Opinion Magazine
Number of visits: 9707453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક તરફ અપડેટ રહેવાની ફરજ પડે ને બીજી તરફ અપડેટ રહેવાનું નિરર્થક લાગે, તો ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2026

રવીન્દ્ર પારેખ

ટેકનોલોજીના ઘણા ફાયદા છે, તે નિર્વિવાદ છે, પણ તેણે સંવેદનશીલ માણસની શાંતિ હરી લીધી છે. એમાં પણ AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની બાબતમાં અનેક તર્કવિતર્ક થતા આવ્યા છે. AIના આવવાથી અનેક સમસ્યાઓ સર્જાશે, એમ કહેવાય છે, તો તેનાથી સગવડો ઊભી થશે, એમ પણ કહેવાય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે હ્યુમન બ્રેઈનથી ચડિયાતું જગતમાં બીજું કંઇ નથી. એમાં કોઈ શંકા નથી કે AI અન્ય ટેકનોલોજીની જેમ માણસની મદદ માટે જ છે, તેના લાભ દેખાઈ પણ રહ્યા છે, પણ તેના ગેરલાભ પણ છે જ ! સૌથી વધારે હાઉ અત્યારે નોકરીઓ જવાનો છે. આમ તો AIને લીધે નવી નોકરીઓ પણ સર્જાઈ છે, છતાં નોકરીઓ જવાનો ડર સાવ પાયા વગરનો નથી. એવું બનવાનું કે બધા જ ઇચ્છા છતાં, ટેકનોલોજીથી અપડેટ ન હોય, એ સ્થિતિમાં નોકરીઓ પર જોખમ ઊભું થવાનું. એ સંજોગોમાં જે સ્કિલ્સથી અપડેટ હશે, તેની નોકરી રહેશે ને જે અપડેટ નથી, એમની નોકરીઓ જશે. એ જળવાય એની ખાતરી નથી.

એ પણ છે કે બધા, બધી જ વાતે અપડેટ ન પણ હોય. એવું હોત તો બધા જ વકીલ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ હોત, પણ એવું નથી. બધાં જ નંબર વન હોત તો બીજા નંબરની જરૂર જ ના હોત. બધા જ સફળ હોત, તો ‘નિષ્ફળ’ જેવા શબ્દનું અસ્તિત્વ પણ ન હોત ! હાલ નોકરી કરતા ઘણાં નોકરિયાતો AIને લીધે નોકરી ગુમાવશે, એથી વધુ નિષ્ફળતા બીજી કઈ હોવાની હતી? બને છે એવું કે પક્ષપાતી વલણને કારણે ઘણાંને AI દ્વારા નોકરી ખવાઈ જશે એમ લાગે છે, તો એટલા જ ‘ઘણાં’ને કારણે નવી નોકરીઓનું સર્જન થશે, એવું પણ લાગે છે. એ હકીકત છે કે AIને કારણે 2025માં અમેરિકામાં 549 કમ્પનીઓમાં 1,50,00૦થી વધુએ નોકરીઓ ગુમાવી છે. નોકરીઓ નવી સર્જાશે એ ખરું, પણ 1,50,00૦ લોકોએ હાલ તુરત તો નોકરી ગુમાવી જ છે ને એટલી નોકરી નવી ઊભી થઈ છે એવી કશી જાહેરાત નથી.

તે સાથે જ એક ઓપન AI કમ્પનીના સી.ઈ.ઓ. સેમ ઓલ્ટમેને એવી ખુશ ખબર પણ આપી કે આવનારાં વર્ષોમાં નોકરીઓમાં ક્રાંતિકારી ફેરફારો આવતા, નોકરીઓ જશે, પણ 2035 સુધીમાં કેટલાં ય સેક્ટર્સમાં પગાર આકાશને આંબશે. એ પણ છે કે જે નોકરી ચાલુ હશે, ત્યાં પણ ડિગ્રી નહીં, પણ AI સ્કિલ્સ જ જરૂરી બનશે. ટૂંકમાં, નોકરીઓ, ડિગ્રીઓની કિંમત નહીં રહે. લાખો નોકરીઓને ભોગે, AI સ્કિલ્સનું જ વર્ચસ્વ રહેશે. એ સ્કિલ્સ માટે ડિગ્રીઓની જરૂર રહેશે કે કેમ, તેનો ફોડ પડ્યો નથી, હા, એ જાણનારનો પગાર આકાશને આંબતો હશે એ નક્કી !

ઘણાંને નોકરી વગરના કરી, થોડા જાણકારોને આકાશ આંબતો પગાર આપીને, બાકીનાઓને જીવવા લૂંટ ચલાવવી પડે એવી વ્યવસ્થાનો કદાચ કોઈને જ વાંધો નથી. ભારતમાં તો આમે ય લાખો ડિગ્રીધારીઓ નોકરીની રાહ જોવામાં ઉંમર ખુટાડી રહ્યા છે, ત્યાં AIનું આક્રમણ તેમને કયું આશ્વાસન પૂરું પાડશે એ પ્રશ્ન જ છે. જે આવે છે તે અપડેટ રહેવાનું જ સૂચવે છે. અપડેટ રહેવાથી મેળવવાનું શું છે, તો કે આકાશ આંબતો પગાર ! એ વિદેશમાં હશે કદાચ, પણ ભારતમાં પગારને નામે આકાશ જ હાથમાં આવે એવી શક્યતાઓ વધારે છે. પ્રશ્ન તો એ રહે કે આટલા બધા અપડેટ રાખીને આપણે ત્યાં તેનો કોઈ અર્થ રહે એમ છે? અપડેટ હોવું નોકરીના ચાન્સ વધારે કદાચ, પણ તેથી નોકરીની સલામતીની કોઈ ખાતરી મળતી નથી.

ઘણાં ક્ષેત્રોમાં નોકરિયાતોને અપડેટ રાખવાના ગંભીર પ્રયત્નો થાય છે, એ રીતે બધા અપડેટ રહેવા મથે પણ છે, પણ સવાલ એ છે કે એમ અપડેટ રહેવાનો કોઈ અર્થ જ ન રહેતો હોય તો શું કરવાનું? ગયા ગુરુવારના જ સમાચાર છે કે DEO કચેરી, સુરતમાં ‘ઉચ્ચ શિક્ષણના પડકારો અને ગુણવત્તા’ એ વિષય પર 5 યુનિવર્સિટીના કુલપતિઓની એક બેઠક મળી. એમાં શું થયું તે તો નથી ખબર, પણ શિક્ષણનું ભલું કરવા અંગે, અપડેટ રહેવા અંગે વાતો થઇ હશે એમ કલ્પી શકાય. એકતરફ અપડેટ રહેવાનું સૂચવાય ને બીજી તરફ ઇન્ટર્નશિપ અંગે ગુજરાત યુનિવર્સિટી પાસે, વ્યવસ્થાનો પૂરતો સમય હોવા છતાં 8 જાન્યુઆરી સુધી તો દોડાદોડી અને અરાજકતાનો જ માહોલ જોવા મળ્યો છે. નવી એજ્યુકેશન પોલિસીમાં ઇન્ટર્નશિપનો આગ્રહ 2020થી રખાયો હોવા છતાં, કેટલીક યુનિવર્સિટીઓમાં જે ઉદાસીનતા જોવા મળી છે તે પોલિસીની ધરાર અવગણનાથી વિશેષ કંઇ નથી. નવી પોલિસી પ્રમાણે જેમણે પહેલાં સેમેસ્ટરમાં પ્રવેશ લીધો હતો, તેઓ હવે ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયા છે ને નિયમ પ્રમાણે છેલ્લા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ ફરજિયાત છે ને તેને અંગે યુનિવર્સિટીની કોઈ ગંભીરતા ન જણાતી હોય તો અપડેશન મજાક જ બની રહે કે બીજું કંઇ?

એવી જ રીતે સુરતની 210 સરકારી તેમ જ ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે 6થી 8 જાન્યુઆરી દરમિયાન તાલીમનું આયોજન થયું. તાલીમમાં આચાર્યો સબળ નેતૃત્વ કઈ રીતે પૂરું પાડી શકે એની વાત થવાની હતી, પણ શિક્ષકો BLOની કામગીરીમાં મહિનાઓથી સ્કૂલોમાં જ જઈ શકતા ન હોય ને બેત્રણ વર્ગના બાળકોને ભેગા કરીને આચાર્યે જ ભણાવવું પડતું હોય ત્યાં નેતૃત્વ કોનું ને શાનું કરવાનું? રાજ્યની ધોરણ ૩થી 8ની ત્રિમાસિક પરીક્ષા 2 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત થઈ હતી, પણ શિક્ષકો 13 ફેબ્રુઆરી સુધી BLOની કામગીરીમાંથી જ પરવારે એમ નથી, તો પરીક્ષા લેવાશે કે કેમ તે સ્પષ્ટ નથી. પરીક્ષા સ્થગિત કરવાની માંગ હતી, પણ આગળ શું થયું તેની વિગતો જાહેર થઈ નથી. મતદાર યાદી સુધારણાને લીધે પરીક્ષા મોકૂફ રહે એમ બને. ધારો કે મોકૂફ ન રહે ને પરીક્ષા લેવાય, તો તે ભણાવ્યા વગર જ લેવાની થશે, કારણ વર્ગ શિક્ષણ તો લગભગ થયું જ નથી.

કોરોના પછી, વર્ગ શિક્ષણની ગંભીરતા ઘટી છે ને પરીક્ષા લેવાય કે ન લેવાય, માસ પ્રમોશન કે અન્ય રીતે વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એની કાળજી રખાય છે, એનું પરિણામ એ આવ્યું છે કે 8માં સુધીના વિદ્યાર્થીનું વાચન, ગણન નબળું રહી જવા પામ્યું છે. આમાં તાલીમ અને અપડેશનનો કોઈ અર્થ રહે છે? આખું પ્રાથમિક શિક્ષણ પોકળ થઇ ગયું છે. બહારથી બધી ટાપટીપ ચાલે છે, સાધન સામગ્રી પણ પૂરાં પડે છે, પણ જે વિદ્યાર્થીઓ માટે એ થાય છે, એ તો જેવા આવ્યા છે એવા જ કોરા ઘરે પાછા જાય છે. આ તો સ્કૂલ બંધ હોય, વિદ્યાર્થીઓ ગોંધાયેલા હોય, બહારથી શૈક્ષણિક સામગ્રી પણ અંદર પહોંચવા ઉત્સુક હોય, પણ પહોંચાડનારાઓ જ બહારથી અંદર જવાને બદલે, બીજી કામગીરીઓમાં રોકાયેલા હોય તે યોગ્ય છે? ખર્ચ, ઢગલો થાય છે, પણ વિદ્યાર્થીઓ તેનો લાભ લે એવી વ્યવસ્થા લગભગ રહી નથી.

સુરતની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનાં નવાં ભવન તૈયાર થઇ રહ્યાં છે, આધુનિક પ્રયોગશાળાઓ, ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ … વગેરેમાં અઢળક ખર્ચ થાય છે. છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો ખર્ચમાં 80 ટકાનો વધારો થયો છે. શૈક્ષણિક વર્ષ 2021-’22માં વિદ્યાર્થી દીઠ 31,902નો ખર્ચ થતો હતો તે વધીને હવે 55,383 રૂપિયા થયો છે. ટૂંકમાં, પાંચ વર્ષમાં વિદ્યાર્થી દીઠ ખર્ચ 23,50૦ વધ્યો છે. એની સામે બાળકોની શૈક્ષણિક ગુણવત્તા ખાડે ગઈ છે. બધું હોય ને વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકો જ ન હોય તો બધો ખર્ચ ખાતર પર દિવેલ જ થાય કે બીજું કંઇ? ગુજરાત જ કદાચ એવું રાજ્ય છે કે બેકારીમાં માસ્તરો પાસે નોકરી નથી ને સ્કૂલમાં બાળકો પાસે શિક્ષકો નથી. શિક્ષણ તો એક ઉદાહરણ તરીકે લીધું, પણ અન્ય ક્ષેત્રોમાં પણ ઉજવણાં ને ઉઠમણાં સમાંતરે ચાલે છે. શિક્ષિત બેકારોની સ્થિતિ એવી દયનીય છે કે AI બીજી કેટલી નોકરીઓ ભરખી જશે તે ચિંતાનો વિષય છે. અપડેટ થાવ કે આઉટડેટેડ થઇ જાવ એવા દિવસો આવ્યા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જાન્યુઆરી 2026

Loading

12 January 2026 Vipool Kalyani
← તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 
વિભાજન  →

Search by

Opinion

  • ગઝલ
  • તોડફોડના રાજકારણનો શોભીતો ઉત્તર ખંગાળવો જ રહ્યો!
  • જુઇશ પ્રજાએ સત્યાગ્રહ કર્યો હોત તો?
  • હું છું, મારી ભાષા છે, પણ આશા ક્યાં છે?
  • મનથી મન તરફ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ
  • ગઝલ – 1/2

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved