સવાલ થાય કે માણસને આજે સાહિત્યકલા અને તેના મહિમાની જાણ છે ખરી. નોબેલ ઇનામ વિશ્વના જ્ઞાની-વિજ્ઞાનીઓ અને સાહિત્યકારોને દર વર્ષે અપાય છે એના સમાચારો એના સુધી પ્હૉંચે છે ખરા? પ્હૉંચે એ માટે એના કાન-આંખો ખુલ્લાં છે ખરાં? આ સવાલોના જવાબ રૂપે એક સાર્વત્રિક અજ્ઞાનની લહર અનુભવાય છે. ઇન્ફો એજમાં એ લહર અસ્વાભાવિક લાગે છે.
૨૦૨૫નું સાહિત્ય માટેનું નોબેલ હંગરીના સાહિત્યકાર László Krasznahorkai(1954 – )ને એનાયત થયું એ ઘટના અને અનોખી નવલકથાઓના એ સર્જક લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈની સૃષ્ટિ સંદર્ભે સ્વીડિશ અકાદમીએ કહ્યું કે for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art, એ ઉક્તિ ધ્યાનપાત્ર છે.
બાબુ સુથારે એ વિશે તરત અર્થપૂર્ણ નૉંધ લીધી એની આપણે સૌએ નૉંધ લેવી ઘટે છે.
સ્વીડિશ અકાદમીના વિધાનનો મતલબ છે : લાઝ્લોની સૃષ્ટિમાં એવું વિચારણીય દર્શન છે કે ત્રાસ-સંત્રાસના આ apocalyptic સમય વચ્ચે કલાની સત્તાને એ એક વાર ફરીથી સુદૃઢ કરે છે.

લાઝ્લો ક્રાઝ્નાહોર્કાઈ
પ્રતિભાવમાં લાઝ્લોએ એવા મતલબનું કહ્યું કે literature offers a way to survive “these very difficult times on Earth,” and that without reading, life would be “absolutely different.” એટલે કે ધરતી પરના આ કઠોર સમયમાં ટકી રહેવા માટેનો એક જ ઇલાજ વાચન છે, અને એથી જીવન ત્યારે સાવ જ જુદું અનુભવાશે.
‘ઍપોકલિપ્સ’ એટલે ગ્રીક મૂળ અનુસાર, પ્રાગટ્ય; એવું પ્રાગટ્ય જેમાં છુપાયેલા સત્યનો આપણને સાક્ષાત્કાર થતો હોય છે. આજકાલ ‘ઍપોકલિપ્સ’ સંજ્ઞા એવા મતલબ માટે પણ પ્રયોજાય છે કે એક એવું ભયાનક સંકટ કે દુર્ઘટના, જે સર્વનાશ અને વિશ્વના અન્તની આગાહી કરે છે. જાણીતું છે કે ‘ગીતા’-માં કૃષ્ણ સર્વનાશની સંભવિતતા સૂચવીને અર્જુનને એ મહાસંકટનો સાક્ષાત્કાર કરાવી શકેલા, જેને પરિણામે અર્જુન સ્વધર્મની સ્મૃતિને પુન:પ્રાપ્ત કરી શકેલો. લાઝ્લોની નવલકથાઓ એવી જ કશીક પ્રાપ્તિ માટે વાચકોને સંકોરે છે, સંડોવે છે.
વાત એમ છે કે સુખ્યાત વિદુષી સદ્ગત સુસાન સૉન્ટાગે વરસો પર લાઝ્લોને મહાસંકટ-પ્રાગટ્યના માસ્ટર કહેલા – the contemporary Hungarian master of apocalypse. લાઝ્લો વિશેના અનેક પ્રોફાઇલ્સ અને લેખોમાં આ સંકેતનો ઉલ્લેખ થયેલો છે, જે હવે સ્વીડિશ અકાદમીના વિધાનમાં પણ પ્રગટ્યો. સુસાને આ સંકેત લાઝ્લોની નવલકથાઓના અંગ્રેજી અનુવાદો સંદર્ભે, ખાસ તો, The Melancholy of Resistance અને War and War સંદર્ભે, ૨૦૦૦ આસપાસ કરેલો. મને એમાં સુસાનની એક સાહિત્યચિન્તક તરીકેની વિલક્ષણ પ્રતિભાની ઓળખ મળે છે.
લાઝ્લો યુરપની યુદ્ધોત્તર પેઢીના મહત્ત્વના સાહિત્યકાર છે. એમણે એકહથ્થુવાદી શાસનો અને સાંસ્કૃતિક પતનનો ઇતિહાસ માત્ર જાણ્યો નથી, પણ જીવી જાણ્યો છે.
મને લાઝ્લોની રચનાઓ વાંચવાની તક નથી મળી. સમાચારો અને લેખોને આધારે એમની વાત જરૂર થઈ શકે, પણ એમના સર્જન કે દર્શન વિશે હું હાલ કશું જ ન કહું કેમ કે સર્જનનાં ભાવન અને રસાનુભવ વિના કહેવું કે લખવું મારી દૃષ્ટિએ પ્રજ્ઞાપરાધ છે.
પરન્તુ લાઝ્લોનું દૃષ્ટાન્ત એક તરફથી વસ્તુ અને રૂપની – content અને formની – પરમ્પરાગત ચર્ચાને દૃઢ કરે છે, સમજાવે છે કે દર્શન અને સર્જનનું કલામય સાયુજ્ય અને તેની એકરૂપતા શું હોઈ શકે. એ પરોક્ષપણે સર્જકના ધર્મને તેમ જ તેના સર્જનકર્મને સૂચવે છે. સર્જક પોતાની સર્જકતાને પ્રતાપે સમગ્ર માનવસભ્યતામાં જામેલી કોઈપણ સિસ્ટમ વિશે પ્રશ્ન કરે, પ્રતિકાર કરે, તેને નકારે, અને કલારૂપ આપે એ સાહિત્યકલાની દુનિયાનો પાયો છે. એ અર્થમાં સર્જક સાત્ત્વિક વિદ્રોહી છે, પુણ્યપ્રકોપનો અધિકારી છે. લાઝ્લોની સૃષ્ટિના અનુભવીઓ કહી શકે કે તેઓ એ અધિકારના પૂરા અધિકારી છે.
પણ બીજી તરફથી, લાઝ્લોનું દૃષ્ટાન્ત વાચકસમાજને પણ તેના ધર્મ ચીંધે છે. આપણે વાચકો પ્રસિદ્ધ દુરિતોને ઓળખીએ, માનવીય આન્તર-વેદના અને અસ્તિત્વ સામે ઊભા થયેલા ભયના વિધ વિધના કર્તાઓને અને તેમણે રચેલી સત્તાકીય ગતિવિધિઓને ઓળખીએ. લોકશાહો બહુમતિના જોરે મનઘડંત નિર્ણયો લઈને સિદ્ધ અને નીવડેલા પણ તેથી પ્રેરક માનવીય દ્રવ્યનો હ્રાસ કરી રહ્યા છે, એ દુ:સ્વપ્નને જાણીએ. એ દુ:સ્વપ્નના વિદારણ માટે જમણેરી-ડાબેરી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે ખરી પણ ધ્યાન રહે કે એનું ય રાજકારણ છે.
કહેવાય છે કે લાઝ્લોના નાયકો ભાષા, તર્ક અને શ્રદ્ધાઓનો ધ્વંસ અનુભવતા હોય છે; આજે પ્રત્યેક માણસ પણ એ જ અનુભવે છે. કેટલીયે વ્યક્તિઓ અંધાધૂંધી એકલતા અને અસંગતિ કે અર્થહીનતાનો સામનો કરી રહી છે. લાઝ્લો કલાની સત્તાએ જોઈ શકેલા કે મનુષ્યજાતિ એથી ત્રાસ-સંત્રાસ વેઠી રહી છે, અને તેઓ સૂચવે છે કે તેનો સાક્ષાત્કાર કરીએ.
લાઝ્લોના કોઈપણ વાચકે જાતને પૂછવાની જરૂર છે કે પોતે એ ધ્વંસનો શિકાર બન્યો છે કે કેમ. એવું આત્મનિરીક્ષણ કશોક બોધ જનમાવશે, જેને સાહિત્યશાસ્ત્રીઓ ‘કાન્તાસમ્મિત ઉપદેશ’ કહે છે.
કલાસર્જન જેવી કાન્તા એકે ય નથી, લાઝ્લોની સૃષ્ટિ એનું દૃષ્ટાન્ત ભાસે છે.
= = =
(121025A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર