
ઇલાબહેન ગાંધી
“ખરું જોતાં, વિશ્વના નૈતિક માળખામાં જે સિદ્ધાંતો આપણને પ્રકૃતિદત્ત વારસામાં મળ્યા છે તેને જ મહાત્મા ગાંધીએ મૂર્ત સ્વરૂપ આપ્યું છે; અને આ સિદ્ધાંતો ગુરુત્વાકર્ષણના નિયમો જેવા જ અફર છે. આ પેઢી માટે મહાત્મા ગાંધી ઈશ્વર દત્ત પ્રેરણા હોઈ શકે, પણ જે પેઢી તેમની વિરુદ્ધ ખેંચાઈ રહી છે તેનો વિનાશ નક્કી છે. અને આ સનાતન સત્ય એક ચેતવણીના રૂપમાં છે : “જેઓ તલવારના જોરે જીવે છે તેઓ તલવારના બળથી નાશ પામશે.” આપણે આજે એ જોવું જોઈએ કે તેઓએ જે શીખ આપી, અને જે પદ્ધતિ જીવન ભર અપનાવી એ દર્શાવે છે કે હિંસાનો વિકલ્પ છે અને જો આપણે તેને અનુસરવામાં નિષ્ફળ જઈશું તો આપણા વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનનો અંત આવશે.”
— ઇલા ગાંધી
‘ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં’ વિષયાનુસાર, 01 ફેબ્રુઆરી 2025ના દિને યુનાઇટેડ કિગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ ઇલાબહેન ગાંધીએ આપેલા વક્તવ્યનો અંશ
•
ઇલાબહેન ગાંધીનો પરિચય આપવો એટલે સૂર્ય સામે દીવો ધરવા જેવું. પણ એમ કરવા જતાં દીવાની શોભા વધે એટલે આ સૂચન સ્વીકાર્યું, એમ આશાબહેન બૂચ કહેતાં હતાં. એમના જ શબ્દોમાં આ પૂર્વભૂમિકા સાદર લઈએ :
ઇલાબહેનનો જન્મ ડર્બન પાસે, ‘ફિનિક્સ વસાહત’માં – દક્ષિણ આફ્રિકામાં. પિતા મણિલાલ અને માતા સુશીલાબહેન ગાંધીજીએ શરૂ કરેલ ફિનિક્સ આશ્રમનું સંચાલન અને ‘ઇન્ડિયન ઓપીનિયન’ સામયિકનું તંત્રીપદ સંભાળતાં. તેમની શીળી છાયામાં ઇલાબહેનનો ઉછેર થયો અને એક સબળ વ્યક્તિત્વનું ઘડતર થયું.
સોશ્યલ સાયન્સમાં પ્રથમ પદવી મેળવ્યા બાદ ઇલાબહેને બાળકો અને મહિલાઓનાં કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થાઓમાં સેવા આપી. ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ની સહભાગીદારી સાથે ક્વાઝુલુ નાતાલનાં પ્રતિનિધિ તરીકે દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટમાં બે સત્ર માટે ઇલાબહેન કાર્યરત રહ્યાં અને એ રીતે સ્થાનિક પ્રજાનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડ્યો.
ગાંધીજીએ આપેલ તાવીજને સતત હૈયા સરસું ચાંપીને ઇલાબહેને દક્ષિણ આફ્રિકાની પ્રજાનું હિત સાધવાના ધ્યેયને કેન્દ્રમાં રાખ્યું. રાજકીય કારકિર્દીની અવધિ પૂરી થતાં તેઓએ ઘરેલુ હિંસા નિવારવા – ખાસ કરીને બાળકો અને મહિલાઓને તેમાંથી ઉગારવા માટે સંગઠનો ઊભાં કર્યાં. એ ઉપરાંત ‘મહાત્મા ગાંધી સોલ્ટ માર્ચ કમિટી’ અને ‘મહાત્મા ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ’ની ધૂરા પણ સંભાળી. તેઓ ‘રિલિજીયન્સ ફોર પીસ ઇન્ટરનેશનલ’નાં સહમંત્રી અને ‘મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સ’ના નિયામક મંડળનાં સભ્ય પણ છે.
ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો મળે તે માટે ઇલાબહેન અને તેમના સાથી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી, અને પરિણામસ્વરૂપ ગાંધીજીની 151મી જન્મતિથિ વખતે, છેવટે, ફિનિક્સ સેટલમેન્ટને એ દરજ્જો પ્રાપ્ત થયો.
પ્રજાના હિતમાં કાર્ય કરનાર ઇલાબહેનને ‘કમ્યુનિટી ક્રાઈસ્ટ ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ’ અને ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’ના ઇલ્કાબથી નવાજવામાં આવ્યાં છે. આ બધાથી વિશેષ એમનાં કાર્યના લાભાર્થીઓ અને સાથીદારોના આદર અને સન્માનની તેમને ભેટ મળતી રહે છે એ એમને મન વધુ મૂલ્યવાન છે.
•

ઇસ્વી સન 1947 દરમિયાન, પોતાનાં માવતરની જન્મભૂમિ તેમ જ પોતાના વારસાની ભૂમિની મુલાકાતે, માવતર સમેત, ઇલાબહેન હતાં. એમનું સાતેકનું વય. વર્ધા પાસેના સેવાગ્રામ આશ્રમમાં પોતાના જગપ્રસિદ્ધ દાદા જોડે આશરે ત્રણેક મહિના ગાળવાની તક એમને સાંપડી હતી. સ્વતંત્રતા આંદોલનના એ આખરી દિવસો. ચહલપહલ, આવનજાવન, વચ્ચે વળી પોતાના મોસાળને ગામ, આકોલા (મહારાષ્ટૃ) પણ જઈ આવેલાં. એ ટાણે એમનાં માતામહ, વિજ્યાબહેન મશરૂવાળા હયાત. એમની જોડે સમય પસાર કરવાનો ય લ્હાવો ઇલાબહેને મેળવેલો. હિન્દને આઝાદી મળવાના એ દિવસો. આઝાદી મળ્યાના દિવસે, આકોલામાં, બાપુના એક વારસદાર તરીકે, ઇલાબહેને સ્વતંત્ર ભારતનો ધ્વજ પહેલવહેલી વાર અધિકૃતપણે, ધ્વજવંદન કરતાં કરતાં, અહીં ફરકાવેલો. પોતાનો મુલક પણ આઝાદી મેળવે એ સારુ ફક્ત બાર વર્ષની વયે દક્ષિણ આફ્રિકા સ્વતંત્ર બને તે માટેના આંદોલનમાં ઇલાબહેન સામેલ થાય છે. ‘ડિફાયન્સ કેમ્પેઇન’[અવજ્ઞા આંદોલન]માં સામેલગીરી કરી, અને તે પછી, તે અંગેની કૂચમાં સરિક થતાં રહેલાં. આમ રાજકારણ ક્ષેત્રે નીડર બની સક્રિય બનવાનો ઇલાબહેન આદર કરે છે.
ઇલાબહેન ગાંધીનાં માવતર એટલે ગાંધીજીના બીજા દીકરા મણિલાલ, અને વરિષ્ટ સાહિત્યકાર કિશોરીલાલ મશરૂવાળાનાં ભત્રીજી સુશીલાબહેનનું ત્રીજું સંતાન. ઇલાબહેનનો જન્મ ડરબન પાસે, ક્વાઝુલુ – નાતાલ પ્રાંતના ઈનાન્ડા [Inanda] વિસ્તારમાં આવેલા ફિનિક્સ વસાહતમાં, 01 જુલાઈ 1940ના થયો હતો. સીતાબહેન ગાંધી સૌથી મોટાંબહેન અને પછી, અરુણભાઈ ગાંધી, એક ભાઈ.
સીતાબહેન ધૂપેલિયાનાં પુત્રી, ડૉ. ઉમા ધૂપેલિયા-મિસ્ત્રી લિખિત ‘ગાંધીઝ પ્રિઝનર ? ધ લાઈફ ઑવ્ ગાંધીઝ સન મણિલાલ’માં 1લી જુલાઈની આ ચહલપહલ બાબત આમ નોંધ છે : ઇલા ગાંધીના જન્મ પછીના થોડાક અઠવાડિયે મણિલાલભાઈએ 69 વર્ષની વયના વડીલ કેલનબેકને માહિતગાર કર્યા. મણિલાલભાઈ એમને કહેતા હતા : ‘આ નાની બાળકીનું આગમન આનંદદાયી છે. અમે એનું નામ ઇલા રાખ્યું છે. ‘ઇલા’નો હિન્દીમાં અર્થ ‘પૃથ્વી’ થાય. હિન્દુઓના શાસ્ત્રો અનુસાર, ઇલા એટલે બહાદુર અને ઉમદા રાજકુમારની માતા !’
‘સાઉથ આફ્રિકન હિસ્ટૃી ઓનલાઇન’માં આવી વિગતમાહિતી અનુસાર, ઇલાબહેન કહેતાં હતાં : ક્વાઝુલુ નાતાલ પ્રાંતમાં ડામરના રસ્તાઓ નહોતા, પાણી મેળવવાની કોઈ સગવડ નહોતી, વીજળીની કોઈ સોઈ નહોતી, તેમ છતાં હિન્દીઓ, ‘કલર્ડ’ કોમ, શ્વેત લોકો, તેમ જ આફ્રિકીઓ સંપીને રહેતા હતા. તે દિવસોમાં ફિનિક્સ વસાહતમાં મો.ક. ગાંધીએ બંધાવેલું ઘર જ હતું. આસપાસ જમીન હોય એવું વાડીવાળું એ ઘર હતું. તેમ જેટલું જરૂરી હોય તેવી સામગ્રીઓ વડે લાકડાં તેમ જ લોખંડના સરસામાનથી બંધાવેલં સામાન્ય મકાન તે હતું. પોતાના જીવનનાં આરંભના છ વરસ આ ઘરમાં ઇલાબહેને વિતાવ્યાં હતાં. પાછળથી એમના પિતા, મણિલાલભાઈએ આજે જોવા મળતું ઈંટનું પાકું મકાન બંધાવેલું.
આરંભમાં ઇલાબહેનનાં માવતરે જ ઘેર ભણતર આપેલું. ‘હું જોતી કે અમારાં પડોશીઓનાં બાળકો નિશાળે જતાં આવતાં. હું તો બાળકી હતી. તેમ છતાં મેં મારાં માતાપિતાને કહ્યું, મારે હવે નિશાળે જવું જ જોઈએ. એ વખતે મારી ઉંમર આઠ કે નવની હતી.’ ઘરથી આશરે બે’ક કિલોમીટરને અંતરે આવેલી આ નિશાળ હતી. ‘આમ આ મારો પહેલવહેલો બળવો હતો.’

ઇલા ગાંધી
ઇલાબહેનને ચોથા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ નિશાળ પણ લાકડાં અને લોખંડની બનાવટનાં સરસામાનથી બાંધવામાં આવેલી. વર્ગો માટે લાકડાંના પાટિયાની આડશો મુકવામાં આવેલી. વળી, નિશાળમાં પાણી તેમ જ વીજળીની કોઈ સગવડ પણ નહોતી. બાળકો અને શિક્ષકોએ ખાડાવાળી મૂતરડીઓનો ઉપયોગ કરવાનો આવતો. આવી જગ્યાએ ઇલાબહેને ત્રણ વર્ષ ગાળ્યાં. છઠ્ઠા વર્ગમાંથી ઉતીર્ણ થયાં. અને પછી કાર્લાઇલ સ્ટૃીટમાં આવી ‘ડરબન ઇન્ડિયન ગર્લ્સ હાઈ’માં દાખલ થયાં.
નિશાળે જવા માટે, ઇલાબહેનને ડફ્સ [duffs] રોડ પર આવ્યા રેલવે સ્ટેશન પહોંચવા, ઘેર પાસેથી બસ લેવાની થતી. ડફ્સ રોડ પરના સ્ટેશનથી ટેૃન વાટે ગ્રેવીલ [Greyville] સ્ટેશને જવાનું થતું. પછી આ સ્ટેશનેથી કાર્લાઇલ સ્ટૃીટ પર આવેલી ‘ડરબન ઇન્ડિયન ગર્લ્સ હાઈ’ નિશાળ સુધી પહોંચવા સારુ ઇલાબહેનને પદયાત્રા કરવી પડતી. આમ એમણે અહીં ચાર વરસો કાઢ્યાં.
એ દિવસોમાં ક્વાઝુલુ નાતાલ પ્રાન્તમાં એક માત્ર યુનિવર્સિટી હતી અને તેમાં શ્વેત લોકોને જ પ્રવેશ અપાતો. બપોરે ત્રણ વાગ્યા બાદ અશ્વેત વિદ્યાર્થીઓ શાસ્ત્રી કૉલેજમાં અભ્યાસ માટે જતા. શ્વેત વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ, શ્વેત વ્યાખ્યાતાઓ અહીં ભણાવવા આવતા. અને અહીં ઇલાબહેને પ્રવેશ મેળવ્યો હતો. કાયદાનો અભ્યાસ કરવાનો એમનો મનસૂબો હતો, પરંતુ આફ્રિકાન્સ[Afrikaans]નો અભ્યાસ અહીં તેમને કરવાનો હતો. આથી, વિકલ્પે, સમાજશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરવાનુ રાખ્યું.
નાતાલ યુનિવર્સિટી તરીકે અગાઉ જાણીતી યુનિવર્સિટીમાંથી ઇલાબહેને બેચલર ઑવ્ આર્ટ્સની ઑનર્સ સાથે ઉપાધિ મેળવી. એમનો વિષય હતો સમાજશાસ્ત્ર. સન 1965માં વેરુલમ [Verulam] ચાઇલ્ડ ઍન્ડ ફેમિલી વેલફેર સોસાયટીમાં એમણે સોશિયલ વર્કર તરીકે પંદરેક વર્ષ કામ આપ્યું. પછી, ‘ડરબન ઇન્ડિયન ચાઇલ્ડ ઍન્ડ ફેમિલી વેલફેર સોસાયટી’માં એમણે પાંચેક વરસ સેવા આપી.
રંગભેદનો જુલમ કેવો હોય છે તેનો પહેલવહેલો અનુભવ ઇલા ગાંધીને ઘર આંગણે જ થયો. એ દિવસોમાં એ નિશાળે ભણવા જતાં. એમની માતાએ આશરે બસો વિદ્યાર્થીઓને સારુ રંગભેદ વિનાની એક નિશાળ ફિનિક્સ વસાહતમાં શરૂ કરી. ઈન્સપેકટરે સુશીલાબહેનને કહ્યું, તમે ભણાવી નહીં જ શકો. ખાનગી નિશાળ બાબત કાયદાઓ થયા છે. અને વળી સુશીલાબહેનને એણે કહ્યું, તમે હિન્દી છો તે આફ્રિકી બાળકોને ભણાવી નહીં જ શકો !
1952માં ઇલા ગાંધીનું વય 12નું જ હતું. અને એમણે અવજ્ઞા આંદોલન[Defiance Campaign]માં ભાગ લેવાનો આદર કર્યો. ડરબનના રેડ સ્ક્વેરમાં સભા મળેલી. બ્રૂક સ્ટૃીટમાં આવી લાઇબ્રેરી સુધી કૂચ કરવાની હતી. માત્ર શ્વેત લોકો જ ઉપયોગ કરી શકે તેવી આ લાઇબ્રેરીનું સંચાલન હતું. આમ એ સૌ કૂચ કરનારાઓએ મકાનમાં પ્રવેશ કર્યો. તદુપરાંત, ઇલા ગાંધી ભાઈ, અરુણ જોડે અને બહેન, સીતા સાથે અને વળી, મિત્રવતૃળ સંગાથે આફ્રિકીઓનાં ગામમાં પણ જઇ આવેલાં. આમ કરવું કાનૂન અનુસાર પ્રતિબંધિત હતું. ઇલાબહેનના જન્મ પહેલાં એમના પિતા, મણિલાલભાઈને કાયદાના ભંગ માટે તો અનેક વખત અટકમાં લેવાયા હતા અને એમને જેલ પણ થઇ હતી. અને છતાં મણિલાલ ગાંધી પણ આ અવજ્ઞા આંદોલનમાં સક્રિય હતા.
ઇલાબહેન જ્યારે ધોરણ નવમાં આવ્યાં, ત્યારે એમને, નિશાળના નિયમાનુસાર, રાતવાસા સહિત ત્રણ દિવસ ઘેરથી દૂર રહેવાનું થયું. યુનિવર્સિટીમા હતાં એ વખતે ‘ગ્રેજ્યુએશન’ પદ્ધતિ વિરુદ્ધ પ્લૅકાર્ડ દેખાવોમાં સક્રિય ભાગ લીધેલો. 1970ના અરસામાં ‘નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસ’માં નવો પ્રાણ સંચાર થયો અને ઇલાબહેન પણ તેમાં સક્રિય બન્યાં. આટલું ઓછું હોય તેમ પક્ષનાં ઉપ-પ્રમુખ પદે ય ચુંટાઈ આવ્યાં. ઇલાબહેન આવી જવાબદારી પહેલી વખત લઈ રહ્યાં હતાં. તદુપરાંત, જે જે લોકોને કેદની સજા થઈ છે, તે તે લોકોનાં વિધવિધ જૂથોમાં પણ સક્રિયતા સાથે ઇલાબહેન સંકળાયેલાં રહ્યાં. ડરબન ખાતે અટકમાં લેવાયેલાં લોકોને સારુ સહાયક સમિતિમાં પણ ઇલાબહેન સભ્ય પદે હતાં.
ઇલા ગાંધી પર પહેલવહેલો પ્રતિબંધક હુકમ 1975માં લાદવામાં આવેલો જે 1980 સુધી ચલાવાયો હતો. આમ એ હુકમ પ્રતિબંધક હતો તેમ જ નજરકેદ પણ ખરો. આ હુકમ ત્રિપાંખીએ હતો : સભાબેઠકોમાં જવાનું નહીં. એમના પર પ્રતિબંધક હુકમ હોવાથી નક્કી કરાયેલા વિસ્તારમાં જ એમને વસવાનું હતું. વળી, દિવસના અમુક કલાકો માટે એમને અટકમાં રહેવાનું હતું. આનો અર્થ એમ થયો કે રજા માણવા બાબત અને સપ્તાહઅંત વખતે ય એમને સાંજે સાત વાગ્યાથી સવારે સવારે સાત વચ્ચેના સમયગાળામાં ફરજિયાત ઘેર જ રહેવાનું હતું.
ઇલાબહેનના પૂર્વપતિ, મેવા રામગોબિન[Mewa Ramgobin]ને ય આ હુકમ લાગુ કરાયો હતો. એ દિવસોમાં એ ‘ઓલ્ડ મ્યુચલ’ નામે વીમા કંપનીમાં નોકરી કરતા હતા. મેવા રામગોબિનના પહેલા પ્રતિબંધક હુકમ વેળા આ કંપની એમના માટે સહાનુભૂતિ રાખતી હતી. પરિણામે એમણે ઘણી છૂટછાટ આપી હતી. બીજા હુકમ પછી એમને લાગવા માંડ્યું કે એ હુકમનું પાલન બરાબર કરતા નથી. આથી મેવા રામગોબિનનો હોદ્દો એમણે ઘટાડી કાઢ્યો. આથી મેવા રામગોબિને આ કંપનીમાંથી રાજીનામું આપી દીધેલું અને ડરબનમાંથી પોતાના નામે પરિણામે ધંધો શરૂ કર્યો.
એ સમયે આ દંપતી ફિનિક્સ વસાહતમાં જ વસતું હતું. પરંતુ મેવા રામગોબિને ડરબનમાં ધંધો આદર્યો હોવાથી ઈનાન્ડા વિસ્તાર છાંડીને એમને ડરબનવાસ કરવાનો આવ્યો. નજરકેદ હોવાને કારણે એ ડરબનમાં રહી શકે તેમ ન હોઈ, તેમણે પોતાનો નવો આદરેલો ધંધો આટોપી લેવાનો થયો. મેવા રાબગોબિન કહેતા હતા, ‘હું હકીકતે એ ધંધામાં સામેલ જ નહોતો. હું વેપારી માણસ નથી. વીમા અંગે મારી કને ભાગ્યે જ કોઈ વિગતમાહિતી હોય. રાજકીય સ્તરે આમ લોકો જોડે સંસર્ગમાં રહેવાય તેથી જ હું ઑફિેસે જતો.’
આ દિવસોમાં આફ્રિકનો માટેના કામદાર મંડળો પર પણ પ્રતિબંધ લાદવામાં આવેલો. જો કે નિવૃત્તિ વેતન, દફનવિધિ જેવી બાબતો અંગે વાતચિત કરવા આ લોકો ભેગા મળતા. આમ તેઓ આવાં મિલનો વખતે પગારવધારા અંગે વાટાઘાટ પણ કરી લેતા.
ઇલા ગાંધીને સાડા આઠ વર્ષ જેટલો ગાળો પ્રતિબંધ હેઠળ ગાળવાનો થયો ત્યારે એ મોટે ભાગે ભૂગર્ભમાં રહી પ્રવૃત્તિઓ કરતાં હતાં. શાસન જો કે એમને પરેશાન કરતું જ રહ્યું અને એમના રહેણાક પર સખત જાપ્તો રાખવામાં આવેલો. એમ છતાં ય એમના આ પ્રતિબંધ ધારાનું તેમ જ નજરકેદનું એ સતત ઉલ્ઘંન કરતાં જ હતાં. છતાં, ભારે સાવચેતી સાથે એ વખતે એ વર્તતાં હતાં.
સન 2016માં મેવા રામગોબિનનો 83 વર્ષની વયે દેહાન્ત થયો હતો.
•
ગુજરાતના પ્રતિબદ્ધ પત્રકાર અને કર્મઠ કર્મશીલ આગેવાન પ્રકાશભાઈ ન. શાહ જોડે, સન 2009 વેળા, દક્ષિણ આફ્રિકા જવાનો યોગ થયેલો. જોહાનિસબર્ગ – લાનેશિયામાં બે દિવસ ગાળી, અમે એ દિવસોમાં ડરબન ત્રણ દિવસો માટે હતા. અમારો ઉતારો ડરબન શહેરની મધ્યમાં આવેલા બેરિયા [Berea] વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર’માં હતો.
વળતે દિવસે મહાત્મા ગાંધીનાં પૌત્રી ઇલાબહેન ગાંધી અમને મળવા આવ્યાં. એ અમને ફિનિક્સ વસાહત જોવા લઈ જવાના હતાં. ડરબન મહાનગરથી વીસેક કિલોમીટર દૂર આવેલા ઇનાન્ડા વિસ્તારમાં પથરાયેલા મહાત્માં ગાંધીના સૌ પ્રથમ આશ્રમ – ફિનિક્સ વસાહત – ફરીને દેખાડી. ‘ઇન્ડિયન ઓપીનિયન’ જે મશીન પરેથી છપાતું તે મૂળ મશીન સચવાયું છે. જ્યારે આવાસ સમેતનાં મકાનોમાં ઠીકઠીક એવું ફેર સમારકામ થયું છે.
વળતાં ઇલાબહેન અમને ફાતિમા મીરને મળવા લઈ ગયેલાં. ફાતિમા મીર એટલે દક્ષિણ આફ્રિકાનિવાસી લેખિકા, વિદ્વાન અધ્યાપિકા, પટકથા લેખિકા, તેમ જ અગ્રગણ્ય રંગભેદ વિરોધી કર્મશીલ. એ જૂન માસની 14મી તારીખ હતી.
છેલ્લે દિવસે ઇલાબહેને અમને ભોજન માટે નિમંત્રેલા. આકાશમાં પથરાયેલા વાદળોથી વાતો કરે એવા ગગનચૂંબી આવાસમાં અમને નોતરી શકતાં નહોતાં, તેથી એમના પુત્રને ઘેર, એમના પરિવારની હાજરી વચ્ચાળે અમને ઇલાબહેન લઈ ગયેલાં. એ દિવસોમાં એ ગગનચૂંબી આવાસના પચીસમે માળે વસતાં ઇલાબહેન અમને કહે, આવાસની લિફટ ચાલતી નથી; તેથી મારા પુત્રને ત્યાં લઈ જઇશ. અમને થાય, આ આવાસના પચીસ માળનાં પગથિયાં દરરોજ ઇલાબહેન કેમ કરી ચડી લેતાં હશે, ને પાછા ઊતરતાં ય હશે ? અમે બન્ને ભારોભાર હેરત અનુભવતા રહ્યા.
•

ઇલાબહેનની 85મી વર્ષગાંઠ નિમિત્ત સંતાનો વચ્ચે ઇલા ગાંધી. ડાબેથી દીકરી આશા, દીકરી આરતી, ઇલાબહેન, દીકરો કેદાર અને પુત્રવધૂ નિર્વાણા. સન 1993માં એમનો એક પુ્ત્ર, કુશ મરાયો હતો; જ્યારે દીકરી, આશિષ લતા આ ટાંકણે હાજર નહોતાં.
•
‘સાઉથ આફ્રિકન હિસ્ટૃી ઑનલાઇન’માં જે વિગતમાહિતી ઇલા ગાંધીને નામ મુકાઈ છે, તેને આધારે, હવે પછીની નોંધને અહીં સાદર લઈએ :
ઇલા ગાંધી કહેતાં હતાં, ‘સક્રિયતા જમીની સ્તરે કામ કરતી હોય છે. એ તમને લોકશાહીની રસમ અનુસાર ચર્ચાવિમર્ષ કરવાની તાલીમ પણ આપે છે, લોકોના મતમતાંતરને સમજવાનું મૂલ્ય સમજાવે છે, ગાંઠ નહીં બાંધવા સમજણ પણ આપે છે, વળી, મુલાકાતની કોઈ પણ જગાએ અભિપ્રાય ન બાંધવાનું ય શીખવાડે છે. આમ લોકોને માટે ખરાબ સમય છે, તેથી એમને સારુ કંઈક કરવું જોઈએ, તેમ કહેવાને બદલે સમાજ વચ્ચે જઈને સમાજનું વલણ શું કહે છે તે જાણવા, સમજવા આપણને તૈયાર પણ કરે છે.’
કર્મશીલ તરીકે તેમનું સમૂળુ ધ્યેય ‘લોકોમાં જાગૃતિ લાવવાનું હોય છે.’ સોશિયલ વર્કર તરીકે અમ્હાટી (Amouti) વિસ્તારમાં હિન્દી બાળકો જોડે તેમ જ આફ્રિકી બાળકો જોડે ઇલાબહેન કામ કરતાં હતાં. હિન્દી બાળકોને જ્યારે સ્પ્રિન્ગફિલ્ડ ફલેટ્સમાંથી ફિનિક્સમાં ખસેડવામાં આવ્યાં ત્યારે એ આ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ આપનાર ઇલા ગાંધી પહેલવહેલાં વ્યક્તિ હતાં.
ઇલાબહેન આ અંગે ફોડ પાડતાં કહેતાં રહ્યાં, ‘વારુ, હું ભૂગર્ભમાં સક્રિયતા સાથે કાર્યપ્રવૃત્ત નહોતી થઈ. કેમ કે મેં કોઈ જાતની વહેંચણી નહોતી કરી, કાંઈ મેળવ્યું ય નહોતું, બહારના લોકોનો સંપર્ક સુધ્ધાં નહોતો કર્યો. એમાં હું પડી જ નહોતી. પરંતુ ભૂગર્ભ માંહેના લોકો જોડે નજીકનો સંપર્ક જાળવીને પ્રવૃત્ત રહી હતી. … અમે શિબિરો ચલાવતાં, વિધવિધ બાબતો અંગે ચર્ચાવિમર્ષ કરતાં, ઉદાહરણ તરીકે ‘બ્લેક કોન્સિયસનેસ’ આંદોલન, ફ્રિડમ ચાર્ટર, શિક્ષણની પદ્ધતિ બાબત વગેરે વગેરે. વળી, પડોશી વિસ્તારમાં પૂર આવવાને કારણે લોકોનાં આવાસો સમારવાં અને ફેર બાંધવાં અંગે વિચારણા કરતાં.’
આરંભે, ઇલાબહેનને પ્રેરણાસ્રોત ‘રોલ મોડેલ’ તરીકે એમના દાદા ગાંધીજી, ચીફ આલ્બર્ટ લુથુલી, નેલ્સન મન્ડેલા, વૉલ્ટર સિસુલુ, ગોવન મ્બેકી, મૉન્ટી નાઇકર, એમના પિતા મણિલાલ ગાંધી તેમ જ યુસૂફ દાદુ હતા.
ગાંધીજીની સત્યાગ્રહ બાબતની વિચારધારા જોડે સશસ્ત્ર લડતનો ઇલા ગાંધીને કેમ કરી મેળ પડતો હશે ? જવાબમાં ઇલાબહેન કહેતાં રહ્યાં, ‘સત્યાગ્રહ અંગે મેં ગાંધીજીનાં લખાણો વાંચ્યાં છે. વળી, ભારતમાં કાઁગ્રેસ આંદોલનના ઇતિહાસની પણ વિગતો જાણી છે. સુભાષચંદ્ર બોઝ તેમ જ જયપ્રકાશ નારાયણ સરીખા સશસ્ત્ર આંદોલનો જોડે સંકળાયેલા લોકોને હાંકી કાઢવામાં આવ્યા નહોતા. ગાંધી સ્વીકારતા કે આવા લોકોને મન એક અલાયદું દર્શન છે. આમ અમે સમગ્ર આંદોલનમાં એક બાજુ જ છીએ, કોઈ જ મતભેદ નથી. અમારું દુ:શ્મન પ્રિટોરિયા હતું. અને અમારે આ જ દર્શન નજર સમક્ષ રાખવાનું હતું.’
‘નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસ’(NIC)નું પુનર્ગઠન એ ઇલા ગાંધીના જીવનનો અતિ મહત્ત્વનો પડાવ હતો. ‘અશ્વેત તરીકે જોઈએ, અને હિન્દી તરીકે નહીં’ સૂત્ર એમના માટે ભારે પ્રેરણાદાયી બાબત હતી. વ્યવહારુ રીતે એમને આ બાબત સતત વિચારતા કરી મૂકે છે. ઇલાબહેન કહેતાં હતાં, ‘સિદ્ધાંતને મુદ્દે જાતિભેદ મુક્ત પ્રવૃત્તિઓ કરવાનું આપણે સ્વીકાર્યું જ છે, પરંતુ વ્યવહારમાં એ કેટલું અઘરું છે તેનો અંદાજ પણ છે. પરિણામે સમય સમય પર મારે રિક ટર્નર, બાર્ની પિતયાના, સ્ટીવ બીકો, સ્ટ્રીની મૂડલી, સાથ્સ કૂપર તેમ જ બીજા અનેક જોડે આ બાબતે ચર્ચા વિચારણ થયા કરી છે. એનાથી મારું જીવનઘડતર તો ઘડાયું જ છે. અને જોયું જ હશે કે જ્યારે હું બાળ કલ્યાણનાં કામોમાં સંકળાયેલી હતી ત્યારે એકલાં હિન્દી સમાજ માટે કામ કરવાનું મને ઉચિત લાગતું જ નહોતું.’ આમ ‘યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ’ સારુ એમનું મન સતત લાગ્યા કરતું. જેને કારણે સમાજના વિવિધ જૂથોને સાથે રાખી પ્રવૃત્તિઓ કરવાનું થયું.
