Opinion Magazine
Number of visits: 9448066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાના અય્યૂબનું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અ‍ૅનેટોમિ ઑફ અ કવર અપ’

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|28 August 2016

બે હજાર બેની સાલમાં જઘન્ય ગોધરાકાંડને પગલે ગુજરાતમાં ચાર મહિના કોમી રમખાણો ચાલ્યાં. તે પછીનાં ચારેક વર્ષમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટર્સનો દોર ચાલ્યો. આ બંનેમાં રાજ્યના સત્તાધારી ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)નું ધર્મઝનૂન, પોલીસનું એકંદર કોમવાદી માનસ અને મોટા ભાગના અમલદારોની આઘાતજનક તકવાદી આજ્ઞાંકિતતાની સાંઠગાંઠથી કાયદો-વ્યવસ્થા તેમ જ ન્યાયપ્રક્રિયાને ગંભીર હાનિ પહોંચી. આ અવદશાનો પર્દાફાશ રમખાણો – એન્કાઉન્ટરોને લગતા કેટલાક  ચૂકાદામાં, મીડિયાએ કરેલા એક્સ્ક્પોઝેસમાં, પંચોના અહેવાલો અને સમિતિઓના અભ્યાસોમાં થતો રહ્યો છે. તેમાં એક મજબૂત ઉમેરણ એટલે પત્રકાર રાના અય્યૂબનું તાજેતરમાં બહાર પડેલું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અ‍ૅનેટોમિ ઑફ અ કવર અપ’. રાના એવા મહિલા પત્રકાર છે કે જેમણે શોધ પત્રકારિતામાં બહુ મોટી સિદ્ધિઓ મેળવી હોય. તેમાં ય ગુજરાતના રમખાણોને લગતા શોધલેખો તેમણે અંગ્રેજી સાપ્તાહિક ‘તહેલકા’માં લખ્યા. એક દાવા પ્રમાણે સોહરાબુદ્દીન એનકાઉન્ટરના આરોપ હેઠળ ગુજરાતના ગૃહમંત્રી અમીત શાહની ધરપકડમાં રાનાએ ‘તહેલાકા’માં કરેલાં કેટલાંક સ્ટિંગ્સનો ફાળો હતો. આ જ સાપ્તાહિકે ‘ઑપરેશન કલંક’ નામે સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. તેમાં તેણે ગોધરાકાંડ પછી મુસ્લિમો પર અ‍ૅક્ચ્યુઅલ અત્યાચાર કરનારા ભા.જ.પ. અને તેના સાથી સંગઠનોનાં કાર્યકરોના સાફ બયાનોનું લાંબું વીડિયો રેકૉર્ડિંગ આખા દેશને બતાવ્યું હતું.

