ભારતીય ડાયસ્પોરાના અત્યારના મૌનમાં પસ્તાવો ઓછો થાક વધારે છે કારણ કે તેમને હવે ખબર પડી ગઇ છે કે ટ્રમ્પ માટેનો તેમનો પ્રેમ, તેમની વફાદારી “એક તરફા પ્યાર”થી વધારે કંઇ જ નહોતી. ટ્રમ્પ તેમના આ અહોભાવ અને પ્રેમનો પ્રતિસાદ આપશે એ માનવું એક ભ્રમ હતો

ચિરંતના ભટ્ટ
યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દોસ્તીને નામે લોકોએ સોંગદો ખાવાની જ બાકી રાખી હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમને જે આલિંગનો આપ્યા હતા તે તો શોલે ફિલ્મના જય અને વીરુની દોસ્તી યાદ કરાવે એ હતા. વિદેશમાં વસનારા ભારતીયો (આ કિસ્સામાં યુ.એસ.એ.માં વસનારા) – ઇન્ડિયન ડાયસ્પોરાના એક હિસ્સાને અને આપણે ત્યાંના એક હિસ્સાને લાગ્યું કે બસ હવે તો અમેરિકા અને ભારત એક સાથે કદમ મિલાવીને ચાલશે અને આપણે તો ક્યાંના ક્યાં પહોંચી જશું! મોદી અને ટ્રમ્પની વચ્ચે એક ઐતિહાસિક દોસ્તી શરૂ થવાની હોવાનો હરખ કોણ જાણે કેટલાયે વ્યક્ત કર્યો હશે. ભારતમાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી વિચારસરણી પ્રત્યે ઝુકાવ ધરાવનારા ભારતીય અમેરિકનો માટે આ કોઇ રાજકીય કૂટનીતિ નહીં, પણ તેમના નસીબને ઉજાળનારી પરિસ્થિતિ હતી. તેમને તો સ્વપ્ને પણ કલ્પના નહોતી કે જે દેખાય છે એ ખરેખર હોય જ એવું માની લેવાની ભૂલ તેમને નિરાશા સિવાય કંઇ નહીં આપે.
હ્યુસ્ટન અને અમદાવાદની રેલીઓમાં “અબ કી બાર ટ્રમ્પ સરકાર”ના નારા ગૂંજ્યા જે મોદીના પોતાના ચૂંટણી પ્રચાર “અબ કી બાર મોદી સરકાર”માંથી જ ઉઠાવાયો હતો. મોદી અને ટ્રમ્પ એક બીજાનું પ્રતિબિંબ છે, એક બીજાના પર્યાય છે એવો માહોલ ખડો કરાયો. ભારતીય અમેરિકન બિઝનેસમેન શલભ કુમારે તો ભારતીય ડાયાસ્પોરા સામે ટ્રમ્પને મોદીની પ્રતિકૃતિ તરીકે રજૂ કર્યા. તેમની રિપબ્લિકન હિન્દુ કોએલિશને ચૂંટણી ફંડ માટે લાખો ડોલર એકઠા કર્યા અને ટ્રમ્પના વાક્ય “મને ભારત અને હિન્દુઓ બહુ ગમે છે” વાળી વાતને ગંભીરતાથી લઇ તેને ભાઇચારાનો પુરાવો ગણવા અપીલ કરી. આ તુક્કો થોડો સમય ચાલી ગયો. ભારત – જ્યાં ધર્મ એક મોટું શાસ્ત્ર જ નહીં, શસ્ત્ર પણ છે ત્યાં મંદિરોમાં ટ્રમ્પની મૂર્તિઓ મુકાઇ, તેને લાડુ ચઢાવાયા અને ન્યુ જર્સી અને ન્યુયોર્કમાં ટ્રમ્પના ટેકેદારોએ બુલડોઝર પરેડ કાઢી. આ બુલડોઝર આપણે ત્યાં, ભારતમાં હિન્દુ બહુમતીવાદનું પ્રતીક હતા અને મુસલમાન વિસ્તારો અને વ્યવસાયોને તોડી પાડવા માટે વપરાયા હતા. અમેરિકામાં વસનારી હિંદુઓએ લોચો એ માર્યો કે આ આખી વાતને સાચી માની લીધી – તેમને એમ કે ટ્રમ્પ એટલે વોશિંગ્ટન ડી.સી.ના વ્હાઇટ હાઉસમાં બેઠેલા “આપણા માણસ” – ભારતીય ડાયસ્પકોરાએ પોતાના સાંસ્કૃતિક નોસ્ટાલ્જિયાને અમેરિકન રાજકારણ સાથે ભેળવીને એક ધારણા બાંધી લીધી.
વળી દેખાડા કે નાટ્યાત્મક પ્રદર્શનોમાં બન્ને રાષ્ટ્રના વડાઓ જરા ય પાછા પડે તેમ નથી. હ્યુસ્ટનમાં ‘હાઉડી, મોદી!’ (2019) અને અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ (2020) રેલીઓ આ નેતાઓની એકબીજા સાથેની નિકટતા દર્શાવવાનો એક વ્યવસ્થિત મંચ હતી. મેગા – માગા પાર્ટનરશીપની વાતો થઇ અને મોદી ટ્રમ્પના નારા એકબીજા સાથે ભલી ગયા. મોદી માટે આ ભારતની વૈશ્વિક શક્તિનું એક પ્રદર્શન હતું અને ટ્રમ્પ માટે આ તેમના ટેકેદારોના મોડેલ માઇનોરિટી ગણાતા વિદેશી નેતાના સ્વીકારનું એક સર્ટિફિકેટ હતું. કોઇએ એવું ન વિચાર્યું કે રેલીઓ પ્રદર્શન છે તેમાં બધું નક્કર ન માની લેવાય. આ ડાયસ્પોરા રેલીઓનો હેતુ ક્યારે ય કોઇ ઠોસ પ્રભાવ ઊભો કરવાનો નહોતો પણ માત્ર દેખાવ ખડો કરવાનો હતો. યુ.એસ.એ.માં વસનારા લાગણીશીલ ભારતીયો મોદી-ટ્રમ્પની દોસ્તીને નામે ખુશખુશાલ થઇ ગયા પણ એવું ભૂલી ગયા કે ટેક્સાસ કે ગુજરાતમાં રહેનારા ભારતીય અમેરિકનો ભગવા ઝંડા લહેરાવે પણ ભારત પ્રત્યે યુ.એસ.એ.ની નીતિ હંમેશાં લેવડ-દેવડ પૂરતી જ રહી છે અને એમ જ રહેવાની છે.
ઉપરછલ્લી દોસ્તીની હકીકતો બહુ જલદી બહાર આવી ગઇ. ટ્રમ્પની પહેલી ઇનિંગમાં ટ્રેડ વૉર્સ થયા જેમા ભારતને સાથીદાર નહીં પણ પ્રતિસ્પર્ધી તરીકે જોવાયો. ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર તગડા ટેરિફ લાગુ કરાયા. ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સિઝમાંથી બહાર રખાયો અને ભારતીય વ્યાપારની પદ્ધતિઓની ચકાસણી શરૂ કરાઇ. બીજી ઇનિંગમાં પણ ટ્રમ્પે જુદી દોસ્તીના દાવાઓ પોકળ જ છે એવું દર્શાવવાનું ચાલુ જ રાખ્યું. કોમર્સ વિભાગના સૂત્રો અનુસાર 2025માં તો આ વ્યાપારી નીતિઓ રાજદ્વારી કટોકટી બની ચૂક્યા છે. ફાર્માસ્યૂટિકલ્સ અને ટેક્સ્ટાઇલ સહિતના ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ ફટકારાયો છે. મોદી-ટ્રમ્પની દોસ્તીને કારણે બિઝનેસિઝને કોઇ સલામતી કે રાહત ન મળી.
