પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની એણે ચિંતા કરવાની હતી નહીં. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એ ત્યજી દેવામાં આવે અથવા તો પછી છીનવી લેવામાં આવે. આપણે એ કરી શક્યા છીએ?
આજે [14/08/2016] પાકિસ્તાન ૭૦મો સ્થાપનાદિવસ ઊજવી રહ્યું છે અને આવતી કાલે [15/08/2016] આપણે ૭૦મો સ્વતંત્રતાદિવસ ઊજવીશું. ૧૩ ઑગસ્ટની મધરાતે અવિભાજિત ભારતના મુસલમાનો માટે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું અને ૧૪ ઑગસ્ટની મધરાતે હજારો વરસથી અસ્તિત્વ ધરાવતો ભારત દેશ આઝાદ થયો હતો. અલગ થઈને અસ્તિત્વમાં આવવું અને જૂના અસ્તિત્વને નવી આઝાદી મળવી એમાં ફેર છે. આ ફરક ભારત અને પાકિસ્તાનના આઝાદી પછીના રાજકારણને પ્રભાવિત કરી રહ્યો છે. મુસલમાનો માટે અલગ ભૂમિ તરીકે પાકિસ્તાનની સ્થાપના થવી જોઈએ કે કેમ એ વિશે મુસલમાનોમાં બે મત હતા અને ભારતને સાચી આઝાદી મળી છે કેમ એ વિશે હિન્દુઓમાં બે મત હતા.
૧૯૪૦ના દાયકામાં ભારતના ઘણા મુસલમાનોને એમ લાગતું હતું કે ભારતભરમાં પથરાયેલા ૧૦ કરોડ મુસલમાનો માટે અલગ દેશની સ્થાપના કરવી એ અવ્યવહારુ કલ્પના છે. એટલે તો બહુમતી મુસલમાનોએ પાકિસ્તાન કરતાં ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર ધર્મથી પ્રેરાઈને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નથી. એમાં ભવિષ્યની અનિશ્ચિતતા જોડાયેલી હોય છે એટલે ૧૯૪૭માં ભારતમાંથી એવા મુસલમાનોએ જ સ્થળાંતર કર્યું હતું જેમને જીવ બચાવવા પરાણે જવું પડ્યું હતું અથવા જવામાં તેમનો નિશ્ચિત સ્વાર્થ હતો. ધર્મથી પ્રેરાઈને રાજીખુશીથી પાકિસ્તાન ગયેલાઓની સંખ્યા ઘણી ઓછી હતી.
બીજી બાજુ હિન્દુઓમાં કેટલાકને એમ લાગતું હતું કે ભારતને જે આઝાદી મળી છે એ માત્ર રાજકીય આઝાદી છે, સાચી આઝાદી હજી મળી નથી અને એ મેળવવાની બાકી છે.
હિન્દુઓની ત્રણ જમાત એવી હતી જેમને એમ લાગતું હતું કે ભારતની આઝાદી અધૂરી છે. પહેલી જમાત દલિતોની હતી જેમને એમ લાગતું હતું કે જ્યાં સુધી ભારતમાં સામાજિક અસમાનતાનો અંત ન આવે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી રાજકીય છે. બીજી જમાત સામ્યવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ભારતમાં જ્યાં સુધી શોષણમુક્ત સમાજની રચના ન થાય અને સવર્હારા વંચિતોને ન્યાય ન મળે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી છે. ત્રીજી જમાત હિન્દુત્વવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ખંડિત ભારતની આઝાદી પણ ખંડિત છે. જ્યાં સુધી અખંડ ભારતની રચના ન થાય ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી રાજકીય છે.
હિન્દુઓની આ ત્રણેય જમાતોએ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના દિવસે આઝાદી નહોતી ઊજવી અને બીજાં ઘણાં વર્ષો સુધી તેઓ આઝાદીદિન નહોતા ઊજવતા. આ ત્રણ જમાતોમાંથી દલિતોના મનમાં આજે પણ રંજ કાયમ છે અને તેઓ પ્રસંગોપાત્ત ભારતની આઝાદીને નકલી આઝાદી તરીકે ઓળખાવી રહ્યા છે. સામ્યવાદીઓ વરસો વીતતાં ક્ષીણ થઈ ગયા છે એટલે તેમના અભિપ્રાયની ખાસ કોઈ કિંમત રહી નથી અને તેઓ આઝાદીને સ્વીકારતા થઈ ગયા છે. હિન્દુત્વવાદીઓ પણ વરસો વીતતાં આઝાદી સ્વીકારતા અને ઊજવતા થઈ ગયા છે, પણ તેમનું અખંડ હિન્દુસ્તાનનું સપનું કાયમ છે.
આગળ કહ્યું એમ પાકિસ્તાનની મુસલમાનો માટેની અલગ ભૂમિ તરીકે સ્થાપના થઈ હતી. પાકિસ્તાનના સમર્થકોને મન અંગ્રેજોથી આઝાદી મેળવવી એ સાચી આઝાદી નહોતી, એ તો ગમે ત્યારે મળી જવાની હતી; તેમને મન બહુમતી હિન્દુઓથી મળનારી આઝાદી સાચી આઝાદી હતી. દેખીતી રીતે તેમની આઝાદીની કલ્પના કોમી-મઝહબી હતી. આમ પાકિસ્તાનની સ્થાપના તેના સ્થાપક મોહમ્મદઅલી ઝીણાના ન ઇચ્છવા છતાં કોમી-મઝહબી હતી.
વાસ્તવમાં પાકિસ્તાનની કલ્પના ઝીણાની રાજકીય નાદાની અને નાદારી બન્ને હતી. સ્વાભાવિકપણે પાકિસ્તાનની સ્થાપના સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને મુસલમાનો સમાન નાગરિક તરીકે સાથે રહે એવો સેક્યુલર દેશ બનાવવો હતો તો મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરવાનો અર્થ શું હતો? અવિભાજિત ભારતમાં પણ હિન્દુઓ અને મુસલમાનો સેંકડો વરસથી સાથે રહેતા હતા. જો પાકિસ્તાન ઇસ્લામિક ન હોય તો પાકિસ્તાનના અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી. પાકિસ્તાનના રૂઢિચુસ્ત મઝહબી નેતાઓએ પાકિસ્તાનમાંથી હિન્દુઓને ખદેડવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાનનું સાવર્ભૌમત્વ પાકિસ્તાની નાગરિકને આપવાની જગ્યાએ અલ્લાહને આપવા માટે અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવવા માટે તેઓ દબાણ કરવા લાગ્યા હતા. મોહમ્મદઅલી ઝીણા દુ:ખી મને તમાશો જોતા રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા નહોતા. ઇસ્લામિક અને રિપબ્લિક એ પરસ્પર વિરોધી કલ્પના છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ભવિષ્ય વિશે ચિંતિત હતા અને ઊંડી હતાશા સાથે મૃત્યુ પામ્યા હતા.
આ સાત દાયકા દરમ્યાન પાકિસ્તાનના જે બેહાલ થયા છે એ ઇતિહાસ છે. પાકિસ્તાન તેની સ્થાપનાના આંતરવિરોધની અનિવાર્ય કિંમત ચૂકવી રહ્યું છે. આમ બનવાનું જ હતું અને એનો અંદેશો ઝીણાને આવી ગયો હતો. પાકિસ્તાનની રચના મારા જીવનની સૌથી મોટી ભૂલ છે એમ મોહમ્મદ અલી ઝીણાએ તેમના અંગત તબીબ અને મિત્રને કહ્યું હોવાનું કહેવાય છે. આ વાત ઊપજાવી કાઢવામાં આવેલી હોય તો પણ સાચી છે. પાકિસ્તાનની સ્થાપના ઝીણાની અને તેમના સાથીઓની મોટી ભૂલ હતી. એ ભૂલ સુધરી શકે એમ નહોતી અને પાકિસ્તાનના શાસકોને ભૂલ સુધારવામાં રસ પણ નહોતો એટલે પાકિસ્તાનના શાસકો થયેલી ભૂલનાં પરિણામોથી બચવા વધુ ને વધુ ભૂલો કરતા રહ્યા છે. તેઓ પાકિસ્તાનના વજૂદને ટકાવી રાખવા પાકિસ્તાનને વધુ ને વધુ ઇસ્લામને શરણે ધકેલતા ગયા હતા. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિકથી પણ આગળ નીકળી જઈને મૂળભૂતવાદી ઇસ્લામિક જેહાદી બની ગયું છે.
આગળ કહ્યું એમ ભારતની આઝાદી સમયે આઝાદીના સ્વરૂપ વિશે આંતરવિરોધ હિન્દુઓમાં પણ હતો. ભારતની આઝાદી અધૂરી છે એમ જે લોકો માનતા હતા તેમની દલીલ સાવ અસ્થાને નહોતી. દલિતોને અને સવર્હારા વંચિતોને સાચી આઝાદી હજી સાત દાયકા પછી પણ નથી મળી એ ભારતની વાસ્તવિકતા છે. ઊના ઉત્પીડનની ઘટના અને ભારતનો દર ત્રીજો નાગરિક બે ટંકનું ભોજન પામતો નથી એ આ વરવી વાસ્તવિકતાનું પ્રમાણ છે. આવું કેમ બન્યું? શું આપણે દલિતોને અને વંચિતોને ઓછા નાગરિક સમજીએ છીએ? શું આપણે ઓછા સંવેદનશીલ છીએ? શું આપણી પાસે સાધનોનો અભાવ છે એટલે ન્યાય નથી આપી શકતા? શું આપણા શાસકો બુલંદ ઇરાદો નથી ધરાવતા એ કારણ છે? આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી બની ગયું છે એ આ સ્થિતિ માટે જવાબદાર છે? ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી રાજકારણ પ્રજાને સમૂહમાં વહેંચે છે, સમૂહને વોટબૅન્કમાં ફેરવે છે અને સમાજમાં તિરાડો પાડીને વોટબૅન્કને એકબીજાની સામે લડાવે છે. દરેક નવી ચૂંટણી વખતે નવી તિરાડો રચીને સત્તા મેળવી શકાતી હોય કે છીનવી શકાતી હોય તો પ્રજાલક્ષી સંવેદનશીલ બનવાની શી જરૂર છે.
આ આપણા અંતરાત્માને પજવનારા પ્રશ્નો છે. સાચું કહું તો સાધનોના અભાવનું કારણ છોડીને ભારતની વિપદા માટેનાં બાકીનાં બધાં જ કારણો નક્કર વાસ્તવિકતા છે. જો ઇરાદો હોય અને હમદર્દી હોય તો સાધનોનો અભાવ ક્યારે ય હોતો જ નથી. જો એમ ન હોત તો ભારતના ૫૦ ટકા લોકો જેને ખરા અર્થમાં ઘર કહેવાય એવા ઘર વિનાના ન હોત. ભારતના ૭૦ ટકા લોકો જાજરૂ વિનાના ન હોત. ૩૫ ટકા લોકોને ઘરઆંગણે તો ઠીક પોતાના ગામથી દૂર પીવાનું પાણી લેવા જવું પડે છે એમ ન થતું હોત. ભારતનાં ૮૫ ટકા ગામડાંઓ માધ્યમિક શાળા વિનાના ન હોત. આ ઉપરાંત રસ્તાઓ, દવાખાનાંઓ, વીજળી, બાળમરણ, સુવાવડને કારણે સ્ત્રીઓનાં થતાં મરણ વગેરેની વાસ્તવિકતા શરમજનક છે. જો આમ ન હોત તો દલિતો સાથે અત્યાચાર ન થતા હોત. ભારતમાં એવો દિવસ ઊગ્યો નથી કે ક્યાં ય ને ક્યાં ય દલિતો સાથેના અન્યાય અને અત્યાચારની ઘટના ન બની હોય. આ સાચી આઝાદી નથી અને એ સ્વીકાર્ય ન હોઈ શકે. ૧૯૪૭માં દલિતોએ અને સામ્યવાદીઓએ ભારતની આઝાદીને અધૂરી આઝાદી કહી હતી તો તેમણે કોઈ ખોટી વાત નહોતી કરી.
પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની તેણે ચિંતા કરવાની હતી નહીં. રહેવું હોય તો દ્વિતીય નાગરિક તરીકે મામૂલી આઝાદી સાથે રહો અથવા અન્યત્ર જતા રહો. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એને ત્યજી દેવામાં આવે અથવા છીનવી લેવામાં આવે. ભારતનું બંધારણ એ સંકલ્પનો દસ્તાવેજ છે. એમાં અન્યાય કરવાની પરંપરાગત આઝાદી ત્યજી દેવાની વાત કહેવામાં આવી છે અને જો કોઈ ન માને તો અન્યાયની આઝાદી છીનવી લેવાની તેમ જ અન્યાય કરનારને દંડવાની રાજ્યને સત્તા આપવામાં આવી છે. આપણે ત્યારે આપણા સદીઓ જૂની સંસ્કૃિત ધરાવતા ભારતને લોકતાંત્રિક, સેક્યુલર, ન્યાયી, વિકસિત, આધુનિક દેશ બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે આપણા બંધારણના આમુખમાં જોવા મળે છે.
પાકિસ્તાનથી ઊલટું ભારતે પ્રયત્નપૂર્વક લડીને આઝાદી મેળવી હતી અને એ કોઈ ચોક્કસ સમૂહ વિશેષ માટેની નહોતી. આઝાદ ભારત કેવો દેશ હશે એની કલ્પના (આઇડિયા ઑફ ઇન્ડિયા) આઝાદી મળી એનાં સો વરસ પહેલાંથી વિકસવા લાગી હતી. લગભગ સર્વસંમતિ બની ગઈ હતી અને છતાં સાત દાયકા પછી પણ આપણે ધ્યેયથી ક્યાં ય દૂર છીએ. આઝાદીદિન નિમિત્તે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં ચૂક્યા છીએ? ક્યાં કઈ ક્ષતિ રહી છે કે આપણે છેવાડાના માણસને આપેલું વચન પાળી શક્યા નથી. શું આઇડિયા ઑફ ઇન્ડિયાની કલ્પના કરનારાઓએ આપણને નિષ્ફળ બનાવ્યા છે? શું એના આધારે ઘડાયેલા બંધારણે નિષ્ફળ બનાવ્યા છે કે પછી ભારતીય રાજકીય સંસ્કૃિતએ અને રાજકારણીઓએ નિષ્ફળ બનાવ્યા છે? વિચારી જુઓ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-14082016-14