પુસ્તકનો મુખ્ય હિસ્સો પણ રાનાએ રમખાણો અને એન્કાઉન્ટર્સ અંગે  ભા.જ.પ.ના એક પૂર્વ  મંત્રી, ગુજરાતના આઠ પોલીસ  અધિકારીઓ અને એક ઉચ્ચ અમલદારના સ્ટિંગ ઑપરેશન દ્વારા એપ્રિલ 2011 પહેલાંના આઠેક મહિના દરમિયાન લીધેલા ઇન્ટર્વ્યૂઝનો છે. એણે મૈથિલી ત્યાગી નામે ઓળખ અને વેશપલટો કર્યો હતો, કાનપુરના કાયસ્થ પરિવારની મૈથિલી અમેરિકાની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની છે. તે ગુજરાતના વિકાસ મૉડેલ અને નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ  પર ફિલ્મ બનાવી રહી છે, જેના માટે તે ગુજરાતના કેટલીક વિશેષ વ્યક્તિઓની મુલાકાત લે છે. આ મુલાકાતોની ટ્રાન્સક્રિપ્ટ એટલે એકે મૂળ પાઠ અથવા આલેખ પુસ્તકમાં વાંચવા મળે છે. પુસ્તકમાં જે વ્યક્તિઓની મુલાકાતો છે તે પ્રકરણોનાં ક્રમ મુજબ આ છે : ગુજરાતના અ‍ૅ ન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડના સોહરાબુદ્દિનની હત્યા માટે ધરપકડ પામેલા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આઇ.પી.એસ. જી.એલ. સિંઘલ, એન્કાઉન્ટર્સ વખતના ગુજરાતના અ‍ૅ ન્ટિટેરરિસ્ટ સ્ક્વાડના ડિરેક્ટર જનરલ આઇ.પી.એસ. રાજન પ્રિયદર્શી, રમખાણો વખતના ગુજરાતના ગૃહસચીવ અશોક નારાયણ, તે વખતના ગુજરાતના ઇન્ટેિલજન્સ વિભાગના વડા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર દરમિયાન ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ  જી.સી. રાઇગર, રમખાણો વખતના અમદાવાદના પોલીસ કમિશનર પી.સી. પાન્ડે, એ જ વખતના પોલીસના ડિરેક્ટર જનરલ કે. ચક્રવર્તી અને મહિલા તેમ જ બાળવિકાસ વિભાવિભાગના રાજ્ય સ્તરના મંત્રી માયા કોડનાની, સી.આઈ.ડી. ક્રાઈમના આઇ.પી.એસ. ગીતા જોહરી અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના ઇન્વેિસ્ટગેટિંગ ઑફિસસર વાય.એ. શેખ. આ બધાંએ તોફાનો અને એન્કાઉન્ટરોના સમયગાળામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા અંગે બહુ સ્પષ્ટ અને  સ્ફોટક વિધાનો કર્યાં છે. તેમાંથી કેટલીક કૉમન બાબતોનો સાર અહીં આપ્યો છે. તેમાંથી દરેકે દરેક બાબત માટેના ચોક્કસ વાક્યો અને અવતરણો પુસ્તકમાંથી ટાંકી શકાય. પુસ્તકમાંની મુલાકાતો સાફ શબ્દોમાં જણાવે છે કે નરેન્દ્ર મોદી આજે જે કંઈ છે તે કોમી રમખાણોને કારણે છે. રમખાણો દરમિયાન પોલીસને સક્રિય નહીં રહેવાનું તેમણે સીધા આદેશથી નહીં પણ અશોક ટંડન, બીજા અધિકારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના માણસો થકી કહ્યું હતું. એ કાગળ પર કોઈ હુકમ આપતા નથી એટલે બધું પોતે કરાવવા છતાં પકડાતા નથી, એ અમલદારો થકી બધું કરાવે છે. પણ ટેકીલા સિદ્ધાંતવાદી અધિકારીઓ પાસે ખોટું કરાવવાની હિમ્મત કરી શકતા નથી. અલબત્ત તેમની સરકારમાં પક્ષની લીટી તાણનારને સરપાવ અને એમ ના કરનારને સજા મળે છે. મોદી ગોધરાકાંડ અને રમખાણો અંગે માફી માગી શક્યા હોત. તકવાદી મોદીએ અમિત શાહની ધરપકડ કરાવી હતી. એ અમિત શાહને બચાવી શક્યા હોત, પણ એમ કરવામાં એ પોતે ફસાઈ ગયા હોત. ખરેખર તો અમિત શાહની જેમ તેમની પણ ધરપકડ થવી જોઈતી હતી. હરેન પંડ્યાની હત્યાનો ભેદ ખૂલે તો મોદી જેલમાં જાય.

બનાવટી એન્કાઉન્ટર્સમાં અમિત શાહ સંડોવાયેલા હતા. પણ જે અધિકારીઓએ એન્કાઉન્ટર માટેના તેમના આદેશોને ન સ્વીકાર્યા તે કેન્દ્ર સરકારની કાર્યવાહીમાંથી બચી ગયા. સોહરાબુદ્દીન રાજકારણીઓના હુકમથી મરાયો, જેના માટે અમિત શાહને જેલમાં જવું પડ્યું. અલબત્ત સી.બી.આઈ.એ એમની કાનૂની રીતે નબળાં કારણોસર ધરપકડ કરી. બદલી અને અન્ય આદેશો પર તે ખુદ સહીઓ કરતા. બધા અધિકારીઓ અમિત શાહને તિરસ્કારતા. જૂનાગઢના રમખાણોના એક કિસ્સામાં અમીત શાહે પ્રિયદર્શીને ત્રણ એવા માણસોની  ધરપકડ કરવાનું કહ્યું હતું નિર્દોષ જ નહીં પણ એખલાસ જાળવનાર ય હતા, પણ કારણ કે એ મુસ્લિમ હતા. વળી તેમણે પ્રિયદર્શીને એક કેદીને મારી નાખવાનું પણ કહ્યું હતું.

ચોંકાવનારા વિધાનો ઢગલાબંધ મળે છે. જેમ કે ઇશરત જહાની બાબતમાં પ્રિયદર્શી કહે છે કે અમિત શાહે એમને કહ્યું હતું કે ઇશરતને મારી નાખતાં પહેલાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી. એ લશ્કરે તોઈબાઈની અને ટેરરિસ્ટ હતી એ બંને વાત ઉપજાવી કાઢેલી છે એમ પણ પ્રિયદર્શી માને છે. સિંઘલ કહે છે કે ઇશરત ટેરરિસ્ટ હોય પણ ખરી અને ન પણ હોય અથવા તેનો આતંકવાદીઓએ કવર તરીકે ઉપયોગ કર્યો હોય. સિંઘલ કહે છે કે ગુજરાતમાં એક પોલીસ અધિકારી માટે પોતાના અંતરાત્માને જાગૃત રાખીને જીવવું મુશ્કેલ છે. ગીતા જોહરી માને છે કે સોહરાબુદ્દીનને બસમાંથી જાહેરમાં પકડીને પછી તેને મારી નાખવાની રીત મૂર્ખામીભરી હતી. ગુજરાતના સોળ એન્કાઉન્ટરોની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે રચેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના આઇ્.પી.એસ.  ઉષા રાડાના મત મુજબ મુસ્લિમો હિંદુઓને આતંકિત કરે છે. પી.સી. પાંડે માને છે કે ભૂતકાળનાં અનેક રમખાણોમાં માર ખાધા 2002 માં હિંદુઓ પહેલી વખત આક્રમક બન્યા છે. એમને મતે લઘુમતિઓનું તુષ્ટિકરણ સર્વોચ્ચ અદાલતમાં પણ થાય છે. એ તિસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને બદમાશ ગણે છે. જો કે પ્રિયદર્શીને મતે પાંડે મુખ્યમંત્રી મોદીના લાડલા છે અને તે મુસ્લિમોની હત્યા માટે જવાબદાર છે. પોલીસને મુસ્લિમ વિરોધી બનાવવા માટે પ્રિયદર્શી સરકારને જવાબદાર ગણે છે. એમને મતે સરકાર ભ્રષ્ટાચારી અને કોમવાદી બંને છે.

આ પુસ્તકમાં ગુજરાતમાં દલિત પોલીસ અધિકારીઓ તરફના ભેદભાવભર્યા વલણ અંગેની માહિતી  કદાચ પહેલવહેલી વખત પ્રકાશમાં આવી રહી છે. તે સિંઘલે તેના ઘડતરના વર્ષોમાં દલિત તરીકે વેઠ્યું છે. તે બતાવે છે કે એન્કાઉન્ટર માટે વણઝારા, પાંડિયન, અમીન, પરમાર અને બીજા જે અધિકારીઓનો ઉપયોગ કર્યો તે નીચી ગણાતી જાતિના હતા. તેમનો ઉપયોગ કરીને પછી ફેંકી દેવામાં આવ્યા ! પ્રિયદર્શી તો બહુ મોટા અધિકારી હોવા છતાં અવર્ણ હોવાને કારણે તેમને શહેરમાં ઘર મળતું ન હોવાથી તેમણે દહેગામ તાલુકાના કડાગરા ગામના દલિતવાસમાં ઘર બાંધ્યું છે. તે કહે છે કે કચેરીમાં દલિત કર્મચારીને કોઈ પણ જણ કંઈ પણ કહી જાય તો ચાલે એમ હોય છે. દલિતને સ્વમાન, આદર્શ જેવું કંઈ હોતું જ નથી એટલે એને ઠંડા કલેજે હત્યા કરવાનું પણ કહી શકાય એમ લોકો માને છે ! પુસ્તકના છેલ્લા પ્રકરમાં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત છે જેનું વર્ણન છે, રમખાણો અંગેના સવાલ-જવાબ તેમનો વિશ્વાસ સંપાદન કર્યા પછીની મુલકાત માટે રાખવામાં આવ્યા છે. પણ એ મુલાકાત થઈ શકતી નથી. ‘તહેલકા’ના સંપાદકો તરુણ તેજપાલ અને શોમા ચૌધરી રાનાને દિલ્હી બોલાવી લે છે અને કહે છે કે એનું અત્યારનું સ્ટીંગ ઑપરેન પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં કારણે કે – ‘ભૂતકાળમાં બંગારુ લક્ષ્મણને સંડોવતાં હથિયરસોદાના સ્ટિંગને કારણે ‘તહેલકા’ની ઑફિસને તાળા લાગી ગયાં હતાં. મોદી હવે દેશના સહુથી શક્તિશાળી માણસ બનવાની તૈયારીમાં છે, આપણે જો એને અડીશું તો ખતમ થઈ જઈશું.’ રાનાની કોઈ દલીલ સંપાદકોએ સ્વીકારી નહીં. એટલે પુસ્તકને અંતે રાના લખે છે : ‘ત્યારથી હું ચૂપ રહી છું. આ ઘડી સુધી.’ પુસ્તક માનવાધિકાર માટે લડનાર બે કર્મશીલ વકીલો મુકુલ સિંહા અને શાહિદ આઝમીને અર્પણ કરેલું છે.

સત્તાવાળાઓનાં સ્વાર્થ અને નિંભરતાની સામે બંધારણનાં મૂલ્યોનો રકાસ બતાવતું આ પુસ્તક બહુ જ વાચનીય બન્યું છે તે ઇન્વેિસ્ટગેટિવ પત્રકાર રાનાના સ્વકથનના હિસ્સાને કારણે. રાનાએ મૈથિલી  ત્યાગી એવી ખુદની નવી ઓળખ ઊભી કરી હતી. આ નવી ઓળખમાં માટે ચહેરો-મહોરો જ નહીં પણ બોલવાની ઢબ કહેતાં અ‍ૅક્સેન્ટમાં ફેરફાર લાવવા પર કામ કર્યું છે. સંસ્કૃતના શિક્ષક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાની દીકરી તરીકે ભગવદ્દગીતા વિશે, અને ગુજરાત પર ફિલ્મ બનાવનાર તરીકે કચ્છ વિશે આત્મવિશ્વાસથી વાત કરી શકે તેટલી મજબૂત તૈયારી રાનાએ કરી છે. ગુજરાતી સિનેકલાકાર અને ભા.જ.પ.ના પૂર્વ સાંસદ નરેશ કનોડિયા સાથે તે ઘરોબો કેળવે છે. તેની ફિલ્મના સેટ પર કલાકો વીતાવે છે. આ બધું તે કનોડિયા થકી સિંઘલ સુધી પહોંચવા માટે કરે છે. નારાયણ કે કોડનાની તેના સહવાસમાં તેમની પરદેશ રહેતી દીકરીને મળતા હોવાનો ભાવ અનુભવે છે. આવા આવા ઘડાયેલા લોકોને તે પોતાના કૌશલ્યથી પેટ છૂટી વાત કરતા કરે છે. તેઓ રમખાણોની તપાસ માટે નીમાયેલા નાણાવટી-શાહ કમિશન સામે પણ ન કહેલી વાતો તે મૈથિલીને કહે છે.  આ બધું અચંબો પમાડનારું છે. તેની ઓળખ ખુલ્લી પડી જઈને તે પકડાઈ જવાની સંભાવનામાંથી કેવી રીતે બચી જાય છે તેના કિસ્સા બહુ રોમાંચક છે. અમદાવાદમાં અલગ અલગ રહેઠાણોમાં તેને નિવાસનાં વર્ણનો, તેના ફ્રેંચ મદદનીશની વ્યક્તિરેખા, તે એક પછી એક સુરાગ મેળવતી કેવી રીતે આગળ વધે છે, તેને મળનારા લોકોના પ્રતિભાવ કેવા હોય છે – આવી અનેક બાબતો ચોટડુક અંગ્રેજીમાં વાંચવાનો  આનંદ આવે છે. એક જગ્યાએ રાના લખે છે : ‘મને ખબર નથી પડતી કે આ અધિકારીઓ મારી ફિલ્મ મેકીંગની આખી બનાવટી વાતને આમ તાબડતોબ માની કેવી રીતે લેતા હતા. કોઈપણ પરદેશી કે અમેરિકન બાબતથી અભિભૂત થઈ જવાની ગુજરાતી માણસની ખાસિયતનો એમાં ફાળો હતો, કે પછી અમારાં (મારા અને મારા આસિસ્ટટન્ટ માઇકના) નિશ્ચયબળનો એમાં ફાળો હતો કે પછી આ બંને પરિબળોનો ?’

