
રવીન્દ્ર પારેખ
માસ્તર એટલે મસોતું.
ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ માસ્તરને મસોતું જ સમજે છે ને માસ્તરો પણ એવા નિર્માલ્ય છે કે પોતાનો અઘટિત ઉપયોગ થવા દે છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણનું પડીકું વળી ગયું છે, પણ કોઈને તેની ચિંતા નથી. SIRની કામગીરીમાં મહિનાઓ સુધી શિક્ષકોને જોતર્યા ને વર્ગખંડો શિક્ષણથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓ હોય, પણ તેને ભણાવનાર શિક્ષકો મહિનાઓ સુધી વર્ગમાં આવે જ નહીં, તો વિદ્યાર્થીઓ શું ધૂળ શીખે? જે એક બે શિક્ષકો સ્કૂલમાં હોય, તે એકથી વધુ ક્લાસો ભેગા કરીને શીખવે તો, તેમાં શું ભલીવાર હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ જોડે કોઈ જ લેવા દેવા ના હોય એવો એક જ વિભાગ છે ને તે-શિક્ષણ વિભાગ. ગુજરાતમાં જ 40,000થી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતી ન હોય, 3,000થી વધુ શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોય, ત્યાં કૂતરાં ગણવા માસ્તરોને મોકલવાની વાત ગાયને દોહીને બકરીને પાવા જેવી છે. ભણશે ગુજરાતને બદલે (કૂતરાં, સંડાસ) ગણશે ગુજરાત જેવી સ્થિતિ છે. ભણે ક્યાંથી, જો વર્ગમાં શિક્ષકને પ્રવેશવાની તક જ રહી ન હોય? ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ નબળા રાજ્ય તરીકે છેલ્લે છે, છતાં શિક્ષણ વિભાગને એની ચિંતા નથી ને રોજ ફતવા બહાર પાડીને ને ડેટા કલેક્ટ કરીને, માસ્તરનું પ્લાસ્ટર ઉખેડી રહ્યો છે. SIRની કામગીરી માંડ ઠેકાણે પડી તો સુપ્રીમના આદેશને આગળ કરીને સરકારે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકોને માથે નાખી છે ને ત્રણ દિવસમાં એનો રીપોર્ટ માંગ્યો છે.
કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર તરફથી 11/02/’26નો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો છે, જેનો વિષય ‘નામદાર સુપ્રીમકોર્ટના આદેશના અનુસંધાને સંસ્થાઓમાં રહેતા શ્વાનોનો સર્વે તાત્કાલિક કરવા બાબત’ છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે, ’સુપ્રીમ કોર્ટના આદેશોના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા હેતુસર આપના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ/કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક હાથ ધરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે અને જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ મોકલી આપવા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડએ જણાવેલ છે.’
આ પરિપત્રમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો કે શિક્ષકોનો ઉલ્લેખ નથી. જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર પાઠવાયો છે અને તેમણે સ્કૂલોને તે જણાવવાનો હતો, એટલે કૂતરાં ગણવાનું કામ શિક્ષકો, આચાર્યો દ્વારા કરાવવાનો હેતુ હોઈ શકે છે. હવે શિક્ષકો, આચાર્યો SIRની કામગીરી ત્રણેક મહિનાથી કરવામાં વ્યસ્ત છે. તે હજી પતી નથી ને કૂતરાં ગણવાનું કામ ત્રણ દિવસમાં કરવાનો ફતવો આવ્યો છે. તે પતે કે વસ્તી ગણતરી કરવાનું ચાલશે. એ અગાઉ તીડ ભગાડવાનાં, ભૂંડ ભગાડવાનાં, પંક્ચર સાંધતાં શીખવવાનાં, શૌચાલય ગણવાનાં, સભા માટે ભીડ ભેગી કરવાનાં કામો શિક્ષકો કરી ચૂક્યા છે. સરકાર સાંઠેક પ્રકારની શિક્ષણેતર કામગીરીઓ શિક્ષકો પાસે કરાવે છે. અહીં એક સાદો સવાલ એ થાય કે આટલી કામગીરી શિક્ષકો જ કરવાના હોય, તો ભણાવવાની કામગીરી કોણે કરવાની છે? શિક્ષકોને નોકરી અપાય છે તે ભણાવવા માટે કે ઈતર સરકારી કામગીરી માટે? શિક્ષણેતર કામગીરી જ મહત્ત્વની હોય તો શિક્ષકો નીમવાની જરૂર શી છે? એ નિમણૂકો સરકારી કામગીરીને નામે જ આપવી જોઈએ, જેથી શિક્ષક, શિક્ષણ માટે છે, એવી ગેરસમજ જ ના રહે.
વારુ, બીજી સરકારી નોકરીઓમાં ક્યાં ય સાંઠેક વધારાની કામગીરીઓ નથી સોંપાતી, તો એનો ઢગલો બોજ શિક્ષકોને જ કેમ? રાષ્ટ્રીય કામગીરીને નામે શિક્ષકો પાસેથી આવી કાળી મજૂરી ફરજિયાત કરાવાય છે, તો, વર્ગ શિક્ષણ પણ રાષ્ટ્રીય કામગીરી ખરી કે કેમ? ન શીખવવાનો પગાર તો શિક્ષકોને નહીં ચૂકવાતો હોય. તો વર્ગ શિક્ષણ નથી થતું એનો વાંધો શિક્ષકોને કેમ નથી પડતો? ભણાવવાનો પગાર અપાતો હોય ને ભણાવવાનું થતું જ ન હોય, તેનું શિક્ષકોને GUILT કેમ નથી? GUILT હોય તો તેનો પડઘો સરકાર સુધી કેમ નથી પડતો? કહેવાય છે કે શિક્ષકોનાં યુનિયનો તોડી નાખવામાં આવ્યાં છે, એટલે પણ વિરોધના સૂર બુઠ્ઠા થઇ ગયા હોય એમ બને. જો કે, એ વાત ગળે ઊતરે તેમ નથી. તે એટલે કે બીજાં ક્ષેત્રોમાં યુનિયનો વિના રોકટોક ચાલતાં હોય, તો શિક્ષકોનાં યુનિયનો જ કેમ તોડી નખાય એ પ્રશ્ન જ છે. બનવા જોગ છે કે યુનિયનો શિક્ષકોને વફાદાર રહેવાને બદલે સરકારને વધુ વફાદાર હોય !
આમ તો વર્તમાનપત્રોમાં-મીડિયા માત્રમાં, સરકાર, શિક્ષક પાસે કૂતરાં ગણાવશે એવા સમાચારો વહેતાં થયા છે, ત્યાં શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમના આદેશ સંદર્ભે માત્ર વિદ્યાર્થીઓ, નાગરિકોની સલામતી નિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે, નહીં કે કૂતરાં ગણવાની ! સુપ્રીમે સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ, બસ ડેપો, રેલવે સ્ટેશનો…માં કૂતરાંના વધતા હુમલાઓ ને ધ્યાને લઈ સુરક્ષા મજબૂત કરવાના આદેશ આપ્યા છે, જેમાં બાઉન્ડરી નક્કી કરી રખડતાં કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત છે. એ જુદી વાત છે કે સુરતમાં રખડતાં કૂતરાં સર્વે ટીમને બહુ મળ્યાં નથી. છેલ્લા 10 મહિનામાં 9,224 કૂતરાં જ મળ્યાં છે. એક તરફ 10 મહિનાની કામગીરીમાં કામગીરીનું ઠેકાણું પડતું નથી ને બીજી તરફ ત્રણ દિવસમાં કૂતરાં ગણવાની કામગીરીનો રિપોર્ટ સરકાર માંગે છે. સુપ્રીમનો આદેશ હોય ને ઉતાવળે રિપોર્ટ મોકલાય તે અપેક્ષિત હોય, તો પણ ત્રણ દિવસમાં રિપોર્ટ માંગવાનું વ્યવહારુ નથી ને તે સરકારની અસંતુલિત નિર્ણય શક્તિનું જ પરિણામ છે. શિક્ષણ વિભાગ તુક્કાઓ પર જીવે છે. તેને અસ્થિર મનોદશામાં રહી રહીને એટેકો આવે છે. ઘડીમાં તે SIRની કામગીરી કરાવે છે, તો ઘડીમાં કૂતરાં, પશુ કે ટોઇલેટ ગણવાનું કહે છે, ઉપરથી વસ્તી ગણતરીનું કામ તો કરમે ચોંટેલું જ છે. તે ઓછું હોય તેમ શિક્ષણ વિભાગને હવે શિક્ષકોને તાલીમ આપવાનો અભરખો જાગ્યો છે. એક તરફ વાર્ષિક પરીક્ષાઓ માથે તોળાઈ રહી છે, ત્યાં તાલીમનું ગતકડું શિક્ષણ વિભાગે કાઢ્યું છે. આમાં વિદ્યાર્થીઓનાં ભણતરની તો કોઈ વાત જ નથી. જેને માટે જાતભાતના વેપલા થાય છે, એ વિદ્યાર્થીઓને લખતાં, વાંચતાં કે ગણતાં આવડતું નથી ને તે સુધારવાને બદલે સરકાર શિક્ષકોને ભળતી જ કામગીરીમાં જોતરે છે.
જિલ્લા શિક્ષણાધિકારીઓને પાઠવાયેલ પરિપત્રમાં ક્યાં ય કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવી એવો ઉલેખ નથી ને શિક્ષણ વિભાગ બાઉન્ડ્રી નક્કી કરી કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત કરે છે. એ પ્રવેશ શિક્ષકોએ જ રોકવો એવો પણ ઉલ્લેખ નથી. તે સાથે જ કૂતરાંના પ્રવેશને રોકવાની કામગીરી કોની પાસે કરાવવી તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી, તો શિક્ષકોને જ કૂતરાં ગણવાનું શૂર છૂટ્યું એમ માનવાનું છે? સરકાર કૂતરાંનો જે તે સંસ્થાઓમાં પ્રવેશ રોકવાની વાત કરે છે, તેમાં શિક્ષકોની કોઈ વાત નથી. આ છટકબારી છે. પ્રવેશ રોકવા બાઉન્ડ્રી કરવાની વાતમાં શિક્ષકો અભિપ્રેત નથી એવું સરકાર કહી શકે એમ છે? ને શિક્ષકો નહીં તો કોણ કૂતરાંનો પ્રશ્ન ઉકેલે તેનો ખુલાસો થવો જોઈએ. શિક્ષકો એવા દેવના દીધેલ નથી કે કૂતરાં ગણવા દોટ મૂકે. એમણે જિલ્લા શિક્ષણાધિકારીએ મોકલેલા પરિપત્રને અનુસરવાનું આવ્યું હોય ને શિક્ષકોને કૂતરાં ગણવાની ફરજ પડી હોય એમ બને. જો આ કામગીરી શિક્ષકોએ નથી કરવાની તો શિક્ષકોને નામે આ વાત ચડી કઈ રીતે? વળી શિક્ષકો આમાં નથી જ, તો તેમના તરફથી વિરોધ ઊઠ્યો કઈ રીતે? એમ લાગે છે કે ઊહાપોહ થતાં સરકારે ફેરવી તોળ્યું છે.
સુપ્રીમના, કૂતરાંને રોકવાના આદેશનું પાલન કરાવવા તો શિક્ષકો જ હાથવગાં છે, એટલે તેમને ન જ કહેવાયું હોય એમ માનવાને કોઈ કારણ નથી. એમ હોય તો પ્રશ્ન એ થાય કે ટોઇલેટ કે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવાનું સરકારને શોભે છે? શિક્ષકની ગરિમા જાળવવાની સરકારની કોઈ જવાબદારી ખરી કે કેમ? એમ લાગે છે કે શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત સુપ્રીમ સુધી નહીં જ પહોંચી હોય. પહોંચી હોત તો સુપ્રીમે જ સંજ્ઞાન લઈને, શિક્ષકો પાસે કૂતરાં ગણાવવા પર રોક લગાવીને સરકારનો ઊધડો લીધો હોત ને શિક્ષકની ગરિમા જાળવી લીધી હોત !
જો કે, શિક્ષકોને કૂતરાં ગણવાનું કહ્યું નથી એમ વિરોધને કારણે સરકાર ભલે કહે, પણ અગાઉ ટોઇલેટ ગણવાના, તીડ ઉડાડવાના કામો માસ્તરો પાસેથી કરાવાયાં જ છે, તો એ અંગે સરકારે શું કહેવાનું છે? પ્રાથમિક શિક્ષણ તો સરકારની છેલ્લી પ્રાયોરિટીમાં પણ નથી તે દુખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ફેબ્રુઆરી 2026
![]()

