સત્યકથા
આ કથા વાંચતા પહેલાં આ ‘સૂફી કેલાસા’ સાંભળો, માણો.
https://www.youtube.com/watch?v=zZasH6qkn8M

કૈલાશ ખેર
આ અને આવા ઘણાં બધાં ગીતોનો ગાયક ‘કૈલાશ ખેર’ બહુ જાણીતો થયો છે. તે ‘પદ્મશ્રી’ ધારક પણ છે. બીજા પણ ઘણા બધા એવોર્ડો પણ તેને મળ્યા છે. એનાં ગીતો બીજા કોઈ પ્રકારમાં આવતાં નથી, એટલે તજ્જ્ઞોએ એને ‘સૂફી’ કે ‘નિર્ગુણ’ ગીતો એવું નામ આપ્યું છે. વળી કૈલાસે ગાયેલાં હોવાને કારણે એ ‘કૈલાસા’ પણ કહેવાય છે.
કૈલાશ એક અદ્દભુત વ્યક્તિ છે. એ બહુ લોકપ્રિય છે. પણ ૭, જુલાઈ, ૧૯૭૩માં દિલ્હીના મયૂર-વિહારમાં કાશ્મીરી મૂળના કુટુમ્બમાં જન્મ થયા બાદ ૨૦૦૩ની સાલ સુધી – એટલે કે, ૩૦ વર્ષ – એ સાવ સાધારણ અને લગભગ સંપૂર્ણ રીતે નિષ્ફળ માણસ હતો.
તેનો પિતા મહેરસિંગ કાશ્મીરી મૂળનો, લોકગીતોનો ગાયક હતો. સાવ બાળપણમાં એમનાં ગીતોની કૈલાશના મન પર બહુ મોટી અસર જામેલી હતી. કદાચ એ જ એની લોકપ્રિયતા પાછળનું મૂળ છે. ચાર જ વર્ષની ઉમરથી એનો સૂરીલો અવાજ અને એની ગાયકી મિત્રો અને કુટુંબીજનોમાં વાહ! વાહ! પેદા કરી શકતી હતી. પણ ભણવામાં એ લગભગ ‘ઢ’ જ રહ્યો.
પોતાની એ અણ આવડત સમજી જઈને તેણે ૧૪ વર્ષની ઉમરે સંગીત શીખવા ઘર છોડ્યું. સંગીત ક્લાસની ફી ભરવા તે નાનાં નાનાં કામ કરવા લાગ્યો અને માત્ર ૧૫૦ રૂપિયાની ફીથી સંગીત પણ શીખવતો. પણ આમાં જીવન સફર શી રીતે પસાર થશે? – એ ચિંતામાં તે એક મિત્રના હસ્તકારીગીરીના ધંધામાં જોડાયો. એ ધંધો પણ પડી ભાગતાં, નીરાશામાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. પણ હાય! નસીબ, એમાં પણ તે નિષ્ફળ નીવડ્યો. સફળતાની આશાએ સિંગાપુર અને થાઈલેન્ડમાં છ મહિના રહેવા છતાં નસીબે યારી ન આપી. દિલ્હીમાં બેળે બેળે પત્ર દ્વારા શિક્ષણના માધ્યમથી એને ગમે તેમ સ્નાતકની પદવી તો મળી. પણ નોકરીઓ થોડી જ રેઢી પડી હોય છે?
છેવટે, મનગમતું ગાવાનું કામ મળી રહેશે, એ આશાએ તેણે મુંબઈમાં સ્થળાંતર કર્યું. એક વ્યાવસાયિક રીલમાં ઝણકાર (Jingle) ગાવા મળેલી તકમાં તેણે કશા ગભરાટ વિના મનમાં રણકાર કરી રહેલી ધૂન સંભળાવી. તે એ પેઢીના અધિકારીઓને ગમી જતાં એને પહેલો ૨૦૦૦/- રૂપિયાનો પુરસ્કાર મળ્યો. બસ, એ સાથે એની ગાયકી-યાત્રા શરૂ થઈ ગઈ. બહુ ઝડપથી એને આવા ઝણકારનું કામ મળવા લાગ્યું.
ફિલ્મી જગતમાં તેણે ગાયેલાં શરૂઆતનાં ગીતો છે – ‘રબ્બા ઇશ્ક ન હોવે’ – ‘અંદાઝ’ ફિલ્મ માટે અને ‘અલ્લાકે બંદે’ – ‘ઐસા ભી હોતા હૈ’ ફિલ્મ માટે. કિર્તન સંગીતના ગાયકને માટે આ શબ્દો જરાક વરવા લાગે. પણ, એ હકીકત છે કે, આ ગીતો સાથે તેની લોકપ્રિયતા રોકેટ ગતિએ વધવા લાગી. પછીની તેની જીવન યાત્રા ઝમકદાર છે. પણ, તેના પાયામાં છે – પ્રારંભના સંઘર્ષોને અતિક્રમી જતો તેનો સંગીત પ્રેમ. બીજા બધા સંગીત પ્રકારો કરતાં , હમ્મેશ તેનો નિજી લગાવ અને ઝૂકાવ લોકગીતો તરફ રહ્યો છે.
એની જીવન કથા અહીં –
https://en.wikipedia.org/wiki/Kailash_Kher
e.mail : surpad2017@gmail.com