जय हिंद કે जय जगत?

હેમન્તકુમાર શાહ
અમેરિકન ભારતીયો કે જેઓ સત્તાવાર રીતે અમેરિકાના નાગરિકો છે, કે જેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે, કે જેઓ ભારતના નાગરિક છે જ નહિ, તેઓ ભારતનો તિરંગો લહેરાવીને ૧૫મી ઓગસ્ટે ભારતનાં રાષ્ટ્રગીતો જન ગણ મન અને વંદે માતરમ્ ગાઈને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે તો તે અમેરિકાની દૃષ્ટિએ દેશદ્રોહ કહેવાય કે નહીં?
અમેરિકન સરકાર તેમની સામે દેશદ્રોહનો કેસ કરે છે? ના. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને કોઈ રાજકીય પક્ષ કે કોઈ સંસ્થાના લોકો એ બધાને અર્બન નક્સલ કહે છે? ના. “गोली मारो सालों को, देश के गद्दारों को” એવું ત્યાંનો કોઈ પ્રધાન જાહેર સભામાં ઘાંટા પાડીને બોલે છે? ના. એનો અર્થ એમ છે કે અમેરિકાના મૂળ ભારતીય નાગરિકોને ભારતનો ઝંડો જાહેરમાં લહેરાવવાની સંપૂર્ણ આઝાદી છે અને તેથી અમેરિકા માટે કોઈ ખતરો ઊભો થાય છે એમ અમેરિકન સરકાર માનતી જ નથી. અમેરિકાનું આકર્ષણ એ જ છે : શક્ય તેટલી આર્થિક, સામાજિક અને રાજકીય આઝાદીવાળું મનુષ્યનું જીવન.
અમેરિકામાં જો આમ કરવાની આઝાદી અમેરિકન ભારતીયોને હોય તો તે મનુષ્યની સાચી આઝાદી કહેવાય કે નહીં? અમેરિકાએ આટલા પૂરતો પણ वसुधैव कुटुम्बकम्-નો આદર્શ સિદ્ધ કર્યો કહેવાય કે નહીં?
રાષ્ટ્રધ્વજ એ દેશના સન્માનનું અને દેશની ઓળખનું પ્રતીક છે. ભારતીય અમેરિકન નાગરિકો અમેરિકાના આઝાદી દિન ચોથી જુલાઈએ અમેરિકન રાષ્ટ્રધ્વજને સલામી આપે અને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાય જ. તો તેઓ અમેરિકા અને ભારત એમ બે દેશ પ્રત્યે વફાદારી બતાવે છે એમ કહેવાય?
આજના વૈશ્વિકીકરણના જમાનામાં દેશો વચ્ચે ભૌગોલિક સરહદો હોવા છતાં રાષ્ટ્રના અને રાષ્ટ્રવાદના ખ્યાલો કેવા ભૂંસાઈ અને ઘસાઈ ગયા છે તે આ ઉદાહરણ પરથી સમજવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રવાદને નામે જે ધમપછાડા ચાલે છે તે કેટલા વાહિયાત છે એનો ખ્યાલ આનાથી આવવો જોઈએ.
કંસના નિકંદન પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને ત્યાંના લોકોને લઈને દ્વારકા આવીને વસેલા કારણ કે મથુરા પર જરાસંધે ૧૭ વખત હુમલા કરેલા અને ત્યાંના નગરજનોને પરેશાન કરેલા. કૃષ્ણ માટે દ્વારકા એવી જગ્યા હતી કે જ્યાં કોઈ ભય ન હોય. ભગવાન પણ ભાગેલા, ભય વિનાની જિંદગી જીવવા! આજકાલની ભાષામાં એને immigration કહે છે. એ જમાનામાં દ્વારકા કંઈ મથુરા રાજ્યનો ભાગ નહોતું, એટલે એને મથુરાના સંદર્ભમાં તો વિદેશ જ કહેવાય. માણસને કોઈ પણ જાતના ભય વગરની જિંદગી જીવવી હોય છે. એવો ભય વગરનો સમાજ ઊભો થાય એનું નામ સ્વાતંત્રતા.
ભગવાન કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે કે જે કૃષ્ણે માતા જશોદાને ગોકુળમાં પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. આ દંતકથા એમ દર્શાવે છે કે આપણે બધા મનુષ્યો એક જ છીએ, પછી ભલે ને ધર્મ કે જાતિ અલગ અલગ હોય.
આનો સ્પષ્ટ અર્થ એ છે કે માણસજાતે પોતાના દેશના નકશાઓને પ્રેમ કરવાનો છે એના કરતાં માણસને જ વધુ પ્રેમ કરવાનો છે. પૃથ્વી પરના નકશાઓ તો એક નાછૂટકે ઊભી થયેલી મનુષ્યોનાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ઊભી થયેલી વ્યવસ્થા છે. નકશાઓ રહેવાના જ છે, પણ નકશાઓથી આગળ વધીને સમગ્ર માનવજાતને પ્રેમ કરવાની જરૂર છે. વિનોબા ભાવે કહેતા હતા તેમ जय हिंदથી આગળ વધીને जय जगत।
જન્માષ્ટમી, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર