Opinion Magazine
Number of visits: 9962361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેવા / તત્ત્વમસિ  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 June 2026

રવીન્દ્ર પારેખ

‘રેવા’ ગુજરાતી ફિલ્મ છે ને ‘તત્ત્વમસિ’ ધ્રુવ ભટ્ટની એ ગુજરાતી નવલકથા છે, જેના પરથી આ ફિલ્મ બની છે. અહીં ફિલ્મ વિષે કે નવલકથા વિષે વિગતે વાત કરવાનો ઉપક્રમ નથી. રેવા ફિલ્મ રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થવાને પણ ખાસો સમય થયો ને ‘તત્ત્વમસિ’ રાષ્ટ્રીય સ્તરે પોંખાયાને પણ વર્ષો થયાં, એટલે એનો પરિચય ગુજરાતના રસિકોને કરાવવાનું પણ મનમાં નથી. ધ્રુવ ભટ્ટનો પરિચય ‘સમુદ્રાન્તિકે’થી. ગુજરાતી કથા સાહિત્યમાં સમુદ્ર ઘણુંખરું કિનારા પરથી નિરૂપાયો છે, ત્યારે દરિયાને ભીતરથી ખેડવાનો ઉપક્રમ ધ્રુવ ભટ્ટે ‘સમુદ્રાન્તિકે’માં રાખ્યો છે. ધ્રુવ ભટ્ટનાં નાયક-નાયિકા, અન્ય નાયક-નાયિકાથી અલગ પડે છે. આ વાત ધ્રુવ ભટ્ટની ઘણી નવલકથાઓને લાગુ પડે છે. એમની કથાઓ ક્યાંક ફેલાતી લાગતી હોય તો પણ, કાંઠા વિસ્તારનું લોકજીવન ‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્ત્વમસિ’માં અસરકારક રીતે ઝીલાયું છે. ‘સમુદ્રાન્તિકે’માં સમુદ્ર કેન્દ્રમાં છે, તો ‘તત્ત્વમસિ’માં નર્મદાની પરિક્રમા કેન્દ્રમાં છે. આમ તો બંને નવલકથાઓમાં જળતત્ત્વ જ કેન્દ્રમાં છે, પણ ફરક ‘સમુદ્ર’ અને ‘નદી’ જેટલો છે.

ધ્રુવ ભટ્ટ

નર્મદા તટના આદિવાસી વિસ્તારમાં કામ કરતો કથાનાયક ‘અહં બ્રહ્માસ્મિ’-ને વિકલ્પે ‘તત્ત્વમસિ’નું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રારંભમાં દંતકથાઓને નકારતો નાયક એટલું પ્રમાણે છે કે બધાં જ તત્ત્વમાં ‘હું’ નહીં, પણ ‘તું’ છે. ‘સમુદ્રાન્તિકે’ની અવલ ‘તત્ત્વમસિ’માં સુપરિયા / સુપ્રિયારૂપે પ્રગટે છે, એટલું જ નહીં, કાંઠા વિસ્તારનાં આદિવાસી જનજીવન વચ્ચે રહેલા તફાવત સાથે પ્રગટે છે તે નોંધનીય છે.

તમને થશે કે નવલકથા અને ફિલ્મને આટલો વખત થયો, તો આજે તેની વાત કરવાનો મતલબ ખરો? મતલબ છે. જાણીતા ઉદ્યોગપતિ અને લેખક રોહિત મારફતિઆ સુરતમાં ‘ગોષ્ઠી’ ચલાવે છે. કાપડિયા હેલ્થ ક્લબ, ભટારમાં દર મહિનાના ત્રીજા રવિવારે સવારે 10 વાગે થોડા રસિકો ભેગા થાય છે.  આ ગોષ્ઠી નાવડી ઓવારે પણ થતી હતી, જેમાં વીસ પચીસ લોકો ભેગા થઈ વક્તવ્ય નહીં, પણ ગોષ્ઠી કરતા હતા. રોહિતભાઈ દર મહિને એક પુસ્તક પસંદ કરી તેની પી.ડી.એફ. ગ્રૂપના સભ્યોને પંદરેક દિવસ પહેલાં મોકલે છે. તે વાંચીને ગ્રૂપના સભ્યો આવે છે ને લગભગ બધાં જ પોતાની વાત માંડે છે. દરેકને પાંચેક મિનિટનો સમય આપવામાં આવે છે ને એટલામાં વાત પૂરી કરવાની હોય છે. એ પછી ચા-નાસ્તા કે બ્રંચ સાથે ગોષ્ઠી પૂરી થાય છે. લગભગ કલાકેક ચાલતી આ ગોષ્ઠીમાં અત્યાર સુધીમાં રેબેકા, તિમિરપંથી, ‘ગની’ દહીંવાળા, ડો. જયંત પાઠક, ‘વેઈટિંગ ફોર ગોદો’ … જેવા ઘણાં વિષયો આવી ચૂક્યા છે. (પ્રમાણમાં રસિકો ઓછી સંખ્યામાં આવે છે. એમાં થોડા વધુ રસિકો ઉમેરાય તે અપેક્ષિત છે)

એની વે, આ વખતે 21 જૂને ‘તત્ત્વમસિ’ અને ‘રેવા’ પર વાતો હતી.

ગોષ્ઠીમાં રેવા ફિલ્મના પ્રોડ્યુસર પરેશ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રોડ્યુસર તરીકે ‘રેવા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણો વખત હાજરી આપી હતી. બધી વાતો તો સ્થળ સંકોચને લીધે થાય એમ નથી, પણ નોખા અનુભવોની વચ્ચે એમણે કહેલો એક પ્રસંગ નોંધવા જેવો છે. ‘રેવા’નું ગામના ખેતરમાં રોપણીનું દૃશ્ય હતું. તેમાં મુખ્ય રોપણી કરનારા કલાકારોની સાથે બેકગ્રાઉન્ડમાં અન્યોને પણ રોપણી કરતાં બતાવવાના હતા. તેમાં ગ્રામવાસીઓને લેવાયા. આમ તો તેમને મહેનતાણું ભાગ્યે જ કોઈ આપે છે, પણ પરેશ વોરાને થયું કે દરેકને હજાર રૂપિયા આપવા જોઈએ, આપ્યા, તો બીજે દિવસે આખું ગામ ખેતરે આવીને ઊભું રહી ગયું. ગામને સમજાવવું પડ્યું કે હજાર રૂપિયા તો ફિલ્મમાં જે કામ કરે છે તેમને જ અપાય છે, આખા ગામને ના અપાય.

આ ઉપરાંત વૈભવી ભટ્ટે નર્મદા પરિક્રમાના પોતાના અનુભવ વર્ણવ્યા. ફિલ્મમાં બતાવાયેલ આશ્રમ, ઘરો, પરિક્રમા ને ગ્રામવાસીઓ ફિલ્મમાં છે તેવાં જ જોયાંની વાત તેમણે કરી, તે સાથે પોતાને થયેલ અનુભવો પણ શેર કર્યા. ગ્રામવાસીઓની શ્રદ્ધા, અંધશ્રદ્ધાની તેમણે વિગતે વાત કરી. જે, જે માને છે, તેને શંકા નથી. તે આંખ મીંચીને માને છે. નર્મદા પરિક્રમા દરમિયાન આપણો ઈગો કામ લાગતો નથી. ગામની વ્યક્તિ બિલકુલ નિર્ભયતાથી કોઈને પણ સંભળાવી જાય તો જે તે સ્થાન પર રહેતું આપણું માન-સ્વમાન ત્યાં ટકતું નથી. સામેની અજાણી વ્યક્તિ, અજાણતાં જ તમને પાણીથી પાતળાં કરી જાય તો તે સ્વીકાર્યે જ છૂટકો થાય, કારણ પરિક્રમા તો કરવાની જ છે. એની સામે આવા બનાવ તુચ્છ લાગવા માંડે એવું નર્મદાનું દર્શન છે. આવી ઘણી વાતો વૈભવી ભટ્ટે મન મૂકીને કરી. એ અનુભવ આગવો રહ્યો.

લેખક ધ્રુવભાઈ તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા પણ તેમણે તેમનો નર્મદા પરનો વીડિયો મોકલ્યો હતો. તેમણે નર્મદાનાં દર્શન માત્રથી પુણ્ય મળે છે એ વાત પણ કરી. નર્મદા પ્રવાસના પોતાના ચાલવાના અનુભવ પરથી ધ્રુવભાઈએ ‘તત્ત્વમસિ’ લખી. તેમનું કહેવું હતું કે ધર્મ આપણે ત્યાં બહુ મોડો આવ્યો, આપણે મૂળ તો અધ્યાત્મના માણસો છીએ. અધ્યાત્મ અને ધર્મ વચ્ચેની ભેદ રેખા સ્પષ્ટ કરતાં ધ્રુવભાઈએ શ્રદ્ધા અને આસ્થા વચ્ચે મોટો તફાવત છે એ ઉમેર્યું. સતને જે ધારણ કરે તે શ્રદ્ધા. કશુંક તો છે, એ સત્ય છે ને એ પછી ધર્મ આવે છે. શ્રદ્ધા મૂળ છે. તેને શોધવા ધર્મ પાસે જવું પડે એમ બને. એ આસ્થા છે. આસ્થા ગમે તેના પર હોઈ શકે, પણ શ્રદ્ધા એક જ હોય. ‘તત્ત્વમસિ’માં એ બધી વાતો ધ્રુવ ભટ્ટે લખી છે. ફિલ્મમાં પણ શાસ્ત્રીજી એક પાત્ર તરીકે આવે છે. તેને ફિલ્મનો નાયક કરણ કહે છે, ‘મને ધર્મમાં શ્રદ્ધા નથી.’ તો શાસ્ત્રીજી કહે છે, ‘ધર્મમાં શ્રદ્ધા નથી તો ચાલશે, ‘શ્રદ્ધા’ હોવી જોઈએ.’ આપણે ઈશ્વરને છોડીને ધર્મને પકડી લીધો છે એની તકલીફ છે.

– તો, નર્મદા પરિક્રમા દરમિયાન તેને કિનારે કિનારે ફરવાની છૂટ છે, પણ નદીમાં નહાઈને પાણીને દૂષિત કરવાની છૂટ નથી. (જો કે, ફિલ્મનાં એક દૃશ્યમાં ધુબાકો મારીને એક જણને તરતો બતાવ્યો છે, તે આજે નર્મદાને કેવી રીતે દૂષિત કરાય છે તેનાં ઉદાહરણ તરીકે જોઈ શકાય.) ધ્રુવભાઈએ કાબા જાતિ વિષે પણ વાત કરી છે, તે એવી કે આ તરફથી કોઈ ચાલતો નીકળે તો તેને લૂંટી લેવો. એવી નર્મદાની આજ્ઞા છે. પરાપૂર્વથી આ માન્યતા છે – ‘કાબે અર્જુન લૂંટિયો’ કહેવાય છે તે એટલે કે કાબા જાતિએ અર્જુન જેવાને પણ લૂંટી લીધો હતો. કાબા જાતિ અહીં કોઈને મરવા દેતી નથી. તેમનું માનવું છે કે લૂંટે તો પાપ લાગે, પણ મારે તો મહાપાપ લાગે. ધ્રુવ ભટ્ટે ‘રેવા’ ફિલ્મ સંદર્ભે સંતોષ પ્રગટ કરતાં કહ્યું કે આ લોકોએ એક બે ફેરફારો સિવાય નવલકથાનું હાર્દ સાચવ્યું છે.

જો કે, ફિલ્મમાં કેટલાક ફેરફારો છે. એ જરૂરી પણ છે, કારણ બંને માધ્યમો જુદાં છે. ફિલ્મ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે, જ્યારે નવલકથા વાચ્ય માધ્યમ છે. દૃશ્ય-શ્રાવ્યમાં જે બતાવાય છે કે સંભળાવાય છે તે જ જોવા-સાંભળવાનું છે. વાચ્ય માધ્યમમાં કલ્પનાને છૂટો દોર મળે છે. એમાં નાયક-નાયિકા, વર્ણન પરથી ચિત્ત પોતાની રીતે સર્જે છે, એટલે તેમાં વધારે મોકળાશ છે. તેમાં દરેક વાચકનો નાયક પોતીકો હોય છે, એવું જ અન્ય પાત્રો, સંવાદો, વર્ણન બાબતે પણ ખરું.

નવલકથામાં નાયકને નામ નથી, પણ ફિલ્મમાં કરન નામ છે. નવલકથામાં નાયક નર્મદા સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છે. ફિલ્મમાં નાયકને તેના દાદાજી તરફથી કંઇ મળ્યું નથી, તેમણે બધી સંપત્તિ નર્મદા આશ્રમને દાન કરી દીધી છે. તેથી વિદેશથી નર્મદા આશ્રમમાં રહેવા આવ્યો છે ને બધા ટ્રસ્ટીઓને પટાવીને બધું નામે કરી ફરી વિદેશ જવાની ઉતાવળમાં છે ને ધીમે ધીમે નર્મદાના અનુભવો તેનું માનસ બદલે છે ને છેલ્લે તેને સુપ્રિયાના સાન્નિધ્યમાં પ્રસન્ન રહેતો બતાવ્યો છે. ફિલ્મમાં નાયકનું ભારત આવવાનું કારણ વધુ સંમત થવાય એ રીતે મુકાયું છે. ફિલ્મમાં તેને લીધે ગુપ્તાજી, શાસ્ત્રીજી, બંગા બંધુઓ વગેરેને નોખું પરિમાણ સાંપડે છે. નવલકથામાં સુપરિયાને ગુપ્તાજીની સાથે કરનને લેવા આવતી બતાવી છે. તે નવલમાં વારંવાર ક્યાંક જતી તો ક્યાંકથી આવતી બતાવી છે એ વધારે પડતું છે. ફિલ્મમાં સુપ્રિયા આશ્રમમાં કરન આવે ત્યારે બાળકને કૃત્રિમ રીતે ધમકાવતી બતાવાઈ છે. એને કરન જુએ છે ને જુદો જ ભાવ અનુભવે છે. બધી તંગીમાં તે સુપરિયાની હાજરીમાં સહવાસ વધે એવી ગણતરીથી આશ્રમમાં રહેવા તૈયાર થાય છે. આ ફેરફાર પણ ફિલ્મમાં આવકાર્ય બને છે. જો કે, ફિલ્મને અંતે નાયકને અન્ય સાધુઓ પાસે જતો બતાવ્યો છે, તે ન હોત તો ચાલે એમ હતું.

ધ્રુવ ભટ્ટની અન્ય નવલકથાઓમાં બન્યું છે એમ કોઈ ચોક્કસ પરિણામ પર પહોંચ્યા વગર પણ નાયક-નાયિકા અધૂરાં રખાય છે. નવલકથામાં લ્યુસી-કરનની લાગણી ઘણો ભાગ રોકે છે. કરન ડાયરી લખે છે, તેમાં પણ લ્યુસી કેન્દ્રમાં છે. લ્યુસી ઇન્ડિયા પણ આવે છે, પણ ફિલ્મમાં લ્યુસી જણાતી નથી. એનો આડલાભ એ થાય છે કે ફિલ્મમાં કરન-સુપ્રિયા નાયક-નાયિકા તરીકે વધુ સ્પષ્ટ રૂપે ઊભરી આવે છે, જે ફિલ્મ માટે જરૂરી હતું. નવલકથામાં લ્યુસી તેની રીતે પ્રાધાન્ય ભોગવે છે.

ફિલ્મમાં બહુ જ સુંદર દૃશ્ય નર્મદાને ચૂંદડી ઓઢાડવાનું છે. બે તીર સાથે ચૂંદડી ઉડાવીને સામે પાર મોકલાય છે, એ દૃશ્ય દિગ્દર્શકની કલ્પનાનો ઉત્તમ નમૂનો છે. આ દૃશ્યનો લાભ નવલકથાને મળ્યો નથી. ફિલ્મમાં નર્મદાનાં કેટલાંક દૃશ્યોને પણ માધ્યમનો લાભ મળ્યો છે. એ તક નવલમાં ઓછી હોય તો પણ કલ્પના વિહારની તક તેમાં સૌથી વધુ છે.

આ બધાં પછી પણ ફિલ્મ અને નવલકથા પોતપોતાની રીતે ઉત્તમ છે એની ના પાડી શકાશે નહીં …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જૂન 2026

Loading

29 June 2026 Vipool Kalyani
← लोकतंत्र का एंकाउंटर हो रहा है  

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved