મારું કુટુંબ મુરુગનનું અનન્ય ભક્ત છે. પણ તેમ છતાં મને ઈશ્વરના અસ્તિત્વ પરની ચર્ચામાં રસ છે. તેના બદલે ઈશ્વરની જરૂર છે કે નહીં તેના પર ચર્ચા વધારે સંવેદનશીલ અને આવશ્યક હોઈ શકે છે. જો તમે તમારી આસપાસ નજર કરશો, તો તમને સમજાશે કે અનેક મનુષ્યો ઈશ્વરમાં આસ્થા ધરાવતા હોવાથી જ જીવંત છે. ઈશ્વર આપણી રોજિંદી ઘટમાળમાં શૂન્યાવકાશને ભરે છે. જ્યારે લોકો તેમની ખુશી અને પીડા પોતાની આસપાસના લોકો સાથે વહેંચવામાં નિષ્ફળ નિવડે છે, જ્યારે અન્ય લોકો તેમની અને તેમની વાતોની અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, ત્યારે ઈશ્વરની ભૂમિકા શરૂ થાય છે. આપણે ઈશ્વરને આપણી નાનીમોટી દરેક વાત કહી શકીએ છીએ.

મારી માતા પણ ઈશ્વરમાં અજોડ આસ્થા ધરાવતી હતી. મેં પોતે તેવરમ (સંગમ સાહિત્ય) અને નવમી સદીના શિવભક્ત કવિ માનિક્કવસાગરના થિરુવસગમનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું નમક્કલ અંજાનેયર મંદિરની મુલાકાત લઉં છું, ત્યારે હું કમ્બ રામાયણ(તમિળ મહાકાવ્ય)ના છંદ કે દોહા ગાઉં છું. જ્યારે મારા કુટુંબના સભ્યો ઇચ્છે છે, ત્યારે હું પૂજા કે પ્રાર્થના સભામાં સામેલ પણ થાઉં છું.

પ્રશ્ન : સામાજિક સુધારક અને દ્રવિડ આંદોલનના પ્રણેતા પેરિયાનું જન્મસ્થળ ઇરોડ તમારા વિસ્તાર પછી તરત છે. જ્ઞાતિ અને સામાજિક અનિષ્ટો સામેની તેમની વિચારધારા તિરુશેન્ગોડના લોકોને પ્રભાવિત કેમ કરી શકી નહીં?

મુરુગન : જેમ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણી દુર્લભ છે, તેમ અહીં બ્રાહ્મણો અતિ ઓછી સંખ્યામાં છે. તમિલનાડુનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમારા વિસ્તારોમાં મંદિરોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. પેરિયારની આત્મસન્માનની ચળવળ બ્રાહ્મણવિરોધી લાગણી પર આધારિત હતી એટલે તેનો પ્રભાવ ગૌંદેર અને મધ્યસ્થી કરાવનાર અન્ય વસતિ ધરાવતા વિસ્તારમાં ઓછો થયો હતો એ સ્વાભાવિક છે.

પ્રશ્ન : દેશ આઝાદીના ૭૦માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મહિલાઓ, દલિતો, વિદ્યાર્થીઓના અધિકારો તથા લેખકો અને સર્જકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ર વધુને વધુ વિકટ બની રહ્યો છે. તમે શું માનો છો?

મુરુગન : સાચું કહું તો હું રાજકારણી નથી, જે આઝાદી અને સ્વતંત્રતાની ગાથાઓ વિશે મોટી મોટી વાતો કરે છે. મારા માટે સ્વતંત્રતાનો એક જ અર્થ છે – અન્ય લોકોની સ્વતંત્રતા અને અધિકારોને છીનવ્યાં વિના કંઈ પણ કરવાની આઝાદી. આપણે વંચિતો, મહિલાઓ, દલિતો, લઘુમતીઓના અધિકારો તથા વિદ્યાર્થીઓ અને લેખકોની અભિવ્યક્તિની આઝાદી વિશે વાત કરીએ એ અગાઉ સૌથી મોટો પ્રશ્ર એ છે કે આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ!

અનુવાદક : કેયૂર કોટક

(પોતાનાં કેટલાંક લખાણોનો અસહ્ય વિરોધ થતાં તમિળ સાહિત્યકાર પેરુમલ મુરુગને પોતાને લેખક તરીકે મૃત જાહેર કર્યા હતા. મદ્રાસ હાઇકોર્ટે તેમને ફરી લખતા થવાના આપેલા ચુકાદા પછી 200 કવિતાઓના પ્રકાશન સાથે તેઓ સાહિત્યક્ષેત્રે ફરી પ્રવેશી રહ્યા છે, એ સંદર્ભે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(22-08-2016)માં અરુણ જનાર્ધનને લીધેલી વિસ્તૃત મુલાકાત.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 12-13

Loading

6 September 2016 admin
← વર્ણવાસ્તવ: ઇતિહાસબોજ અને ઇતિહાસબોધ
પત્રકારત્વનો સીધો સંબંધ સંતુલિત અભિગમ સાથે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved