
રમેશ ઓઝા
જે જાણીબૂજીને ખોટું બોલતા હોય, જે જાણીબૂજીને દુષ્પ્રચાર કરતા હોય, જેમને જૂઠનો સહારો લઈને કોઈને બદનામ કરવામાં શરમ કે સંકોચ ન થતો હોય એવા લોકોને સત્યનાં પ્રમાણો આપીને જ્ઞાન પીરસવાનો કોઈ અર્થ ખરો? જે લોકો જાણે છે કે આપણા નેતા ખોટું બોલીને કોઈને બદનામ કરી રહ્યા છે અને છતાં તેનું સમર્થન કરે અને દુષ્પ્રચાર તેમ જ ચારિત્ર્યહનનમાં ભાગીદાર બને એવા સમર્થકોને પણ જ્ઞાન પીરસવાનો કશો અર્થ ખરો? લોકસભામાં વંદે માતરમ્ ગીતની ૧૫૦મી જયંતી પ્રસંગે બોલતા વડા પ્રધાને હંમેશ મુજબ નેહરુને ગાળો દીધી અને પછી ગૃહમાં સત્યનો સામનો ન કરવો પડે એ માટે ચાલી ગયા. આ પણ કોઈ નવી વાત નથી. બરાડા પાડીને, જાડા અભિનય સાથે ખોટું બોલીને ચાલી જનારાઓને પણ જ્ઞાન પીરસવાનો કોઈ અર્થ ખરો?
વડા પ્રધાન તો ચાલી ગયા, પણ એ પછી લોકસભામાં વંદે માતરમ્ પર ચર્ચા થઈ જેમાં જવાહરલાલ નેહરુનાં જ વંશજ પ્રિયંકા ગાંધી મેદાન મારી ગયાં. તેમણે પ્રમાણો સાથે, મૂળ પત્રો અને મિનિટસ ટાંકીને, વંદે માતરમ્ને ટૂંકાવવાનો નિર્ણય લેનારાઓના નામ આપીને અને એ નિર્ણય કોઈ પણ પ્રકારના ભિન્ન સૂર વિના સર્વાનુમતે લેવાયો હતો તેનું પ્રમાણ આપીને કોઈ પ્રગલ્ભ સંસદસભ્યને છાજે એવો જવાબ આપ્યો. પણ એમાં રસ કોને હતો? ન એ બોલનારાને અજ્ઞાન દૂર કરવામાં રસ છે કે નથી તેના સમર્થકોને. તેઓ આ બધું જાણીબૂજીને કરે છે. પાથીએ પાથીએ તેલ રેડો તો પણ તેઓ એ જ કરવાના છે જે કરી રહ્યા છે.
તેઓ અજ્ઞાની નથી, તેમનો એજન્ડા છે. સમર્થકો પણ ભૂંડભક્તો નથી, એજન્ડાના સમર્થકો છે. જે મોટી મોટી વાતોથી અને કહેવાતા ગુજરાત મોડેલથી ભરમાયા હતા એમનો ભ્રમ ક્યારનો ભાંગી ગયો છે.
અહીં એક પ્રશ્ન વિચારવા જેવો છે. ૧૮૮૫માં જ્યારે કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે દેશના કેવા કેવા દિગ્ગજોએ આગળ આવીને કાઁગ્રેસની સ્થાપના કરી હતી? ૧૯મી સદીના લગભગ તમામ મહાન નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. મુસલમાનો, બહુજન સમાજ, સીખો અને બીજા કેટલાક સમાજના નેતાઓના મનમાં થોડીક શંકાકુશંકા હતી તો તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાઁગ્રેસની સ્થાપના થઈ એ પછીનાં ત્રણ દાયકામાં દેશના કેવા કેવા મહાપુરુષો તેમાં જોડાયા હતા. એ સમયના કોઈ પણ મહાપુરુષનું નામ બોલો અને તેમનો કાઁગ્રેસ સાથેનો સંબંધ જોવા મળશે. ૧૯૧૫માં ગાંધીજીના આગમન પછી કાઁગ્રેસે કેવા કેવા મહાપુરુષોને પેદા કર્યા એ તરફ પણ નજર કરો. જો ગણવા બેસશો તો ઓછામાં ઓછા દસ હજાર પ્રતાપી પુરુષોનો કાઁગ્રેસનો સંગાથ હતો. દરેક વર્ગના, દરેક સમાજના, દરેક પ્રદેશના, દરેક ભાષાના દિગ્ગજો કાઁગ્રેસમાં હતા. સાહિત્યકારો અને કલાકારો પણ. કાઁગ્રેસ તો રાષ્ટ્રીય સંસ્થા હતી, આપણે પૂર્વ ભારતના એક ખૂણે સ્થપાયેલી શાંતિનિકેતન નામની સંસ્થાની વાત કરીએ. એક વ્યક્તિએ સ્થાપેલી નાનકડી સંસ્થા. એમાં કેવા કેવા દિગ્ગજો જોડાયા અને તેણે કેવા કેવા દિગ્ગજો પેદા કર્યા? ક્ષિતિમોહન સેન, અમર્ત્ય સેન, નંદલાલ બોઝ, હજારી પ્રસાદ દ્વિવેદી, બલરાજ સાહની જેવા સોએક નામ હું વગર પ્રયાસે ગણાવી શકું.
હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરીએ જેની શતાબ્દી ઉજવવામાં આવી રહી છે. તેની સ્થાપનામાં કોણ મહાપુરુષો હતા? ૨૦૧૦ સુધી અંદાજે ૮૦ ટકા ભારતીય પ્રજાએ તેમનાં નામ પણ નહોતાં સાંભળ્યાં. સંઘની સ્થાપના પછી એવા કોણ દિગ્ગજ હતા જે તેમાં જોડાયા? અને ત્રીજો સવાલ, સંઘે કેટલા પ્રતાપી પુરુષોને પેદા કર્યા જેનું જે તે ક્ષેત્રમાં અવ્વલ દરજ્જાનું યોગદાન હોય? સો વરસ એ કોઈ નાનોસૂનો સમયગાળો નથી. શાંતિનિકેતન નામની નાનકડી સંસ્થા સો મેધાવી મહાપુરુષને જોડી શકે કે પેદા કરી શકે અને આ ધરતી પરનું સૌથી વિરાટ સંગઠન એક પણ દિગ્ગજને આકર્ષી ન શકે કે ન પેદા કરી શકે ત્યારે વિચારવું જોઈએ કે આ જે ફરક છે એ શેનો ફરક છે. ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ શરૂઆતના ચાર દાયકા એક લચીલા પ્લેટફોર્મના સ્વરૂપમાં હતી, તેનું સંઘ જેવું ચુસ્ત સંગઠન પણ નહોતું. તેનાં દેશભરમાં સર્વત્ર કાર્યાલય નહોતાં કે પૂર્ણકાલીન કાર્યકર્તા નહોતા. દાયકાઓ સુધી કાઁગ્રેસનું વડું મથક અલ્હાબાદમાં મોતીલાલ નેહરુના મકાન આનંદભવનમાં હતું.
તો સાહેબ, મૂળભૂત ફરક આ છે અને એ ફરક છે સપનાંનો અને એજન્ડાનો. ૧૯મી સદીમાં જે લોકોએ કાઁગ્રેસની સ્થાપના કરી એ લોકો ભારત વિષેનું સપનું જોનારા લોકો હતા. એ સપનું એકંદરે એક સમાન હતું, પણ એક સરખું નહોતું. મતભેદ હતા, થોડીક શંકાઓ હતી, અલગ અલગ બાબતો પર વિશેષ ભાર આપવામાં આવતો હતો, થોડા આગ્રહો પણ હતા. ત્યારે દરેકને એક વાત સમજાતી હતી કે આઝાદ અને આધુનિક ભારતનું સપનું સાકાર કરવું હોય તો સહિયારાપણું જોઈએ અને સહિયારાપણા માટે થોડી બાંધછોડ કરવી જોઈએ, બીજાને સાંભળવા જોઈએ. સહિષ્ણુતા જોઈએ. છેક ૧૯મી સદીમાં, જવાહરલાલ નેહરુ હજુ છ વરસના બાળક હતા ત્યારે વંદે માતરમ્ ગીતના માત્ર પહેલા બે અંતરા ગાવાનો નિર્ણય લેવાયો હતો. એ નિર્ણય ઠરાવ રૂપે નહોતો, વ્યવહારમાં હતો. બીજું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ મૂળમાં બે અંતરા જ લખ્યા હતા જેને પાછળથી વિસ્તારવામાં આવ્યા હતા. માત્ર બે જ અંતરા લેવા પાછળનું કારણ એ હતું કે વિસ્તારવામાં આવેલું ગીત હિંદુ સાંપ્રદાયિક છે, ગાવામાં મુશ્કેલ છે, ઉચ્ચાર કરવામાં તકલીફ પડે અને મોઢું ભરાઈ જાય એવા ભારેખમ સંસ્કૃત શબ્દો તેમાં છે અને શબ્દકોશની સહાય વિના સમજવું અઘરું છે. આખું ગીત લોકપ્રિય થઈ શકે એવું છે જ નહીં. થયું પણ નથી. તેની સાંપ્રદાયિકતાને કારણે મુસલમાનોનો વિરોધ હતો અને તેની સંસ્કૃતપ્રચુરતાને કારણે બહુજન સમાજનો વિરોધ હતો. એ લોકો તો આધુનિક ભારતનું સપનું જોનારા લોકો હતા અને સપનું સાકાર કરવાની પ્રતિબદ્ધતા ધરાવનારા ઈમાનદાર લોકો હતા એટલે દૂરાગ્રહ નહોતો કર્યો. સમાધાનો કરતા હતા, સંમતિ બનાવતા હતા અને આગળ વધતા હતા.
તેમણે માત્ર વંદે માતરમની બાબતે સમાધાન નથી કર્યું (જો એ સમાધાન લાગતું હોય તો) બીજી અનેક બાબતે સમાધાન કર્યાં છે. છેક ૧૮૮૫થી ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં બંધારણ મંજુર રાખવામાં આવ્યું ત્યાં સુધી કાઁગ્રેસના નેતાઓ સમાધાનો કરતા આવ્યા છે. કાઁગ્રેસીઓએ આપસ આપસમાં સમાધાનો કર્યાં છે. ભાષાકીય પ્રાંત-રચના આનું એક ઉદાહરણ છે. ૧૮૮૫થી ૧૯૪૯ સુધી તેમણે કરેલાં સમાધાનોનાં કમ સે કમ સો ઉદાહરણ હું આપી શકું એમ છું જો સંઘને જરૂર હોય તો. ગાળો આપવા માટે, બદનક્ષી કરવા માટે, ચારિત્ર્યહનન કરવા માટે, રાઈનો પર્વત કરવા માટે કામ આવશે. જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. બાંધછોડ શબ્દ જ સૂચવે છે એમ એમાં બે કે બે કરતાં વધુ પક્ષ હોય છે. એક મેળવે છે (બાંધે છે) અને એક છોડે છે. દરેકની સંતુષ્ટિ અને આગળ વધવા માટે સંમતિ કેન્દ્રમાં છે.
પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ યોગ્ય કહ્યું છે કે ચાલો, આપણે એક વાર સંસદમાં ચાલીસ-પચાસ કલાક બેસી જઈએ જેમાં તમારે કાઁગ્રેસની, ગાંધીજીની, નેહરુની, ઇન્દિરા ગાંધીની, રાજીવ ગાંધીની, નેહરુ પરિવાર અને પરિવાદવાદની, કાઁગ્રેસીઓની જેટલી નિંદા કરવી હોય, ગાળો દેવી હોય, બદનામી કરવી હોય, ઠઠ્ઠા કરવી હોય એ કરી લો, પેટ ભરીને કરી લો, કશું ન બચે ત્યાં સુધી કરી લો પણ એ પછી માત્ર અને માત્ર વર્તમાનની વાત કરવાની.
પણ એ લોકો વર્તમાનમાં નહીં આવે, કારણ કે તેમની પાસે ભારત વિશેનું કોઈ સપનું નથી, એજન્ડા છે. સપનામાં અને એજન્ડામાં શું ફરક હોય છે એની વાત હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ડિસેમ્બર 2025
![]()