‘ફ્રિડમ ચાર્ટર અને ક્લિપટાઉન’ અંગેના અનુભવો કાઁગ્રેસ આંદોલન માટે ઐતિહાસિક પરિપેક્ષ્યમાં જોતાં અગત્યનો પડાવ હતો. એ ઘટના ઘટી ત્યારે મારી ઉમ્મર માંડ પંદરેકની હતી, અને તેથી તે બાબત હું પૂરી વાકેફ પણ નહોતી, તેમ ઇલાબહેન કહેતા હતાં. ‘મને ક્લિપટાઉન ઘટનાની જાણકારી જ નથી. મારા પિતા ત્યારે હતા, એમણે એ વિશે લખવાનું રાખ્યું જ હતું. અને સંયુક્ત રાષ્ટૃને સ્તરે તેની વિગત માહિતીઓ પહોંચી હતી. મારા પિતાએ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લેખ કરેલો અને તેને સંયુક્ત રાષ્ટૃની બેઠકમાં લઈ જવામાં આવેલો. આમ મારે માટે ‘યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ’ નિર્ણાયક ક્ષણ બની. એ વેળા સઘળા ધર્મો એક સાથે કામ કરતા થયા. હું એવા એક પરિવારમાંથી આવું છું, જ્યાં હિન્દુ ધર્મનું ચલણ રહ્યું છે, પણ મંદિરોમાં આંટાફેરા કરવાનું ટાળવામાં આવ્યું છે. અમે ઘેર રહી પ્રાર્થના કરતાં આવ્યાં છે. અમે હિન્દુ પ્રાર્થના કરતાં આવ્યાં છે, અને ઇસાઈ બંદગી અને પારસી બંદગી અને તેમ મુસ્લિમ બંદગી પણ. નાગરિકને સ્તરે આ દરેક ધર્મને ‘યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ’ વાટે લઈ અવાયા. આમ દરેક કોમ સંયુક્તપણે હોય તેમ થયું.
મામા સિસુલુ તરીકે વિશેષે જાણીતાં આલ્બર્ટિના [Albertina] સિસુલુ જોડે ઇલા ગાંધી અને ‘યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ’ના બીજા આગેવાનો પોલ્સમૂર જેલમાંથી નેલ્સન મન્ડેલાને રજા આપવામાં આવી, એના આગલા દિવસે, એમને મળવા સાથે ગયાં જ હતાં.
1994ની સાર્વત્રિક ચૂંટણીઓ પહેલા, ઇલા ગાંધી ‘ટૃાન્ઝિશનલ એક્ઝિક્યુટિવ કમિટી’ના સભ્ય હતાં. લુથુલી નિવાસ લગી ‘ઇન્કાથા ફ્રિડમ પાર્ટી’ની કૂચ થઈ તે સમયે ઇલાબહેન હજુ ‘ટૃાન્ઝિશનલ એક્ઝિક્યુટિવ કમિટી’ના સભ્યપદે હતાં. ઇલાબહેન જણાવતાં હતાં, ‘લોકો હજુ જાણતા નથી કે સવારના પહોરથી ઘરો પર દરોડા પડવાના શરૂ થયા હતા. વસવાટની જગ્યાઓમાં જાનહાનિ થવા લાગી હતી. આફ્રિકન નેશનલ કાઁગ્રેસે પોલિસને આવવા અને સહાય કરવા અપીલ કર્યાં છતાં, પોલિસ મદદ પહોંચાડવા તૈયાર જ નહોતી.’
ઇલા ગાંધીના મત મુજબ, ’રાષ્ટૃવાદીઓ વાટાઘાટને આધારે સમાધાન કરવાને રાજી હતા કેમ કે તેમની વિરુદ્ધ વિગત માહિતીઓનો ઢગ ખડકાતે જતો હતો. એક બાજુ તેમના માટેનો બહિષ્કાર વધતો જતો હતો અને બીજી તરફ નેલ્સન મન્ડેલા સાથે તેમની વાટાઘાટ ચાલુ હતી. અર્થતંત્ર નબળું થવા લાગ્યું હતું. આપણે જે રાજ હાથ કરેલું તે ગમે ત્યારે પડી ભાંગે તેવી હાલત હતી. તેમને દીવા જેવું આ સ્પષ્ટ દેખાવા લાગેલું. બીજાં સંસ્થાનોની સરખામણીએ અહી તફાવત એ હતો કે ‘આફ્રિકાનાર’ લોકો માટે દક્ષિણ આફ્રિકા પણ વતન હતું. અને જો આ ભાંગી પડે તો એ સૌ ક્યાં જઈ શકે તેમ નહોતાં. તેમને વતનમાં રહીને વાટાઘાટ કર્યા સિવાય કોઈ જ ચારો નહોતો. વતનમાં રહીને વાટાઘાટ કરવાની આ ઘડી હતી, તેમ એમ એમને સમજાતું હતું. આફ્રિકન નેશનલ કાઁગ્રેસ માટે વિશાળ પાયે જનમત હતો તેનો અંદાજ રંગભેદી શાસનને ન હતો તેમ મને સમાજયું છે.’
હંમેશને માટે હું સર્વસમતાવાદી [egalitarian] જીવનમાં તેમ જ સમાજમાં માનતી આવી છું, એમ ઇલાબહેન કહેતાં હતાં. મારી જ વાત કરું, કાર્યકર્તાઓ જોડે કામ કરતી વેળા મેં પગાર રૂપે બહુ ઊંડી ખાઈ ભાળી છે. કેટલાકને ખૂબ ઊંચો દર અને કેટલાકને માંડ માંડ પૂરું થાય તેવો નામને ખાતર પગાર. આવું આ દેશમાં બની શકે તેમ જાણીને હું ભારે વિહવળ બની ગઇ હતી. નિર્ધન અને પૂંજીપતિઓ વચ્ચે ખરેખર બહુ મોટો આવકનો તફાવત હતો. આનાથી લોકોને સુખ પહોંચતું નથી. પોતાના મુલક માટે ગૌરવ રહેતું નથી. જે લોકો લોકશાહીની વાત કરે છે તે લોકો ભૂખ્યા રહે છે, એઈડ્સ[AIDS]ને કારણે મરણને શરણ થાય છે તેમની જોડે લોકશાહીની વાત કરી જ શકાતી નથી.
આપણે કદાચ એક મારગે તફાવત દૂર કરી શકીએ એમ છીએ અને તે મારગ છે સમાજને સર્વશક્તિમાન બનાવવો રહ્યો. અને આ બાબત અંગે મારે મચી પડવાનું છે. લોકોને સર્વશક્તિમાન બનાવવા છે અને તેમને શિક્ષણ આપવાનું છે. કોમ પીડા ભોગવે છે અને તે પીડા મૂંગાં રહીને ભોગવતી રહી છે. આથી એમને બોલકા કરવાની જરૂર છે. એમને શક્તિશાળી કરવાની આવશ્યક્તા છે. કે જેથી એ લોકો જગજાહેર કહી શકે કે ‘ફ્રિડમ ચાર્ટર’માં કહેવાયું છે, ‘લોકોનું શાસન હશે.’ લોકો ખુદ શાસન કરી શકે તેવું વાતાવરણ આપણે તૈયાર કરવું રહ્યું. આવું નહીં થાય ત્યાં લગી તો લોકો શાસન કરી શકવાના જ નથી. કોઈક બીજું જ તેમના પર રાજ કરવાનું છે. ઇલાબહેન આમ કહેતાં રહ્યાં.
ઇલાબહેને ઊમેરણ કર્યું અને માહિતી આપી કે એમના મતવિસ્તારમાં [ફિનિક્સ મતવિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસનાં સાંસદ તરીકે] ઘરેલુ મામલા માટે ‘હેલ્પલાઈન’ ઊભી કરવામાં આવી છે કે જેથી મહિલાઓ પર થતા હિંસાચારમાં સહાયક બની શકાય.
પાયાને સ્તરે ફેરફાર આણી શકાય તે સારુ નાની નાની મંડળીઓ પર હું મદાર રાખું. અને અમે એમ જ કરવાનું રાખ્યું છે. લોકોને એ સ્તરે જ શક્તિશાળી કરી શકાય તેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. એમને કૌશલ્ય પ્રાપ્ત થાય તેવી તાલીમ આપવાનું રખાયું છે. મહિલાઓને રોજગારી મળી રહે તે સારુ જરૂરી તકો ઊભી કરવામાં આવી છે. વળી, પોતાનો નાનોમોટો ધંધોધાપો કરી શકે તે માટે ય તેમને તાલીમબદ્ધ કરવાનો પ્રયાસ છે.
મારા મતે તમારી જો સરકાર નથી, ત્યાં પાયાગત મળતી સહાયની રકમ ઓર્યા કરવાથી રોજના દસ રૅન્ડ મળ્યાનું ય કંઈ ગૌરવ મહત્ત્વ નથી રહેતું. મફતમાં જે કંઈ મળે તેની સરખામણીએ મહેનતનાં ફળ રૂપે જે કંઈ મળે છે તેથી આત્મગૌરવ પ્રાપ્ત થાય છે. નહીં તો આપણે પાંગળા બની જઈએ છીએ, આત્મસન્માન પણ ગુમાવી દઇએ છીએ.
વિધવિધ જૂથો જોડે સલાહમશવરા કર્યા બાદ, મારે એક છાપુ કાઢવાનો વિચાર છે. સમાજમાં જરૂરી ફેરફાર આણવા સારુ આમ કરવું મને જરૂરી લાગ્યું છે. ‘અમે કહ્યું, ચાલો સૌ પહેલાં હિન્દી કોમને સાંકળીએ. આમ કરવાથી શો ફેર પડે છે તે જોવાનું રાખવાનો મકસદ છે.’ આ મનમાં રાખીને સત્યને સમજવા સારુ ‘સત્યાગ્રહ’ નામે સામયિકનો આદર કર્યો. કોમને અસરકર્તા પાયાગત સવાલો અંગે આ સામયિકમાં લખાણ થતું રહ્યું. આ બાબત તો મુખ્ય પ્રવાહનાં સમસામયિકોમાં સાધારણપણે જોવાવાંચવા મળતા નથી. તો આ બાબત અંગે વિશદ લખાણ શરૂ કરવામાં આવ્યાં કે જેથી એ સૌ તેની જોડે પોતાને સાંકળી શકે. આ છાપું હિન્દી તેમ જ આફ્રિકન સમાજ સુધી પહોંચતું કરાતું હતું. આમ તેનો વાચનવર્ગ બહોળો હતો.’
મુલક માટે હું જો કંઈ પણ બદલી શકું તેમ હોય, સૌ પહેલા, તો હું અર્થતંત્રમાં બદલાવ આવે તેમ કરવા ઇચ્છું. આપણે આપણા અર્થતંત્રને બહુ વહેલું ખૂલું મૂકી દીધેલું. બહાર દેશાવરનું નાણું અહીં લાવીને લાંબું વિચાર્યા વગર એમને અહીં રોકાણ કરવા છૂટ આપી દીધેલી. આ ઠીક ન હતું.
વિધવિધ ધાર્મિક જૂથોએ જે નાનાં નાનાં સહાયક મંડળો ઊભાં કરેલાં તેનો સ્વીકાર કરવામાં આપણે ઢીલાં પડ્યાં છીએ. આ લોકો કોઈ ઢોલત્રાંસા વગડાવ્યા વિના કામ કરાવ્યે જતાં હતાં. એ લોકો રાજકારણીઓની પેઠે કામ કરતાં નહોતાં, પણ વ્યક્તિ તરીકે કરતાં રહેલાં. વળી, બીજાં કેટલા ય શ્વેત યુવાનો ય છે જે તાજેતરમાં કેદમાંથી છૂટ્યા છે. અને તેમની સરકારી ચોપડે કોઈ નોંધ લેવાઈ નથી. હકીકતમાં તો એ સૌ તદ્દન ભુલાઈ જવાયા છે. રંગભેદી શાસનના લશ્કરમાં ફરજિયાત જોડાવવાની ના પડવાને કારણે આમાંના કેટલાક યુવકો છે, જેમને કેદની સજા ભોગવવી પડી છે. એમને સારુ કોઈ સહાયક જૂથ હોય તેમ આપણો ઇતિહાસ કહેતો જ નથી. આ અંગે આપણે કંઈક નક્કર સ્વરૂપે પગલાં લેવાં જ પડે.
•
સુશીલાબહેન ગાંધીએ ફિનિક્સ વસાહત એમને મન શું છે તેને ધ્યાનમાં લઈ આમ લખ્યાનું કહેવાય છે : ‘આ સંસ્થા ગાંધીજીનું સ્મારક છે. એ ઐતિહાસિક સ્થાનક છે. ફિનિકસ, અને તેની ચોપાસનું શાંત વાતાવરણ, તેમાં ઊગેલાં આ વૃક્ષો, તેમ જ ફળફૂલ, અને આ જમીન સુધ્ધાં સતત મને આ મહાન પુરુષનો સંદેશ કહ્યા કરે છે. આ મહાન પુરુષે આ જમીન પર પગલાં માડ્યાં છે અને આ સઘળી બાબતો વચ્ચે જીવન ગુજાર્યું છે. ફિનિક્સમાં મને બાપુજીની હાજરીની આ મઘમઘતી સુગંધ સતત મળ્યા કરે છે. આ જમીન પવિત્ર છે. જે લોકો પોતાનું જીવન દેદીપ્યમાન કરવા ચાહતા હશે અને આ મહાન પુરુષના જીવનમાંથી કંઈક મેળવવા ઇચ્છતા હશે તેમને સારુ તે સદાયને માટે યાત્રાનું ધામ રહેશે.
આશાબહેન બૂચનો 04 જાન્યુઆરી 2021ના રોજ “ઓપિનિયન’માં પ્રગટ લેખ, ‘ફિનિક્સ સેટલમેન્ટ (દક્ષિણ આફ્રિકા) – રાષ્ટ્રીય સાંસ્કૃતિક ધરોહરનું સ્મારક‘ આનંદ અને સંતોષના સમાચાર લઈને આવે છે. એમાંથી આ ફકરાઓ અહી સાદર છે :
ત્રીજી ઓક્ટોબર 2020ને દિવસે દક્ષિણ આફ્રિકા સ્થિત ફિનિક્સ વસાહતને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાત થઇ. આ કાર્યક્રમનું સંચાલન કરતાં ગાંધી ડેવેલપમેન્ટ બોર્ડના એક ટ્રસ્ટી વાસુદેવન્ ગુનેને [Vasudevan Gounen] પ્રસ્તાવના રૂપે ટૂંકમાં માહિતી આપતાં કહ્યું, ગાંધી એક યુવા વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા આવ્યા, અને મહાત્મા તરીકે ભારત પરત થયા, એ માટે દક્ષિણ આફ્રિકાની પ્રજાને સહેજે ગૌરવ છે. ક્વાઝુલુ નાતાલમાં ગાંધીનું જીવન પરિવર્તિત થયું. સર્વોદય અને સત્યાગ્રહના સિદ્ધાંતોને આધારે તેમણે સમાનતા, સામાજિક ન્યાય અને શાંતિ માટે અહીં જ સર્વ પ્રથમ ચળવળ ઉપાડેલી, જેણે દક્ષિણ આફ્રિકાના રાજકારણ માત્રમાં જ નહીં, પણ તેના આધ્યાત્મિક અને સામાજિક પાસાંઓ પર ઘેરી અસર કરેલી, જે હજુ પણ જીવિત છે.
ફિનિક્સ વસાહત (સેટલમેન્ટ) એક પ્રયોગ તરીકે સામૂહિક ખેતીના રૂપમાં અસ્તિત્વમાં આવેલ। ભાષા, ધર્મ અને વર્ણના આધારે આચરવામાં આવતા અલગતાવાદના પડકાર રૂપે તેનો જન્મ થયો, તેમ કહી શકાય. તેની પાછળ માનવ માત્ર પ્રત્યેના આદરની લાગણી પ્રેરક બળ હતી. ફિનિક્સ સેટલમેન્ટના રહેવાસીઓના અપ્રતિમ સાથ અને ઉત્સાહને ગાંઠે બાંધી ગાંધીએ એક સામાયિક પ્રગટ કરીને તે દ્વારા લોકોને અન્યાય અને દમન સામે પ્રતિકાર કરવા તૈયાર કરવા માંડ્યા, અને એ રીતે લોકોનું નૈતિક ઘડતર કરવાનું કામ આદર્યું. આ રીતે બહુ મોટા સમુદાયને ગતિશીલ કર્યો. ગાંધીજી માનતા કે ફિનિક્સ જેવા સામૂહિક સંગઠનથી સામાજિક અન્યાય સામે લડવાનું બળ ઊભું થાય અને સંસ્થાનવાદની ચૂડમાંથી મુક્ત થવાની તાકાત મળે. ગાંધીનાં સત્ય, અહિંસા, ન્યાય અને સમાનતાનાં મૂલ્યો હજુ આજે પણ ફિનિક્સ સેટલમેન્ટમાં કાર્યરત રહેતા કાર્યકરો દ્વારા જીવિત રહ્યા છે.
(મહદ્દ આધાર :’સાઉથ આફ્રિકન હિસ્ટૃી ઑનલાઇન’ )
(3,837 શબ્દો)
સંદર્ભ :
-
- Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal by Uma Dhupelia-Mesthrie
- Gandhi’s African Legacy Phoenix Settlement 1904 to 2024 : A History through Letters by Uma Dhupelia-Mesthrie
- Sita : Memoirs of Sita Gandhi : edited by Uma Dhupelia-Mesthrie
- https://www.carleton.edu/news/\
5. Wikipedia.
6. Religions for Peace : https:www.rfp.org
7. https://sahistory.org.za/people/ela-gandhi
25 મે 2026; હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
vipoolkalyani.opinion@btinternet.com
![]()

