Opinion Magazine
Number of visits: 9483775
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો ભાષાપ્રવેશ

ગણેશ દેવી|Opinion - Literature|31 August 2016

મારાં માતા-પિતાનું વતન ગુજરાત. એ મહારાષ્ટ્રમાં રહેતાં હતાં અને ગુજરાતી બોલતાં હતાં. હું પાંચમાં વર્ષે સ્કૂલમાં દાખલ થયો. ત્યાં સુધી ગુજરાતી સાંભળ્યું અને ગુજરાતીમાં વાત કરી. પણ નિશાળ મરાઠી, એટલે હું મરાઠી બોલતો-લખતો હતો. મારા ઉત્કૃષ્ટ શિક્ષક વચ્ચે મરાઠી સ્કૂલમાં ભણ્યો. કૉલેજમાં ગયો ત્યારે પછી અંગ્રેજી ભણવાની શરૂઆત કરી. પહેલાં મને ગણિતમાં રસ હતો. મૅટ્રિકની પરીક્ષામાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી સારા માર્કસ મેળવી ગણિત પાસ કર્યું પણ અંગ્રેજીનું એક વાક્ય બોલી શકતો ન હતો. લખવાની ટેવ હતી પણ બોલવાનું મુશ્કેલ હતું એટલે નક્કી કર્યું હું અંગ્રેજી ભણીશ. સોળની ઉંમરથી નિશ્ચય કર્યો, રોજ બસો-ત્રણસો પાનાંનું અંગ્રેજી વાંચન કરવાનું. અંગ્રેજીની મુશ્કેલી હતી એટલે ઇચ્છા હતી જે વિષયમાં ગતિ નથી તે વિષયમાં પ્રગતિ કરીએ.

મારા ડૉક્ટરેટ માટે પ્રબંધ હતો : શ્રી અરવિંદની કવિતા અને ફિલોસોફી. 1970ના દાયકામાં આપણે ત્યાં અંગ્રેજી સાહિત્યના ભણતરમાં ફક્ત ચૉસર, શેક્સપિયર, મિલ્ટન, ફોલી વગેરે હતા. મને થયું આપણા દેશમાં પણ અંગ્રેજી લખતાં કેટલાંક ઉત્તમ સર્જકો છે ! એમના વિશે વિચાર ઇંગ્લેન્ડમાં થશે નહીં. તો એ કામ કોણ કરશે? આઝાદીની લડતમાં શ્રી અરવિંદ હતા એટલે પણ એમનું આકર્ષણ હતું. એમ.એ. પૂરું કરી કોલ્હાપુરથી પોંડિચેરી ગયો. શ્રી અરવિંદના જેટલાં પુસ્તકો મેળવવા શક્ય હતાં એટલાં લઈને પાછો આવ્યો. તે સમયે મારા પ્રોફેસર હતા શાંતિનાથ દેસાઈ, કન્નડના જાણીતા નવલકથાકાર. તેમને કહ્યું : સર, મારે પી.એચ.ડી. કરવી છે અને માત્ર શ્રી અરવિંદનાં પુસ્તકોનો વિચાર કરવો છે અને લખવું છે. એમણે સંમતિ આપી. પી.એચ.ડી.પૂરી કરી ત્યારે મારી ઉંમર સત્તાવીશની હતી. પી.એચ.ડીથી ભણતર પૂરું નથી. એટલે હું ઇંગ્લેન્ડની લીડ્સ યુનિવર્સિટીમાં ગયો, ત્યાં ફરી એમ.એ.નો અભ્યાસ કર્યો. આઇરિશ લિટરેચર પર. ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ઘણા સર્જકો એવા છે જેમને આપણે અંગ્રેજી સાહિત્યકાર કહીએ છીએ, એ વાસ્તવમાં આઇરિશ હતા. ઓસ્કાર વાઇલ્ડ, શૉ આ બધા આઇરિશ હતા. આયરલેન્ડ અને ભારત વચ્ચે કેટલા બધા સાંસ્કૃિતક સંબંધો રહ્યા એની મને ત્યાં જાણ થઈ. સિસ્ટર નિવેદિતા, જ્યોર્જ ગ્રીયર્સન, જેમણે ભારતીય ભાષાઓનો ઊંડો અભ્યાસ કર્યો અને લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા પ્રકાશિત કર્યું, એ પણ આઇરિશ હતા. ત્યારે થોડો ખ્યાલ આવ્યો કે આપણા ઇતિહાસમાં પણ આવા પરસ્પર સંબંધો રહેલા છે. ત્યાર પછી એક વાર ઇટાલી જવાનું થયું. ત્યાં પણ જાણવા મળ્યું કે ઇટાલી અને ભારત વચ્ચે નજદીકના સંબંધો હતા. અંગ્રેજો ભારત આવ્યા તે પહેલાંના. ભારતની વૈશ્વીકરણની શરૂઆત વીસમી સદીમાં થઈ એવું નથી. ભારતના સંબંધો દુનિયાના દરેક દેશો સાથે પહેલેથી હતા. ઑસ્ટ્રેલિયાથી આવેલી ભાષાઓ આપણે ત્યાં છે. આફ્રિકાથી સીદી ગુજરાતમાં આવી વસ્યા. દુનિયાને જોવાની દૃષ્ટિ મારી ઠીક ઠીક બદલાઈ. ઇંગ્લેન્ડ ગયા પછી : આ મારું ગામ, મારું રાજ્ય એ પ્રકારના સીમાડા તૂટી ગયા. ઇંગ્લેન્ડથી ગુજરાત આવ્યો ત્યારે એવું નથી લાગ્યું કે હું મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં હતો અને ફરી પાછો ગુજરાત આવ્યો તે સારું થયું. સિટિઝન ઓફ ધ વર્લ્ડ ગાંધીએ કહ્યું જ છે : બધાં બારીબારણાં ખુલ્લાં રાખવાં. જો મૂળિયાં મજબૂત હોય તો તે વિચારોમાં હોવાં જોઈએ, સ્થળમાં નહિ. એટલે કોઈ પૂછે તમે ક્યાંના, તો કહેવું જોઈએ હું ફલાણા વિચારનો છું, નહિં કે ફલાણા ગામનો. આ રીત સારી રહેશે.

આપણે ત્યાં ઉપનિષદમાં એક વાત છે : એક છોકરો ભણવા ઋષિ પાસે ગયો. ઋષિએ એને નામ પૂછયું તો કહ્યું સત્યકેતુ. પણ બાપનું નામ પૂછ્યું તો કહ્યું, હું નથી જાણતો. આવી આપણી પરંપરા હોવી જોઈએ. પૂર્વજો, ગામ, રાજ્યથી કોઈકનું નાગરિકત્વ નથી. વિચારથી અને ધ્યેયથી આપણું નાગરિકત્વ હોવું જોઈએ. હું તો એવું કહીશ કે આપણે ભવિષ્યનો કોઈ એક એવો દેશ કે સમાજ બનાવવો જ્યાં માનવી, માનવી હશે.

હા, હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવવા લેક્ચરરના રૂપમાં આવ્યો. જ્યારે હું વડોદરા સ્ટેશને ઊતર્યો ત્યારે વડોદરા વિશે ઝાઝું જાણતો ન હતો. વડોદરામાં આવવાનું મુખ્ય કારણ શ્રી અરવિંદ વડોદરામાં ભણાવતા હતા. ઉપરાંત વડોદરા વિશે સાંભળ્યું હતું, અહીંના સર્જકો, ચિત્રકારો વિશે મહારાષ્ટ્ર અને ઇંગ્લેન્ડ હતો ત્યારે સાંભળ્યું હતું. થોડુંઘણું વાંચ્યું પણ હતું. ગુજરાતી કવિ રાવજી પટેલ વિશે સાંભળેલું. ગુલામમોહમ્મ્દ શેખ અને સુરેશ જોષી વિશે સાંભળ્યું હતું. વડોદરા સ્ટેશનથી યુનિવર્સિટી ગયો. ત્યાં ટેક્નિકલી ડ્યુટીમાં જોડાઈ સીધો સુરેશ જોષી પાસે ગયો. ત્યારે મારી ઉંમર ત્રીસની અને સુરેશભાઈ સાઠના. એમના રૂમમાં ગયો. એમને કહ્યું : સુરેશભાઈ, મારે ગુજરાતી ભાષા શીખવી છે. આ વાક્ય અંગ્રેજીમાં બોલ્યો : I want to learn Gujarati, તે વખતે સુરેશભાઈ કંઈક વાંચતા હતા. ઉપર જોયું અને કહ્યું બેસો. પૂછયું, કોણ છો, ક્યાંથી આવ્યા છો વગેરે .. પછી સુરેશભાઈએ કહ્યું, હું તમને ગુજરાતી ભણાવીશ. આ તો મારું અહોભાગ્ય. એ પોતે પ્રખ્યાત સાહિત્યકાર. ગુજરામાં લોકો એમને મળતાં પણ ખચકાતા, ડરતા. મને ડર લાગે એવી સુરેશભાઈની વર્ત્ણૂક ક્યારે ય લાગી નથી, લગભગ એમના દીકરા કે નાનો ભાઈ માનીને સુરેશભાઈએ મને સ્નેહ આપ્યો. રોજ એ મને કોઈક પુસ્તક વાંચવા આપતા. ત્યારથી મારી ગુજરાતી શીખવાની શરૂઆત થઈ. એનું પરિણામ એ આવ્યું કે મેં જે કંઈ ગુજરાતી વિશે વાંચ્યું તે સુરેશભાઈની નજરથી વાંચ્યું. એમનો લિટરરી ટેસ્ટ તો ખૂબ જ ઊંચી કક્ષાનો હતો. ચારેક મહિના એ પ્રકારે ગયા. પછી સુરેશભાઈએ જણાવ્યું : હવે હું રિટાયર થવાનો છું. મને ખૂબ દુઃખ થયું. આટલી સારી તક હતી એ જ જતી રહેશે. એટલે મેં પકડી રાખ્યું : તમે જ્યાં પણ જશો ત્યાં હું રોજ સવારે આવીશ. પહેલાં એ અધ્યાપક કુટીરમાં રહેતા હતા. ત્યાંથી ફતેહગંજ ગયા. ત્યાં રોજે સવારે જતો. એકાદ વર્ષ આ ઉપક્રમ ચાલુ રાખ્યો. સુરેશભાઈએ સંસ્કૃત વાંચવા પ્રોત્સાહન આપ્યું. યુનિવર્સિટી લાઇબ્રેરીમાં સંસ્કૃત પુસ્તકો ખૂબ હતાં. વ્યવસ્થા સારી હતી. લાઇબ્રેરિયન હતા ઉપાધ્યાય. એમણે બધી વ્યવસ્થા ગોઠવી આપી. લાઇબ્રેરીમાં અંદર એક રૂમ જેવું તૈયાર કરી, જેટલાં પુસ્તકો મારે વાંચવાં હોય તે રૂમમાં લઈ જવાની આઝાદી આપી. હું પુસ્તકોનો સ્ટૉકિસ્ટ થઈ ગયો. એટલે જેટલા ગ્રંથ આવતા તે મારે આગલા દસ વર્ષમાં વાંચવા એ હેતુથી અલગ સાચવી રાખ્યા. એકાદ વર્ષ પછી સુરેશભાઈ અને મારી વચ્ચે એવી વાત થઈ કે જે રીતે આપણે ગુજરાતી-મરાઠીની વાત કરીએ છીએ (સુરેશભાઈની બંગાળી સાહિત્ય વિશેની સારી જાણકારી હતી), તે જ રીતે કન્નડ, મલયાલમ, ઓરિયા, અસમિયા એ બધાં સાહિત્યની વાત થાય તો સારું. સુરેશભાઈનો ત્યાર સુધી સંબંધ ઘણાં બધાં સામયિકો સાથે રહેલો. એમનામાં એક હોંશ હતી કે સામયિક શરૂ કરવું અને નવો વિચાર લાવવો. એક બંધ થાય તે પહેલાં બીજું શરૂ કરતા. સાથે એવી પણ માન્યતા હતી કે દરેક સામયિક જે રીતે શરૂ થવું જોઈએ તે રીતે બંધ પણ થવું જોઈએ. કારણ કે એ બધાં સ્પોન્સર્ડ મેગેઝિન કે રંગીન ચિત્રોવાળાં, જાહેરખબર આપે એવાં હતાં નહીં. વિચારના સામયિક હતાં. તો અમે ‘સેતુ’ નામે મેગેઝિન શરૂ કર્યું. ‘સેતુ’ને બાયલિંગ્વલ બનાવ્યું; એટલે બે અંક અંગ્રેજીમાં આવતા હતા, બે ગુજરાતીમાં આવતા. અંકોમાં ભારતની દરેક ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને સાહિત્ય છાપવામાં આવ્યું એટલે ગુજરાતીની મૂળ સાહિત્યકૃતિ એમાં હતી નહીં. એ અનુવાદરૂપમાં આપવામાં આવતી હતી. એમ અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્યનો થોડો અનુવાદ અને અન્ય ભાષાઓમાંથી ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં અનુવાદ, એ પ્રકારે લગભગ પાંચ-છ વર્ષ પ્રવૃત્તિ ચાલી. વચ્ચે 1986ના સપ્ટેમ્બરમાં સુરેશભાઈનું અવસાન થયું. લગભગ એકાદ મહિના પછી હું ફરી ઇંગ્લેન્ડ ગયો. તે સમયે અંગ્રેજીમાં એક પુસ્તક લખવાની શરૂઆત કરેલી જે પછીથી ‘આફટર એમ્નેઝિયા’ નામે પ્રગટ થઈ.

ઇંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે ગુજરાતમાં દુકાળ હતો. બે-ત્રણ વર્ષથી વરસાદની અછત હતી. મેં સાવલીમાં કંઈક દુકાળ રાહતનું કામ શરૂ કર્યું. પહેલી વાર જિંદગીમાં પુસ્તકો, ગ્રંથો બાજુ પર મૂકી સમાજ સુધી પહોંચવાની મારી શરૂઆત. હતી. નાનાં નાનાં ગામડાં હતાં. સાવલીમાં જયદેવ શુકલ આપણા કવિ, એ પણ સાથે આવતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવતા. હું અહીં આવ્યો ત્યારે ભીખુભાઈ પારેખ, વી.સી. હતા. ભીખુભાઈએ મને આઇ.એ.એસ. સેન્ટર ચલાવવા આપ્યું હતું. અંગ્રેજી ભણાવવાનું અને સાથે સાથે શાસકીય તાલીમ આપવી એ કામ હતું. તો ત્યાં જે વિદ્યાર્થીઓ હતા તેમાંથી લગભગ 100-150 વિદ્યાર્થીઓએ મારી સાથે સાવલી આવવાનું શરૂ કર્યું. અહીં વડોદરામાં થોડી પસ્તી ભેગી કરી નાણાં ઊભાં કર્યાં. નવરાત્રિમાં ગરબા કરીને જે બને તે ફંડ ભેગું કર્યું. સાવલી તાલુકાનાં ગામડાં સુધી ઘાસચારો, દવા, ખાવાનું લઈ ગયા. આજે હું કહી શકીશ કે એ બધું કામ ચૅરિટીના રૂપમાં હતું. ખાસ સામાજિક કામ વિશે સભાનતા મારામાં હતી નહીં.

સુરેશભાઈના અવસાન પછી શિરીષ પંચાલ અને ગુલામમોહમ્મ્દ શેખસાહેબે ખાસ્સી મદદ કરી. એ રીતે બે-ત્રણ વર્ષ ‘સેતુ’ ચાલ્યું. પણ પછી બંધ થયું. ‘સેતુ’ સારું ચાલતું હતું તો પણ એવું વિચાર્યું કે તેનું વિસર્જન કરવું જોઈએ. શેક્સપિયર વિશે એવું જાણ્યું હતું કે ‘every tragedy or comedy of Shakespeare is successful because he never exploited his success’. લોકો કામમાં અપયશ આવે ત્યારે કામ છોડે છે. હું એવું માનું છું કે કામમાં યશ આવે ત્યારે કામ છોડવું જોઈએ. પુન:આવૃત્તિ નહીં કરવી જોઈએ. હાલમાં એકાદ વર્ષ પહેલાં અમે વડોદરામાં એક મોટી સભાનું આયોજન કર્યું. એમાં દેશની 320 ભાષાઓના પ્રતિનિધિઓ એકઠા થયા. લગભગ આપણા દેશમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં વિવિધ ભાષાઓનું પ્રતિનિધત્વ થયું. નારાયણ દેસાઈ અને મહાશ્વેતા દેવી અમારાં પ્રમુખ અતિથિ હતાં. નારાયણભાઈએ અસરકારક વક્તવ્ય આપ્યું. એમણે પણ મને સમજાવ્યું કે આ પ્રકારની મીટિંગ ફરી વાર લેશો નહીં. કહેવાનો અર્થ એ હતો કે એક સારું કૃત્ય થાય જિંદગીમાં તો એની પુન:આવૃત્તિ નહીં કરવી જોઈએ. એટલે ‘સેતુ’ બંધ થયું એનું મને દુઃખ નથી.

‘સેતુ’ પછી મેં અનુવાદની સૂચિ બનાવવાનું કામ શરૂ કર્યું. ભારતની તમામ ભાષાઓમાંથી અન્ય ભાષામાં થયેલા અનુવાદો તેમ જ અંગ્રેજીમાંથી ભારતીય ભાષાઓમાં થયેલા ચાલીસેક હજાર ગ્રંથોની એક સૂચિ બનાવી. એ કામ ત્રણ-ચાર વર્ષ ચાલ્યું. 1992માં હું યેલ યુનિવર્સિટીમાં ગયો. પણ દિમાગમાં અસ્વસ્થતા હતી. મને લાગતું હતું કે કદાચ યુનિવર્સિટી હું છોડીશ તો સારું થશે. યુનિવર્સિટી સાથે કોઈ શિકવા ગિલા નહીં થા, કોઈ મુશ્કેલી હતી નહીં.

હા, ખૂબ જ શાંતિથી જેમ આપણા સાહિત્યમાં પ્રોફેસરોના વર્ણન આવે છે કે સાંજે ટેનિસ રમે, સવારે ફરવા જાય, કાવ્યાત્મક શબ્દોમાં વાતચીત કરે, એવું હું જીવી શક્યો હોત. મારાં પત્ની પણ પ્રોફેસર હતાં. અમે બંને સુખશાંતિથી રહેતે પણ વડોદરામાં જે રીતે સુરેશભાઈને મળ્યો એ રીતે મેં બીજો ઉપક્રમ હાથ લીધો હતો. લૅમ્બ્રેટા સ્કૂટર લઈને ગામડે ગામડે ફરતો. પત્ની અને હું – અમે નસવાડી, તિલકવાડા, છોટા ઉદેપુર એ તરફનાં આદિવાસી ગામડામાં ખૂબ ફરેલાં. ક્યારેક ક્યારેક અમને લાગતું હતું કે અહીં આવીને એક સ્કૂલ શરૂ કરીએ. એ કામ તરત એ સમયે થયું નહીં. શક્ય પણ હતું નહીં. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. પણ 1990ના દાયકામાં દિમાગમાં એક અજંપો જાગી ગયેલો. એનું કારણ એ હતું કે તે પહેલાં દસ વર્ષનું લેંગ્વેજ સ્ટેિટસ્ટિક સેન્સસમાં આપેલું એ મેં વાચ્યું હતું. સામાન્ય રીતે આ બાબતે કોઈ અસ્વસ્થ થતા નથી કે ચિંતા કરતા નથી. કદાચ ક્યારેક આફ્ટર ડિનર ચર્ચામાં આવી ચિંતા પ્રગટ થાય. આપણા 1961ના સેન્સસમાં 1652 ભાષાઓની યાદી હતી. 1971ના સેન્સસમાં જ્યારે ફરી એક વાર યાદી પ્રકટ થઈ તો માત્ર 109 ભાષાઓની યાદી હતી. એટલે કે એક દાયકામાં 1500 ભાષાઓનાં નામ બાકાત. કારણમાં કદાચ એ હતું કે 1972માં બાંગ્લાદેશની નિર્મિતિ થઈ. એ નિર્મિતિ ભાષાના પ્રશ્ને થઈ હતી. એટલે આપણા દેશની સેન્સસ ઓથોરિટીને એવું લાગ્યું કે વધારે ભાષાનો ઉલ્લેખ કરીએ તો કદાચ દેશની એકતા મુસીબતમાં મૂકાશે.

હા, હકીકત પ્રગટ થાય. બીજી અલગતા – ભાગલાવાદી ટેન્ડન્સી ઊભી થાય. આથી સરકારે એવી એક શરત મંજૂર કરી : દસ હજાર વ્યક્તિઓ જે ભાષા બોલે એનો ઉલ્લેખ કરવો તેથી ઓછી સંખ્યાનો ઉલ્લેખ નહીં કરવો. ભાષાઓ હતી પણ ભાષાઓનું અસ્તિત્વ જતું રહ્યું. એ જીવતી હતી પણ એમનાં નામ જતાં રહ્યાં. હું સાહિત્યનો વિદ્યાર્થી. મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત જાણવાની અને ભણવાની કોશિશ કરતો હતો. મને યુનિવર્સિટીમાં જે પગાર આપવામાં આવતો હતો તે એટલા માટે હતો કે ક્લાસરૂમમાં જઈને મારે કહેવું કે ભાષા જ એવી વસ્તુ છે જે પ્રાણીઓને માનવ બનાવે છે. મને લાગ્યું કે આટલી બધી ભાષા મરી રહી છે અને હું ક્લાસરૂમમાં જઈ, મારી સૅલરી લેતો રહું એ કંઈ ઠીક નથી. એટલે હું અસ્વસ્થ હતો. એટલે 1990-91માં લગભગ નક્કી કર્યું. એ વખતે મારી પાસે પીએચ.ડી.ના વિદ્યાર્થી હતા. બીજી જવાબદારી હતી પુસ્તક લખવાની ફેલોશિપ મને મળી હતી. મેં વિચાર્યું કે આ જવાબદારી પૂરી કરી, હાથમાં નોટબુક લઈ દેશનાં ગામડે ગામડે ફરીશ અને દરેક ભાષાનું દસ્તાવેજીકરણ કરીશ. સાવલીમાં જ્યારે દુકાળ રાહત શરૂ કરી ત્યારે સામાજિક તનાવ પણ હોય છે એ વિશે કલ્પના હતી નહીં. એ જ રીતે દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું ત્યારે તે વિશેની આંટીઘૂંટીની બિલકુલ કલ્પના હતી નહીં પણ નિર્ણય હતો કે આ કામ કરવું. 1996 સપ્ટેમ્બરમાં યુનિવર્સિટીને બાયબાય કરી હું બહાર નીકળ્યો. આર્થિક ટેકો મળતો રહે એવો પ્રોજેક્ટ હતો નહીં. કોઈ ઓથ હતી નહીં. ક્યાંથી ફંડિંગ મળતું રહેશે એની અપેક્ષા નહીં. દિમાગમાં બીજી નોકરીની કે પ્રોજેક્ટની ઇચ્છા હતી નહીં. મેં સાહિત્ય અકાદમીને પત્ર લખ્યો : આપણા દેશમાં આટલી બધી આદિવાસીઓની ભાષાઓ છે જે લુપ્ત થાય છે, એમાં માતબર સાહિત્ય છે, તમે સાહિત્ય અકાદમી જ કહો છો, એમણે સાહિત્ય પ્રકાશનમાં રસ લેવો જોઈએ. તે વખતે યુ. આર. અનંતમૂર્તિ અકાદમીના પ્રમુખ હતા. એમણે જવાબ આપ્યો : મને રસ છે, તમે બનાવશો આ પુસ્તકો? મેં કહ્યું : હું તમને 50 ગ્રંથ બનાવીને આપીશ, જે બાયલિંગ્વલ હશે. એટલે મૂળ ભાષામાં અને અંગ્રેજી અથવા હિંદીમાં અનુવાદ. શરૂઆત કરી. ‘સેતુ’ દ્વારા જે સંપર્ક થયેલા, દરેકને પત્ર લખ્યા : આદિવાસી સાહિત્ય જાણો છો? એવી કોઈ વ્યક્તિ વિશે તમારી જાણકારી છે? મોકલો. એમના પત્રો આવતા રહ્યા. એવી વ્યક્તિઓને મેં વડોદરા તેડાવી મારી પાસે મહેમાનગીરી માટેના પૈસા હતા નહીં, એટલે યુનિવર્સિટી ગેસ્ટહાઉસમાં રહેવાનું અથવા મારા ઘરે રહેવાનું. આ રીતે મહેમાન આવવા લાગ્યા. એ રીતે આશરે 700 વ્યક્તિ એકાદ વર્ષના સમયગાળામાં વડોદરા સુધી આવી.

આ બધા સાથે કઈ રીતે કામ કરવું? નક્કી કરવા અમે સાપુતારામાં નાનકડો વર્કશોપ કર્યો. ચર્ચાસત્રમાં સહભાગી જ્યોતિ ભટ્ટ, અલકનંદા પટેલ, ભરત નાયક, ગીતા નાયક, કાનજી પટેલ, ડાહ્યાભાઈ વાઢુ, ભગવાનદાસ પટેલ – બધાં હતાં. અમે સાપુતારામાં વિચાર્યું મૌખિક સાહિત્ય અને પરંપરા વિશે કામ કરવું. ત્યાં નક્કી થયું આ કામને કાયમી સ્વરૂપ આપવું. મેં મનોમન નક્કી કર્યું આજે 700-800 જણા દેશભરમાં આ જ પ્રકારનું કામ કરે છે એ બધી વ્યક્તિ માટે કોઈ એક અકાદમી જેવી સંસ્થા હોવી જોઈએ. અને એ પણ એક નાના ગામડામાં હોવી જોઈએ. એટલે તેજગઢ ગામની પસંદગી કરી. તેજગઢ વડોદરાથી 70 કિ.મી. દૂર છે. પસંદગીનાં બે-ત્રણ કારણો હતાં : એક તો તેજગઢ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણેના સીમાડા ઉપર છે. એક મીટિંગ પોઇન્ટ છે. ત્યાં ત્રિવેણી સંગમ થાય છે આદિવાસી સંસ્કૃિતનો, અને સરસ મેળા થાય છે, કવાંટના અને છોટા ઉદેપુરના. બીજું કે તેજગઢ નજીક જે ડુંગર છે તે કોરાજના ડુંગરમાં આશરે ઈ.સ. પૂર્વે 10,000થી 12,000 વર્ષો પૂર્વેનાં શિલા-ચિત્રો છે. ત્યાં લેકર-કોટેડ પૉટરી છે. ત્યાંનું માટીકામ, પછી કપડાંનું કામ, ચિત્રકામ, પિઠોરા એવો કલાનો સંગમ છે. આ બધું મને ગમ્યું. એ જગ્યાએ જવાનું નક્કી કર્યું.

શરૂઆત નાની લાઇબ્રેરીથી કરી. એક શેલ્ફ અને આશરે 500 સામાન્ય વાચકોને અનુકૂળ આવે એવાં પુસ્તકો એક રૂમમાં રાખ્યાં. ત્યાં લોકો આવવા લાગ્યા. પછી એકાદ વર્ષે મેં ત્યાંના જુવાનિયાઓને સમજાવ્યું કે આપણે સાથે બેસીને વાત કરીશું. હું માત્ર સાંભળીશ, બોલીશ નહીં. અને એ સાંભળવાની પ્રક્રિયાને આપણે ડિપ્લોમા નામ આપીશું તો પંદર જણા તૈયાર થયા. એ પંદર દોસ્તો સાથે રહ્યા બે વર્ષ સુધી, આ 1998થી 2000 સુધીની વાત છે. અમુક પ્રસંગો મને ખાસ યાદ છે : શરૂઆતમાં હું ભણાવતો હતો એમને, એટલે આ જે પ્રક્રિયા શરૂ હતી મારી સાંભળવાની, ત્યારે પ્રશ્નો વિચારતો હતો. અમે સવારે દસ વાગ્યે શરૂ કરતા તે ઠેઠ સાંજના છ સુધી. વચ્ચે કોઈક એકે નજીકના કુટુંબમાંથી મારા જમવાની વ્યવસ્થા કરેલી. દસ રૂપિયા આપીએ તો જમણ મોકલતા. હું જમતો ત્યારે અડધો કલાક મારા દોસ્તો રૂમ બહાર ઊભા રહેતા. જમણ પૂરું થતાં અંદર આવતા. થોડા દિવસ પછી મને ખ્યાલ આવ્યો કે આ બધા જમતા નથી. ભૂખ્યા રહે છે. એટલે વિચાર્યું કે જ્યાં સુધી ભૂખનો પ્રશ્ન છે ત્યાં સુધી હું જમીશ નહીં. એમની સાથે વાત પણ નહીં કરી શકીશ. એટલે મેં પણ જમ્યા વગર રહેવાનું નક્કી કર્યું.

સવારે વડોદરા નીકળતાં પહેલાં જમવાનું. પછી રાતના બે-ત્રણ થાય. ક્યારેક સાંજ પછી પણ ચર્ચા ચાલતી. જમ્યા વગર એટલે at the foundation of knowledge that we generated there was hunger. તો ભૂખના પાયા પર ત્યાં જ્ઞાન સર્જાયું. હવે એ જ્ઞાન શું હતું? તો પાંચ મુદ્દા આવ્યા અમારી સામે : આદિવાસી ગામનો વિકાસ કરવો હોય તો શહેરની નકલ ન હોવી જોઈએ. ગામ શહેરની નકલ બનશે તો એનો વિકાસ ક્યારે ય નહીં થાય. ગામનું પોતાનું એક આગવું સ્થાન છે અને રહેવું જોઈએ. એનું વ્યક્તિત્વ જળવાવું જોઈએ. ગામ ભૂખમુક્ત હોવું જોઈએ, કરજમુક્ત હોવું જોઈએ. તે ગાળામાં સાઠથી એકસો વીસ ટકા જેટલું વ્યાજ લઈને ખાનગી શાહુકારો ધિરાણ કરતા હતા. લોકોને કપડાં નથી, જમવાનુંનથી એવી સ્થિતિ હતી. ગામ ભૂખમુક્ત અને સ્થળાંતરમુક્ત હોવું જોઈએ. નિરક્ષરતા એટલી હદ સુધી ના હોવી જોઈએ જેથી શોષણની સંભાવના રહે. દરેકે ગ્રેજ્યુએટ થવાની જરૂર નથી, થોડું લખતાં આવડવું જરૂરી છે.

મારે એ સમયે ત્યાંના સરકારી અધિકારીઓ સાથે મળવાનું થતું હતું. ત્યાં એવું સાંભળ્યું આ આદિવાસીની ફલાણી વસ્તુ ઉપયોગી છે, ફલાણી હિતમાં છે અથવા ફલાણી હિતમાં નથી. એક આદિવાસી ભાઈ મળ્યા. એ ભાઈએ જણાવ્યું, ‘સાહેબ, આપણે ત્યાં મહુડા વધારે થાય તો આપણે સુખી.’ મને લાગ્યું આ સૌથી મોટી વિકાસની ફિલોસોફી હતી અને એ મેં સ્વીકારી. It is a sacred tree, એટલે ત્યાં મહુડો હોય તો કમ્પાઉન્ડ બનાવવાની જરૂર નહીં. એ ઊગે છે, ટકે છે, અને દરેકને સુખ આપે છે. દરેક પ્રકારનું સુખ યુનીક છે. હું ફ્રાન્સ ગયો હતો ત્યાં એક દોસ્ત સાથે વાત થઈ : એમને જણાવ્યું કે તમારે ત્યાં જેટલી વાઈન બને છે તે ફળોમાંથી બને છે, માત્ર મહુડો એક છે જેનો દારૂ ફૂલથી બને છે. તે યુનીક છે. આ બધું આદિવાસીએ વિકસાવ્યું છે તો એને પણ જ્ઞાન તરીકે સ્વીકારવું જોઈએ. તેનું સન્માન કરવું જોઈએ.

આ બે વર્ષ પછી મારા સાથી હતા એમણે નક્કી કર્યું કે ભૂખમુક્ત ગામ કરવું છે, કરજમુક્ત ગામ કરવું છે તો આપણે કામ શરૂ કરીએ. એટલે ગામ કરજમુક્ત કરવા અમે માઇક્રોક્રેડિટ મંડળીઓ ઊભી કરવાની શરૂઆત કરી. તેમાં લોકો પોતે બચત કરે. છ મહિના પછી ત્યાંની સ્થાનિક બેંકમાં એમને ધિરાણ આપી શકે એવી વ્યવસ્થા કરી. ત્યારે મહંમદ યુનુસનું નામ સાંભળ્યું ન હતું. મહંમદ યુનુસસાહેબને હું એકાદ વર્ષ પહેલાં મળ્યો હતો. એમને આ બધી વાતો કરી. તેજગઢ આદિવાસીનું પોતાનું મોડેલ છે. વિચાર ત્યાંથી શરૂ થયો. કારણ કે જરૂરિયાત ત્યાં હતી. એમાં કોઈની નકલ નથી. કર્મશીલ બનવાનો હેતુ હતો એટલે પણ નહીં. માત્ર એક જ કારણ : ખૂલા દિલથી આદિવાસી ગામ તેજગઢ ગયો અને ત્યાં જે જોયું, ત્યાં જે વિચારો આવ્યા એના આધારે કર્મશીલ બનતો ગયો.

આજે હવે મને પૂરી ખાતરી છે કે જે કર્મશીલ નથી એ સારા સર્જક પણ નથી બની શકતા. ટાગોર ખૂબ ઊંચી કક્ષાના બન્યા, એ કર્મશીલ હતા. ડબ્લ્યુ. બી. યેટ્સની આપણે વાત કરી એ પણ કર્મશીલ રહ્યા. પ્રેમચંદ કર્મશીલ રહ્યા. જે કર્મશીલ હતા એ કબીર, મીરાં, તુકારામ અને નરસિંહ અને પ્રત્યક્ષ વ્યાસ પણ કર્મશીલ રહ્યા. માત્ર મહાભારતની રચના નહીં, પ્રત્યક્ષ એક્શનમાં પણ વ્યાસ સામેલ હતા.

એક-બે ઉદાહરણ આપું : ભાષાનો મુદ્દો લીધેલો, એટલે સાહિત્ય અકાદમીની સિરીઝ શરૂ કરી. પુસ્તકો આવતા રહ્યાં. અઢાર ગ્રંથો આવ્યા. ‘ઢોલ’ મેગેઝિન શરૂ કર્યું. ગુજરાત રાજ્યમાં ભીલી બોલાતી હતી. ભિલીજૂથની ભાષાઓ છે એ ભાષા બોલતા લોકોની સંખ્યા 1991ના સેન્સસની સરખામણીમાં 2001ના સેન્સસમાં 90 ટકા વધી ગયેલી જોવા મળી. એટલે, પહેલાં 50 લાખ લોકો ભીલી પોતાની ભાષા છે, એવું કહેતા હતા. એ જ દાવો 2001માં 95 લાખ લોકોએ કર્યો. 90 ટકાનો વધારો ! લોકો આ ભાષા અમારી છે એવું કહેતાં શરમાતા હતા. હવે એમને ગર્વ છે : આ અમારી ભાષા છે. ભલે એ લખાતી નથી, લિપિ વગરની છે. પણ જ્ઞાન વગરની તો નથી. લિપિ નથી પણ જ્ઞાન તો છે. તો જ્યારે આ આંકડા બહાર આવ્યા 2005માં, અગિયારની પંચવર્ષી યોજના પહેલાં કેન્દ્રની એચ.આર.ડી. મિનિસ્ટ્રીએ મને બોલાવ્યો. કહ્યું દેશમાં ભૂંસાતી જતી ભાષાઓ છે તેના માટે તમે એક સ્કીમ બનાવો. માળખું બનાવો. મેં એક રિપોર્ટ તૈયાર કર્યો. પ્લાનિંગ કમિશન અને મીનિસ્ટ્રીએ રિપોર્ટ સ્વીકાર્યો. એના આધારે ભારત ભાષા વિકાસ યોજના નામની એક યોજના કેન્દ્ર સરકારે બનાવી. હવે એ યોજનાનો અમલ થયો કે નથી થયો, થયો તો કેટલો અસરકારક થયો વગેરે વગેરે અલગ પ્રશ્નો છે, પણ તેજગઢથી જે શરૂઆત થઈ હતી તે પૉલિસી લેવલ સુધી પહોંચી.

બીજો દાખલો 1998માં અમે અખિલ ભારતીય વિમુક્ત સમાજ સંગઠનની નિર્મિતિ કરેલી. એમાં પહેલાં સાહિત્યકારો, સર્જકો હતા. લક્ષ્મણ ગાયકવાડ મહારાષ્ટ્રના, મહાશ્વેતા દેવી બંગાળનાં અને હું, પછી ભૂપેન ખખ્ખર સામેલ થયા. ગોવિંદ નિહલાની આવ્યા, જ્યા બચ્ચન આવ્યાં. ઘણા બધા જોડાતા ગયા. ડી.એન.ટી.ના પ્રશ્નો છે તે આદિવાસી પ્રશ્નોથી અલગ છે. આ લોકો ઉપર ખૂબ અન્યાય થયા છે. પોલીસ તરફથી મુશ્કેલી આવે છે. સ્ટિગ્મેટાઇઝ્ડ છે. કલંકિત જીવન જીવવાનું, જન્મથી મૃત્યુ સુધી, મૃત્યુ પછી પણ કારણ કે એમના માટે સ્મશાનની વ્યવસ્થા ગામમાં મળતી નથી. અમે હોમ મિનિસ્ટ્રી અને હ્યુમન રાઇટ્સમાં ગયા. જેટલા વડાપ્રધાનો હતા એમની સાથે મળીને ચર્ચા કરી. મને યાદ છે કે હું વી.પી. સિંહસાહેબને મળ્યો, ચંદ્રશેખરને મળ્યો, અટલ બિહારી વાજપેઈને મળ્યો. ડૉ. મનમોહન સિંહને મળ્યો. દરેકને જઈને આ સમાજ વિશે માહિતી આપી. સમજાવ્યું કે આ જુલમ છે, તે બંધ કરો. આ કામ સરકાર જ કરી શકશે. કારણ કાનૂન દ્વારા જુલમ થયો એ કાનૂન દ્વારા જ બંધ થઈ શકશે. કાનૂન 1871નો ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ – આ ખોટો કાનૂન એમના ઉપર થોપવામાં આવ્યો. રવિશંકર મહારાજ જેના સદસ્ય હતા 1939માં, એવા એક કમિશનની નિમણુક થઈ હતી : અંત્રોલીકર કમિટી.

રવિશંકર મહારાજ અને અંત્રોલીકર – એ બધાએ ફરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે જગ્યાએ આ લોકોના કૅમ્પ હતા, બંદીશાળાઓ હતી, સેટલમેન્ટ કહેવાતું હતું એનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો. અંત્રોલીકર કમિટીનો રિપોર્ટ સંગીન હતો. મુબઈ સરકારે એમનો રિપોર્ટ સ્વીકાર્યો. ત્યાર પછી આઝાદી મળી. એ રિપોર્ટ આધારે કેન્દ્ર સરકારે આયંગર કમિટી બનાવી. આ કમિટીએ, અંત્રોલીકરના રિપોર્ટનો આધાર લઈને એક રાષ્ટ્રવ્યાપી રિપોર્ટ બનાવ્યો. એના આધારે 1871નો કાનૂન હતો એ રદ કરવામાં અવ્યો. જે પહેલાં નોટિફાઇડ હતા એમને ડિનોટિફાઇડ બનાવવામાં આવ્યા. પણ 1952 પછી ડિનોટિફિકેશન થયું ત્યારથી લગભગ સદીના અંત સુધી બીજું કશું જ આ લોકો માટે થયું નથી. સામાજિક, માનસિક જે ફેર આવવો જોઈતો હતો તે બિલકુલ નથી. આવ્યો. એટલે લગભગ રોજે અન્યાય અને અસહિષ્ણુતાના કિસ્સા જોવા મળે છે.

દિલ્હીમાં તો જ્યારે કોઈ જગ્યાએ ચોરી થાય તો તરત બીજે દિવસે છાપામાં આવે કે નજદીકના જ કોઈ પારધીએ ચોરી કરી. આ ખોટું છે. આપણે ત્યાં કોઈ બીજા પ્રકારની હેરાફેરી કરે તો કોમનું નામ પાટીલ કે રેડ્ડી કે મહેતા સમાજે કર્યું એવું તો નથી કહેતા. તો શા માટે પારધીનું નામ આવે. સાંસીનું નામ આવે, છારાઓનું નામ આવે છે ? આ બધું ખોટું છે. સામાન્ય છારા બાળક, પ્રતિભાશીલ હોય તો પણ એને સ્કૂલમાં અથવા કૉલેજમાં ભણવામાં મુશ્કેલી ઊભી થાય છે. એક સંમેલનમાં એક પારધી બહેન આવ્યાં હતાં. સારાં ગાયક હતાં. 1998ની આ વાત છે. આ બહેન મુંબઈનાં હતાં. અમે એમને ટિકિટ મોકલાવી અને થોડાં નાણાં. આ બહેને નવી સાડી ખરીદેલી. તો મુંબઈમાં પોલીસે આ બહેનની સાડી કાઢી લીધી : તમારી પાસે સાડી આવી ક્યાંથી ? આપણે મહાભારતમાં વાંચીએ છીએ દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું. આપણા જમાનામાં પણ આ જ થઈ રહ્યું છે. અને આવું દરેક ડી.એન.ટી.ને રોજે ભોગવવું પડે છે. અમે અત્યાર સુધી કસ્ટોડિયલ ડેથના કિસ્સા સામે સંખ્યાબંધ કોર્ટ કેસ કર્યા. પોલીસ અકાદમીમાં જઈને પણ ચેતનાજાગૃતિનું કામ કર્યું. અંતે વડાપ્રધાને કમિટી નીમી ટી.એ.જી. નામની, અમે રિપોર્ટ બનાવ્યો. આ રિપોર્ટનો સરકાર દ્વારા સ્વીકાર થશે. લગભગ આવતા છથી આઠ મહિનામાં એક નવો કાનૂન આવશે. આયંગર કમિટી પછી 2013માં, એટલે કે સાઠથી સિત્તેર વર્ષો પછી આ લોકો માટે નવી વ્યવસ્થા થશે એવી આશા છે. ખબર નથી થશે કે નહીં. પણ જે અમારે કામ કરવું હતું તે પૂરું કર્યું. હું સાધુ નથી, પણ એટલું તો કહી શકીશ કે ડી.એન.ટી.ના વિષયમાં નિષ્ઠાથી પોતાનું કર્મ કર્યું છે. નવી પેઢીના યુવાઓએ આ સંઘર્ષ પ્રક્રિયા આગળ લઈ જવી જોઈએ.

1999માં ટ્રાઇબલ મિનિસ્ટ્રીની નિર્મિતિ થઈ. આપણે ત્યાં દેશની વસ્તીના 9 ટકા લોકો આદિવાસી છે. ગુજરાતમાં 15 ટકા, ઓરિસ્સામાં 23 ટકા, મધ્ય પ્રદેશમાં 21 ટકા લોકો આદિવાસી છે. આદિવાસીઓએ જે ભોગ-ફાળો આઝાદીની લડતમાં આપ્યો એવો ભાગ્યે જ બીજા કોઈ વર્ગે આપ્યો હશે. અઢારમી સદીના મધ્ય પછી આદિવાસીઓએ અંગ્રેજો સામે સંઘર્ષ શરૂ કર્યો હતો. આપણે ઇતિહાસ તરફ તટસ્થતાથી જોઈશું તો એક લક્ષણ ખાસ ધ્યાનમાં આવશે : તેઓ મેન્ટલી કોલોનાઇઝ નથી થયા, એટલે જે મેકૉલેથી પીડિત નથી એ માત્ર આદિવાસીઓ છે. ખરા અર્થમાં જે કોલોનાઇઝ નથી થયા તે આઝાદ છે. આજે પણ આપણા સમાજે આદિવાસીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે : ખાસ કરીને ચિંતનના સ્તરે.

મુખ્ય તો આદિવાસીની પોતીકી સામાજિક રચના છે : એમનાં તંત્રો, શાસ્ત્રો, વિચારો, એના મૂળમાં એક વિચાર છે કે I belong to the earth, not that the earth belongs to me. અન્ય સમાજમાં માન્યતા એવી છે કે પૃથ્વી તો આપણી માલિકીની છે એટલે ઉત્ખનન કરીએ, જે રીતે કાપવું છે, છેદવું છે એ રીતે કરીએ. પૃથ્વી પર માનવીએ આક્રમણ કર્યું. ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના આવનાર સમયમાં આદિવાસીની જીવનદૃષ્ટિ સ્વીકારવા સિવાય દુનિયા સામે બીજો કોઈ આરો નથી. ગયા બે દાયકામાં ક્યારે ય આદિવાસી પ્રત્યે મેં એવું નથી વિચાર્યું કે એ પછાત છે. હંમેશાં એવું વિચાર્યું કે મારું પછાતપણું આદિવાસી સામે કઈ રીતે ઓછું કરવું? હું અંગ્રેજીમાં બોલું છું એટલે વિકસિત અને એ અંગ્રેજી નથી બોલતા એટલે અણવિકસિત એવું માનવું મૂર્ખતા છે. એટલે કહું છું : જે મેકૉલેથી પીડિત નથી, તેઓ માનસિક રીતે આઝાદ છે.

1999માં ખાસ મિનિસ્ટ્રી બની ત્યાં સુધી આદિવાસીની કોઈ પૉલિસી હતી નહીં. સિવાય કે વેરિયર એલ્વિને બનાવેલી. વેરિયર એલ્વિન હતા ગાંધીજીના ભક્ત. ઇંગ્લેન્ડમાં પી.એચ.ડી. મેળવી પછી પૂના આવ્યા. પૂનાથી એક-બે વર્ષમાં કંટાળી ગાંધીના સાબરમતી આશ્રમમાં આવ્યા. ગાંધીએ વેરિયર એલ્વિનને ઠક્કરબાપા પાસેથી આદિવાસી વિશે કશું શીખવાનું સૂચન કર્યું. ઠક્કર બાપાએ એલ્વિનને મધ્ય પ્રદેશ મોકલ્યા. વેરિયર આઝાદ પ્રકૃતિના હતા. ગાંધીજીનાં અમુક તત્ત્વો, ખાસ કરીને શિસ્તનાં તત્ત્વો એમને ફાવે એમ નહોતાં. થોડાક કંટાળીને પાછા આવ્યા. ગાંધીજીને કહેવા કે કદાચ આ કામ એ લાંબા સમય સુધી નહીં કરી શકે. ત્યારે મુંબઈ મણિભવનમાં બાપુ હતા ત્યાં ગયા. સાંજનો સમય હતો. ગાંધીજીએ કહ્યું : આપણે આવતી કાલે સવારે વાત કરીશું. એલ્વિન ટેરેસ ઉપર સૂઈ ગયેલા. રાતના ત્રણ વાગે પોલીસ આવી ગાંધીજીને પકડી યરવડા જેલમાં લઈ ગઈ લાંબા સમય સુધી. જેલ જતાં પહેલાં બાપુએ એક ચિઠ્ઠી લખી. લખ્યું એલ્વિનને ખાસ કે તમે તમારું કામ ચાલું રાખશો. એના આધારે એલ્વિન ફરીથી છત્તીસગઢ ગયા અને આશરે પાંત્રીસ વર્ષ સુધી એમનું કામ ચાલુ રહ્યું.

આઝાદી પછી એલ્વિનને આપણા દેશનું સન્માનનીય નાગરિકત્વ, ઑનરરી સિટિઝનશિપ આપવામાં આવી. The first non-Indian who got honorary citizenship of India was Verrier Elwin. સારા સર્જક હતા. લખતા હતા. અંગ્રેજી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ અને અંગ્રેજી સાહિત્ય માટેનો પહેલો અવૉર્ડ વેરિયર એલ્વિનને આપવામાં આવ્યો. એલ્વિને આદિવાસીની પોલીસી બનાવેલી, એ નેહરુએ સ્વીકારી. એલ્વિને એનું પંચશીલ નામ આપ્યું હતું. તો આ પંચશીલમાં એલ્વિને કહ્યું હતું કે તમે આદિવાસીને તકલીફ આપશો નહીં. એમને રહેવા દો, એમની રીતે જીવવા દો. બહારથી વધારે એન્જિનિયર ત્યાં મોકલશો નહીં. એમનો વિકાસ કઈ રીતે થાય એ પોતે નક્કી કરશે. એમને એ કરવા દો. પણ આ થઈ 1950-55ની વાત.

1999 સુધી ઘણા બદલાવ આદિવાસીના જીવનમાં અને દેશમાં આવ્યા. ત્યાં સુધી આ નીતિ ઉપર પુન:વિચાર થયો ન હતો. મિનિસ્ટ્રી આવી 1999માં. ત્યારે એન.ડી.એ. સરકારે નક્કી કર્યું કે આદિવાસી માટે કોઈ પૉલિસી બનાવવી. પણ પૉલિસી બનાવવી એટલે પૉલિસી બનાવવા એક દસ્તાવેજ તૈયાર કરવો. દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારે એક રિસ્ટ્રિક્ટિવ પૉલિસી હશે તો ઠીક રહેશે નહીં. કારણ કે દરેક રાજ્યમાં આદિવાસીની પરિસ્થિતિ અલગ અલગ છે. આ તમામ પરિસ્થિતિના મૂળમાં પ્રશ્ન છે : આદિવાસીની જે જમીન ફોરેસ્ટ ખાતા પાસે છે અથવા ફોરેસ્ટ ખાતાની જમીન આદિવાસી પાસે છે – આ બંને વસ્તુ સરખી કરવી જોઈએ. તે માટે કેન્દ્ર સરકારે ફોરેસ્ટ જમીન પરનો કાયદો જારી કર્યો.

અહીં એક નાનકડી પાર્શ્વભૂમિકા આપું. 1860માં ફ્રાન્કો-પ્રુસિયન યુદ્ધ યુરોપમાં થયું.્ ફ્રાન્સ અને જર્મની વચ્ચે. એમાં ઘણા યુરોપના દેશો સામેલ હતા. લગભગ એ યુદ્ધ દ્વારા જ જર્મનીનો જન્મ થયો. કારણ કે પહેલાં એ પ્રુસિયા હતું. એ યુદ્ધના અંતે નક્કી કર્યું જર્મની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિર્માણ કરશે, જેના આધારે ટિમ્બરના અમર્યાદિત વપરાશથી નૌકાદળ નક્કી તૈયાર કરી શકાય. હવે આ જ્યારે જર્મનીએ નક્કી કર્યું, એના (પ્રતિશોધ બંગાળીમાં કહેવાય, અંગ્રેજીમાં રિવેન્જ – ઍક્શન, રિસ્પૉન્સ) વિરોધમાં ઇંગ્લેન્ડે નક્કી કર્યું કે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઊભાં કરશે, નેવી બનાવવા. પણ અંગ્રેજો પાસે જમીન હતી નહીં. નાનો દેશ છે એટલે અંગ્રેજોએ એમના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ભારતમાં નિર્માણ કર્યું. આશરે બે તૃતિયાંશ હિસ્સાની આપણા દેશની જમીન ફોરેસ્ટને સોંપી દીધી, જેને અંગ્રેજીમાં સોવરિન ડોમેઇન કહેવાય છે. એટલે જેના પર રાણી અથવા રાજાનો અધિકાર. નદી હોય તો એની ઉપર અધિકાર મચ્છીમારોનો નહીં પણ રાણી કે રાજાનો હોય. તો મોટાભાગની જમીન આપણાં દેશની રાતોરાત, હજારો લોકો જ્યાં ખેતી કરતા હતા એ જમીન અંગ્રેજ રાણીની માલિકીની થઈ ગઈ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પહેલાં બળવો કર્યો. જમીન માત્ર એવી નહીં જ્યાં વૃક્ષો અથવા જંગલ હોય. ફોરેસ્ટ શબ્દના ડિક્શનરીમાં બે અર્થ છે : એક તો બંચ ઓફ ટ્રીઝ અને બીજો એવી જમીન, જે જંગલખાતા પાસે હોય. જ્યાં એક વૃક્ષ નહીં, ઘાસનું તણખલું પણ નહીં એવી જમીન પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે હોય એ પ્રકારની વાત હતી.

અહીં જે સમાજ રહેતો હતો એ બધાની યાદી અંગ્રેજોએ બનાવી અને એવા સમાજોને લીગલી ટ્રાઇબ્સ નામ આપ્યું. એ પહેલાં આપણે. ત્યાં ફલાણા ટ્રાઇબ્સ છે, ફલાણા નૉન-ટ્રાઇબ્સ છે, એવું હતું નહીં. આપણા વાલ્મીકિ કોણ હતા? આદિવાસી આપણા મહાકવિ. એટલે આવા તો ઘણા ઇતિહાસમાં કિસ્સા છે, જ્યાં સામાજિક ભેદ હતો નહીં. એ ભેદ અંગ્રેજોએ ઊભો કર્યો. આદિવાસી માટે વિકાસ નીતિ બનાવતાં પહેલાં સરકારને લાગ્યું કે આદિવાસી જમીનના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. કારણ કે આદિવાસીની જમીનની માલિકી તો અંગ્રેજોએ લઈ લીધી હતી. આદિવાસીને જમીન આપવામાં આવી તે અન્ય ભારતીય નાગરીકોને જમીનના અધિકાર જે પ્રકારે આપવામાં આવે છે એનાથી અલગ હોય છે. અલગ એટલા માટે કે આદિવાસીને જમીનનો સરફેસનો અધિકાર છે, સંપૂર્ણતાનો અધિકાર નથી. આદિવાસી ત્યાં ટેનન્ટ છે. ખેતી કરી શકે, પોતાનાં બાળકોને જમીન સુપરત કરી શકે, પણ જમીનનું વેચાણ કરી શકે નહીં. It is heritable but non transferable. સામાન્યત: આપણે કોઈક જમીન ખરીદીનું વેચાણ કરીએ છીએ ત્યારે એના દસ્તાવેજમાં લખવામાં આવે છે : પાતાળથી આકાશ સુધી, તમારો અધિકાર છે. પણ આદિવાસીના દસ્તાવેજમાં પાતાળથી આકાશ સુધીનો અધિકાર નથી, માત્ર સપાટીનો છે. આ એક unequal citizenship છે. આ વિશેનો વિચાર કરવો હતો ત્યારે આપણી કેન્દ્ર સરકારે અન્ય નિષ્ણાતો બોલાવ્યા. એમાં મને પણ બોલાવ્યો. વડાપ્રધાન સાથે લગભગ પાંચથી છ કલાક ચર્ચા થઈ. બે વાર આ પ્રકારે ચર્ચા થઈ. એમાં જે મુસદ્દો તૈયાર થયો એ પાર્લામેન્ટની જૉઇન્ટ કમિટી પાસે ગયો. એના ઉપરના આક્ષેપો-વિરોધો વગેરે વિચારમાં લઈ કાયદો તૈયાર થયો, જે અત્યારે અમલમાં છે.

આપણે વર્નાક્યુલર નામનો શબ્દ વાપરવાનો ચાલુ રાખ્યો છે. આ શબ્દનો અર્થ તે ભારતીય ભાષાઓ. ભાષા તો આપણો પ્રાચીન શબ્દ છે. પાણિનીથી એ ભાષા છે. ભાષા શબ્દનો અર્થ અવાજ (અથવા લેંગ્વેજ) થાય છે. આઈડેન્ટિટી, વોઇસ અને લેંગ્વેજ – આ ત્રણે અર્થમાં ‘ભાષા’ શબ્દનો વપરાશ કરવાનું મેં નક્કી કર્યું. ભારતીય ભાષાઓ સાથે એક સંબંધ તો હતો જ, ‘સેતુ’ દ્વારા ભારતીય ભાષાથી એની શરૂઆત થયેલી. પણ મનમાં એવું પણ હતું કે માત્ર આદિવાસીની નહીં, અન્ય તમામ ભાષાઓ સાથે રહીને કંઈક કામ કરવું જોઈએ.

શરૂઆત તો મારા પોસ્ટયુનિવર્સિટી દિવસોથી થઈ હતી. 2010માં અમે એક મોટા સંમેલનનું આયોજન કર્યું. ભાષાકેન્દ્રમાં લગભગ 320 જેટલા ભાષાના પ્રતિનિધિઓ આવ્યા. ત્યાં એવું નક્કી થયું કે ભારતીય ભાષાઓનો સર્વે તૈયાર કરીશું. 100 વર્ષ પહેલાં જ્યોર્જ ગ્રીયર્સન જે આઇરિશ હતા, એમણે આ સર્વે કર્યો હતો. ત્યાર પછી ભારતીય ભાષાઓનો સર્વે થયો નથી. આઝાદી પહેલાં આ ચર્ચા શરૂ થયેલી. ગાંધીજીએ હિંદુસ્તાની વાપરવાનું સૂચન કર્યું હતું. ખૂબ જ અગત્યની એ વાત હતી, પણ 19મી સદીના આરંભમાં આપણે ત્યાં પ્રિન્ટીંગની શરૂઆત થઈ. અમુક ભાષાઓનું પ્રિન્ટિંગ થોડું પહેલું થયું હતું. અઢારમી સદીના છેલ્લાં વર્ષોમાં થયું હતું. પોર્ટુગલથી એક પ્રિન્ટિંગ મશીન ભૂલેચૂકે ગોવામાં આવ્યું હતું જેમાં કન્નડનું પ્રિન્ટિંગ પહેલાં થયું હતું. પછી બંધ થઈ ગયું. કારણ પ્રિન્ટિંગ મશીન રોમનમાં હતાં. ભારતીય ભાષાઓના ટાઇપ બનાવી ભારતીય ભાષાઓમાં પ્રિન્ટિંગ કરવાની શરૂઆત ફોર્ટ વિલિયમ્સ, કલકત્તામાં થઈ. ત્યાં તે સમયની અંગ્રેજ સરકારે, લાલુજીલાલ નામના અધિકારીની નિમણૂક કરી હતી. આ લાલુજીલાલસાહેબે પહેલી વાર હિંદીમાં અને અન્ય બધી ભાષાઓ છે તેનું પ્રિન્ટિંગ કર્યું. જે ભાષાઓનું પ્રિન્ટિંગ થયું એ ભાષાઓમાં અત્યારે જેને આપણે લિટરેચર કહીએ છીએ, એ શબ્દ લેટર સાથે જોડાયેલો છે. એટલે અક્ષર, જેમાં મુદ્રિત અક્ષર એ લિટરેચર.

તુકારામ, કબીર, મીરાં, એટલું જ નહીં પણ વેદ, વાલ્મીકિ આ બધા લિટરેચરમાં ન આવે આ ડેફિનિશનથી કેમ કે એ મૌખિક પરંપરા. ભાષામાં મુદ્રિત સાહિત્ય એ જ માત્ર ભાષા અને અન્ય તે બોલીઓ, એવી ખોટી માન્યતા ઊભી થઈ. આપણે ત્યાં ગરાસિયા ભીલોમાં મહાભારત પણ છે અને રામાયણ પણ છે. ગરાસિયામાં ભગવાનદાસ પટેલ કહે છે તેમ ચાર ચાર જેટલાં મહાકાવ્યો છે. મારી માહિતી છે ત્યાં સુધી ગુજરાતીમાં પણ એ પ્રકારનાં મહાકાવ્યો નથી. સરખામણીની અહીં વાત નથી, પણ ગરાસિયા ભીલોની બોલી કહેવાય કે ભાષા? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. મુંડારી ભાષા ઑસ્ટ્રિક ઓરિજિનની એટલે આશરે સાતથી આઠ હજાર વર્ષની પરંપરા ધરાવતી ભાષા. એને કહેવી ભાષા કે માત્ર બોલી?

ઇંગ્લેન્ડ જેવા નાના દેશમાં નિર્માણ થયેલાં ભાષાશાસ્ત્રો પાસે આપણા જેવા વિશાળ દેશની વિવિધતાવાળી ભાષાઓની પરખ કરવાનું સામર્થ્ય હતું નહીં, છતાં એ મર્યાદિત અર્થથી જ પ્રેરાઈને આપણે ભાષા તરફ જોવાની દૃષ્ટિ ચાલુ રાખી. પરિણામે માત્ર મુદ્રિત તેટલું જ સાહિત્ય, એ જ ભાષા અને જેનું મુદ્રણ નથી એ ભાષા નહીં એવી ધારણા સ્વીકારવામાં આવી. આઝાદી પછી આપણે ત્યાં અલગ અલગ રાજ્યોની સ્થાપના થઈ. ભાષાવાર પ્રાંતરચના. અહીં પણ જેમાં મુદ્રિત સાહિત્ય છે એવી ભાષાઓને પ્રાંત આપો, જેનું મુદ્રિત સાહિત્ય નથી એને પ્રાંત નહીં! ધારો કે ગોંડ લોકો છે, સંથાલ લોકો છે એમને તે સમયે જો એક રાજ્ય આપ્યું હોત તો ખૂબ સારું થાય. પણ તે નહીં મળ્યું. તેથી સંથાલ અને ગોંડ લોકોના વિકાસના પ્રશ્નો ઊભા થયા. આ ભાષાઓનું આખું જે માળખું છે આપણા દેશમાં એનો અભ્યાસ થવો જોઈએ. ગ્રીયર્સનસાહેબે 100 વર્ષ પહેલાં કર્યો ભારતીય ભાષામાં, એ સર્વેમાં આશરે 180 ભાષા અને 550 ઉપભાષા કે બોલીનો ઉલ્લેખ હતો. આપણે ત્યાં 2006માં કેન્દ્ર સરકારે એક સમિતિની નિમણૂક કરી. મને એનો ચેરમેન બનાવ્યો ત્યારે મેં જેટલી નોંધ છે, જેટલી માહિતી છે એના આધારે આશરે 403 ભાષાની યાદી બનાવેલી જેને પ્રોત્સાહનની જરૂર છે અને પ્રોત્સાહન ન મળવાથી જે મરવા પડી છે.

બાયોડાઇવર્સિટી જેટલા પ્રમાણમાં ઓછી થાય બિલકુલ એટલા જ પ્રમાણમાં ભાષા ઓછી થાય છે. કારણ કે દરેક ભાષામાં બાયોડાઇવર્સિટીનું જ્ઞાન હોય છે. હિમાલયની જેટલી બોલીઓ કે ભાષા છે એ બધીમાં આશરે 160 શબ્દો છે, બરફ માટે. એસ્કીમો લોકો પાસે 30 શબ્દ છે. બરફ કાદવવાળા પાણીમાં પડતો હોય તો તે માટે અલગ શબ્દ છે. બરફ પડતી વખતે કદાચ જો આકાશનો રંગ ભૂરો હોય તો તે માટે કિન્નોર ભાષામાં અલગ શબ્દ છે. ઇકોલોજીનું જ્ઞાન કોઈ પાસે હોય તો લગભગ વધુમાં વધુ જ્ઞાન બોલીઓ પાસે છે, નહીં કે શાસ્ત્રજ્ઞો પાસે. અને એ જ્ઞાન જ્યારે ભૂંસાતું જાય છે ત્યારે ઇકોલોજીનો પણ વિનાશ થાય છે. આ તો સીધો સંબંધ છે કોઈ આડકતરો સંબંધ નથી. જે પ્રમાણે વૃક્ષો અને બાયોડાઇવર્સિટી ઓછાં થાય એ જ પ્રમાણે ભાષા ઓછી થાય અથવા ભાષાઓ ઓછી થાય. ભાષા ઓછી થાય તો બાયોડાઇવર્સિટી જતી રહેવાથી દુનિયા માત્રમાં એક જ ભાષા, એક પહેરવેશ, એક જ પ્રકારે જમવાની રીત રહેવાની. રેગિસ્તાનમાં રહો કે હિમાલયમાં રહો, એક પ્રકારનો ખોરાક ખાશો તો માત્ર ફાયદો થશે તો ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીઝને થશે, બીજા કોઈને નહીં. આ બધું જાણ્યા પછી બધી ભાષાઓનો સર્વે કરવાનું અમે નક્કી કર્યું એ કામ અત્યારે ચાલુ છે.

હું દરેક રાજ્યોમાં ફરતો રહું છું. ત્યાં વર્કશોપ લઈને, ત્યાંના સ્થાનિક લોકોને પ્રોત્સાહન આપી, એમની પાસેથી માહિતી ભેગી કરું છું. મારી એક ઇચ્છા છે આપણા દેશનો એક સર્વગ્રાહી ભાષાકીય કેટલોગ તૈયાર થાય. આ કામને અમે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા નામ આપ્યું છે. એટલે સરકારની નજરથી નહીં, જે ભાવકો છે એમની નજરથી જોવું જોઈએ. હું કહીશ કે ગુજરાતી મહાન ભાષા છે અને ગુજરાતી ભાષાનું મરણ શક્ય નથી. કારણ કે પાંચ કરોડ ગુજરાતીના ગુજરાતનો આર્થિક વિકાસ છેલ્લાં 150 વર્ષથી થયો છે. ગુજરાતી આફ્રિકા ગયા, ઇંગ્લેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. કામ કરવાની ટેવ પાછલાં 150 વર્ષોમાં ગુજરાતીની બદલાઈ ગઈ છે અને ખૂબ દિલ દઈ લોકો કામ કરે છે. તે રીતે અંગ્રેજ કામ નથી કરતા. તો આપણે ત્યાં જે સંપત્તિ નિર્માણ થઈ એને લીધે આપણી ગુજરાતી ભાષાને ભય નથી. છતાં આ ગુજરાતી ભાષા માટે પણ એક ભયસ્થાન છે : આપણા ડોમેઇન ઑફ લેંગ્વેજ ઓછા થતા જાય છે. ખાસ કરીને બોલી સાથેનો સંબંધ ઓછો થતો જાય છે. માતૃભાષામાં ભણાવતી એવી નિશાળની સંખ્યા ઓછી થતી ગઈ. કોઈ ઉત્તમ પ્રકારની હાઈસ્કૂલ ગુજરાતીમાં નથી. ગુજરાતી ભાષા માટે જે વિવિધ ડોમેઈન હોવો જોઈએ એમાં અત્યારે ઓટ આવવાથી ગુજરાતીને પણ ભયસ્થાન છે. એક સરસ ગુજરાતી વાક્ય, અંગ્રેજી શબ્દના વપરાશ વગર બોલી શકે એવા યુવાનોની સંખ્યા ઓછી થતી જાય છે.

મને ફ્રન્ટલાઇનના એક સંપાદકે પ્રશ્ન પૂછયો કે આપણે ત્યાં ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં આપીએ તો શું થશે? મેં કહ્યું સારું જ થશે. તો એ ભાઈએ પૂછયું એ શક્ય છે? મેં જણાવ્યું રશિયામાં એન્જિનિયર્સ રશિયન ભાષામાં ભણે છે, જર્મનીમાં જર્મન ભાષામાં ભણે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચમાં ભણે છે, તો આપણે ત્યાં પણ હિંદીમાં, ગુજરાતી, મરાઠી, બંગાળીમાં બિલકુલ શક્ય છે. પણ આપણા દેશના સાંસ્કૃિતક આત્મવિશ્વાસે કોલોનિયલ સમયમાં જે માર ખાધો એને લીધે આ સ્થિતિ છે. તેજગઢમાં હું ભાષાવન નિર્માણ કરી રહ્યો છું. એટલે દરેક વૃક્ષ ભાષા બોલે તે રીતે, દરેક ભાષા બોલવાવાળાં વૃક્ષોમાં થઈને નાનું બાળક પસાર થાય તો ભાષાની વિવિધતાનો એને ખ્યાલ આવતો રહે.

મારો સંબંધ પાંચ અલગ સંસ્થાઓ સાથે રહ્યો છે. તેજગઢમાં આદિવાસી અકાદમી છે, જે આદિવાસી પોતે ચલાવે છે. ત્યાં આદિવાસીને લગતા વિષયનું ભણતર થાય છે. ત્યાં એક જ્ઞાનનું ક્ષેત્ર વિકસાવવાનું શરૂ થયું છે, જેને એન્થ્રોપોલેજી કહેવામાં આવે છે. તો અમે રીવર્સ એન્થ્રોપોલોજી, નૃવંશશાસ્ત્રથી સામેનું જોવાવાળું આદિવાસીનું એક શાસ્ત્ર છે એનો વિકાસ કરી રહ્યા છીએ. નૃવંશશાસ્ત્રમાં, દુનિયાના લોકો આદિવાસી તરફ જુએ છે. મારું મન કહે છે હવે આદિવાસી પોતે દુનિયા સામે જોઈને કહે કે : અમારામાં જે સારા ગુણ છે એ તમે લઈ લો અને અમે આપી શકીએ છીએ તો તમે એ સ્વીકારો. ત્યાં સરસ લાઇબ્રેરી છે, મ્યુિઝયમ બનાવ્યું છે. જે રીતે તેજગઢમાં ‘વાચા’ નામનું મ્યુિઝયમ બનાવ્યું તે જ રીતે હિમાલયમાં એક મ્યુિઝયમ બનાવ્યું છે. 11 હજાર ફૂટની ઊંચાઈ પર કેલોંગ નામનું ગામ છે, ત્યાં એક કોમ્યુિનટી મ્યુિઝયમ બનાવ્યું છે. ત્યાંના જ લોકો એ ચલાવે છે અને આ દુનિયાનું સૌથી ઊંચાઈ પર આવેલું મ્યુિઝયમ છે. મને ઉપરવાળાએ આ તક આપી, સારું લાગે છે. હિમલોક નામની બીજી સંસ્થા સાથે હું જોડાયેલો રહ્યો જે મેં સ્થાપેલી છે, હિમાલયન કોમ્યુિનટીનો અભ્યાસ કરવા : અફધાનિસ્તાનથી લઈ અરુણાચલ સુધી. કારણ કે આ એક સળંગ ભૌગોલિક પ્રદેશ છે. આજના દેશ તો પછીથી બન્યા. હિમાલય એ પહેલાંથી છે. આ રાજકીય રેખાની કલ્પના નાનાં બાળકો જેવી છે, પણ માતા-પિતા હિમાલય છે. તો તે માટે એક સંસ્થા બનાવવી જરૂરી હતી. પછી નાટકમાં મને ખાસ રસ છે. મને લાગે છે જે પોતાને સુસંસ્કૃત કહેવડાવે છે એ સમાજ નાટક અને સંગીત, વિઝ્યુઅલ આર્ટ, ચિત્રકામમાં રસ ધરાવતા હોય તો જ સુસંસ્કૃત કહેવા લાયક રહે. નાટક એક પ્રાચીન કલાપ્રકાર છે ભરતમુનિના સમયથી અથવા એરિસ્ટોટલના સમયથી. નાટક માટે એક સંસ્થા અમદાવાદમાં ઊભી કરી. એનું નામ, બુધન નાટ્યમંચ. ત્યાં વિમુક્ત અને વિચરતી જનજાતિનાં બાળકો, યુવાનો આવીને નાટક ભજવે છે.

બુધન સબર ખેડિયા, સબર કોમની એક વ્યક્તિનું નામ હતું. બુધવારે જન્મ્યા એટલે બુધન. બુધન કોઈક બજારમાં ગયા હતા, ત્યાં પોલીસે એમની ધરપકડ કરી. કસ્ટડીમાં લઈ ગયા. એમાં એમને ઢોરમાર મારી, મારી નાખવામાં આવ્યા. અપરાધ ઢાંકવા એના મોતને આપઘાત તરીકે પોલીસે જાહેર કર્યું. પોલીસ સામે કલકત્તા હાઈકોર્ટમાં પછી કેસ કર્યો. મહાશ્વેતા દેવીએ એમાં ખાસ આગેવાની લીધેલી. એ કેસ અમે જીતી ગયા. (જસ્ટિસ રૂમા પાલ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ થયાં.) રૂમા પાલે ખૂબ યાદગાર ફેંસલાનો દસ્તાવેજ તૈયાર કરેલો. આ જજમેન્ટ એકાંતરે અમે ‘બુધન’ નામનું મેગેઝિન ચલાવતા હતા એમાં પ્રકાશિત કર્યું. બુધનનો ચુકાદો પ્રગટ થયો. તે વાંચીને અમદાવાદના છારા યુવાનોએ એક નાટકની રચના કરી, તેમાંથી બુધન થિયેટરનો જન્મ થયો.

બે વર્ષ પહેલાં દારિયો ફોના ‘ઍક્સિડેન્ટલ ડેથ ઓફ એન અનાર્કિસ્ટ’ની સરસ ભજવણી કરી હતી. પછી ફ્રાન્સના જ્યોં જેને નામના સર્જકનું ‘ધ બાલ્કની’ નાટક અમદાવાદમાં થાય તો કઈ રીતે થાય એનો પણ પ્રયોગ થયો. કારણ કે જ્યોં જેને પણ નોમેડિક હતા. યુરોપના કેટલાક દેશમાં તેમને પ્રવેશવા પર મનાઈ હતી. પછી સાર્ત્રએ જેનેને જેલમાંથી છોડાવ્યા. પછી એ એક નાટ્યકાર રૂપે ફ્રાન્સમાં પ્રસિદ્ધ થયા. છારાઓની સ્થિતિ પણ જ્યોં જેને જેવી છે. એટલે તેનું નાટક અમદાવાદમાં થયું.

હવે પછી આ મંડળી ‘મૃચ્છકટિક’નો પ્રયોગ કરવા માંગે છે. નાટકમાં જંગલમાં એક ચોર છે અને શહેરમાં રાજા. એ બંને વચ્ચેનો એમાં સંઘર્ષ છે. નોમેડિક કોમ સાથે આપણા સમાજનો સંઘર્ષ એ પ્રકારનો છે. ભરતમુનિ લગભગ સમાજ બહારની વ્યક્તિ હતા. ત્યારે નાટક કરવું અપરાધ ગણાતો. આ માન્યતા સામે ઝૂઝતા ભરતમુનિ એટલે એમના ગ્રંથને પંચમદેવ કહેવામાં આવ્યો. સમાજ બહારની વ્યક્તિમાં મને રસ છે. હું માનું છું કે બધાને આવરી લેતો સમાજ દુનિયામાં હોવો જોઈએ, જ્યાં જાતિ-દેશ-ભાષા એવા વાડા ન હોય, જ્યાં દુનિયાના નાગરિક તરીકે દરેક માનવીને જીવવાનો હક મળવો જોઈએ.

વાત સાચી છે. ભાષા પ્રવાહી હોય છે. ભાષા અમુક સમયમાં અમુક લિપિમાં લખાય છે, અન્ય સમયમાં અન્ય લિપિમાં. સંસ્કૃત ભાષા એક સમયે શારદામાં હતી. એ જ રીતે નાગરીમાં છે અને મોડીમાં. મોડી ઘણી બધી ભાષા માટે વાપરવામાં આવતી હતી એટલે લિપિ અને ભાષા વચ્ચે ખાસ તાર્કિક સંબંધ નથી. ટૂંકમાં ભાષા બદલાય છે. જો બદલાતી ન હોય તો ભાષા મરે છે. બદલાતી રહે એ જ ભાષા જીવતી રહે છે. પણ આવા પ્રવાહો ઉપર ક્યારેક આપણે ડેમ બનાવીએ અથવા કૃત્રિમ રીતે એનો પ્રવાહ બંધ કરીએ તો મુશ્કેલી સર્જાય. કોઈક આપણને કહે કે તમે ફલાણી ભાષા બોલો છો, એને લિપિ નથી, એ લખાયેલી નથી માટે તમારા માટે અમે સ્કૂલ બાંધીશું નહીં અથવા કૉલેજ કે યુનિવર્સિટી શરૂ કરીશું નહીં તો શું થાય? એ ભાષાના બાળકોને અન્ય કોઈક ભાષા ફરજિયાત શીખવી પડે પછી જ એને વિકાસની તક મળે ત્યાં સુધી નહીં. આથી દેશમાં અણવિકસિત વસ્તીના આધારે રાષ્ટ્રીય નિરક્ષરતાનો નકશો બનાવીશું તો એવું જોવા મળશે કે ત્યાં બોલીઓનો વિચાર થયો નથી. ત્યાં આપણી ઘણી બધી ભાષાઓ એવી છે જેમાં અખૂટ જ્ઞાન છે, પણ એને અક્ષર લિપિ નથી. તો લગભગ નિરક્ષરતાવાળા વિસ્તારોમાં, કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આવી અનેક પ્રકારની બોલીઓ છે. એટલે આ વિષય પરત્વે હવે ગંભીરતાથી ફરી એક વાર વિચાર કરવો જોઈએ : નિરક્ષરતા કે ભાષા એટલે શું? ભાષા સ્વયં મરતી નથી : જૂના ઘણા પ્રાચીન શબ્દો અત્યાર સુધી આપણે ત્યાં હજી વપરાય છે – પણ કોઈ કાનૂન અથવા કોઈ ખામીભરી પૉલિસી દ્વારા ભાષા પર બંધન લાદવામાં આવે છે અને ત્યારે ભાષાઓને મારવામાં આવે છે. ટૂંકમાં ભાષા મૃત્યુથી પર છે પણ એના પર મૃત્યુદંડ ઠોકવામાં આવે છે. ગ્રીક ભાષામાં એક શબ્દ છે અફેસિયા. અફેસિયા એક બીમારીનું નામ છે. એનો અર્થ છે વાચાહીનતા, વાચાભ્રંશ, વાચાભ્રમ. અત્યારે દુનિયામાં ઘણી ભાષા સામે અફેસિયાની સજાનું ફરમાન જારી થઈ રહ્યું છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે વીસમી સદીની શરૂઆતમાં, દુનિયામાં લગભગ 7,000 ભાષાઓ હતી, તેમાંથી એકવીસમી સદીના અંત સુધી માત્ર 300 ભાષા જીવતી રહેશે.

ભાષાનો આ જે વિલય છે એ અફેસિયા છે. કોઈક માનવીએ ટહુકો કર્યો હશે, સંવાદ માટે ત્યારે જે ઉદ્ભવી હશે તે ભાષા, ત્યારથી આજ સુધી ભાષાને પહોંચી નથી એટલી હાનિ પાછલાં સો-દોઢસો વર્ષોમાં પહોંચી છે. એટલે આ ચિંતાનો વિષય છે. આજે યુનેસ્કો જેવી અનેક સંસ્થાઓ ભાષા, ડાઇવર્સિટી, મલ્ટિલિંગ્વાઇઝમ માટે મથી રહી છે.

કોઈક મહા રોગચાળો આવી જાય તો કોણ બચશે અને કોણ મરશે કહેવું મુશ્કેલ છે. પણ ભાષા અંગેના સંજોગોમાં ખાસ પુરુષાર્થ ખેડવા પડે. એ નહીં કરીશું તો હાનિ ક્યાં જઈ અટકશે? પુરુષાર્થથી નુકસાન ખાળી શકાશે એવા વિશ્વાસ સાથે કામ કરવું પડશે.

એક માન્યતા એવી છે કે માતૃભાષામાં સાતમા ધોરણ સુધી ભણતર મળી રહે તો બાળક એ ભાષા ટકાવી રાખે છે. આપણે ત્યાં સાતમા ધોરણની તો વાત દૂર, કે.જી.થી જ અંગ્રેજીમાં ભણાવવાની શરૂઆત થઈ છે. આપણે ત્યાં અંગ્રેજી સારું લખતા સર્જકો કોણ? હું કહીશ સૌથી પહેલા મહાત્મા ગાંધી. એમનું ભણતર ગુજરાતીમાં થયું હતું. આર.કે. નારાયણનું ભણતર તમિળમાં હતું. હું પોતે મરાઠીમાં ભણ્યો. અંગ્રેજીમાં લખાણ કરું છું છતાં લઘુતાગ્રંથિ આવી નથી. મારાં અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો દુનિયામાં ઘણી જગ્યાએ લોકો વાંચે છે. આ અંગ્રેજી કોઈ અન્ય અંગ્રેજી ભાષાથી ખરાબ છે એવું નથી. માતૃભાષામાં ભણતર એ બાળકનો મૂળભૂત અધિકાર છે અને હોવો જોઈએ.

સૌથી મુખ્ય વાત તો એ કે જ્યાં આ કોલોનિયલ એક્સ્પાન્શન થયું માત્ર એવા દેશોમાં જ આદિવાસી અથવા ઇન્ડિજીનસ, ઍબઓરિજિન, માઓરીસ એવા શબ્દો આવ્યા. આપણે કોઈકને પૂછીશું કે જર્મનીમાં આદિવાસી છે? ફ્રાન્સમાં છે? તો એ જોવા નથી મળતા. તો ત્યાં મૂળના લોકો ન હોય? હશે જ. પણ આ કોલોનિઆલિઝમનું પરિણામ છે, જ્યાં લોકો પર નવી અર્થવ્યવસ્થા લાદવી અથવા ત્યાંની ઇકોનોમી મારી નાંખવી. સ્પેિનયાર્ડો તો ક્રૂરતાથી બાળી નાખતા. એટલે જર્મન, સ્પેિનશ, ફ્રેંચ લોકોએ જે વિનાશ કર્યો તે તો અંગ્રેજોએ કર્યો તેનાથી વધારે હતો. ડચ લોકોએ ઘણો બધો વિનાશ કર્યો. પોર્ટુગીઝ લોકોએ કર્યો. યુરોપના લગભગ દરેક દેશે આ કામ કર્યું. આદિવાસી સમાજ ઊભો થયો. એમાંથી જ માન્યતા ઊભી થઈ : આ અલગ સમાજ છે. તો આ જેમના પર અત્યાચાર થયો, જે સમાજને ભોગવવું પડ્યું એ સમાજ પૂર્વે કેવા હતા?

આ સમાજ કલેક્ટિવ પ્રોપર્ટીમાં માનતા હતા. સામૂહિક જવાબદારી સામૂહિક હક એ આખી એક જીવનદૃષ્ટિ હતી. આ સમાજ કુદરત સાથે નિકટથી જોડાયેલા હતા. એક ઇકોલોજીકલ કોમ્યુન હતું. એમાં માનવી, કુદરત અને ભગવાન – આ ત્રણે સંબંધ વચ્ચે સંવાદિતા હતી. આ સંબંધો અરસપરસ ત્રણેય માટે ઉપયોગી છે. આવા સંબંધને માનતો સમાજ આધ્યાત્મિક જરૂરિયાતમાં શ્રદ્ધા ધરાવતો હોય છે. એ માને છે કે કુદરત જેવી તાકાત આ દુનિયાને ચલાવે છે. આ માન્યતા દરેક માટે જરૂરી છે. કુદરતમાં પણ એનું પ્રકટરૂપ જોવા મળે છે. તો કુદરતથી પણ ઉપરની એક સર્વોપરી તાકાત સ્વીકારાઈ. એટલે પહેલો ઈશ્વર, પછી કુદરત અને છેલ્લે માનવી – એવા ક્રમે ત્રણે વચ્ચે સંવાદિતા જાળવનારા જે લોકો હતા તે આદિવાસી. એ સિવાયના સમાજ જુઓ : માત્ર નફા માટે, માત્ર આર્થિક પ્રગતિ માટે, ભાગદોડ કરવાવાળા આ સમાજે જોવું જોઈએ કે આર્થિક પ્રગતિ સાથે દિવસમાં કેટલી વાર આનંદનો એમણે અનુભવ કર્યો? ભૂતાને ખૂબ સરસ વાત કહી હતી. ભૂતાને કહ્યું કે હેપિનેસનો ઇન્ડેક્સ હોવો જોઈએ. એક દિવસમાં આપણે કેટલી વાર હસીએ છીએ, કેટલી વાર સુખ કે આનંદનો અનુભવ કરીએ છીએ, કેટલી વાર આપણે ગીતો ગાઈએ છીએ? ભારતમાં મને સારું લાગે છે. હિંદી સિનેમાનું સારું પરિણામ ગણો તો અહીં દરેક જણ ગીત ગાય છે. આ સારું છે. આદિવાસી પાસે ટેલિવિઝન, ફ્રિજ, કાર, રેડિયો નથી. પણ સાંજ થાય એટલે નાચે છે, કૂદે છે, ગાય છે. આ જીવનની એક ધન્ય ક્ષણો છે એવું હું માનું છું. આપણા દેશમાં આજે પણ 6 થી 7 કરોડ વિમુક્ત અને વિચરતી જનજાતિ અને 9 કરોડ આદિવાસી મળી કુલ 14 થી 15 કરોડની વસ્તી છે. ન્યુઝીલેન્ડની વસ્તી માત્ર 60 લાખ છે. ગુજરાતમાં જેટલા આદિવાસી તેટલી ન્યુઝીલેન્ડની કુલ વસ્તી. તેમાં માઓરી માંડ બાર ટકા છે. ભારતમાં સ્થિતિ સારી છે.

તંટ્યા ભીલને મધ્ય પ્રદેશમાં ફાંસી આપવામાં આવી, એમના અંત સમયે એક લાખ આદિવાસી ભેગા થયેલા. છતાં ગોળીબારનો કિસ્સો નોંધાયો નથી. ફ્રેંચ, સ્પેિનશ, જર્મન હોત તો કદાચ એવું બન્યું હોત. પણ આ જ ઇતિહાસનું એક બીજું પણ પાસું છે. આદિવાસી છે તેનો આપણને આનંદ છે, પણ એથી આપણી જવાબદારી વધી જાય છે. અમેરિકામાં બે કે ત્રણ મ્યુિઝયમ બનાવી દીધાં એટલે કામ પત્યું. આપણે ત્યાં નવેક કરોડ આદિવાસી છે, એમને સારું ભણતર, તંદુરસ્તી મળે એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશમાં 360થી વધારે યુનિવર્સિટી છે, પણ એના એકેડેમિક સ્ટાફમાં પ્રોફેસરો છે, તેમાં એક ટકાથી પણ ઓછા આદિવાસી છે. એટલે કે આદિવાસી ત્યાં સુધી નથી પહોંચ્યા. અનામત છે ખરી, પણ સિવિલ સર્વિસમાં આદિવાસી એટલા પ્રમાણમાં નથી. એટલે જેટલાં માર્જિનલ ગ્રુપ છે એમના પર વધારે ધ્યાન આપવાની જવાબદારી દેશ અને સમાજ સામે છે.

વિકાસ બધા માટે જરૂરી છે. અને વિકાસ એટલે માત્ર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, માત્ર પ્રોડક્ટિવિટી, માત્ર જી.એન.પી. એટલો જ હોય તો આપણા બધાનો વિનાશકારી વિકાસ શક્ય છે. પણ વિનાશ કર્યા વિના વિકાસ સધાતો હોય તો એ વધારે સારું નહીં?

‘આફ્ટર એમનેઝિયા’ લખવાની શરૂઆત વડોદરામાં કરી હતી. સુરેશભાઈ સાથે હું કંઈક સંવાદ કરતો હતો. એ સંવાદ પૂરો થાય તે પહેલાં એમનું અવસાન થયું. ત્યાર પછીનાં વર્ષો દરમિયાન નિબંધ લખાયો હતો. એ જ્યારે પુસ્તકરૂપે આવ્યો ત્યારે ગુજરાતી સાહિત્યમીમાંસા અને મરાઠી સાહિત્યપરીક્ષણ એ વિષયથી ચર્ચાની શરૂઆત કરી હતી. પણ પુસ્તક પ્રકટ થયા પછી મારા ઉપર જે પ્રતિભાવ આવ્યા એમાં રાજકીય, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇતિહાસ અંગેના ઘણા પ્રતિભાવો હતા. હવે સંસ્કૃિત વિસ્મૃિત સામે સંસ્કૃિત અભિમાન – સંસ્કૃિત ગર્વ એ પણ ખોટી વસ્તુ છે. ભાયાણીસાહેબ ભાષા વિશે કહે છે, એ પ્રમાણે સંસ્કૃિત ન બદલાય તો એ બંધિયાર પાણી થઈને દુર્ગંધ પેદા કરશે. સ્મૃિત બધા પ્રકારના જ્ઞાનને સુગ્રથિતપણે  સાંકળનારું તત્ત્વ છે. પુસ્તકને પ્રતિભાવ સારો મળ્યો.

પણ લખ્યા પછી લાગ્યું કે કામ અડધું જ થયું છે. ઇતિહાસ શું છે? ઇતિહાસ સમજવાનાં સાધનો શું છે? સ્મૃિત માત્ર રિફ્લેક્ટિવ નથી, ભૂલી જવાની પ્રક્રિયા પણ સ્મૃિતની અંદર જ હોય છે. યાદ રાખવું અને ભૂલી જવું – આ બંને પ્રક્રિયા સાથે જોવાની છે. બદલાની લાગણી જાગે અને એ સ્મૃિતમાં વસી જાય તો રોજે એકબીજાનાં માથાં કપાવાનાં એટલે. ત્યાં ત્યારે ભૂલવું જરૂરી છે. એ જ પ્રમાણે યાદ રાખવું પણ જરૂરી છે. સ્મૃિત આગળ વિવેક જરૂરી છે. નહીં તો વિચાર અને વિવેક વગરની સ્મૃિત એટલે ગાંડપણ ગણાશે. તો પછી ઇતિહાસ વિશે લખ્યું. આપણા સિદ્ધાંતો આપણી વિવિધ પરંપરાઓ દ્વારા ઉપલબ્ધ સિદ્ધાંતો વિશે લખ્યું. ‘ઓફ મેની હીરોઝ’ નામનું એ પુસ્તક વિવિધતાનો ઇતિહાસ મને માન્ય છે. મને હું ભાગ્યશાળી ગણું છું, કેમ કે વડોદરામાં આવ્યો અને સુરેશભાઈને મળવાનું થયું. ત્યાર પછી નારાયણભાઈ દેસાઈને સાહિત્ય અકાદમી એવૉર્ડ સમારંભમાં પહેલી વાર મળ્યો. એ જ વર્ષે એમના પુસ્તકને પણ એવૉર્ડ મળ્યો હતો. વિજય તેંડુલકર સાથે દોસ્તી થઈ. તેંડુલકરને નેહરુ ફેલોશિપ, હિંસા વિષય ઉપર કામ કરવા મળી. મને પણ નેહરુ ફેલોશિપ, એ જ વિષય ઉપર કામ કરવા આપવામાં આવી હતી. અને એમ મૈત્રી થઈ. મહાશ્વેતા દેવીને એક વાર પત્ર લખ્યો હતો, 1980 દરમિયાન ‘સેતુ’ના સંદર્ભમાં. એમની ‘જગમોહન: ધ એલિફન્ટ’ નામની જાણીતી કથા છે, એનો ‘સેતુ’માં ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થયો. પછી ‘સીડ’ નામની બીજી વાર્તા અમે પ્રકટ કરી. પણ પ્રત્યક્ષ કદી મળવાનું થયું ન હતું. પછી એક વાર બંગાળ ગયો. એ સમયે બુધન સબરનું મૃત્યુ થયેલું. ત્યારે મહાશ્વેતા દેવીને મળવાનું થયેલું. ત્યાં એમને ખબર પડી કે વિમુક્ત વિચરતી જનજાતિના પ્રશ્નોમાં મને રસ છે. પહેલી વાર મળ્યો ત્યારે એમની ઉંમર લગભગ સિત્તેર વર્ષની હતી. હું લગભગ પચાસનો. એમ નક્કી કર્યું કે દેશભરમાં ફરીશું અને જ્યાં જ્યાં વિમુક્ત વિચરતી જનજાતિ છે એમને મળીશું. એમની પરિસ્થિતિ સમજી એ પરિસ્થિતિ સરકાર સામે, ન્યાયક્ષેત્ર સામે, પોલીસ સામે મૂકીશું. તે વિશે લખીશું, લોકોને ભેગા કરીશું. આશરે ત્રણ લાખ કિ.મી. સાથે ફર્યાં. સુરતથી જલગાંવ સુધી થર્ડ કલાસ પેસેન્જર ટ્રેનમાં આખી રાત બેસીને. ત્યારે તો મહાશ્વેતા દેવીને મેગ્સેસે એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. જ્ઞાનપીઠ પણ મળેલો. દુનિયાભરમાં મશહૂર, જૈફ ઉંમર ઉપરથી ડાયાબિટીસનો વ્યાધિ. ટ્રેનમાં બેસવાની જગ્યા નહીં. મારી સાથે ઊભાં ઊભાં વાત કરતાં, એમની વાર્તાઓ ક્યારે લખી, ક્યાં ક્યાં, ક્યારે સ્ફુરણા થઈ – બધું કહેતાં. અમે અમરાવતી ગયાં ત્યાં સિકલ સેલનો પ્રશ્ન પ્રચંડ હતો. મહારાષ્ટ્ર સરકારે એક સમિતિ નીમેલી. ડોક્ટરે તો જાહેર કર્યું કે આ તો જિનેટિક રોગ છે એટલે આપણે એમાં ખાસ કરવા જેવું નથી. માત્ર આયર્ન કે એવી ટેબ્લેટ આપીએ. આ પ્રશ્ન ગૂંથીને મહાશ્વેતા દેવીએ ગજબની વાર્તા લખી, ‘મહાદુ’. મહાદુ અમરાવતીનો. કોરકુ લોકોનું આખું જંગલ અંગ્રેજોએ કપાવ્યું. સુરત-હાવરા રેલવે લાઇન નીચે જે સ્લીપર નાંખવામાં આવ્યા તે કોરકુના જંગલથી આવ્યા. દૂરથી ગાડી આવે છે એની સિસોટીથી મહાદુ થોડો વિચલિત થાય છે. ગાડીથી ગંધ આવે છે એને થાય છે આપણા પૂર્વજોની કોઈ સુગંધ છે. દોડતો દોડતો એ ગાડીમાં બેસી મુંબઈ પહોંચી જાય છે. મુંબઈનો પદાર્થ જે કદી જોવા મળ્યો નહોતો તે અન્ન જોવા મળે છે. અન્ન આરોગે છે અને એનું કદ વધે છે. મહાકાય થાય છે. મહાદું આખું મુંબઈ ખાય છે. પેઢીઓની આ ભૂખ છે. એનું માથું આકાશને અડે છે. પછી ઝૂકીને આખો અરબી સમુદ્ર પીએ છે. હાથ ઊંચા કરી તારા લઈને નવા અક્ષરમાં દુનિયાનો ઇતિહાસ લખે છે : અદ્ભુત કથા. હું મહાશ્વેતા દેવીની કેમિસ્ટ્રી સમજી ગયો. જેટલું લખાણ છે તે અનુભવના આધારે છે. માત્ર કલ્પનાના આધારે નથી. શબ્દનો કીમિયો એમની પાસે છે. એંસીની ઉંમર સુધી મહાશ્વેતા દેવીનું પોતાનું ઘર હતું નહીં. ભાડાના ઘરમાં રહેતાં હતાં. મારે ત્યાં પહેલી વાર આવ્યાં તો થયું ટચૂકડા મારા મકાનમાં રહેશે કે નહીં? સંકોચ હતો પણ સીધું કહી દીધું કે હું તો દાળભાત જ ખાઈશ. ખરેખર મહાન વ્યક્તિ છે. એમની સાથે ફરવાનું થયું. સામાજિક કામ કેવી રીતે કરવું, ક્યાં બંધ કરવું, એમની પાસેથી શીખ્યો. મહાશ્વેતા દેવીએ એમના સામાજિક કાર્યને સત્તાની લાલસામાં કદી ફેરવ્યું નથી. આપણે જોઈએ છીએ મોટા ભાગના સામાજિક કાર્યકરો ક્યારે રાજ્યસભામાં પહોંચીશું એવો વિચાર કરતા હોય છે. મહાશ્વેતા દેવીની સેવા નિ:સ્વાર્થ ભાવે થતી હોય છે. આથી જ દેશના સમજુ લોકો એમની તરફ દેશની માતાના આદરભાવથી જુએ છે.

આપણા દેશને ફ્રૅન્કફર્ટના બુક ફેરમાં પ્રમુખ સ્થાન 2008માં આપવામાં આવ્યું હતું. ત્યારે ફ્રૅન્કફર્ટ બુક ફેરના પ્રમુખ અતિથિ મહાશ્વેતા દેવી હતાં. ત્યારે તેમણે ત્યાં એવી વાત કરી કે હું એવા દેશમાંથી આવી છું જ્યાં હૃદય જે જગ્યાએ હોવું જોઈએ તે જગ્યાએ રાખવાવાળા ઘણા બધા માણસો છે.

સહ્યાદ્રિ એ હિમાલય નથી અને હિમાલય એ સહ્યાદ્રિ નથી. એટલે હું જે છું એ છું. મારા માટે આ બધી સામગ્રી છે. એને લખવાના ખપમાં લઈશ. નદી જેવું જીવન છે. એટલે નદી વહે છે, એનો કોઈ ખાસ ફિક્સડ કોર્સ હોતો નથી. ‘વાનપ્રસ્થ’ પુસ્તક મેં મરાઠીમાં લખ્યું. અનુભવ આધારિત એ પુસ્તક. આ પુસ્તકમાં હું કઈ રીતે જંગલમાં ગયો, જંગલમાં શું જોયું એની વાત છે. આજકાલ હું હિમાલયમાં ફરું છું. આને સંન્યાસ નહીં કહું, કારણ કે હું સાધુ નથી. ખરાબ માણસ છું, એવું માનું છું. થોડું ઘણું અનુભવું છું, કદાચ તે વિશે લખીશ. લગભગ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પ્રદેશ બાદ કરતાં ઘણા દેશોમાં ફર્યો છું.

મને શહેરો જોવામાં ઘણો રસ. ખાસ કરીને એમની નાની નાની ગલીઓ. એમાં હું કલાકો સુધી ફરતો રહું છું. ફૂટપાથ ઉપર લોકોને જોવા એ મને સૌથી વધારે સુખકર લાગે છે. બાર્સિલોના મારું ગમતું શહેર. એન્ટોનિન ગૌડીનું આર્કિટેક્ચર ખૂબ જ ગમે છે. જાણે એનો કોઈ અંત નથી. જે અનંત છે એવી વસ્તુ મને આકર્ષે છે. જર્મનીમાં લાઇપઝિગ શહેર પણ ખૂબ ગમે છે, પછી ફ્રાન્સ. અહીં એવાં શહેરો છે, જે માત્ર પહેલા માળે છે. જમીન માત્ર વાહનો માટે. લોકો, દુકાનો, બધું પહેલા માળે છે. રશિયન મોડેલ પ્રમાણે આ છે. અહીં હું થોડો અસ્વસ્થ થયો છું. પણ મારું સૌથી ગમતું જો શહેર તો તે છે આપણું કોલ્હાપુર.

કોલ્હાપુરમાં પહેલવાન હતા. ભેંસો હતી. એ ઘરે આવતી અને દૂધ મળતું હતું. ત્યાંના લોકો રસ્ટિક છે. ઇલાકો આખો ખેતીપ્રધાન. વડોદરા શહેર પણ મને ખૂબ ગમે છે. વડોદરામાં કલા માટે પૂરતી તક ઊભી કરવામાં આવી છે. અહીં ચિત્રકાર છે, સંગીતકાર છે, સર્જક છે. વડોદરામાં મેં ખાસ આક્રમકતા જોઈ નથી. એકબીજાને નીચું દેખાડવા માટે જીવવું એ વડોદરાનો સ્થાયીભાવ નથી. જો કે વડોદરા અત્યારે છે એ પૂર્વે ઘણું સુંદર હતું. એવું વડોદરા ફરી બને તો સારું. શ્રીલંકા ગયો તો ત્યાં જોયું, અનંતકુમાર સ્વામીના નામે રસ્તો છે. જ્યારે વડોદરામાં સુરેશ જોષીના નામે રસ્તો નથી. ભૂપેન ખખ્ખરના નામે નથી. આ અયોગ્ય લાગે છે. ઉમાશંકર જોશી, ભાયાણીસાહેબ, સુરેશ જોષી, ભૂપેન ખખ્ખર જેવા સર્જકોનાં નામ મૂકાવાં જોઈએ. પિકાસો જેટલાં મકાનોમાં રહ્યા છે તે દરેક મકાનોમાં પિકાસો મ્યુિઝયમ છે. બાર્સેલોનામાં છે, ફ્રાન્સમાં પણ છે, પેરિસમાં છે. પિકાસો કઈ કેફેમાં કોફી પીવા જતા હતા એ જે તે કેફે ત્યાં દર્શાવે છે. આ બધું આપણી સાંસ્કૃિતક સ્મૃિત જીવતી રાખે છે.

હવે લિંગ્વિસ્ટિક સર્વેના 40 વોલ્યુમ આવશે. 8 છે દેશી ભાષામાં, 12 હિંદી ભાષામાં અને 20 અંગ્રેજી ભાષામાં. આશરે 30,000 પાનાંનું કામ થશે. બધું પૂરું કરતાં દસેક વર્ષ નીકળી જશે. પછી ઇચ્છા છે ‘ગીતા’ પર ભાષ્ય લખવું. ભગવદ્ગીતાએ મને ઘણો આધાર આપ્યો છે. તાકાત આપી છે. હું ‘ગીતા’ તરફ અલગ દૃષ્ટિથી જોઉં છું. સંજોગવશાત્ ભ્રમણમાં ક્યારેક નવરાશ મળતી રહેશે ત્યારે હું બેસીને ‘ગીતા’ વિશે લખીશ. સાથે સાથે ભારતના શહેરો ઉપર લખવું છે. શહેર, રસ્તા કે મકાનોના આધારે નથી થતા. જીવનના આધારે બને છે : પોળોના આધારે બને છે, ગલીઓના આધારે બને છે. ઇતિહાસના અનેક સ્તરો સમાવી લે તે પ્રકારનું શહેર, શહેર બને છે. તો એના વિશે લખવાની ઇચ્છા છે.

મારાં લગ્ન ન્યાતમાં થયાં નથી. પત્ની કર્ણાટકનાં છે મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી નથી પણ અન્ય ધર્મનાં છે. અમે બંનેએ મળીને લગ્ન નક્કી કર્યાં. એક સાથે પી.એચ.ડી. કરી. એક જ દિવસે થિસિસ સબમિટ કરી. મારા પત્નીએ આજ સુધી મારી પાસેથી કદી સાડી કે સોનું કે ચાંદીની અપેક્ષા રાખી નથી. મારા ઘરમાં સોનું કે ચાંદી નથી. પત્ની સાથ આપે છે એટલે જ આ જે છે તે કરી શક્યો. ગાડાનાં અમે બે પૈડાં છીએ. પૈડાં સાથે ચાલતાં હોય તો ગાડું ચાલે. નસીબથી પત્ની ખૂબ બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, સદ્વિચારનાં અને નિર્ભય છે. નિર્મોહી હોવાને કારણે નિર્ભય છે. તો એમની પાસેથી પણ ઘણું બધું શીખ્યો.

મને કંઈ મેળવવાની મહેચ્છા નથી. આથી ઘણું બધું નુકસાન કર્યું છે. મારું કાર્ય પૂરું કરીશ અને ચૂપચાપ જતો રહીશ. હું લગભગ ચાલીસનો હતો ત્યારે ‘ગીતા’નું વાંચન શરૂ કર્યું હતું. મને લાગ્યું કે મૃત્યુનો ભય હોવો ન જોઈએ. મને સંપત્તિ મળી જાય એવી ઇચ્છા રાખી નથી. ફરી વખત યાદ કરાવું છું કે હું ખરાબ માણસ છું. સાધુનાં કપડાં પહેરતો નથી, પહેરીશ પણ નહીં. મંદિરમાં જતો નથી. જે પણ છે તે દિલ-દિમાગમાં છે. લગભગ પિસ્તાળીસની ઉંમર પછી દવા લેવાનું બંધ કર્યું છે. એક વાર સાપ કરડ્યો. ત્યારે પણ દવા લીધી નહોતી એટલે મૃત્યુનો ભય રહ્યો નથી અને એનો વિચાર આવતો નથી. મૃત્યુ આવે તો એને નિર્મમતાથી સ્વીકારી શકીશ. હું જીવન અને મૃત્યુ – અ બે અલગ સ્થિતિ હોય છે એવું નથી માનતો. મૃત્યુથી કોઈ અન્ય લોકમાં પહોંચીશ એવું પણ નથી માનતો. એવું ચોક્કસ માનું છું કે આપણે અન્ય સમયમાં પહોંચીશું. એ વીતી ચૂકેલો હશે. સમય એટલે જ એ જતો રહેવાનો. એટલે આપણે એવા અન્ય સમયમાં, જે વીતી ચૂક્યો છે એવા સમયમાં સમાઈ જવાનું છે. આપણી દોડ સમય સાથે છે. સમય આપણાથી બળવત્તર છે. એની સામે એક ક્ષણ એવી આવશે કે આપણે દોડવાની તાકાત પૂરી થશે. ત્યારે આપણે ત્યાં ઊભા રહેવાનું. એટલે જ્યાં સુધી ચલાય, ચાલવાનું. ન ચલાય ત્યારે ઊભા રહેવાનું. સમય તો આગળ ચાલતો રહેશે. દુનિયા ચલતી રહેગી.

સૌજન્ય : “સાહચર્ય”, વાર્ષિકી : 2013; પૃ. 31-49          

Loading

31 August 2016 admin
← ક્યાંથી નચિકેતા ગમે ?
પરંપરાની શોધમાં →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved