
રમેશ ઓઝા
૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણસભાની બેઠકોના છેલ્લા દિવસે, બંધારણ ઘડવા માટેની મુસદ્દા સમિતિના વડા ડૉ. આંબેડકરે તેમનું છેલ્લું વક્તવ્ય આપ્યું હતું. તેમનું એ વક્તવ્ય તેમણે ૧૭મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશના ઠરાવ (ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન) પર આપેલા વક્તવ્ય જેટલું જ અપ્રતિમ હતું. તેમનું ૧૯૪૬ની સાલનું વક્તવ્ય સાંભળીને બંધારણસભાના સભ્યો દંગ રહી ગયા હતા અને તેમને બંધારણ ઘડવાના મુસદ્દા સમિતિના વડા બનાવ્યા હતા. દેશના વ્યાપક હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ વિકસાવવા કોઈ માણસ કેટલી હદે આગ્રહો છોડીને નીચે ઉતરી શકે એનું એ ઉદાહરણ હતું. ડૉ. આંબેડકર બોલતા હતા ત્યારે કેટલાક સભ્યોને લાગતું હતું કે સાક્ષાત જવાહરલાલ નેહરુ બોલી રહ્યા છે. જવાહરલાલ નેહરુએ જ ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન બંધારણસભામાં ૧૩મી ડિસેમ્બરે રજૂ કર્યું હતું અને તેના પર ચર્ચા ચાલી હતી.
બંધારણ ઘડાયું, તેને બંધારણ સભાની સામાન્ય સભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ અપવાદ વિના સર્વાનુમતે મંજૂર રાખ્યું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું. ભારત તેના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક બન્યું. પ્રજાસત્તાક એટલે પ્રજાનું રાજ્ય.
પણ જે લોકોએ સક્રિય યોગદાન આપીને બંધારણ ઘડ્યું હતું એ લોકોને ત્યારે જ ખબર હતી કે ભારતનાં બંધારણ પર અને લોકતંત્ર પર જોખમ આવી શકે છે. નાનામોટા મતભેદો ભૂલીને જે એકવાક્યતા બંધારણસભાની અંદર જોવા મળી એ એના એ જ સ્વરૂપમાં બહાર નથી. બહાર ત્રણ પરિબળો કે જૂથો એવાં છે જેમને આપણે કલ્પેલો ભારત દેશ સ્વીકાર્ય નથી અને તેમની ભારત વિશેની કલ્પના અલગ છે. એ ત્રણ જૂથો કે પરિબળોમાં પહેલું પરિબળ સામ્યવાદીઓનું. બીજું પરિબળ હિન્દુત્વવાદીઓનું અને ત્રીજું પરિબળ સામંતી સમાજવ્યવસ્થા જળવાઈ રહે તેમાં પોતાનું હિત જોનારા રાજવીઓ, જમીનદારો અને પુરોહિતોનું. આમાંથી ત્રીજું પરિબળ સંગઠિત નહોતું, પણ પ્રભાવશાળી જરૂર હતું. દેખીતી રીતે તેમને સામ્યવાદીઓ ન પરવડે એટલે તેઓ હિન્દુત્વવાદીઓને અને કાઁગ્રેસમાંના રૂઢિચુસ્તોને મદદ કરતા હતા. એ સમયે હિન્દુત્વવાદીઓ ખાસ રાજકીય તાકાત નહોતા ધરાવતા એટલે તેઓ જમણેરી રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓને અને તેમણે રચેલા સ્વતંત્ર પક્ષને મદદ કરતા હતા.

ભીમરાવ આમ્બેડકર
ખેર, આપણે વાત કરી રહ્યા છે આશંકાની. ભારતનું બંધારણ અને લોકતંત્ર યાવત્ચન્દ્ર દિવાકરૌ સુરક્ષિત રહેશે તેની ખાતરી નહોતી. માટે ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ સારસંક્ષેપી ભાષણમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું: “અત્યારે મારા મનમાં બે સવાલ ઘોળાઈ રહ્યા છે. શું ભારત તેની આઝાદી જાળવી શકશે? કારણ કે ભારતને પરાજિત કરનારા કે કરાવનારા ભારતીયો જ હતા. બીજો સવાલ એ કે શું ભારત લોકશાહી જાળવી શકશે?” અને પછી કહે છે કે “આ દેશમાં અનેક વિચારો, માન્યતાઓ અને આગ્રહો (તેમણે અંગ્રેજીમાં creed શબ્દ વાપર્યો છે.) એવાં છે જેને તેઓ દેશ કરતાં ઉપરવટ સમજે છે. તેઓ વ્યાપક દેશહિતની વિરુદ્ધ જઈને પણ પોતાની કલ્પનાનો દેશ સાકાર કરવા માગે છે. … તો શું ભારત લોકતંત્ર ગુમાવશે? મને ખબર નથી, પણ એવું બની શકે છે. એવું પણ બને કે દેખવા પૂરતું લોકતંત્રનું માળખું જળવાઇ રહે, પણ વાસ્તવમાં સરમુખત્યારશાહી હોય.” પણ એવું ક્યારે બને? આ માણસની મૌલિકતા જુઓ. “If there is a landslide, the danger of the second possibility becoming actuality is much greater.” જ્યારે ચોક્કસ વિચારધારાનો જુવાળ પેદા થાય (તેમણે landslide શબ્દ વાપર્યો છે.) ત્યારે. અત્યારે હિન્દુત્વની landslideનો અનુભવ થઈ રહ્યો છે.
ડૉ. આબેડકર તો દલિત હતા એટલે લોકશાહી જળવાઈ રહે એમાં દલિતો અને વંચિતોનું તેમણે હિત જોયું હતું. લોકશાહી એટલે પ્રજાનો અવાજ. લોકશાહી એટલે પ્રજાની સ્વતંત્રતા. લોકશાહી એટલે પ્રજાની સત્તા અને લોકશાહી એટલે કાયદાનું રાજ. પ્રજા પ્રત્યે અને કાયદા પ્રત્યે જવાબદારી ધરાવતું રાજ. સવર્ણો સમાજની સીડી પર ઉપરનું સ્થાન ધરાવે છે એટલે તેઓ વર્ચસ ભોગવે છે, ચડિયાતાપણાની સ્વતંત્રતા ભોગવે છે એટલે તેમને લોકશાહીની જરૂર નથી એમ જો તમે માનતા હો તો તમે ભૂલ કરો છો. કનૈયાલાલ મુનશી પણ આવો જ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ બ્રાહ્મણ હતા અને હિંદુ હોવા માટે ગર્વ ધરાવતા હતા. તેઓ પણ ડૉ. આંબેડકરની સાથે બંધારણ ઘડનારી મુસદ્દા સમિતિના સભ્ય હતા અને બંધારણ ઘડવામાં તેમનો પણ મોટો ફાળો હતો. તેમણે સુદ્ધાં અનેકવાર કહ્યું છે કે કાયદાના રાજમાં માત્ર માત્ર દલિતો, વંચિતો, લઘુમતી કોમોનોને જ સુરક્ષા નથી મળતી, બહુમતી પ્રજાને પણ તેમાં ફાયદો છે. વર્ચસ ધરવાનારાઓના કાયદામાં અને દેશના કાયદામાં ફરક છે. વર્ચસ ધરાવનારાઓના રાજમાં અને કાયદાના રાજમાં ફરક છે. કઈ રીતે એ હું સમજાવું. વર્ચસ ધરાવનારાઓ સાપેક્ષ છે. તેઓ બદલાતા રહે છે, તેમનો સ્વાર્થ બદલાય છે, પોતાની વગ કાયમ માટે ટકી રહે એ માટે તેઓ ટોળકી રચશે અને સત્તા પર કબજો કરશે. આ બાજુ બંધારણ આધારિત કાયદાનું રાજ સમૂહનિરપેક્ષ હોય છે.

કનૈયાલાલ મુનશી
કનૈયાલાલ મુનશીને પણ ભારતમાં લોકશાહી ટકશે કે નહીં એ વિચે ચિંતા થતી હતી. ડૉ. આંબેડકરની માફક તેમને પણ ખબર હતી કે દેશમાં કેટલાક પરિબળ એવાં છે જેમના વિચાર, માન્યતા અને આગ્રહો રાષ્ટ્રહિત કરતાં પણ આત્યંતિક છે. દેશનું થવું હોય તે થાય, પણ દેશ તો આવો જ હોવો જોઈએ.
તેઓ કોનાથી ભયભીત હતા? ૧૯૪૯ની સાલમાં કનૈયાલાલ મુનશીને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી દેવદાસ ગાંધીએ આઝાદ ભારતના ભવિષ્ય અને પડકારો વિષે લખવા કહ્યું હતું. તેમના લેખનું શીર્ષક હતું : ‘ધ આર.એસ.એસ. એન્ડ ધ કોમ્યુનિસ્ટ’ તેમાં તેઓ લખે છે કે ગાંધીજીએ વિકસાવેલો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદારના અભિગમની પરસ્પર પુરકતા જો જળવાઈ રહે તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. જો એ સુર્વણ-મધ્ય સર્વસમાવેશકતા અને અભિગમની પરસ્પર પુરકતા ગુમાવી દીધી તો સામ્યવાદીઓ અથવા હિન્દુત્વવાદીઓ હાવી થઈ જશે અને એ લોકોની કલ્પનાનું ભારત જૂદું છે. કનૈયાલાલ મુનશી લખે છે : “If the C.P.I. wins, India will be in chaos; if the R.S.S. wins India may lapse into a strong Fascist State.”
ડૉ. આંબેડકર અને કનૈયાલાલ મુનશીને જે વાતનો ડર હતો એ આજે સાચી પડી રહી છે. એક દલિત અને બીજા હિંદુ બ્રાહ્મણ. એક સદીઓથી વંચિત અને એક સદીઓથી વર્ચસ્વી. એકની કોમનો હાથ નીચે હતો, બીજાની કોમનો હાથ ઉપર હતો. પણ એ બન્નેને લાગતું હતું કે લોકતંત્ર પર આગ્રહી વિચારધારા ધરાવનારાઓ તરફથી ખતરો છે અને લોકતંત્ર જળવાઈ રહે એમાં દરેકનો સ્વાર્થ છે. ડૉ. આંબેડકર જે સમાજમાંથી આવતા હતા તેનો પણ અને મુનશી જે સમાજમાંથી આવતા હતા તેનો પણ.
ડૉ આંબેડકરે કહ્યું ભાખ્યું હતું એમ અત્યારે દેશમાં લોકતંત્રનું ખોખું બચ્યું છે અને વાસ્તવમાં સરમુખત્યારશાહી છે. ચૂંટણીપંચ ભારત સરકારનું ચૂંટણીપંચ બની ગયું છે. એકવાર ટી.એન. શેષને કહ્યું હતું કે આય એમ અ ચીફ ઈલેકશન કમિશનર ઓફ ઇન્ડિયા નોટ ઓફ ઇન્ડિયન ગવર્નમેન્ટ. લોકોની નાગરિકતા સાથે અને મતના અધિકાર સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લોકોને મત આપવાથી વંચિત રાખવામાં આવે છે અને ભૂતિયા મતદાતાઓને નામે મતદાન થાય છે. વડી અદાલતના અને સુપ્રીમ કોર્ટના કેટલાક જજ બીકાઉ અને પક્ષપાતી છે. મીડિયાની વાત જ કરવા જેવું નથી. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું એમ આની સૌથી મોટી કિંમત બહુમતી હિંદુઓને ચૂકવવાની આવશે, કારણ કે તેઓ બહુમતીમાં છે અને કાયદાના રાજમાં તેમનો વધારે મોટો સ્વાર્થ છે.
જો તમને આવું ન લાગતું હોય તો લખી રાખજો તમે એક બેજવાબદાર અને નિંભર નાગરિક છો. મુસલમાનનું અહિત કરવા માટે તમે તમારા સંતાનનું અહિત કરી રહ્યા છો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2025