6 ઓક્ટોબર 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક દુઃખદ ઘટના બની. CJI-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ સાહેબ સમક્ષ ચાલતા કેસ દરમિયાન વકીલ રાકેશ કિશોરે (ઉંમર 71) ચીફ જસ્ટિસ તરફ જૂતું ફેંકવાની કોશિશ કરી હતી અને નારા લગાવ્યા હતા કે ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન.’
ચીફ જસ્ટિસ સાહેબે બિલકુલ ચલિત થયા વિના કેસની સુનાવણી ચાલુ રાખી. એટલું જ નહીં વકીલ રાકેશ કિશોરને તેમનું જૂતું પરત કરાવ્યું અને જૂતું ફેંકનારને છાંડી મૂકવા પોલીસને સૂચના આપી !
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ રાકેશ કિશોરને તાત્કાલિક અસરથી વકીલાતની પ્રેક્ટિસ કરવામાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
આ દુઃખદ ઘટના બાદ શરમજનક ઘટના એ બની કે કેટલાક ગોડસેવાદીઓએ જૂતું ફેંકવાની બાબતનું સમર્થન કર્યું ! અંધભક્તોને તો વકીલ રાકેશ કિશોરમાં ગોડસેના દર્શન થયા ! માની લઈએ કે ચીફ જસ્ટિસે સનાતન ધર્મનું અપમાન કર્યું હોય તો તેની સજા આપવાનો અધિકાર વકીલ રાકેશ કિશોર પાસે હતો? હિંસક બની જૂતું ફેંકવાનું? શું કોઈ ગોડસેની જેમ કોઈ વકીલ ધર્મનો ‘સ્વઘોષિત ઠેકો’ લઈ શકે? શું સનાતન ધર્મ જજ પર જૂતું ફેંકવાની મંજૂરી આપે છે? ચીફ જસ્ટિસ દલિત છે, એ બાબત સ્વઘોષિત ઠેકેદારોને કઠી હશે?
બંધારણ અને સનાતન વચ્ચેનો સંઘર્ષ એ જ દિવસે શરૂ થયો હતો જ્યારે CJI બન્યા પછી જસ્ટિસ બી.આર. ગવઈ પહેલી વાર મુંબઈ આવ્યા હતા, પરંતુ મુખ્ય મંત્રી ફડણવીસ કે DGP શુક્લા તેમને મળવા પણ ગયા ન હતા. મુંબઈમાં આ વર્તન કે દિલ્હીમાં જૂતું ફેંકવાની ઘટના ગોડસેવાદી માનસિકતાનું ઉદાહરણ છે.
ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિના પુનઃનિર્માણ માટેની અરજીને અયોગ્ય ઠરાવતા CJI ગવઈએ કહ્યું હતું કે “આ અરજી વ્યર્થ છે અને પ્રચાર માટે છે. જો અરજદારોને ભગવાનમાં શ્રદ્ધા હોય, તો તેમણે પોતે ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ. અને ધ્યાન કરવું જોઈએ. કારણ કે આ મુદ્દો ASI-ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારક્ષેત્રમાં આવે છે.” આટલી ટિપ્પણીમાં સનાતનનું અપમાન થઈ ગયું !
વિચારો; જો દેશના ચીફ જસ્ટિસ સાથે શરમજનક હરકત થઈ શકતી હોય તો દેશના સામાન્ય લોકો પર ગોડસેવાદીઓ કેટલો જુલમ કરતા હશે? સનાતનનું ભૂત વિશેષ વર્ગના લોકોમાં કઈ રીતે ધૂણી રહ્યું છે? 71 વર્ષની ઉંમર થઈ છતાં વિવેક કેમ ગુમાવી દીધો હશે?
દેશમાં વર્ષોથી એટલું ઝેર ફેલાવ્યું છે કે હવે મોદીજી તેને રોકી શકે તેમ નથી. CJI તરફ જૂતું ફેંકવાની ઘટના, ત્યારબાદ કેટલાક લોકો દ્વારા તેમને ટેકો આપવો, એ કોઈ સામાન્ય ઘટના નથી. વડા પ્રધાન જ્યારે જાહેર મંચો પરથી નફરત ફેલાવતા હોય ત્યારે અંધભક્તો સનાતન ધર્મના સ્વઘોષિત એમ્બેસેડર બની જાય છે ! મોદીજી જાણે છે કે દેશની મોટાભાગની સિસ્ટમો હવે તેના ઈશારે ચાલે છે. સંસદ, મીડિયા, એજન્સીઓ, ચૂંટણી પંચ – તેમણે દરેક વસ્તુ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પરંતુ એક ક્ષેત્ર એવું છે જે હજુ પણ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં આવ્યું નથી – ન્યાયતંત્ર ! અને તે હવે વાસ્તવિક લક્ષ્ય છે ! નિશિકાંત દુબેનું નફરતી નિવેદન ‘ભૂલ’ નહોતી, તે એક સંકેત હતો. નફરત ઇકોસિસ્ટમમાંથી જારી કરાયેલ કોડ, જે સમગ્ર મશીનરીને સક્રિય કરે છે. જેનો વાસ્તવિક હેતુ ન્યાયતંત્ર પર નિયંત્રણ છે.
તેઓ જાણે છે જ્યારે અંતિમ ન્યાય પણ ડરી જશે, તો અંતિમ આશા પણ મરી જશે !
ભારતીય બંધારણની ડ્રાફ્ટ કમિટીના ચેરમેન ડો. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું : “જો હિન્દુ રાષ્ટ્રની રચના થાય, તો તે નિઃશંકપણે આ દેશ માટે ગંભીર ખતરો ઊભો કરશે. હિન્દુઓ ગમે તે કહે, પણ હિન્દુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે. હિન્દુરાજને કોઈપણ કિંમતે અટકાવવું જોઈએ.”
06 ઓક્ટોબર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર