
હેમંતકુમાર શાહ
જબરો સંયોગ છે આશરે દોઢસો વર્ષના અંતરાલમાં!
મહાત્મા મોહનદાસ અથવા કહો કે મોનિયો હતા ત્યારની આ વાત છે. તેઓ તેમની આત્મકથાના બીજા પ્રકરણમાં લખે છે :
“હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. એમાં એક શબ્દ કેટલ (kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું ઘણો ચેતું? મને એમ ભાસી ન શક્યું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો! મારી ‘મૂર્ખાઈ’ મને માસ્તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.”
મોહનદાસે ‘કિટલી’ શબ્દને બદલે ‘કેટલ’ શબ્દ ગુજરાતીમાં લખ્યો છે. અંગ્રેજી જોડણીમાં kettle તો કૌંસમાં લખેલો જ છે.
હવે જરા નરેન્દ્ર મોદીની વાત કરીએ. તેઓ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે કહેતા રહ્યા કે તેઓ વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. તેઓ પણ કિટલીમાં જ ચા વેચતા હશે ને!
જો કે, તેમને તેઓ ચા વેચતા હતા તે છેક ૨૦૧૪માં જ યાદ આવ્યું હતું. કદાચ એનું કારણ એ હતું કે વારાણસીમાં ઠેર ઠેર ચાના ગલ્લા હતા. બાજુમાં પાનની દુકાન હોય. ચા પીવાની અને પાન ખાવાનું એ વારાણસીના નાગરિકોની હંમેશની તાસીર અને તસવીર.
નરેન્દ્ર મોદી ૨૦૦૨, ૨૦૦૨, ૨૦૦૭, અને ૨૦૧૨ એમ વિધાનસભાની ચાર ચૂંટણીઓ રાજકોટ અને મણિનગરમાં લડેલા ત્યારે એમને તેમણે વેચેલી કિટલીની ચા યાદ આવી નહોતી.
જુઓ તો ખરા! ભારતની રાજનીતિમાં કિટલી અને ચા, બંને કેવા સામસામે છે! મહાત્મામાં નીતિ અને નરેન્દ્રમાં રાજ!
મહાત્મા ગાંધીના ‘કિટલી’ શબ્દ વિશેના આ સત્યના પ્રયોગ વિશે દુનિયામાં કોઈને શંકા જ નથી થઈ, પણ નરેન્દ્ર મોદીના ચા વેચાણના કહેવાતા પ્રયોગ વિશે ભાતભાતની શંકાઓ વ્યક્ત થયેલી છે! પાંચસાત વર્ષના એક છોકરાને ચોરી કરતાં આવડતું નથી અને બીજા ૭૫ વર્ષના વૃદ્ધને આજે દેશની સંસદમાં ચોર કહીને નવાજવામાં આવે છે!
ચા વેચાણ કદાચ નોન-બાયોલોજિકલ હશે! નરેન્દ્રની ચા મહાત્માની કિટલીમાં તો ન વેચાય ને!
તા. ૨૧-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર