૧૯મી સદીના મુંબઈની સ્ત્રીઓ : કેવાં કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?
૧૯૪૭થી પાછે પગલે ચાલીને હવે જઈએ ૧૮૫૭. આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ અને અંગ્રેજો જેને ‘સિપાઈ બળવો’ કહેતા તેનું એ વરસ. પણ આપણે તેની વાત નથી કરવાના. એ જ વરસે બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનમાં ત્રણ યુનિવર્સિટીની સ્થાપના કરી. ૧૮૫૭ના બાવીસમા કાયદા હેઠળ સરકારે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના કરી. ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે ગવર્નર જનરલે તેની સ્થાપના કરતા કાયદાને મંજૂરી આપી. ૧૮૫૯માં યુનિવર્સિટી ઓફ બોમ્બેએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. નાનાભાઈએ પછીથી એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી અને ૧૮૮૪માં બોમ્બે હાઈકોર્ટના પહેલવહેલા ‘દેશી’ જજ બન્યા. ૧૮૮૯માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ એ પદે રહ્યા. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી તેમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને બી.એ.ની ડિગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. નર્મદના અઠવાડિકનું ‘ડાંડીઓ’ નામ નગીનદાસે જ પાડેલું અને તેમાં અવારનવાર લેખો પણ લખતા. વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના તેઓ કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા.

જસ્ટિસ નાનાભાઈ હરિદાસ
પણ બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદાનો ખરડો ઘડનારની એક નાનકડી ભૂલ કે સરતચૂકને કારણે આખા મુંબઈ ઈલાકાની સ્ત્રીઓએ ઘણું સહન કરવું પડ્યું, ઘણા વરસો સુધી સહન કરવું પડ્યું. યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઈ ત્યારથી છેક ૧૮૭૫ સુધી એક પણ છોકરીએ મેટ્રિકની પરીક્ષા આપી નહોતી. ૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર સોરાબજી ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? (એ વખતે બેળગાંવ મુંબઈ ઇલાકામાં હતું અને તેથી યુનિવર્સિટી ઓફ બોમ્બેના કાર્યક્ષેત્રમાં આવતું હતું.) આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદાની કલમોમાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો He શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઇચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂણેની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એનું નામ કોર્નેલિયા સોરાબજી. અસલ પારસી, પણ તેના પિતાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. કુટુંબ રહેતું હતું પૂણેમાં, અને ઘરમાં અંગ્રેજી, ગુજરાતી, અને મરાઠી, એમ ત્રણે ભાષા બોલાતી. એ બની મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.

કોર્નેલિયા સોરાબજી
એ વખતે સ્ત્રીશિક્ષણની આવી દશા માત્ર હિન્દુસ્તાનમાં જ હતી એવું નહોતું. ગ્રેટ બ્રિટન પણ આપણા કરતાં બહુ આગળ નહોતું. ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરવા કોર્નેલિયા દાખલ થઈ ત્યારે ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી તે પહેલી સ્ત્રી હતી. જ્યારે બેચલર ઓફ સિવિલ લોઝની પરીક્ષા આપવાની થઈ ત્યારે યુનિવર્સિટીના વહીવટી તંત્રે તેને જણાવ્યું કે બીજા છોકરાઓ સાથે બેસીને નહિ, પણ અલગ ઓરડામાં એકલી બેસીને તેણે પરીક્ષા આપવી પડશે. કોર્નેલિયાએ આ વાતનો ઉગ્ર વિરોધ કર્યો. છેવટે વાઈસ ચાન્સેલરે નમતું જોખ્યું. પરીક્ષા આપી, પાસ થઈ, પણ ન ડિગ્રી મળી, ન તો અદાલતમાં પ્રેક્ટીસ કરવાની પરવાનગી મળી. ઠેઠ ૧૯૧૯ સુધી ગ્રેટ બ્રિટનમાં કોઈ સ્ત્રી વકીલ તરીકે પ્રેક્ટીસ કરી શકતી નહિ! સ્ત્રીઓને પહેલી વાર બારની મેમ્બરશીપ અપાઈ તે પછી ૧૯૨૩માં કોર્નેલિયા લિન્કન્સ ઇનની મેમ્બર બની.