આટલું ઓછું હતું એમાં ઇમિગ્રેશનને મામલે ભારતીય અમેરિકનો એક પ્રતિકૂળ માહોલમાં ફસાયા. બર્થ રાઇટ સિટિઝનશિપ અને H-1B વિઝા પર નિયંત્રણો ઝિંકાયા અને ભારતીય પ્રોફેશનલ્સ હચમચી ગયા કારણ કે તેમણે તો માનેલું કે અમેરિકા હવે તેમને પોતાના જ માને છે. ટ્રમ્પની બીજી ઇનિંગમાં કેટલા ભારતીયોને ઘર ભેગા કરાયા છે અને કેવી રીતે કરાયા છે તે આપણને ખબર છે. રોજના અંદાજે આઠ ભારતીયોને વતનભેગાં કરવામાં આવ્યા જેમાં વિઝા પતી ગયો હોય એવા વિદ્યાર્થીઓ, બ્યુરોક્રસીમાં ફસાયેલા ટેક વર્કર્સ અને લાંબા સમયથી જુગાડ કરીને અમેરિકામાં ગોઠવાઇ ગયેલા પરિવારો ટ્રમ્પની ઝપેટમાં આવીને ઘર ભેગા થઇ ગયા. મોદીએ જેને વ્યક્તિગત દોસ્તી અને લાગણીનું લેબલ આપ્યું તેને ડાયસ્પોરાએ પોતાનું સુરક્ષા કવચ માનવાની ભૂલ કરી અને જ્યારે ટ્રમ્પે “અમેરિકા ફર્સ્ટ”નો સિદ્ધાંત પોકાર્યો તેમાં આ બધું પડી ભાંગ્યું.
હરકારા નામના હિન્દી ડિજિટલ ન્યૂઝલેટરમાં ટ્રમ્પ ઘેલા ભારતીય ડાયસ્પોરાની માનસિકતા, અત્યારની સ્થિતિ વગેરે અંગે એક લાંબો ઇન્ટરવ્યુ તાજેતરમાં જ રિલિઝ થયો છે. દોઢ કલાકની આ વાત-ચીતમાં અમેરિકાની લેહાઇ યુનિવર્સિટી, પેન્સિલ્વેનિયામાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત નંદિની દેઓ ડાયસ્પોરા રાજકારણનાં અભ્યાસુ છે. તેઓ આ ઇન્ટરવ્યુમાં કહે છે કે જે ભારતીય અમેરિકનો એક સમયે ટ્રમ્પના પ્રચારક બની ગયા હતા તે હવે ચૂપ છે – તેઓ આ બીજી ઇનિંગના ચાર વર્ષ પૂરા થાય તેની મુંગા મોંએ રાહ જુએ છે. ન્યુ જર્સી એડિસન જે ખાસ કરીને ગુજરાતીઓ અને દક્ષિણ એશિયાઈ સમુદાયનો ગઢ ગણાય છે ત્યાંના લોકોને લાગે છે તેમનો ઉપયોગ કરાયો અને પછી તેમને ફગાવી દેવાયા. એક સમયનો તેમનો ઉત્સાહ તેમની શરમ બની ગયો છે. ભારતમાં પણ આ શરૂઆતી રોમાંચ ઘટી ગયો છે, ટ્રમ્પને માટે હવન કરનારા ભારતીયો હવે તેના પૂતળાં બાળે છે.
આ બધાની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. એક સમયે ટ્રમ્પના સૌથી મોટા હિમાયતી રહેલા ભારતીય અમેરિકનો આજે મૌન છે. અમેરિકામાં વસતા ભારતીયોને ભોળા કે લાગણીશીલ માનીને તેમને દયા ખાવી જોઇએ? યુ.એસ.એ.માં હિન્દુ રાષ્ટ્રવાદી જૂથો જેમાં વી.એચ.પી.ની વિદેશી શાખાઓ અને રિપબ્લિકન હિન્દુ કોએલિશન જેવી સંસ્થાઓ સામેલ છે. આ તમામ ટ્રમ્પના ઇસ્લામોફોબિયા, પોતાનાથી અલગ દેખાતા ઇમિગ્રન્ટ્સ પ્રત્યનો અણગમો અને બહુમતીવાદના ગાણાંને કારણે ટ્રમ્પ તરફ આકર્ષાયા હતા. તેઓ એમ માની બેઠા કે આ બધું પોતે પણ વિચારે છે એટલે ટ્રમ્પ સાથે તાલ મિલાવવો જ જોઇએ. ભારતીય ડાયસ્પોરામાંના કેટલાક હિસ્સાએ પોતાની કોમવાદી રાજનીતિનો પડઘો ટ્રમ્પના ઇસ્લામોફોબિયામાં જોયો. કાયદાકીય ઇમિગ્રેશન પ્રત્યેના તિરસ્કારને અવગણીને ટ્રમ્પની પાકિસ્તાન પ્રત્યેની કડક વાતોને બિરદાવી. લોકશાહી પર થતા હુમલાઓ જોવાને બદલે સરમુખત્યાર વલણની વાહવાહી કરી. તેમને એમ લાગ્યું કે એક જૂની લોકશાહી અને બીજી મોટી લોકશાહી મળીને કમાલ કરી દેશે પણ આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. ટ્રમ્પના ભારતીય ટેકેદારો અત્યારે ચૂપ છે, જો કે મજાની વાત એ છે કે તેમણે ટ્રમ્પનો વિરોધ પણ નથી કર્યો. તેઓ બસ અત્યારે સીનમાંથી ગાયબ છે.
