આ પરંપરા વાસ્તવમાં ઉચ્ચ જ્ઞાતિના કુલીનવંશીઓએ સુખસગવડો જળવાઈ રહે એ માટે ઘડી કાઢેલું કથાનક છે
દલિતોનો વિરોધ અને આક્રમક અભિવ્યક્તિની તાજી ઘટનાઓએ ફરી એક જૂની ચર્ચાને જીવંત કરી દીધી છે. અત્યાચાર અને ભેદભાવ સામે દેશભરના દલિતો ભડક્યા છે. વાત માત્ર ગૌરક્ષાની ઘટના પૂરતી મર્યાદિત નથી. ઉદાહરણ તરીકે રોહિત વેમુલાની વાત કરીએ. રોહિતની આત્મહત્યાએ પ્રથમ પલિતો ચાંપ્યો. ગોમાંસના મુદ્દા સાથે તેનો કોઈ જ સંબંધ નહોતો. સવાલ એ ઊઠે છે કે શું જ્ઞાતિવાદની તુલના વંશવાદ સાથે થઈ શકે છે? આ ચર્ચા આજકાલની નથી. તે એક જૂની ચર્ચા છે.
જ્ઞાતિવાદના કારણે કરોડો ભારતીયોને સદીઓથી અપાર અત્યાચાર, વેદના ભોગવવી પડી છે એ વિશે કોઇ મતભેદ નથી. હાલનો ઘટનાક્રમ આપણને એ યાદ અપાવે છે કે આ અત્યાચારો હજુ અટક્યા નથી પણ સતત થઈ રહ્યાં છે. 65 વર્ષોની હકારાત્મક કામગીરી, શિક્ષણ અને નોકરીઓમાં અનામત પછી પણ સરકાર, ન્યાયતંત્ર, વ્યવસાયિક ક્ષેત્રો, કોર્પોરેટ જગત અને મીડિયામાં ઘણા ઓછા દલિતો મહત્ત્વની જવાબદારી કે મહત્ત્વના પદો પર પહોંચી શક્યાં છે. આ જ્ઞાતિવાદ હજુ પણ તપે છે. તેના અન્ય પરિણામ તો છોડો તેના કારણે આપણા 20 ટકા ભારતીયો – તેમાંથી મોટા ભાગના હિંદુ સાથે ભયંકર ભેદભાવ રાખવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક અન્ય વર્ગ પણ છે જેમને બાદમાં ઓ.બી.સી.(અન્ય પછાત વર્ગ)માં સમાવી લેવામાં આવ્યા હતાં. એક એક જુદા જ સ્તરે મુશ્કેલીઓ, અને તકલીફો અને ભેદભાવ અનુભવી રહ્યા છે. તેમના પરંપરાગત અને જ્ઞાતિના પ્રભુત્વ ધરાવતા કામકાજ કે વ્યવસાય માટે આ ભેદભાવ શાપ સમાન છે. તેઓ પશુપાલનથી લઈને લુહારીકામ જેવાં વિવિધ નાના મોટા કામકાજ કરે છે.
હવે જો આ ભેદભાવની તીવ્રતા તથા ઊંડાણ અને તેની ઐતિહાસિકતા જોઈએ તો એ લાગ્યા વિના નહીં રહે કે વિશ્વના અન્ય દેશો કે વિસ્તારોમાં જોવા મળતા વંશવાદ કે રંગભેદથી તે તે અલગ છે. આ વંશવાદ અને રંગભેદ આપણે વિશ્વના ઘણા દેશોમાં જોઈએ છીએ. ખાસ કરીને આફ્રિકામાં. સમસ્યાને જોવાના આ દૃષ્ટિકોણનો બીજો પક્ષ ઘણો આકરો વિરોધ કરે છે, જેમાં ખાસ કરીને પેલા તથાકથિત ઉચ્ચ જ્ઞાતિના લોકો હોય છે. તેમનો દાવો છે કે આ એક જ ધર્મમાં હુન્નર અને જવાબદારીઓની વહેંચણીની પરંપરાગત વ્યવસ્થા છે. જેને બહેતર સામાજિક સમરસતા અને વ્યવસ્થાગત સુવિધા ઉપરાંત આર્થિક તથા સામાજિક સ્થિરતા માટે બનાવવામાં આવી છે.
જેમણે આ વ્યવસ્થા રચી હતી એ મનુ કોઈ વિજ્ઞાની જેવા વધારે હતા. અથવા તો એવી વ્યક્તિ હતા જેમને તમે આજના સમયમાં કોઈ મોટી કોર્પોરેટ કંપનીના એચ.આર. (માનવ સંસાધન) વિભાગના વડા તરીકે ગર્ણી શકો. આ પ્રમાણે વિચારતા લોકોની દલીલ છે કે મનુનમા દૃષ્ટિકોણમાં કોઈ જ્ઞાતિ ઊંચી કે નીચી હતી નહીં. દરેક જ્ઞાતિને એક ભૂમિકા સોંપવામાં આવી હતી. અને જો કોઈ એક કાર્યની કુશળતા પરિવારમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં વિસ્તરે તો એમાં ખોટું શું છે? આ રીતે વ્યવસાય પરંપરાગત બની ગયો. આ વ્યવસ્થાનો સ્વીકાર આત્મમુગ્ધતાની સ્થિતિ છે ભલે તેમાં બીજી જ્ઞાતિના લોકોને પીડા વેઠવી પડે. આ પરંપરા વાસ્તવમાં ઉચ્ચ જ્ઞાતિના કુલીનવંશીઓએ પોતાની સુવિધા, સુખસગવડો જળવાઈ રહે એ માટે ઘડી કાઢેલું કથાનક છે. તેને એકલવ્યથી લઈને રોહિત વેમુલા અને હવે ગુજરાતના બની બેઠેલાં ગોરક્ષકો દ્વારા દલિતો પર ત્રાસ ગુજારવાની અને અપમાનિત કરવાની ઘટનાઓ દ્વારા પુરવાર કરી શકાય છે.
આ અત્યાચારના વિરોધમાં દલિત યુવાનો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. જેમાં ધોરાજીના યોગેશ સારીખડા જેવા નવલોહિયા જીવ ગુમાવે છે. ગુજરાતમાં કદાચ આ અગાઉ પહેલા ક્યારે ય દલિતોના દેખાવો આટલા મોટા પાયે થયા નથી. આ આંદોલને ગણતરીના દિવસોમાં એટલું વ્યાપક સ્વરૂપ ધારણ કરી લીધું કે રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું. તેમના રાજીનામા માટે આમ તો બીજા પણ કારણો જવાબદાર છે.
ટૂંકમાં વર્ણ આધારિત જ્ઞાતિઓની આ સમગ્ર વ્યવસ્થા ઊભી કરવા પાછળ મનુનો જે કંઈ પણ ઈરાદો હોય, પણ તેણે હવે વંશવાદી સ્વરૂપ ધારણ કરી લીધું છે એ પુરવાર કરવા માટે આપણી પાસે હવે આનુવાંશિક (જેનેટીક) અને નૃવંશશાસ્ત્રીય (એન્થ્રોપોલૉજિકલ) એમ બન્ને પ્રકારના પુરાવા છે. આ વાત રાષ્ટ્રીય શરમનું કારણ તો છે જ. પણ સામાજિક સમરસતા સમક્ષ પણ ગંભીર ખતરો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ‘હિંદુ’ અખબારના મોહિત એમ. રાવે એક અભ્યાસ પર આધારિત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અભ્યાસ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (એન.આઇ.બી.એમ.જી.) નામની સંસ્થાના અભ્યાસીઓએ કર્યો હતો. તેમણે આ બાબતને ચકાસવા માટે જુદી જુદી જ્ઞાતિનાં લોકોના જીન્સ(જનીન)નો અભ્યાસ કર્યો. તેમણે નિષ્કર્ષ તારવ્યો કે ‘ઉચ્ચ વર્ગમાં એન્ડોગોમી (સગોત્ર લગ્ન) અથવા પોતાની જ જ્ઞાતિમાં લગ્નની પ્રથા 70 પેઢી પહેલાં શરૂ થઈ હતી.
ઇતિહાસના આધારે કહીએ તો 1500 વર્ષ પહેલાં હિંદુ ગુપ્તકાળ દરમ્યાન આ પ્રકારનાં લગ્નોની શરૂઆત થઈ હતી.’ તેમનો સંશોધન અહેવાલ પ્રોસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડમિક સાયન્સિસ ઑફ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (પી.એન.એ.એસ.) જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયો હતો. અભ્યાસીઓએ એવો પણ નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ‘એ સમયે સામાજિક રૂપાંતરણના કારણે જ્ઞાતિઓ વચ્ચે થતાં લગ્નોને સામાજિક રીતેે નિયંત્રિત કરનારા નિયમો આવ્યા જે ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલા હતાં.’ અત્યંત કાળજીપૂર્વક કરવામાં આવેલા આનુવાંશિક અભ્યાસ બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે, ‘આ તમામની છાપ ભારતીયોના ડી.એન.એ. પર પડી છે. ડી.એન.એ.માં પૈતૃક જીન્સનો એક સમગ્ર બ્લૉક જોવામાં આવ્યો હતો.’
એ તો સ્પષ્ટ છે કે જેની શરૂઆત 70 પેઢી પહેલાં થઈ હતી એ પ્રક્રિયાને હવે ઉલટાવી તો ન શકાય. જો આ અંગે તમને કોઈ શંકા હોય તો તમે તમામ અખબારો અને વેબસાઇટ પર આવતી લગ્નવિષયક જાહેરખબરો પર નજર નાખી શકો છો. જ્ઞાતિની અંદર જ લગ્નનો આગ્રહ લગભગ તમામ જાહેરખબરમાં જોવા મળશે. જ્યાં સુધી આ જ્ઞાતિ આધારિત વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરતું સામાજિક પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી આપણી એ માન્યતા વધુને વધુ મજબુત બની જશે કે જ્ઞાતિ આધારીત ભેદભાવમાં આનુવાંશિક અસર ધરાવતાં વંશીય લક્ષણો છે અને સદીઓ જૂના જ્ઞાતિવાદે હવે વંશવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
સૌજન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, August 03, 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-caste-now-become-racists-the-casteism-is-still-in-india-gujarati-news-5387371-PHO.html?seq=2