બહેરામજી મલબારી
પણ આપણે લંડનથી પાછા મુંબઈ આવીએ. ૧૮૮૨માં પંડિતા રમાબાઈએ મુંબઈમાં આર્ય મહિલા સમાજની સ્થાપના કરી. અલબત્ત, આ સંસ્થા માત્ર શિક્ષણ આપતી સંસ્થા નહોતી. જરૂરતમંદ સ્ત્રીઓને મદદ થાય એવી બીજી પ્રવૃત્તિઓ પણ ત્યાં ચાલતી. તો જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેનાં પત્ની રમાબાઈ રાનડે લગ્ન પછી પહેલાં મરાઠી અને પછી અંગ્રજી વાંચતાં-લખતાં શીખ્યા. પતિના પ્રોત્સાહનને પરિણામે રમાબાઈએ મુંબઈમાં ‘હિંદુ લેડીઝ સોશિયલ ક્લબ’ શરૂ કરી. તેમાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓના હક્કો વિષે ભાષણો થતાં. એ રીતે તેમણે સ્ત્રીઓને જાહેરમાં બોલતી કરી. પારસી સમાજ સુધારક બહેરામજી મલબારી અને દયારામ ગીડુમલને મુંબઈમાં સ્ત્રીઓ માટેની એક સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો. આ અંગે તેમણે પંડિતા રમાબાઈની સલાહ લીધી. સ્ત્રીઓને મુખ્યત્વે વ્યવહારુ અને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રમાબાઈના નેજા નીચે ૧૯૦૯માં ‘સેવા સદન’ સંસ્થાની શરૂઆત થઈ. શરૂઆતમાં તેમાં નર્સિંગની તાલીમ અપાતી. પછી ધીમે ધેમે બીજા વ્યવસાયોનું શિક્ષણ અને તાલીમ અપાતાં થયાં. ૧૯૨૪ના જાન્યુઆરીની ૨૫મી તારીખે રમાબાઈનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ સેવા સદનને આખા દેશમાંની એ પ્રકારની એકમાત્ર અને અનન્ય સંસ્થા તરીકે ઓળખાવી હતી. રમાબાઈએ મરાઠીમાં ‘આમચ્યા આયુશ્યાતિલ કાહી આઠવણી’ નામે આત્મકથા પણ લખી હતી.
વીસમી સદીની શરૂઆત થઈ ત્યારે મુંબઈ, પૂણે, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં તો સ્ત્રીશિક્ષણ સામેનો વિરોધ ઘણો ઓછો થઈ ગયો હતો. પણ બહુ મોટી સંખ્યામાં મા-બાપ હજી સહશિક્ષણની વિરુદ્ધ હતા. એટલે એક માણસે લગભગ એકલે હાથે સ્ત્રીઓના શિક્ષણ માટે સંસ્થાઓ શરૂ કરી. એ વ્યક્તિ તે મહર્ષિ ધોન્ડો કેશવ કર્વે. તેમનો જન્મ ૧૮૫૮ના એપ્રિલની ૧૮મી તારીખે, મુંબઈ ઈલાકાના કોંકણ વિસ્તારમાં આવેલા શેરવલી-મુરુડ નામના ગામમાં. ઘણું લાંબુ આયુષ્ય ભોગવીને ૧૦૪ વરસની ઉંમરે પૂણેમાં આવેલા હિંગણે આશ્રમમાં ૧૯૬૨ના નવેમ્બરની નવમી તારીખે તેમનું અવસાન થયું. સ્ત્રીશિક્ષણ અને સમાજ સુધારાની પ્રવૃત્તિમાંની તેમની અસાધારણ કારકિર્દીને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૧૯૫૮ના જન્મ-શતાબ્દી વર્ષમાં તેમને ‘ભારતરત્ન’થી નવાજ્યા. એ જ વરસે ટપાલ ખાતાએ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી.
૧૮૮૪માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગણિતશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. ૧૮૯૧થી ૧૯૧૪ સુધી તેમણે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૦૭માં પૂણે નજીકના હિંગણે ખાતે એક ઝૂંપડીમાં છોકરીઓ માટેની નિશાળ શરૂ કરી. અલબત્ત, તેમાં આરોગ્યશાસ્ત્ર, બાળઉછેર, આહાર વિજ્ઞાન, જેવા વિષયોના શિક્ષણ પર ભાર મૂક્યો. આગળ જતાં ત્રણ જુદી જુદી સંસ્થાઓને ભેગી કરીને ‘હિંગણે સ્ત્રી શિક્ષણ સંસ્થા’ની શરૂઆત થઈ. આગળ જતાં તેનું નામ બદલાઈને મહર્ષિ કર્વે સ્ત્રી શિક્ષણ સંસ્થા રાખવામાં આવ્યું.

મહર્ષિ ધોન્ડો કેશવ કર્વે
જાપાનના પ્રવાસ દરમિયાન ત્યાંની મહિલા વિદ્યાપીઠ જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. પાછા આવીને ૧૯૧૬માં આખા દેશની પહેલવહેલી મહિલા વિદ્યાપીઠની સ્થાપના પૂણે ખાતે ૧૯૧૬માં કરી. થોડા વખત પછી સર વિઠ્ઠલદાસ ઠાકરસીએ આ વિદ્યાપીઠને એ જમાનામાં ઘણી મોટી ગણાય તેવી રકમ, ૧૫ લાખનું દાન આપ્યું. પરિણામે સંસ્થાને શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી નામ આપ્યું અને તેનું વડું મથક મુંબઈ ખસેડાયું. મહર્ષિ કર્વેએ વાવેલા બીજમાંથી આજે તો એક વટવૃક્ષ મહોરી ઊઠયું છે. મહારાષ્ટ્રની કુલ ૩૬૨ કોલેજ તેની સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ગુજરાત, દમણ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની ૧૯ કોલેજ પણ તેની સાથે સંકળાયેલી છે. મહર્ષિ કર્વેની મરાઠી આત્મકથા ‘આત્મવૃત્તાંત’ ૧૯૨૮માં, અને અંગ્રેજી આત્મકથા Looking Back ૧૯૩૬માં પ્રગટ થઈ. તેમના જીવનના મહત્ત્વના પ્રસંગોને આધારે લખાયેલું નાટક ‘હિમાલયાચી સાવલી’ (હિમાલયના પડછાયામાં) વસંત કાનેટકરે લખ્યું, જે ૧૯૭૨માં પહેલી વાર ભજવાયું. ૨૦૨૫મા તે ફરી વાર ભજવાયું.

મહર્ષિ કર્વેના જીવન–કાર્ય પર આધારિત નાટક
આ બધાનો અર્થ હરગીઝ એવો નથી કે સ્ત્રીશિક્ષણ સહિત સમાજ સુધારાની પ્રવૃત્તિઓનો કે સંસ્થાઓનો એ વખતે વિરોધ થયો નહોતો. વ્યક્તિઓ અને કેટલીક સંસ્થાઓ ‘દેશની પ્રાચીન પરંપરા’ને નામે જ્ઞાતિપ્રથા, બાળલગ્ન, શ્રાદ્ધ વગેરેની ધાર્મિક ક્રિયાઓનો બચાવ કરતી હતી અને સ્ત્રીશિક્ષણ, વિધવા વિવાહ જેવા સુધારાનો વિરોધ કરતી હતી. કેટલાક કહેતા હતા કે અંગ્રેજ સરકાર આ બધા ‘સુધારા’ દાખલ કરીને આખા દેશને વટલાવવા માગે છે. અખબારો અને સામયિકો તો રીતસર બે છાવણીમાં વહેંચાઈ ગયાં હતાં. એક છાવણી સુધારાવાદી, તો બીજી સુધારાને ‘કુધારો’ કહી તેનો સતત અને સખત વિરોધ કરતી. સાહિત્યકાર, પત્રકાર, અને સમાજ સુધારક બહેરામજી મલબારીએ જ્યારે ‘સંમતિવાયના કાયદા’ની જોરશોરથી હિમાયત કરી ત્યારે રુઢિચુસ્તોએ ગાઈબજાવીને કહ્યું કે એક બિન-હિન્દુને આવી બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. જ્ઞાતિનાં બંધનોને અને અસ્પૃશ્યતાને ‘પરંપરાગત’ વારસા તરીકે જાળવી રાખવાની હિમાયત કરનારા તો ઘણા હતા. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે ને બીજા કેટલાક સુધારકોના અથાક પ્રયત્નને કારણે મુંબઈ ઈલાકાના મરાઠીભાષી વિસ્તારોમાં અસ્પૃશ્યતા ઓછી થઈ. આ બધા સુધારા અને તેના વિરોધ અંગેની કેટલીક સમસ્યાઓ તો કોર્ટ સુધી પહોંચેલી. એવા કેટલાક કિસ્સાઓની વાત હવે પછી. ૧૯મી સદીના મુંબઈની કોઈ સ્ત્રી આજના મુંબઈમાં ભૂલી પડે તો? ઘર, રસ્તા, ટ્રેન, કોલેજ કે ઓફિસમાંની સ્ત્રીઓને જોઈને કદાચ રાવજી પટેલની પેલી પંક્તિઓમાં થોડો ફેરફાર કરીને ગણગણવા લાગે :
તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં—
કેવાં કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?
કહોને બહેની દખ કેવાં સહ્યાં!
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
22 ઓગસ્ટ 2026
![]()