ડાયસ્પોરાએ તો એ સમજવાની જરૂર છે કે મોદી અને ટ્રમ્પ જેવા રાજકારણીઓ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કઇ રીતે કરી શકે છે? આ નકરું રાજકારણ છે. ટ્રમ્પે મોદીના ગુણગાન ગાયા અને પોતાને વૈશ્વિક સત્તાધીશ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો તો મોદીએ ભારત એક રાષ્ટ્ર તરીકે યુ.એસ.એ. સાથે ખભેખભા મેળવી ચાલી શકે છે તે દર્શાવવા આ દોસ્તીનો પ્રચાર કર્યો.
ટ્રમ્પ લેવડ-દેવડમાં માનનારા એક સ્વાર્થી બિઝનેસમેન અને રાજકારણી છે અને એવા જ રહેશે. ઇલોન મસ્ક સાથેની તેમની દોસ્તી ક્યાં હતી અને હવે ક્યાં છે એ જ બતાડે છે કે ટ્રમ્પને માટે પોતાને કોઇ કેટલો વખત કામ લાગશે તેનાથી વધારે અગત્યનું કંઇ છે જ નહીં.
બાય ધી વેઃ
ભારતીય ડાયસ્પોરાના અત્યારના મૌનમાં પસ્તાવો ઓછો થાક વધારે છે કારણ કે હવે તેમને સમજાયું છે કે ટ્રમ્પ માટેનો તેમનો પ્રેમ, તેમની વફાદારી “એક તરફા પ્યાર”થી વધારે કંઇ જ નહોતી. ટ્રમ્પ તેમના આ અહોભાવ અને પ્રેમનો પ્રતિસાદ આપશે એ માનવું એક ભ્રમ હતો. રાજકારણીઓ માટે મતદાતાઓ માત્ર એક સાધન હોય છે. આ સાધનને લાભ નથી મળતા કારણ કે તેમનો જેટલો ખપ હોય છે તેટલા જ તેમને મલાવાય છે.
વિદેશી ભારતીયો કદાચ ભારતના સ્થાનિક રાજકારણમાં કંઇ પ્રભાવ ખડો કરી શકે (પાર્ટી ફંડ આપીને) પણ વ્હાઇટ હાઉસમાં દિલ્હીનું કહ્યું થાય એવું માનવું એ ફિફા ખાંડવા જેવું છે. મોદી એટલે ભારત નહીં અને ભારત એટલે મોદી નહીં. આપણા રાષ્ટ્રની વિશાળતા એક વ્યક્તિત્વને આધારે ટકી રહી છે એવું માનવાની ભૂલ ન કરવી. મોદીની ટીકા એ ભારતની ટીકા કરવાને સમાન નથી એ સમજો, અને એ જ રીતે ટ્રમ્પની ટીકા કરવાથી તમે હિન્દુઓના ગૌરવને નથી વખોડી રહ્યા. દોસ્તીના દેખાડા રાજકીય માર્કેટિંગ હોય છે. દરેક રાષ્ટ્ર માટે એ એક અનિવાર્ય અનિષ્ટ છે એ યાદ રાખીને નિષ્પક્ષતા કે તટસ્થતાથી રાજકારણીઓને નાણવા નહીંતર દુઃખી થવાનો વારો આવશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2025