
રવીન્દ્ર પારેખ
હા, એવો વરસાદ આવ્યો. સઘળું આબાદ રીતે છિન્નભિન્ન કરતો વરસાદ સુરત પર ત્રાટક્યો. એવો ત્રાટક્યો કે 85 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 1941માં જુલાઈમાં 18 ઇંચ પડેલો. આ જુલાઈમાં એ માપ 18.92 હતું. બધે બધું વેરવિખેર થઇ ગયું, પણ વરસાદને 18 ઇંચ સુધી રોકાવાની ફુરસદ જ ન હતી. હવે વરસાદ ઈંચમાં બોલવા-લખવાનું બંધ કરવું જોઈએ. લોનાવલામાં 48 કલાકમાં 52 ઈચ વરસાદ પડવાના સમાચાર છે. એને 4 ફૂટ, 4 ઇંચ કહેવાનું વધારે યોગ્ય છે, એવું નહીં? સુરતમાં 18 ઇંચ ને બદલે દોઢ ફૂટ પાણી પડ્યું, એમ કહેવું વધારે ઠીક લાગે છે. વરસાદનો હવે જે સ્વભાવ થયો છે, એક જ દિવસમાં સીઝનનો વરસાદ ઠાલવી દેવાનો, તે જોતાં તે મિલીમીટર કે સેન્ટીમીટર કે ઈંચમાં વરસે એમ લાગતું નથી. સીઝનનો પહેલો વરસાદ આટલો તોફાની હોય એવું તો પહેલી વાર જોયું. ઠેર ઠેર પાણી ભરાયાં, તે જમીન પર તો ઠીક, પુલ પર પણ ભરાયાં. વરસાદે એવું તોફાની બેટિંગ કર્યું કે ક્યાં ય સ્ટમ્પ્સ હતાં નહીં, તો ય ઘણાં ક્લીન બોલ્ડ થયાં. કોઈ હિટ વિકેટ થયું તો કોઈ કેચ આઉટ થયું. આ આકાશી આફતને કારણે 9 લોકો પૂરમાં ડૂબી ગયા. કોઈનું કરંટ લાગતાં મોત થયું. ટૂંકમાં, ત્રણ દિવસમાં સુરતમાં 24 લોકોએ જીવ ખોયો. આમાં વરસાદી ઋજુતા નથી, પણ રાક્ષસી આક્રમકતા છે.
આ વરસાદ પહેલાં આવો બેફામ ન હતો. તે ધીમે ધીમે આવતો- લાજ કાઢતો હોય તેમ ! હવે તો બધું તોડી ફોડીને ફેંકી દેવું હોય તેમ, ધસમસતો આવે છે. વરસાદ તો વૃક્ષો ઉગાડે, તો ધરાશાયી કઈ રીતે કરી શકે? વરસાદે ઘણાં વૃક્ષોને જમીનદોસ્ત કર્યાં છે. ઘણીવાર તો વહેમ પડે કે એ તે વરસાદ છે કે વર? વરમાં અને વરસાદમાં ઘણું સામ્ય છે. બંને ઠરેલ નહીં. બંને ઉશ્કેરાય તો ધનોતપનોત કાઢી નાખે. છાંટાથી શરૂ કરીને દરિયો ઠલવાતો હોય તેમ વરસે ને બાકી હોય તેમ કડાકા ભડાકા કરે ને છેવટે વીજળીની જેમ જ બધું ઝબકાવીને ટાઢો પડે. પહેલાં તો પતિથી ગભરાતી વહુ જેવો આવતો, પણ હવે વરને ગભરાવતી વહુ જેવો આવે છે. એ ખરું કે વીજળી જેમ જ વહુ પણ દાંતિયાં કરતી હોય છે. વહુને પણ વરસાદ જેમ જ યશ નથી મળતો. કોઈ વાર પાણી બહાર ઢોળાય તો કોર્પોરેશન દંડ ફટકારે છે. એને પુછાય કે 18 ઇંચ વરસાદ વ્યાપક રીતે ઢોળાય તો તેને કેટલો દંડ થવો જોઈએ? પાણીનો સૌથી મોટો બગાડ વરસાદ પોતે કરે છે.
જો કે, આ વખતે બહુ રાહ જોવડાવીને આવ્યો. આવ્યો તે એવો આવ્યો કે બધું સખળડખળ થઈ ગયું. નદી કે રસ્તા વચ્ચે કોઈ અંતર જ રહ્યું નહીં ! આખું સુરત જ જળમાર્ગી થઈ ગયું. વાહનોને બદલે રસ્તાઓ પર બોટ ફરતી હતી. ઊંચેથી કોઈ જુએ તો એમ જ લાગે કે આ શહેરમાં પાકા રસ્તા બનવાના હજી બાકી છે. ગગનચુંબી ઈમારતોની ફરતે પાણી જ પાણી હતું. કોઈ જુએ તો ઈમારત ઊંચા બેટ જેવી લાગતી. સુરતમાં વળી ખાડીની રેલની જુદી જ બલા છે. એ એવું રૌદ્ર સ્વરૂપ છે કે દેવોનું રૌદ્રરૂપ ફિક્કું પડે. વરસાદ તો અટક્યો છે, પણ કેટલોક ખાડી વિસ્તાર હજી પાણીમાં છે. ખાડી વિસ્તારમાં 2,28૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આવું પહેલાં ઓછું જ બનતું. પહેલાં તો વરસાદ ધીમી ધારે આવતો. કરગરતો હોય એવો. આખી રાત ઝરપે તો પણ એકાદ ઇંચ માંડ થાય. એના વરસવાથી પ્રેમીઓમાં આગ ફૂટતી ને વિરહીઓમાં આંસુ ફૂટતાં. વરસાદ ટાઈમ લઈને આવતો ને ટાઈમ લઈને જતો. જો કે, ત્યારે પણ રેલ તો આવતી જ, સુરતમાં તો ખાસ. તે વગર વાંકે દંડાતું. વરસાદ ઉપરવાસમાં પડે ને રેલ સુરતમાં આવતી. 2006ની મહાભયંકર રેલ રાજકારણીઓની મુર્ખાઈને કારણે આવી હતી ને તેમાં આખું સુરત પાણીમાં ગરકાવ થયું હતું.
હવે પૂર તો ઓસર્યાં છે ને વરસાદ પણ નથી, ત્યારે લોકો અને વેપારીઓની આંખો ભીની થાય એવી સ્થિતિ થઈ છે. અનરાધાર વરસાદે 26થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને પૂરેપૂરી ધોઈ નાખી છે. વેપારીઓને 200 કરોડનો ફટકો પડ્યો છે. સેંકડો વેપારીઓ, દુકાનદારોને કરોડોનું અને ઉદ્યોગોને અબજોને નુકસાન થયું છે. આવે વખતે વિપક્ષો નુકસાનીનું વળતર ને અન્ય રાહતો માંગવા મેદાને પડી જાય છે. તહેવારો પહેલાં રેલ આવવાથી 1 કરોડ સાડીઓનો ચૂંથો થઈ ગયો છે. નુકસાનીનો અંદાજ 1,500 કરોડ મુકાય છે. દૂધની તકલીફ થઇ હતી, પણ પાણી ઓસરતાં જ લોકોએ દૂધની લૂંટ ચલાવી. માત્ર વરસાદના પાણીથી સુરત ગરકાવ થયું હોય એવો આ પહેલો પ્રસંગ છે. મત ન માંગવાના હોવાથી નેતાઓ ન આવે એ સમજી શકાય એવું છે. પણ, લોકો વિફર્યા ને નેતાઓને પાણીમાં ડુબાડ્યા ને કહ્યું કે અમે ડૂબ્યાં, તો હવે તમે ય ડૂબો. લોકો વિફરે એમાં નવાઈ નથી. તેમનું મગજ ફાટતાં ભા.જ.પ. કાર્યકરોને એમ કહીને ભગાડ્યા કે આ તમારું પાપ છે. સુરતની આજુબાજુના વિસ્તારો કામરેજ જેવામાં 15 ઇંચ વરસાદ નોંધાયો. એ ઉપરાંત નવસારી, ડાંગ, કુડસદ, કિમ-કોસંબામાં જળબંબાકારની સ્થિતિ રહીને વ્યાપક નુકસાન થયું, તો ક્યાંક જાનહાનિ પણ થઈ.
સુરત મહાનગરપાલિકામાં અનેક નાના મોટા અધિકારીઓ છે, પણ એ લોકો આફતને સમયે સ્વરક્ષાના, જાત કલ્યાણના પાઠો શીખવામાં વ્યસ્ત રહે છે, એટલે તેઓ તો અન્ડર ગ્રાઉન્ડ થઇ જાય છે ને પાલિકા અબૂધ બાલિકાની જેમ ન ધણિયાતી થઈ જાય છે. ગમ્મતની વાત એ છે કે દર વર્ષે કાગળ પર પ્રિમોન્સૂન કામગીરી થાય છે ને દર વર્ષે પાલિકાઓની પોલ ખૂલી જાય છે ને આમ દર વર્ષે, લગભગ બધી પાલિકાઓની પોલ ખૂલે છે, પણ વાત એ નથી, પાલિકાઓની પોલ ખૂલેલી જ હોય છે. આ વખતે તો ભયંકર વરસાદની આગાહી હતી, છતાં કોઈ પણ પગલાં ભરાયાં નહીં. આફત વખતે સૌથી પહેલાં તંત્રો નિષ્ક્રિય થઇ જાય એ દુ:ખદ છે. એમાં આશ્વસ્ત કરનાર ફાયર બ્રિગેડ વિભાગ છે. તેણે કટોકટીના કાળમાં સેંકડો લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરીને સેવાઓ આપી છે. બે દિવસમાં 4,538 લોકો રેસ્ક્યુ કરાયા. પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને રાહત કામગીરી માટે ખાસ ગાંધીનગરથી સુરત મોકલાયાં છે.
જો કે, રાહત થાય એવું ઓછું છે. માર્કેટ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં પાણી ભરાતાં અનેક દુકાનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરથાણા ઝોનની કચેરીમાં જ ધોધ પડે એવી સ્થિતિમાં 18.9 ઇંચ પાણી પડ્યું. 100 બસો વરસાદમાં ફસાઈ એટલે બે દિવસ પર બી.આર.ટી.એસ., સિટી બસ બપોર પછી બંધ કરવાની ફરજ પડી. શાળા-કોલેજો બંધ રહી. એમ.બી.બી.એસ.ની પરીક્ષા મોકૂફ રખાઈ. પાણી ઓસરતાં સફાઈ શરૂ થઈ છે. આશરે 400 મેટ્રિક ટન કચરો ઊંચકાયો છે.
હવે સફાઈ, રાહત, બચાવ કામગીરી પૂરી થશે એટલે મંત્રીઓનાં ધાડાં ઊતરી પડશે ને આમતેમ મોં મારીને પરત થશે. એ તો બધું રાબેતા મુજબ ચાલશે. ભલે ચાલે. પણ હવે ધ્યાન આપવાની જરૂર છે તે પૂરની સમસ્યાઓ તરફ નજર નાખવાની. આ એક વર્ષ પૂરતું નથી, કોઈ ને કોઈ બહાને વરસાદ તો આવશે ને જશે, પણ એનું ફૂટમાં વરસવાનું ચાલુ રહેવાનું છે. અલનીનોની અસરો વર્તાયા કરવાની છે. એવે વખતે વરસાદ, ગરમી, ઠંડી બધું જ વધવાનું છે, એટલે એની તૈયારી રાખવાની છે. આ બધું કુદરતી નથી, માનવ સર્જિત છે એટલે તેણે જ વેઠવાનું છે. આ અગાઉ પણ ઋતુઓના ફેરફાર અંગે અનેક વખત ચેતવણી અપાયેલી છે, પણ માણસજાત વેઠવા તૈયાર છે, પણ સુધરવા તૈયાર નથી. કામચલાઉ ઉકેલોથી આપણે રાજી રહીએ છીએ. કેટલાં ય વિચારોમાં પરિવર્તનની જરૂર છે. બેઝમેન્ટમાં દુકાનો કેટલી જોખમી છે, તે આ એક જ વરસાદે બતાવી દીધું છે. આપણે એટલા લોભી છીએ કે કોઈ પોતાના પૈસા આપણા મોતથી આપે તો પણ આપણે મરવા તૈયાર થઈ જઈએ છીએ. જે રીતનું તકલાદીપણું આપણામાં ઘર કરી ગયું છે તે જોખમી છે. કોઈ પણ બાબતને આપણે કામચલાઉ ધોરણે જ વિચારીએ છીએ. પુલ જોઈએ તો બાંધી લો, રસ્તા જોઈએ છે તો રસ્તા કરી લો, પણ એ કેટલું ટકશે એની ચિંતા બહુ થતી નથી, એટલે નવા પુલો તૂટી પડે છે કે રસ્તાઓ પહેલાં વરસાદમાં જ ધોવાઈ જાય છે. આપણને હવે કાયમી કે ટકાઉની જરૂર નથી. એટલે તક્લાદીપણું આપણામાં ઘર કરી ગયું છે. આ સારું નથી જ, પણ આપણને કામચલાઉ ઉકેલથી ચાલી જાય છે. આ ખ્યાલો બદલવાની જરૂર છે. બીજી મહત્ત્વની વાત એ કે આપણે કુદરતી કે માનવસર્જિત આફતોથી બચવા જૂના સાધનો ને વિચારોથી આગળ ગયા નથી. વરસાદ હવે ઈંચમાં નહીં, ફૂટમાં પડે છે. 4 ફૂટ 4 ઇંચ વરસાદ પડે ને સાધનો ટૂંકા ને ટાંચા હોય તો આફતોથી બચવાનું અઘરું છે. ઉદાહરણ તરીકે ફાયર બ્રિગેડનાં સાધનો અદ્યતન ન હોય તો 50 માળનાં મકાનોના 50માં માળે લાગેલી આગ હોલવવાનું મુશ્કેલ છે. એટલું નુકસાન વધશે તે નફામાં.
18 ઇંચ વરસાદે એટલું ભાન કરાવ્યું છે કે બધું જ સરકાર કરશે એ અપેક્ષા વધારે પડતી છે. સરકાર કાયમ મોડી જ પડવાની છે, એ સમજી લેવાનું રહે. એ સ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાનું પોતે જ ઉપાડવું પડે. એમાં પણ આફતો નવી આવે તો ઉકેલવાની રીત જૂની હોય તો કેમ ચાલે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2026
![]()