અલબત્ત રાનાના કામમાં માત્ર ચાલાકી અને ચબરાકી, સમયસૂચકતા અને વ્યવસાય કુશળતા જ છે એવું નથી. તેમાં ભય, શંકા, દુર્બળતા, હતશાની ક્ષણો પણ છે. કેટલી ય હૃદયસ્પર્શી બાબતો છે. જેમ કે, અશોક નારાયણના ઇન્ટરવ્યુના પ્રકરણમાં રાના લખે છે : ‘નારાયણ અને એમનાં પત્ની ઘણી વખત કહેતાં કે તેની (રાનાની) હાજરીમાં તેમની પરદેશમાં રહેતી દીકરીની ગેરહાજરી વર્તાતી નથી. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ હેઠળની ગુજરાતની સરકારે રમખાણોને જે સહજ પીઠબળ પૂરું પાડ્યું તેની સામે બરાબર રીતે પડવામાં અશોક નારાયણની મક્કમતાના અભાવ વિશે સાંભળવામાં મારું મન મૂંગું રુદન કરી રહ્યું.’ હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિ પંડ્યાની સાથે રાનાની ઘણી મૈત્રી થઈ. એક વખત એ બપોરે જાગૃતિબહેનને ત્યાં ગઈ ત્યારે એમણે એને લીંબુ-પાણી અને પછી ચા માટે પૂછ્યું. રાનાએ કહ્યું કે એને રોજા છે. એ વખતે જાગૃતિબહેનને પહેલી વખત ખબર પડી કે રાના મુસ્લિમ છે. તે પછી થોડા કલાક બંનેએ હત્યાની ચાર્જશીટ પર કામ કર્યું અને રાના પાછી જતી રહી. એ જે હોટેલમાં રોકાઈ હતી ત્યાં જાગૃતિબહેન એને સાંજે બોલાવવા આવ્યાં. એ તેને રોજા તોડવા માટે હોટેલમાં જમવા લઈ જવા આવ્યાં હતાં !           

પુસ્તકની બાબતમાં બે આઘાતજનક વક્રતા છે. એક, આ પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે દેશભરમાં કોઈ પ્રકાશક તૈયાર થયું નથી, એટલે એ રાનાએ પોતે પ્રકાશિત કર્યું છે. આ હકીકત એણે એકથી વધુ મુલાકાતોમાં જણાવી છે. એટલું ઓછું હોય તેમ આ પુસ્તક દુકાનોવાળા વેચવા માટે ય રાખતા નથી એવો અમદાવાદનો અનુભવ છે અને અન્યત્રની માહિતી છે. અલબત્ત ઑનલાઈન વેચાણમાં એ અ‍ૅમેઝોન પર ખૂબ વેચાયું છે. બીજી બાબત, આ પુસ્તક રાનાએ આ પુસ્તક મે આખરમાં છપાવ્યું, પણ તેના વિશે દેશના બહુ જ ઓછા વર્તમાનપત્રો કે સામયિકોએ લખ્યું છે. પ્રકાશન વ્યવસાય અને માધ્યમોની આ ચૂપકીદી ચિંતાજનક છે. આશ્ચર્ય અને આઘાત આપનારી વાત એ પણ છે કે આ પુસ્તકને કારણે જે શાસક પક્ષ, સરકાર અને અધિકારીઓ ખુલ્લા પડ્યા છે તેમાંથી કોઈએ કોઈ પ્રતિભાવ આપ્યો હોવાનું જાણમાં નથી. પુસ્તક સામેની આ ચૂપકીદી કહેતાં ‘કૉન્સ્પિરસિ ઑફ સાયલન્સ’ વિશે જાણીતા કાનૂની પત્રકાર મનોજ મિત્તાએ લેખ લખ્યો છે. મિત્તાએ  ખુદ પુસ્તક ‘ફિક્શન ઑફ ફૅક્ટ ફાઇન્ડિન્ગ : મોદી અ‍ૅ ન્ડ ગોધરા’ (2014) લખ્યું છે. તેનો પણ ભાજપે કે મોદીએ કોઈ નોંધપાત્ર પ્રતિવાદ કર્યો નથી.

લેખકને કદાચ અભિપ્રેત ન હોય, પણ ‘ગુજરાત ફાઇલ્સ’ એ પુસ્તકનામ બ્રિટિશ નવલકથાકાર ફ્રેડ્રિક ફોરસિથની ‘ધ ઑડેસા ફાઇલ’ (1972) એ થ્રિલર યુદ્ધ નવલકથાના નામની યાદ અપાવે છે. તેમાં એક જર્મન ઇન્વેિસ્ટગેટિવ ક્રાઇમ રિપોર્ટર પીટર મિલર અનેક યુક્તિઓથી ‘ઓડેસા’ અદ્યાક્ષરી નામ ધરાવતા એક નાઝી સંગઠન અને તેના હત્યારા અધિકારીના કરતૂતોનો પર્દાફાશ કરે છે.

સ્થળકાળના જોખમી માહોલમાં લોકો સમક્ષ સાચી વાત મૂકવા માટે પત્રકાર તરીકે હસ્તક્ષેપ કરવામાં  રાના અય્યૂબે બતાવેલી હિમ્મત અને નિસબત બંનેને સો સલામ.

15 જુલાઈ 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

28 August 2016 admin
← સંઘ પરિવાર અને કુટુંબનિયોજન: વધુ બાળકોના મુદ્દે અગાઉ ભાગવતે કરી તી ટીકા
Retired Couple — →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved