
રવીન્દ્ર પારેખ
બે દિવસ પર કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે. તેનો ભાવ 183.5 રૂપિયા ઘટીને 3,11૩ પરથી 2,93૦ પર ઊતરી આવ્યો છે. આ વર્ષનો આ પહેલો ઘટાડો છે. ઓઈલ ક્મ્પનીઓએ વિમાની ઇંધણ (ATF) અને પાંચ કિલોની ફ્રી ટ્રેડ એલ.પી.જી.(FTL)ના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. ATFનો ભાવ લિટરે 5 રૂપિયા ઘટ્યો છે, જ્યારે FTL સિલિન્ડરમાં 13 રૂપિયા ભાવ ઘટ્યો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ 942 યથાવત રખાયો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ૩ માર્ચે 60 રૂપિયા અને 7 જૂને 29 રૂપિયા વધ્યો હતો, તેમાં આ વખતે કોઈ ઘટાડો આવ્યો નથી, એટલે સામાન્ય નાગરિકને કોઈ રાહત અપાઈ નથી. ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો થયા પછી પણ એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ઘટ્યો નથી એ હકીકત છે.
થોડો પણ ભાવ ઘટે તો સરકારે ખોટ પણ વ્યાપકપણે ખાવી પડે ને નફાખોર સરકાર એ સહન ન કરી શકે. એટલું છે કે ઘરેલું એલ.પી.જી.નાં વેચાણમાં સસ્તું કંઇ થાય એમ નથી. કારણ ઘરેલું એલ.પી.જી.માં સબસીડી અપાય છે. તેની કિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચેનાં અંતરની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે. એમાં જો ભાવ ઘટાડવામાં આવે તો સરકારને વધુ ખોટ જાય ને સરકાર એવું કરે નહીં.
એવી જ સ્થિતિ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ જોવા મળી છે. પશ્ચિમ એશિયા અને ઈરાન યુદ્ધની અસરો ઓછી થતાં ને દરિયાઈ માર્ગ ખુલ્લો થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોવાથી ભારતીય તેલ કંપનીઓ ખોટ ભોગવતી હતી, એટલે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કરાયો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ આશરે 1 ટકા ઘટાડા સાથે 79 ડોલર પ્રતિ બેરલ નજીક આવી ગયું છે. WTI ક્રૂડ પણ 76 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવ ઘટતા ભારતીય જનતાને એમ લાગી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે. એ ખરું કે 200 લિટર ડિઝલની મર્યાદા નીકળી ગઈ છે. હવે ઇચ્છો તેટલું પેટ્રોલ કે ડિઝલ ગાડીમાં પુરાવી શકાય. પણ ભાવ ઘટવા અંગે કશી સ્પષ્ટતા નથી. જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક બજારમાં રિટેલ ભાવો અંગેનો કોઈ પણ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્થિતિનાં મૂલ્યાંકન પછી જ કરવામાં આવશે. એ ખરું કે યુદ્ધની કટોકટી દરમિયાન ક્રૂડ ઓઈલ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. તેમાં ઘટાડો થયો હોય તો ઓઇલના ભાવ પણ ઘટવા જ જોઈએ, પણ સરકારની નફાખોરી, ખોટ ભરપાઈ કરવામાં જ જતી હોય તો નવાઈ નહીં.
અત્યારે દેશભરમાં ઇંધણની અંદાજિત કિંમત પેટ્રોલની 105થી 112 અને ડિઝલની કિંમત 95થી 100 પ્રતિ લિટર છે. મે મહિનામાં સરકારી ઇંધણ રિટેઈલર કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા, ભારતની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના લિટરે 7.50 રૂપિયા ભાવ વધારેલા. સંયુક્ત રીતે ભારતની ઇંધણ કંપનીઓ, રિટેલ ઇંધણ માર્કેટમાં 90 ટકા હિસ્સો ધરાવે છે, તે ભાવ ઘટાડે તો કહેવાતી ખોટ વ્યાપક ને ઊંડી બને. એટલે પણ ઓઈલ ક્મ્પનીઓએ ભાવ યથાવત રાખ્યા છે. ઓઈલ સસ્તું ન થવાનું એક કારણ સરકાર દ્વારા લાદવામાં આવતો ભારે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટી છે. એને લીધે ગ્રાહકોને સીધો ફાયદો થતો નથી. મોટો ટેક્સ વસૂલવાની સરકારી નીતિને લીધે લોકોમાં ભારે નારાજગી છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સસ્તું થતાં નાયરા ખાનગી કંપનીએ એક જુલાઈથી પેટ્રોલમાં લિટરે 5 અને ડિઝલમાં ૩ રૂપિયાનો ઘટાડો જાહેર કરતા લોકોને થોડી રાહત મળી છે. છેલ્લાં બે વર્ષમાં પંપ પર ઇંધણના દર ઘટાડનાર નાયરા પહેલી રિટેલર કંપની બની છે. નાયરાએ તેનાં 7,000 ઇંધણ સ્ટેશનોનાં નેટ વર્ક પર આ ઘટાડો કર્યો છે. ખાનગી કંપની પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી શકે છે, પણ સરકારની તેલ કંપનીઓ બધી ચકાસણી પછી ભાવ નક્કી કરશે. એમાં ચકાસણી તો નફો ઘટે નહીં એટલી જ કરવાની હશે. સરકારી તેલ કંપનીઓ બહુ અપ્રમાણિક છે, એટલે સાચું ચિત્ર હાથમાં આવતું નથી. ભાવ ઘટાડવાના હોય ત્યારે તેલ કંપનીઓ તે ઘટાડતી નથી ને વધે એમ હોય ત્યારે, એક યા બીજા કારણે ભાવ સ્થિર રાખે છે.
અપ્રમાણિકતા એ રીતે પણ જોવા મળે છે કે ભારતીય તેલ કંપનીઓ ક્રૂડના ભાવ વધે તો વધારે જ છે, પણ ઘટે તો ઘટાડતી નથી. તે વખતે તે આગલી ખોટ આગળ કરે છે. એ ખરું કે યુદ્ધનાં સમયે ઓઈલની અછતને કારણે ભાવ વધે તે ક્બૂલ, પણ કંપનીઓ રોજની 1,000 કરોડની ખોટનું ગાણું ગાતી હતી તે ખોટું હતું. તેલ કંપનીઓ ચૂંટણી વખતે ખોટ ખાઈને પણ ભાવ સ્થિર રાખે છે ને જેવી ચૂંટણી પતે કે જોર કા ઝટકા ધીરે સે લગે-ની સ્ટાઈલે ઇંધણના ભાવો હળવેથી વધારી દે છે.
અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ઓઈલના ભાવમાં વધઘટ રહી, પણ કોરોના વખતે તો પટ્રોલ ડિઝલનો ઉપયોગ બહુ ઓછો હતો, કારણ વાહનો સડક પર ઉતરતાં જ ન હતાં. તે વખતે ભાવ 42-44 ડોલર પ્રતિ બેરલ હતો, પણ સરકારે ભાવ ઘટાડવાને બદલે ચોક્ખો નફો જ કર્યો, એ ઠીક ન હતું. અત્યારે પણ છેલ્લી વખતે 120 ડોલર પ્રતિ બેરલ ભાવ હવે 70 ડોલરથી પણ ઘટી ગયો હોય તો સરકારી કંપનીઓએ ભાવ ઘટાડવા જ જોઈએ, પણ નથી જ ઘટાડતી તે હકીકત છે. કોરોના વખતે તો ક્રૂડ ઓઈલનો 42-44 ડોલર પ્રતિ બેરલ ભાવ હતો, ત્યારે પણ તેલ કંપનીઓએ ભાવ ઘટાડ્યો ન હતો, એટલું જ નહીં, અત્યારે પણ ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે, પણ સરકાર ભાવ ઘટાડવા તૈયાર નથી. પહેલાં ખોટ સરભર કરવા ભાવ ન ઘટાડ્યા, હવે ભાવ સ્થિર રાખવાનું કયું કારણ છે? તે ઘટાડી જ શકાયને !
PPACના આંકડા મુજબ 26-27 જૂને ક્રૂડ ઓઈલ બાસ્કેટનો ભાવ 68.86 ડોલર પ્રતિ બેરલ હતો જે માર્ચના ભાવ કરતા 56 ટકાથી ય ઓછો હતો. ઓઈલ આટલું સસ્તું થવાં છતાં પેટ્રોલ ડિઝલના ભાવ તરત ઘટ્યા નથી. તે એટલે કે ક્રૂડ ઓઈલ મોંઘું હતું ત્યારે સરકારી તેલ કંપનીઓએ ગ્રાહકો પર બધો બોજ નાખ્યો ન હતો. હવે કંપનીઓ નુકસાનીની ભરપાઈ કરી રહી છે. એ જ કારણ છે કે ક્રૂડ સસ્તું થવા છતાં તરત પેટ્રોલ ડિઝલ સસ્તું થયું નથી. એક્સપર્ટસની આગાહી છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટી શકે છે. થાય છે શું કે પેટ્રોલ-ડિઝલ મોંઘાં થાય છે તો પરિવહન મોંઘું થાય છે, એટલે દૂધ, ફળ, શાકભાજી ,,,, બધું મોંઘું થાય છે. ટૂંકમાં, ઓઈલ મોંઘું થાય તો ઓઈલ જ મોંઘું થાય એવું નથી, બધું જ મોંઘુ થાય છે. અત્યારે બધું જ મોંઘુ છે, ત્યારે ઓઈલનો ભાવ ન ઘટે તો મોંઘવારી પણ કેવી રીતે ઘટે?
યુદ્ધો અને ક્રૂડના અસ્થિર ભાવો વચ્ચે તેલ ક્મ્પ્નીઓની રોજિંદી નુકસાની સરભર કરવા સરકારે મે અને જૂનમાં ભાવ વધારાની મંજૂરી પણ આપી હતી. ત્યારે ભાવ વધ્યા પણ હતા. હવે ભાવ ઘટ્યા છે તો સરકારે ઓઈલમાં ભાવ ઘટાડવાનું અનિવાર્ય કરવું જોઈએ. બધું જ મોંઘું હોય ત્યાં ક્રૂડ સસ્તું થવા છતાં સરકાર ભાવ ન ઘટાડીને લોકોની મુશ્કેલી વધારી રહી છે. સરકારી તેલ કંપનીઓ નુકસાનીની ભરપાઈમાં એટલી વ્યસ્ત છે કે સામાન્ય લોકોની મુશ્કેલીઓનો અંદાજ જ નથી આવતો.
જો કે, આ લખાય છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે બધું બરાબર ચાલ્યું તો આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો થાય એમ બને. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એ પણ કહ્યું કે 30 જૂન સુધીમાં પેટ્રોલ-ડિઝલ અને એલ.પી.જી., કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને 74,781 કરોડનું નુકસાન થયું છે. આ બધું ઓછી કિંમતે ને કોને વેચાયું તે જાહેર થવું જોઈએ. કારણ સામાન્ય લોકોને કંઇ ઘટ્યું હોય એવું તો યાદ જ નથી આવતું. એ સ્થિતિમાં ઓઈલનો ભાવ ઘટવાની તકો ઓછી જ છે. આમાં મીડિયાને તડાકો પડી ગયો છે. બધાં જ લિટરે કેટલા રૂપિયા ઘટશે તેની આગાહી કરવા લાગ્યા છે. કોઈ 4 રૂપિયા તો કોઈ બે રૂપિયા ઘટવાની વાત કરે છે. ઇચ્છીએ કે મીડિયા થોડું પણ સાચું પડે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2026
![]()

